Category Archives: ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’

જાગ રે જાગ મુસાફર – ‘સ્નેહરશ્મિ’

સ્વર : ડો.દર્શના ઝાલા
સંગીત : અમિત ઠક્કર
રસ દર્શન : વિનોદ જોશી
આલબમ : અંતરનાં અજવાળાં

.

જાગ રે જાગ મુસાફર વ્હેલોઃ
રાત સિધાવે દિન જો આવે
દરવાજો તુજ હજી દીધેલો !

ધરતીનાં સપનાં શું જુએ?
તરુણ અરુણ ત્યાં વ્યોમે ચુએ!
રખે સૂરજનો દેશ તું ખુએ,
રખે રહે તું તિમિર-ડૂબેલો !

ચાલ ધરાનાં બંધન તોડી,
સુખ દુઃખની કથા લે ઓઢી,
સત્વર તારી છોડને હોડી,
સંઘ ગયો તું રહ્યો અકેલો !

પ્રાચીનાં નયનો જો ખૂલે,
પરિમલ સૂતા જાગે ફૂલે;
જાહ્નવી જગની જોને ઝૂલે,
પનઘટ પર જામ્યો છે મેળો !

– ‘સ્નેહરશ્મિ’

વનની તે વાટમાં તું ભૂલી પડી રે.. – ઝીણાભાઈ દેસાઈ- ’ સ્નેહરશ્મિ ‘

કવિ શ્રી સ્નેહરશ્મિની પૂણ્યતિથિ પર એમનું આ ગીત સાંભળી એમને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ..!

સ્વર : પરાગી પરમાર
સ્વરાંકન : ?
કવિઃ ઝીણાભાઈ દેસાઈ- ’ સ્નેહરશ્મિ ‘

આભારઃ સિધ્ધાર્થ ઝીણાભાઈ દેસાઈ અને પ્રાર્થના મંદિર

વનની તે વાટમાં તું ભૂલી પડી રે..(૨)
ચૂંદડી ભરાઈ તે કાંટાળા થોરમાં,

જોયું ન જોયું કરી રહી તું તો દોડતી (૨)
ફાટ ફાટ થાતાં જોબનનાં તોરમાં,
વનની તે વાટમાં તું ભૂલી પડી રે..(૨)
વનની તે વાટમાં….

કાંટા બાવળનાં એ વીંધ્યે જોબનિયુંને..(૨)
વાયરામાં ચૂંદડીના ઊડે રે લીરાં,
વ્હેંટે વેરાઈને રઝળે છે તારા અને,
હૈયાના લોલકનાં નંદાતા હીરા..(૨)
વનની તે વાટમાં…

વનની તે વાટ મહીં તું પડે એકલી,
આવી ગઈ આડી એક ઊંડી રે ખાઈ(૨)
જાને પાછી તું વળી, સાદ કરે તારી જૂની વનરાઈ(૨)
વનની તે વાટમાં તું ભૂલી પડી રે..(૨)
વનની તે વાટમાં….
ચૂંદડી ભરાઈ તે કાંટાળા થોરમાં(૨)

જોયું ન જોયું કરી રહી તું તો દોડતી (૨)
ફાટ ફાટ થાતાં જોબનનાં તોરમાં,
વનની તે વાટમાં તું ભૂલી પડી રે..(૨)
વનની તે વાટમાં…

પરોઢિયે પંખી જાગીને – ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’

સ્વરાંકન : રજની કુબાવત
સ્વર : રજની કુબાવત અને કોરસ (વેણુ ભટ્ટ, સુરભી કુબાવત, ગાર્ગી માણેક, પૂર્વા વેકરીયા, રાધિકા જાની, પ્રાચી પટેલ)
સંગીત : દિપેશ દેસાઇ
આલ્બમ : સામિપ્ય

.

પરોઢિયે પંખી જાગીને
ગાતાં મીઠાં તારાં ગાન;
પરોઢિયે મંદિર-મસ્જિદમાં
ધરતાં લોકો તારું ધ્યાન.

તું ધરતીમાં, તું છે નભમાં,
સાગર મંહી વસે છે તું;
ચાંદા-સૂરજમાંયે તું છે,
ફુલો મહીં હસે છે તું.

હરતાં-ફરતાં કે નીંદરમાં
રાતે-દિવસે, સાંજ-સવાર;
તારો અમને સાથ સદાયે,
તું છે સૌનો રક્ષણહાર.

દેવ, બનાવી દુનિયા છે તેં,
તારો છે સૌને આધાર;
તું છે સૌનો, સૌ તારાં છે,
નમીએ તુજને વારંવાર !

સુણી મેં ફરી, તે જ કથા – ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’

આજે કવિ શ્રી સ્નેહરશિમની પુષ્યતિથિ. એમને આપણા સર્વ તરફથી શ્રધ્ધાંજલી સાથે સાંભળીએ એમની આ ભક્તિરચના – નયન પંચોલી ના સ્વર – સંગીત સાથે..!!

કવિ પરિચય : (ગુજરાતી સાહિત્ય પરિષદ)

ઝીણાભાઈ રતનજી દેસાઈ, ‘સ્નેહરશ્મિ’ (૧૬-૪-૧૯૦૩, ૬-૧-૧૯૯૧): કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટકકાર, ચરિત્રકાર, આત્મકથાકાર, સંપાદક. જન્મ વલસાડ જિલ્લાના ચીખલીમાં. ૧૯૨૦માં મેટ્રિકનો અભ્યાસ અધૂરો છોડી અસહકારની લડતમાં સામેલ. ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી વિનીત. ૧૯૨૬માં ત્યાંથી રાજ્યશાસ્ત્ર વિષય સાથે સ્નાતક. ૧૯૨૬-૧૯૨૮ દરમિયાન ત્યાં જ ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના અધ્યાપક. ૧૯૩૨-૩૩માં બેએક વર્ષ જેલવાસ. ૧૯૩૪માં મુંબઈમાં વિલેપાર્લેની રાષ્ટ્રીય શાળામાં આચાર્ય. ૧૯૩૮માં શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર, અમદાવાદમાં આચાર્ય અને નિયામક. ૧૯૬૧માં ઉત્તમ શિક્ષક તરીકે રાષ્ટ્રપતિ એવોર્ડ. ત્રણેકવાર ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ. ૧૯૭૨માં મદ્રાસમાં ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૬૭નો રણજિતરામ સુવર્ણચન્દ્રક તેમ જ ૧૯૮૫નો નર્મદચન્દ્રક. ગુજરાતી કવિતામાં જાપાનીઝ કાવ્ય હાઈકુના પ્રણેતા.

પ્રમુખ કવિ, વાર્તાકાર, ચરિત્રકાર છે. સ્વાધીનતા, દેશભક્તિનો સૂર આરંભના કાવ્યોમાં પછી સૌન્દર્યાભિમુખ વલણ પ્રગટ થાય છે. જાપાની કાવ્યપ્રકાર હાઈકુને ગુજરાતીમાં સુપ્રતિષ્ઠિત કરી તેમણે ઐતિહાસિક પ્રદાન કર્યું છે. તેમની વાર્તાઓ વિશેષે ઊર્મિપ્રધાન અને જીવનમૂલ્યોને લક્ષ્ય કરનારી છે. ત્રણ ભાગમાં વિસ્તરેલી તેમની આત્મકથામાં તત્કાલીન રાજકીય અને સામાજિક પરિસ્થિતિઓનું ચિત્ર ઉપસે છે.

સ્વર – સંગીત : નયન પંચોલી
કવિઃ ઝીણાભાઈ દેસાઈ- ‘સ્નેહરશ્મિ’

.

સુણી મેં ફરી, તે જ કથા, દિવ્ય કથા,
હો..આજ પધારે હરિ…(૨)

મૃદુ મંગળ તે વેણુ ધ્વનિ આવે ક્ષિતિજ તરી (૨)
કોટિક રવિ શી એની પ્રભા, નભે ભરી..
ઝીલો ઝીલો ઝીલો, ફરી ના આવે વેળા,
સન્મુખ આવે હરિ , આજ પધારે હરિ (૩)

અમૃત વર્ષા ચહુ દિશ હો, છલકે ઘટ ઘટમાં (૨)
આવી રમે હરિ માનવ ઉર દલમાં(૨)
વિકસિત માનવ ઉર-દલમાં,

પળ મંગલ મંજુલ આ ચાલી(૨)
ભરી લો ભરી જીવન આ પ્યાલી,
પીઓ, પીઓ, સુખદ સુહાગી, પ્યાલી રસની ભરી,
હો..આજ પધારે હરિ,
સુણી મેં ફરી, તેજ કથા, દિવ્ય કથા,
હો..આજ પધારે હરિ…(૨)

(આભારઃ શેઠ સી.એન. વિદ્યા વિહાર – પ્રાર્થનામંદિર)

હાઇકુ – સ્નેહરશ્મિ

(૧)
કેડે દીકરો
ભારો માથે, અમીની
ચોગમ ધારા.

(૨)
નવવધૂએ
દીપ હોલવ્યો: રાત
રૂપની વેલ.

(૩)
વનની એક
લ્હેરખી આવી: કોળ્યાં
નગરે ફૂલ.

ઓઢણી લહેરલ લહેરલ જાય – ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’

કવિ શ્રી ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ ને એમના જન્મદિવસે હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી.. ! અને સાથે એમનો આ ગરબો બે અલગ-અલગ સ્વરાંકન સાથે.. આરતી મુન્શીના મીઠેરા સ્વર સાથે…!

સ્વર :આરતી મુન્શી
સ્વરાંકન : એફ. આર. છીપા

.

સ્વર :આરતી મુન્શી
સ્વરાંકન : ભાઇલાલભાઇ શાહ

.

ઓઢણી લહેરલ લહેરલ જાય,(૨) હો વાદળી લહેરલ જાય..
મલકે નમણી નાર..(૨)
લહેરલ લહેરલ લહેરલ લહેરલ જાય…

વીજની ગૂંથણી વેણીમાં કંઈ, ગૂંથ્યા તેજલ ફૂલો
મોતી જેવા તારલાની (૨) તારે અંબોડલે ઝૂલ,
હો વાદળી લહેરલ જાય..
લહેરલ લહેરલ લહેરલ લહેરલ જાય…

સોનલાની પુર સોનલ ઝૂમણાં, લખલખ રુપોને અંબાર,
તારી શી ઓઢે નવરંગ ચૂંદડી, દિશ દિશ લહેરે મલહાર,
હો વાદળી લહેરલ જાય..
લહેરલ લહેરલ લહેરલ લહેરલ જાય…

આભ ઝરુખે આવી તું ખેલતી, સખી સૈયર સાથ,(૨)
રાસની કંઈ જામે રમણા (૨) છ્લકે સાગર સાત..
હો વાદળી લહેરલ જાય..
લહેરલ લહેરલ લહેરલ લહેરલ જાય…

ચૂંદડીમાંથી રંગ ચૂએને, ધરતી ભીંજાઈ જાય (૨)
પાંગરી મારી મનની કૂંપણ (૨) હૈયું ઝોલાં ખાય..(૨)
હો વાદળી લહેરલ જાય..
લહેરલ લહેરલ લહેરલ લહેરલ જાય…
મલકે નમણી નાર..(૨)

———–
આભાર : સિધ્ધાર્થભાઇ ઝીણાભાઇ દેસાઇ, મેહુલ શાહ

રુમઝુમ પગલે ચાલી – ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’

સ્વર : પરાગી પરમાર

.

રુમઝુમ પગલે ચાલી , જો રાધે ગોપ દુલ્હારી (૨)
ગોપ દુલ્હારી રાધે ગોપ દુલ્હારી ..(૨)

ઊષાનું સિંદૂર સેંથે છલકે, ભાલે શશીની ટીલડી પલકે,
શરદની તારક ઓઢણી ઢળકે, અંગે શી મતવાલી,
જો રાધે ગોપ દુલ્હારી…

રુમઝુમ પગલે ચાલી , જો રાધે ગોપ દુલ્હારી

બંસી બત મુરલી કી ગાજે, કાન કુંવર પગ નુપુર બાજે,
ધેનુ -વૃંદો થૈ થૈ નાચે, નાચે વ્રજની નારી,
જો રાધે ગોપ દુલ્હારી…

રુમઝુમ પગલે ચાલી , જો રાધે ગોપ દુલ્હારી

કાલિંદીને તીરે એવી નીરખે દેવો, નીરખે દેવી,
નર્તન ઘેલી રાધા કેરી,(૨) નીલા (?) નારી..(૨)
જો રાધે ગોપ દુલ્હારી…

રુમઝુમ પગલે ચાલી , જો રાધે ગોપ દુલ્હારી

(આભાર : સિધ્ધાર્થ ઝીણાભાઈ દેસાઈ, મેહુલ શાહ)

સમી સાંજનો ટહુકો… – ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’

સ્વર : ગાયત્રી રાવળ

.

સમી સાંજનો, સમી સાંજનો ટહુકો મારી શેરીમાં વેરાયો,
લળી લળી હું વીણું ત્યાં તો ચાંદે જઈ સંતાયો,
સમી સાંજનો …

સમી સાંજનો ટહુકો, હો જી ચાંદાની આંખડીએ,
નીકળૂં હૂં તો ફરવા ચઢીને, સૂરજની ચાખડીએ,
દૂર દૂર તે નજરે આવી, નાજુક નમણી ચારુ,
ચહું પૂછવા તેને હું તો કોની તું વહુવારું…
સમી સાંજનો ટહુકો…

સ્મિતે એના રહ્યું વેરાઈ, દિશ દિશમાં અજવાળું,
ત્યાં તો મારી દ્રષ્ટિ પર એ, ધીડી ગયું કો’તાળું,
ચિતરાની હું ચીઠ્ઠી- ટહુકો, તાળૂં એ ખખડાવે,
અલક મલકનાં રાગ પર આપ્યા ગીત કંઈથી આવે,
સમી સાંજનો ટહુકો…

ગયો ખોવાઈ ગીત મહીં એ સમી સાંજનો ટહુકો,
અમાસ મારી ગયો ઊજાળી, એ તો અમથો અમથો,
લીલા વનમાં રમે ચૂંદડી, ચાંદો રમવા આવ્યો
ચૂંદડી માથે ફાગ ચીતર્યો, રાગ સમીરણ વાયો..

સમી સાંજનો, સમી સાંજનો ટહુકો મારી શેરીમાં વેરાયો (૨)
લળી લળી હું વીણું ત્યાં તો ચાંદે જઈ સંતાયો.

આભારઃ સિધ્ધાર્થ ઝીણાભાઈ દેસાઈ, મેહુલ શાહ