Category Archives: વિહાર મજમુદાર

કંકુવર્ણુ આભ ખુલ્યું ને – વિહાર મજમુદાર

પ્રસ્તુત રચના ગરબાના ઢાળમા સ્વરબદ્ધ કરવાની શરુઆત કરી હતી અને અનાયાસ જે સ્વરાંકન થયું તે મરાઠી ભાવગીત જેવું બન્યું, તેથી ભાવગીતની અસર ઊભી કરવા શહેરના જાણીતા સંગીતજ્ઞ અને મિત્ર શ્રી ઉદય દડપેના કંઠમા રેકોર્ડ કર્યું. શ્રી માતાજીનો ગરબો – એક અલગ અંદાજમાં પ્રસ્તુત છે.

– વિહાર મજમુદાર

સ્વર: શ્રી ઉદય દડપે
શબ્દ અને સ્વર રચના : વિહાર મજમુદાર

કંકુવર્ણુ આભ ખુલ્યું ને
ઝગમગ પગલીના ઝાંઝરથી
ઠમકી, ધીમુ અવનિ ઉપર ઉતરી જગદમ્બા

સહસ્ત્ર નજરો જ્યાં પથરાઇ, એ ઝળહળતી કેડી
સૂર્યમુખીએ પાંદડીઓને આમ જ રમતી મેલી

કંકુવર્ણા નભથી નીસરી,તેજભર્યા કિરણો પ્રસરાવી
સૂર્ય નીરખતો, અવનિ ઉપર નીસરી જગદમ્બા

ઉમંગ ને ઉલ્લાસના આસોપાલવ ઝૂમે દ્વારે
શ્રદ્ધાના ટમટમતા દીવા કેડીને અજવાળે

કંકુવર્ણી પગલી પાડી, ચૌદ ભુવનની અંબા માડી
મલકી આછું, અવનિ ઉપર ઉતરી જગદમ્બા

– વિહાર મજમુદાર

ટીંગાટોળી….. ટીંગાટોળી – વિહાર મજમુદાર

આ ગીત સાથે મુકવા માટે ટીંગાટોળીનો એક ફોટો ગૂગલ કરી જોયો – પણ એમ કંઇ ૧૦૦% ગુજરાતી શબ્દનું ભાષાંતર કરીને ચાલતું હશે?  મને તો એક પણ ફોટો ના મળ્યો…! તમારી પાસે એવો કોઇ – બાળકને ટીંગાટોળી કરતો ફોટો હોય તો મોકલશો? (અથવા તો ફોટો પડાવવા માટે કોઇની ટીંગાટોળી કરી લ્યો..! એ પણ દોડશે..!! 🙂

Upate : લો.. એક ફોટો તો એક ટહુકો-મિત્ર તરફથી મળી ગયો..! તમારે પણ કોઇ ફોટો મોકલવો હોય તો મોકલી દ્યો..! આજની પોસ્ટમાં એક થી વધુ ફોટા હશે તો ગીત સાંભળવાની વધુ મઝા આવશે..!

ટીંગાટોળી...

*****

શબ્દ- સ્વરાંકન : વિહાર મજમુદાર
સંગીત: અમીત ઠક્કર
સ્વર: માનસી, પરીધિ, ઉર્જા

ટીંગાટોળી…………… ટીંગાટોળી.
મમ્મી ને પપ્પાએ ઝાલી રેશમ જેવી ઝોળી
ટીંગાટોળી………….. ટીંગાટોળી.

સવાર પડતાં સૂરજદાદા સામે આવી ઉભા
તડકા સાથે મસ્તી કરતાં હળવે મારૂં ગુબ્બા
મસ્તી કરતાં ભૂખ લાગી – ખાવી ચાંદાપોળી
ટીંગાટોળી………… ટીંગાટોળી.

ચાંદાપોળી ખાતાં ખાતાં નીંદર આવી આઁખે
માને ખોળે સૂઈને ઉડું હું સપનાની પાંખે
મારે સપને ઉડતી આવી સો સો પરીઓની ટોળી
ટીંગાટોળી………. ટીંગાટોળી.

આઁખ ઉઘાડી જોયું ત્યાં તો મમ્મી પપ્પા ગૂમ
આજુ બાજુ જોતાંજોતાં પાડી ત્યાં મેં બૂમ !!!
‘ચાલ આપણે રમીએ સાથે’ જો ! બોલી એક ખિસકોલી
ટીંગાટોળી. …….. ટીંગાટોળી.

લોચનિયામાં ઉમટી યમુના, હૈયે એક જ નામ – વિહાર મજમુદાર

શબ્દ અને સ્વર રચના : વિહાર મજમુદાર
સ્વર : નિનાદ મહેતા
સંગીત: અમીત ઠક્કર

શમણામાં ફરફરતું.....

લોચનિયામાં ઉમટી યમુના, હૈયે એક જ નામ
અંગ અંગ મ્હોરે વ્રજ થઈને, રોમ રોમમાં શ્યામ
મ્હારા રોમરોમમાં શ્યામ..

પગલે પગલે રજ ગોકુળની, મારગ મારગ વેરી
ગગને છાઈ ઘન વાદળીઓ, શ્યામલ શ્યામલ ઘેરી
શ્વાસ શ્વાસ થઈ સૂર મુરલીનો, વને વહે અવિરામ,
અંગ અંગ મ્હોરે વ્રજ થઈને, રોમ રોમમાં શ્યામ
મ્હારા રોમરોમમાં શ્યામ..

માધવ માધવ નામ ક્યારનું હૈયે આવી રમતું
રંગ ભર્યું એક પીછું આવી શમણામાં ફરફરતું
મ્હોર્યું, મ્હેક્યું નામ શ્યામનું, અંતરમાં અભિરામ,
અંગ અંગ મ્હોરે વ્રજ થઈને, રોમ રોમમાં શ્યામ
મ્હારા રોમરોમમાં શ્યામ..

– વિહાર મજમુદાર

પાનખર – વિહાર મજમુદાર

શબ્દ : વિહાર મજમુદાર
સ્વર : ગાર્ગી વોરા
સંગીત : વિહાર મજમુદાર – નિનાદ મહેતા

પાનખર...  Photo by Vivek Tailor

પાનખર... Photo by Vivek Tailor

પાનખરની શુષ્ક્તા પથરાય આસપાસ
પાંપણે તારું સ્મરણ છલકાય આસપાસ

સ્વપ્નમાં ચીતરી રહું લીલાશને હજી
ત્યાં ખરે તુજ નામના ટહુકાઓ આસપાસ

છાલકો પગરવ તણી વાગે છે ક્યારની
ધારણા રેતી બની પથરાય આસપાસ

દર્પણો ફૂટી ગયા સંબંધનાં હવે
ને પછી ચેહેરા બધા તરડાય આસપાસ

પાનખરની શુષ્ક્તા પથરાય આસપાસ
પાંપણે તારું સ્મરણ છલકાય આસપાસ

ઝરમર વરસે સાવન – વિહાર મજમુદાર

શબ્દ અને સંગીત : વિહાર મજમુદાર
સ્વર : ગાર્ગી વોરા

This text will be replaced

એકલદોકલ આવન જાવન, ઝરમર વરસે સાવન
ઉપવન ન્હાતું, ઝરણું ગાતું, તોય કોરું આ મન

પાંપણ ને નેવેથી ટપકે સ્મરણો કેવાં કેવાં !
ઉજાગરા સૌ ટોળે મળીયા, વિરહ હજી શું સહેવા
મુરઝાઈ ઈચ્છાની વચ્ચે, ઝૂરતી આ ઉર માલણ……. એકલદોકલ…

ગગન ઝરૂખે ઘન ગાજે આ કાજળ શા અંધારે
મધુમાલતી મ્હેકી રહી, પણ તમે આવશો ક્યારે?
ભણકારા, ભણકારાનું બસ, આ તે કેવું ભારણ….. એકલદોકલ…..