Category Archives: પ્રફુલ દવે

આવકારો – દુલાભાયા કાગ

સ્વર :પ્રફુલ દવે

.

હે જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે,
આવકારો મીઠો…આપજે રે જી…

હે જી તારે કાને સંકટ કોઈ સંભળાવે રે,
બને તો થોડું… કાપજે રે જી………

માનવીની પાસે કોઈ….માનવી ન આવે…રે……(૨)
તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે
આવકારો મીઠો…. આપજે રે….જી….

કેમ તમે આવ્યા છો ?…એમ નવ કે’જે…રે……(૨)
એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે
આવકારો મીઠો… આપજે રે….જી….

વાતું એની સાંભળીને…આડું નવ જોજે….રે……(૨)
એને માથૂં એ હલાવી હોંકારો દેજે રે
આવકારો મીઠો… આપજે રે….જી….

‘કાગ’ એને પાણી પાજે…સાથે બેસી ખાજે..રે….(૨)
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે
આવકારો મીઠો… આપજે રે….જી….
-દુલાભાયા કાગ

હરિ તું ગાડુ મારું…..

સ્વર : પ્રફુલ દવે

હરિ તું ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ના જાણુ
ધરમ કરમ ના જોડ્યા બળદિયા ધીરજ ની લગામ તાણુ,
હરિ તું ગાડુ મારું….

સુખ ને દુખ ના પૈડા ઉપર ગાડુ ચાલ્યુ જાય
કદી ઉગે આશા નો સૂરજ કદી અંધારુ થાય
મારઈ મુજ ને ખબર નથી કઇ ક્યાં મારું ઠેકાણું, કાંઇ ના જાણું
હરિ તું ગાડુ મારું….

પાપણ પટારે સપના સંઘર્યા, ઉપર મન ની સાંકળ વાસી
ડગર ડગરીયા આવે નગરીયા, નાય આવે મારુ કાશી
ક્યારે વેરણ રાત વિતે ક્યારે વાયે વાણું, કાંઇ ના જાણું
હરિ તું ગાડુ મારું….

ક્યાથી આવું ક્યા જવાનું ક્યાં મારે રહેવાનું
અગમ-નિગમ નો ખેલ અગોચર, મન માં મુંઝાવાનું
હરતું ફરતું શરીર તો છે પિંજર એક પુરાણું, કાંઇ ના જાણું
હરિ તું ગાડુ મારું…..

રામદેવપીર નો હેલો….

પહેલા મૂકેલું આ ભજન બે નવા સ્વર માં….

સ્વર – મન્ના ડે
સંગીત – પુરુષોત્તમ ઉપાધ્યાય
ગુજરાતી ફિલ્મ – રણુંજાના રાજા રામદેવ

સ્વર – અભરામ ભગત

(આ ઓડ્યો ફાઈલ માટે આભાર – આનંદ આશ્રમ)

Previously posted on October 06, 2006

* * * * * * * * * * * * * * * *

સ્વર – પ્રફુલ દવે
આલબ્મ – ગુર્જર સંધ્યા

હો હો હેલો મારો સાંભળો,
રણુંજાના રાજા,અજમલજીના બેટા,
વિરમદે ના વીરા,રાણી નેસલ ના ભરથાર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

હેલો મારો સાંભળો,રણુંજાના રાજ
હુકમ કરો તો વીર જાત્રાયુ થાય,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

વાણીયો ને વાણીયણ જાત્રાએ જાય,
માલ દેખી ચોર વાંહે વાંહે જાય,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

ઊંચી ઊંચી ઝાડીઓ ને વસમી છે વાટ,
બે હતા વાણીયા ને ત્રીજો મળ્યો ચોર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

ઉંચા ઉંચા ડુંગરા ને વચમાં ચોર,
મારી નાખ્યો વાણીયો ને માલ લઈ ગ્યા ચોર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

ઉભી ઉભી અબળા કરે રે પોકાર,
સોગઠે રમતા વીરને કાને ગ્યો અવાજ,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

લીલુડો છે ઘોડલો ને હાથમાં તીર,
વાણીયાની વ્હારે ચડ્યા રામદેવપીર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

હેલો મારો સાંભળો,રણુંજાના રાજ
હુકમ કરો તો વીર જાત્રાયુ થાય,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

ઊઠ ઊઠ અબળા તુ ધડ-માથું જોડ,
ત્રણેય ભૂવનમાંથી ગોતી લાવુ ચોર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

ભાગ ભાગ ચોરટા તુ કેટલેક જાઈશ,
વાણીયાનો માલ તુ કેટલા દાડા ખાઈશ,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

હો હો હેલો મારો સાંભળો,
રણુંજાના રાજા,અજમલજીના બેટા,
વિરમદે ના વીરા,રાણી નેસલ ના ભરથાર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

(આભાર : પ્રીતનાં ગીત)

રેડિયો ૨૩ – પ્રફુલ દવે (લોકગીતો)

સૌને નવરાત્રીનાં છેલ્લા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…!! સાથે મજા લઈએ ગુજરાતના લોકલાડીલા લોકગાયક શ્રી પ્રફુલ દવેનાં અવાજમાં અમને ખૂબજ ગમતા આ લોકગીતો……

સ્વર – પ્રફુલ દવે, ભારતી કુંચલા અને વ્રુંદ
સંગીત – બ્રિજરાય જોશી
આલબ્મ – ગીત ગૂનજન ૧

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

૦૧ હરી હરી તે વનનો મોરલો ગીરધારી રે….
૦૨ કાન તારી મોરલીએ મોહીને ગરબો ઘેલો કીધો….
૦૩ હાલ્યા મીરાબાઈ દ્વારિકાને….
૦૪ એક રંગ ભર રસીએ પૂછ્યોજી….
૦૫ કાંકરીના માર્યા કદી મર્યે….
૦૬ રમો રમો ગોવાળીયા મારગડો મેલીને….

અમે મહિયારાં રે ગોકુળ ગામનાં – નરસિંહ મહેતા

સ્વર – પ્રફુલ દવે અને ઉષા મંગેશકર
સંગીત – ગૌરાંગ વ્યાસ

સ્વર – હેમુ ગઢવી

અમે મહિયારાં રે, ગોકુળ ગામનાં
મારે મહી વેચવાને જાવાં, મહિયારાં રે….ગોકુળ ગામનાં

મથુરાની વાટ મહીં વેચવાને નીસરી
નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી
હે….મારે દાણ દેવા, નહીં લેવા, મહિયારાં રે….ગોકુળ ગામનાં

માવડી જશોદાજી કાનજીને વારો
દુ:ખડા હજાર દિયે નંદજીનો લાલો
હે….મારે દુ:ખ સહેવા, નહીં કહેવા,મહિયારાં રે….ગોકુળ ગામનાં

યમુનાને તીર વા’લો વાંસળી વગાડતો
ભુલાવી ભાન સાન ઉંઘતી જગાડતો
હે….મારે જાગી જોવું ને જાવું. મહિયારાં રે….ગોકુળ ગામનાં

નરસિંહનો નંદકિશોર લાડકડો કાનજી
ઉતારે આતમથી ભવ-ભવનો ભાર જી
નિર્મળ હૈયાંની વાત કહેતા, મહિયારા રે….ગોકુળ ગામનાં

– નરસિંહ મહેતા

જોડે રહેજો રાજ….

સ્વર – પ્રફુલ દવે, દિવાળીબેન ભીલ
સંગીત – નાનજી ભાઇ મિસ્ત્રી
ગુજરાતી ફિલ્મ – લંકાની લાડી ને ઘોઘાનો વાર

જોડે રહેજો રાજ
તમે કિયા તે ભાઈની ગોરી કોની વહુ
જોડે રહેજો રાજ

જોડે કેમ રહું રાજ
મને શરમના શેરડાં ફૂટે ને
જોને દિવો બળે હો રાજ

જોડે નહિ રહું રાજ
શિયાળાની ટાઢ પડે ને
જોડે કેમ રહું રાજ

જોડે રહેજો રાજ
ફૂલની પછેડી સાથે રે હો લાડવઈ
જોડે રહેજો રાજ

જોડે કેમ રહું રાજ
મને શરમના શેરડાં ફૂટે ને
જોને દિવો બળે હો રાજ

જોડે નહિ રહું રાજ
ઉનાળાના તાપ પડે ને
જોડે કેમ રહું રાજ

જોડે રહેજો રાજ
ફૂલના પંખા સાથે રે હો લાડવઈ
જોડે રહેજો રાજ

જોડે કેમ રહું રાજ
મને શરમના શેરડાં ફૂટે ને
જોને દિવો બળે હો રાજ

જોડે નહિ રહું રાજ
ચોમાસાની ઝડીઓ પડે ને
જોડે કેમ રહું રાજ

જોડે રહેજો રાજ
મોતીના મોડિયા સાથે રે હો લાડવઈ
જોડે રહેજો રાજ

જોડે કેમ રહું રાજ
મને શરમના શેરડાં ફૂટે ને
જોને દિવો બળે હો રાજ

જીવલડો વલોવાયો
તમે ઓરા આવો રાજ
જીવલડો વલોવાયો

તમે ઓરા આવો રાજ
જોડે રહેજો રાજ
ચાંદા-સૂરજની સાખે ભવોભવ

જોડે રહેજો રાજ
ચાંદા-સૂરજની સાખે ભવોભવ
જોડે રહેજો રાજ

સોનાના બોર ઝુલે….. – શ્રી બ્રહ્માનંદ સ્વામી

સ્વર – પ્રફુલ દવે
આલ્બમ – રસિયો રાસ રમે

ઘનશ્યામ મહારાજ

સોનાના બોર ઝુલે નંદકિશોર, પ્યારાને પારણે સોનાનાં બોર,
હીરા માણેક બહુ જડિયાં પારણિયે,
કાજુ શોભે છે રૂડી મોતીડાની કોર….

કોડે ઝુલાવે પ્યારી, કહાન કુંવરને,
હાથે ગ્રહીને રૂડી હીરલાની દોર….

કોઈક કા’નાને નેણે સારે કાજળિયું,
કોઈક બનાવે કસ્તૂરીની ખોર….

બ્રહ્માનંદ કહે મુખ રસિયા વા’લમનું,
ગોપી જુએ છે જેમ ચન્દ્ર ચકોર….

– શ્રી બ્રહ્માનંદ સ્વામી

(Audio file અને શબ્દો માટે કમલેશ ધ્યાનીનો આભાર)

મારું વનરાવન છે રૂડું

સ્વર : પ્રફુલ દવે અને આશા ભોસલેં
સંગીત : અવિનાશ વ્યાસ
ગુજરાતી ફિલ્મ : ચુંદડીનો રંગ (૧૯૭૫)

સ્વર : હેમુ ગઢવી

મારું વનરાવન છે રૂડું
વૈકુંઠ નહિ રે આવું

નહિ આવું વાં નંદજીના લાલ રે
વૈકુંઠ નહિ રે આવું

બેસીને રેવું ને ટગ ટગ જોવું
નહિ ખાવું કે મારે નહિ રે પીવું
ઓ નંદજીના લાલ રે
વૈકુંઠ નહિ રે આવું

મારું વનરાવન….

સરગના લોક તો છે અતિ કૂડાં
વાંથી વ્રજના ચોક મારે રૂડાં
ઓ નંદજીના લાલ રે
વૈકુંઠ નહિ રે આવું

મારું વનરાવન….

એ રે વિશે બે નોળિયા હતાં જો
એને સતવર મેલ્યા જો ને કાઢી
ઓ નંદજીના લાલ રે
વૈકુંઠ નહિ રે આવું

મારું વનરાવન….

એ સરગથી જો ને અમને સોહામણું
અમને માનવને મૃત્યલોક રે
પણ ઈમાં મોટી વાતું દોહ્યલી
વળી પાછો મરણ વિજોગ

લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યાં જો

બાળપણથી ગાતા આ અતિ લોકપ્રિય લોકગીત….

સ્વર – ઉષા મંગેશકર, પ્રફુલ દવે
સંગીત – નાનજી ભાઇ મિસ્ત્રી
ગુજરાતી ફિલ્મ – લંકાની લાડી ને ઘોઘાનો વાર

લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યાં જો !
ફૂલ કેરે દડુલિયે સીતાએ વેર વાળ્યાં જો !

રામ ! તમારે બોલડીએ હું પરઘેર બેસવા જઈશ જો !
તમે જશો જો પરઘેર બેસવા, હું વાતુડિયો થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું પરઘેર દળવા જઈશ જો !
તમે જશો જો પરઘેર દળવા, હું ઘંટુલો થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું પરઘેર ખાંડવા જઈશ જો !
તમે જશો જો પરઘેર ખાંડવા, હું સાંબેલું થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું જળમાં માછલી થઈશ જો !
તમે થશો જો જળમાં માછલી, હું જળમોજું થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું આકાશ વીજળી થઈશ જો !
તમે થશો જો આકાશ વીજળી, હું મેહુલિયો થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું બળીને ઢગલી થઈશ જો !
તમે થશો જો બળીને ઢગલી, હું ભભૂતિયો થઈશ જો !

અમે નિસરણી બનીને દુનિયામાં – દુલા ભાયા ‘કાગ’

આજે કવિ શ્રી દુલા ભાયા ‘કાગ’ નું એક સંદર ગીત બે સ્વરોમાં…..પ્રસિદ્ધ પ્રફુલ દવે અને ઊભરતા ગાયક ઉમેશ બારોટ….

સ્વર – પ્રફુલ દવે
સંગીત – અવિનાશ વ્યાસ
આલબ્મ – સાચું સગપણ

સ્વર – ઉમેશ બારોટ
ETV Gujarati પ્રોગ્રામ  ‘લોક ગાયક ગજરાત’

અમે નિસરણી બનીને દુનિયામાં ઉભા રે…
ચડનારા કોઈ નો મળ્યા હો.. જી..
અમે દાદરો બનીને ખીલા ખાધા રે..
તપસ્યાના ફળ નો મળ્યા હો.. જી..

માથડા કપાવી અમે ઘંટી એ દળાણાં ,
ચૂલે ચડ્યા ને પછી પીરસાણા રે..
જમનારા કોઈ નો મળ્યા હો.. જી..

નામ રે બદલાવ્યા અમે પથિકો ને કાજે,
કેડો બનીને જુગ જુગ સુતા રે…
ચાલનારા કોઈ નો મળ્યા હો.. જી..

કુહાડે કપાણા અમે આગ્યું માં ઓરાણા,
કાયા સળગાવી ખાક કીધી રે
ચોળનારા કોઈ નો મળ્યા હો.. જી..

પગે બાંધ્યા ઘૂઘરા ને માથે ઓઢી ઓઢણી,
ઘાઘરી પહેરીને પડ માં ઘૂમ્યા રે
જોનારા કોઈ નો મળ્યા હો.. જી..

સ્વયંવર કીધો આવ્યા પુરુષો રૂપાળાં,
કરમાં લીધી છે રૂડી વરમાળા રે
મુછાળા કોઈ નો મળ્યા હો.. જી..

” કાગ ” બ્રહમલોક છોડ્યો પતિતોને કાજે,
હેમાળેથી દેયું પડતી મેલી રે
ઝીલનારા કોઈ નો મળ્યા હો.. જી..

અમે નિસરણી બનીને દુનિયામાં ઉભા રે…
ચડનારા કોઈ નો મળ્યા હો.. જી..

– દુલા ભાયા ‘કાગ’