Category Archives: કાવ્યપ્રકાર

પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મુર્તિવાળા

સૌને ગણેશ ચતુર્થિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

સાંભળો આ સરસ મજાની ગજાનન સ્તુતિ..

સ્વર – નારાયણ સ્વામી
સંગીત : ??

.

સરસ્વતી સ્વર દિજિયે
ગણપતી દિજિયે જ્ઞાન
બજરંજી બલ દિજિયે
સદગુરુ દિજિયે સાન

પ્રથમ પહેલા પૂજા તમારી
મંગળ મુર્તિવાળા ગજાનન

કોટિવંદન તમને સૂંઢાળા
નમીયે નાથ રૂપાળા
પ્રથમ પહેલા….

પ્રથમ સમરિયે નામ તમારા
ભાગે વિઘ્ન અમારા
શુભ શુકનિયે તમને સમરિયે
હે જી દિનદયાયુ દયાવાળા
પ્રથમ પહેલા….

સંકટ હરણને અધમ ઉધ્ધારણ
ભયભંજન રખવાળા
સર્વ સફળતા તમથકી ગણેશા
હે જી સર્વ થકે સરવાળા

અકળ ગતિ છે નાથ તમારી
જય જય નાથ સૂંઢાળા
દુખડા સુમતિ આપો
હે જી ગુણના એકદંત વાળા
પ્રથમ પહેલા….

જગત ચરાચર ગણપતિ દાતા
હાની હરો હરખાળા
સેવક સમરે ગુણપતિ ગુણને
હે મારા મનમાં કરો અજવાળા
પ્રથમ પહેલા….

————–

આ પહેલા ટહુકો પર મુકાયેલ ગણેશ ચતુર્થિ સ્પેશિયલ પોસ્ટ :

સમરું સાંજ સવેરા… – રવિરામ

ओंकार स्वरुपा, सद्‍गुरु समर्था

सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची

ગણેશચતુર્થી ની શુભકામનાઓ…..

श्री गणेशाय धीमहि

પુરુષોત્તમ પર્વ 7 : સ્વર – સંગીતનો જાદુ….

૧૫ મી ઓગસ્ટે વ્હાલા સ્વરકાર શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયે એમનો ૭૫મો દિવસ મનાવ્યો, અને મને બહાનું મળી ગયું એક અઠવાડિયા સુધી સતત એમના ગીતો સંભળાવવાનું..!! આજે પુરુષોત્તમ પર્વનો છેલ્લો દિવસ, પણ પૂર્ણવિરામ હરગીઝ નથી. આ તો બસ એક અલ્પવિરામ છે.. વારે-તહેવારે અને મન થાય ત્યારે આપણે પુરુષોત્તમદાદાને સાંભળતા આવ્યા છે અને સાંભળતા જ રહીશું. એમણે મરીઝ સાહેબની એક ખૂબ જ સરસ ગઝલ સ્વરબધ્ધ કરી છે :

જ્યારે કલા કલા નહીં, જીવન બની જશે,
મારું કવન જગતનું નિવેદન બની જશે.

આ શેર મેં સાંભળ્યો ત્યારે મને ખરેખર એવું લાગ્યુ’તુ કે જાણે આ શેર મરીઝસાહેબે ફક્ત એમના માટે જ લખ્યો હોય..!!

એક અઠવાડિયું તો શું, એકાદ મહિના સુધી પુરુષોત્તમ ઉપાધ્યાયના જ ગીતો સંભળાવ્યા કરું તો યે એમના ગમતા ગીતોનો ખજાનો ખૂટે એમ નથી. આજે કયું ગીત સંભળાવું તમને એ નક્કી જ ન કરી શકી, એટલે એકસાથે ઘણા બધા ગીતો લઇ આવી. સતત ૨ કલાક સુધી પુરુષોત્તમ ઉપાધ્યાયને સાંભળવાની મજા આવશે ને? 🙂

અને હા, આજે બોનસમાં એક મઝાનો લેખ લઇને આવી છું. રિડિફ ગુજરાતી પર પ્રકાશિત દામિની દેસાઇ લિખિત – ‘વન્સ મોર પુરુષોત્તમ, વન્સ મોર..’ એક સ્વરકાર તરીકેનો પુરુષોત્તમ ઉપાધ્યાયનો સંઘર્ષ આમ તો આપણાથી અજાણ્યો નથી જ. પણ આ લેખ વાંચીને ચોક્કસ એમને નતમસ્તક મનોમન વંદન થઇ જશે.

આ લેખ ‘પુરુષોત્તમ ઉપાધ્યાય‘ પાના પર ટાઇપ કરીને થોડા દિવસમાં જરૂર મુકીશ, પણ હાલ તો આ PDF થી કામ ચલાવીએ.

.

ઉપરના track માં કયા કયા ગીતો છે એની યાદી આપવાનું મન તો થયું એકવાર, પણ પછી લાગ્યું કે થોડું Surprise factor હશે તો તમને પણ સાંભળવાની વધુ મઝા આવશે..!

મોટાભાગના ગીતો જો કે તમે પહેલા ટહુકો પર સાંભળ્યા જ હશે, સાથે થોડા નવા ગીતો પણ છે જે ટહુકો પર શબ્દો સાથે મુકવાના બાકી છે. અત્યાર સુધી ટહુકો પર મુકેલા પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરબધ્ધ – સંગીતબધ્ધ ગીતો અહીં ક્લિક કરી જોઇ શકો છો.

અને હા… પુરુષોત્તમ પર્વ મનાવવાની મને તો બહુ મજા આવી.. અને તમને?

પુરુષોત્તમ પર્વ 6 : મના (રે નયણાં ! મત વરસો..) – વેણીભાઇ પુરોહિત

વેણીભાઇ પુરોહિતનું એકદમ મજાનું ગીત.. અને મારા જેવા આંખોમાં હંમેશા વાદળ લઇને ફરતા લોકો માટે એકદમ સાચી સલાહ 🙂
અને કોઇ live program નું recording હોવાથી સંગીત પણ એકદમ ઓછું, ફક્ત થોડું હાર્મોનિયમ.. જે ખરેખર તો શબ્દો અને સ્વરને શ્રોતા સામે વધુ અસરકારક રીતે રજૂ કરે છે.

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

કે નયણાં !
મત વરસો, મત વરસો :
કે નયણાં !
વરસી ને શું કરશો ?
રે નયણાં ! મત વરસો, મત વરસો.

આનંદી અશ્રુ નહિ ઝીલે
ગરજુ જગત અદેખું:
તો દર્દીલાં ખારાં જલનું
કયાંથી થાશે લેખું ?
રે નયણાં ! મત વરસો, મત વરસો.

મીઠાં જલની તરસી દુનિયા,
ખારાં છો, ક્યાં ખરશો ?
દુનિયાદારીના દરિયામાં
અમથા ડૂબી મરશો.
રે નયણાં ! મત વરસો, મત વરસો.

કોઇ નથી એ જલનું પ્યાસી,
ક્યાં જઇને કરગરશો ?
રે નયણાં ! મત વરસો, મત વરસો.

પુરુષોત્તમ પર્વ 5 : તેં પથ્થર પસંદ કેમ કર્યો ? – અવિનાશ વ્યાસ

‘એક ગરવા ગુજરાતી’ આ લેખમાં વીણાબેને અવિનાશ વ્યાસનું ગીત ‘તેં પથ્થર પસંદ કેમ કર્યો’ વિષે વાંચ્યુ, ત્યારથી જ આ ગીત સાંભળવાની ખૂબ ઇચ્છા હતી.. આ અઠવાડિયું આપણે જ્યારે પુરુષોત્તમ પર્વ મનાવીએ છીએ, ત્યારે પુરુષોત્તમ ઉપાધ્યાય અને અવિનાશ વ્યાસનું નામ એકસાથે લીધા વગર ચાલે? બરાબર ૭ વર્ષ પહેલાનું – ઓગસ્ટ ૨૦, ૨૦૦૨ નું આ રેકોર્ડિંગ સાંભળીએ.. અવિનાશ વ્યાસની કલમે લખાયેલું અને સ્વરબધ્ધ થયેલું ગીત, પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં.

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય
સંગીત : અવિનાશ વ્યાસ

.

તેં પથ્થર પસંદ કેમ કર્યો?
અરે કે’ને ઓ કરુણાના સાગર,
અને કોણે જઇ પાષાણ ભર્યો?
તેં પથ્થર પસંદ કેમ કર્યો?

વાયુ વાદળ સૂરજ ચંદર
વ્યોમ ભોમ પાતાળની અંદર
હોય ભલે મસ્જિદ મંદર
સત્વ તત્વમાં તું જ નિરંતર

તો યે નિરાકાર આકાર ધરી
અરે ઠરી ઠરી પાષાણ ધર્યો

ભાવે સ્વભાવે નોખો ન્યારા
ફૂલને પથ્થર વચ્ચે
તો યે તારી સંગ સદંતર
ફૂલ ઉપરને તું અંદર

કદી ફૂલ ડૂબે પથ્થર નીચે
આ તો ફૂલ નીચે પાષાણ મર્યો

તો પથ્થરનું હૈયું ખોલીને
મંદિરભરની મૂર્તિ ડોલી
શીલાનો શણગાર સજી
અરે સર્જનહાર હસી ઉઠ્યો

સાંભળ ઓ મનગમતા માનવ,
મેં પથ્થર પસંદ કેમ કર્યો !

કે રામ બનીને માનવકુળમાં
જ્યારે હું જગમાં ઉતર્યો’તો
ત્યારે ચૌદ વરશના વનના વાસે
વન ઉપવન વિશે વિચર્યો

ત્યારે ચરણનીચે ફૂલ ઢગ જેને કચર્યો
એને આજે મેં મારે શિર ધર્યો
સાંભળ ઓ મનગમતા માનવ,
મેં પથ્થર પસંદ કેમ કર્યો !

અને હરણ કરી મારી સીતાનું
જ્યારે રાવણ લંકાપાર ગયો
ત્યારે કામ ન આવ્યું કોઇ મને
આ પથ્થરથી પથ્થર ઉગર્યો

અને એક જ મારા રામનામથી
આ પથ્થર સાગરપાર તર્યો
સાંભળ ઓ મનગમતા માનવ,
મેં પથ્થર પસંદ કેમ કર્યો !

– અવિનાશ વ્યાસ

પુરુષોત્તમ પર્વ ૪ : શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં? – વિશનજી નાગડા

આજે કવિ-સ્વરકાર અને ગુજરાતી સંગીતમાં જેઓ હંમેશા ધબકતા રહેશે એવો વ્હાલા શ્રી અવિનાશ વ્યાસને એમની પુણ્યતિથિ એ હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..!!

અખૂટ શ્રધ્ધાના પ્રતિક સમી શબરીની વાતને કવિએ અહીં ખૂબ જ અસરકારક રીતે રજુ કરી છે.. અને આ ચોટદાર શબ્દોમાં જાદુ રેડ્યો છે પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વર-સંગીતે..!!

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં?
એણે જીભે રાખ્યા’તા રામને !
એક પછી એક બોર ચાખવાનું
નામ લઇ અંદરથી ચાખ્યા’તા રામને,

શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં?

બોર બોર ચૂંટતા કાંટાળી બોરડીના
કાંટા જરૂર એને વાગ્યા હશે,
લાલ લાલ લોહીના ટશિયા ફૂટીને પછી,
એક એક બોરને લાગ્યા હશે.

આંગળીથી બોર એણે ચૂંટ્યા’તા ક્યાં?
લાલ ટેરવેથી પૂજ્યા’તા રામને,
શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં?

રોમ રોમ રાહ જોતી આંખો બિછાવીને,
કેટલીયે વાર એણે તાકી હશે ?
રામરામ રાત દિ’ કરતાં રટણ,
ક્યાંક આખરે તો જીભ એની થાકી હશે?

હોઠેથી રામ એણે સમર્યા’તા ક્યાં?
ઠેઠ તળિયેથી ઝંખ્યા’તા રામને.
શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં?

– વિશનજી નાગડા

પુરુષોત્તમ પર્વ 3 : વા વાયા ને વાદળ ઊમટ્યાં – નરસિંહ મહેતા

નરસિહ મહેતાનું આ ખૂબ જ જાણીતું કૃષ્ણગીત / વર્ષાગીત.. અને જ્યારથી રહેમાને ‘ગુરુ’ ફિલ્મના ‘બરસો રે મેઘા’ ગીતમાં આની પહેલી કડી લીધી, ત્યારથી તો કદાચ ગુજરાત બહાર પણ આ ગીત ઘણું જાણીતું થઇ ગયું હશે..!!

આમ પણ શ્રાવણ મહિનાના દિવસો.. અને જન્માષ્ટમી પણ હજુ હમણા જ ગઇ એટલે વાતાવરણ વાદળછાયું અને કૃષ્ણભર્યું હોવાનું જ. એટલે આ મઝાનું ગીત એવા જ મઝાના ‘પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવે’ ના કંઠમાં સાંભળવાનું ગમશે ને?

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય – હંસા દવે

.

વા વાયા ને વાદળ ઊમટ્યાં,
ગોકુળમાં ટહુક્યા મોર,
મળવા આવો સુંદીરવર શામળિયા.

તમે મળવા તે ના’વો શા માટે
નહીં આવો તો નંદજીની આણ … મળવા.

તમે ગોકુળમાં ગોધન ચોરંતા,
તમે છો રે સદાના ચોર … મળવા.

તમે કાળી તે કામળી ઓઢંતા,
તમે ભરવાડના ભાણેજ … મળવા.

તમે વ્રજમાં તે વાંસળી વાજંતા,
તમે ગોપીઓના ચિત્તના ચોર … મળવા.

મહેતા નરસિંહના સ્વામી શામળિયા,
એમને તેડી રમાડ્યા રાસ … મળવા.

– નરસિંહ મહેતા

(આભાર – સ્વર્ગારોહણ.કોમ)

પુરુષોત્તમ પર્વ ૨ :કન્યા વિદાય (સમી સાંજનો ઢોલ ઢબૂકતો) – અનિલ જોશી

અનિલ જોશીનું આ અમર ‘કન્યા વિદાય’ કાવ્ય. ગીતના શબ્દે-શબ્દે તો વ્હાલ અને કન્યા-વિદાયનું દર્દ નીતરે જ છે, અને પછી એ શબ્દોને પુરુષોત્તમ ઉપાધ્યાયનું સ્વરાંકન અને સ્વર મળે ત્યારે? દીકરીને પરણાવી હોય કે પરણાવવાની હોય એવા દરેક પિતાને દીકરીઓ… , અને એવી દરેક દીકરીઓને પિતાને જઇ વળગી જવાની ઇચ્છા થઇ આવે…

(Picture : GangesIndia.com)

* * * * * * *

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઉઘલતી મ્હાલે.
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.

પાદર બેસી ફફડી ઊઠતી
ઘરચોળાની ભાત,
ડૂસકે ડૂસકે હડસેલાતી
બાળપણાની વાત

સમી સાંજનો ઢોલ ઢબૂકતો….

પૈંડું સીંચતા રસ્તો આખો
કોલાહલમાં ખૂંપે
શૈશવથી ચીતરેલી શેરી
સૂનકારમાં ડૂબે.

સમી સાંજનો ઢોલ ઢબૂકતો….

જાન વળાવી પાછો વળતો
દીવડો થરથર કંપે
ખડકી પાસે ઊભો રહીને
અજવાળાને ઝંખે

સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉઘલતી મ્હાલે.
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.

-અનિલ જોશી

जन गण मन अधिनायक – રવિન્દ્રનાથ ટાગોર

આપણું રાષ્ટ્રગીત – જનગણ મન – કવિવર રવિન્દ્રનાથ ટાગોરના સ્વમુખે. અટેચ કરી મોકલું છું. 15 ઑગસ્ટના રોજ ટહુકો પરથી કવિવર ને સાંભળવા મળે એથી રૂડું શું હોય?

અને હા.. આજે વ્હાલા સ્વરકાર શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયને એમના જન્મદિવસે ખૂબ ખૂબ.. અમિત શુભેચ્છાઓ..!! એમના સ્વર-સ્વરાંકનો થકી તો બધા જ એમને ઓળખે છે.. આજે એક પ્રયાસ એમને થોડા વધુ નજીકથી ઓળખવાનો, એમની દીકરીઓ અને અમર ભટ્ટના શબ્દોમાં.. વાંચો અહીં..!

સ્વરકાર શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાય

રવિન્દ્રનાથ ટાગોરના સ્વમુખે:

.

ભારત સરકારની વેબસાઇટ પરથી મળેલું Official Version:

.

जन गण मन अधिनायक जय हे
भारत भाग्य विधाता
पंजाब सिंध गुजरात मराठा
द्राविड उत्कल वंग
विंध्य हिमाचल यमुना गंगा
उच्छल जलधि तरंग
तव शुभ नामे जागे
तव शुभ आशिष मागे
गाहे तव जयगाथा
जन गण मंगल दायक जय हे
भारत भाग्य विधाता
जय हे, जय हे, जय हे
जय जय जय जय हे!

એકવાર યમુનામાં આવ્યું’તુ પૂર – માધવ રામાનુજ

સૌ મિત્રોને આજે જન્માષ્ટમીની અનેક શુભેચ્છાઓ.. ! અને કવિ શ્રી માધવ રામાનુજની આ કૃષ્ણજન્મના દિવસ યાદ કરાવતી કૃતિ..!!

આલ્બમ: હસ્તાક્ષર
સંગીત: પરેશ ભટ્ટ
સ્વર: શ્યામલ મુનશી

.

એકવાર યમુનામાં આવ્યું’તુ પૂર,
મથુરાથી એકવાર માથે મુકીને કોઈ લાવ્યું’તું વાંસળીના સૂર…

પાણી તો ધસમસતા વહેતા રહે ને એમ ગોકુળમાં વહેતી થઈ વાતો;
એમ કોઈ પૂછે તો કહી ના શકાય અને એમ કોઈ ભવભવનો નાતો,
ફળિયામાં, શેરીમાં, પનઘટ કે હૈયામાં, બાજી રહ્યા છે નુપૂર… એકવાર યમુનામાં…

ઝુકેલી ડાળી પર ઝુક્યું છે આભ કંઈ, જોવામાં થાય નહીં ભૂલ;
એવું કદંબવૃક્ષ મહેંકે છે ડાળી પર, વસ્ત્રો હશે કે હશે ફૂલ,
પાણી પર અજવાળું તરતું રહે ને એમ, આંખોમાં ઝલમલતું નૂર… એકવાર યમુનામાં…

કાંઠો તો યમુનાનો, પૂનમ ગોકુળીયાની, વેણ એક વાંસળીના વેણ;
મારગ તો મથુરાનો, પીંછુ તો મોરપિચ્છ, નેણ એક રાધાના નેણ,
એવા તો કેવા ક’હેણ તમે આવ્યા કે લઈ ચાલ્યા દૂર દૂર દૂર… એકવાર યમુનામાં…

– માધવ રામાનુજ

કૃષ્ણગીતો…

આવતી કાલે જન્માષ્ટમી છે, એ ખુશીમાં થોડા કૃષ્ણગીતોની વણઝાર… કૃષ્ણલીલાના કાવ્યો કે રાધા-કૃષ્ણના કાવ્યો એ કવિઓનો પ્રિય વિષય છે.. ટહુકો પર અત્યાર સુધીમાં આમ તો ૬૫ જેટલા કૃષ્ણગીતો મુક્યા છે… અને બીજા પણ ઘણા ગીતો આપને ભવિષ્યમાં ચોક્કસ સંભળાવીશ જ… આજે તો એમની બસ એક ઝલક માત્ર…!! કાનુડાના સ્વાગતની તૈયારીઓ કરતા કરતા આ થોડા ગીતો સાંભળવાની મઝા આવશે ને?

.