Category Archives: દિપ્તી દેસાઇ

એકાંતે તરસું છું હું – તુષાર શુક્લ

સ્વર – દિપ્તી દેસાઇ
સંગીત – ગૌરાંગ વ્યાસ

વ્હાલમને મારા વરસાદ નથી ગમતો
એનું કારણ પૂછું તો કહે તું,
વરસે વરસાદને મળવા ન જાઉં તોયે
એકાંતે તરસું છું હું.

ઉંબર ઉંચેરા લાગે છોકરીની જાતને
સમજે નહીં વ્હાલમજી વહેવારૂ વાતને,
મારે વ્હાલમને કહેવું રે શું?
એકાંતે તરસું છું હું.

વાદળ ના હોય તોય કોરી ક્યાં જાઉં છું
મળવા આવું છું ત્યારે હું યે ભીંજાઉ છું,
મારે કરવું તો કરવું યે શું?
એકાંતે તરસું છું હું.

મળવા આવું ને પછી વરસે વરસાદ જો
પાછા જવાનું મને આવે ના યાદ તો,
કોઈ ગમતું મળે તો કરું શું?
એકાંતે તરસું છું હું.

– તુષાર શુક્લ

વૃંદાવન વાટ સખી જતાં ડર લાગે – નીનુ મઝમુદાર

સ્વર – દિપ્તી દેસાઇ

વૃંદાવન વાટ સખી જાતાં ડર લાગે,
કાંકરી ઉછાળી ઉભો વનમાળી,
કેમ જાવું પાણી જમુનાને ઘાટ સખી,
જાતાં ડર લાગે…..

જવું ‘તું ઘાટ પર આજે અકેલામાં સમય ખોળી,
અને મસ્તીભરી હસતી સખી નીસરી ટોળી;
ભર્યા ના નીર જીવનમાં, ઉરે ઝરતી રહી હોળી,
સદાની ખાલી ગાગર લઈ પાછી વળી ભોળી.
લખ્યું હશે એવું વીધીએ લલાટે સખી,
જાતાં ડર લાગે…..

– નીનુ મઝમુદાર

વીજળીને ચમકારે – ગંગા સતી

જુનની ૧૪, ૨૦૦૬ માં પહેલા મુકેલી ગંગા સતીનું આ ભજનની ઓડીયો રેર્કોડીંગ….

vijali ne chamkare

સ્વર : દમયંતી બરડાઈ
સંગીત : સી.અર્જુન
ગુજરાતી ફિલ્મ : ગંગાસતી (૧૯૭૯)

સ્વર : દિપ્તી દેસાઇ
સંગીત : ગૌરાંગ વ્યાસ
આલ્બમ : શ્રધ્ધા

વીજળીને ચમકારે મોતી પરોવવું પાનબાઇ !
નહિતર અચાનક અંઘારા થાશે;
જોતજોતાંમાં દિવસ વયા ગયા પાનબાઇ !
એકવીસ હજાર છસોને કાળ ખાશે….

ભાઇ રે ! જાણ્યા જેવી આ તો અજાણ છે પાનબાઇ !
આ તો અધૂરિયાને નો કે’વાય,
આ ગુપત રસનો ખેલ છે અટપટો,
આંટી મેલો તો પૂરણ સમજાય….

ભાઇ રે ! નિરમળ થૈને આવો મેદાનમાં પાનબાઇ !
જાણી લિયો જીવની જાત;
સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત….

ભાઇ રે ! પિંડ બ્રહ્માંડ્થી પર છે ગુરુ પાનબાઇ !
તેનો દેખાડું હું તમને દેશ,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
ત્યાં નહિ માયાનો જરીયે લેશ….

– ગંગા સતી

આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ.. – સુરેશ દલાલ

આજે ફાગણનો છેલ્લો દિવસ… કાલથી તો ચૈત્રના વાયરા વાશે.. અને હા, કાલથી ચૈત્ર નવરાત્રી પણ શરૂ..!!

ફાગણ-હોળીના રંગોમાં રંગાયેલું આ મધુરુ ગીત, આજે ફરી એકવાર – પણ એક નવા સ્વર સાથે સાંભળીએ..! અને ફાગણને અલવિદા…(આવતા ૧૧ મહિના સુધી..!) અને હા, કાલથી તો આ ટહુકોનું બેનર પણ બદલવું પડશે..!!

સ્વર – માલિની પંડિત નાયક
સંગીત – ક્ષેમુ દિવેટીઆ

.

આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે…
પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે …

તારા તે કાળજાને કેસુડે લાલ લાલ
ઝુલે મારા અંતરની ડાળ
રોમ આ રંગાય મારુ તારી તે આંખના
ઉડતા અણસાર ને ગુલાલ

રાધિકાનો રંગ એક, તારુ તે વ્હાલ રે…
પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે …

મીઠેરી મુરલીના સુર તણી ધાર થકી
ભીનું મારા આયખાનું પોત
અંતર ને આંખના અબીલ ગુલાલની
આજ લગી વ્હાલી મુને ચોટ

રાધિકાનો રંગ એક, તારુ તે વ્હાલ રે…
પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે …

—————————-

આભાર : એ મિત્રનો, જેમણે આ સૂર-સંગીતના રંગો અહીં ટહુકો પર રેલાવવામાં મદદ કરી.. પોતાને ગમતા ગીતોનો ગુલાલ કરીને…