અતીતની અટારીએ સ્મૃતિ-સમૃદ્ધિ ફાનસની જેમ ઝળાંહળાં હોય છે. આપણે અરીસામાં જોઈએ ત્યારે ઘણી વાર પ્રતિબિંબની પાછળનું અચાનક નજર સામે ઉભરવા લાગે. કૃષ્ણ જો અરીસામાં જુએ તો એને શું દેખાય એનું ભાવપ્રદ અને રસપ્રદ ગીત માણીએ. સ્વરકારોને આગ્રહ નહીં, પણ દુરાગ્રહ સાથે વિનંતી કે આ ગીતનું સ્વરાંકન થાય તો પ્રતિબિંબથી પારાવાર સુધી જવાની કોઈ સૂરમયી કળ અમને ભાવકોને મળે.
ગીતઃ ભૂપેશ અધ્વર્યુ
દ્વારકાના મહેલ મહીં જાદવરાય
દર્પણમાં દેખતાં કાનજી થાય
રંગમ્હેલટોચપે બેસીને મોરલો
નાનું શું મોરપિચ્છ ખેરવી જાય
હૈયામાં સરવાણી ફૂટી
ને ઊમટ્યાં, જમનાનાં ખળભળતાં પૂર
કાંઠે કંદબડાળ ઊગી
ને ગાયોએ ઘેર્યો હાં, બંસીનો સૂર
ઝરૂખે ઝૂકીને જુએ આભલાંની કોર ભણી
ક્યાંક, અરે, ક્યાંક પેલું ગોકુળ દેખાય?
મટુકી ફૂટે ને બધે માખણ વેરાય
દર્પણની બ્હાર જદુરાય
ને દર્પણમાં, છેલ ને છકેલ પેલો કાનજી
બ્હારની રુકીમણી મોહે
ને દર્પણની, અચકાતી દેખી ગોવાળજી.
હોઠની વચાળે હાં, બંસીનું નામ મૂકી
રોતી રાધિકાનું મુખડું દેખાય
રાસ રમે વનરાની કુંજ, ને વચાળે હાં
નાથ રે દુવારકાનો એવો ઘેરાય.
***

