Category Archives: કવિઓ

તમારાં ચરણમાં – દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

હિમાલય રમે છે તમારાં ચરણમાં,
ને ભાગિરથી છે તમારાં ચરણમાં.

અશંકિત અમારા નમન કેમ ના હો,
તીરથ સૌ મળે છે તમારાં ચરણમાં.

નવો પ્રાણ આપે બુઝાતા દીપકને,
છે સંજીવની એ તમારાં ચરણમાં.

તમે છો અમારા સદા કાજ સાહિલ,
ને મંઝિલ અમારી તમારાં ચરણમાં.

જડાવીને જડતા થયાં શીલ જેવાં,
કરોને અહલ્યા, તમારાં ચરણમાં.

નથી કૈં અમારો ઉગરવાનો આરો,
ઉગારો, સજા દો, તમારાં ચરણમાં.

અમે સહુ તમારી કૃપાનાં જ ‘ચાતક’,
કે થોડી જગા દો, તમારાં ચરણમાં.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

એટલે તો ઝાડવાંની સુંદર સવાર – મુકેશ જોષી

એટલે તો ઝાડવાંની સુંદર સવાર,
જાગીને પંખીની ચા પીએ એટલું જ.
વાંચે ના કોઈ દિવસ કાતિલ અખબાર.

જાગેલાં પાંદડાંઓ આવેલાં સપનાંઓ
વર્ણવતા જાય ભલી ભાંતથી
ડાળીઓને નોકરીએ જાવાનું હોય નહીં
સાંભળીને ઝૂલે નિરાંતથી.
દૂધવાળો ખખડાવે એ રીતે આવીને,
વાયરોય ખખડાવે દ્વાર, એટલે તો.

અડધું પવાલું ભરાય નહીં એટલી જ
ઝાકળથી ઝાડ નાહી લેતું.
પાંચ ટકા પાણીનો કાપ હોય એ દહાડે,
આપણી તો આંખમાંથી વહેતું.
તડકાઓ ડાળીઓને લૂછેઃ ના કોઈ કરે,
શંકાના પીળા વિચાર. એટલે તો.

– મુકેશ જોષી

બસ વહેવા દો – યામિની વ્યાસ

આજે ‘World Menstrual Hygiene Day’ છે. સ્ત્રીના અસ્તિત્વના સૌથી પવિત્ર પાસા – ‘માતૃત્વ’ સાથે જેનો અતૂટ નાતો છે, એ નૈસર્ગીક પ્રક્રિયાને સદીઓથી હીન ભાવનાથી જોવાતી આવી છે, કદાચ સામાજિક દૂષણની હદે એનો વ્યાપ છે અને આ અજ્ઞાનતા પ્રેરિત, કદાચ પુરુષપ્રધાન સમાજ દ્વારા ઈરાદાપૂર્વક કંડારેલા કાંટાળા માર્ગમાંથી લગભગ દરેક મુગ્ધા, યુવતી અને પ્રૌઢ સ્ત્રી પસાર થાય જ છે.
આજે આપણે આ જૂના માર્ગને છોડીને બસ આપણા ઘરની વહુ-દીકરીઓને, સ્ત્રીઓને આ રૂઢિચૂસ્ત સકંજામાંથી બહાર કાઢીએ.
દરેક મા આ બદલાવ લાવી જ શકે, દરેક દીકરીની મુક્તિ માટે નવી કેડી કંડારી જ શકે.
બોલો, તમે તૈયાર છો?!

આવી જ હાકલ કરતી કવિતા, સુરતના કવિયિત્રી યામિની વ્યાસ રજૂ કરે છે –

હું તો કંકુવરણી શુકનિયાળ નદી છું
અને તમે બંધિયાર વાવ કહો છો!
ધીમેધીમે જૂની માન્યતાનાં જર્જરિત પગથિયાં ઊતરો તો સારું.
મેં તો એમાં સાંભળેલી બધી ગઈકાલોને વહાવી દીધી છે.
તમેય ઓગાળી દો વ્યર્થ ગુસપુસ ઘોંઘાટ.
મૌનથી વધાવો છલકી ઊઠેલા રતુંબલ પ્રવાહને.
નદીને નદી જ રાખો.
તમારી રોકટોકથી એ તરફડતી માછલી ન બની જાય,
કારણ કે
હું જ એમાં ઓગળીને ફરી નવી બનું છું.
એ રીતે હું જ ફરી મને ઘડું છું,
ને તમારો દેહ ઘડનાર પણ હું જ.
ઋતુનું ચક્ર સહજ ફરતું રહે છે.
એ દિવસો પછી ફરી લાલ જાજમ બિછાવવી શરૂ કરું
થાક્યા વિના ને
પ્રતીક્ષા પછી આખો અસબાબ વહાવી દઉં નદી બની.
કદી માતૃત્વ પ્રાપ્ત કરું
તો સર્જક બ્રહ્માજીના સાંનિધ્યે હોઉં એવું લાગે.
આ નદી મારી ફળદ્રુપતાની નિશાની છે,
સ્ત્રીત્વની વધામણી છે,
એટલે જ વહેતી રહું છું,
ત્રિવેણી સંગમની ગુપ્ત નદી માફક,
મારી જ નસેનસમાં ને સકલ અસ્તિત્વમાં પણ.
એનો આટલો ઊહાપોહ શાને?
આ તો શરમની નહીં, ગર્વની વાત છે.
તમે કંઈપણ કહેવાનું રહેવા દો.
બસ, મને વહેવા દો.

– યામિની વ્યાસ

मधुशाला – 4 डॉ. हरिवंशराय बच्चन ગુજરાતી ભાવાનુવાદ/અનુસર્જન – ડૉ. જગદીશ ત્રિવેદી

मधुशाला – 4

भावुकता अंगूर लता से खींच कल्पना की हाला,
कवि साकी बनकर आया है भरकर कविता का प्याला;
कभी न कण भर खाली होगा, लाख पिएँ, दो लाख पिएँ।
पाठक गण हैं पीनेवाले, पुस्तक मेरी मधुशाला।

– डॉ. हरिवंशराय बच्चन

મધુશાલા – 4

ભાવુકતાની દ્રાક્ષવેલથી ગાળી ઊર્મિની મદિરા,
થઈ સાકી શાયર આવ્યો છે ભરી કવિતાના પ્યાલા;
બુંદ એક ના થાશે ઓછું, લાખ પીએ બે લાખ પીએ!
ભાવકગણ છે પીવાવાળો, પુસ્તક મારું મધુશાલા.

– ડૉ. જગદીશ ત્રિવેદી

માણસ જેવો માણસ છું – ભગવતીકુમાર શર્મા

કોમળ છું, કાંટાળો છું; માણસ જેવો માણસ છું;
પોચટ છું, પથરાળો છું; માણસ જેવો માણસ છું

આકાશે અણથક ઊડવું, આ ધરતી પર તરફડવું;
ઘાયલ છું, પાંખાળો છું; માણસ જેવો માણસ છું.

તેજ-તિમિરનાં ચિતરામણ, તડકા-છાંયાનાં કામણ;
મારગ છું, ફાંટાળો છું; માણસ જેવો માણસ છું.

આંખે અશ્રુની ધારા, હોઠે સ્મિતના ઝબકારા;
ખુલ્લો છું, મર્માળો છું, માણસ જેવો માણસ છું.

ધિક્કારું છું હું પળમાં, પ્રેમ કરું છું હું પળમાં;
આશિક છું, કજિયાળો છું; માણસ જેવો માણસ છું.

ચોમાસે પાણી પાણી; ચૈત્રે લૂઝરતી વાણી;
ભેજલ છું, તડકાળો છું; માણસ જેવો માણસ છું

શ્વાસોની મનભર માયા, મૃત્યુની નિશદિન છાયા
ક્ષણક્ષણનો તરગાળો છું; માણસ જેવો માણસ છું

ભગવતીકુમાર શર્મા

હાથમાં આવેલ મોકો ક્યાંક છટકી જાય તો! – અનિલ ચાવડા

એ જ કારણથી વધી ગઈ ‘તી અમારી લાય તો,
હાથમાં આવેલ મોકો ક્યાંક છટકી જાય તો!

શ્વાસને ઇસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા,
ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો!

સાંકડી દીવાલમાંથી ગીત ફૂટી નીકળે પણ,
આ હવા પણ જો ફરી ધીમે રહીને વાય તો.

ને ચરણ આ છેક કૂવા પાસ જઈ ઊભાં રહ્યાં,
કોક જો એકાદ ટીંપું ક્યાંક પાણી પાય તો.

સાવ ટૂંકા છે બધા રસ્તા છતાં લાચાર છું,
શું કરું હું, ક્યાંય મારાથી જ ના પ્હોંચાય તો?

– અનિલ ચાવડા

બોલ સાજના જાઉં પિયરિયે? – મુકેશ જોષી

બાપુના અક્ષરની લ્હેરો, બોલ સાજના જાઉં પિયરિયે?
કાગળમાં છે માનો ચહેરો, બોલ સાજના જાઉં પિયરિયે?

મંદિરમાં મંજીરાં રણકે એમ રણકવા જાઉં?
પાંચીકાની ગમતી મોસમ ગળે લગાડી આવું.
આંબાડાળે ટીંગાડેલું ગીત ફરીથી ગાવું,
એક સખીની અડધી તાલી પાછી દેતી આવું,
થાક ઉતારે એવો ફેરો. બોલ સાજના જાઉં પિયરિયે?

ખાટામીઠા જન્મારાની વાત કરી દઉં માને
બાપુજીનાં ચશ્માને સંતાડું છાને છાને
સઘળાં સુખો સાથે પાછાં ચશ્માં શોધી આપું
એકલતાના દરિયામાં જઈ બાંધું નાનો ટાપુ
સુખનો રંગ બનાવું ઘેરો, બોલ સાજના જાઉં પિયરિયે ?

– મુકેશ જોષી

એક વણજારાનું ગીત – જયશ્રી વિનુ મર્ચન્ટ

ગાતો હતો એક વણજારો,
અદીઠ, અજાણી સીમ છે ક્યાં?
સૂકી ભોમકા યુગોયુગોથી,
આભની એ રિમઝિમ છે ક્યાં?
ગાતો હતો એક વણજારો…

લઈ જાઉં ક્યાં આ અજંપો,
વતનની મારી એ નીમ છે ક્યાં?
તડકો ભીંજાય, સૂકાય વાદળ,
ભીનાશ જગમાં અસીમ છે ક્યાં?
ગાતો હતો એક વણજારો…

થાક છે તોયે નીંદ ન આવે,
તારાની આજે ટિમટિમ છે ક્યાં?
‘તારું-મારું’ની ઠાલી તકરાર,
જુદા અહીં રામ-રહીમ છે ક્યાં?
ગાતો હતો એક વણજારો…

– જયશ્રી વિનુ મર્ચન્ટ

એ પળ હજી ન ભાળી – વિનોદ જોષી

સ્વયં કવિશ્રીના અવાજમાં આ ગીતનું પઠન પણ એટલું જ સુંદર!

એ પળ હજી ન ભાળી,

હોઈ શકે એ મેઘધનુષી, હોઈ શકે છે કાળી!

વરસોથી બેઠું પગ વાળી વાદળમાં ચોમાસું,

ઊભી ધાર ન ફાવે એને હોય વ૨સવું ત્રાંસું,

ખરબચડી આખી આવરદા ખોટુકલી પંપાળી!

ઘાસ રાતભર ખમે હવાના હણહણતા હડદોલા,

પછી સવારે ગણે ઝીણકા ઝાકળના ફરફોલા;

ટહુકા જેવું રોજ કશું ચુપચાપ વીણતો માળી!

– વિનોદ જોષી

[કાવ્ય સંગ્રહ – ખુલી પાંખે પિંજરમાં]

શાહીના ખડિયાઓ પિવડાવું – મુકેશ જોષી

શાહીના ખડિયાઓ પિવડાવું,
તોય તું આંસુના ખડિયાઓ તાકતી,

ઓ મારી પેન! જઈ વૈદ્યને બતાવ
તને આટલી તરસ કેમ લાગતી?

થાકી જવાય આમ આંખોનાં ખેત૨માં
તાજો વ૨સાદ રોજ વાવતાં,

મોસંબી જ્યૂસ મને ભાવે છે જેમ
તને એ રીતે ઝળઝળિયાં ભાવતાં.

છાતીના પાડોશી ખિસ્સામાં બેસીને
એક એક ધડકન તું ચાખતી.

દિલનાં કમાડ ભલે વાસીને રાખું
આ તારી તરસ કેમ વાસું.

માફક ના આવતું કોઈ બીજું જળ
તું માગે છે ઘરનું ચોમાસું.

કોઈ દિવસ તું મને એવું જગાડતી કે
જાણે આ કુંડલિની જાગતી.

– મુકેશ જોષી