કવિશ્રી રમેશ પારેખની બીજી પુણ્યતિથી પર આપણા બધા તરફથી એમને શ્રધ્ધાંજલી..!
લયસ્તરો પર ‘રમેશ પારેખ શબ્દ સપ્તક‘ની પ્રથમ કડી – ‘સોનલ કાવ્ય’ સાથે વિવેકભાઇએ કરેલી વાત અહીં એમના જ શબ્દોમાં
ગુજરાતી સાહિત્યના પાનાં પર રમેશ પારેખ એક વર્તુળ છે. નથી એનો કોઈ આદિ કે નથી અંત. એમાં હૃદયને બટકે એવાં કોઈ ખૂણા નથી કે નથી આંખમાં ખટકે એવી કોઈ વક્ર રેખા. ર.પા.એ વર્તુળની પૂર્ણતાનો વ્યાસ છે. એ વધે છે તો કોઈ એક દિશામાં નહીં, ચોમેર. એની કવિતાના શ્રીગણેશ કરવાં હોય તો સોનલ નામનું શ્રીફળ પહેલું વધેરાય. સોનલ કોણ હતી, છે કે હશેનું રહસ્ય હૃદયમાં લઈને સમયની ગર્તામાં સરી ગયેલાં ર.પા.એ સોનલને આપણા સાહિત્યની મોનાલિસા બનાવી દીધી છે- સદૈવ અકળ અને કાયમ સકળ!! ર.પા.ના શબ્દસપ્તકની શરૂઆત એમના સોનલ કાવ્યથી જ કરીએ.
રમેશ પારેખના મોઢેથી સોનલ કોણ છે એ સાંભળવું હોય તો ધવલે શોધી કાઢી મોકલાવેલો આ લેખ વાંચવો આવશ્યક બની રહે છે. આભાર, ધવલ! સોનલ 1 સોનલ 2
રમેશ પારેખના ગીતો ગુજરાતી ભાષાનો જાણે આત્મા છે. 1968 ની સાલ માં લખાયેલું ‘તમને ફૂલ દીધાનું મને યાદ’ કાવ્ય રમેશ પારેખ ની કેટલીક સર્વકાલીન શ્રેષ્ઠ રચનાઓમાંનું એક. દરેક કવિ પોતાની કૃતિને લાડલા સંતાનની પેઠે ચાહે છે. ચાહતની આ પરાકાષ્ઠાનું અદભૂત ઉદાહરણ એટલે છે…..ક અગિયાર વર્ષ બાદ પોતાની લોકલાડીલી કવિતાનું ગીતમાં રૂપાંતરણ. બંને કવિતા અને ગીત આ સાથે આસ્વાદાર્થે અહીં બીડ્યાં છે.
પરપોટાશી કોઇ પીડા જે સાવ અચાનક ખાલીપાનાં દરિયે જ્યારે તરતી તરતી ફટે
લાગણીઓના કોઇ હલેસાં કામ ન આવે પીળચટ્ટી એક નગરી આખી સરતી સરતી ડૂબે
પ્રસંગોનાં ઝાંખા પાંખા કોક કિનારે વાતમાં વચ્ચે નામ જો આવે, શ્વાસમાં ભરતા રહેજો
વ્યોમ ને વસુંઘરાની કન્યા કોડામણી,
તું તો છે સંધ્યાની શોભા સોહામણી,
લોચને ભરાય તો ય દૂર દૂર ધામની;
વાયુની લ્હેર સમી અંગને અડી છતાં ય
બાહુને બંધ ના સમાણી.
અણસારોયે ના આવ્યો ને સો સો જોજન છેટેથી
આ કોણ અચાનક આવી બેઠું સાવ લગોલગ ?
ખોદી કાઢી આખું ભીતર પળભરમાં તો મન જેવું
આ કોણ અચાનક વાવી બેઠું સાવ લગોલગ ?
ડાળે ડાળે, પર્ણે પર્ણે એક ઉડાને ભમી રહ્યો છું ભમરા જેવું
છતાં એક પણ કળી મળી ના
અને ત્યાં જ તો કંઇ ડાળે આ ફૂલ અચાનક મધરાતે ઉઘડીને
આખા ઉપવનને મ્હેકાવી બેઠું સાવ લગોલગ ?
નહિ ગાજ કે વીજ તણો ચમકાર સહેજ પણ, ના જોયા વાદળ કે ના અંધાર સહેજ પણ
ના આવી એવી મોસમ કે ના અણસાર સહેજ પણ
અને છતાંયે બે કાંઠે ભરપૂર બધું આ ક્યાંથી આવી એક જ ક્ષણમાં
સઘળું યે છલકાવી બેઠું સાવ લગોલગ ?
હળવા પગલ આંખોમાં થઇ નસનસમાં આવીને પેઠાં સાવ નિરાંતે
પછી હ્દયના બંધ નહિ અકબંધ દ્વારને ખોલી એમાં એક પ્રવેશી બેઠા
જાણે જેમ બપોર ઘટાટોપ કો વૃક્ષ ઉપરની નજર પડેના એવી ડાળે વિહંગ નિરાંતે
પાંખોને પ્રસરાવી બેઠું સાવ લગોલગ ?
એક મજાની સાંજે મનમાં એમ થયું કે
ચાલ હવા થઇ ફરતો આવું ખુલ્લાં નભમાં
અને નીકળી પડ્યો ત્યાં જ તો ધજા જેમ આ કોણ શિખર પર
પોતાને ફરકાવી બેઠું સાવ લગોલગ ?