એક સુસ્ત શરદની રાતે
આળસ મરડી રહી’તી ક્ષિતિજે ને વ્યોમ બગાસું ખાતું હતું;
આંખો ચોળી નિદ્રાભારે પાંપણ પલકાવતી તારલીઓ,
ભમતી’તી આછી વાદળીઓ કંઈ ધ્યેય વિના અહીંયા ત્યહીંયાં;
ચંદાએ દીવો ધીમો કરી મલમલની ચાદર ઓઢી લીધી.
એક સુસ્ત શરદની રાતે
ત્યાં મંદ પવન લ્હેરાયો,
ડાળે પંખી બેચેન થયાં, જરી ઘેનભરી કચકચ કીધી
એક બચ્ચુ હરણનું બેઠું થયું હળવેથી ડોક ખણી લીધી,
મૃગલીએ પાસું બદલીને નિજ બાળનું શિર સૂંઘી લીધું,
ને ભીરુ સસલું ચમકીને બેચાર કદમ દૂર દોડી ગયું.
એક સુસ્ત શરદની રાતે
જ્યાં મંદ પવન લ્હેરાયો,
ચંપાએ ઝૂકી કાંઈ કહ્યું મધુમાલતીના કાનોમાં;
મધુમાલતી બહુ શરમાઈ ગઈ
અને ઝૂમખે ઝૂમખે લાલ થઈ
ને ચંપો ખડખડ હસી પડ્યો.
ભ્રૂભંગ કરી રહી વૃક્ષઘટા,
કંઈ ફૂલ બકુલનાં કૂદી પડ્યાં મધુવનની ક્યારી ક્યારીએ,
માંડી કૂથલી ઉશ્કેરાઈ ને ચકિત થઈ ગભરુ કળીઓ
ગુલબાસ જૂઈ ગણગણી ઊઠ્યાં,
દર્ભે ડમરાને ગલી કરી,
ને વૃદ્ધ પીપળો ડોકું ધુણાવી ગયો સમય સંભારી રહ્યો.
એક સુસ્ત શરદની રાતે
જ્યાં મંદ પવન લહેરાયો,
કાઢીને અંચલ મેઘ તણો દિગ્વધૂપ અંગો લૂછી રહી,
જોવા શશિરાજ ચઢ્યો ગગને, અણજાણને ઈચ્છા જાગી ગઈ;
ક્યહીંથી અણદીઠો સ્નેહ ઝર્યો પ્રસ્વેદ ફૂટ્યો પાને પાને,
સૂતેલી કલાન્ત પ્રગલ્ભ ધરાને રૂપેરી રોમાંચ થયો,
એક સુસ્ત શરદની રાતે
જ્યાં મંદ પવન લહરાયો.
Dear JAyshree & Amit, Regards form Dollermama. How R U . Your web sight is very very intresting. I Am very much intrested in listining to your songs, gazals and songs. When R U starting plz keep me updated thanx
વાહ નીનુભાઇ ! વાહ બહેના !
વાહ! કેટલું સુન્દર વર્ણન છે! આજે પાછો આકાશમાં ચૌદસનો ચાંદો પ્રકાશી રહ્યો છે અને આ કાવ્ય વાંચવામાં આવ્યું એટલે વધારે મજા આવી ગઈ.
આમ જોઈએ તો ઘટના ફક્ત એ બની હતી કે એક શરદની રાતે મંદ પવન લહેરાયો. આટલી નાની અમથી ઘટનાએ આટલું મસ્ત કાવ્ય સરજાવી દીધું. આપણને એમ થાય કે આવો પવન તો આપણને પણ અનુભવાયો હશે, પણ આ કાવ્ય જેટલો રોમાંચ નથી થતો. અહીં જ કવિની લાગણીશીલતા કામ કરી જાય છે.
પાછલી પહોરની મીઠી નીંદરમાં મગન સૂતો હતો અને સપનામાં એને એની કંકૂ આવી. સપનામાં મીઠી મીઠી વાતો કરતાં કરતાં મગન જાગી ગયો અને જોયું તો બાજુમાં કંકૂ નહીં. તમે જ કહો, મગનને હવે ક્યાંથી ઊંઘ આવે. વિરહના ગરમ શ્વાસો લેતો મગન બહાર ફળિયામાં આવી ઊભો છે, અને અચાનક “ત્યાં મંદ પવન લ્હેરાયો”! મગનને લાગે છે કે એની કંકૂ દોડીને આવીને જાણે એને વીંટળાઈ પડી. પછી તો એને આખું વિશ્વ સુંદર લાગે છે, romantic લાગે છે. પંખી, હરણ, સસલું બધાં એને સળવળતાં લાગ્યાં. કંકૂ અને મગનની આ વાત ચંપાએ મધુમાલતીના કાનમાં kissy કરીને કહી- અને મધુમાલતીનાં ધોળાં ફૂલ લાલ થઈ ગયાં. એમની આ ચેષ્ટા જોઈ વૃક્ષઘટાએ ભમર ચડાવી (ભ્રૂભંગ). છોડવાઓ ગણગણી ઊઠ્યા. મેઘરૂપી પાલવથી દીશાઓ રૂપી નવવધૂઓ અંગ લૂછતી રહી. અત્યાર સૂધીનો સૂતેલો ચાંદો પણ આ જોવા ગગને ચઢ્યો….અને કંકૂની યાદથી મગનને થતો રોમાંચ ધરાએ પણ અનુભવ્યો……..”એક સુસ્ત શરદની રાતે,
જ્યાં મંદ પવન લહરાયો.”