Category Archives: ટહુકો

‘વૈજ્ઞાનિક ડો. દિનેશભાઇ ઓ. શાહ માર્ગ’ ની લોકાર્પણ વિધિ

૧૮ ડિસેંબર ૨૦૧૧, રવિવાર ના રોજ, ખેડા તાલુકા માં આવેલ, કપડવંજ શહેરની નગરપાલિકા આપણા મિત્ર કવિ ડો. દિનેશભાઇ ઓ. શાહ નું વિજ્ઞાન, સમાજ સેવાના ક્ષેત્રે યોગદાન, અને ઔદાર્યને સન્માનવાની છે. દિનેશભાઇના વારસાગત ઘરથી લઇને નગરના મુખ્ય રસ્તા ને જોડતા રસ્તાને ‘વૈજ્ઞાનિક ડો. દિનેશભાઇ ઓ. શાહ માર્ગ’ નું નામ અપાશે. આ પ્રસંગને સન્માનવા મુખ્ય અતિથી પ્રિંસ્ટન યુનિવ્રસિટીના પ્રાધ્યાપક રોબર્ટ પ્રુધ્હોમ અને માનનિય અતિથિ ભારતના સુપ્રિમ કોર્ટ ન્યાયાધિશ શ્રી ગિરીશભાઇ નાનાવટી રહેશે.

આ અવિસ્મરણીય પ્રસંગે, વ. દિનેશભાઇને ટહુકાના સર્વે મિત્રો, તેમના વિધ્યાર્થીઓ તરફથી હાર્દિક અભિનંદન. દિનેશ્ભાઇ નું પ્રેરણારુપ જીવન, એક કોડીયામાં પ્રગટેલ દિવડા સમાન છે. ૧૭ ડિસેંબરની સાંજે જ્યારે કપડવંજ શહેરની નગરપાલિકા ૧,૩૦૦ દિવડા ‘વૈજ્ઞાનિક ડો. દિનેશભાઇ ઓ. શાહ માર્ગ’ ઉપર પ્રગટાવશે. આ પ્રસંગે દિનેશભાઇને શુભેચ્છા અર્પતા, દિનેશભાઇની લખેલ અમને ખુબજ ગમતા બે ગીતો માણિયે…

દિવડો – ડો. દિનેશભાઇ ઓ. શાહ

ભીની રે માટી ચડાવી ચાકડે, મુને ચાકડે ખુબ ઘુમાવ્યો રે
નીર છાંટી એણે ઘાટ ઘડ્યો, લઇ દોરી મુજને કાપ્યો રે
મુને ચાકડે ખુબ ઘુમાવ્યો રે

કોકે મુકી એક વાટ લાંબી, કોકે તેલ ભરી છ્લકાવ્યો રે
કોકે રુપાળા હાથે મુજને, ઉંચે ગોખ ચડાવ્યો રે
મુને ચાકડે ખુબ ઘુમાવ્યો રે

સૂરજ ડુબ્યો અંધાર છવાયાં, કોકે મુને, પ્રગટાવ્યો રે
દૂર ન થાય અંધારા જગના, મેં ગોખલો એક ઉજાવ્યો રે
મુને ચાકડે ખુબ ઘુમાવ્યો રે

તેલ ખુટ્યું ને વાટ ખુંટી, મારા સપનાનો અંત ન આવ્યો રે
લાખ દિવા એક જ્યોતમાં દીઠા, સાર જીવનનો જાણૉ રે
મુને ચાકડે ખુબ ઘુમાવ્યો રે

રેતી માંથી રતન (A tribute to my students) – ડો. દિનેશભાઇ ઓ. શાહ

 

ખોળ્યા મેં અવની આભ ઘણાં
કિધાં મેં સાગર પાર ઘણાં
એક કારણ આ કોણે ઘડ્યાં
મને રેતી માંથી રતન જડ્યાં
ખોળ્યા મેં અવની આભ ઘણાં….

દેશ વિદેશ કે પંથ તણાં
એને ભેદ નથી કોઇ ધર્મ તણાં
હીરા કઠીન આ વજ્ર સમાં
મને રેતી માંથી રતન જડ્યાં
ખોળ્યા મેં અવની આભ ઘણાં….

ઝબક્યા હીરા, અંધાર ઘણાં
એક દીપક, પણ પ્રતિબિંબ ઘણાં
એક જ્યોત માં લાખ દીવા મેં દીઠા
મને રેતી માંથી રતન જડ્યાં
ખોળ્યા મેં અવની આભ ઘણાં….

સોયમાં દોરો -ડૉ.નિલેશ રાણા

આજના આ ગીત માટે ઊર્મિનો ખાસ આભાર… 🙂

velvet_painting_pz99_l-sml.jpg
(…મારામાં સંધાયુ કંઈ!)

સંગીત – સ્વર : નયનેશ જાની

સોયમાં દોરો પરોવતી જોઈ તને મારામાં સંધાયુ કંઈ,
છમછમ છાલક સમ છલકાયો પળમાં ને મારામાં બંધાતુ કંઈ.

શ્વાસો તારાથી ને શ્વાસોથી હું, આ બાંધણીને છોડવી તે કેમ?
તસતસતા કમખામાં ગુંગળાતા હોય કદી વ્યાકુળ ધબકારાની જેમ;
નજરોમાં રોપાતી મોગરા-શી તું અહીં મુજમાં સુગંધાતુ કંઈ.

છલકાતા રણ પર સરોવર લખાય પણ એ રેતકણમાં કૂંપળનું ફૂટવું,
ઓગળતો તારામાં સ્થિર થઈ આજ હવે હું જ મને મારાથી ઝૂટવું;
હૈયું કપૂર સમ ઉડતું રહ્યું ને જૂઓ મારામાં ઘેરાતુ કંઈ.

-ડૉ.નિલેશ રાણા

મારા ઘરને આંગણું, આંગણીયે ઉગ્યો ડમરો – વિહાર મજમુદાર

શબ્દ –  સ્વરાંકન : વિહાર મજમુદાર
સંગીત : અમીત ઠક્કર
સ્વર : ગાર્ગી વોરા, અનુપા પોટા

ડમરો....

મારા ઘરને આંગણું, આંગણીયે ઉગ્યો ડમરો
કળી હજી જ્યાં ખીલી, ખીલી ત્યાં પાછળ પડીયો ભમરો
મારા ઘરને ………..

મારે આંગણે લીલેરા પોપટ ઉડીયા
મારે આંગણે બપૈયા ઝીણું બોલીયા
મારે આઁખે સોનેરી શમણાં કોળીયા
મારે શમણે ગુપચુપ આવી… વ્હાલમજી કાં કનડો……..
કળી હજી જ્યાં ખીલી, ખીલી ત્યાં પાછળ પડીયો ભમરો

પારિજાતનાં રંગે રંગ્યું આકાશને,
એની મ્હેકથી ઘુંટ્યા મેં મારા શ્વાસને
ક્યાંક ખોઈ આવી હું શું હળવાશને,
મારું ગમતું ફુલ બનીને વ્હાલમજી કાં પમરો?
કળી હજી જ્યાં ખીલી, ખીલી ત્યાં પાછળ પડીયો ભમરો

તારા નામની ઓકળીયો પાડું ઉરમાં
વેલ ચીતરૂં હું લાગણીના પૂર માં
મારૂં મનડું ગાયે રે મીઠા સૂર માં
ભીના સૂરમાં ભીંજાઊ હું ને……. મીત ! તમે પણ પલળો……
કળી હજી જ્યાં ખીલી, ખીલી ત્યાં પાછળ પડીયો ભમરો

સ્પર્શોના ટોળામાં કોઇ ગુલાબ થઇને ખીલ્યું – અરુણા ચોક્સી

કવિ – અરુણા ચોક્સી
સ્વરાંકન – નરેન્દ્ર જોશી
સ્વર અને સંગીત – અચલ મહેતા

સ્પર્શોના ટોળામાં કોઇ ગુલાબ થઇને ખીલ્યું
ઝરમર ઝરતું આભ.. આભને આંખો થઇને ઝીલ્યું

આ વાદળ ને વાદળની કોરે વીજળીનો કટકો
ડુંગર.. ને ડુંગરના શિખર પરથી સરતો તડકો
સ્પર્શોના ટોળામાં…

તડકો પીને રાતું રાતું એવું કોઇ મલક્યું
પાતાળેથી પૂર ઉમટીયું પાંખો તોડી અડક્યું
સ્પર્શોના ટોળામાં…

કૂણો તડકો ટેરવે લીધો, —- ? વચ્ચે રોપ્યો
ભડકે ભડકે આગ —– ?
સ્પર્શોના ટોળામાં…

પીઠી ચોળી લાડકડી ! – બાલમુકુંદ દવે

વ્હાલી પૂર્ણિમાને… ખૂબ ખૂબ વ્હાલ સાથે.. !

તું તુલસીનો ક્યારો લાડકડી !

સ્વર – કૌમુદી મુન્શી
સ્વરાંકન – ?

પીઠી ચોળી લાડકડી !
ચૂંદડી ઓઢી લાડકડી !
ચૂંદડીએ ધબકારા ઢાંક્યા ને
કરમાં કર સોંપ્યા લાડકડી !

મીઠી આવો લાડકડી !
કેમ કહું જાઓ લાડકડી ?
તું શાની સાપનો ભારો ?
-તું તુલસીનો ક્યારો લાડકડી !

ચરકલડી ચાલી લાડકડી,
રહેશે ના ઝાલી લાડકડી !
આછેરી શીમળાની છાયા :
એવી તારી માયા લાડકડી !

સોડમાં લીધાં લાડકડી !
આંખભરી પીધાં લાડકડી !
હીબકાંને હૈયામાં રૂંધ્યાં ને
પારકાં કીધાં લાડકડી !

-બાલમુકુંદ દવે

.. પણ માધવની વેદના અજાણી – પૂજ્ય ઈંદિરાબેટીજી

શબ્દો – પૂજ્ય ઈંદિરાબેટીજી
સ્વર – સંગીત : કલ્પક ગાંધી

રાધાની વેદના તો દુનિયા એ જાણી પણ માધવની વેદના અજાણી
હૈયા ના ગોખ મહી સાચવી ને રાખી ને હોઠ પર ક્યારેય ના આણી

રાધા એ શબ્દોના બાણ ઘણા માર્યા પણ માધવના ખોલે કંઈ વાણી
વાંસળીના સ્વરમાં પણ વહેતી ના મુકે એ, માધવ તો મનના બંધાણી

માધવની નજરો માં છાનું છાનું જોયું ત્યાં ઝાંખી એ મુજને દેખાણી
ઝળું ઝળું સાવ થતી આંખોમાં વાદળ ને વાદળમાં વેદનાના પાણી

રાધા રે રાધા આ મૂંગા તે માધવની વેદના છે તુજ થી અજાણી
તારી તે પીડાના કોચલામાં તુજને એ કદીયે ના થોડી સમજાણી?!

એક વાર માધવના મનને તું વાંચજે ખૂટશેના આંખોના પાણી
“શ્રાવણી” તો શ્રાવણના જળમાં જઈ ડૂબી કે કોણ એને બ્હાર લેશે તાણી?

થોડુંક હરખી જોઈએ – યામિની વ્યાસ

સ્વર –સ્વરાંકન : શૌનક પંડ્યા

જીંદગીમાં ચાલતાં પળવાર અટકી જોઈએ
ફૂલ ખીલ્યું જોઈને થોડુંક હરખી જોઈએ

શક્ય છે કે બાળપણ મુગ્ધતા પાછી મળે
થઇને ઝાકળ પાંદડીનો ઢાળ લસરી જોઈએ

આ ઉદાસીને નહીંતર ક્યાંક ઓછું આવશે
આંખ ભીની થઇ ગઇ છે સહેજ મલકી જોઈએ

– યામિની વ્યાસ

ટીંગાટોળી….. ટીંગાટોળી – વિહાર મજમુદાર

આ ગીત સાથે મુકવા માટે ટીંગાટોળીનો એક ફોટો ગૂગલ કરી જોયો – પણ એમ કંઇ ૧૦૦% ગુજરાતી શબ્દનું ભાષાંતર કરીને ચાલતું હશે?  મને તો એક પણ ફોટો ના મળ્યો…! તમારી પાસે એવો કોઇ – બાળકને ટીંગાટોળી કરતો ફોટો હોય તો મોકલશો? (અથવા તો ફોટો પડાવવા માટે કોઇની ટીંગાટોળી કરી લ્યો..! એ પણ દોડશે..!! 🙂

Upate : લો.. એક ફોટો તો એક ટહુકો-મિત્ર તરફથી મળી ગયો..! તમારે પણ કોઇ ફોટો મોકલવો હોય તો મોકલી દ્યો..! આજની પોસ્ટમાં એક થી વધુ ફોટા હશે તો ગીત સાંભળવાની વધુ મઝા આવશે..!

ટીંગાટોળી...

*****

શબ્દ- સ્વરાંકન : વિહાર મજમુદાર
સંગીત: અમીત ઠક્કર
સ્વર: માનસી, પરીધિ, ઉર્જા

ટીંગાટોળી…………… ટીંગાટોળી.
મમ્મી ને પપ્પાએ ઝાલી રેશમ જેવી ઝોળી
ટીંગાટોળી………….. ટીંગાટોળી.

સવાર પડતાં સૂરજદાદા સામે આવી ઉભા
તડકા સાથે મસ્તી કરતાં હળવે મારૂં ગુબ્બા
મસ્તી કરતાં ભૂખ લાગી – ખાવી ચાંદાપોળી
ટીંગાટોળી………… ટીંગાટોળી.

ચાંદાપોળી ખાતાં ખાતાં નીંદર આવી આઁખે
માને ખોળે સૂઈને ઉડું હું સપનાની પાંખે
મારે સપને ઉડતી આવી સો સો પરીઓની ટોળી
ટીંગાટોળી………. ટીંગાટોળી.

આઁખ ઉઘાડી જોયું ત્યાં તો મમ્મી પપ્પા ગૂમ
આજુ બાજુ જોતાંજોતાં પાડી ત્યાં મેં બૂમ !!!
‘ચાલ આપણે રમીએ સાથે’ જો ! બોલી એક ખિસકોલી
ટીંગાટોળી. …….. ટીંગાટોળી.

આપણી તો આટલી છે વારતા – હિમલ પંડ્યા “પાર્થ”

સ્વર – ડો. ભાવના મહેતા
સ્વરકાર -પ્રણવ મહેતા
સંગીત સંચાલન – નીરવ પંડ્યા, જ્વલંત ભટ્ટ
રેકોર્ડીંગ – સુનીલ પંડ્યા

જીતવા જેવું બધુંયે હારતા,
આપણી તો આટલી છે વારતા!

ઝાંઝવામાં સ્વપ્ન કેરી નાવને,
લઇ હલેસાં આશના હંકારતા;

રોજ તારી યાદ આવી જાય છે,
એક જૂના જખ્મને સંભારતા!

તુજ થકી આ મેળવેલાં દર્દને,
શબ્દકેરું રૂપ દઈ શણગારતા;

‘પાર્થ’ કોઈ રાહ તો ચીંધે હવે;
ખૂબ ચાલ્યા વ્યર્થ ફાંફા મારતા!

– હિમલ પંડ્યા “પાર્થ”
(ઓડિયો આલ્બમ ‘એવું લખ હવે’ માંની ગઝલ રચના)