નૃત્યાંગના (ગઝલ) ~ લિપિ ઓઝા

નૃત્યાંગના

થાય જ્યારે કોઈ કામણમાં ગરક નૃત્યાંગના
હોય જ્યાં, સર્જે છે ત્યાં ખુદની ખલક નૃત્યાંગના

શ્વેત વસ્ત્રોમાંય એ આભા બહુરંગી રચે!
ચીતરે છે લાસ્યની ક્યાંથી ધનક નૃત્યાંગના?

કૈક જન્મોની તરસ ભાંગે એ કેવળ જળ નથી!
દ્રષ્ટિમાં રાખે છે અમૃતની મશક નૃત્યાંગના

પાનીએ ચોંટી રહ્યા રજકણ ખરે છે ઠેસથી
ભૂતળે પ્રસરાવતી થોડું ફલક નૃત્યાંગના

તાર એના શોધવા છે કોઈ નર્તનની ક્ષણે
કોઈની કઠપૂતળી છે કે સનક નૃત્યાંગના

થાય છે ધબકાર પગમાં એના, છાતીમાં નહીં
જિંદગીને મોતનો સમજે ફરક નૃત્યાંગના

‘દેણ ઈશ્વરની’ એ શબ્દો ન્યાય પૂરો ક્યાં કરે
યુગ યુગાંતરના પરિશ્રમનો પદક નૃત્યાંગના

~ લિપિ ઓઝા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *