ટહુકો દશાબ્દિની શુભકામનાઓ…

ટહુકોની દસમી વર્ષગાંઠ – જુન ૧૨, ૨૦૧૬ના દિવસે ટહુકો.કોમને ૧૦ વર્ષ પૂરા થશે. આ અવસર પર મળેલી વિડિયો શુભેચ્છાઓ અહીં એકત્ર કરી એનુ સંભારણું કાયમ માટે સાચવવાનો પ્રયાસ છે.

કવિ અને દિલોજાન મિત્ર ‘વિવેક મનહર ટેલર’ તરફથી મળેલો શુભેચ્છા સંદેશ…

જેની ઉપર ગગન વિશાળ – અવિનાશ વ્યાસ

ગુજરાતદિનની સૌને મોડી મોડી – પણ જરાય મોળી નહીં એવી શુભેચ્છાઓ… 🙂

સ્વરઃ પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવે
ગીતઃ અવિનાશ વ્યાસ
સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય અને ગૌરાંગ વ્યાસ
ચિત્રપટઃ ઉપર ગગન વિશાળ (૧૯૭૧)


(આ ગીત મોકલવા માટે દિલીપભાઇ ભટ્ટ, સાવરકુંડલા નો આભાર)

સ્વર – નીરજ પાઠક, ફાલ્ગુની ડોક્ટર અને સાથીઓ

જેની ધરતી સદા રસાળ હરિયાળી ડુંગર માળ
જ્યાં જળભર સરિતા સરતી એવી ગુર્જરી માની ધરતી

જેની ઉપર ગગન વિશાળ
જેની ઉપર ગગન વિશાળ, જેની ઉપર ગગન વિશાળ

આ શૌર્યભર્યું સૌરાષ્ટ્ર જેનો રંગ સદા રળિયાત
ખાભી ખાંભી કહી રહી છે વિરહી યુગલની વાત

જ્યાં ગગન ચૂંબે ગિરનાર રૂપવંતા નર ને નાર
જ્યાં સિંહો કેસરિયાળ જેની ઉપર ગગન વિશાળ
જેની ઉપર ગગન વિશાળ, જેની ઉપર ગગન વિશાળ

જ્યાં ગોમતી નદીને આરે આવ્યું દ્વારિકાનું ધામ
જ્યાં દર્શન કરવા આવે તો રણછોડ સ્વરૂપ ઘનશ્યામ

ચૌલા કરતી ઝંકાર જય સોમનાથને દ્વાર
રક્ષા કરતા રખવાળ જેની ઉપર ગગન વિશાળ
જેની ઉપર ગગન વિશાળ, જેની ઉપર ગગન વિશાળ

ઉત્તર ગુજરાતે ભવ્ય કલામય સૂર્યનું મંદિર સોહે
બાલારામનાં ઝરણાં ધોધે તનમન સૌના મોહે

પાટણની પ્રભુતા દ્વારે અને સરસ્વતીને આરે
હજુ ઊભો રૂદ્રમાળ જેની ઉપર ગગન વિશાળ
જેની ઉપર ગગન વિશાળ, જેની ઉપર ગગન વિશાળ

જબ કૂત્તે પર સસ્સા આયા
તબ બાદશાહને શહર બસાયા
મંદિર મસ્જિદ સાથે સાથે રામ રહીમની છાયા

સાબરમતી નદીને તીરે ધૂણી ધખાવી નગ્ન ફકીરે
ચાલ્યો દાંડીની ચાલ જેની ઉપર ગગન વિશાળ
જેની ઉપર ગગન વિશાળ, જેની ઉપર ગગન વિશાળ

જ્યાં તાપી નર્મદા મહીસાગર ગુર્જર ગૌરવ એંધાણી
જ્યાં ગુર્જરી માના ચરણકમળે મહેરામણના પાણી

કુદરતની મહેર મહાન જ્યાં સાપુતારા સ્થાન
આદિવાસીના તાલ
જેની ધરતી સદા રસાળ હરિયાળી ડુંગર માળ
જેની ધરતી સદા રસાળ હરિયાળી ડુંગર માળ

જ્યાં જળભર સરિતા સરતી એવી ગુર્જરી માની ધરતી
જેની ઉપર ગગન વિશાળ
જેની ઉપર ગગન વિશાળ, જેની ઉપર ગગન વિશાળ

આછી જાગી સવાર – પ્રિયકાંત મણિયાર

આછી જાગી સવાર,
નિંદરની મધુ કુંજ થકી ને સ્વપ્નલોકની પાર. – આછી

પારિજાતના શરણે ન્હાઈ
કોમલ એની કાય,
વ્યોમ આયને જેની છાઈ
રંગ રંગની ઝાંય;
ઑઢ્યો પાલવ સાગરજલનો છલછલ નીલનિતાર – આછી

લહર લહર સમીરણની વાતી
કેશ ગૂંથતી જાણે,
અંબોડામાં શું મદમાતી
અભ્ર-ફૂલને આણે;
કે જેનો ઊડતાં પંખીન કલરવ માંહી બહાર – આછી

ભુવનભુવનનાં ઉજ્જવળ રવિની
બિન્દી અહો લગાવી,
દિશા દિશાના મુખરિત કવિની
વાણી રહી વધાવી;
રંગમન્દિર જાવા જાણે સજી રહી સિંગાર – આછી

         – પ્રિયકાંત મણિયાર

કાગડાઓએ વાત માંડી – નિનુ મઝુમદાર

કાગડાઓએ વાત માંડી પણ સુણનારાનાં સાંસાં
નીંદમાં હોલો ટાપસી પૂરે બગલો ખાય બગાસાં

ચકલીઓએ ચીડિયા કર્યાં રોષમાં બોલ્યો મોર
વાર છે હજી ઊંઘવા દો ને પાછલી રાતને પ્હોર

પારેવડાંએ ચાંચ મારી ને ખેંચી કિરણ દોર
હંસલાઓએ હાર ગૂંથ્યો ને તેડવા ચાલ્યા ભોર

મરઘો મુલ્લાં બાંગ પુકારે જાગજો રે સહુ લોક
બંદગી કરે બતક ઝૂકી કોયલ બોલે શ્લોક

તીડ કૂદી કરતાલ બજાવે ભમરો છેડે બીન
કંસારી મંજીર લઈને ભજનમાં તલ્લીન

રાત ગઈ જ્યાં મૃત્યુ જેવી સહુનાં જાગ્યાં મન
પ્રાણને પાછો દિન મળ્યો છે દુનિયાને જીવન

-નિનુ મઝુમદાર

હજી હમણાં જ બેઠો છું – હરિહર જોશી

કોઈની વાટ નીરખતો હજી હમણાં જ બેઠો છું
અધૂરું ગીત ગણગણતો હજી હમણાં જ બેઠો છું

હતાં ચોમેર મારાં બિંબ દર્પણના નગર વચ્ચે
ડરીને ભીડમાં ભળતો હજી હમણાં જ બેઠો છું

ખબરઅંતર ખરેલાં પાનનાં પૂછી: દિલાસા દઈ
ઈરાદા મોસમી કળતો હજી હમણાં જ બેઠો છું

અજાણ્યા માર્ગમાં મળશે બીજો પંથી એ આશામાં
હું રસ્તે આંખ પાથરતો હજી હમણાં જ બેઠો છું

મુઢ્ઢીભર આગિયા સાથે હતા અજવાળવા રસ્તો
તમસમાં ખુદ ઝળહળતો હજી હમણાં જ બેઠો છું

– હરિહર જોશી

ગઝલ – મિલિન્દ ગઢવી

દિવસોનો કચરો બાળીને રાતે અજવાળાં રાખ્યાં છે,
તારો ખાલીપો સાચવવા સુઘરીના માળા રાખ્યા છે.

થોડો અવકાશ જરૂરી છે, સૌ જાણે છે, સૌ માને છે,
તેથી તો રેલના પાટા સમ સગપણમાં ગાળા રાખ્યા છે.

તું પણ બીજાની જેમ અરે! આંખોની પાર ન જોઇ શકી ?
આ ગરમાળાની પાછળ જે ઘેઘૂર ઉનાળા રાખ્યા છે !

તોરણમાંથી ટપકે રાખે છે આખા ઘરની નીરવતા,
ઘરડાં દ્વારોને યાદ નથી કે કોણે તાળાં રાખ્યાં છે.

ત્યાં દૂર ક્ષિતિજ પર સોનેરી એક ધજા ફરકતી રાખીને,
રસ્તાના અર્થો વિસ્તારી અમને પગપાળા રાખ્યા છે.

– મિલિન્દ ગઢવી ‘ગ.મિ.’

ગઝલ – ગુંજન ગાંધી

ફૂલ પર એ જીવવાની કામના ત્યાગી શકે,
પણ કહો ઝાકળ કદી આખો દિવસ જાગી શકે ?

આભ છે ઘનઘોર ને છે વાદળોનો ગડગડાટ
એક જણને ભીતરે તડકા-પણું લાગી શકે !

માપસરના હાથ જોડી માપસર માથું નમાવી
માપસરનું કરગરી એ મહેલ પણ માંગી શકે !

ઈસુથી લઈ આદમી લગ, છે બધું લોહી-લુહાણ
એકલે હાથે સમય પણ કેટલું વાગી શકે !

Deal કરતાં આવડે આકાશ સાથે જો તને
Lamp ને બદલે તું ઘરમાં ચંદ્ર પણ ટાંગી શકે !

બંધ કર – કિરણ ચૌહાણ

કોઈનો ડાયાબિટીસ ભડકાવવાનું બંધ કર,
આટલા મીઠા અવાજે બોલવાનું બંધ કર.

ભરઉનાળે, ભરબપોરે ટાઢ વાગે છે મને,
મારો ફોટો ફ્રિઝમાં સંતાડવાનું બંધ કર.

દોસ્ત ! જાણી લીધું મેં વસ્ત્રો તું કેવા સીવશે,
આમ ફૂટપટ્ટી વડે તું માપવાનું બંધ કર.

ભાઈ મારા, જર્જરિત દીવાલની હત્યા ન કર,
લઈ હથોડો રોજ ખીલા ઠોકવાનું બંધ કર.

પત્ની તારી શાકભાજી કાપશે કાતર વડે,
મૂછને ચપ્પુ વડે તું કાપવાનું બંધ કર.

જીવતા જો એ હશે, તું જીવતો રહેશે નહીં,
આ ઈલેક્ટ્રિક વાયરોને સ્પર્શવાનું બંધ કર.

– કિરણ ચૌહાણ

Shanti – A Journey of Peace

Shanti-PC-FINAL-no-bleed

tahuko foundation is a proud sponsor of:

Shanti : A Journey of Peace

A unique and groundbreaking creation in the history of world music
Tahuko Foundation is pleased to offer you a 15% discount on all tickets purchased using a promotion code: TAHU

Shanti is a unique, one-of-a-kind performance in World Music, being offered in the Bay Area for the first time! Please take advantage of this opportunity, and get your tickets today through Ticketmaster. Please click on the image below for more information.