Category Archives: હિમાંશુ ભટ્ટ

અલવિદા હિમાંશુભાઈ! We will miss you…

આપણા યુવાન કવિ હિમાંશુભાઈ ભટ્ટનું આજે અવસાન થયું છે. ગુજરાતી કાવ્યજગતમાં મોટાભાગના લોકો એમની કેન્સર સાથેની લડતથી વાકેફ જ હતા. હજુ પણ મન માનવા તૈયાર નથી કે હવે એમનો ઇમેઇલ નહી આવે… એમની સાથે વાત નહી થાય..

એમની આ ગઝલ સાથે એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી અર્પણ કરીએ…

ચલ, ક્ષિતિજની પાર ચાલી જોઈયે,
કોઈ તો સીમા વટાવી જોઈયે…

જેની આડે તું કદી દીસે નહિં
એ બધા પહેરણ ફગાવી જોઈયે

મૌનને જેની કને વાચા મળે
એ હ્રદયમાં ઘર બનાવી જોઈયે

દોસ્તીતો બેઉની ઓળખ હતી
યારને આજે મનાવી જોઈયે

કાલ છે એની, જ્યાં તારી આજ છે
એક છે ગુલશન…, સજાવી જોઈયે

આવશે જીવન, અને ચાલી જશે
એક-બે યાદો બનાવી જોઈયે

– હિમાંશુ ભટ્ટ

આર્શિવાદ – હિમાંશુ ભટ્ટ

કવિ મિત્ર હિમાંશુભાઇને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીએ એમની આ ગઝલ – જે એમણે એમના બાળકો – રોહન અને રિતુ માટે એમના આશિર્વાદ તરીકે લખી છે.

*****

પર્વત તને મળે કદી, કે રણ તને મળે
બસ જે સફરમાં ના ડગે, તે ચરણ તને મળે

છો પાનખર મળે કદી, ખિલતું રહે ચમન
પલળી શકે વસંતમાં, તે મન તને મળે

કાબુમાં હો બધું સદા, એમાંય ક્યાં મજા?
ઉર્મી ના અવનવા, રૂડા પવન તને મળે

પથમાં ચડાવ છે, અહિં ઊતાર છે ઘણા
સ્થિતપ્રજ્ઞ તું રહી શકે, ચિંતન તને મળે

કેડી હો પારકી, કદી તો દોડતો નહિં
તારું છે શું સ્વરૂપ, તે સમજણ તને મળે

તારામાં તત્વ છે,અહિં તું એકલો નથી,
મળવાને કૃષ્ણને, સદા કારણ તને મળે

તારાથી મોટો તો,અહિં તું થાયના કદી
સાચી ઝલક ધરે જે, તે દર્પણ તને મળે

ચાહું છું સાચો કોઈનો તું પ્રેમ પામજે
મુક્તિ મળે છે જ્યાં, તે બંધન તને મળૅ

એવું બુલંદ કોઈ તો તું ધ્યેય ગોતજે
જેથી ઘડે જીવન,અહિં તર્પણ તને મળે

આંખોમાં ગર્વ હો સદા, હૈયામાં કંપ હો
પ્રજળે અનંતમાં સદા, જીવન તને મળે

મારા ગયા પછી, તને તારા વિચારમાં
મારા વિચારની, સદા રજકણ તને મળે

– હિમાંશુ ભટ્ટ

સ્નેહે સુપુત્રી…. (ડેડી તમે કોઈ નવી વાતો સુણાવો) – હિમાંશુ ભટ્ટ

હિમાંશુભાઇની આ મઝાની ગઝલ – આજે ફરી એકવાર…

થોડા દિવસો પહેલા અમે અહીં ‘સંવેદનાની સૂરાવલી’ કાર્યક્રમ કર્યો – એમાં શ્રાવ્યા અંજારિયાએ આ મઝાની ગઝલ પ્રસ્તુત કરી – અને સામે જ Sound Mixer પર બેઠા હતા એના વ્હાલા ડેડી..!! પણ એણે એવી મસ્તીથી આ ગઝલ રજૂ કરી કે શ્રોતાઓમાં બેઠેલા બધા ડેડીઓ ને એમની દીકરીઓ…. અને બધી દીકરીઓને એમના પપ્પાઓ યાદ આવી જ ગયા હશે.

તો આજે આ ગઝલ તમે પણ માણો… અને હા, કોઇક વ્હાલા ડેડી કે ડેડીની વ્હાલી દીકરીનો દિવસ સુધરી જશે – આ ગઝલની લિંક એમને મોકલશો તો… એટલે એ કામ પણ કરી જ લેજો..!! 🙂

સ્વર – શ્રાવ્યા અંજારિયા
સ્વરાંકન – કર્ણિક શાહ

અને આ રહ્યું પ્રોગ્રામનું વિડિઓ રેકોર્ડિંગ..!!

YouTube Preview Image

**********************

Posted on November 10, 2012

આ પહેલા ટહુકો પર પ્રસ્તુત – હિમાંશુભાઇની કલમે લખાયેલી આ મારી એકદમ ગમતી ગઝલ – આજે ફરી એકવાર… એક નહિં – બે નવા અવાજમાં..!!

અને આજનો દિવસ પણ એકદમ ખાસ છે – જે દીકરીના વ્હાલમાં આ ગઝલ લખાઇ છે – એ વ્હાલી લાડકીનો આજે જન્મદિવસ છે. Happy Birthday Ritu..! Wishing you Many Many Happy Returns of the Day..!!

અને આજનો દિવસ વધુ ખાસ બનાવવા માટે – સાંભળીએ આ મઝાની ગઝલ – રીતુના પોતાના અવાજમાં..! ડેડીને જ્યારે એણે આ એમની જ ગઝલ પહેલીવાર સંભળાવી, એ મધુરક્ષણના સાક્ષી આજે આપણે બધા પણ થઇએ.

સ્વરાંકન – કર્ણિક શાહ
સ્વર – રીતુ ભટ્ટ

YouTube Preview Image

અને હા, આ ગઝલ એક નવા આબ્લમ ‘મેઘધનુષ’માં પણ સ્વરબધ્ધ થઇ છે. તો સાથે સાંભળીએ ગરિમા ત્રિવેદીના ગળચટ્ટા અવાજમાં આ મઝાની ગઝલ ફરી એકવાર. કર્ણિકભાઇએ આ ગઝલનું એવું મઝાનું સ્વરાંકન કર્યું છે બધા પપ્પાઓ અને પપ્પાઓની વ્હાલી દીકરીઓ બસ વારંવાર સાંભળ્યા જ કરે…!!!

સ્વરાંકન – કર્ણિક શાહ
સ્વર – ગરિમા ત્રિવેદી

——————————-
Posted on June 17, 2008
આ ગયા રવિવારે – ૧૫મી જુનના દિવસે ઘણાએ પપ્પા – ડેડી સાથે ‘Father’s Day’ મનાવ્યો હશો, અને મારા જેવા ઘણાએ લોકોએ બસ ફોન પર જ પપ્પાને ‘Happy Father’s Day’ કહીને મન મનાવ્યું હશે.

ગયા વર્ષે મુકેલું ગીત – પ્રિય પપ્પા હવે તો તમારા વગર… અને થોડા વખત પહેલા જ ટહુકો પર મુકેલી એક અછાંદસ કવિતા – તો પપ્પા! હવે ફોન મુકુ? – આ બંને રચનાઓમાં પપ્પાથી દૂર ગયેલી દીકરીની વાતો – લાગણીઓ રજુ થઇ છે, જ્યારે આજે (હા… ૧-૨ દિવસ મોડુ થઇ ગયું !!) નાનકડી ૨ વર્ષની દીકરી જાણે પપ્પા સાથે વાતો કરતી હોય, એ ભાવની ગઝલ લઇને આવી છું. અને એ પણ કવિના પોતાના અવાજમાં, કવિની શબ્દોમાં ગઝલની પુર્વભૂમિકા સાથે…

આભાર હિમાંશુભાઇ, અમને બધાને Father’s Dayની આ Special Gift આપવા માટે.

સાથે, આપ સૌને મારા અને હિમાંશુભાઇ તરફથી – Belated Happy Father’s Day 🙂

girl

ડેડી તમે કોઈ નવી વાતો સુણાવો
ખોળામાં લો, બેસો મને સપના ગણાવો

બોલે તમારા હોઠ, ને બોલે છે આંખો
મસ્તી ફરીથી આંખમાં લાવી હસાવો

આ બે તમારા હાથ છે, દુનિયા અમારી
મારા તમે બે હાથમાં દુનિયા સમાવો

જોવા જરૂરી છે બધા રૂપ જિંદગીના
કાંટા અને આજે મને પુષ્પો બતાવો

માણી શકું હું જિંદગીને મારી રીતે
ધ્યેયલક્ષી ને મને મક્કમ બનાવો

લોકો કહે છે ગાય જેવી દિકરી હો
ચાલો ફરીથી એમને ખોટા ઠરાવો

ડેડી તમે લાગો મને દુનિયાથી વ્હાલા
વ્હાલપ તમારું મારા કણ્-કણ માં સમાવો

મારું તો પહેલું ઘર તમારું દિલ છે ડેડી
કાલે બીજા ઘરમાં મને ચાહે વળાવો …

————————
અને, ગઇકાલે મેં જે પેલા સ્પેશિયલ ગીતની વાત કરી હતીને, એ હવે આવતીકાલે…. !! 😀

————————

અને હા, હિમાંશુભાઇની બીજી રચનાઓ વાંચવા એમના બ્લોગની મુકાલાત લેતા રહેજો.

http://ekvartalap.wordpress.com/

ન હો તમે જો કને સખી તો – હિમાંશુ ભટ્ટ્

આ ગઝલ જેના વિચારમાં લખાઇ છે – એ કવિની સખીનો આજે જન્મદિવસ છે..!! તો એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીએ આ ગઝલના performance નું live recording..!

Happy Birthday…!!!  🙂

YouTube Preview Image

**********

Posted on August 22, 2012:

February 27th, 2010 માં પહેલા મૂકેલી હિમાંશુભાઇની આ ગઝલ, આજના ખાસ દિવસે ફરી એકવાર – એકદમ મઝાના સ્વરાંકન સાથે..! અને હા, આ ગઝલ જેમના માટે ખાસ છે – એ બંને માટે આજનો દિવસ (August 22) ખૂબ જ Special છે.. તો બંનેને આજના દિવસની શુભેચ્છાઓ સાથે આ ગઝલ માણીએ..!! કર્ણિકભાઇ અને જયદેવભાઇએ એવું મઝાનું સ્વરાંકન કર્યું છે કે બસ સાંભળ્યા જ કરીએ..

સ્વર – ડોલર મહેતા
સંગીત – જયદેવ ભોજક, કર્ણિક શાહ
આલબ્મ – મેઘધનુષ

ન હો તમે જો કને સખી તો, બધે તમારા વિચાર આવે
ડગર ડગર પર નજર નજર માં બધે તમારો ચિતાર આવે

લટક મટકતી લટો તમારી, ને ગાલ પર જે ભંવર ભર્યા છે
કદી એ ખેંચે કદી ડુબાડે, જો યાદ એની લગાર આવે

તમારી સુરખી, તમારું ચિતવન, સ્મરણ સ્મરણ પર અસર તમારી
કદી ધરા પર, કદી ગગન માં, બધે તમારો ખુમાર આવે

સખી, એ ખૂણો ક્યાં વિશ્વ નો છે, ન હો ફિકર જ્યાં મને કશાની?
તમારે પાલવ, જ્યાં સાંજ ઉગે, તમારા સ્મિતે સવાર આવે…

આ મોહ શાનો? આ ચાહ શું છે? આ પ્રેમ શુ છે? આ રાહ શું છે?
તમારી મારી તલાશ શું છે? કદી કદી એ વિચાર આવે…

– હિમાંશુ ભટ્ટ્

સાંજ ટાણે – હિમાંશુ ભટ્ટ

સાંજ ટાણે રોજના શાના વિચારો હોય છે ?
જેમના ઉત્તર ના હો, તે શું સવાલો હોય છે ?

હો ખુદાનો કે બીજાનો, તો હજુ સમજાય, પણ
ડર તને તારો જ ભારોભાર શાનો હોય છે ?

શક્ય હો તો એક-બે ભૂલો નજરઅંદાજ કર
એમની પાછળ કદી માણસ મજાનો હોય છે.

રક્ત પર અંકિત થશે ડાઘા દલાલીના સતત,
પિંડ હો તારું ને જો છાંયો પરાયો હોય છે.

એક આ તર્પણ – હો ગંગાતટ અને ખોબામાં જળ,
એક તર્પણ આ ય જ્યાં દીકરો સવાયો હોય છે.

– હિમાંશુ ભટ્ટ (૨૦૦૯)