એકલું તમને લાગે ત્યારે યાદનો કાગળ લઇને એનું વહાણ બનાવી, વહાણમાં તરતા રહેજો-
હલેસું પણ જાણે નહિ એ રીતના હળવા હાથથી પાણી કાપતા મારી પડખે સરતા રહેજો !
હમણા હમણા ઝાડવા ઉપર ખૂલતા પીળા રંગની સૂકી લાગણી ઝીલતી આંખ તમારી બળશે
ભર બપોરે વાયરા સાથે વાતો મારા નામનો હિસ્સો હાથથી વેગળી આંગળીઓને અડશે…
ફળિયે ઉભી ડાળથી ખરતાં પાંદડા જોઇ પાતળા કોમળ દેહની રગેરગ નીતરતા રહેજો
પરપોટાશી કોઇ પીડા જે સાવ અચાનક ખાલીપાનાં દરિયે જ્યારે તરતી તરતી ફટે
લાગણીઓના કોઇ હલેસાં કામ ન આવે પીળચટ્ટી એક નગરી આખી સરતી સરતી ડૂબે
પ્રસંગોનાં ઝાંખા પાંખા કોક કિનારે વાતમાં વચ્ચે નામ જો આવે, શ્વાસમાં ભરતા રહેજો