મુંબઈમાં ત્રણ કાર્યક્રમ : `વાર્તાવિશેષઃ નીલેશ રાણા’ ~ ગીત મેં શોધી કાઢ્યું’ ~ `શબ્દની આંખે સૂરની પાંખે’

ટહુકો ફાઉન્ડેશન અને આપણું આંગણું દ્વારા વિવિધ ટ્રસ્ટ / સહયોગી સંસ્થાઓના આત્મીય સહકારથી અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન ભારતમાં શરૂ કર્યું છે. પાંચ મહિનામાં કુલ પંદર કાર્યક્રમ નિર્ધારિત છે, જે આપ સૌના આશીર્વાદ અને શુભેચ્છાથી સાકાર થશે જ એવી શ્રદ્ધા છે. આ અઠવાડિયામાં ત્રણ કાર્યક્રમ યોજાશે, જેની વિગત નીચે મુજબ છે.

તા. 12 ડિસેમ્બર, સાંજે 5.00
પરિચય ટ્રસ્ટ, ચર્ની રોડ, મુંબઈ
`વાર્તાવિશેષઃ નીલેશ રાણા’

~~~~~~~~~~~~~~~~~~~
તા. 13 ડિસેમ્બર, સાંજે 5.00
પરિચય ટ્રસ્ટ, ચર્ની રોડ, મુંબઈ
`ગીત મેં શોધી કાઢ્યું’

~~~~~~~~~~~~~~~~~~~
તા
. 14 ડિસેમ્બર, સાંજે 6.30
ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરી
`શબ્દની આંખે સૂરની પાંખે’

****

દ્વારકાના મહેલ મહીં જાદવરાય (ગીત) ~ ભૂપેશ અધ્વર્યુ

અતીતની અટારીએ સ્મૃતિ-સમૃદ્ધિ ફાનસની જેમ ઝળાંહળાં હોય છે. આપણે અરીસામાં જોઈએ ત્યારે ઘણી વાર પ્રતિબિંબની પાછળનું અચાનક નજર સામે ઉભરવા લાગે. કૃષ્ણ જો અરીસામાં જુએ તો એને શું દેખાય એનું ભાવપ્રદ અને રસપ્રદ ગીત માણીએ. સ્વરકારોને આગ્રહ નહીં, પણ દુરાગ્રહ સાથે વિનંતી કે આ ગીતનું સ્વરાંકન થાય તો પ્રતિબિંબથી પારાવાર સુધી જવાની કોઈ સૂરમયી કળ અમને ભાવકોને મળે.

 ગીતઃ ભૂપેશ અધ્વર્યુ

દ્વારકાના મહેલ મહીં જાદવરાય
દર્પણમાં દેખતાં કાનજી થાય
રંગમ્હેલટોચપે બેસીને મોરલો
નાનું શું મોરપિચ્છ ખેરવી જાય

હૈયામાં સરવાણી ફૂટી
ને ઊમટ્યાં, જમનાનાં ખળભળતાં પૂર
કાંઠે કંદબડાળ ઊગી
ને ગાયોએ ઘેર્યો હાં, બંસીનો સૂર

ઝરૂખે ઝૂકીને જુએ આભલાંની કોર ભણી
ક્યાંક, અરે, ક્યાંક પેલું ગોકુળ દેખાય?
મટુકી ફૂટે ને બધે માખણ વેરાય

દર્પણની બ્હાર જદુરાય
ને દર્પણમાં, છેલ ને છકેલ પેલો કાનજી
બ્હારની રુકીમણી મોહે
ને દર્પણની, અચકાતી દેખી ગોવાળજી.

હોઠની વચાળે હાં, બંસીનું નામ મૂકી
રોતી રાધિકાનું મુખડું દેખાય
રાસ રમે વનરાની કુંજ, ને વચાળે હાં
નાથ રે દુવારકાનો એવો ઘેરાય.

***

હરિનો મારગ છે શૂરાનો ~ કવિ: પ્રીતમદાસ ~ સ્વરાંકન: દિવીજ નાયક, મુંબઈ ~ સ્વર: શાન

  1. ક્લાસિક કવિતાને આધુનિક અવતારમાં રજૂ કરવાનો એક પ્રયાસ એટલે દિવીજ નાયકનું “અલખ” આલબમ, જે ૨૦૧૮માં રજૂ થયેલું. એનો એક કાર્યક્રમ અંધેરી ભવન્સમાં થયો એમાં નિમિત્ત બનવાનો અલખ સંતોષ પ્રાપ્ત થયેલો. ભાઈ દિવીજ નાયક યુવાન, તરવરતો, સુસજ્જ, કર્મઠ, નિષ્ઠાવાન, સંવેદનશીલ અને કવિતાની સમજ ધરાવતો સ્વરકાર-ગાયક છે. પોતે સંગીત શિક્ષક પણ છે. `કોશેટો’ નાટકમાં એના સ્વરમાં રજૂ થયેલા ગીતો નાટકનો એક મહત્ત્વનો હિસ્સો બન્યા છે.

અત્યારે “અલખ” આલબમમાંથી એક ગીત માણીએ. પ્રાચીન કવિતાને અર્વાચીન અભિગમથી રજૂ કરવાનો સુંદર પ્રયોગ આ આલબમના સ્વરાંકનોમાં થયો છે.

~ કવિ: પ્રીતમદાસ
~ સ્વરાંકન: દિવીજ નાયક
~ સ્વર: શાન

હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને;
પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને.

સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડ્યા મરજીવા જોને.

મરણ આંગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને;
તીરે ઊભા જુએ તમાસો, તે કોડી નવ પામે જોને.

પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને.

માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;
મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને.

રામ-અમલમાં રાતામાતા પૂરા પ્રેમી પરખે જોને;
પ્રીતમના સ્વામીની લીલા, તે રજનિ-દન નરખે જોને.

પ્રીતમદાસ ( ઈ. 1718 થી 1798) જ્ઞાનમાર્ગી ભક્તકવિ હતાં. પાંચસોથી વધુ પદોમાં વૈરાગ્યબોધ અને કૃષ્ણભક્તિનું આલેખન વિવિધ રાગઢાળો અને લોકગમ્ય રૂપકો-દ્રષ્ટાંતોના બહોળા ઉપયોગથી કરનાર પ્રીતમદાસના પદોની ધ્રુવપંક્તિઓ એની ચોટના કારણે લોકપ્રિય બની છે. આ ઉપરાંત ગુજરાતી-હિંદી સાખીઓ, ‘જ્ઞાનગીતા’, ‘પ્રીતમગીતા’, ‘પ્રેમપ્રકાશ સુડતાળો કાળ (સુડતાળીસના દુકાળ પરની રચના)’ વગેરે એમના મોંઘેરા મોતીઓ છે.

(સુત = પુત્ર, વિત્ત = ધન, દારા = પત્ની, સમરપે = સમર્પે, આંગમે = આવકારે, સ્વીકારે, દુગ્ધા = પીડા. જંજાળ, વામે = ઓછું થવું, મટી જવું, રામ-અમલમાં = રામરાજ્યમાં, રાતામાતા = હૃષ્ટપુષ્ટ ને આનંદતું, રજનિ-દન = રાત-દિવસ, નરખે = નીરખે, જુએ)

(કવિપરિચય અને શબ્દાર્થ સાભાર)
https://layastaro.com/?p=327

~~~

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી વિશ્વકોશના શિલ્પી અને પદ્મભૂષણ ડો. ધીરુભાઈ ઠાકરની પુણ્યતિથિએ 24 જાન્યુઆરી 2021 ,રવિવારે એક સુંદર કાર્યક્રમ “પરમ પ્રેમ પરબ્રહ્મ : નરસિંહથી ન્હાનાલાલ સુધી” નું આયોજન થયું જેમાં અમર ભટ્ટે સુંદર પદો રજુ કર્યા.તો માણો હવે એને tahuko.com ઉપર દરેક રચના.

https://tahuko.com/?p=19448

નૃત્યાંગના (ગઝલ) ~ લિપિ ઓઝા

નૃત્યાંગના

થાય જ્યારે કોઈ કામણમાં ગરક નૃત્યાંગના
હોય જ્યાં, સર્જે છે ત્યાં ખુદની ખલક નૃત્યાંગના

શ્વેત વસ્ત્રોમાંય એ આભા બહુરંગી રચે!
ચીતરે છે લાસ્યની ક્યાંથી ધનક નૃત્યાંગના?

કૈક જન્મોની તરસ ભાંગે એ કેવળ જળ નથી!
દ્રષ્ટિમાં રાખે છે અમૃતની મશક નૃત્યાંગના

પાનીએ ચોંટી રહ્યા રજકણ ખરે છે ઠેસથી
ભૂતળે પ્રસરાવતી થોડું ફલક નૃત્યાંગના

તાર એના શોધવા છે કોઈ નર્તનની ક્ષણે
કોઈની કઠપૂતળી છે કે સનક નૃત્યાંગના

થાય છે ધબકાર પગમાં એના, છાતીમાં નહીં
જિંદગીને મોતનો સમજે ફરક નૃત્યાંગના

‘દેણ ઈશ્વરની’ એ શબ્દો ન્યાય પૂરો ક્યાં કરે
યુગ યુગાંતરના પરિશ્રમનો પદક નૃત્યાંગના

~ લિપિ ઓઝા

જરા જુદી બની ગઈ છે કથા તારી, કથા મારી (ગઝલ) ~ હેમંત કારિયા ~ સ્વરકાર: પરેશ નાયક ~ સ્વર: પ્રહર વોરા

~ શાયર: હેમંત કારિયા
~ સ્વરકાર:
પરેશ નાયક
~ સ્વર:
પ્રહર વોરા

 

જરા જુદી બની ગઈ છે કથા તારી, કથા મારી,
ગમી છે એટલે મુજને વ્યથા તારી, વ્યથા મારી.

વચન છે આપવા માટે વચનને આપતા રહીશું,
કદી વચનો નહીં પાળે મજા તારી, મજા મારી.

અલગ છે દર્દ તારા ને અલગ છે દર્દ મારા તો-
ગણું કેવી રીતે કહી દે દવા તારી, દવા મારી.

રૂડું સર્જન કરી નાખે જગત જોતું રહે જેને,
અગર ભેગી થઈ જાએ કલા તારી, કલા મારી.

તું મુખડું છે ગઝલનું ને ગઝલની અંતમાં હું છું,
ગઝલમાં છે જુદી જુદી જગા તારી, જગા મારી.

શાયર: હેમંત કારિયા, મુંબઈ

ગૂણિયો માપે ને છેણી રેગતી (ગીત) ~ જસુભાઈ શાહ ~ નોંધ: એક વિશેષ અને વિશિષ્ટ ગીત

જો પ્રસ્તુત ગીત તમને પહેલી વારમાં જ સમજાય, તો તમારે જ તમને એક મિલિયન લીલાકુંજાર અમેરિકન ડોલર્સ (આજની તારીખે રૂપિયા ૮ કરોડ, ૯૧ લાખ, ૬૨ હજાર, ૯૫૦ પૂરા) આપવાના રહેશે, કારણકે અમારી પાસે ફંડ નથી.

અમારે તો ટહુકો ફાઉન્ડેશન અને આપણું આંગણું બ્લૉગના ઉપક્રમે આખા અમેરિકામાં માતૃભાષાના સંવર્ધન અર્થે ઘણું ઘણું કામ કરવાનું છે. એટલે અમારી સામે મોટી ટાસ્ક સરસ્વતીને સાચવવા સૌપ્રથમ તો લક્ષ્મીદેવીને રિઝવવાની છે.

ખેર, ગીત તરફ વળીએ. ઓજારોને પરોવીને અનેરી ભાવછાયા અને અર્થચ્છાયા નિરૂપતાં કાવ્યો બહુ ઓછાં મળે છે. પ્રસ્તુત ગીતમાં અનેક નવા શબ્દો જડશે. એમાંથી કેટલાક શબ્દનો અર્થ ગીત પતે પછી મૂક્યો છે છતાં કેટલાક શબ્દનો અર્થ અમને ખબર નથી. તો એ સમજાવવાની જવાબદારી સુજ્ઞ વાચકની છે. વાત આખરે તો ઓજારથી ઉદ્ધાર તરફની થાય એની મહત્તા છે. – સંપાદકઃ હિતેન આનંદપરા.

ગીત ~ જસુભાઈ શાહ

ગૂણિયો માપે ને છેણી રેગતી
      ચોપેણ વાઢે ધારોધાર.
નજરે લાધે ના એવા ખાંચકા
સમતલ સટામરની ચાલ
હળવો હવાનોયે ભાર
ઘણ રે વાગે ને ઘડતર ઘાટમાં!

ધાર્યું દાબે રે ફુલેલ રેખમાં,
     ભીડમાં ઝટ અટપૈ જાય,
છૂટા રે છેડાને સાંધે ગ્યાસથી,
સાંધે કોઈ વીજળીને તાર
જડે કોઈ રીવેટ્યું’ની હાર – ઘણ રે.

ચાર ચાર મેલી વચમાં છાજલી,
જડિયો પાંચમે ભંડાર,
પડખે બાયે ને જમણે ભોપલાં
હેઠળ ગુપત ડંભાર,
જેમાં હાટિયાનો સાર – ઘણ રે.

કઈ રે જણસ્યુંને કાજે વ્હોરશે?
મનમાં કશી રે ગડભાંજ!
ધન રે કામેલાં કોરે ભરતિયે
અતલસ ગજી ને કિનખાબ,
આણે આવેલો અસબાબ – ઘણ રે.

મૂઢ રે મમતાથી માયા જાળવે
જતને જૂઠના ઉચાટ,
રઝળે રતન, કટકા કાચના
કાજે કળના કબાટ,
ભોગળ ભીડેલાં કમાડ – ઘણ રે.

વાયુને અણસારે થર થર કાંપતા
જેણે ઠઠારી ઠકરાત
મનની મંજૂષા ભરચક ઠાલવી
રાખે રામની મિરાત,
તેને સાથરે નિરાંત.
ઘણ રે વાગે ને ઘડતર ઘાટમાં!

(ગૂણિયોઃ કાટખૂણો. રેગતીઃ રેખા આંકતી, ચોપેણઃ લોખંડ કાપવાનું ચોરસ હથિયાર. સટામરઃ પતરાં સમતલ કરવાનું સાધન. ફુલેલઃ ધાર વાળવા માટેનું સાધન. ભીડઃ પ્રેસ (પતરાં વાળવાનું યંત્ર). ભોપલુંઃ પડખેનું ખાનું.)

સુજ્ઞ વાચકોને નીચેના શબ્દોના અર્થ જણાવવા /
આ ગીત વિશે પ્રતિભાવ આપવા વિનંતીઃ

શબ્દો :  છેણી, રીવેટ્યું, ડંભાર, હાટિયા

મન ન માને (ગઝલ) ~ હેમેન શાહ ~ સ્વરકાર: પુરુષોત્તમ ઉપાધ્યાય ~ સ્વર: પુરુષોત્તમ ઉપાધ્યાય – પાર્થિવ ગોહિલ 

હેમેન શાહની ઘણી ગઝલો પ્રખ્યાત છે. દા.ત. તો દોસ્ત હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે. એવી જ રીતે નીચે રજૂ કરેલી ગઝલ શાયરની પણ પ્રિય છે અને શ્રોતાઓની પણ પ્રિય છે. હેમેનભાઈની સિગ્નેચર ટ્યુન ગઝલ કહી શકાય.

આ ગઝલનું મનહર ઉધાસે `અક્ષર’ આલબમમાં લીધેલું સ્વરાંકન મોટે ભાગે સાંભળવા મળે છે.

https://tahuko.com/?p=3785

આલાપ દેસાઈએ પણ એનું સુંદર સ્વરાંકન કર્યું છે.

https://aapnuaangnu.com/2021/12/25/man-na-mane-gazal-hemen-shah-alap-desai-gargi-vora/

પણ આજે પુરુષોત્તમ ઉપાધ્યાયે કરેલું સ્વરાંકન માણીએ, જેની વિશેષતા એ છે કે આ પિયુ અને પાર્થિવનું મેલ ડ્યુએટ છે. ગુજરાતી સુગમ સંગીતમાં મેલ ડ્યુએટ બહુ ઓછા મળે છે. સ્વરાંકનમાં થોડાક શેર લેવાયા છે, પણ વાચકો માટે આખી ગઝલ મૂકી છે.

 

શાયર: હેમેન શાહ
સ્વરકાર: પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર:  પુરુષોત્તમ ઉપાધ્યાય – પાર્થિવ ગોહિલ
આલબમ: દીવાન-એ -ખાસ

મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ
કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ

રોજ વિઘ્નો પાર કરતા દોડવાનું છોડીએ
પાતળી સરસાઈથી આ જીતવાનું છોડીએ

પ્રેમના પ્રકરણ વિશે કંઈ બોલવાનું છોડીએ
ચોપડીમાં એક વચ્ચે કોરું પાનું છોડીએ

આવશે, જે આવવાનું છે એ પાસે ખુદ-બ-ખુદ
અહીં કે ત્યાં, આજે કે કાલે, શોધવાનું છોડીએ

મ્હેકની ભાષા સમજીએ, જેટલી સમજાય તે
કિન્તુ પાકટ પથ્થરોને પૂછવાનું છોડીએ

હોય જો તાકાત તો બે-ત્રણ હલેસાં મારીએ
જળને વ્હેવાની રસમ શીખવાડવાનું છોડીએ

કંઠમાં શોભે તો શોભે માત્ર પોતાનો અવાજ
પારકી રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ

કોઈ દુર્ગમ પથ ઉપર તૂટેલી ભેખડ કાં બનો?
છોડીએ તો એક સીમાચિન્હ નાનું છોડીએ

***

તારા ગણવાથી રાત પૂરી ન થાય ~ કવિ: રમેશ પારેખ ~ સ્વરાંકન: ઓજસ ભટ્ટ ~ સ્વર: દિવીજ નાયક

ગુજરાતી નાટકોમાં ગીત-સંગીતનો પ્રયોગ હવે ઓછો થઈ રહ્યો છે. એક સમયે કાંતિ મડિયા પેતાના નાટકમાં વાર્તાને અનુરૂપ ગીતો રાખતા. ચંદ્રકાંત શાહ (ચંદુ)ના નાટકોમાં પણ ગીતોનું એક આગવું આકર્ષણ રહેતું.

મુંબઈમાં પ્રતિભાવંત દિગ્દર્શક પ્રીતેશ સોઢા દિગ્દર્શિત, મંથન જોશી લિખિત ‘કોશેટો’ નાટકમાં રમેશ પારેખની કવિતાઓનો સઘન અને સંવેદનશીલ વિનિયોગ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં આ નાટકમાં રમેશ પારેખ એક અગત્યના પાત્ર તરીકે પણ તખ્તા પર છે. ર.પા.ની કવિતાના પ્રેમમાં નાયિકા પરિમિતિ શાસ્ત્રી  છે. (લાજવાબ અભિનયઃ સેજલ પોન્દા)

જેના ૨૫  પ્રયોગ થઈ ચૂક્યા છે એવા ‘કોશેટો’ નાટકમાં સમાવિષ્ટ ગીતોમાં શબ્દો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે એનો વિશેષ આનંદ છે.
***

કવિ: રમેશ પારેખ
~ સ્વરાંકન: ઓજસ ભટ્ટ
~ સ્વર: દિવીજ નાયક

તારા ગણવાથી રાત પૂરી ન થાય
હવે તારા ગણવાથી વાત પૂરી ન થાય

એકલવાયા રે સખી, ઘરના રહેવાસ
એમાં આવા ને આવા ઉજાગરા
ફાગણના દિવસોમાં ફળિયે તો ઠીક
મારાં લોચનમાં મ્હોર્યા છે ખાખરા

લંબાતી ઝંખનાને છેડો નહીં ક્યાંય
હું તો પગલે પગલે રે સાવ તૂટું
કાંકરીઓ વાગવાથી ફૂટતી’તી હેલ્ય
હવે એવા દિવસો કે હું જ ફૂટું
આથમણી મેર ડૂબે સૂરજ છતાંય મારે
રોમ રોમ તડકાઓ આકરા (૨)

કોડને કમાડ કદી ઘૂંટેલાં લાભશુભ
રાતુંચટ્ટાક હજી જાગે
ઓસરીમાં આભલાંનું તોરણ
તે કોઈ એક આવે તો કેટલાય લાગે!
ભણકારો સ્હેજસાજ વાગ્યાથી લોહીઝાણ
થઈ જાતા જોયાના કાંગરા (૨)

ફાગણના દિવસોમાં ફળિયે તો ઠીક
મારાં લોચનમાં મ્હોર્યા છે ખાખરા

(૩૦-૧-૧૯૭૦)

સગપણ સાહિત્યનું – ટહુકો અને આપણું આંગણું સંયોજિત

ટહુકો ફાઉન્ડેશન અને આપણું આંગણું બ્લૉગના સંયુક્ત ઉપક્રમે
🔹ઉજવણી કાર્યક્રમ: ૧

https://www.youtube.com/live/zyETyebEAs4?si=QikpED7FjxATEeuV

વક્તા: મણિલાલ હ. પટેલ
વિષય: સગપણ સાહિત્યનું
📍રવિ. ૧૬ નવે. ૨૦૨૫
📍 રાત્રે ૮.૩૦ (ભારત)

કારેલાની કિટ્ટા અને બટાકાની બુચ્ચા  – ઉદયન ઠક્કર

ખમીસમાં ચટાપટા પપ્પા, હું તો વાઘ
જીવ હોય વહાલો તો અહીંયાંથી ભાગ !

ત્રણ મારા ખાસ દોસ્તઃ રામ, નટુ, રિંગો
તમારે થવું છે મારા ભાઈબંધ ? ડિંગો !

મમ્મી પૂછે, જોઈએ કે તાજો તાજો નાસ્તો ?
હરખાઈને હું બોલું, હાજી, હાજી, હાસ્તો !

ચારેબાજુ ચપોચપ ચોપડાનો થપ્પો
કાં તો હશે છાપાંવાળો, કાં તો મારો પપ્પો !

કોઈ શાક ભલાં-ભોળાં, કોઈ શાક લુચ્ચાં…
કારેલાની કિટ્ટા અને બટાકાની બુચ્ચા !

– ઉદયન ઠક્કર