આપણને જોઈ – રાવજી પટેલ

(ડાળીએ પહેર્યા… Lombard-Crooked Street, San Francisco)

* * * * *

આપણને જોઈ
પેલા બગીચામાં લીલોતરી સળવળે.
આપણને જોઈ
પેલાં પતંગિયા હજીયે તે ઊડ્યા કરે !
આપણને જોઈ
પેલી ડાળીઓ પ્હેરી લે છે ફૂલ-મોડ.
આપણને જોઈ
પેલા ઝૂમાં આણી સારસની એક જોડ !
આપણને જોઈ
પેલાં છોકરાંઓ વર-વહુ બન્યા કરે.
આપણને જોઈ
પેલાં ઘરડાંને ચપોચપ દાંત ફૂટે !

– રાવજી પટેલ


પ્રીતિ હોય અને સાથે સાથે એ પ્રીતિની પ્રતીતિ પણ હોય તો બે વ્યક્તિના જીવનમાં કેવો મોટો હિલ્લોળ આવે! આ કાવ્યમાં એવા આનંદનો કોઇ કેફ, કોઇ ઉન્મત્ત લલકાર અહીં જોઇ શકાય છે. બે વ્યક્તિ વચ્ચે આંતરમનનો મેળ જામ્યો હોય એવા બે હળેલામળેલા જીવનો આ આનંદ-ઉદગાર છે. આખા કાવ્યમાં ‘આપણને જોઇ’ અને ‘પેલા’ શબ્દોનું પુનરાવર્તન સતત જોવા મળે છે. ‘આપણને’ કેન્દ્રમાં રાખીને કેમેરાની આંખો ફરતી રહે છે અને બહારનું કંઇ કંઇ ચીધીંને ભીતરની ભાવદશાની જ છબી ઊપસી આવે છે. આ સર્વમાં આપણું જ પર્વ ઇંગિત છે.
– જગદીશ જોષી

3 replies on “આપણને જોઈ – રાવજી પટેલ”

  1. રાવજી પટેલ– લય અને ભાવલયના કવિ. પ્રકૃતિના દૃશ્ય-પદાર્થોનો કક્કો એ કાનથી ઉકેલે.
    તેમનું આ સુંદર ગીત ખૂબ ગમ્યું.
    આભાર !
    http://www.aasvad.wordpress.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *