Category Archives: મનોજ ખંડેરિયા

સાવ અટૂલા પડી ગયા – મનોજ ખંડેરિયા

kaafalo.jpg

તારી અસરમાં સાવ અટુલા પડી ગયા
ભરચક નગરમાં સાવ અટુલા પડી ગયા

છે કાફલો ને જાણે નથી કાફલામાં કોઇ
આખી સફરમાં સાવ અટુલા પડી ગયા

ન્હોતા અટુલા કિન્તુ અટુલા થશું તો શું ?
શું એ જ ડરમાં સાવ અટુલા પડી ગયા

આત્મીયતા દીવાલ પરથી ખરી પડી
મસમોટા ઘરમાં સાવ અટુલા પડી ગયા

કાયમી કસૂંબી ડાયરે જેના દિવસો વીત્યા
આજે કબરમાં સાવ અટૂલા પડી ગયા

જરા નીકળો – મનોજ ખંડેરિયા

179541278_8057445216_m.jpg
વીતેલા બાળપણનો હાથ ઝાલીને જરા નીકળો
નર્યા વિસ્મયની ક્ષણનો હાથ ઝાલીને જરા નીકળો

સમજવા મનને સઘળી શાસ્ત્ર સમજણ ખીંટીએ ટાંગો !
પછી કોઇ અભણનો હાથ ઝાલીને જરા નીકળો.

અટૂલા પાડી દે છે કૈ વખત પોકળ પરિચિતતા
અજાણ્યા કોક જણનો હાથ ઝાલીને જરા નીકળો

જીવનની ભીંસમાં કરમાઇ જાતાં વાર નહિ લાગે
તરોતાજા સ્મરણનો હાથ ઝાલીને જરા નીકળો

ઘડીના માત્ર છઠ્ઠાભાગમાં થાશે જીવન દર્શન
સડક વચ્ચે મરણનો હાથ ઝાલીને જરા નીકળો

પડ્યાં રહેવું ન ઘરમાં પાલવે વરસાદી મોસમમાં
ભીના વાતાવરણનો હાથ ઝાલીને જરા નીકળો

તમારું ખુદનું અંધારું ન ઘેરે તમને રસ્તામાં !
કવિતાના કિરણનો હાથ ઝાલીને જરા નીકળો.

લોહીમાં એક નામનો ઉન્માદ – મનોજ ખંડેરિયા

sunset.jpg

અસ્તના રંગે ડૂબેલી યાદ પણ શું ચીજ છે
દોસ્ત, ઢળતી સાંજનો અવસાદ પણ શું ચીજ છે.

સેંકડો બાંધેલ સાંકળ જેમ ખેંચે છે મને
જે તમે ના દઇ શક્યા એ સાદ પણ શું ચીજ છે.

તોડી નાખે છે રગેરગને ચીરી નાખે ત્વચા
લોહીમાં એક નામનો ઉન્માદ પણ શું ચીજ છે.

એકલું લાગ્યું નથી ક્યારેય પણ એકાંતમાં
આ મનોમન ચાલતો સંવાદ પણ શું ચીજ છે.

ખોતરે છે જન્મ ને જન્માંતરોની વેદના
આ અષાઢી રાતનો વરસાદ પણ શું ચીજ છે.

‘મૃત્યુ’ જેવા માત્ર ટુંકા એક શબ્દે તેં કર્યો –
જિંદગીના કાવ્યનો આસ્વાદ પણ શું ચીજ છે.

એ બની રહી આજ પર્યંત મારી સર્જકતાનું બળ
કોઇએ મૂંગી દીધેલી દાદ પણ શું ચીજ છે.

આસપાસ – મનોજ ખંડેરિયા

કૈ શૂન્યતાના થર ચડ્યા અંબરની આસપાસ
એકલતા કેવી વ્યાપી છે ઇશ્વરની આસપાસ

કૂદી પડે છે કાંટા ઉપરથી પ્રથમ, અને –
રઝળ્યા કરે પળો પછી ટાવરની આસપાસ

નીંદરની સાથ જીવ તો ઊડી ગયા પછી
સ્વપ્નોમાં શબ પડી રહ્યાં બિસ્તરની આસપાસ

એકમેકમાં દીવાલ ઘરોની મળી જશે
પહેરો સતત ભર્યા કરો ઉંબરની આસપાસ

હમણાં જ હું હતો ને અચાનક ગયો છું ક્યાં ?
રખડું છું શોધવા મને હું ઘરની આસપાસ.

એક નિસાસો – મનોજ ખંડેરિયા

એક નિસાસો એ તો જાણે
હોઠે મ્હોર્યું ફુલ હવાનું
એક નિસાસો રણ પથરાતું
જાણે સહરાનું

એક નિસાસો એ તો જાણે
કોઇ વિહગની પાંખ તૂટેલી
એક નિસાસો એ તો આંખો
આંસુ ખૂટેલી

એક નિસાસો કોઇ કવિનો
બહાર કદી ના આવેલો સ્વર
એક નિસાસો ભીડ ભર્યું પણ
લાગે ખાલી ઘર

એક નિસાસો એ તો જાણે
કૃષ્ણ વિનાનું ગોકુળ પાદર
એક નિસાસો તો ગોપીની
વણફૂટી ગાગર

એક નિસાસો ગુલાબજળની
કોરી કોરી ઝરતી ઝારી
એક નિસાસો નિશદિન તારી
બંધ રહી બારી

ગુલમ્હોર

gulmahor1

આ વેદનાઓ મારી કહો કોને જઇ કહું
ગુલમ્હોર મારી આંખ મહીં પાંગર્યા કરે.
– આશ્લેષ ત્રિવેદી

લાલઘૂમ તાપમાં મ્હોરતો, મસ્તીનો
તોર તે કયાં ગયો કોઇ કહેતું નથી
આ નગરની વચોવચ હતો એક
ગુલમ્હોર તે ક્યાં ગયો કોઇ કહેતું નથી
– મનોજ ખંડેરિયા

હું ગુલમ્હોરને જોઉં ને ગુલમ્હોર મને
કોને જોઇને કોને કોના રંગ યાદ આવે.
– રમેશ પારેખ  

લાલાશ આખા ઘરની હવામાં ભરી જઇશ
ગુલમ્હોર મારી લાગણીનો પાથરી જઇશ.
-મનોજ ખંડેરિયા

આ હાથ અને હાથમાં કાગળનું રણ સફેદ
અહીં ઝાંઝવાં, મુકામ, તૃષા ને હરણ સફેદ
કઈ વેદનાએ શોષી લીધાં એનાં યે રુધિર
કે છે તો છે વસંતમાં ગુલમ્હોર પણ સફેદ
– રમેશ પારેખ