એક વિના મ્હને એકલું લાગે – અવિનાશ વ્યાસ

એક વિના મ્હને એકલું લાગે,
હોય અનેક ગણી વર્ષા તોયે,
ચાતક તો એનું બિન્દુ જ માગે.
એક વિના મ્હને એકલું લાગે.

રૂપની રેખા ભલે રણકે,
કોઇ નેપૂર નાદ ભલે છણકે,
તન ભલે તલસાટ કરે પણ મનની મોસમ જાગી ન જાગે.
એક વિના મ્હને એકલું લાગે.

દિલ દઝાડીને જાય કો વેરી,
એનીયે ઓછપ લાગે અનેરી,
પ્રાણ પંખી એને ઝંખીને થાકે, લોચન કેરી ના લોલુપ ભાંગે
એક વિના મ્હને એકલું લાગે.

રૂપ ને રંગની હોય બિછાવટ,
હોય ભલે શણગાર સજાવટ,
ધન ભલે, વાહન ભલે, છોને નીત ઝૂલે આંગણ ઐરાવત,
મનને માંગ્યું જો મન મળે નહિ,
કંઠ કોકિલાનો જાગે ન કાગે,
એક વિના મ્હને એકલું લાગે.

અમે – જાવેદ અખ્તર, અનુ. રઇશ મનીઆર

સ્વપ્નના ગામમાં રહીને ઊછર્યા અમે
ચાળણીમાં લઇ જળ આ ચાલ્યા અમે

ફૂંકીએ છાશ કે બાળપણમાં કદી
દૂઘથી કંઇક એ રીતે દાઝ્યા અમે

ખુદના રસ્તાની અડચણ અમે ખુદ છીએ
ખુદના પગમાં થઇ છાલાં બાઝ્યાં અમે

હે જગત ! તું તો અમને ન કહેજે ખરાબ
જેમ તેં ઢાળ્યા એમ જ ઢળાયા અમે

કેમ, ક્યાં લગ અને કોને માટે છીએ
ખૂબ ગંભીર એવી સમસ્યા અમે.

એક છોકરો + એક છોકરી + કંઇક બીજું ? – રમેશ પારેખ

સ્વરાંકન – સ્વર : પાર્થિવ ગોહિલ

(વાદળનો હિંચકો… Grand Canyon, Arizona – Aug 31, 2008)

* * * * *

.

એક છોકરાએ સિટ્ટિનો હિંચકો બનાવી એક છોકરીને કીધું : ‘લે ઝૂલ’

છોકરાએ સપનાનું ખિસ્સું ફંફોસીને
સોનેરી ચોકલેટ કાઢી રે
છોકરીની આંખમાંથી સસલીનાં ટોળાએ
ફેંકી કૈં ચિઠીઓ અષાઢી રે

સીધી લીટીનો સાવ છોકરો ને પલળ્યો તો બની ગયો બેત્રણ વર્તુલ

છોકરીને શું ? એ તો ઝૂલી,
તે પછી એને ઘેર જતાં થયું સ્હેજ મોડું રે
જે કાંઇ થયું એ તો છોકરાને થયું
એના સાનભાન ચરી ગયું ઘોડું રે

બાપાની પેઢીએ બેસી તે ચોપડામાં રોજરોજ ચીતરતો ફૂલ.

તને જોઇ જોઇ તો ય તું અજાણી – રાજેન્દ્ર શાહ

તને જોઇ જોઇ તો ય તું અજાણી,
જાણે બીજને ઝરૂખડે ઝૂકી’તી પૂર્ણિમા
ઝાઝેરો ઘૂમટો તાણી.

વ્યોમ ને વસુંઘરાની કન્યા કોડામણી,
તું તો છે સંધ્યાની શોભા સોહામણી,
લોચને ભરાય તો ય દૂર દૂર ધામની;
વાયુની લ્હેર સમી અંગને અડી છતાં ય
બાહુને બંધ ના સમાણી.

પોઢેલો મૃગ મારા મનનો મરુવને,
જલની ઝંકોર તારી જગવી ગૈ એહને;
સીમ સીમ રમતી તું, ના’વતી જરી કને;
સાબરનાં નીતરેલ નીર તું ભલે હો, આજ
મારે તો ઝાંઝવાનાં પાણી !

ગઝલ – મરીઝ

એ રીતથી છવાઇ ગયા છે ખયાલમાં ;
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.

તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.

સારું છે એની સાથે કશી ગુફતગુ નથી,
નહિતર હું કંઇક ભૂલ કરત બોલચાલમાં.

લય પણ જરૂર હોય છે, મારી ગતિની સાથ,
હું છું ધ્વનિ સમાન જમાનાની ચાલમાં.

મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.

એ ‘ના’ કહી સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
કરવી ન જોઇતી’તી ઉતાવળ સવાલમાં.

મારો અભાવ… – મનોજ ખંડેરિયા


1779918519_576ae9bba9_m

લાલાશ આખા ઘરની હવામાં ભરી જઇશ
ગુલમ્હોર મારી લાગણીનો પાથરી જઇશ.

ઊડતાં ફૂલોની કલ્પનાને સાચી પાડવા
આપી મહક પતંગિયાંને હું ખરી જઇશ.

આખું ય વન મહેકતું રહેશે પછી સદા
વૃક્ષોના થડમાં નામ લીલું કોતરી જઇશ.

હું તો છું પીછું કાળના પંખીની પાંખનું
સ્પર્શું છું આજ આભને, કાલે ખરી જઇશ.

મારો અભાવ મોરની માફક ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઇશ.

એક સુસ્ત શરદની રાતે – નીનુ મઝુમદાર

188874304_4d28a1a75d_m

એક સુસ્ત શરદની રાતે
આળસ મરડી રહી’તી ક્ષિતિજે ને વ્યોમ બગાસું ખાતું હતું;
આંખો ચોળી નિદ્રાભારે પાંપણ પલકાવતી તારલીઓ,
ભમતી’તી આછી વાદળીઓ કંઈ ધ્યેય વિના અહીંયા ત્યહીંયાં;
ચંદાએ દીવો ધીમો કરી મલમલની ચાદર ઓઢી લીધી.

એક સુસ્ત શરદની રાતે
ત્યાં મંદ પવન લ્હેરાયો,
ડાળે પંખી બેચેન થયાં, જરી ઘેનભરી કચકચ કીધી
એક બચ્ચુ હરણનું બેઠું થયું હળવેથી ડોક ખણી લીધી,
મૃગલીએ પાસું બદલીને નિજ બાળનું શિર સૂંઘી લીધું,
ને ભીરુ સસલું ચમકીને બેચાર કદમ દૂર દોડી ગયું.

એક સુસ્ત શરદની રાતે
જ્યાં મંદ પવન લ્હેરાયો,
ચંપાએ ઝૂકી કાંઈ કહ્યું મધુમાલતીના કાનોમાં;
મધુમાલતી બહુ શરમાઈ ગઈ
અને ઝૂમખે ઝૂમખે લાલ થઈ
ને ચંપો ખડખડ હસી પડ્યો.
ભ્રૂભંગ કરી રહી વૃક્ષઘટા,
કંઈ ફૂલ બકુલનાં કૂદી પડ્યાં મધુવનની ક્યારી ક્યારીએ,
માંડી કૂથલી ઉશ્કેરાઈ ને ચકિત થઈ ગભરુ કળીઓ
ગુલબાસ જૂઈ ગણગણી ઊઠ્યાં,
દર્ભે ડમરાને ગલી કરી,
ને વૃદ્ધ પીપળો ડોકું ધુણાવી ગયો સમય સંભારી રહ્યો.

એક સુસ્ત શરદની રાતે
જ્યાં મંદ પવન લહેરાયો,
કાઢીને અંચલ મેઘ તણો દિગ્વધૂપ અંગો લૂછી રહી,
જોવા શશિરાજ ચઢ્યો ગગને, અણજાણને ઈચ્છા જાગી ગઈ;
ક્યહીંથી અણદીઠો સ્નેહ ઝર્યો પ્રસ્વેદ ફૂટ્યો પાને પાને,
સૂતેલી કલાન્ત પ્રગલ્ભ ધરાને રૂપેરી રોમાંચ થયો,
એક સુસ્ત શરદની રાતે
જ્યાં મંદ પવન લહરાયો.

મારું હૈયું ખોવાયું એક વેળા – ગુલાબદાસ બ્રોકર

1500291674_c064665fe0 

મારું  હૈયું  ખોવાયું  એક  વેળા,
રે  રાજ,  મારું  હૈયું  ખોવાયું  એક  વેળા.

જ્યારે  સૂરજદેવ  થાકી  આકાશથી  પચ્છમમાં  ઊતરી  ગયેલા,
ધરતી  રાણીનું  હૈયું  જ્યારે  ઉલ્લાસથી  શ્વાસ  લેતું  આશથી  ભરેલા,
એવી  એક  સાંજ  રે  ઘેલું  બનેલ  આ  હૈયું  ખોવાયું  એક  વેળા.
રે  રાજ,  મારું  હૈયું  ખોવાયું  એક  વેળા.

ત્યારથી  તે  આજ  સુધી  ચૌટે  ને  ચોકમાં  શોધું  હું  બ્હાવરી  શી  એને,
સાગરને  તીર  કે  નદીઓનાં  નીરમાં  તારલાને  લાખલાખ  નેને,
ક્યાંયે  ના  ભાળતી  સહેજે  ગયેલ  જે  હૈયું  ખોવાઇ એક  વેળા,
રે  રાજ,  મારું  હૈયું  ખોવાયું  એક  વેળા.

ખોળી  ખોળીને  એની  આશ  છોડી  આજ  હું  આવતી’તી  સીમમાંથી  જ્યારે,
ત્યારે  દીઠો  મેં  ક્હાન  પાવો  વગાડતો  ઝૂલીને  વડલાની  ડાળે,
બોલ્યું  શું  પાવાના  મધમીઠા  સૂરમાં,  જે  હૈયું  ખોવાયું  એક  વેળા.
રે  રાજ,  મારું  હૈયું  ખોવાયું  એક  વેળા.

હળવે હાથે હથેળી ઉપર – અરૂણ દેશાણી

હળવે  હાથે  હથેળી  ઉપર  જરા  તમારું  નામ  લખી દો,
નામ ની સાથે સાથે સાજન, સરનામુ પણ ખાસ લખી દો.

થોક થોક  લોકો ની  વચ્ચે  હવે નથી  ગમતું  મળવાનું,
ઢેલ સરીખુ વળગુ ક્યારે, મળશો ક્યાં એ  સ્થાન લખી દો.

એકલતાનુ   ઝેર  ભરેલા   વીંછી  ડંખી  લે   એ   પહેલા,
મારે આંગણ સાજન ક્યારે, લઇ આવો છો  જાન લખી દો.

બહુ બહુ  તો  બે  વાત  કરી ને  લોકો  પાછા  ભુલી જાશે,
નામ તમારું મારા નામ ની પાછળ  ખુલ્લે આમ  લખી દો.

હળવે  હાથે  હથેળી  ઉપર  જરા  તમારું  નામ  લખી દો,
નામની સાથે સાથે સાજન, સરનામુ  પણ ખાસ લખી દો.

મૃગજળ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

ગમ્યું એ બધું મૃગજળ થઈને ચાલ્યું આઘે,
શેષ હતું એ વાદળ થઈને ચાલ્યું આઘે.

આંખો લખતી રહી રાતભર કહેવું’તું જે,
સૂરજ ઊગતાં ઝાકળ થઈને ચાલ્યું આઘે.

સાવ અચાનક કયા વળાંકે ? ખબર પડી આ,
આયુષ આખું પળપળ થઈને ચાલ્યું આઘે.

અઢળક તારાઓ મ્હારામાં ઝબકી ઊઠ્યા,
કોણ દિવસભર ઝળહળ થઈને ચાલ્યું આઘે ?

કેટકેટલું મથે ? દેહ પાછળ ને પાછળ,
મન હંમેશાં આગળ થઈને ચાલ્યું આઘે.

પથ્થરનો અવતાર મળ્યો આ જન્મે મિસ્કીન,
શું ય હશે જે ખળખળ થઈને ચાલ્યું આઘે.