Category Archives: ટહુકો
કાવ્યાસ્વાદ ૧૩ : વહેંતા વૃક્ષ પવનમાં – રઘુવીર ચૌધરી
કાવ્યાસ્વાદ ૧૨ : મને કેમ ના વાર્યો – રઘુવીર ચૌધરી
કાવ્યાસ્વાદ ૧૧ : રઘુવીર ચૌધરી (પ્રાસ્તાવિક)
વર્ષ ૨૦૧૫ના જ્ઞાનપીઠ એવોર્ડના વિજેતા – ગુજરાતી નવલકથાકાર અને કવિ – શ્રી રઘુવીર ચૌધરીના કેટલાક કાવ્યોનો આસ્વાદ અને પછીની કાવ્યાસ્વાદ શૃંખલામાં માણીએ. શરૂઆત કરીએ થોડા પરિચય અને પ્રાસ્તવિક વાતોથી..!
પત્ર લખું કે લખું કવિતા… – માધવ રામાનુજ
સ્વર અને સ્વરાંકનઃ નયન પંચોલી
પત્ર લખું કે લખું કવિતા, સાજન તમને ગમે ખરું કે?
વાત કરું કે કહું વાર્તા, સાજન તમને ગમે ખરું કે?
ટહુકા પરથી મોર ચીતરવો, પીંછા પરથી કોઈ પક્ષીને
પાન પરથી જંગલ રચવું સાજન તમને ગમે ખરું કે?
આંસુ ને ઝાકળ એ બંને રોજ ખરે પણ કોણ ઝીલતું?
પુષ્પ અગર તો પથ્થર બનવું સાજન તમને ગમે ખરું કે?
મનગમતી વાતો જે મનમાં, મનમાં-મનમાં ઉગે આથમે
એનું ગીત કદી ગણગણવું સાજન તમને ગમે ખરું કે?
પત્ર લખું કે લખું કવિતા, સાજન તમને ગમે ખરું કે?
વાત કરું કે કહું વાર્તા, સાજન તમને ગમે ખરું કે?
– માધવ રામાનુજ
આંખોમાં આખો અષાઢ લઈ છોકરી… – તુષાર શુક્લ
આંખોમાં આખો અષાઢ લઈ છોકરી
મળવા આવી’તી એને આજ
વીસ વીસ વરસોનો વેઠયો દુકાળ
તે ના છોકરા એ કીઘી નારાજ
હવે ખાશે પીશે ને કરશે રાજ-
ઘેરાતી છોકરી જ્યાં મનગમનતું વરસી
ને વરસી તે વરસી ઘોઘમાર
રોકી શકાય નહીં કોઈથી એ છોકરીને
કીઘે ન થોભે લગાર
નેણ અને વેણ તણા વ્હેણમાં તણાય
એવા તટને ના કહીએ તારાજ-
છોકરાની છાતી પર લીલુંછમ ઘાસ
એની ગામ લોકો કરી રહ્યા વાતો
વીસ વીસ વરસે એ આંખોને માંડ મળી
સપનાંઓ વાવવાની રાતો
દિવસે એની પાંપણ પણ પળે છે બંધ
એમાં વાવ્યુ ઉછેરવાને કાજ
– તુષાર શુક્લ
આપણી વચ્ચે – સુરેશ દલાલ
આપણી વચ્ચે કાંઈ નથી ને આમ જુઓ તો જોજન છે.
તું કોઈ ખુલાસો આપ નહીં તને મૌનના સોગંદ છે.
સમજું છું એથી તો જોને
ચૂપ રહેવાની વાત કરું છું
ધુમ્મસ જેવા દિવસોની હું
ઘોર અંધારી રાત કરું છું
વાસંતી આ હવા છતાંયે સાવ ઉદાસી મોસમ છે.
આપણી વચ્ચે કાંઈ નથી ને આમ જુઓ તો જોજન છે.
હવે વિસામો લેવાનો પણ
થાક ચડ્યો છે
આપણો આ સંબંધ
આપણને ખૂબ નડ્યો છે.
આમ જુઓ તો ખુલ્લેઆમ છે ને આ જુઓ તો મોઘમ છે.
તું કોઈ ખુલાસો આપ નહીં તને મૌનના સોગંદ છે.
-સુરેશ દલાલ
શી વાત છે હમરાહમાં ? – વિવેક મનહર ટેલર (#tahuko10th)
ટહુકોને હજુ ગઇ કાલે ૧૦ વર્ષ થયા, અને ૬ મહિના પહેલા કવિ મિત્ર ડૉ. વિવેક ટેલરે પણ એમના સ્વરચિત કાવ્યોના બ્લોગ – http://vmtailor.com/ – ની દશાબ્દિ ઉજવી! ટહુકો શરૂ થયો એ પહેલાથી વિવેકનો અપ્રતિમ પ્રેમ સાથ અને સહકાર મળ્યા છે. ગુજરાતી કવિતા માટેનો એનો લગાવ, અને લયસ્તરો, ટહુકો અને શબ્દો છે શ્વાસ મારા માટેનો એનો ઉત્સાહ કદાચ સૌથી મહત્વનું બળ છે કે આ ત્રણે વેબસાઇટ આજે ફેસબુક – વોટ્સએપ અને બીજા બધા ‘સોશિયલ મિડિયા’ના મારા સામે પણ આજ સુધી ટકી રહી છે..
વિવેકે ‘શબ્દો છે શ્વાસ મારા’ ના દસ વર્ષ પર જે વાત કરી – એ અહીં અક્ષરસઃ ટાંકું છું –
દસ વર્ષ પહેલાં જ્યારે આ વેબસાઇટ શરૂ કરી ત્યારે એવું લાગતું હતું કે ગુજરાતી વેબસાઇટ્સ એ ગુજરાતી ભાષાનું નવું સરનામું છે. પ્રિન્ટ મિડિયાના વળતાં પાણી થશે અને ઓન-લાઇન સાહિત્ય ચોકોર છવાઈ જશે એમ લાગતું હતું. શરૂઆતમાં મારી આ કલ્પના ખરી પડતી પણ જણાઈ. શરૂ થયાના થોડા જ વર્ષોમાં ગુજરાતી વેબસાઇટ્સ ખાસ્સું કાઠું કાઢતી નજરે ચડી. સાઇટ્સમાં વૈવિધ્ય પણ દેખાયા. પણ છેલ્લા બે-ત્રણ વર્ષમાં પરિસ્થિતિમાં ફરી નવો વળાંક નજરે ચડી રહ્યો છે. વૉટ્સ-એપ અને ફેસબુકના આક્રમણ સામે વેબસાઇટ્સની લોકપ્રિયતામાં ખાસ્સો ઘટાડો થયેલો અનુભવાય છે. પણ તોય એ હકીકત નકારી શકાય એમ નથી કે ફેસબુક અને વૉટ્સ-એપ એ વહેતાં તરલ માધ્યમ છે જ્યારે વેબસાઇટ્સ ધ્રુવતારક સમી અવિચળ છે એટલે ઘટતી લોકપ્રિયતાના સામા વહેણમાં પણ તરતા રહેવાનું ચાલુ રાખ્યું છે.
-વિવેક મનહર ટેલર
તો સાથે વિવેક તરફથી મળેલો આ શુભેચ્છા સંદેશ… અને એના ગીત-ગઝલના આલ્બમ ‘અડધી રમતથી’ માં સ્વરબધ્ધ થયેલી એક મઝાની ગઝલ સાંભળીએ. અને વળી એનું સ્વરાંકન મેહુલ સુરતીએ કવ્વાલી જેવું એકદમ અલગ કર્યું છે, અને એમાં પાર્થિવ ગોહિલનો સ્વર મળે એટલે?
સ્વર – પાર્થિવ ગોહિલ
સ્વરાંકન – મેહુલ સુરતી
રાહ વર્તાતો નથી, શી વાત છે હમરાહમાં ?
ધીમેધીમે આવે છે મુજને યકિન અલ્લાહમાં.
સહેજ પણ ઉષ્મા કદી વર્તાય ના નિગાહમાં,
શબ્દનો ગરમાળો થઈ ખરતો રહું તુજ રાહમાં.
આપણી વચ્ચે આ દુનિયા વર્ષો થઈ પથરાઈ ગઈ,
શું ફરક પડશે કદી તારી ને મારી ચાહમાં ?
એક તારી યાદનો બોજો રહ્યો દિલમાં સદા,
એટલે ન ભાર વર્તાયો જીવનનિર્વાહમાં.
હાર-તોરા જે છે એ સૌ શ્વાસ માટે છે, શરીર !
મૂલ્ય તારું શૂન્ય છે, ભડ-ભડ બળે તું દાહમાં.
આશનો પડઘો બની પાછો મળ્યો દુઆનો શબ્દ,
શું હજી પણ જીવે છે કંઈ મારું તુજ દરગાહમાં ?
માર્ગ દુનિયાનો ત્યજીને મેં લીધો છે શબ્દનો,
નામ મુજ, અલ્લાહ ! ના આવે હવે ગુમરાહમાં.
-વિવેક મનહર ટેલર
ટહુકો.કોમની દસમી વર્ષગાંઠ….
આજે ૧૨મી જુન… આજથી બરાબર ૧૦ વર્ષ પહેલા – ટહુકો અને મોરપિચ્છ – એ બે બ્લોગ્સની શરૂઆત કરેલી… ફક્ત નિજાનંદ માટે, અને વતન ઝૂરાપાની વેદનાને થોડી ઓછી કરવાની ઇચ્છા સાથે શરૂ થયેલા બ્લોગ્સને મિત્રો, કલાકારો અને વાચકોનો એવો સારો પ્રતિસાદ મળ્યો કે આજે એક Registered non-profit organization તરીકે ટહુકો ફાઉન્ડેશન કાર્યરત છે..!!
અને આમાંથી કંઇ પણ – આપ સૌની શુભેચ્છા, માર્ગદર્શન, અને સતત સહકાર વગર શક્ય ન હતું..!! ઘણા મિત્રો, કવિઓ, ગાયકો અને સંગીતકારોએ આ દશાબ્દિ નિમિત્તે શુભેચ્છા સંદેશ મોકલ્યા છે… આવતા થોડા દિવસો સુધી એ આપ સુધી પહોંચાડવાની ઇચ્છા છે, અને હા, આપ સૌના સલાહ, સુચનો, શુભેચ્છાની પણ આશા રાખું છું..!! આપ અહીં કોમેંટમાં લખી શકો – અથવા અમને write2us@tahuko.com પર ઇમેઇલ કરી શકશો..!! આપના ઓડિયો, વિડિયો કે પત્ર સંદેશ અમે ટહુકો.કોમ વેબસાઇટ પર જરૂરથી લઇ આવશુ.
અને કવિ પન્ના નાયકના શુભેચ્છા સંદેશથી જ શરૂઆત કરીએને?
કોઈ કાવ્ય શોધવું છે, મળી જશે ટહુકો પર. કોઈ ગાયક શોધવો છે, મળી જશે ટહુકો પર. કોઈ સ્વરકાર શોધવો છે, મળી જશે ટહુકો પર. જયશ્રીએ tahuko.com સ્થાપીને સ્વથી સર્વ સુધીનો અભિગમ સાધ્યો છે. એટલે વિશ્વવ્યાપી tahuko.comને બિરદાવીએ એટલું ઓછું છે. જયશ્રીએ બીજ વાવ્યું અને આજે દસ વરસ પછી એ ઘટાદાર વૃક્ષ થયું છે. આ કામ જયશ્રીએ કોઈ અભિમાન કે આડંબર વિના કર્યું છે, માત્ર માતૃભાષાના પ્રેમને કારણે.
રોજ એક કવિતા શોધવી અને સવારે પાંચ વાગે એને બ્લોગ પર મૂકવી એ નાનીસૂની વાત નથી. અને આ કામ સતત દસ વરસથી જયશ્રી કરે છે. આજે ટહુકો પર લગભગ ૨૫૦૦ કવિતાઓ ઉપલબ્ધ છે. આ કામ ખંત અને નિષ્ઠા માગી લે છે અને એ જયશ્રીએ પુરવાર કર્યું છે.
tahuko.comના દસમા જન્મદિને મારી અનેક શુભેચ્છાઓ કે આ બ્લોગ હજી પણ ફૂલે ફાલે અને બીજા બ્લોગને પ્રેરણા આપતો રહે.
પન્ના નાયક
ગઝલ – મરીઝ
જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી,
અમૃત મળે તો શું કરું ? એમાં અસર નથી.
ખામી તમારા રૂપમાં દેખાય છે હવે,
પહેલાં હતી જે, એવી અમારી નજર નથી.
ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં?
આજે શું થઇ રહ્યું છે મને કંઈ ખબર નથી!
પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું,
તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી.
આ છૂટવાની રીત કે મિત્રોએ કહી દીધું,
શું થઇ શકે કે જ્યાં તને તારી કદર નથી!
આવાગમન છે બંને જગતમાં સતત ‘મરીઝ’,
પૂરી જે થાય એવી જીવનની સફર નથી.
-મરીઝ