ચાલ સખી, પાંદડીમાં… – ધ્રુવ ભટ્ટ

જેટલીવાર સાંભળો એટલીવાર એમ થાય, કે ફરીથી એકવાર સાંભળીયે. શબ્દો સમજવા મને થોડા અઘરા લાગ્યા, પણ તો યે ખૂબ પોતીકું લાગે છે આ ગીત…
મૂળથી ટોચ સુધી લહેરાતી લાગણીનું ગીત :

સ્વર : અમર ભટ્ટ
સંગીત : ક્ષેમુ દિવેટીઆ

.

ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાની
જેમ ફરી જિંદગીને મૂકીએ,
ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય
કે લાગણી ગણાય એમ પૂછીએ.

વેદના તો અડીખમ ઉભો કંઠાર
જતાં આવતાં જુવાળ ભલે કોતરે,
સુખ સાથે આપણો તો જળનો સંબંધ
ક્યાંક રેતી ઢાંકે ને ક્યાંક ઓસરે.

છીપલાની હોડીને શઢથી શણગાર ચાલ
કાંઠો છોડીને હવે ઝૂકીએ,
પાંદડીમાં ઝાકળનાં ટીપાંની જેમ
ફરી ચાલ સખી જિંદગીને મૂકીએ.

ચાંદનીને ચાંદનીનું નામ ન’તા દે’તા
એ વાતો અકબંધ મને યાદ છે,
વૃક્ષ પછી ડાળ પછી પંખીનો માળો
ને ઉપર આકાશ જેવો સાદ છે.

મૂળમાંથી ફૂટે ને ટોચ લગી જાય
એવી લાગણીને કેમ રે ઉવેખીએ,
ઝાકળશી જિંદગીને પાનની લીલાશ પરે
ચાલ સખી એક વાર મૂકીએ.

————————

માણસમાત્રની એક ઝંખના હોય છે કે તેની ગતિ તમસો મા જ્યોતિર્ગમય બને, જડતામાંથી લાગણીશીલતા તરફ બને. કાર અને mobile phoneના model બદલાય એમ માણસ સંબંધો પણ ફટાફટ બદલે છે, પણ એનું મન ક્યારેક તો ઝંખે છે ભીનાભીના અતૂટ ભાવભર્યા સંબંધને! ચામડીને ચીપકીને માણસ સુખ તો ભોગવે છે, પણ એનું મન ક્યારેક ઝંખે છે સાચા પ્રેમને! email, Internet, DVD player અને professional jobમાં આખો દિવસ કાઢતો માણસ ક્યારેક તો ઝંખે છે સંધ્યાના રતૂંબલ આકાશને! ખેતરના ખુલ્લા આકાશ નીચે લીમડાની છાંયે પત્નીના ખોળામાં માથુ રાખી સૂતા ખેડૂતને જોઈએ ત્યારે લાગે કે આ શહેરના ભાગંભાગ કરતા માણસને આ modern societyએ શું આપ્યું? એને સમય જ ક્યાં રહે છે એની પત્નીના બે બોલ સાંભળવા અને સમજવા માટે કે દીકરી સાથે રમવા માટે? આવતાં જતાં પહેરેલો દુપટ્ટો સહેજ અડી જાય અને પત્ની પતિને “excuse me” સાહજિકતાથી કહી નાખે, પણ એમને કોણ સમજાવે કે આમ સહેજ અડતા દુપટ્ટાની સાથે આવતી એના શરીરની સુગંધ કેવી મૂળથી ટોચ સુધીની લાગણી જન્માવે છે? એવે સમયે કવિને પ્રશ્ન થાય કે ટેરવાનો સ્પર્શ એ એક physical ઘટનામાત્ર છે કે લાગણીનો સાગર છે?….અને ઉદભવે છે આ કાવ્ય. જીંદગી યાંત્રિક બની ગઈ છે….વેદના, દુખ, ચિંતામાં ઘેરાયેલો માણસ રાતોની રાતો ઊંઘી નથી શકતો. પણ સવારે એક દ્રશ્ય એ જુએ છે અને એની તમસો મા જ્યોતિર્ગમય ની લાગણી જાગી ઊઠે છે- વેલની નાનકડી પાંદડી પર પડેલાં ઝાકળનાં ટીપાં! ઝાકળનું ક્ષણિક જીવન પાંદડીની મૃદુતામાં, પાંદડીની લીલાશમાં સુરક્ષિત છે, અને એવું ઝાકળ ભીનાશ મૂકી જાય છે. પાંદડી પરથી ખરી પડતું ઝાકળ જમીનની રુક્ષતામાં મૃત્યુ પામે છે. એમ જીંદગી પણ ક્ષણિક છે, નાજુક છે, એવી જીંદગીને ક્યાં મૂકીશું? સવારના એ દ્રશ્યમાંથી જવાબ મળે છે કે ભીની ભીની લીલી લીલી લાગણીઓમાં!

જીંદગીમાં વેદના, દુખ તો અડીખમ ઊભાં હોય છે- જેમ કંઠાર એટલે કે સમુદ્રકિનારાનો પ્રદેશ ગમે તેટલી જુવાળ એટલે કે ભરતી આવે છતાં અડીખમ ઉભો છે તેમ! જીંદગીમાં આપણો સુખ સાથેનો સંબંધ આ દરિયાનાં પાણી જેવો સંબંધ છે- કંઠારરૂપી વેદનાને ઢાંકવા પાણી કંઠાર ઉપર ફરી વળે છે પણ પળ બે પળમાં તો ઓસરી જાય છે! કિનારા ઉપરનું પાણીનું ફરી વળવું, પરંતુ ક્ષણમાં તો ઓસરી જવું; અને કિનારાનું અસ્તિત્વ તો ત્યાંનું ત્યાં જ- એમ ‘થોડુંક સુખ અને ઝાઝી વેદના’ આ ઘટનાક્રમમાંથી બહાર ત્યારે જ અવાય જ્યારે એ કિનારાને છોડીને “છીપલાની હોડીને શઢથી શણગાર ચાલ કાંઠો છોડીને હવે ઝૂકીએ” મઝધારમાં. એ મઝધારમાં કે જ્યાં પાણીરૂપી લાગણીઓની ભીનાશ છે, મઝધારમાં એકબીજાના સહારે સુખદુખથી પર થઈ જવાની આ વાત છે! આ જીંદગી બહુ જ નાજુક છે, તે આ સુખદુખની થપાટોને સહન નથી કરી શકતી, એટલે ફરી પાછું, પાંદડી પર ઝાકળના ટીપાને મૂકવા જેવું, આ જીંદગીને લીલી લીલી લાગણીઓમાં મૂકવાની ઝંખના જાગે છે…..અને પછી તો યાદ આવે છે એ શરૂઆતના દિવસો કે જ્યારે “આજે આ પૂનમના ચાંદની ચાંદની સુંદર છે” એવું ન’તા કહેતા, પણ કહેતા હતા કે “આ ચાંદ નથી પણ હું છું, અને આ ચાંદની નથી પણ તું છે!” અથવા તો કહેતા હતા કે “આ ચાંદની નથી પણ તારો પ્રેમ છે!”. યાદ આવે છે એ દિવસો કે જ્યારે ચાંદનું ઊગવું અને ચાંદનીનું ફેલાવવું એ એક ઘટના નહી પણ લાગણીસભર અભિવ્યક્તિ બની જતું હતું. વૃક્ષની ડાળ એટલે આ શહેર અને એની પરનો માળો એટલે તારો-મારો સંસાર, અને એ સંસારમાં પરસ્પરના પ્રેમને લીધે મળતી આકાશ જેટલી મોકળાશ આ બધું યાદ આવે છે. હકીકતમા તો “ચાલને આવું ફરીથી જીવીએ” એવું પ્રિયતમાને કહેવાય છે! પ્રિયતમના હાથનાં ટેરવાં પ્રિયતમાના પગની કોમળ પાનીને અડે અને “મૂળમાંથી ફૂટે ને ટોચ લગી જાય એવી લાગણી” આખા તન-મનને ઝંકૃત કરી દે એવી લાગણીને કેવી રીતે ઉવેખી શકાય? (ઉવેખવું = ઉપેક્ષા કરવી) ચાલ સખી, ઝાકળ શી જીંદગીને પાનની લીલાશ પરે એક વાર મૂકીએ!

માણસ ક્યારેક દિશાભ્રમિત થઈ જાય છે, ક્યારેક ભૌતિકતાના પ્રવાહમાં તણાઈ જાય છે, ક્યારેક lifeથી ખૂબ busy થઈ જાય છે, ક્યારેક સંજોગોને આધિન થઈ જાય છે, અને જીવનમાં રુક્ષતા આવી જાય. પરંતુ એવે સમયે પાંદડી પર પડેલા પાણી અને દરિયાનાં પાણીની અંદર રહેલો ભગવાન ફરીથી આપણને એક ભાવમય જીવન જીવવાનો સંદેશ આપી જાય છે. આમ જોઈએ તો કવિએ ફક્ત આ બે જ દ્રશ્ય જોયાં અને આ કાવ્ય સ્ફૂરી ઊઠ્યું, પણ કેટલું સંવેદનશીલ અને વાસ્તવિક છે! અને કાવ્યને વધારે જીવંત બનાવ્યું છે એ મધુર અવાજ અને સંગીતે!

33 replies on “ચાલ સખી, પાંદડીમાં… – ધ્રુવ ભટ્ટ”

 1. harshad jangla says:

  ઘણા અઘરા શબ્દો હોવા છતાં એક સુંદર કાવ્ય, સરસ ધ્વનિ,ગેયતા પણ સરસ

 2. Reader says:

   કાવ્ય રસાસ્વાદ અહીંથી લઇને પોસ્ટની સાથે મુક્યો છે.

 3. sagarika says:

  ખુબ જ સરસ ગીત અને એટલુ જ સરસ કોમેન્ટ માં Reader દ્વારા લખાયેલ રસદર્શન.

 4. Umang Modi says:

  ખુબ જ સરસ રચના ……

  ઝાકળશી જિંદગીને પાનની લીલાશ પરે
  ચાલ સખી એક વાર મૂકીએ.

  અને સાથે-સાથે Reader દ્વારા જે સમજુતી મુકાઈ તે તો જાણે બસ વાચ્યા જ કરીયે……..વાચ્યા જ કરીયે…..

  ઝાકળ ના મોતી જુઓ પથરાયા ઘાસ પર,
  મોગરા ની મહેક મળી તારા સ્વાસ પર ,
  બાગ એક અવતય્રો છે આપણી વચ્ચે સજન,
  શોધી બતાવ ગુલાબ મને ઉચ્છવાસ પર.

 5. Sheela Sheth says:

  I agree with Sagarika. The song and the person singing is very good and touching to heart. Thanks for putting here.

 6. Pravin Shah says:

  ભાવસભર ગીત!
  અઘરા શબ્દો, અઘરી સ્વરરચના, છતાં ય ગીતનો ભાવ અમર ભટ્ટના સ્વરમાં ઉભરાઈ આવે છે. અને
  ગીતનો રસાસ્વાદ! ખરેખર અદભુત છે!
  સૌને અભિનંદન!

 7. kamlesh says:

  Geet, bhaav, comments, response, interest from every aspect….all fantastic…no words…spellbound….keep it up…

 8. Kumi Pandya says:

  આ ગીત ઘણી વાર સાંભળ્યુ હતુ – પણ હવે આ વાંચ્યા પછી સાંભળવાની ખુબ મજા પડી – આભાર્

 9. ruju Mehta says:

  Adbhut Kavya…..Full of emotions…

 10. DEVANG says:

  જયશ્રિ બેન્,
  ટહુકો ડોટ કોમ is really very good website and also very old poems, bhajans and other sangit are available here in Gujarati Lenguage.

  We wish all the best for batter future of tahuko.com.

 11. Rajiv says:

  આ રચના ખુદ અમર ભાઈ પાસે તેમના જ ઘરે સાભળી હતી. ફરિથિ એ દિવસો યાદ આવી ગયા. એક શસક્ત “અમર” રચના. અમર ભાઇ યુ ઍસ એ કયારે આવો છો? – બારોટ

 12. rajgajjar says:

  tahuko mane sari vab lagi. gujaratibhasa mate mathivirdi saman vab se.
  gujarati lekhako ane gujarati kavio na address muko to saru aa maru namr nivedan se.

 13. Vikram Bhatt says:

  Thuis is really TRIO,,,ક્ષેમુભાઈ, અમરભાઈ અને ધ્રુવજી
  અદભુત રચના,,,,
  અમરભાઈ કહે છે તેમ, જીંદગીને નવી રીતે જોવાની વાત આમાં બખુબી ગવાઈ છે.

 14. vihar majmudar says:

  અમારા હાર્દિક અભિનન્દન શ્રિ ધ્રુવ ભટ્ટ્, અમર ભટ્ટ્,મુરબ્બિ ક્ષેમુભાઈને
  ચિન્મયિ અને વિહાર મજમુદાર વડોદરા

 15. sagar mehta says:

  અદભુત ગીત. અદ્વિતીય…..પણ સાંભળવાનો આઇકોન નથી દેખાતો….તો મહેરબાની કરીને મુકશોજી…આભાર…… Once I will listen to it…will be a divine experience…looking forward to see the icon to play it….

 16. Jayshree says:

  Please open this link in Firefox – you should be able to see the player.

  http://tahuko.com/?p=650

  If not – download and install latest flash player in your computer and try again.

  Thanks.

 17. ratilaljogia says:

  સુવણ્ર ને શુઁ ઉપમા આપવિ ગોલ્ડ ઇજ બેસ્ટ આવિ આવિ ગઝ્લો ને કવિતા ઓ થિ દિલ ભરાય ગયુ કહુઁ તો શુઁ કહુ બસ કવિઓ ને યાદ કરતો રહુ હર્દિન .રતિલલ જોગિઆ મુમબાઈ.

 18. અરે યાર આટલું મસ્ત ગીત મેં કેવી રીતે miss કરેલું…?

  વાહ.. ખૂબ જ મસ્ત ગીત અને મજાની ગાયિકી… ગીતકાર સ્વરકાર અને આ ટહુકાકાર… બધાને અભિનંદન !

 19. Simran says:

  ખુબ જ સુન્દર રચના, જીવન ના મધ્યાન્તરે પ્રિયજનના સન્ગાથ ની ઝન્ખના. ઘણું જ પોતીકું લાગતુ ગીત.

 20. Nirlep Bhatt says:

  This song took me in the different world……simply superb

 21. Gargi says:

  very Nice,Donot hv word to describe this,i can not stand without listening this once a day.as it is really true.and touching.really no one can accept that this happens in every one’s life.i hv come to canada in March only.and thanks to jayshree ben(Tahuko) that i am still in touch with all my favourite Gujrati songs as well as Gazal,Wish Amarbhai would have come here also.

 22. […] ભટ્ટનું ચાલ સખી પાંદડીમાં… મારું ખૂબ જ ગમતું ગીત, અને કવિનું આ ગીત […]

 23. જાહ્નવી કાપડિયા says:

  ખુબ સરસ .

 24. જીવન જીવવાની સાચી સમજણ આપતું ગીત લખનાર શ્રી ધ્રુવ ભટ્ટ, સુંદર રીતે સ્વર રચનાકાર કરનાર સ્વ. ક્ષેમુભાઈ તથા હંમેશા સ્પષ્ટ રીતે ગાનર ગાયક શ્રી અમર ભટ્ટને ખૂબ અભિનંદન.

 25. Geeta Vakil says:

  અદભૂત રચના!! અને શ્રી ધ્રૂવભાઈ ભટ્ટ, અમર ભટ્ટ અને ક્ષેમુભાઈની કારીગરીની કમાલ્! મારી ખૂબજ ગમતી રચના!

 26. Rajesh V Pandya says:

  ચાલ ફરી એક વાર બચપણમાં જઈએ… ગીત લઈ જાય છૅ મારા અતીતના દિવસોમાં. વાહ મઝા આવી ગઈ.

 27. jagdish jinjriya says:

  વાહ મારા ગુજરાતિ કવિ ત્થા લેખક ત્થા ગાયક ને મારા અભિનદન

 28. chandralekha says:

  પાંદડીમાં ઝાકળના ટીપાંની જેમ ફરી ચાલ સખી જીંદગીને મૂકીએ……વાહ!ખુબ જ સરસ ગીત સંભળવ મળ્યું.

 29. Dr.Anil Prajapati says:

  આ ગીત માટે એક જ શબ્દનો પ્રયોગ કરવો હોય તો તે છે “અફલાતૂન”.
  જાણે કે ….સાંભળ્યા જ કરીએ…સાંભળ્યા જ કરીએ.
  મારા પ્રિય ગીતોમાંનું એક.

 30. jigisha says:

  ખુબ જ સરસ.સાભળયા જ કરિએ. મજાનુ ગીત .

 31. My favorite geet. It is really a once in a life time opportunity to hear this song.

 32. Deval Mehta says:

  The song is so beautifully written, composed and sung that one gets addicted for listening it more and more!! Amazing!!!

 33. ભરત પંડ્યા says:

  આ રસ દર્શન કોણે કરાવ્યું છે તે કહેશો ? તેણે કારણે રચના વધુ સમજાય છે,ધ્રુવભાઈ સાહિત્ય ક્ષેત્રે એક ઘટના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *