Category Archives: જિગર જોષી

પીધાં અક્ષર ઢાઈ – જિગર જોષી ‘પ્રેમ’

પીધાં અક્ષર ઢાઈ મેં તો પીધાં અક્ષ્રર ઢાઈ
ભીડ ચૂભે છે કાંટા થઇને સતત ચહુ તનહાઇ

પીધાં અક્ષર ઢાઈ

જનમ જનમની પ્રીત પિયાસી મૌન મૌનમાં ગાતી
અધર ઉપર ઉઘડ્યા છે હરિવર મહેક મહેક હું થાતી

પરમ પદારથ પામી હું તો બજુ થઈને શહેનાઇ

નજર ભરીને ઘડી ઘડીએ નિરખુ તમને શ્યામ
તમ હોંઠો પર હું બંસી થઉં પછી અજબ આરામ

जहाँ कहो वहाँ चलेंगे अब तो मैं तुम्हरी परछाई
પીધાં અક્ષર ઢાઈ

– જિગર જોષી ‘પ્રેમ’

સૂંઢમાં એ ભરી આવ્યા ડેમ – જિગર જોષી ‘પ્રેમ’

હોળીની તૈયારી રૂપે આ મઝાનું હોળી- બાળગીત.. ગમશે ને? 🙂

****

Picture taken by Vinish.. from Flickr

બોલો ભૈ આ કેવી હોળી ?
જંગલના પ્રાણીઓ પિચકારી લૈ લૈને રમતા ‘તા આજ દોડી દોડી

સિંહભાઇ રંગતા ‘તા હાથે ગુલાલ લઈ દીપડાંની કાળી-પીળી ડોકે
આજે તો મન મૂકી રમવાનું ભૈ, ના ના આજ કોઇ, કોઈને ન રોકે
રોજ આવા અવસર ક્યાં આવે છે ભાઇ ; ચાલો રંગોની મટકીઓ ફોડી

બોલો ભૈ આ કેવી હોળી ?
જંગલના પ્રાણીઓ પિચકારી લૈ લૈને રમતા ‘તા આજ દોડી દોડી

જિરાફની ડોક બહુ લાંબી હો ભાઇ કહો ત્યાં સુધી જાવું પણ કેમ?
શિયાળ કહે કે ચાલો હાથીને કહીએ, જઇ સૂંઢમાં એ ભરી આવે ડેમ
જિરાફને ભીંજવવા હાથી ને શિયાળ ને પહોંચી ગૈ જંગલની ટોળી

બોલો ભૈ આ કેવી હોળી ?
જંગલના પ્રાણીઓ પિચકારી લૈ લૈને રમતા ‘તા આજ દોડી દોડી

– જિગર જોષી ‘પ્રેમ’

ચાલો આંગણામાં ઝાડ કોઇ વાવીએ – જિગર જોષી ‘પ્રેમ’

(કો’ક કૂહુક કૂહુક કો’ક ચીં ચીં ચીં… અને આનું? … Blue Jay ~ Cyanocitta cristata
@ Michigan, Detroit, USA @ 11-11-2009. Photo by: Vivek Tailor)

******

વાદળની આંગળીને પકડીને આજ ફરી વરસાદને પાછો લૈ આવીએ
ચાલો આંગણામાં ઝાડ કોઇ વાવીએ

આંગણામાં ઝાડ એક વાવશું તો રોજ રોજ ટહુકાઓ કેટલાયે આવશે
કો’ક કૂહુક કૂહુક કો’ક ચીં ચીં ચીં બોલીને આંગણાને કલરવતું રાખશે
ફૂલોથી રોજ બધા આંગણું મહેકાવતા, અમે પંખીથી આંગણું મહેકાવીએ
ચાલો આંગણામાં ઝાડ કોઇ વાવીએ

સાંભળ્યું છે હમણા તો વરસાદ ગયો છે ક્યાંક દૂર દૂર પરિઓના દેશમાં
એની સાથે જ પેલું મેઘધનુષ ગાયબ છે સાત સાત રંગોના ડ્રેસમાં
શું કામે ભાઇ હવે મોડુ કરવું હેં ? ચાલો બેઉને જલદી લૈ આવીએ
ચાલો આંગણામાં ઝાડ કોઇ વાવીએ

–  જિગર જોષી ‘પ્રેમ’

તને સમજાવું બોલ હવે કેમ! – જિગર જોષી ‘પ્રેમ’

તને સમજાવું બોલ હવે કેમ ?
હૈયાની નમણી શી ભીંત ઉપર આજ અઢી અક્ષરની ટાંગી છે ફ્રેમ
તને સમજાવું બોલ હવે કેમ

હોંઠોના ઓરડાને તાળાઓ દૈ અમે કૂંચીઓ ફેંકી તળાવમાં
મનગમતા મૌનની ભાષાઓ શિખવાને આવ્યા છઇ આંખોની વાવમાં

હાથોમાં લજ્જાની મહેંદી મૂકી ‘તી એના રંગોથી છલક્યો છે ડેમ
તને સમજાવું બોલ હવે કેમ

તાજા કોઇ સ્પર્શોના ફૂલોની વેણી એમ ગૂંથી છે શરમાઈ કેશમાં
વેણીના ફૂલો પર બાઝેલી ઝાકળ જેમ પ્રસરી જાય જિવતરના દેશમાં
ટમટમતું રહેવું છે કાળી આ રાતોમાં શ્રધ્ધાના ફાનસની જેમ
તને સમજાવું બોલ હવે કેમ

એક તત્વ દિવ્ય છે… – જિગર જોષી ‘પ્રેમ’

હુંફાળો સ્પર્શ કાનને કરી અને પછી સુણો ; હું જે કહું છું વાત એમાં ભારોભાર તથ્ય છે.
સવાલ એ નથી એ માનવી કે કોઇ મત્સ્ય છે ; બધાંની ભિતરે કશેક એક તત્વ દિવ્ય છે,

શું સર્વતા ને શૂન્યતા, શું અલ્પતા ને ભવ્યતા, શું સ્થિરતા, પ્રવાહિતા શું સામ દામ દંડ ભેદ !?
ન કૈંજ સ્પર્શ થાય છે, અનોખો અર્થ થાય છે, એ સંત છે ને સંતને ન અંત છે ન મધ્ય છે.

‘ભલે હો સૂર્ય જેમ શ્વાસ તોય આખરે જુઓને આથમી જવાનું હોય છે અતિક્રમી બધું,’
સ્વભાવગત આ વાત છે સ્વિકારવું – નકારવું, કરૂણતાઓથી ભર્યું જિવનનું આ જ સત્ય છે.

ઘડીક સુખ મળે અને ઘડીક પીડ અવતરે ; ઘડીક કૂંપળો બને, ઘડીકમાં એ પણ ખરે !
બધું જ એક ચક્ર જેમ કાયમી ફર્યા કરે ; ક્ષણીક હોય છે બધું – અહીં કશું ક્યાં નિત્ય છે ?

કરૂણતા જુઓ કૃતિ વિશે જ મૌન છે સતત ; વિવેચકોની દ્રષ્ટિઓય લીન છે સ્વરૂપમાં
છે એજ ધ્યેય આખરી ‘કવિત્વ’ એમાં જોઇએ ; સવાલ એ નથી પછી ‘એ ગદ્ય છે કે પદ્ય છે’ !