ગૂણિયો માપે ને છેણી રેગતી (ગીત) ~ જસુભાઈ શાહ ~ નોંધ: એક વિશેષ અને વિશિષ્ટ ગીત

જો પ્રસ્તુત ગીત તમને પહેલી વારમાં જ સમજાય, તો તમારે જ તમને એક મિલિયન લીલાકુંજાર અમેરિકન ડોલર્સ (આજની તારીખે રૂપિયા ૮ કરોડ, ૯૧ લાખ, ૬૨ હજાર, ૯૫૦ પૂરા) આપવાના રહેશે, કારણકે અમારી પાસે ફંડ નથી.

અમારે તો ટહુકો ફાઉન્ડેશન અને આપણું આંગણું બ્લૉગના ઉપક્રમે આખા અમેરિકામાં માતૃભાષાના સંવર્ધન અર્થે ઘણું ઘણું કામ કરવાનું છે. એટલે અમારી સામે મોટી ટાસ્ક સરસ્વતીને સાચવવા સૌપ્રથમ તો લક્ષ્મીદેવીને રિઝવવાની છે.

ખેર, ગીત તરફ વળીએ. ઓજારોને પરોવીને અનેરી ભાવછાયા અને અર્થચ્છાયા નિરૂપતાં કાવ્યો બહુ ઓછાં મળે છે. પ્રસ્તુત ગીતમાં અનેક નવા શબ્દો જડશે. એમાંથી કેટલાક શબ્દનો અર્થ ગીત પતે પછી મૂક્યો છે છતાં કેટલાક શબ્દનો અર્થ અમને ખબર નથી. તો એ સમજાવવાની જવાબદારી સુજ્ઞ વાચકની છે. વાત આખરે તો ઓજારથી ઉદ્ધાર તરફની થાય એની મહત્તા છે. – સંપાદકઃ હિતેન આનંદપરા.

ગીત ~ જસુભાઈ શાહ

ગૂણિયો માપે ને છેણી રેગતી
      ચોપેણ વાઢે ધારોધાર.
નજરે લાધે ના એવા ખાંચકા
સમતલ સટામરની ચાલ
હળવો હવાનોયે ભાર
ઘણ રે વાગે ને ઘડતર ઘાટમાં!

ધાર્યું દાબે રે ફુલેલ રેખમાં,
     ભીડમાં ઝટ અટપૈ જાય,
છૂટા રે છેડાને સાંધે ગ્યાસથી,
સાંધે કોઈ વીજળીને તાર
જડે કોઈ રીવેટ્યું’ની હાર – ઘણ રે.

ચાર ચાર મેલી વચમાં છાજલી,
જડિયો પાંચમે ભંડાર,
પડખે બાયે ને જમણે ભોપલાં
હેઠળ ગુપત ડંભાર,
જેમાં હાટિયાનો સાર – ઘણ રે.

કઈ રે જણસ્યુંને કાજે વ્હોરશે?
મનમાં કશી રે ગડભાંજ!
ધન રે કામેલાં કોરે ભરતિયે
અતલસ ગજી ને કિનખાબ,
આણે આવેલો અસબાબ – ઘણ રે.

મૂઢ રે મમતાથી માયા જાળવે
જતને જૂઠના ઉચાટ,
રઝળે રતન, કટકા કાચના
કાજે કળના કબાટ,
ભોગળ ભીડેલાં કમાડ – ઘણ રે.

વાયુને અણસારે થર થર કાંપતા
જેણે ઠઠારી ઠકરાત
મનની મંજૂષા ભરચક ઠાલવી
રાખે રામની મિરાત,
તેને સાથરે નિરાંત.
ઘણ રે વાગે ને ઘડતર ઘાટમાં!

(ગૂણિયોઃ કાટખૂણો. રેગતીઃ રેખા આંકતી, ચોપેણઃ લોખંડ કાપવાનું ચોરસ હથિયાર. સટામરઃ પતરાં સમતલ કરવાનું સાધન. ફુલેલઃ ધાર વાળવા માટેનું સાધન. ભીડઃ પ્રેસ (પતરાં વાળવાનું યંત્ર). ભોપલુંઃ પડખેનું ખાનું.)

સુજ્ઞ વાચકોને નીચેના શબ્દોના અર્થ જણાવવા /
આ ગીત વિશે પ્રતિભાવ આપવા વિનંતીઃ

શબ્દો :  છેણી, રીવેટ્યું, ડંભાર, હાટિયા

3 replies on “ગૂણિયો માપે ને છેણી રેગતી (ગીત) ~ જસુભાઈ શાહ ~ નોંધ: એક વિશેષ અને વિશિષ્ટ ગીત”

  1. ઘણ રે બોલે ને એરણ સાંભળે-આ જાણીતી કવિતા યાદ કરાવતું વિશિષ્ટ ,અનોખું કાવ્ય.

  2. અદ્ભૂત કાવ્ય. અદ્ભુત ઉદાહરણો. અદ્ભુત વાત.
    કવિને ખુબ ખુબ ધન્યવાદ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *