Category Archives: રાવજી પટેલ

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા …. – રાવજી પટેલ

ગુજરાતી સાહિત્યની આ અમર રચના – રાવજી પટેલના શબ્દો ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…’ સાંભળીએ – પંડિત શ્રી અતુલ દેસાઇના અવાજમાં ફરી એકવાર સાંભળીએ.. અને એમને શ્રધ્ધાંજલિ અર્પણ કરીએ..!!

સ્વર – સ્વરાંકન : પંડિત શ્રી અતુલ દેસાઇ

અને હા, આ રચના સ્વરકાર શ્રી રાસબિહારી દેસાઇના અવાજમાં સાંભળવા અહીં ક્લિક કરો.
http://tahuko.com/?p=3620

 ***********

 

Posted previously on March 17, 2007

સ્વર : ભુપિન્દર
સ્વરાંકન : અજીત શેઠ

aankhe

 

This text will be replaced

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….

પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….

મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો; અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….

———————–

ફરમાઇશ કરનાર મિત્રો : રુદ્રિક, ઇન્દ્રવદન મિસ્ત્રી, સેજલ, અર્પણ, વિક્રમ ભટ્ટ, રાકેશ શાહ, માનસી

તમે રે તિલક રાજા રામના – રાવજી પટેલ

આજે કવિ શ્રી રાવજી પટેલના જન્મદિવસે આજે એમનું ગીત સાંભળી એમને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ..!

****

તમે રે તિલક રાજા રામના,
અમે વગડાનાં ચંદન કાષ્ઠ રે,
તમારી મશે ના અમે સોહિયાં –

કેવાં કેવાં દ:ખ સાજણ તમે રે સહ્યાં !
‘કહો ને સાજણ દ:ખ કેવા સહ્યાં!’
તમે રે ઊંચેરા ઘરના ટોડલા !
અમે લજવાતી પાછલી રવેશ રે,
તમારી મશે ના અમે સોહિયાં –

કેવાં કેવાં દ:ખ સાજણ તમે રે સહ્યાં ?
‘કહો ને સાજણ દ:ખ કેવાં સહ્યાં ?’
તમે રે અખશર થઈને ઊકલ્યા !
અમે પડતલ મૂંઝારા મૂંઝીણી છીપના,
તમારી મશે ના અમે સોહિયાં –
કહો ને કહો ને દ:ખ કેવાં પડ્યાં ?

– રાવજી પટેલ

‘ક્ષેમુ દિવેટીઆ’ સ્પેશિયલ 6: મારી આંખે કંકુના સૂરજ આથમ્યા – રાવજી પટેલ

આ ગીત અગાઉ ટહુકો પર – ભુપિન્દરના સ્વરમાં તમે સાંભળ્યું હશે. પરંતુ જ્યારે ‘ ક્ષેમુ દિવેટીઆ‘ને ‘અવિનાશ વ્યાસ’ એવોર્ડ મળ્યાની ઉજવણી થતી હોય – તો કાશીનો દિકરો ફિલ્મનું ‘રાસબિહારી દેસાઇ’નો સ્વર મઢ્યું આ અમરગીત તો કેમ ભુલાઇ?

‘આભાસી મુત્યુનું ગીત’. કવિ સુરેશ દલાલ આ ગીતને ‘અકાળે આથમેલો સૂર્ય’ જેવું શીર્ષક આપીને કહે છે કે –

” રાવજી પટેલ અકાળે આથમ્યા, પણ ન આથમે એવું ગીત આપીને. આ કાવ્ય અંતિમ વિદાયનું છે પણ એનો ભાગ લગ્નગીતનો છે એટલે કે, વિદાયનું ગીત મિલનના લયમાં છે. આ લયનાં મૂળ લોકગીતમાં છે, પણ લયનું ફળ શોકગીતમાં છે. માણસ મૃત્યુની અંતિમ ક્ષણે શું અનુભવે છે એ તો લગભગ અકળ રહે છે. પણ માણસ અંતિમ ક્ષણ પહેંલા નજીક ને નજીક આવતા મૃત્યુનો સાક્ષાત્કાર કરે છે ત્યારે એની હ્રદયની ભાવસ્થિતિનો ચિતાર અને અત્યંત ઝીણો સૂક્ષ્મ ચિત્કાર કવિએ અહીં આપ્યો છે. આ ગીત વિશે ઘણું લખાયું છે અને લખાશે, કારણ કે આ કાવ્ય સહ્રદયને પડકારે એવું છે. ”

અને આવા કરુણાસભર શબ્દોને  ક્ષેમુ દિવેટીઆ અને રાસબિહારી દેસાઇ જેવા દિગ્ગજોના સંગીત-સ્વર મળે ત્યારે કવિના શબ્દો જાણે વધુ ધારદાર થઇને હૈયામાં ઉતરે છે…

.

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….

પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….

મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો; અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….

આપણને જોઈ – રાવજી પટેલ

(ડાળીએ પહેર્યા… Lombard-Crooked Street, San Francisco)

* * * * *

આપણને જોઈ
પેલા બગીચામાં લીલોતરી સળવળે.
આપણને જોઈ
પેલાં પતંગિયા હજીયે તે ઊડ્યા કરે !
આપણને જોઈ
પેલી ડાળીઓ પ્હેરી લે છે ફૂલ-મોડ.
આપણને જોઈ
પેલા ઝૂમાં આણી સારસની એક જોડ !
આપણને જોઈ
પેલાં છોકરાંઓ વર-વહુ બન્યા કરે.
આપણને જોઈ
પેલાં ઘરડાંને ચપોચપ દાંત ફૂટે !

– રાવજી પટેલ


પ્રીતિ હોય અને સાથે સાથે એ પ્રીતિની પ્રતીતિ પણ હોય તો બે વ્યક્તિના જીવનમાં કેવો મોટો હિલ્લોળ આવે! આ કાવ્યમાં એવા આનંદનો કોઇ કેફ, કોઇ ઉન્મત્ત લલકાર અહીં જોઇ શકાય છે. બે વ્યક્તિ વચ્ચે આંતરમનનો મેળ જામ્યો હોય એવા બે હળેલામળેલા જીવનો આ આનંદ-ઉદગાર છે. આખા કાવ્યમાં ‘આપણને જોઇ’ અને ‘પેલા’ શબ્દોનું પુનરાવર્તન સતત જોવા મળે છે. ‘આપણને’ કેન્દ્રમાં રાખીને કેમેરાની આંખો ફરતી રહે છે અને બહારનું કંઇ કંઇ ચીધીંને ભીતરની ભાવદશાની જ છબી ઊપસી આવે છે. આ સર્વમાં આપણું જ પર્વ ઇંગિત છે.
– જગદીશ જોષી