અહીં અમેરિકા આવીને fall, autumnના ચક્કરમાં ભારતીય ઋતુઓ ભૂલી જવાય છે. વળી, અહીં ચોમાસા જેવી તો ઋતુ જ નથી. બારેમાસ વરસાદ પડે રાખે. અહીં એક અમેરીકન દોસ્તને સમજાવતો’તો કે ચોમાસું શું ચીજ છે. બિચારાને માનવામા આવે જ નહીં કે ગુજરાતમાં માત્ર ચાર જ મહીના વરસાદ પડે અને બાકીના આઠ મહીના તદ્દન કોરા ! રોજે રોજ હવામાનના સમાચાર જોઈને જીવતા લોકોને કેમ કરીને સમજાવવું કે અમને અઠ્યાવીસ વરસ લગી કદી હવામાનના સમાચાર સાંભળવાની જરુર લાગેલી જ નહીં ! – ધવલ શાહ
લયસ્તરો પર આ કવિતા વાંચી, અને સાથે સાથે ધવલભાઇની note પણ એટલી ગમી ગઇ, કે સાથે સાથે એ પણ અહીં જ લઇ આવી..! ધવલભાઇની વાત કેટલી સાચી લાગે – અમારે ત્યાં એમ આખું વર્ષ તો વરસાદ નથી પડતો – પણ અહીંના ઠંડા વરસાદમાં એટલી મઝા પણ નથી આવતી..!! અહીં દરરોજ રાત્રે સંધ્યાબેન પાસે હવામાનના સમાચાર અને આગાહી – latest computer model, accu weather, dolper HD એવુ બધું સાંભળવાની આદત થઇ ગઇ છે..! પણ ઘણીવાર જ્યારે સંધ્યાબેન કહે કે San Franciscoમાં હમણા storm અને significant rainfall થઇ રહ્યા છે – અને બારી પાસે કાન ધરો તો માંડમાંડ પાણીના ટીંપાઓનો અવાજ સંભળાય – ત્યારે એમ કહેવાનું મન થાય – શું તમે પણ! આને કંઇ વરસાદ કહેવાય?
ઘણીવાર તો ૧૦ ડગલા ચાલો ને માંડ ૪ ટીપા પડે માથા પર – એવામાં જો છત્રી ખોલું તો મારી છત્રીને ખોટું લાગી જાય..!! 🙂
ચલો.. વધારે પંચાત નથી કરવી..! કવિ શ્રી દલપતરામની પૂણ્યતિથિ નિમિત્તે એમને યાદ કરી આ રચના માણીએ..!
Rain and Bay Bridge - Photo: sfexaminer.com
શિયાળે શીતળ વા વાય પાન ખરે ઘઉં પેદા થાય;
પાકે ગોળ કપાસ કઠોળ, તેલ ધરે ચાવે તંબોળ.
ધરે શરીરે ડગલી શાલ, ફાટે ગરીબ તણા પગ ગાલ;
ઘટે દિવસ ઘણી મોટી રાત, તનમાં જોર મળે ભલી ભાત.
ઉનાળે ઊંડા જળ જાય, નદી સરોવર જળ સુકાય;
પામે વનસ્પતિ સૌ પાન, કેસૂડાં રૂડાં ગુણવાન.
સારા હોજ ફુવારા બાગ, પ્યારા ચંદન પંખા લાગ;
બોલે કોયલ મીઠાબોલ, તાપ પડે તે તો વણ તોલ.
હવે અમદાવાદથી આમંત્રણ આવે એમાં મુંબઇગરાએ ખોટું લગાડવાનું? (અરે હા.. આ કદાચ મુંબઇના માથે માછલા ધોવાયા એટલે ખોટું લાગ્યું હશે..!) અરે દોસ્તો – એક આમંત્રણ તમારા માટે પણ છે – એ પણ અત્તરભર્યું..!!
Well known Gujarati poet Shri Anil Joshi reciting his ‘gray laughter’ tinted poem/geet ‘મને ડેન્ચર આપો તો’ in a private bethak in London (28 July 2010).
(in case you are unable to view this video, double click on the video to go to You Tube)
મને ડેન્ચર આપો તો કૈંક બોલું.
‘ત’ ‘થ’ ‘દ’ ‘ધ’ નથી બોલી શકાતા, કહો વાણીના ભેદ કેમ ખોલું ?
મને ડેન્ચર આપો તો કૈંક બોલું.
એકવાર દાંત પડી જાય પછી જીભના વળવા માંડે છે સા’વ લોચા;
પહેલા તો રોટલાની પોપટી ખાતો’તો, હવે ધાનને કર્યા કરું છું પોચાં,
ઓણ શિયાળે ગંડેરી ખાવાનો મોહ, કહો શેરડીના સાંઠા કેમ છોલું ?
મને ડેન્ચર આપો તો કૈંક બોલું.
‘ત’ ‘થ’ ‘દ’ ‘ધ’ નથી બોલી શકાતા, કહો વાણીના ભેદ કેમ ખોલું ?
પહેલા તો છોકરીને જોતા વેંત જ મારા હોઠમાંથી નીકળતી સીટી;
ચોકઠું પહેરી પહેરીને કાંઈ સીટી ન વાગે, પેઢાં બની ગયા છે દાંતની બે ખીંટીં,
હવેલીએથી આવ્યો છે ઠોરનો પરસાદ, એને જોતા વેંત આવી જતું ઝોલું.
મને ડેન્ચર આપો તો કૈંક બોલું.
‘ત’ ‘થ’ ‘દ’ ‘ધ’ નથી બોલી શકાતા, કહો વાણીના ભેદ કેમ ખોલું ?
પહેલાં તો દાંત ઉપર દુનિયા ઊંચકતો’તો, હવે સ્ટ્રેચરમાં ઊંચકે મને લોકો;
જીવતર આખુંય બહુ ભાષણ ઠોક્યાં, હવે શ્રોતા બનવાનો આવ્યો મોકો,
વાંસળી બનવાના ઘણા ફાંફાં માર્યા, પણ બની ગયો સાંબેલું પોલું.
મને ડેન્ચર આપો તો કૈંક બોલું.
‘ત’ ‘થ’ ‘દ’ ‘ધ’ નથી બોલી શકાતા, કહો વાણીના ભેદ કેમ ખોલું ?
ગયા વર્ષે ગાંધીજયંતિ ના દિવસે લયસ્તરો પર ‘ગાંધી-વિશેષ’ની ત્રણ કવિતામાં વિવેકે આ કવિતાની પહેલી કડી પ્રસ્તુત કરી હતી. આજે અહીં વાંચો એ કાવ્ય સંપૂર્ણ સ્વરૂપે.
બીજી એપ્રિલે ટહુકો પર મુકેલી – કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીની આ અમર રચના – આજે ફરી એકવાર… થોડી વધુ માહિતી – થોડી વધુ Hyperlinks – અને થોડા વધુ સ્વર-સંગીત સાથે..!
અને હા.. આજે કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીનો જન્મદિવસ.. (August 28,1896 – March 9,1947) એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે માણીએ આ રચના.. અને એના વિષે થોડી વાતો…!!!
આ વર્ષે ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ (માર્ચ 9 ) નિમિત્તે એમને એક અનોખી શ્રદ્ધાંજલી આપવાનાં હેતુસર ૮૨ વર્ષ બાદ પહેલી વખત એક ગુજરાતી અખબાર સંદેશના પ્રતિનિધિ તરીકે પત્રકાર લલિત ખંભાયતા એમના સાથીદાર સાથે મેઘાણીની એ અમર ચારણ કન્યાના વંશજો પાસે અને એ વિખ્યાત કવિતાના ઘટનાસ્થળે માર્ચની 2જી તારીખે પહોંચેલા… એમના વંશજો સાથેની એમની એ મુલાકાતનો આ રસપ્રદ લેખ* માણવાનું જરાયે ચૂકશો નહીં.
ઝવેરચંદ મેઘાણીની આ કવિતા ૧૯૨૮ ગીરના જગલમાં તુલસીશ્યામ પાસેના એક નેસડામાં હીરબાઈ નામની ૧૪ વર્ષની ચારણ કન્યાએ એકલે હાથે પોતાની વાછરડીને મારનાર સિંહને એનું માંસ ચાખવા નહોતું દીધું અને ફક્ત લાકડીએથી ગીરના સાવજને હાંકી કાઢ્યો હતો.
“તુલસીશ્યામથી બે ગાઉ અમે ખજૂરીને નેસડે હતા,ત્યાં રીડ થઇ. સાવજ ડણક્યો. હાકોટા થવા માંડ્યા. રોળકોળ વેળા થઇ હતી. ખાડું-ધણ ઝૂંપડે આવતાં હતાં. તેમાંથી હીરબાઇ કરી એક ચારણ બાઇની વોડકીને સાવજે પાદરમાં જ પાડી. અમે બધાદોડ્યા.વીસેક જણ હતા. જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઇ ક્યારની યે ત્યાં પહોંચી ગઇ હતી. મરેલી વોડકી પર એ ચારણ-કન્યા ચડીને સાવજ સામે સોટો વીંઝતી હતી. સાવજ બે પગે સામો થઇ હોંકારા કરતો હતો. બાઇ સાવજના ફીણથી નાહી રહી, પણ ગાયને ચારણી બાઇએ સાવજને ખાવા ન દીધી….એવખતે ‘ચારણ-કન્યા’ ગીત મેઘાણીભાઇ કાગળ-કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઊઠ્યું. આંખો લાલ ઘ્રમેલ ત્રાંબા જેવી થઇ ગઇ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા. અમે એમને માંડમાંડ પકડી રાખેલા.”
– દુલા કાગ
(શ્રી દુલા કાગના આ શબ્દો ટાઇપ કરીને એમની સાઇટ પર મુકવા માટે ગોપાલકાકા નો આભાર…)
(ચૌદ વરસની ચારણ કન્યા….Photo : અરવિંદભાઇ જોષી)
સ્વર – હરિદાન ગઢવી
.
(લક્ષમણભાઇ ગઢવી – પીંગળશીભાઇ ગઢવીના સુપુત્ર તરફથી – ઝવેરચંદમેઘાણી.કોમ માટે એમણે આપેલ નીચેના બંને રેકોર્ડિંગ માટે મારા અને ટહુકોના સર્વ વાચક-શ્રોતાઓ તરફથી લક્ષમણભાઇ ગઢવીનો ખૂબ ખૂબ આભાર.., અને ઝવેરચંદમેઘાણી.કોમ જેવી વેબસાઇટ બનાવી ગુજરાતીઓમાં એની લ્હાણી કરનાર પીનાકીભાઇ મેઘાણીનો પણ ખાસ આભાર….)
કવિ શ્રી અનિલ જોશીને એમના જન્મદિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીએ એમનું આ મઝાનું વર્ષાકાવ્ય…
સાથે એમના વિષે થોડી વાતો… (લયસ્તરો પરથી સાભાર)
અનિલ રમાનાથ જોશી કવિ ઉપરાંત નિબંધકાર તરીકે પણ જાણીતા છે. જન્મસ્થળ ગોંડલ. (જન્મ: ૨૮-૭-૧૯૪૦) વ્યવસાય અર્થે મુંબઈમાં વસવાટ. આપણા ગુજરાતી સાહિત્ય જગતમાં ગીતોને એક નવતર વળાંક આપવામાં રમેશ પારેખની સાથે અનિલ જોશીનું નામ પણ કદાચ સૌથી મોખરે આવે. આધુનિક જીવનની અનુભૂતિને તાજગીભર્યા પ્રતીકો-કલ્પનો દ્વારા અવનવી રીતે એમણે પોતાની કવિતાઓમાં નિતારી છે. મુખ્યત્વે ગીતમાં એમની હથોટી, પરંતુ એમણે ગઝલ ઉપરાંત ઘણી અછાંદસ રચનાઓ પણ કરી છે. એમનાં ’સ્ટેચ્યૂ’ નિબંધસંગ્રહને ૧૯૯૦નાં વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો હતો. (કાવ્યસંગ્રહો: ‘બરફનાં પંખી’ અને ‘કદાચ’, અને એ બંનેનાં પુનર્મુદ્રણ એટલે ‘ઓરાં આવો તો વાત કરીએ’; નિબંધસંગ્રહ: ‘સ્ટેચ્યૂ’, ‘પવનની વ્યાસપીઠે’, ‘જળની જન્મોતરી’)
આકાશમાં જૂઠાં વાદળાં છે,
પણ વરસાદ નથી.
નળના કાટ ખાધેલા પાઈપમાં
અંધારું ટૂંટિયું વળીને બેઠું છે.
નપાવટ માનવજાત સામેના વિરોધમાં
પાણી હડતાળ પર ગયું છે.
કોઈ ધોતું નથી.
આપણા પાપ ધોવા માટે પાણી ક્યાં છે ?
સૌ પોતાની આંખ્યુંનું પાણી બચાવીને
આકાશને તાકતા બેસી પડ્યા છે.
કોઈના ભયથી જેમ દૂઝણી ગાય
દૂધ ચોરી જાય એમ આકાશ
આજે પાણી ચોરી ગયું છે.
આ મેલખાઉ હાથ દુવા માગવા
કે પ્રાથના માટે લાયક નથી રહ્યા ?
શું વરસાદ આપણા કરોડો ગુનાઓને
માફ કરવાના મૂડમાં નથી ?
મને લાગે છે કે, વરસાદે આપણું પાણી માપી લીધું છે.
કવિ શ્રી ચંદ્રકાન્ત શાહને એમના જન્મદિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ… ઊર્મિએ એની ગાગરમાં ચંદુભાઇનું એક કાવ્ય મૂકેલું ત્યારે લખેલી એમના વિષેની વાતો આજે ફરી એકવાર વાંચી લઇએ. (આભાર બેના..:) )
નર્મદ.કૉમ સાઈટ વિશે આમ તો તમે જાણતા જ હશો… જેનાં સૂત્રધાર છે ચંદ્રકાંત શાહ. ચંદુના હુલામણા નામે ઓળખાતા અમેરીકાનાં બોસ્ટન શહેરનાં નિવાસી ચંદ્રકાન્તભાઈનાં બે કાવ્યસંગ્રહો છે: ‘અને થોડા સપના’ અને ‘બ્લૂ જીન્સ’. આ કવિતા એમનાં ખૂબ જ પ્રખ્યાત કાવ્યસંગ્રહ ‘બ્લૂ જીન્સ’માંની જ એક છે… જેમાં એમણે બ્લૂ જીન્સ વિશેનાં જ બધા કાવ્યોને આપણા રોજીન્દા જીવન સાથે બખૂબી વણી લીધા છે. આ ‘બ્લૂ જીન્સ’ કાવ્યસંગ્રહને મુંબઈની SNDT યુનિવર્સિટીના અનુસ્નાતકનાં વિદ્યાર્થીઓનાં અભ્યાસક્રમમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. ચંદુભાઈ કવિ ઉપરાંત કુશળ નાટ્યકાર પણ છે અને નાટકો લખે પણ છે… ઘણા પ્રખ્યાત નાટકોમાંનો એક નાટક ‘ખેલૈયા’ ઉપરાંત એમણે મહાત્મા.ગાંધી.કૉમ નામનો એક અંગ્રજી નાટક પણ લખ્યો છે જેમાં ગાંધીજીનું પાત્ર પણ તેઓ પોતે જ ભજવે છે.. અને બીજું શું શું કરે છે એ જાણવા માટે હવે સીધું અહીં જ વાંચો. એમની બીજી એક રચના પણ મને વાંચતાં વેંત ખૂબ જ ગમી ગઈ… પણ એની સાઈઝ જોતા મને લાગ્યું કે હું એને ટાઇપ કરવા કરતાં સીધી તમને લિંક જ આપી દઉં… 🙂 વાંચો – ‘બાને કાગળ’ ! ચંદુભાઈને આપણ સૌ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ…
કવિ શ્રી ચંદ્રકાન્ત શાહના જન્મદિવસે હવે વાંચો એમના કાવ્ય સંગ્રહ ‘બ્લૂ જીન્સ’માં થી એક કવિતા ‘આવાં જીન્સ’……
આવાં જીન્સ
આપોને જીન્સ કોઈ આવાં
ક્યારે ન ધોવાં ન ક્યારે સુકાવાં
સાંધા હો સુખના ને શીતળ હો શેઇડ
સાથે કાટે ને થાય આપણી જ સાથે એ ફેઇડ
નવી નવી સ્ટઐલોના આપો વરતાવા
આપોને જીન્સ કોઈ આવાં
ક્યારે ન ધોવાં ન ક્યારે સુકાવાં
હોય નવાં ત્યારથી જ જૂનાં એ લાગે
જૂનાં થાતાં જ ફરી નવાં થઈ જાગે
સરનામું આપ પ્રભુ, ક્યાંથી મંગાવા
આપોને જીન્સ કોઈ આવાં
ક્યારે ન ધોવાં ન ક્યારે સુકાવાં
આજે આ વર્ષના મનોજ પર્વનો છેલ્લો દિવસ… પણ ગયા વર્ષે પણ કહ્યું હતું એમ, આ તો અલ્પવિરામ છે. આવતા વર્ષે ફરીથી મનોજભાઇના શબ્દોનો ઉત્સવ ઉજવશું..!!
અને ગયા વર્ષે કવિ શ્રી રાજેન્દ્ર શુક્લના શબ્દોમાં મનોજભાઇને અંજલિ અર્પી હતી.. દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે – એ જ ભાવ સાથે આજે કવિ શ્રી સુરેશ દલાલના શબ્દોમાં મનોજભાઇને શબ્દાંજલિ..!
ક્યાંય પણ ગયો નથી : હાજરાહજૂર છે
જૂનાગઢ શહેરમાં એક ગુલમહોર છે.
નરસિંહના ઝૂલણા છંદમાં ઝૂલતો
ઝૂલતો આ રહ્યો : ગઝલનો પ્હોર છે.