Category Archives: ચંદ્રકાન્ત્ શેઠ

ચંદ્રકાન્ત્ શેઠ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

એક બચેલો નાતો - ચંદ્રકાંત શેઠ
શોધતો હતો ફૂલને ફોરમ શોધતી હતી મને - ચંદ્રકાંત શેઠ
સમજણ તે આપણા બેની – ચંદ્રકાન્ત શેઠ
સાદ કર - ચંદ્રકાન્ત શેઠ

એક બચેલો નાતો – ચંદ્રકાંત શેઠ

હથેળીઓમાં સપનાં છે ને વાતો છે,
ઉજાગરાની રાતી રાતી રાતો છે.

ક્યાં છે રહેવા ઠામ અને ક્યાં ઠેકાણું?
દાઝ્યો દાઝ્યો પ્રાણ, પવન ફૂંકાતો છે !

આંખોમાંથી ચાંદ હવે મળવાના નહિ
અંધકારનો દરિયો તે ઉભરાતો છે.

હળ્યાંમળ્યાંની હૂંફ હવે ક્યાં જડવાની?
ઠંડો ઘન અવકાશ બધે પથરાતો છે.

ચારે બાજુ રાખ અને બસ પથ્થર છે
એની સાથે એક બચેલો નાતો છે.

- ચંદ્રકાંત શેઠ

Share what you loved...

સમજણ તે આપણા બેની – ચંદ્રકાન્ત શેઠ

કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠના જન્મદિવસે માણીએ એમની આ નાનકડી પણ સુંદર કવિતા …

* * * * *

તારી તે હોડી ને મારાં હલેસાં છે,
દરિયો તે આપણા બેનો ;

તારી તે ગાડી ને મારા છે ઘોડલા,
રસ્તો તે આપણા બેનો ;

તારા બળદ ને મારાં હળલાકડાં,
ખેતર તે આપણા બેનું ;

તારો તે ચાંદલો ને મારો સૂરજ છે,
આખું નભ આપણા બેનું.

તારી તે વાટ અને મારું છે તેલ મહીં,
જ્યોતિ તે આપણા બેની ;

તારું છે ફૂલ અને મારું પતંગિયું,
મધુરપ તે આપણા બેની.

- ચંદ્રકાન્ત શેઠ

(આભાર : અમીઝરણું)

Share what you loved...

શોધતો હતો ફૂલને ફોરમ શોધતી હતી મને – ચંદ્રકાંત શેઠ

સ્વર : પ્રણવ મહેતા
સંગીત : ક્ષેમુ દિવેટીઆ

This text will be replaced

શોધતો હતો ફૂલને ફોરમ શોધતી હતી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.

ક્યાંક રે આંબો ટહુક્યો
એની મનમાં મ્હેકી વાત,
કમળ જેવો ખીલતો દિવસ,
પોયણા જેવી રાત.

શોધતો રહ્યો ચાંદ ને રહી ચાંદની શોધતી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.

આંખ મીંચું ત્યાં
જૂઈનું ગાલે અડતું ઝાકળફૂલ,
મનમાં હળુક લ્હેરવા લાગે
વ્યોમની કિરણ-ઝૂલ.

શોધતો જેની પગલી એનો મારગ શોધે મને,
એકબીજાને શોધતા ગયાં દૂર, તો આવ્યાં કને.

Share what you loved...

સાદ કર – ચંદ્રકાન્ત શેઠ

એ જ તારામાં હશે, તું સાદ કર;
ખીણ તેથી શું? શિખરને સાદ કર.

જિંદગી ખારા જળે ખોવાય ના,
ક્યાંક તારો મેહૂલો, ત્યાં સાદ કર.

આટલા અંધારમાં પણ એ જડે,
એક દીવા જેમ તું ય સાદ કર.

ક્યાં સુધી એકાંત અંદર વેઠવું?
આયનાના આદમીને સાદ કર.

એ જ આવી છાંયડે લ્હેરી જશે,
ભરબપોરે ડાળ પરથી સાદ કર.

આટલામાં ક્યાંય એ રહે છે ખરો !
બારીએ ડોકાય એવો સાદ કર.

પોતિકું જે, સહેજમાં પામી લિયે,
મૂળમાં ઊતરી ઊંડેથી સાદ કર.

Share what you loved...