એક વિના મ્હને એકલું લાગે,
હોય અનેક ગણી વર્ષા તોયે,
ચાતક તો એનું બિન્દુ જ માગે.
એક વિના મ્હને એકલું લાગે.
રૂપની રેખા ભલે રણકે,
કોઇ નેપૂર નાદ ભલે છણકે,
તન ભલે તલસાટ કરે પણ મનની મોસમ જાગી ન જાગે.
એક વિના મ્હને એકલું લાગે.
દિલ દઝાડીને જાય કો વેરી,
એનીયે ઓછપ લાગે અનેરી,
પ્રાણ પંખી એને ઝંખીને થાકે, લોચન કેરી ના લોલુપ ભાંગે
એક વિના મ્હને એકલું લાગે.
રૂપ ને રંગની હોય બિછાવટ,
હોય ભલે શણગાર સજાવટ,
ધન ભલે, વાહન ભલે, છોને નીત ઝૂલે આંગણ ઐરાવત,
મનને માંગ્યું જો મન મળે નહિ,
કંઠ કોકિલાનો જાગે ન કાગે,
એક વિના મ્હને એકલું લાગે.
સરસ