Category Archives: ભરત વિંઝુડા

ગાલિબને મારા શેર નથી વાંચવા મળ્યા ! – ભરત વિંઝુડા

અફસોસ કેટલાય મને આગવા મળ્યા
ગાલિબને મારા શેર નથી વાંચવા મળ્યા !

જોવા મળ્યા નથી કે નથી જાણવા મળ્યા
ઈશ્વર અહીં બધાને ફકત ધારવા મળ્યા !

પગ પર ઊભાં રહીને જુએ છે બધાં મને
જાણે કે પગ મને જ ફકત ચાલવા મળ્યા !

આંખો મળી છે દ્રષ્યને ઝીલી બતાવવા
ચશ્મા જરાક એમાં મદદ આપવા મળ્યાં !

ઊંચાઈ બેઉમાંથી વધું કોની હોય છે
ભેટી પડ્યાં ને એવી રીતે માપવા મળ્યાં !

રાતો વિતાવવા જ મળી સાવ એકલા
ને ભીડની વચાળે દિવસ કાપવા મળ્યા !

તસવીરમાં છે હાથ મિલાવેલી એક ક્ષણ
ને એ જ ક્ષણમાં દૂર હંમેશાં જવા મળ્યાં !

– ભરત વિંઝુડા

મન થઈ જાય છે – ભરત વિંઝુડા

ઝાંઝરીની જેમ ઝણઝણવાનું મન થઇ જાય છે,
પગની સાથે ગીત ગણગણવાનું મન થઇ જાય છે.

કંઇક નદીઓને સમંદરમાં વહેતી જોઇને,
આભમાં વાદળને ઝરમરવાનું મન થઇ જાય છે.

કોઇ મારી પાસે આવીને પૂછે કે કેમ છો ?
છું જ નહીં કહીને અવગણવાનું મન થઇ જાય છે.

આપણે સાથે નથી એવો સમય વિતાવવા,
વૃક્ષનાં પર્ણો બધાં ગણવાનું મન થઇ જાય છે,

જે જગ્યાએ હોઇએ હું ને તમે બે સાથમાં,
ચારે બાજુએ ભીંતો ચણવાનું મન થઇ જાય છે.

-ભરત વિંઝુડા

એક સુખ નીક્ળ્યું કવિતાનું – ભરત વિંઝુડા

શ્વાસ લીધો નહીં હવામાંથી,
હું વિખૂટો પડ્યો બધામાંથી.

બારીએથી મેં વિશ્વ જોયું છે,
ઓસરી જોઈ બારણામાંથી.

કંઈ અકસ્માત જેમ બનવાનું,
કંઈ નહીં થાય શક્યતામાંથી

આભમાંથી પ્રકાશ રેલાયો
ને ફૂટ્યું છે તિમિર ઘરામાંથી.

એક સુખ નીક્ળ્યું કવિતાનું.
આપણી આ બધી વ્યથામાંથી

– ભરત વિંઝુડા

તે ગૌણ બાબત છે – ભરત વિંઝુડા

સતત ઘડિયાળના કાંટા ફર્યા તે ગૌણ બાબત છે
પળોના મુડદાં ટપટપ ખર્યા તે ગૌણ બાબત છે

છે બાબત બંધ મુઠ્ઠીથી ટપકતાં ઝાંઝવાઓની
હથેળીમાં કંઈ રણ વિસ્તર્યા તે ગૌણ બાબત છે

ઝીલી લે છે કે નહીં વાતાવરણ પડઘા અવાજોના
ખીણો કંપી, પહાડો થરથર્યા તે ગૌણ બાબત છે

તમે ક્યા કારણોસર સાંભર્યા તે મુખ્ય બાબત છે
અચાનક-અણઅચાનક સાંભર્યા તે ગૌણ બાબત છે

ખરેખર મોરમાં આશ્ચર્ય જેવું હોય તો -ટહુકો,
ને એના કેટલાં પીછાં ખર્યાં તે ગૌણ બાબત છે.

– ભરત વિંઝુડા

રમેશ પારેખ – ભરત વિંઝુડા

આજે ૨૭ નવેમ્બર, ગુજરાતના લાડીલા કવિ શ્રી રમેશ પારેખનો જન્મદિવસ.. મોટેભાગે તો કવિને શ્રધ્ધાંજલી આપવા એમની કવિતા મુકું છું – પરંતુ આજે રમેશ પારેખને વાંચીએ કોઇ અન્ય કવિના શબ્દોમાં. કોઇ એક કવિએ બીજા કવિ વિષે લખી હોય, એવી કવિતાઓ આમ તો મેં ઘણી ઓછી વાંચી છે, પરંતુ એટલું કહી શકું કે કદાચ એમાંથી સૌથી વધુ કવિતાઓ રમેશ પારેખ માટે હતી..!!


એક પછી એક ઊંચકે પરદા રમેશ
રોજ વહેંચે છે નવા સપનાં રમેશ

શું કહ્યું, સમજ્યો નહીં, સૉરી સનમ
મારા મનમાં ચાલે છે હમણાં રમેશ

મસ્ત્ય માફક આંખ એમાં ઊતરે
એમ કાગળ પર કરે દરિયા રમેશ

દુ:ખ ઘણાં દાઢી વધ્યા જેવાં અને
જીવ કરતો પેટમાં જલસા રમેશ

આ સદીમાં હોવું યાને ધન્યતા
આ સદીની ગુજરાતી ઘટના રમેશ

(રમેશ પારેખની કવિતાઓ – ટહુકો પર, લયસ્તરો પર)