Category Archives: ટહુકો

પૂછતી નહીં કેટલો પાગલ… – સુરેશ દલાલ

૪ વર્ષ પહેલા – રૂપકુમાર રાઠોડના સ્વર-સ્વરાંકન સાથે પ્રસ્તુત કરેલ આ મઝાનું ગીત – આજે એક એવા જ મઝાના – પણ નવા સ્વર-સ્વરાંકન સાથે ફરી એકવાર…

સ્વરાંકન : માલવ દિવેટીઆ
સંગીત : શ્યામલ – સૌમિલ મુન્શી
સ્વર : અમન લેખડિયા

*****************

Posted on January 12, 2010

(આભમાં જોને કેટલાં વાદળ… ..June 2009, Clouds over Utah)

સ્વર – સંગીત : રૂપકુમાર રાઠોડ

પૂછતી નહીં કેટલો પાગલ… કેટલો પાગલ…
આભમાં જોને કેટલાં વાદળ…
એટલો પાગલ…

ઝાડનું નાનું ગામ વસાવ્યું ને ફૂલને
તારું નામ દીધું છે.
ભમરા તને ગુંજયા કરે: ગુંજવાનું મેં કામ દીધું છે.

જળને તારું નામ દઈ ઢંઢોળી દેતો.
ખોવાઈ ગયેલા નામને મારા ખોળી લેતો.
નદી તારા નામની વહે: એ જ નદીનું જળ પીધું છે.

આપણા પ્રેમની, સુખની દુ:ખની વાત કરું છું
શબ્દો આગળ.
પૂછતી નહીં કેટલો પાગલ… કેટલો પાગલ…

પ્હાડની ઉપર સૂરજ ઊગ્યો: રાતના ઊગ્યા તારા.
દિવસ અને રાત તો તારા નામના છે વણજારા.

ધરતીમાંથી નામનાં તારા તરણાં ફૂટે.
ઝરણાં તારા નામને ઝીણા લયમાં ઘૂંટે.

સાગર, ખડક, પવન, સડક, ઝૂંપડી, મકાન…
સૌને તારું નામ કીધું છે.

નામ તો તારું ગીતને માટે
સાવ કુંવારો કોરો કાગળ…

પૂછતી નહીં કેટલો પાગલ… કેટલો પાગલ…

વીજલડી રે – અવિનાશ વ્યાસ

સ્વર – મન્ના ડે અને સુલોચના વ્યાસ
સંગીત – અવિનાશ વ્યાસ

વીજલડી રે
વીજલડી રે આમ ઝબકીને હાલ્યા જવાય નહિ

એક વાર ઝબકો એમાં
ટાઢક શું થાય એ કહો
રે મુને તાક્યા વિના રહેવાય નહિ

વીજલડી રે
વીજલડી રે આમ ઝબકીને
હાલ્યા જવાય નહિ

નારી એક જ્વાલા
એની પૂંઠે ખાખ થવાય નહિ ઠાલાં

ઘાયલ થયાની ગત ઘાયલ જ જાણે
એમને લાગેલો જખમ છોને ભવોભવ રૂઝાય નહિ

વીજલડી રે
વીજલડી રે આમ ઝબકીને
હાલ્યા જવાય નહિ

આભાર – માવજીભાઈ.કોમ

ઐસી તૈસી – અશરફ ડબાવાલા

આપ સૌને ૨૦૧૪ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..! અને નવુ વર્ષ આવવાનું હોય એટલે ગયા વર્ષના સરવૈયાની વાતો થયા વગર તો ક્યાંથી રહે? પણ એ જ સંદર્ભમાં અશરફભાઇની આ ગઝલનો મત્લા ચોક્કસ યાદ આવે..!!

સ્વર – શાન
સ્વરાંકન – ગૌરાંગ વ્યાસ

સરવૈયાની ઐસી તૈસી, સરવાળાની ઐસી તૈસી,
જીવની સાથે જીવી લીધું ધબકારાની ઐસી તૈસી.

જીવનના અંતે ઈશ્વર કે જન્નત જેવું હો કે ના હો,
બસ સ્વયંવર જીતી લીધો, વરમાળાની ઐસી તૈસી.

શ્વાસોથી ભીંજાઈ ચાલો ડૂબીએ ભીના સપનામાં,
હોડી લઈને ભવસાગરમાં તરનારાની ઐસી તૈસી.

ઊંડે મનમાં ઉતરી તારું રૂપ નિરખશું બંધ આંખોથી,
પગદંડીઓ, રસ્તાઓ ને અજવાળાની ઐસી તૈસી.

– અશરફ ડબાવાલા

અમે ગીતોના માણસ રે લોલ – હિતેન આનંદપરા

અમે ગીતોના માણસ રે લોલ
તમે આપીને કોઇ દી પાળો નહી, અમે સાચવીએ વણદીધા કોલ.

આંખ ભેદી બખોલ, એમાં અંધારું ઘોર, કોઇ હૈયા લગ કેમ કરી પહોંચે?
રાત સૂની નઘરોળ, ઝીલે બાવળના સોળ, કોઇ શય્યા લગ કેમ કરી પહોંચે?
દરવાજા-બારીને બંધ કરી દો છો ને હળવેથી કો’ છો કે બોલ !
અમે ગીતોના માણસ રે લોલ.

આભ તલસે તલભાર, કોઇ આવી પળવાર, સૂના આયખાનો ઢોલિયો ઢંઢોળે,
પાય સોંસરવી ઝાળ, પડે ધરતીને ફાળ, કોણ થાશે ગરક મારે ખોળે,
પડતા પતંગ પાસ ભાગે સૌ કોઇ, અમે ભાગીએ પકડવાને ઝોલ.
અમે ગીતોના માણસ રે લોલ.

તાકધીંતાને તાલ, બજે ઢોલક પર વ્હાલ, સૂર સગપણનો સથવારો શોધે,
થયા શ્વાસો તો લાલ, લોહી રમતું ત્રિતાલ, ચૂર શબ્દોમાં અર્થોને ઘોળે,
કોઇ આંગળીની થાપ માટે તરસી રહેલા અમે ચામડીના ગણવેશે ઢોલ.
અમે ગીતોના માણસ રે લોલ.

– હિતેન આનંદપરા

Happy 8th Birthday to શબ્દો છે શ્વાસ મારા

આજે ૨૯મી ડિસેમ્બર – ગુજરાતીભાષાના સ્વરચિત કાવ્યોના સૌપ્રથમ બ્લોગ ‘શબ્દો છે શ્વાસ મારા’નો જન્મદિવસ..!! આજના દિવસે મિત્ર વિવેક ટેલરને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીએ આ મઝાનું ગીત..!

અને હા, અમદાવાદના મિત્રોને તો લ્હાવો મળશે એક રસપ્રદ વિષય સાથે વિવેકને સાંભળવાનો..!

*

અંદર ક્યાંક ધરબીને રાખેલું ગીત જેમ નીકળી પડે રે વાતવાતમાં,
એમ વાદળો અથડાય છે આકાશમાં,
ચાલ, નીકળી પડીએ આ વરસાદમાં…

ઓગળતી ઓગળતી ઓગળતી જાય જાત
અંદર-બાહર બધ્ધું જ તરબોળ;
ભીતરના ચમકારે ભીંજાતી પળપળને
પ્રોવી, પ્રોવામાં થાઉં ઓળઘોળ
સાત સાત રંગ પડે ઝાંખા એમ આભમાં તેજ થઈ ઝળહળીએ, વા’લમા !
ચાલ, નીકળી પડીએ આ વરસાદમાં…

હોવાની હોડીને તરતી મેલીને
ચાલ, વહી નીકળીએ ગઈકાલમાં;
વ્યસ્તતા ઓઢીને જ્યાં કોરું રહેવાનું નહીં,
ભીંજાવું કેવળ સંગાથમાં
ફંટાતા માર્ગ પાણી-પાણી થઈ જાય એમ વરસીએ હાથ લઈ હાથમાં.
ચાલ, નીકળી પડીએ આ વરસાદમાં…

– વિવેક મનહર ટેલર
(૦૬-૦૭-૨૦૧૦)

*

કોને ખબર ? – રમેશ પારેખ

સ્વર – સંગીત – આશિત દેસાઇ

ઝાડમાંથી શું ગયું કોને ખબર ?....   Dublin, CA
ઝાડમાંથી શું ગયું કોને ખબર ?…. Dublin, CA – December 24, 2012

પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?

શ્હેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશિખ ઉજ્જડ રહી ગયું કોને ખબર ?

શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મરણ?
એને મારું એક મન ઓછું પડ્યું ? કોને ખબર ?

સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સતત,
ને સવારે આંખમાંથી શું વહ્યું ? કોને ખબર ?

માછલીએ એકદા જળને પૂછ્યું : તું કોણ છે ?
એનો ઉત્તર શોધવા જળ ક્યાં ગયું, કોને ખબર ?

મેં અરીસાને અમસ્તો ઉપલક જોયો, રમેશ
કોણ એમાંથી મને જોતું રહ્યું, કોને ખબર ?

– રમેશ પારેખ

સમય પણ કેટલું વાગી શકે ! – ગુંજન ગાંધી

ફૂલ પર એ જીવવાની કામના ત્યાગી શકે,
પણ કહો ઝાકળ કદી આખો દિવસ જાગી શકે ?

આભ છે ઘનઘોર ને છે વાદળોનો ગડગડાટ
એક જણને ભીતરે તડકા-પણું લાગી શકે !

માપસરના હાથ જોડી માપસર માથું નમાવી
માપસરનું કરગરી એ મહેલ પણ માંગી શકે !

ઈસુથી લઈ આદમી લગ, છે બધું લોહી-લુહાણ
એકલે હાથે સમય પણ કેટલું વાગી શકે !

Deal કરતાં આવડે આકાશ સાથે જો તને
Lamp ને બદલે તું ઘરમાં ચંદ્ર પણ ટાંગી શકે !

– ગુંજન ગાંધી

આંખો અટવાણી જ્યારે વનની વનરાઇમાં – મનસુખલાલ ઝવેરી

પ્રસ્તાવના – હરીન્દ્ર દવે
સ્વર – કૌમુદી મુન્શી
સ્વરાંકન – નીનુ મઝુમદાર (?)

આંખો અટવાણી જ્યારે વનની વનરાઇમાં ને
ગિરિવર ઘેરીને ઊભા આભને, હો જી.

શિખરો ખોવાણાં એનાં વાદળના વૃન્દમાં ને,
ખીણો ખોવાણી આછી ધુમ્મસે હો જી.

ઝરમર ઝીલ’તી ઝીણી જલની ઝંકોર જ્યારે,
સાચી યે સૃષ્ટિ ભાસી સોલણું, હો જી.

નાનકડું મારું જ્યારે મનડું ખોવાણું એમાં
જગ રે ખોવાણું જ્યારે સામટું, હો જી.

સાંપડિયો ત્યારે મારા આતમનો સાહ્યબો ને
થળથળ ઘેરી એ ઊભો આંખડી, હો જી.

ફૂલડાંની ફોરે એ તો ઘંટડે ઘૂંટાણો મારે,
રહ્યું જી પછી તો શું રે શોધવું, હો જી?

– મનસુખલાલ ઝવેરી

કોઈ ન જાણે! – રમેશ પારેખ

નવેમ્બરની ૩૦ તારીખે ભવન્સમાં ‘સ્વરકાર શ્રી દક્ષેશ ધ્રુવના ગીતો’ નો કાર્યક્રમ થયો – એનું ઇન્ટરનેટ પર ‘live streaming’ – એટલે કે ‘સીધું પ્રસારણ’ થયું હતું .
અને એ જ કાર્યક્રમમાં પ્રસ્તુત થયેલ એક આજે તમારા માટે અહિં… શબ્દો અને સ્વરાંકન સાથે…!! ૨૬મી નવેમ્બર સ્વરકાર શ્રી દક્ષેશભાઇનો જન્મદિવસ – અને ૨૭મી નવેમ્બર કવિ શ્રી રમેશ પારેખનો..!! એટલે એ બહાને પણ ટહુકો પર એમને યાદ કરી એમને શ્રધ્ધાંજલી આપીએ..!!

*****

સ્વર – સમૂહગાન
સ્વરાંકન – દક્ષેશ ધ્રુવ

(Picture from : http://theholidayindia.blogspot.com)

ગામ ચોમાસા હેઠ ભીંજાતું હોય એવા વરસાદના ટાણે
તમને તમે ગમવા માંડ્યા હો તે બીજું કોઈ ન જાણે!

ફૂગ્ગો ફૂલે એમ ઝીણું ખાબોચિયું ફૂલે જોતજોતામાં, જોતજોતામાં ફૂટે.
શેરીએ બૂમો પાડતા રેલા નીસરે એને આંબવા નદી છબિયુંમાંથી છૂટે;
ટીપાં, છાંટા, ચૂવા, વાંછટ, ધાર, ધધૂડા, ધોરિયા, ધોધંધોધા આખા ગામનું ગજું નાણે!

જળની હેબત વાધરી જેવા મનને થાપો મારતી કેવી ગારમાટીના કૂબે,
તમને તમે કેટલું ગમ્યા, કેમ ગમ્યા-એ કોયડાસોતું છિછરું માથું ડૂબે;
જળના આવા ઘોંચપરોણા સાંભળે, જુએ, સમજે, સહે જીવ એે પ્હેલાં દરિયો તેગું તાણે!

– રમેશ પારેખ

બીજું હું કાંઇ ન માગું – ‘બાદરાયણ’

ટહુકો શરૂ કર્યાના બસ થોડા જ દિવસોમાં ફક્ત શબ્દોમાં પ્રસ્તુત કરેલી આ સ્તુતિ – આજે રવિન નાયકના સ્વર-સ્વરાંકન સાથે ફરી એકવાર….

થોડા દિવસો પહેલા જ વડોદરાના ‘રે મ પ ની’ ગ્રુપની સી. ડી. – અંતરનો એક તાર (ભાવગીતો) જે Children’s University, Gujarat દ્રારા બહાર પાડવામાં આવી છે.

Aapne taaraa

 

 

********

સ્વર-સ્વરાંકન : રવિન નાયક

********

Posted on June 25, 2006

આપને તારા અંતરનો એક તાર
બીજું હું કાંઇ ન માગું
સુણજે આટલો આર્ત તણો પોકાર
બીજું હું કાંઇ ન માગું .

તૂંબડું મારું પડ્યું નકામું
કોઇ જુએ નહીં એના સામું;
બાંધીશ તારા અંતરનો ત્યાં તાર
પછી મારી ધૂન જગાવું.

સુણજે આટલો આર્ત તણો પોકાર
બીજું હું કાંઇ ન માગું .

એકતારો મારો ગુંજશે મીઠું
દેખાશે વિશ્વ રહ્યું જે અદીઠું;
ગીતની રેલશે એક અખંડિત ધાર,
એમાં થઇ મસ્ત હું રાચું.

આપને તારા અંતરનો એક તાર
બીજું હું કાંઇ ન માગું

‘બાદરાયણ’ – ભાનુશંકર બા. વ્યાસ