Category Archives: નયન દેસાઈ

માણસ ઉર્ફે…. – નયન હ. દેસાઈ (આસ્વાદ: વિવેક મનહર ટેલર)

માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે,
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…

ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો ઊગે ને આથમતા;
દિવસો મતલબ વેઢા, મતલબ પંખી, મતલબ ઊડી જવાની ઘટના ઉર્ફે…

વજ્જરની છાતી ના પીગળે, આંસું જેવું પાંપણને કૈંક અડકે તો પણ;
આંસુ, એમાં શૈશવ, એમાં કૂવો, એમાં કૂદી જવાની ઘટના ઉર્ફે…

પગમાંથી પગલું ફૂટે ને પગલાંમાંથી રસ્તાના કૈં રસ્તા ફૂટે;
રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર અથવા ઊગી જવાની ઘટના ઉર્ફે…

ચાલો સૌ આ સંબંધોની વણજારોને બીજે રસ્તે વાળી દઈએ,
સંબંધો સમણાંનાં ઝુમ્મર, ઝુમ્મર યાને ફૂટી જવાની ઘટના ઉર્ફે…

છાતીમાં સૂરજ ઊગ્યાનો દવ સળગે ને સૂરજ તો એક પીળું ગૂમડું,
ગૂમડું પાકે, છાતી પાકે, મહેફિલમાંથી ઊઠી જવાની ઘટના ઉર્ફે…

મૂઠી ભરીને પડછાયાનાં ગામ વસેલાં ને પડછાયા હાલે ચાલે,
પડછાયા તો જાણે ચહેરા, ચહેરા જાણે ભૂલી જવાની ઘટના ઉર્ફે…

– નયન દેસાઈ

હીરા ઘસવાની રેતી ખૂટી જતાં હાથ જડેલો સપ્તરંગી હીરો…

જમાનો ઝડપભેર બદલાઈ રહ્યો છે. ગઈકાલે જે વસ્તુ ઘરે-ઘરે ચલણમાં હતી, એના વિશે આજની પેઢીને કંઈ પૂછીશું તો ખભા ઉલાળશે. બાળકના સર્વપ્રથમ જ્ઞાનસંસ્કાર સમા સ્લેટ-પેન ક્યારેક અસ્તિત્ત્વમાં હતા કે કેમ એ શંકા જન્મે આજે તો. ટ્રાન્ઝિસ્ટર કાને લગાડીને વટ પાડતી એક આખી સભ્યતાનું નામોનિશાન રહ્યું નથી. ઑડિયો-વિડિયો કેસેટ પ્લેયર, પેજર, પબ્લિક ટેલિફોન બૂથ, ફ્લોપી ડિસ્ક, ફિલ્મ કેમેરા કેવા ગાયબ થઈ ગયા! બાયૉસ્કૉપ અને ક્લાઇડસ્કોપ -કેવી મજા હતી, નહીં! ક્લાઇડસ્કોપ ન જોયું હોય, એ તો બાળપણ જ જીવ્યા ન કહેવાય. એક નળાકાર ટુકડામાં સાંઠ અંશના ખૂણે ગોઠવેલ ત્રણ લંબચોરસ અરીસાને લઈને કાચની રંગીન બંગડીઓના ટુકડાઓથી પળેપળ નિતનવી રચાતી ભાત તો જાણે સ્વપ્નોના રંગ! કવિતા પણ આપણાં સ્વપ્નોના રંગોની આકૃતિ જ છે, પણ મોટાભાગની કવિતા મર્યાદિત રંગોની છબી સુધી જ સીમિત રહે છે. મજા તો ત્યારે આવે જ્યારે બાળપણની ગલીઓમાં ખોવાઈ ગયેલ ક્લાઇડસ્કોપ જેવી કોઈ કવિતા હાથ લાગી જાય. ફેરવતા જાવ, એમ એમ એમાંથી અમર્યાદિત ભાત ઊઠતી દેખાય. નયન દેસાઈની એક ક્લાઇડસ્કોપિક ગઝલ આજે માણીએ.

નયન હ. દેસાઈ.જન્મ- ૨૨ ફેબ્રુઆરી ૧૯૪૬, નિધન- ૧૨ ઓક્ટોબર, ૨૦૨૩) જન્મભૂમિ કડોદરા, વતન વાલોડ પણ કર્મભૂમિ સુરત. કદકાઠીએ ટૂંકા પણ આદમી મુઠ્ઠીઊંચેરા. અભ્યાસ માત્ર SSC સુધીનો પણ કવિતામાં જાણે કે ડૉક્ટરેટ. વેદનાત્રસ્ત અને વેદનાગ્રસ્ત મનુષ્ય એમની કવિતાનું કેન્દ્રબિંદુ. પ્રકૃતિ એમની કવિતાનો વ્યાસ. જીવનની શરૂઆતમાં હીરા ઘસતા તે આજીવન કાચા હીરા જેવા કેટલાય કવિઓને પાસા પાડતા રહ્યા. ગીત અને ગઝલમાં પ્રયોગો કરવાની જાદુઈ હથોટી. પ્રયોગશીલતા ક્યારેક પ્રયોગખોરી પણ બની રહેતી. પણ ગીત-ગઝલમાં જેટલું વૈવિધ્ય એ એકલા હાથે લઈ આવ્યા એટલું જવલ્લે જ કોઈ કવિ લાવી શકે. ગુજરાતી કવિતારાણીને એમના જેટલા અછોઅછોવાનાં બહુ ઓછા કવિઓએ કર્યા છે. ઉર્દૂના પણ ઉસ્તાદ. મુશાયરાનું સંચાલન કરતા નયનભાઈને જેણે જોયા નથી, એણે કદી કોઈ મુશાયરો માણ્યો નથી! એમના મુખે કવિતા સાંભળવાની ઘટના પોતે જ એક કવિતા હતી. માત્ર આંખ મીંચે અને આ માણસ લૌકિકમાંથી અલૌકિક બની જતો. અવાજ પેલે પારના કોઈ પ્રદેશમાંથી આવતો લાગે. કમનસીબે તળગુજરાતના આ ઓછા કદના કવિ ગુજરાતી કવિતામાં મોખરાનું સ્થાન છતી લાયકાતે પામી શક્યા નહીં…

‘માણસ ઉર્ફે’ એટલે નયન દેસાઈની સિગ્નેચર કૃતિ. આ સીમાચિહ્નરૂપ ગઝલના સાત શેર મનુષ્યજીવનનું સપ્તરંગી ધનમૂલક ઈન્દ્રધનુષ છે. ‘ઉર્ફે’, ‘એટલે’, ‘મતલબ’, ‘અથવા’ જેવા ઉભયાન્વયી અવ્યયો વડે કવિએ ન માત્ર મનુષ્યની તરંગિત મનોદશાનો અર્થસભર ચિતાર આપ્યો છે, એક પછી બીજું અને બીજા પછી ત્રીજું પડ એમ અસીમ સંભાવનાઓની વિભાવના પણ દર્શાવી છે. વળી આ અવ્યયોના આવર્તનો દ્વારા ભાવની ગતિ પણ સિદ્ધ થાય છે. પ્રયોગાત્મક ગઝલોના ઉદભવના શરૂઆતના દિવસોની આ ગઝલમાં ભાવાભિવ્યક્તિનો પ્રયોગ તો છે જ, સાથોસાથ ‘ગાગાગાગા’ના ચાર પ્રચલિત આવર્તનો કરતાં એક આવર્તન વધુ લઈ છંદને પણ વધુ ગતિશીલ બનાવ્યો છે. કવિના કહેવા પ્રમાણે ચાર-સાડા ચાર દાયકા પૂર્વે એમણે કારકિર્દીની શરૂઆત રત્નકલાકાર તરીકે કરી હતી. હીરા ઘસવાની જૂની પદ્ધતિ મુજબ રેતીના કણ પોલિશ કરવા માટેના આલ્કલીય પ્રવાહીમાં મેળવાતા, હીરાની સપાટી અને રેતકણ વચ્ચે ઓક્સિડેશનની પ્રક્રિયા થતી અને રેતકણની મદદથી હીરાની ઘસાઈ અંતિમ આકાર લેતી. આ પ્રક્રિયાથી હીરાની સપાટીનું ખરબચડાપણું અઢાર નેનોમીટરથી ઘટાડીને દોઢ નેનોમીટર જેટલું ઓછું કરી શકાતું. એકવાર હીરા ઘસવાનું લેથ મશીન આઉટ થઈ ગયું હતું, રેતી ખૂટી ગઈ હતી ત્યારે કવિની અંદરથી માણસ એટલે રેતી એટલે ખૂટી જવાની વાત આ ગઝલ સ્વરૂપે પ્રગટી હતી.

જેમ આખી દુનિયામાં એમ જ ગુજરાતી કવિતાનાં વહેણ પણ સમયાંતરે બદલાતાં રહ્યાં છે. ઉર્દૂ-ફારસી બાનીમાંથી ક્રમશઃ શુદ્ધ ગુજરાતી બન્યા બાદ ગઝલ પરંપરાથી કંટાળી અને આધુનિકતા, સરરિઆલિઝમ, મેટાફિઝિકલ, એબ્સર્ડ, એબ્સ્ટ્રેક્ટ વિ. પ્રયોગો તરફ વળી. નયન દેસાઈ એમના જમાનામાં ખાસ્સા પ્રયોગખોર રહ્યા છે. એમણે ઢગલાબંધ એબ્સર્ડ અને એબ્સ્ટ્રેક્ટ ગઝલો લખી છે. એબ્સર્ડ ગઝલ એટલે એવી ગઝલ જેમાંથી દેખીતો અર્થ તારવવો મુશ્કેલ થઈ પડે પણ એમાંથી પસાર થતી વખતે ભાવકને એક અનૂઠી અનુભૂતિ થાય. આમેય કહ્યું છે ને કે, A poem has to be, not mean. અર્થાત્, કવિતાનું હોવું જ જરૂરી છે, અર્થ નહીં.

પ્રસ્તુત ગઝલ એબ્સર્ડિટી અને આધુનિકતાના સંધિસ્થળ પર ઊભી છે. લગભગ બધા જ શેરમાં કવિ એક વિભાવનામાંથી બીજીમાં, બીજીમાંથી ત્રીજીમાં એમ અનંત સુધી ભાવકને દોરી જાય છે. ઢાળ પર ગબડતા હોય એમ એકમાંથી બીજામાં સાવ સાહજિકતાથી ઢોળાતા શબ્દોનો ધ્વનિ ચારેકોરથી આપણા અસ્તિત્વને ઝંકોરે છે. ઉર્ફે અને એટલે જેવા અવ્યયોની મદદથી કવિએ સાવ અલગ કુળની સંજ્ઞાઓને બખિયા ભર્યા છે. પરસ્પર એકસો એંસી ડિગ્રીનું વૈષમ્ય ધરાવતા એકાધિક શબ્દોને એકીસાથે સીવી લઈ કવિએ કવિતાનો મજાનો ડ્રેસ સીવી બતાવ્યો છે. એમ પણ કહી શકાય કે શબ્દોના અલગ-અલગ ટુકડાઓ આપણને આપીને કવિ કહે છે કે, લ્યો આ ટુકડાઓ! હવે પૂરી કરો આ જિગ-સૉ પઝલ! કવિનો કેમેરા અલગ અલગ દૃશ્યોને એક બીજાની અડખે પડખે juxtapose કરતો રહી અમર્યાદ દૃશ્યો રચે છે. એ અર્થમાં આ ગઝલ ક્લાઇડસ્કોપિક ગઝલ છે. શબ્દના પોતીકા અર્થોપરાંત શબ્દના ધ્વનિ તથા બે શબ્દો વચ્ચેના અવકાશમાંથી પણ અહીં અર્થ જન્મતો દેખાય છે… નયન દેસાઈની આ કાબેલિયત અનેક રચનાઓમાં દૃષ્ટિગોચર થાય છે.

પહેલા શેરમાં માનવીના બહુપાર્શ્વીય આયામનો પરિચય કવિ કરાવે છે. માણસ શું છે? હાથમાંથી સરી જાય એવી રેતી?

મરમ જિંદગીનો કહી જાય રેતી,
સતત હાથમાંથી સરી જાય રેતી.

સમયશીશીમાંથી રેતી સતત સરતી જાય એ જ રીતે માણસ પણ સતત ખર્ચાતો રહે છે. તમે એને દરિયો પણ કહી શકો. રેતી ક્ષણભંગુરતાનો તો દરિયો અસીમ સંભાવનાઓનો નિર્દેશ કરે છે. માણસ ઉભયનો સમન્વય નહીં? માણસ એટલે ડૂબી જવાય એવા ભાવવિશ્વની ઘટના પણ. ને આ ઘટના તો લોહીમાં વણાઈ જાય છે અને લોહી તો ઘટનાની જેમ, સમયની જેમ, દરિયાની જેમ, રેતીની જેમ વહેતું રહેવાનું ને વળી ખૂટીય જવાનું…

માણસની વ્યાખ્યા થઈ રહી હોય અને આંખ ટાપશી ન પૂરાવે એ કેમ ચાલે? ઇન્દ્રિયો ભલે પાંચ હોય, પણ આંખ બધાયમાં અગ્રિમ. કવિ આંખોને બારી સાથે સરખાવે છે પણ શેરની શરૂઆત ખુલ્લી વિશેષણ સાથે કરે છે, કારણ ખુલ્લાપણાં વિના બધું જ વ્યર્થ. ખુલ્લાપણું એટલે મોકળાશ. આવકારની શક્યતાઓ. ઊઘડવાની વાત. ખુલી જવું એ જ ખરું જીવન. બાકી તો સંકીર્ણતા અને અંધકાર કેવળ. દિવસોનું ઊગવું-આથમવું એ તો સમયચક્ર છે. ચાર દિન કી જિંદગાનીમાં આંગળીના વેઢે ગણી શકાય એવા દિવસો તો પંખીની જેમ ઊડી જવાના છે. આપણું ખુલ્લાપણું જ આ દિવસોમાં ઊગવા-આથમવાના અર્થ ઊમેરશે. એ જ માણસ હોવાનો ખરો અર્થ. હાંસિલે-ગઝલ કહી શકાય એવો આ શેર છે.

બાળકને ઈશ્વરનું સ્વરૂપ કહેવાય છે, કારણ મોટા થતા જઈએ એમ એમ આપણે સમ-વેદના ગુમાવતા જઈએ છીએ. આંસુના અડવાથી પણ જે પીગળી ન શકે એ વજ્ર જેવી છાતીનું બીજું નામ જ વયસ્કતા. આંસુની ઉષ્મા તથા ભીનાશથીય ન પીગળતી વ્યક્તિ શું શું નથી ગુમાવતી? આંસુ તો સ્મરણના રણ મધ્યેનો રણદ્વીપ છે. યાદોની પાંખે બેસાડી આંસુ તમને વિસ્મૃત શૈશવ તરફ લઈ જાય છે. બાળપણના આ કૂવામાં આંખ મીંચીને કૂદી ન પડીએ તો અવસ્થાનો થાક શી રીતે ધોવાય?

માણસ એટલે સંભાવનાઓનો સરવાળો, આગળ વધવાની ઘટના. પગ ઊપાડીએ જ નહીં તો રસ્તો કપાય શી રીતે? ચાલવાનું શરૂ કરીએ તો રસ્તામાંથી રસ્તા ફૂટે. સમસ્યાઓના ઈલાજ હાથ જડે.

ડેડ-એન્ડ જોઈ દૂરથી જ કરમાઈ શીદ ગયા છો?
રસ્તામાં થઈને રસ્તો આગળ જતાં ઊગે છે.

A journey of a thousand miles begins with a single step. એકવાર શરૂઆત થાય એટલે રસ્તામાંથી રસ્તા, એમ શક્યતાના ફૂલો ઊગી નીકળશે. ક્યાંક પથ્થરો પણ નડતર બનશે જ, પણ સરવાળે પથ્થરમાંથી પણ ઊગી નીકળવાની ઘટના એટલે જ તો માણસ…

પહોંચાય ત્યાં સુધી એ જરૂરી નથી, તો પણ
ત્યાં પહોંચવા માટેની શરૂઆત કરી જો.

પાંચમા શેરમાં કવિ આપણને સૌને આહ્વાન કરે છે. સંબંધો એ સમાજની દેણગી છે. પશુપંખી સમુદાયમાં સંબંધ કેવળ બચ્ચાંઓ મોટાં થવા સુધી જ જળવાતા હોય છે. બંધન શબ્દમાં જ છૂટી શકાવાની શક્યતા નિહિત છે. જે બંધાય એ છૂટી-તૂટી પણ શકે જ ને? કવિ આપણા સંબંધોને અલગ આયામ આપવાની, બીજા રસ્તે વાળવાની હાકલ કરે છે, કારણ સંબંધ અને શમણાંના ઝુમ્મર બંને એકસમાન છે. શમણું ગમે એવું હોય, એનો અંત નિશ્ચિત જ છે. ઝુમ્મર પણ કાચનું બનેલું હોવાથી વહેલું-મોડું ફૂટવાની ઘટનાથી અલિપ્ત તો ન જ રહી શકે ને! અને સંબંધ તો વળી શમણાંના ઝુમ્મર જેવા છે, મતલબ વધારે બટકણા. સંબંધ કોઈપણ હોય, એને યોગ્ય સમયે બીજે રસ્તે વાળી ન દેવાય, યોગ્ય રીતે સાચવી ન લેવાય તો તિરાડ તો પડવાની જ.

માણસ એટલે અજંપો, અભાવ અને અસંતોષ. અધૂરી ઇચ્છાઓ, દુઃખ-દર્દ, પૂર્વગ્રહો, અદેખાઈ, સ્વાર્થ વગેરે તો આપણા ઘટ સાથે રે ઘડિયાં ને રઘુનાથના જડિયાં છે. ક્યારેક આ (દુર્)ગુણો ચાલકબળ બની પ્રગતિના પંથે પણ લઈ જાય, પરંતુ બહુધા તો એ તકલીફોની જનેતા જ બની રહે છે. છાતીમાં પીળા ગુમડા જેવો સૂરજ ઊગ્યાનો દવ સળગ્યો હોય એવી બળતરા કોણ નથી અનુભવતું? सीने में जलन, आँखों में तूफ़ान सा क्यूँ है? इस शहर में हर शख़्स परेशान सा क्यूँ है? (शहरयार) મહેફિલમાંથી અધવચ્ચેથી ઊઠી જવાનું થશે, કમોતે મરવાનું થશે એ જાણતો હોવા છતાં છાતીમાં સમસ્યાઓનું બળબળતું ગૂમડું ઊગવા દે અને પાકવા દે એનું જ નામ માણસ. માણસની આ વ્યાખ્યા ગઝલના તગઝ્ઝુલને ઓર ઘેરો બનાવે છે.

આ એવો જમાનો છે જ્યાં આપણે અરીસા આગળ પણ ચહેરા પર ચહેરો ચડાવીને ઊભા રહીએ છીએ. માણસ પોતાની જાતનો સાક્ષાત્કાર કરતાં જ ડરતો હોય તો અન્ય સામે કઈ રીતે યથાતથ રજૂ થાય? एक चहेरे पे कई चहेरे लगा लेते हैं लोग। (સાહિર લુધિયાનવી) માણસો નહીં, જાણે મુઠ્ઠીભર પડછાયાઓનાં ગામ છે આ દુનિયા. પડછાયા હાલે-ચાલેની હકીકત ભૂતાવળ તરફ પણ અંગૂલિનિર્દેશ કરે છે. હાલતા-ચાલતા પદછાયાઓ જેવી અસ્થાયી અને બનાવટી ઓળખાણને લઈને માણસ પોતાની ખરી ઓળખ ગુમાવી ચૂક્યો છે. કોણ કોને યાદ રાખે? એઝરા પાઉન્ડની અમર રચના યાદ આવે: “The apparition of these faces in the crowd:/ Petals on a wet, black bough.” (ભીડમાં ઓછાયા આ ચહેરા તણા; /પાંદડીઓ ભીની, કાળી ડાળ પર.)

(આસ્વાદ: વિવેક મનહર ટેલર)

સૂના ઘરમાં ખાલી-ખાલી – નયન દેસાઈ

સૂના ઘરમાં ખાલી-ખાલી માળ-મેડિયું ફરશે,
તમે જશો, ને ઉંબર ઉપર ઘર ઢગલો થઈને પડશે.

પછી પછિતેથી હોંકારાનો સૂરજ ઉગશે નહિં,
અને ઓસરીમાં કલરવનાં પારેવા, ઉડશે નહિં.
સમી સાંજનો તુલસી-ક્યારો, ધ્રૂસ્કે-ધ્રૂસ્કે રડશે. – તમે જશો, ને ઉંબર ઉપર..

ખળી, ઝાંપલી, વાવ, કૂવોને, પગદંડી, ખેતર, શેઢા,
બધા તમારા સ્પર્શ વિનાના પડી રહેશે રેઢા.
તમે હતાનું ઝાકળ પહેરી, પડછાયાઓ ફરશે. – તમે જશો, ને ઉંબર ઉપર..

એક ચા મંગાવ – નયન દેસાઈ

અફવાથી છાપું ભરવાનું ચાલ, નયન એક ચા મંગાવ
આજ નથી કંઈ બનવાનું ચાલ, નયન એક ચા મંગાવ

એક નદી તરસી હાલતમાં ઉમ્બરલગ આવી શું કામ ?
પંચ નથી કોઈ નીમવાનું ચાલ, નયન એક ચા મંગાવ

હાથ સૂરજનો બારીના સળિયા પાછળ કે, સાંજ પડી
દિનભરના તડકા ભૂલવાનું ચાલ, નયન એક ચા મંગાવ

શહેર છે આખું મૂર્છિત હાલતમાં ગંદી કોઈ નાળીમાં
બોમ્બ ફૂટ્યાવીણ એ ઊઠવાનું ચાલ, નયન એક ચા મંગાવ

આમ સતત પડછાયામાં વહેંચાઈ જવાનો મતલબ બોલ !
કેમ દીવાલોમાં ઊગવાનું ? ચાલ, નયન એક ચા મંગાવ

ક્યાંકથી ચડ્ડી-બનિયનધારીઓનું કોઈ ટોળું આવે
તોય નથી પીડા લૂંટવાનું ચાલ, નયન એક ચા મંગાવ

– નયન દેસાઈ

પિયર ગયેલી ભરવાડણની ગઝલ – નયન દેસાઇ

સ્વર – સ્વરાંકન : અચલ મહેતા અને રિષભ ગ્રુપ

પનઘટે છલકાતી ગાગર સાંભરે,
દી ઊગે ને રોજ સહિયર સાંભરે.

છેડલો ખેંચી શિરામણ માગતો
વાસીદું વાળું ને દિયર સાંભરે.

ત્રાડ સાવજની પડે ભણકારમાં,
રાતના થરથરતું પાધર સાંભરે.

ઢોલિયે ઢાળું હું મારો દેહ ને,
બાથમાં લઈ લેતી નીંદર સાંભરે.

કાંબિયું ખખડે ને હું ચોંકી ઊઠું,
ઝાંઝરો રણકે ને જંતર સાંભરે.

તાણ ભાભુજીએ કીધી’તી નકર
કોણ બોલ્યું’તુ કે મહિયર સાંભરે.

મા ! મને ગમતું નથી આ ગામમાં
હાલ્ય, બચકું બાંધ, આયર સાંભરે.

માણસ ઉર્ફે… – નયન દેસાઈ

નીચે ધવલભાઇએ વાત કરી એમ – નયનભાઈને સાંભળવા એક લ્હાવો છે.. અને આજે એ જ લ્હાવો તમારા સુધી લઇ આવી છું..! સાંભળીએ આ એમની સીમાચિહ્નરૂપ ગઝલ – એમના પોતાના જ અવાજમાં..!

ગઝલ પઠન : નયન દેસાઈ

અને હા, યાદગાર ગઝલો શ્રેણીમાં વિવેકે આ ગઝલનો ખૂબ જ મઝાનો આસ્વાદ કરાવ્યો છે..! એ વાંચવાનું ચૂકી નથી ગયા ને? અને આશિતભાઇએ આ ગઝલનું એવું addictive સ્વરાંકન કર્યું છે કે સાંભળ્યા જ કરીએ… સાંભળ્યા જ કરીએ..!

.

માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…

ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો ઊગે ને આથમતા;
દિવસો મતલબ વેઢા, મતલબ પંખી, મતલબ ઊડી જવાની ઘટના ઉર્ફે…

પગમાંથી પગલું ફૂટે ને પગલાંમાંથી રસ્તાના કૈં રસ્તા ફૂટે;
રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર અથવા ઊગી જવાની ઘટના ઉર્ફે…

વજ્જરની છાતી ના પીગળે, આંસું જેવું પાંપણને કૈં અડકે તો પણ;
આંસુ, એમાં શૈશવ, એમાં કૂવો, એમાં કૂદી જવાની ઘટના ઉર્ફે…

ચાલો સૌ આ સંબંધોની વણજારોને બીજે રસ્તે વાળી દઈએ,
સંબંધો સમણાંનાં ઝુમ્મર, ઝુમ્મર યાને ફૂટી જવાની ઘટના ઉર્ફે…

છાતીમાં સૂરજ ઊગ્યાનો દવ સળગે ને સૂરજ તો એક પીળું ગૂમડું,
ગૂમડું પાકે, છાતી પાકે, મહેફિલમાંથી ઊઠી જવાની ઘટના ઉર્ફે…

મૂઠી ભરીને પડછાયાનાં ગામ વસેલાં ને પડછાયા હાલે ચાલે,
પડછાયા તો જાણે ચહેરા, ચહેરા જાણે ભૂલી જવાની ઘટના ઉર્ફે…

કેસર કેરી વાવી – નયન દેસાઈ

થોડા દિવસ પહેલા પેલું અનિલ જોશી અને રમેશ પારેખનું સહિયારું સર્જન – રવિન નાયકના અવાજમાં સાંભળેલું એ યાદ છે? એવું જ મઝાનું સ્વરાંકન અને મઝાની રજૂઆત સાથે આજે સાંભળીએ આ એટલું જ મઝાનું ગીત..!!! સાંભળ્યું છે કે આ વર્ષે તો દેશમાં ભરપૂર કેરીઓ આવી છે, અને એમાંથી કેટલીક તો ઊડી ને ન્યુ જર્સી-કેનેડા સુધી પહોંચે છે..! જો કે હું અને અમિત તો મેક્સિકોની કેરીમાં જ દેશની થોડી સુગંધ શોધી લેવોનો નિષ્ફળ પ્રયાસ કરી લઇ છીએ..! 🙂

સ્વર / સંગીત – રવિન નાયક

(કેસર કેરી વાવી…..     Photo from Web)

.

કેસર કેરી વાવી ગણદેવી ગામમાં રે
ટોળાં પંખીઓના આવ્યા ઇનામમાં રે…

એની મહેક ગગનમાં ઘૂમે, ચૌદ ભૂવનમાં ખેલે
એના કેસરિયા છાંયે સૂરજ ઘડીક માથું મેલે
કીડી ખરીદતી એની મીઠાશ મોંધા દામમાં રે…

કેસર કેરી વાવી ગણદેવી ગામમાં રે
ટોળાં પંખીઓના આવ્યા ઇનામમાં રે…

વાયુ વળોટ થઇ ને વાતો, તડકો બીતા બીતા જાતો
એની સૌથી પહેલી ચીરી એનો વાવણહારો ખાતો
એની સોના સરખી છાંય જરી પણ છાની નહિ,
સરીઆમમા રે… સરીઆમમા રે…

કેસર કેરી વાવી ગણદેવી ગામમાં રે
ટોળાં પંખીઓના આવ્યા ઇનામમાં રે…

– નયન દેસાઇ

માણસ નામની ધૂળ – નયન દેસાઈ

સ્વર – સંગીત : હરીશભાઇ સોની

.

આ પડછાયા, આ ભીંતો ને આ સૂરજ સૌ શંખ ફૂંકે છે
આ શ્વાસોના સમરાંગણમાં માણસ નામની ધૂળ ઊડે છે

આ દ્રશ્યો જે ચળકે છે તે વીંધે, કાપે, ઊંડે ઉતરે
કિકિયારી કરતા શબ્દોનું આંખોમાં આકાશ ખૂલે છે

બંને હાથની રેખા વચ્ચે પડછાયાને ઉભો રાખો
જોવાદો કે લાગણીઓના દર્પણ તડતડ કેમ ટૂટે છે

– નયન દેસાઈ

મુકામ પોસ્ટ માણસ – નયન દેસાઈ

જીવ્યાનું જોયાનું હસવું થઈ તૂટ્યાનું પાર્સલ કરી દો મુકામ પોસ્ટ માણસ
ભીંતો ને પડછાયા સારા સૂરજ ઊગ્યાનું લખી દો મુકામ પોસ્ટ માણસ

રસ્તાઓ નિયમિત પગોને છૂંદે છે પગલાંને ડંખે છે લાલ-પીળાં સિગ્નલ
ખોટા સરનામે એ ઘરમાંથી નીકળ્યાનું નૉટ પેડ ભરી દો મુકામ પોસ્ટ માણસ.

બારીને ઠપકો ને હીંચકાને હડદોલો ઝાંખી છબિને દિલાસાની આશા છે
મારી એકલતાઓ આવીને લઈ જાશે આટલું ખરીદો મુકામ પોસ્ટ માણસ.

ઘરનંબર અથવાને પિનકોડી અફવાને તાલુકે તરફડવું જિલ્લે જખ્મીપુરા
કાળા ખડક નીચે સૂતેલા શ્વાસોને ચૂંટી ખણી દો મુકામ પોસ્ટ માણસ.

કેન્સરથી પીડાતા શબ્દોને સારું છે કવિતાનાં ખંડેરે ક્યારેક જઈ બેસે છે
મરિયમની ભ્રમણાએ ઠેકાણું બદલ્યું ટપાલીને કહી દો મુકામ પોસ્ટ માણસ.

– નયન દેસાઈ

સુરતનો વરસાદ… – નયન દેસાઇ

જ્યારે ‘અમે અમદવાદી’ ગીત ટહુકો પર આવ્યુ’તુ. ત્યારે ધવલભાઇએ યાદ કરાવ્યુ’તુ કે કોઇ સુરતનું આવું ગીત શોધો…. મેહુલ સુરતીએ આમ તો સુરત શહેર પરના એક ગીતને સંગીત આપ્યું છે – પણ રેકોર્ડ નથી કરાવ્યું, એટલે હજુ પણ ટહુકો પર એ મેહુલો વરસે એની રાહ જ જોવી રહી.

મારા મમ્મી-પપ્પા સુરતી એટલે આમ જોવા જઇએ તો હું પણ સુરતી જ .!! પછી સુરતના વરસાદના આવા વખાણ થતા હોય તો નાચવાનું તો મન થાય જ ને.. જો કે આજનું ગીત સુરતીઓ સહિત બધાને જ નચાવે એવું છે.

સંગીત : હરીશ ઉમરાવ
સ્વર : હરીશ ઉમરાવ, સ્તુતિ શાસ્ત્રી

surat.jpg

.

પતરે ટપાક્ક ટપ છાંટા પડે, ને પછી નળિયા ખટાક્ક ખટ્ટ તૂટે
સુરતનો એવો વરસાદ…

બારીમાં કૂદે ભફાંગ કરી વાછટ, ને વીજળી વેરાય મૂઠે મૂઠે
સુરતનો એવો વરસાદ…

પહેલાં તો છાપરિયા શેરીઓ ચૂપચાપ કાળા આકાશ ભણી જુએ
સૂકાંભઠ પાંદડાંઓ ગબડે ને ભીનો પવન્ન પછી જાણે પીંજાય રૂંએ રૂંએ
વાદળાં છલાંગ મારી ઉછળે ને તીર એની સાથે સટ્ટાક સટ્ટ છૂટે
સુરતનો એવો વરસાદ…

નેવાંની સાથ વળી ઝૂલતા કોઇ હિંચકાનું આછું કિચૂડકચ્ચ એવું
સુની હવેલીના ગોખમાંથી ચોમાસું માણે છે એકલું પારેવું
રસ્તાઓ સુમસામ ખુલ્લા ફટ્ટાક જેમ શિવાજી શહેરને લૂંટે
સુરતનો એવો વરસાદ…

ભૌમિતિક ગઝલ – નયન દેસાઈ

લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે

શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું
હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે

ચાલ, સંબંધોનું કોઇ કોણ માપક શોધીએ
કે, હ્ર્દયને કેટલા અંશો સુધી છેદાય છે

આરઝૂના કાટખૂણે જિંદગી તૂટી પડે-
ને પછી એ મોતના બિંદુ સુધી લંબાય છે

બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે