Category Archives: ભાષાંતરિત કાવ્યો

ગ્લૉબલ કવિતા : ૧૪૩ : અતિથિગૃહ – રુમી

A Guest house

This being human is a guest house.
Every morning a new arrival.

A joy, a depression, a meanness,
some momentary awareness comes
as an unexpected visitor.

Welcome and entertain them all!
Even if they’re a crowd of sorrows,
who violently sweep your house
empty of its furniture,
still, treat each guest honorably.
He may be clearing you out
for some new delight.

The dark thought, the shame, the malice,
meet them at the door laughing,
and invite them in.

Be grateful for whoever comes,
because each has been sent
as a guide from beyond.

– Rumi
(English Translation by Coleman Barks)

અતિથિગૃહ

આ મનુષ્ય હોવું એ એક અતિથિગૃહ છે.
દરેક સવાર એક નવો અતિથિ.

એક આનંદ, એક હતાશા, એક હલકટાઈ,
કેટલીક ક્ષણિક જાગૃતિ
આવે એક અનપેક્ષિત મુલાકાતી તરીકે.

સર્વનું સ્વાગત કરો અને મનોરંજન પણ!
ભલે તેઓ દુઃખોનું એક ટોળું કેમ ન હોય,
જે જોરજબરદસ્તી તમારા ઘરમાં ઘુસી આવે,
ને રાચરચીલાં સુદ્ધાંનેય સાફ કરી નાંખે,
છતાં પણ, દરેક મહેમાનની સન્માનપૂર્વક સરભરા કરો.
એ કદાચ તમને ખાલી કરી રહ્યા હોય
કોઈક નવા આનંદ માટે.

મલિન વિચાર, શરમ, દ્વેષ,
મળો સહુને દરવાજે સસ્મિત
અને આવકારો એમને ભીતર.

જે કોઈ આવે એમના આભારી બનો,
કારણ કે દરેકને મોકલવામાં આવ્યા છે
એક માર્ગદર્શક તરીકે પેલે પારથી.

– રુમી
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)

આવકારો મીઠો આપજે રે…
अतिथि देवो भवः એ ભારતીય સંસ્કૃતિની પરંપરાનો અવિભાજ્ય હિસ્સો છે. લગભ છવ્વીસસો વર્ષ પહેલાં લખાયેલ યજુર્વેદના તૈત્તિરીય ઉપનિષદના પ્રથમ અધ્યાય શિક્ષાવલિમાં માતા, પિતા અને આચાર્ય પછી અતિથિને જીવનમાં ચોથું પૂજનીય સ્થાન અપાયું છે. (૧.૧૧.૨) જમાનો જો કે ઝડપભેર બદલાઈ રહ્યો છે અને આમંત્રણ વિના આવી ચડતા અજાણ્યા (કે જાણીતા) અતિથિઓને ઉમંગભેર આવકારવાની રસમ ગામડાંઓને બાદ કરતાં શહેરોમાં તો લગભગ મૃતપ્રાય જ થઈ ગઈ છે. પણ એ છતાં આપણા લોહીમાંથી આ મંત્રોચ્ચાર હજી સૂર્યાસ્ત પામી શક્યો નથી એ પણ હકીકત છે. ભારતીય સંસ્કૃતિના પાયાના સિદ્ધાંત સાથે તાલમેળ મેળવતી રુમીની એક રચના આજે જોઈએ.

જલાલુદ્દીન મુહમ્મદ બાલ્ખી. મૌલાના રુમી. ૩૦-૦૯-૧૨૦૭ના રોજ આજના અફઘાનિસ્તાનના બાલ્ખ (ત્યારના પર્શિયા)માં બહાઉદ્દીન વાલદ તથા મુમીના ખાતુનને ત્યાં જન્મ. રુમમાં જિંદગી વિતાવી હોવાના કારણે રુમી કહેવાયા. પેઢી દર પેઢી મુસ્લિમ ધર્મગુરુ. પિતા બહાઉદ્દીને મનુષ્યના પરમાત્મા સાથેના જોડાણમાં બતાવેલ ચોંકાવનારી કામુકતાસભર આઝાદીએ જિજ્ઞાસુઓને હચમચાવી નાંખ્યા. રુમી પર પિતાજી ઉપરાંત અત્તાર અને સનાઈનો ઊંડો પ્રભાવ. પિતાના મૃત્યુ બાદ ૨૫ વર્ષના રુમીએ દરવેશ સમાજમાં શેખ/મૌલવીનું સ્થાન લીધું. ૧૨૨૫માં ગૌહર ખાતુન સાથે નિકાહ. પત્નીના મૃત્યુ બાદ બીજા લગ્ન પણ કર્યા. બંને પત્નીઓથી બબ્બે સંતાન થયાં. રુમી વિશે ઘણી વાયકાઓ પ્રવર્તે છે. અઢાર વર્ષના છોકરાને બાપની પાછળ ચાલતો જોઈને એ જમાનાના રાજકવિ ફરીદુદ્દીન અત્તારે કહ્યું હતું: ‘આ જુઓ, સાગરની પાછળ મહાસાગર આવી રહ્યો છે.’ ભૌતિકતાવાદી જગતમાં ફસાઈ પડેલા આત્માને લગતું પોતાનું પુસ્તક ‘ઈલાહીનામા’ અત્તારે બાળક જલાલુદ્દીનને આપ્યું, જેણે એની જિંદગી બદલી નાંખી. તબ્રીઝના શમ્સ પોતાની બરનો કોઈ સાથી મેળવવા પ્રાર્થના કરતા હતા. એક અવાજે એમને પૂછ્યું કે બદલામાં શું આપશો? શમ્સે કહ્યું, મારું મસ્તક. ગેબી અવાજે એમને કોન્યામાં રુમીને મળવાનો આદેશ આપ્યો. ૧૫ નવેમ્બર ૧૨૪૪ના રોજ બેની મુલાકાત થઈ અને રુમીનું જીવન બદલાઈ ગયું. રુમી અને શમ્સ સાચા અર્થમાં જિસ્મ-જાન બનીને રહ્યા. એમની વચ્ચેનો સંબંધ હંમેશા રહસ્યમય રહ્યો. કલાકોના કલાકો નહીં, દિવસોના દિવસો તેઓ એકમેક સાથે અનવરત વાર્તાલાપમાં લીન રહેતા. રુમી સાથેના સંબંધથી રુઢિચુસ્ત સમાજમાં જન્મેલી સમસ્યાઓનો અંત આણવા શમ્સ ભાગી છૂટ્યા. રુમીએ કવિતા કરવી શરૂ કરી પણ શમ્સની શોધખોળ ચાલુ રાખી. શમ્સ ફરી મળ્યા અને ફરી બંનેનો સંબંધ ચર્ચાની એરણ પર ચડ્યો. કહે છે કે રુમીના દીકરાની મદદથી એમની હત્યા કરવામાં આવી. આમ, શમ્સે સાચે જ દોસ્તીના નામ પર પોતાનું મસ્તક ભેટ ધર્યું. રુમીની કવિતાઓમાં સતત શમ્સ માટેની તરસ જોવા મળે છે. એકદા શમ્સને શોધતા ફરતા રુમીને જ્ઞાન લાધ્યું: ‘હું શા માટે શોધું છું? હું અને એ એક જ છીએ. એનું જ અસ્તિત્વ મારામાં થઈને બોલે છે. હું મારી જ જાતને શોધી રહ્યો છું.’ રુમીએ શમ્સને યાદ કરીને ચાળીસ હજારથીય વધુ કાવ્ય ધરાવતું ‘દીવાન-એ-શમ્સ-એ-તબ્રીઝી’ લખ્યું. શમ્સના ગયા પછી એમનું સ્થાન પહેલાં સલાહુદ્દીન ઝારકુબ અને એના પછી હુસામ ચેલેબીએ લીધું. જીવનના આખરી બાર વર્ષોમાં એમણે ચેલેબી માટે છ ભાગમાં ‘મસ્નવી’ નામે ૬૪૦૦૦ પંક્તિઓનું મહાકાવ્ય રચ્યું, જે આજેય માસ્ટરપીસ ગણાય છે. સૂફીસંતો એને પર્શિયન ભાષાનું કુરાન ગણાવે છે. ૧૭-૧૨-૧૨૭૩ના રોજ કોન્યા ખાતે રુમી જન્નતનશીન થયા. એમની કબર પર લખ્યું છે કે, ‘જ્યારે અમે મૃત્યુ પામીએ, અમને ધરતી પર કબરોમાં નહીં પણ મનુષ્યોના હૃદયમાં શોધજો.’

રુમી સાચા અર્થમાં કવિતા જીવ્યા, કવિ હોવાના અહેસાસના બોજ વિના. સહજતાથી. સરળતાથી. જેમ આપણે હવા શ્વસીએ એમ. એ જે બોલતા, કવિતા થઈ જતી. એ કહેતા: ‘તમારા શબ્દો મોટા કરો, અવાજ નહીં. વરસાદ છે જે ફૂલો ઊગાડે છે, તોફાન નહીં.’ પ્રિયતમ, પ્રિયતમા, પ્રણય, શરાબ, ગુલ-બુલબુલને કેન્દ્રમાં રાખીને લખાયેલી આ કવિતાઓ ખરેખર તો ઈશ્વરીય પ્રેમની ઉત્કટતાની ચરમસીમા છે. આત્માનો પરમાત્મા માટેનો સીધો તલસાટ છે. અહીં આત્માની શોધ દેહની તરસરૂપે વ્યક્ત થાય છે. કવિતા કરતાં-કરતાં તેઓ ગોળ ગોળ ફરીને નર્તન પણ કરતા. એમની કવિતાઓમાં સૂક્ષ્મ સળંગસૂત્રિતા છે. ઈશ્વર સિવાય કશું સત્ય નથી, બધું ઈશ્વર જ છેનો સૂર તમને એમની રૂબાઇઓ અને ગઝલોમાં સુપેરે વ્યક્ત થતો સંભળાશે. એ કહેતા: ‘મૌન ઈશ્વરની ભાષા છે, બાકી તમામ નબળો અનુવાદ.’ વિશ્વના સર્વોત્તમ આધ્યાત્મિક કવિ રુમી વિશ્વભરમાં કદાચ સહુથી વધુ વંચાય છે. આ મસ્તમૌલા સૂફી સંતકવિની બરોબરી કરે એવા કવિ જડવા મુશ્કેલ છે. રુમીની કવિતાઓમાં સેક્સનો જરાય છોછ નથી. શિશ્ન, યોનિ, વીર્ય, સંભોગક્રિયાના બેબાક વર્ણનો છડેચોક જોવા મળે છે. રુમી કહે છે કે, ‘જે આવેગ આવે છે એને જીવી લેવો, નહીં કે ક્યાંક અટકી પડવું, સડી જવું. દરેક ખેંચાણ આપણને સાગર તરફ લઈ જાય છે. જ્યારે તમે કોઈ વસ્તુ આત્માથી કરો છો, નદી જાતે તમારી ભીતર થઈને વહે છે.’ હસ્તમૈથુન વગેરે વિશે રુમી કહે છે: ‘કરવા દો. જે યુવાન આ બધી ક્રિયાઓમાંથી પસાર થતો નથી એ પીંછા ઊગ્યા વિનાનું પંખી છે, માળામાંથી નીકળ્યું નથી કે શિકાર થયું નથી. સમાગમની ચરમસીમા એ સમર્પણની પરાકાષ્ઠા છે, સમાધિની ક્ષણ છે.’ રુમી આ ઊર્જાને જ ઉર્ધ્વગતિ આપવાના મતના છે. દેહથી એહ તરફની ગતિ સાફ અનુભવાય છે. ઓશોના ‘સંભોગથી સમાધિ’ મંત્રમાં રુમીના પડઘા સંભળાયા વિના રહેતા નથી.

‘અતિથિગૃહ’ રુમીની કવિતાના અંગ્રેજી અનુવાદ પરથી કરાયેલો અનુવાદ છે. મૂળ રચના મેળવવી કે એ ભાષામાં પગપેસારો કરવો શક્ય ન હોવાથી મૂળ રચનાનાં કાવ્યસ્વરૂપ, પ્રાસવિધાન, છંદયોજના, પંક્તિ-સંખ્યા વગેરે તમામ કવિકર્મના પાસાં આપણાંથી અજાણ્યાં રહે છે, પરિણામે કાવ્યદેહ વિશે ટિપ્પણી કરવી સંભવ રહેતું નથી. અનુવાદના અનુવાદમાં મૂળ રચનામાંથી ઘણુંક ગુમાવાઈ જવાની અને ઘણુંક નવું ઉમેરાઈ જવાની શક્યતા ઘણી વધી જાય છે. જો કે કોલેમન બાર્ક્સના રુમીના ખાસ્સા આધારભૂત ગણાયા છે એટલે આપણે એની આંગળી પકડીને આગળ વધીએ. આ રચનાનું પૃથક્કરણ લેટિનની એક જ પંક્તિમાં પણ કરી શકાય: res ipsa loquitur (It speaks for itself) (એ સ્વયંસ્પષ્ટ છે.)

રુમીની આ કવિતા જીવનને વિધાયકરીતે-પૉઝિટિવિટીથી જોતાં શીખવે છે એટલું જ નહીં, સમ્યક દૃષ્ટિની હિમાકત પણ કરે છે. એ કહે છે કે આપણું મનુષ્ય હોવું એ પોતે એક અતિથિગૃહ જ છે. અતિથિગૃહ, જ્યાં કોઈપણ ગમે ત્યારે આવી શકે. કોઈને નકારી પણ ન શકાય. બીજી પંક્તિનું, દરેક સવાર પોતે એક નવો મહેમાન છે અને દરેક સવાર એક નવા મહેમાનને લઈને આવે છે -એમ બેય રીતે અર્થઘટન કરી શકાય. બંને અર્થનો પોતાનો મહિમા છે, અને બંને અર્થ સ્વયંસંપૂર્ણ છે. જિંદગી તમારા દરવાજે ટકોરા મારીને નથી આવતી, એ તો બસ તમારા ઘરમાં પ્રવેશી જાય છે. પણ જિંદગીનો સાંતાક્લૉઝ નાતાલવાળા કરતાં અલગ છે. પેલાની ઝોળીમાં નવા વર્ષના આગમનની ખુશાલીમાં ચોકલેટ્સ, ભેટો અને આનંદ જ છે પણ જિંદગીની ઝોળીમાં તો બધું જ છે. રુમી કહે છે, ‘જે તમે શોધો છો, એ તમને શોધે છે.’ જીવન બધું જ લઈને આવે છે. આનંદ, દુઃખ, હલકટાઈ, ક્ષણિક જાગૃતિ-બધું જ. જાગૃતિ માટે ક્ષણિક શબ્દ કેમ પ્રયોજ્યો હશે? રુમી આપણી મનુષ્યગત નબળાઈઓથી વાકેફ છે. એ જાણે છે કે જાગૃતિ કાયમી રહી જાય તો માણસ બુદ્ધ બની જાય અને બુદ્ધ તો હજારો વરસે એક જ થાય. બાકીના માટે તો બુદ્ધત્વ તરફની ગતિમાં મતિ રહે તોય ઘણું. જીવનમાં મોટાભાગનું અનપેક્ષિત મુલાકાતી બનીને આવતું હોય છે. રુમી બધાને આવકારવાનું તો કહે જ છે, આગતાસ્વાગતામાં કાંઈ મના ન રહી જાય એ માટે ટકોર પણ કરે છે. અર્થાત્ જે મળે એને સાચા દિલથી સ્વીકારવાની આ વાત છે.

આ નથી ને તે નથીની વાત પર દુર્લક્ષ દઈ
મેં બધામાં જે મળ્યું તે બેય હાથે લઈ લીધું.

જીવનમાં ક્યારેક દુઃખોનું ત્સુનામી પણ આવતું હોય છે જે તમને અંદર-બહાર બધેથી તદ્દન સાફ કરી નાંખે. જીવનભર જે કાંઈ ઊભું કર્યું હોય એ બધું અચાનક પાયમાલીની ચપેટમાં આવી જાય. અસ્તિત્વ આખેઆખું શૂન્ય બની રહે એવું પણ બને. જીવનનો એકડો ફરી શરૂથી ઘૂંટવાનો આવે એવુંય થાય. રુમી તમામનું સ્વાગત કરવા કહે છે. હિંસકમાં હિંસક દુઃખોની પણ સરભરા કરવા કહે છે, અને એ પણ સન્માનપૂર્વક. જે કોઈપણ જીવનના આંગણે આકસ્મિક આવી ચડ્યું છે, એને સહેજ પણ માનભંગ ન થાય એ પ્રકારે આવકારવાનું છે. દરેકને યથાયોગ્ય આદર દઈને સ્વીકારવાના છે. અલગ-અલગ જગ્યાઓ પર અનેકવાર રુમીએ આ જ વાતને દોહરાવી છે: ‘યાતના એક ભેટ છે. એની ભીતર દયા છુપાયેલી છે.’ ‘વિનાશ છે, ત્યાં જ ખજાનાની આશા છે.’ ‘દુઃખ ન કરો. જે કંઈ તમે ગુમાવો છો એ બીજા સ્વરૂપે પરત આવે જ છે.’ ‘આ જિંદગીમાં ઘણા વિધ્વંસ હકીકતમાં નવીનીકરણ છે.’ ‘ઘા જ એ જગ્યા છે જ્યાંથી પ્રકાશ તમારામાં પ્રવેશે છે.’ રુમીની એક સુંદર કવિતા તો આખી જ આ વિષય પર છે. એના અંશ જોઈએ:

આતમનો મારગ પ્રથમ તો
દેહનો ભાંગીને ભૂકો કરે છે
અને પછી તેને નવી તાજગીથી બેઠો કરે છે.
જેના પાયામાં ખજાનો દટાયો છે
તે મકાનને પહેલાં તો જમીનદોસ્ત કરવામાં આવે છે
અને પછી
એ ખજાનાથી એનું નવનિર્માણ કરવામાં આવે છે !
… …
સંકટોનો પ્રહાર તમારી નબળાઈ પર છે,
નહીં કે તમારા પર.
ગાલીચાને કોઈ સખ્તાઈથી ઝાપટે છે ત્યારે
એ પ્રહારો ગાલીચાને દંડવા માટે નથી હોતા,
એ તો હોય છે તેમાં ભરાયેલી ધૂળની સામે. (અનુ. વસંત પરીખ)

વાત સાચી છે. સંપૂર્ણ ખાલી થવું એ જ નવેસરથી ભરાવા માટેની પૂર્વશરત છે. કાગળ કોરો હોય તો જ નવો અક્ષર પાડી શકાય. આપણી મરજી વિના આપણા જીવનમાં આવી ચડતાં દુઃખો કદાચ આપણી અંદર વરસોથી જમા થયે રાખેલ કચરાને સાફ કરવા માટે જ આવ્યાં હોય. ભલે એ આપણને સાફ કેમ ન કરી નાંખે, આપણે એ તમામની આદરસહિત સરભરા કરવાની છે. કેમ કે કદાચ એ તમામ દુઃખો આપણને નવા આનંદથી ભરી દેવા માટે જ ખાલી કરી રહ્યાં હોય એમ પણ બને. રુમીની કવિતાનો આધાર આ આશા જ છે. એને અંધારામાં પણ અજવાળું નજરે ચડે છે. સાથે જ સુન્દરમ્ નું ‘ઘણ ઉઠાવ’ કાવ્ય પણ યાદ આવે:

ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા !
ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા !
તોડીફોડી પુરાણું,
તાવી તાવી તૂટેલું.
ટીપી ટીપી બધું તે અવલનવલ ત્યાં અર્પવા ઘાટ એને
ઝીંકી રહે ઘા, ભુજા ઓ, લઇ ઘણ, જગને ઘા થકી ઘાટ દેને.

રુમી નિતાંત પ્રેમકવિ છે. એ ગાય છે: ‘પ્રેમી અને પ્રેમ અમર છે. પ્રેમ સિવાય બીજી કોઈ વસ્તુને પ્રેમ ન કર કેમ કે બીજી વસ્તુઓનું અસ્તિત્વ અસ્થાયી છે.’ એ તમામ વસ્તુઓમાં પ્રેમ શોધે છે અને પછી પ્રેમને જ પ્રેમ કરે છે, કેમ કે એ જ ચિરસ્થાયી છે. મલિન વિચાર, શરમ, દ્વેષ – જે કંઈ જિંદગી આપણા આંગણે લઈ આવે એ તમામને આપણે ખુલ્લા હાથે અને મોકળા મને સસ્મિત આવકારવાનાં છે અને એ પણ દરવાજે જઈને ને વળી આભારી થઈને. તકલીફો વણનોતરી આવી ચડી છે, પણ આપણે એને અવગણવાની નથી. આપણે સામે ચાલીને ઘરનો દરવાજો ખોલવાનો છે, હસીને ભીતર આવકારો દેવાનો છે, આદરપૂર્વક સ્વાગત કરવાનું છે અને આપણે ત્યાં એના આવી ચડવા બાબત એનો આભાર પણ માનવાનો છે. રુમી અતિથિનું કામ કેટલું કપરું બનાવી રહ્યા છે તે તો જુઓ! કવિતાની ભાષા તો કેવી સરળ અને સહજ લાગતી હતી! પણ એક પછી એક શરતના આમળા રુમી યજમાન માટે ચડાવ્યે જ રાખે છે. દુઃખ આવે તોય આપણે એનું મનોરંજન કરવાનું છે. એ આપણને બરબાદ કરી નાંખે તોય આપણે એના આભારી થવાનું છે. ભીતર આખું રસાતાળ જાય તોય એને માનપૂર્વક હસીને આભારી થઈને જ ભીતર લઈ આવવાનું છે. કોઈ માટે દરવાજો કોઈપણ સંજોગોમાં બંધ કરવાનો નથી. દરવાજા સુધી જવામાં આપણે આપણી ગરજ પણ દેખાડવાની છે અને હસતા વદને આવકારવામાં આપણી ભીતરી તૈયારી પણ. માન જાળવવામાં આપણી નમ્રતા પણ વ્યક્ત કરવાની છે અને આભારી બનીને આપણી કૃતજ્ઞતા પણ. આ કામ જરાય સહેલું નથી. સુખ-આનંદને આવકારવાનું જેટલું સરળ છે એટલું જ સુખ અને આનંદ સાથે દુઃખોને આવકારવાનું દોહ્યલું છે. પણ જીવન જો અતિથિગૃહ છે, તો એ તમામ માટે એકસમાન જ ખુલ્લું હોવું ઘટે. અતિથિગૃહના માલિક પાસે સંપૂર્ણ તટસ્થતા જ અપેક્ષિત હોય છે. અતિથિગૃહમાં આવનાર કોઈપણ હોય, એ કંઈકને કંઈક આપીને જ જવાનો છે. માટે, આતિથ્યભાવના અતિથિ જોઈને બદલવાની નથી. કસોટીનું કામ છે, પણ કરવાનું છે. અગ્નિપરીક્ષા છે, પણ આપવાની છે, કેમકે આગમાં તપશે તો જ કથીરમાંથી કુંદન બહાર આવશે. રુમી કહે છે: ‘હીરાના તેજને નિખારવા માટે તેને ખૂબ ઘસવો પડે છે. એમ આત્માની શુદ્ધિ માટે કષ્ટોમાંથી ગુજરવું પડે છે.’

દુઃખ-દર્દ, યાતના-મુસીબત, હર્ષ-દ્વેષ, મહાનતા-હલકટાઈ, આશા-હતાશા, જાગૃતિ-શરમ: તમામને આપણે આપણી ગરજે અને આપણી તૈયારીએ આપણી ભીતર આવવા આગળ વધીને સસ્મિત સાદર સાભાર નિમંત્રણ આપવાનું છે. કેમ કે આ બધું જ નિતનવા અનુભવના સ્વરૂપે ‘એ’ના તરફથી તમને મોકલવામાં આવેલા માર્ગદર્શક-ભોમિયા છે, જે આપણા માટે જીવનપાથેય લઈને આવ્યા છે. આ દરેક અતિથિ આપણું માર્ગદર્શન કરવા માટે આવ્યા છે. એમનો યોગ્ય આદરસત્કાર ન કરવાનો મતલબ છે, માર્ગચ્યુત થવું, દિશા ચૂકી જવી. આ તમામને ઈશ્વરે જ મોકલ્યા છે. આ તમામ આપણા પથપ્રદર્શક છે. એક કવિતામાં રુમી ગાય છે: ‘તમે જે અનુભવી રહ્યા છો એ દુઃખો હકીકતમાં સંદેશવાહકો છે. એમને સાંભળો.’ આંગણે આવનાર તમામ મુલાકાતીઓને સમ્યકભાવે જોવાની આ વાત પર કવિ દુલા ભાયા ‘કાગ’નું ગીત યાદ આવ્યા વિના નહીં રહે:

તારા આંગણિયાં પૂછીને કોઈ આવે રે,
આવકારો મીઠો આપજે રે.
માનવીની પાસે કોઈ માનવી ન આવે રે,
એજી તારા દિવસની પાસે રે દુઃખિયાં આવે રે
‘કેમ તમે આવ્યા છો ?’ એમ નવ કહેજે રે,
એને માથું રે હલાવી હોંકારો તું દેજે રે.
આવકારો મીઠો આપજે રે.

ગ્લૉબલ કવિતા: ૧૪૨ : કદાચ – ગુલઝાર

शायद

कोई अटका हुआ है पल शायद
वक़्त में पड़ गया है बल शायद

लब पे आई मिरी ग़ज़ल शायद
वो अकेले हैं आज-कल शायद

दिल अगर है तो दर्द भी होगा
इस का कोई नहीं है हल शायद

जानते हैं सवाब-ए-रहम-ओ-करम
उन से होता नहीं अमल शायद

आ रही है जो चाप क़दमों की
खिल रहे हैं कहीं कँवल शायद

राख को भी कुरेद कर देखो
अब भी जलता हो कोई पल शायद

चाँद डूबे तो चाँद ही निकले
आप के पास होगा हल शायद

– गुलज़ार

કદાચ

કોઈ અટકી રહેલી પળ છે કદાચ,
કે સમયમાં પડેલ વળ છે કદાચ.

એકલા આજકાલ છે એ કદાચ
હોઠે મારી જ કો’ ગઝલ છે કદાચ.

દિલ યદિ છે તો દર્દ હોવાનું જ,
ને વળી એનો હલ અકળ છે કદાચ.

જાણે છે, શું છે ફળ ભલાઈનું,
ફક્ત કપરો બન્યો અમલ છે કદાચ.

આવે છે આ તરફ એ પગરવ ને,
ક્યાંક ખીલી રહ્યાં કમળ છે કદાચ.

જોઈ લ્યો, રાખને ઉસેટીને,
ભીતરે કો’ક બળતી પળ છે કદાચ.

ચાંદ ડૂબે તો ફક્ત ચાંદ ઊગે,
આપની પાસે એવી કળ છે કદાચ.

– ગુલઝાર
(અનુ. વિવેક મનહર ટેલર)

અનિશ્ચિતતાની ચાદર તળે સંતાયેલી નિશ્ચિતતાની ગઝલ

ગઝલ આજે કદાચ સૌથી વધુ લોકપ્રિય કાવ્યપ્રકાર છે. ફરસાણની દુકાને એક જ ઘાણમાં જેમ સેંકડો ગાંઠિયા ઉતરે, એમ પ્રધાન ભારતીય ભાષાઓમાં ગઝલોના ઘાણ ઊતરી રહ્યા છે ને કવિતાનો ઘાણ નીકળી રહ્યો છે. દેખાવે સાવ સરળ લાગતો હોવા છતાં હકીકતમાં આ કાવ્યપ્રકાર કદાચ સહુથી કપરો છે, કેમ કે બે પંક્તિની સાવ નાનકડી જગ્યામાં કવિએ દોરડા પર ચાલતા નટની કુશળતાથી સમતુલન ગુમાવ્યા વિના વસવાનું હોય છે. કૃષ્ણના નાનકડા મુખમાં આખું બ્રહ્માંડ દેખાય એમ દરેક શેરના બે મિસરામાં સ્વતંત્ર કવિતા અવતારવાનું ભગીરથકાર્ય જૂજ કવિઓ જૂજ વાર જ હાંસિલ કરી શકે છે. ગુલઝારની પ્રસ્તુત ગઝલ આ કાર્ય સુપેરે કરી શકી છે.

ગુલઝાર. મૂળ નામ સમ્પૂરન સિંહ કાલરા. ઑસ્કાર એવૉર્ડથી સન્માનિત એકમાત્ર ભારતીય ગીતકાર. ગ્રેમી એવોર્ડ, પદ્મભૂષણ, સાહિત્ય અકાદમી પુરસ્કાર, ભારતીય સિનેમાના સર્વોચ્ચ પુરસ્કાર દાદાસાહેબ ફાળકે એવોર્ડ, અને સાત-સાત વખત નેશનલ એવોર્ડ! આજના દૌરના ઉત્તમોત્તમ કવિ. સફળતમ ફિલ્મી ગીતકાર. સેંકડો ઉત્તમ ફિલ્મો-ધારાવાહિકોના સંવાદલેખક-પટકથાલેખક-વાર્તાકાર-દિગ્દર્શક-પ્રોડ્યુસર ગુલઝારના નામથી ભાગ્યેજ કોઈ કાવ્યરસિક અને સિનેરસિક અણજાણ હોઈ શકે. નસીરુદ્દીન શાહ અભિનીત ‘મિર્ઝા ગાલિબ’ ટીવી સિરિયલ એમની કારકિર્દીનું શિરમોર છોગું છે. ૧૮-૦૮-૧૯૩૪ના રોજ બ્રિટિશ ભારત (આજના પાકિસ્તાન)ના ઝેલમ જિલ્લાના દીના ગામમાં માખનસિંહ કાલરા તથા સુજન કૌરના શીખ પરિવારમાં જન્મ. નાની વયે જ માતાને ગુમાવી. પિતાએ ત્રણ લગ્ન કર્યા. વચલી પત્નીથી એક સંતાન, તે ગુલઝાર. પહેલી પત્નીથી ત્રણ અને ત્રીજી પત્નીથી થયેલ ચાર સંતાનોની સાથે તેઓ મોટા થયા. સાત વર્ષની વયે પિતા સાથે દિલ્હી આવ્યા. દિલ્હીમાં એક દુકાનદાર અઠવાડિયાના ચાર આના લઈને ઇચ્છો એટલા પુસ્તક વાંચવા આપતો. ગુલઝાર ભૂખ્યાડાંસની જેમ તૂટી પડ્યા. દુકાનદારે એકવાર કોઈ નહોતું લઈ જતું એ પુસ્તક આપ્યું. રવીન્દ્રનાથના ‘ગાર્ડનર’નો એ ઉર્દૂ અનુવાદ હતો. આજીવન પ્રિય બની રહેનાર એ પુસ્તક એમણે પચાવી પાડ્યું. એમના શબ્દોમાં એ એમની પહેલી ચોરી. આ પુસ્તકે એમને લેખક બનવાની પ્રેરણા આપી. દસ વર્ષની વયે કવિતા લખવી શરૂ કરી. શરૂમાં તો એમના પિતાએ આ (કુ)કર્મ માટે એમનો ઉધડો પણ લીધો હતો. ભાગલા સમયે બાકીનો પરિવાર પણ દિલ્હી આવ્યો. ૧૯૫૦માં પિતાએ ગુલઝારને બીજીવાર પરિવારથી અલગ કરી મુંબઈ મોટાભાઈને ત્યાં મોકલી આપ્યા. ભાઈને ત્યાં ગાડીના રંગોની દુકાનમાં થોડો સમય કામ કર્યા બાદ ગુલઝારે ઘણી ક્ષુલ્લક નોકરીઓ કરી. આખરે રંગોની બાબતમાં નૈસર્ગિક હથોટી હોવાના કારણે વરલીમાં એક ગેરેજમાં ગાડી રંગવાના કામે લાગ્યા. ગેરેજ સિવાયના સમયે કોલેજ અને પ્રોગ્રેસિવ રાઇટર્સ એસૉશિયેશનમાં જતા. બિમલ રૉયે કાદવમાંના કમળને પારખી લીધું. ગુલઝાર એમના સહાયક બન્યા. ૧૯૬૩માં બંદિની ફિલ્મ માટે પ્રથમ ગીત, ‘મોરા ગોરા અંગ લઈ લે’ લખ્યું. આપણને ગુલઝાર દિનવી મળ્યા, જેમાંથી દિનવી તખલ્લુસ કાળક્રમે ખરી ગયું. બિમલ રૉય અને ઋષિકેશ મુખર્જીને તેઓ ગુરુ ગણે છે. લૉન ટેનિસના શોખીન. મુશાયરાઓમાં કદી ભાગ લેતા નથી. ૧૯૭૩માં રાખી સાથે લગ્ન. એક સંતાન, નામે મેઘના, જેના જન્મ પછી બંને અલગ થયા પણ એકમેક સાથે રોજિંદા સંપર્કમાં રહે છે. ગુલઝારના શબ્દોમાં આ ‘Living together, separately’ છે, જેની વિગતો તેઓ દુનિયા સાથે વહેંચવા માંગતા નથી. ટ્રેજેડીક્વીન મીનાકુમારી મીનાકુમારી પોતાની કવિતાઓ અને ડાયરીઓ ગુલઝારના હવાલે કરી ગયાં હતાં. મીનાકુમારીની નાદુરસ્ત તબિયત અને દવાઓની અનિવાર્યતા પારખીને ગુલઝારે એમના વતી રમઝાન માસમાં રોજા રાખવા આદર્યા. મીનાકુમારીને ગયાના વરસો બાદ આજે પણ ગુલઝાર પોતાની ઉમર અને તબિયતને ધ્યાનમાં રાખીને દર વરસે દસથી પંદર રોજા તો રાખે જ છે. વર્ષોથી માત્ર સફેદ વસ્ત્રો જ પહેરે છે. શર્મિલા ટાગોરને એમણે કહ્યું હતું કે એમની પાસે કાળો કોટ નહોતો એટલે તેઓ ઓસ્કાર એવૉર્ડ લેવા ગયા નહોતા. પંચ્યાસી વર્ષની જૈફ વયે પણ તેઓ સતત સક્રિય છે અને મુંબઈમાં જ ‘બોસ્કીયાના’માં રહે છે.

ફિલ્મોમાં ગમે એટલી નામના કેમ ન મળી હોય, ગુલઝારનું શ્રેષ્ઠ પદાર્પણ એટલે એમની કવિતાઓ. સાચા ગુલઝારને મળવું હોય તો એમની કવિતાઓની ગલીઓમાં જ જવું પડે. સરળ ભાસતી ભાષા એમને હસ્તગત સાવ જ અનૂઠા રૂપકોના કારણે અભૂતપૂર્વ પોત ધારતી જોવા મળે છે. સસ્તાં ગણાતાં ફિલ્મી ગીતો પણ એમના પારસસ્પર્શે સુવર્ણ બની જાય છે. એ ફિલ્મી ગીત લખે છે તો એમાંય કવિતાનો સ્પર્શ અછતો રહેતો નથી. જો કે ગીત-ગઝલ કરતાંય એમનું પ્રધાન કર્તૃત્વ નઝમમાં જોવા મળે છે. પ્રાસ-સ્વરૂપની અન્ય પળોજણ ત્યગીને માત્ર છંદના આવર્તનોનો હાથ ઝાલી ‘બ્લૅન્ક વર્સ’માં ગુલઝાર ઊંડું કાવ્યતત્ત્વ ધરાવતી નઝમો આપે છે. ગઝલના શેરથી ઉપર ઊઠીને એમણે આપણે ત્યાં ત્રિપદી તરીકે આવકાર પામેલ ત્રણ પંક્તિના ‘ત્રિવેણી’ નામક કાવ્યપ્રકારનો આવિષ્કાર કર્યો. હિંદી, ઉર્દૂ અને પંજાબી ઉપરાંત તેઓ વ્રજ ભાષા, ખડી બોલી, મારવાડી અને હરિયાણવીમાં પણ રચના કરે છે.

ટૂંકી બહેર, ચુસ્ત કાફિયા અને સંભાવનાના સિક્કાની બીજી બાજુ કોરી છોડી દેતી ‘કદાચ’ જેવી બહુઆયામી રદીફ વાપરીને ગઝલ સિદ્ધ કરવી સહેલું કામ નથી. ટૂંકી બહેરમાં કામ કરવું એટલે આમેય સાંકડી ગલીમાં નોળિયો નાચવા જેવી વાત. પણ ગુલઝાર સિદ્ધહસ્ત સર્જક છે. એ અદભુત ગઝલ આપે છે. સાત શેરની ગઝલમાં સાતેય ભાવ-વિશ્વ બિલકુલ સ્વ-તંત્ર હોવા છતાંય ‘કદાચ’ના તાંતણે કવિએ સાતેયને એ રીતે બાંધ્યા છે કે આખી ગઝલમાં સૂક્ષ્મ એકસૂત્રિતા પ્રવર્તમાન હોવાનું અનુભવાયા વગર રહેતું નથી. અનિશ્ચિતતાની ચાદર તળે સંતાયેલી નિશ્ચિતતાની આ ગઝલ છે. ‘કદાચ’, ‘કદાચ’ કહીને પણ કવિ નિશાન તો ધાર્યું જ તાકે છે. ફક્ત એટલું જ થાય છે, કે નિશ્ચિતતાના સ્થિર જળમાં ‘કદાચ’નો આ પથ્થર લાંબા અંતર અને લાંબા સમય સુધી નાનાવિધ અર્થચ્છાયાઓના વમળ જન્માવે છે…

એક પછી એક શેર હાથમાં લઈએ…

કોઈ અટકી રહેલી પળ છે કદાચ,
કે સમયમાં પડેલ વળ છે કદાચ.

समय तू धीरे धीरे चल એમ આપણે ગાઈએ છીએ પણ આપણે જાણીએ પણ છીએ કે સમય નથી કદી રોકાયો, નથી રોકાવાનો. સમયનું વહેણ નદી જેવું છે. એક જ પાણીમાં તમે કદી બે વાર ન્હાઈ શકતા નથી. જે પળ હાથમાંથી સરી ગઈ એ ગઈ. એટલે જ તો Carpe Diem – Live in this moment એવું કહેવાયું છે. પણ તોય સમય થંભી જાય એવી મનોકામના આપણે કેટલીવાર કરતાં હોઈએ છીએ! સમયથી વધુ સાપેક્ષ પરિબળ બીજું કયું હશે?!

તું આવે તો યુગોની રાહ પળથી પાતળી લાગે,
પ્રણયમાં કાળની આવી ગતિ સમજાય તો સમજાય.

કાળની ગતિ અકળ છે. એ કોઈ માટે અટકતો નથી પણ આવનાર સમય મરજી મુજબનો આવે અને વીતેલી પળોમાં પુનઃપ્રવેશ કરી શકાય એવી મંશા તો કાયમ રહે જ છે. વીતી ગયેલા સમયની વાત થાય તો મીર ‘હસન’ની ચેતવણી યાદ આવ્યા વિના નહીં રહે:

सदा ऐशे दोरां दिखाता नहीं,
गया वक़्त फ़िर हाथ आता नहीं

‘રાહી’ કુરેશી પણ યાદ આવે:

मैं गया वक़्त हूं जमाने में
मुझ को आवाज़ दे न अब कोई

અને આ બે શેર વાંચીએ એટલે કયા પૂર્વસૂરિના પ્રભાવમાં આ બંને શેર લખાયા હશે એ તરત ધ્યાનમાં આવ્યા વિના નહીં રહે. મિર્ઝા ગાલિબના શેરોએ “આગામી કોઈ પેઢીને દેતા હશે જીવન, બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના” (મરીઝ)ના ન્યાયે આજપર્યંતના તમામ શાયરોને ઓછેવત્તે અંશે પ્રભાવિત કર્યા જ છે. મિર્ઝા કહે છે:

मेहरबाँ हो के बुला लो मुझे जिस वक़्त चाहो,
मैं गया वक़्त नहीं हूं कि फिर आ भी न सकूं

પણ ગુલઝાર વીતેલી પળની વાત નથી કરતા. એ તો કોઈક અટકી ગયેલી પળની વાત કરે છે. એવો સમય જે વીતી ગયા પછી પણ વીતતો જ નથી. એવો સમય જેને વૉચના કાંટા તો તાણી લઈ ગયા છે પણ જે સોચના કાંટામાં ભરાઈ પડ્યો છે. જીવનમાં કોઈક પળે કોઈક તકલીફ આવી પડે તો માણસનું મન ત્યાં જ અટકી જાય છે. જિંદગી ભલે આગળ વહેતી રહે, માણસ એ ક્ષણમાં જ પીગળી ન શકે એવો બરફ બનીને થીજી જાય છે. રેશમની દોરી પર હાથ લસરતો જતો હોય અને વચ્ચે અકસ્માત એક ગાંઠ આવી ચડે તો હાથ કેવો અટકી જાય! કવિ સમયની દોરમાં આવી ગાંઠ-આવો વળ પડી ગયેલ કલ્પે છે. સડસડાટ વહી જતા સમયમાં વળ-આમળો પડી જવાનું કલ્પન શેરના અનનુભૂત સૌંદર્યને ઉજાગર કરે છે. સડેડાટ વહેતા સંબંધમાં પણ એકવાર વળ પડી જાય તો ઇસ્ત્રી કરી શકાતી નથી. ગુલઝાર એક નઝ્મમાં આ ગાંઠનો સ-રસ ઉલ્લેખ કરે છે:

मैंने तो इक बार बुना था एक ही रिश्ता
लेकिन उसकी सारी गिरहें
साफ़ नज़र आती हैं मेरे यार जुलाहे!
*

એકલા આજકાલ છે એ કદાચ
હોઠે મારી જ કો’ ગઝલ છે કદાચ.

પ્રેમમાં કોરી ખાતી એકલતાની કોરી દીવાલને અઢેલીને બેસવા માટે સ્મરણોની પીઠથી મોટી કોઈ સવલત નથી. બીજાના પ્રેમમાં પડીને પહેલાને છોડી દેનાર બેવફા સાથે જ્યારે બેવફાઈ થાય છે ત્યારે કદાચ વફાદાર આશિકની ગઝલો જ દવા બની રહે છે. કવિતા તમામ દર્દનો રામબાણ ઈલાજ છે. કવિને ખાતરી નથી પણ પ્રિયપાત્રના હોઠ પર કદાચ પોતાની જ કોઈ ગઝલ રમી રહી હોય એવું લાગે છે એટલે અનુમાન કરે છે કે એ આજકાલ એકલા હોવા જોઈએ. જીવનમાં એકલા પડી જઈએ એ ઘડીએ જ સાચો પ્રેમ, પ્રેમની સાચી અભિવ્યક્તિ હોઠ પર ગણગણાટ બનીને આપોઆપ ઊભરી આવે છે. આસપાસના સહેવાસનો અહેસાસ શ્વાસમાંથી દૂર થાય ત્યારે જ ગઝલનો પ્રાસ બેસે છે. એક નઝમમાં કવિ કવિતાએ એમને કઈ ઘડીએ મળવાનો વાયદો કર્યો છે એ જણાવે છે:

जिस्म जब ख़त्म हो और रुह को जब साँस आये
मुझसे इक नज़्म का वादा है, मिलेगी मुझको
*

દિલ યદિ છે તો દર્દ હોવાનું જ,
ને વળી એનો હલ અકળ છે કદાચ.

ગુલઝાર ઘણીવાર પોતાને જ દોહરાવતા પણ જોવા મળે છે. ‘દિલ સે’ ફિલ્મના ટાઇટલ ગીતમાં ‘દિલ હૈ તો ફિર દર્દ હોગા’ પંક્તિ આપણને સ્પર્શી જાય છે. પ્રસ્તુત પંક્તિ ગુલઝારે ફિલ્મમાં વાપરી કે ફિલ્મમાંથી ગઝલમાં આવી એ વાત નગણ્ય છે. પણ ગુલઝારની ખાસિયત છે કે એમની રચનાઓમાં પુનરાવર્તન પણ નવસર્જન થઈને જ આવતું હોય છે. ધુમાડો છે તો આગ પણ હશે જ. દિલ અગર છે તો દર્દ પણ હશે જ. એવું કોઈ દિલ બન્યું નથી જે તૂટવાનું ન હોય. કાચનું વાસણ છે. કદાચ તૂટે નહીં પણ તિરાડ તો પડવાની જ. અને કદાચ આ દર્દનો કોઈ ઈલાજ પણ નથી. તરત ગાલિબ યાદ આવે:

इश्क़ से तबीअत ने ज़ीस्त का मज़ा पाया,
दर्द की दवा पाई, दर्द बे-दवा पाया।

આખી વાતને આ રીતે પણ જોઈ શકાય:

આ દર્દ પ્યારનું હો ભલે લા-દવા મગર,
એના વિના આ જિંદગી બીમાર હોય છે.
*

જાણે છે, શું છે ફળ ભલાઈનું,
ફક્ત કપરો બન્યો અમલ છે કદાચ.

સારા કામનું ફળ હંમેશા સારું જ હોય છે પણ કદાચ આપણે જાણકારી હોવા છતાં અમલ કરી નથી શકતા આ મનુષ્યગત કમજોરીને કવિએ બખૂબી ઉપસાવી છે. વાત તો જૂની જ છે પણ અંદાજે-બયાં સ્પર્શી જાય છે. કોઈ પ્રત્યે ભલાઈ બતાવીએ કે દયા દાખવીએ તો ઈશ્વર એનું સારું પરિણામ આપશે એ પ્રિયપાત્રથી અજાણ્યું નથી. પણ એ છતાં પ્રિયજન કવિ તરફ દયાભાવ કે કરુણાદૃષ્ટિ દાખવતું નથી. કવિને તો પ્રિયજન તરફથી અપેક્ષા, અવમાનનો જ અનુભવ થતો રહે છે. આ છતાંય આ તારણની પાછળ ‘કદાચ’ મૂકીને કવિ પ્રિયજનને શંકાનો લાભ આપીને એના પર આળ મૂકવાથી દૂર રહે છે. રદીફનો આવો સુંદર પ્રયોગ બહુ ઓછા કવિઓ કરી શક્યા છે.
*

આવે છે આ તરફ એ પગરવ ને,
ક્યાંક ખીલી રહ્યાં કમળ છે કદાચ.

પ્રિયતમાનો પગરવ સાંભળીને દિલના કમળ ખીલી ઊઠવા જેવી તકિયાનૂસી વાત પણ કવચિત્ ગુલઝાર કરી બેસે છે. પણ અહીં પણ ‘કદાચ’નો કાકુ વાતને નવો ઓપ આપે છે. એમના પગલાંનો અવાજ આવી રહ્યો છે એ કારણે કદાચ ક્યાંક કમળ ખીલી રહ્યાં છે. ‘ક્યાંક’ કહીને ગુલઝાર પોતાના પ્રિયતમા પરના અવલંબનને રદિયો આપવા કરે છે અને ‘કદાચ’ કહીને વળી ‘नरो वा कुंजरो वा’ના ન્યાયે આ રદીયા નીચે અધોરેખા દોરી એને ગાઢો કરે છે. બાકી, પ્રેમમાં સમર્પણ ગુલઝારનો સ્વભાવ છે:

सिरे उघड गये हैं, सुबह-ओ-शाम के,
वो मेरे दो जहान साथ ले गया
*

જોઈ લ્યો, રાખને ઉસેટીને,
ભીતરે કો’ક બળતી પળ છે કદાચ.

તરત જ ગાલિબ યાદ આવે:

जला है जिस्म जहाँ, दिल भी जल गया होगा,
कुरेदते हो जो अब राख, जूस्तेजु क्या है?

શરીરની સાથે જ દિલ પણ બળી જ ગયું હશે. હવે શેની શોધ છે જે માટે રાખને ફંફોસી રહ્યા છો? ગુલઝાર જેમ પોતાને દોહરાવે છે એમ અન્ય કવિઓની કવિતાઓ સાથે પણ પોતાની કવિતાને તાણા-વાણાની જેમ વણી લે છે. સિદ્ધહસ્ત કવિઓની કવિતામાંથી પ્રેરણા લઈને અનુસર્જન કરવામાં કવિની હથોટી છે. અમીર ખુશરોના ‘અય સરબથે આશિકી’ પરથી ગુરુ ફિલ્મમાં ‘અય હૈરથે આશિકી,’ તો બુલ્લે શાહના ‘થૈયા થૈયા’ પરથી દિલ સે ફિલ્મનું ‘છૈયા છૈયા’ આના ઉત્તમ ઉદાહરણો છે. ગાલિબની પંક્તિ ‘बैठे रहे तसव्वुरे-जानां किए हुए’ની ઉપર ‘दिल ढूंढता है, फ़िर वही फुरसत के रात-दिन’ની ગિરહ લગાવી ગુલઝારે કેવી કમાલ કરી છે! પ્રસ્તુત શેરમાં પણ ગાલિબના ‘जूस्तेजु क्या है?’નો જવાબ આપતા હોય એમ ગુલઝાર કહે છે કદાચ સમયનો કોઈ ટુકડો હજી આ રાખની નીચે સળગતો બચી ગયો હોય. કદાચ ‘तुम्हारी यादों के जिस्म पर नील पड गये हैं,’ એ શોધવાનું આહ્વાન કવિ આપતા હોય એમ પણ બને. આ જ શેરના ‘એક્સટેન્શન’ જેવી એક ત્રિવેણીમાં કવિ લખે છે:

जिस्म और जाँ टटोल कर देखें
ये पिटारी भी खोल कर देखें

टूटा फूटा अगर ख़ुदा निकले-!
*

ચાંદ ડૂબે તો ફક્ત ચાંદ ઊગે,
આપની પાસે એવી કળ છે કદાચ.

સવારે ગાયબ થઈ જતા ચાંદ વિશે ગુલઝાર કેવી મજાની કલ્પના કરે છે:

रात के पेड पे कल ही तो उसे देखा था-
चाँद बस गिरने ही वाला था फ़लक से पक कर

सूरज आया था, ज़रा उसकी तलाशी लेना!

આ જ કવિ વળી ચવાઈને ચુથ્થો થઈ ગયેલ ઉપમાન પણ પ્રયોજી શકે છે. પ્રિયતમાને ચાંદની ઉપમા કવિઓ સદીઓથી આપતા આવ્યા છે. ગુલઝાર પણ આપે છે પણ જૂના રંગમાં નવી ઝાંય ઉમેરીને એ કેવી મનોરમ્ય નૂતન સૃષ્ટિ સર્જી શકે છે એ સમજવા જેવું છે. ચંદ્રનું આથમવું એ સૂર્યોદયની પહેલી શરત છે પણ કવિ કહે છે કે કદાચ તારી પાસે કોઈ ઉપાય હોય, ચંદ્ર આથમે અને ચંદ્ર જ ઊગે.. મતલબ દિવસ થાય અને તું આવે! શબ્દની નાની સરખી રમત અને કવિતા નામનો મોટો ચમત્કાર! આવા જાદુથી જ ગુલઝારે ગઝલને ગુલઝાર કરી છે…

ગ્લોબલ કવિતા : ૧૩૬ : કેમકે કોઈ મદદ શક્ય જ નથી – માઇકલ ડ્રાઇટન

Since There’s No Help

Since there’s no help, come, let us kiss and part,
Nay, I have done, you get no more of me,
And I am glad, yea, glad with all my heart,
That thus so cleanly I myself can free.

Shake hands for ever, cancel all our vows,
And when we meet at any time again
Be it not seen in either of our brows
That we one jot of former love retain.

Now at the last gasp of Love’s latest breath,
When, his pulse failing, Passion speechless lies,
When Faith is kneeling by his bed of death,
And Innocence is closing up his eyes,

Now, if thou wouldst, when all have given him over,
From death to life thou mightst him yet recover.

– Michael Drayton

કેમકે કોઈ મદદ શક્ય જ નથી

કેમકે કોઈ મદદ શક્ય જ નથી, ચુંબન કરી થઈએ અલગ,
ના, હવે બસ, બહુ થયું, નહિ પામશે સહેજે વધારે તું મને,
ને હું ખુશ છું, હા, હું ખુશ છું મારા દિલના આખરી ઊંડાણ લગ,
કે સિફતથી આમ છોડાવી શક્યો સર્વાંગે મારી જાતને.

મેળવીને હાથ છેલ્લી વાર, કરીએ રદ લીધેલા સૌ શપથ,
ને કદી સંજોગવશ જો આપણું મળવાનું થાયે ક્યાંય પણ
આપણા ચહેરા ઉપરથી ના થવું જોઈએ કશુંયે તો પ્રગટ
કે બચ્યો છે આપણા બેમાં હજી એ પ્યારનો એકેય કણ.

પ્રેમના છેલ્લામાં છેલ્લા શ્વાસના આ છેલ્લા ડચકા પર હવે,
જ્યારે, એની નાડી થઈ રહી છે ધીમી, આવેશ સૂતો છે અવાક,
જ્યારે એની મૃત્યુશૈય્યાની કને શ્રદ્ધા ઘૂંટણિયા ટેકવે,
ને ધીમે ધીમે બીડી રહી છે હવે નિર્દોષતા પણ એની આંખ.

જ્યારે એના નામનું નાહી જ નાખ્યું છે હવે ત્યારેય તું ધારે
તો મરણના મુખથી એને તું ફરી પાછું જીવન લગ આણી શકશે.

– માઇકલ ડ્રાઇટન
અનુ. વિવેક મનહર ટેલર

જ્યારે બધી જ આશાઓ મરી પરવારે…

जब तवक़्क़ो ही उठ गई ‘ग़ालिब’
क्यूँ किसी का गिला करे कोई

– બસોએક વર્ષ પહેલાં મિર્ઝા ગાલિબ કહી ગયા કે જ્યારે બધી અપેક્ષાઓ મરી જ પરવારી હોય ત્યારે કોઈની ફરિયાદ કરીને પણ શું? અઢીએક હજાર વર્ષ પૂર્વે ભગવાન બુદ્ધ પણ કહી ગયા કે અપેક્ષા દુઃખનું કારણ છે. પણ બુદ્ધ કવિ નહોતા, એ ચેતનાનો સાક્ષાત્કાર પામી ચૂકેલ મહામાનવ હતા. કવિને નિવારણમાં રસ નથી, સંતને એમાં જ છે. બુદ્ધ કહે છે કે જો અપેક્ષા દુઃખનું કારણ છે તો એ કારણનું નિવારણ પણ છે, જે વળી શક્ય પણ છે. પ્રસ્તુત કવિતા ગાલિબના નિરાશાવાદથી શરૂ થઈ બુદ્ધના આશાવાદ સુધી વિસ્તરે છે. ના-નાથી શરૂ થઈ હા-હા તરફ ગતિ કરતું માઇકલ ડ્રેઇટનનું આ કાવ્ય બે જણના સગપણના સમીકરણમાં પ્રવેશી ગયેલા રણ દૂર કરવાની ખરી સમજણ પૂરી પાડે છે.

માઇકલ ડ્રેઇટન. ઇંગ્લેન્ડમાં હાર્ટ્સહિલ (વૉરવીકશાયર) ખાતે ઈ.સ. ૧૫૬૩માં જન્મ. પ્રારંભિક જીવન વિશે વિશેષ જાણકારી નથી. એમની કવિતાઓ વિ. પરથી ઘણુંખરું અનુમાનિત કરવામાં આવ્યું છે. કવિ તરીકે કિસ્મત ચમકાવવા એ ૧૫૯૧ની આસપાસ લંડન સ્થાયી થયા. ૨૭ વર્ષની વયે પ્રગટે થયેલા પહેલા પુસ્તક ‘ધ હાર્મની ઓફ ધ ચર્ચ’ની ચાળીસ પ્રત કેન્ટરબરીના મુખ્ય પાદરી દ્વારા અને બાકીની આખી આવૃત્તિ નાગરિક ધારા દ્વારા નષ્ટ કરી દેવામાં આવી હતી. લોકોના ઘરે નોકર તરીકે જીવ્યા પણ પછી મહારાણી એલિઝાબેથ પ્રથમના દરબારમાં મોભાનું સ્થાન પણ શોભાવ્યું. એલિઝાબેથ પછી જેમ્સ પહેલાના દરબારમાં પ્રામાણિક અને આખાબોલા કવિએ અવગણનાનો સામનો કરવો પડ્યો. સર હેન્રી ગુડ્યર (કે ગુડરે)ના ઘરે તેઓ મોટા થયા હોવાનું મનાય છે અને એમની જ છોકરી એનના પ્રેમમાં હતા. એનને રિઝવવા એમણે ચોંસઠ સૉનેટનો સંપુટ ‘આઇડિયાઝ મિરર’ લખી કાઢ્યો પણ એન જ નહીં, કોઈપણ છોકરી કવિના નસીબમાં કદી આવી નહીં. ડ્રેઇટનના નસીબમાં રાજદરબારમાં હોવા છતાં કુંવારા મરવું જ લખાયું હતું. સ્વભાવે મમતાળુ અને મિત્રવર્ગ બહોળો. તત્કાલીન પ્રસિદ્ધ સાહિત્યકારો બેન જોન્સન અને શેક્સપિઅર પણ એમના મિત્ર. પણ જીવનમાં પૈસાના સ્થાને પ્રતિષ્ઠા અને દોસ્તી જ કમાઈ શક્યા. દારૂણ ગરીબીમાં જ ૨૩-૧૨-૧૬૩૧ના રોજ નિધન.

અગ્રણી એલિઝાબેથન/જેકોબિઅન કવિ. નાટ્યકાર. વિપુલ માત્રામાં સાહિત્યસર્જન. તેઓ કવિને જનતાના પ્રવક્તા ગણતા અને સારું સાહિત્યસર્જન કવિની ફરજ ગણતા. કાળજીપૂર્વકનું સંનિષ્ઠ કવિકર્મ અને પુરુષાર્થ એમની મોટાભાગની કૃતિઓમાં નજરે ચડે છે. આપણે જેને ઊર્મિગીત કહીએ છીએ, એ અંગ્રેજી ‘ઓડ’ના એ મુખ્ય પ્રણેતા અને લોકપ્રિય કરનાર હતા. હોરેસની શૈલી એમણે પહેલવહેલીવાર અંગ્રેજીમાં ઉતારી આણી. ડ્રેઇટનના સૉનેટ એમની સીધી પ્રત્યાયનક્ષમતા અને સાર્વત્રિક અપીલના કારણે વધુ લોકપ્રિય થયા. એકાધિક ભાગોમાં વહેંચાયેલી દીર્ઘ કવિતાઓ એમની વિશેષતા રહી, જેમાં એમની આત્મકથાના અંશો ઉપરાંત સમસ્ત ઇંગ્લેન્ડનું, એની પુરાકથાઓ અને ઇતિહાસ સહિતનું સર્વાંગી દર્શન થાય છે. પોલિ-ઓલ્બિયન તો ૧૫,૦૦૦ પંક્તિઓનું મહત્ત્વાકાંક્ષી મહાકાવ્ય છે. એમણે લખ્યું છે: ‘મારાં ગીત મારા મનની સાફ છબી છે.’

‘કેમકે કોઈ મદદ શક્ય જ નથી’ એ ‘આઇડિયા’ના કથિત નામે એનને જ સંબોધીને લખેલ સૉનેટ-સંપુટમાંનું જ એક છે. શેઇક્સપિરિઅન શૈલી. ત્રણ ચતુષ્ક અને એક યુગ્મક. પ્રાસવ્યવસ્થા ચતુષ્કમાં અ-બ-અ-બ પ્રકારની અને ચુસ્ત. પણ યુગ્મકમાં ક-ક પ્રકારની અને સુસ્ત (over-recover), અંગ્રેજીમાં જેને eye-rhyme કહે છે. છંદ અંગ્રેજી કવિતાઓમાં સામાન્ય રીતે પ્રયોજાતો આયંબિક પેન્ટામીટર. પણ તેરમી પંક્તિમાં દસના બદલે બાર અને આખરી (ચૌદમી) પંક્તિમાં અગિયાર શબ્દાંશ (સિલેબલ્સ) વપરાયા છે જે વાક્યની લંબાઈ-લયમાં અર્થસભર ઉમેરણ કરે છે. ગુજરાતી અનુવાદ કરતી વખતે પણ પ્રાસવ્યવસ્થા મૂળ અંગ્રેજી મુજબ જ ચતુષ્કોમાં ચુસ્ત અને યુગ્મકમાં સુસ્ત રાખવામાં આવી છે. આ ઉપરાંત મૂળ કવિતાને અનુસરીને તેરમી પંક્તિમાં બે અને ચૌદમી પંક્તિમાં એક ગુરુ બાકીની પંક્તિઓ કરતાં વધુ વાપરવામાં આવ્યા છે.

કવિતાનું શીર્ષક એ જ એનો પ્રારંભ છે. ‘કેમકે કોઈ મદદ શક્ય જ નથી’ વાંચતા એટલું સમજી શકાય છે કે જે કોઈ મદદ કરવાની હતી, એ બધી અગાઉ કરી દેવામાં આવી હશે. ‘કેમકે’નો પ્રયોગ પણ શક્ય હતાં એ બધાં જ કારણો નાણી જોવાયાં છે એ વાત દૃઢીભૂત કરે છે. ‘ચુંબન કરી થઈએ અલગ’ વાંચતા જ ભીતર હચમચાટ અનુભવાય છે. સમજી શકાય છે કે બધી જ કોશિશ થઈ ચૂકી હોવા છતાં હવે આ સંબંધ એ જગ્યાએ આવી પહોંચ્યો છે, જ્યાંથી પુનર્જોડાણ શક્ય જ નથી. ‘આપણે અહીંથી હવે થઈએ અલગ, આપણી પાસે હવે કંઈ પણ નથી’ જેવી આ ક્ષણ છે. સંબંધ હવે ટકી શકે એમ નથી એમ નાયકે સ્વીકારી લીધું છે. સામા પક્ષે નાયિકાએ પણ આ ફેંસલો સ્વીકારી લીધો હોવાનું અનુભવાય છે. કવિતા ભલે નાયકની સ્વગતોક્તિ હોય, પણ સામા પક્ષ તરફથી નાયકની વાત કોઈ કાપતું હોય એવું દેખાતું નથી. મતલબ જે કોઈ નિર્ણય છે, એ બંને પક્ષે સમજીને જ લીધો છે. ‘કોઈ મદદ હવે શક્ય જ નથી’ની જે વાત છે, એ મદદ બંને પક્ષ પોતપોતાની ક્ષમતાનુસાર મહત્તમ કરી ચૂક્યા પછીની ક્ષણની આ કવિતા છે. પણ સંબંધનો અંત કદી સરળ હોતો નથી. એમાં હંમેશા એક ઘેરી દ્વિધા સમાયેલી હોય છે. માણસ એ છેલ્લું ડગલું હજાર વાર ભરે છે અને હજાર વાર પાછો ફરે છે. આ કાવ્ય પ્રેમની નિષ્ફળતાની અસમંજસની ચરમસીમાએ ઊભું છે. કાયમ માટે છૂટા પડી જવાનો અડીખમ નિર્ણય કદાચ કેટકેટલાં મનોમંથનો પછી લેવાયો હશે! છૂટાં પડતી વખતે એક ઔપચારિક ચુંબન અને કાયમની ગુડ-બાય. નાયક કહે છે, ના, હવે બસ, બહુ થયું. હવે તું મને સહેજ પણ વધુ પામી શકનાર નથી. જે પામવા-અનુભવવાનું હતું, એ બધું હવે સમાપ્ત થઈ ચૂક્યું છે. સંબંધમાં સહનશક્તિની પરાકાષ્ઠા આવી ચૂકી છે. નન્નો પરખાવીને નાયક પોતાનો ઈરાદો બુલંદ કરે છે અને વળી, પોતે ખુશ છે, હા, દિલના આખરીમાં આખરી ઊંડાણ લગ ખુશ છે, એમ ખુશ હોવાની વાતની પુનરુક્તિ કરીને નિર્ણય પર મતુ મારે છે. અને સંબંધના કોફીન પર આખરી ખીલો ઠોકતા એ કહે છે, કે પોતે પોતાની જાતને આમ સિફતથી, સફાઈથી પૂરેપૂરી છોડાવી શક્યો છે એ વાતની પોતાને ખુશી પણ છે.

સંબંધ જન્મે છે, વિકસે છે અને મૃત્યુ પામે છે. પણ સંબંધનું મૃત્યુ આપણામાંથી કેટલા સ્વીકારી શકે છે? મરેલા સંબંધને બાળવા-દાટવા કેટલા આગળ વધી શકે છે? પાશ્ચત્ય સંસ્કૃતિની વાત અલગ છે, પણ આપણે ત્યાં તો સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધને વરસોનો નહીં, જન્મોજનમનો ગણવામાં આવે છે. એ વાત અલગ છે કે અનંતકાલીન સંબંધની પૂર્વધારણાને ભાગ્યે જ કોઈ પ્રમેયરૂપે સાબિત કરી શકે છે. પાશ્ચાત્ય દેશોમાં પણ છૂટાછેડાની માત્રા ભલે વધુ હોય, સંબંધોને ટકાવવાની મથામણ અને થાકી ન જવાય ત્યાં સુધી વેંઢાર્યે રાખવાની કસરત તો આપણા જેવી જ છે. એ વિના આવી કવિતા શક્ય બને ખરી? કોશિશ ન કરીએ તો દરેક સંબંધ ધીમેધીમે કરમાવા જ માંડે છે. ખાતર-પાણી-માવજતની કોશિશ કરતાં રહીએ તો મનભેદ-મતભેદની ઉધઈ સંબંધના છોડને જરા ઓછું નુકશાન કરે એ સાચું પણ બધા જ છોડને બધી જ વાર બચાવી શકાતું નથી. મરી ગયેલા સંબંધની લાશ ખભે વેંઢારીને આપણામાંના મોટાભાગના રાજા વિક્રમની જેમ આજીવન એકની એક સફરના આંટા માર્યે રાખીએ છીએ. બહુ ઓછા હશે જે આ નાયકની જેમ મરેલા સંબંધની લાશ ખભેથી ઉતારી એને દફનાવવાની હિંમત કરતા હશે.

છૂટાં પડતાં પહેલાં ચુંબન કરી લીધું, આલિંગી પણ લીધું. આત્મીય ઔપચારિકતાઓ ખતમ થઈ. પોતે ખુશ છે એનો પુનરોચ્ચાર કરી નિશ્ચિત થવા માટે ખાતરી પણ આપી દીધી. હવે? હવે વારો સામાજીક ઔપચારિકતાનો. હસ્તધૂનન કરી લઈએ છેલવેલ્લીવાર. સાથે રહેવાના અને એકમેકને ખુશ રાખવા માટે જે કોઈ સોગંદ સાથે મળીને લીધા હતા, એ તમામને રદકરાર આપી દઈએ. ન કરે નારાયણ, ને ક્યાંક મળવાનું બને, એકબીજાની સામે આવી ઊભા રહીએ તો બેમાંથી એકેયના ચહેરા પરથી એવું પ્રકટ થવું ન જોઈએ કે બેમાંથી એકેયના દિલમાં એ જૂના પ્રેમનો એકાદ અંશ પણ ભૂલેચૂકેય હજી બચી ગયો છે. બેમાંથી એકેયના ચહેરા પરની કરચલીઓમાં ભૂતકાળનો પ્રેમ નજરે પણ ન ચડવો જોઈએ એવી સમજૂતિ સાથે છૂટા પડવાનું છે. ‘મેરી પ્યારી બિન્દુ’ ફિલ્મના એક ગીતમાં આવી જ વાત બહુ સહજતાથી કહેવામાં આવી છે: ‘रास्ते में जो मिलो, तो दूर से ही तुम मुस्काना; लेकिन मुस्कान हो ऐसी, कि जिसमें इकरार नहीं|’ વર્ષોના સંબંધનો આ તે કેવો અંત? એક કવિતામાં ડ્રેઇટન આવી જ લાગણી આલેખે છે: ‘મને કહો કે દુનિયાની શરૂઆત થઈ તે ઘડીથી આજ લગ/આવા અદભુત ઉદયનો આવો કલુષિત અસ્ત કદી થયો હોય તો.’

આઇસીસીયુમાં જવાનું થયું હોય એવા લોકો આ ચિત્રથી પરિચિત જ હોવાના. હાર્ટએટેકના કારણે બ્લડપ્રેસર ઘટી જાય. બ્લડપ્રેસર ઘટે એટલે કિડની કામ કરતી બંધ થાય. કિડની નબળી પડે એટલે લિવર ખોટકાય અને શરીરમાંથી બગાડ નીકળતો બંધ થાય એટલે ફેફસાં જવાબ દઈ દે, વેન્ટિલેટરની જરૂર પડે અને મગજ પણ આ અવયવોને સાથ આપવામાં પાછી પાની કરતું નથી, એ પણ અસ્તાચળે પ્રયાણ આદરે છે. બરાબર, આવું જ ચિત્ર કવિ સજીવારોપણ અલંકાર વડે રજૂ કરે છે. પ્રેમ હવે આઇસીસીયુમાં છેલ્લા શ્વાસ ભરી રહ્યો છે. એની નાડ ધીમી પડી રહી છે. પાસે જ જે આવેશથી બંને એકમેકમાં ઓગળી જઈ એક થઈ જતાં હતાં, એ આવેશ વાચાહીન થઈ પડ્યો છે. પ્રેમની મૃત્યુશૈયાની બાજુમાંજ શ્રદ્ધા પણ હાર સ્વીકારી ઘૂંટણિયા ટેકવી બેઠી છે. જીવનમાં જે કંઈ નિર્દોષતા હતી, એ પણ ધીમે ધીમે એની આંખ બીડી રહી છે. ટૂંકમાં, પ્રેમ એની સાથે જે-જે મિત્રોને લઈને આ બેના જીવનમાં આવ્યો હતો એ તમામ મિત્રોને લઈને મરણ પામવાની તૈયારીમાં છે. પ્રેમ વિના કશું જ ટકી શકતું નથી. પ્રેમ સંબંધના શરીરનું હૃદય છે. એ બધી જ લાગણીઓને ટકાવી રાખે છે. ડ્રેઇટને જ એક કવિતામાં લખ્યું છે:

મારું હૃદય એરણ છે જ્યાં મારા વિચારો ધબકે છે,
મારા શબ્દો હથોડા છે, મારી ઇચ્છાઓને આકારતા,
મારી છાતી ભઠ્ઠી છે, બધી જ ગરમીઓને સમાવતી,
પ્રેમ ઈંધણ છે જે આગ સળગતી રાખે છે.

આખી કવિતા ઘેરા રંગની છે. વિષાદ શબ્દે-શબ્દે છલકાય છે. પણ એ છતાંય કવિ પંક્તિએ-પંક્તિએ કાળાભમ્મર વાદળની કોરેથી પ્રગટવા આતુર સોનેરી પ્રકાશ ચિતરવો ચૂક્યા નથી. છૂટા પડવું છે પણ લડી-ઝઘડીને નહીં, ચુંબન-હસ્તધૂનન કરીને. છૂટા પડવું છે પણ પોતે દુઃખી નથી એની ખાતરી એક-એક કરતાં બે વાર પોતે ખુશ છે, એમ કહીને આપવી પડે છે. કેમ વારુ? જો બધું ખતમ જ થઈ ચૂક્યું છે અને હવે કોઈ મદદ શક્ય જ નથી, તો સામાને પોતાની ખુશીની ખાતરી આપવાની દરકાર કેમ? સૌ શપથ રદ કરવાનાં, કેમકે એ રદ ન કર્યાં હોય તો બેઉના દિલે બોજ વર્તાયે રાખે અને આકસ્મિક ક્યાંક મળી જવાય તો બેમાંથી એકેના ચહેરા પરથી પ્રેમનો અંશમાત્ર પણ છતો ન થઈ જાય એની કાળજી રાખવાની ચીમકી. મતલબ, પ્રેમ ભલે મરવા પડ્યો હોવાનું એલાન કરવામાં આવે, દિલના ઊંડા ખૂણે એ છે જ એની પ્રતીતિ ઉભયપક્ષે છે જ. અને આખરી બે પંક્તિઓ તો આ સૉનેટના આભ આખાને સોનેરી ઉજાસથી અભરે ભરી દે છે. કવિની આ જ માનસિકતા અન્યત્ર પણ પ્રગટી છે: ‘જ્યારે હું પહેલીવાર સમાપ્ત થયો, ત્યારે મેં પહેલી શરૂઆત કરી,/જ્યાં મેં મહત્તમ ગુમાવ્યું, ત્યાં જ મેં મહત્તમ ચાહ્યું.’ અને કવિ સામા પાત્ર પાસે પણ આ જ રીતે નકારમાં હકારની અપેક્ષા સેવનાર છે: ‘હું હવે તને સાબિત કરી દઉં છું, કે તારો પ્રેમ અને નફરત આ જ છે,/તું નફરતમાં પ્રેમ કરે છે, અને નફરત થકી મને તને પ્રેમ કરાવડાવે છે.’

અહીંયા સુધીની ઘટના વધતે-ઓછે અંશે આપણે સહુએ જીવનમાં ક્યાંક ને ક્યાંક અનુભવી છે. પણ ખરી કવિતા અને સૉનેટની ચોટ છે આખરી બે કડીઓમાં. બંને જણે પ્રેમના નામનું નાહી નાખ્યું છે એમ કહેતાંમાં તો નાયક વિહ્વળ બની જાય છે. છોડી દઈએ, તોડી દઈએ કરવું અલગ વાત છે અને વાસ્તવિક્તાના દોરાહા પર આવી ઊભવાની ખાતરીનો સામનો કરવો અલગ વાત છે. મરણપથારીએ પડેલ પ્રેમ, વાચાહીન પડેલો આવેગ, લુપ્તગત શ્રદ્ધા, અને હાથતાળી દઈ ગયેલી નિર્દોષતા- આ બધું જ અચાનક જ વેન્ટિલેટરનો સાથ મળી ગયો હોય એમ આંખ ખોલે છે. કાવ્યારંભે અડીખમ નાયક કાવ્યાંતે આકસ્મિક ઘૂંટણિયા ટેકવી બેસે છે. એ નાયિકાને કહે છે, કે બધું બરાબર પણ જો તું ધારે તો આ પ્રેમને હજીયે મોતના મુખેથી ઉગારીને પરત જીવન તરફ લાવી શકે છે. તું જો એક નજર આ તરફ કરે.. એક સ્મિત મારા તરફ ફેંકે… એક હાથ લંબાવે… તો પુનરપિ આ પ્રેમ જીવિત થઈ ઊઠે… એક કવિતામાં ડ્રેઇટન કહે છે: ‘મારી માલકિન મારી બિમારી પર કાર્યરત છે,/દર કલાકે મને સાજો કરીને અને મારી નાખીને,/ફક્ત તેના સૌંદર્યની સર્વોપરી શક્તિ બતાવવા માટે.’

ना ना करते प्यार કરવાની અનોખી અદાએ આ સૉનેટને અમરત્વ બક્ષ્યું છે. ઇનકારના હૃદયમાં ભંડારાયેલ ઇકરારની શોધ અને સ્વીકાર આ કાવ્યનો પ્રાણ છે. સમ્-બંધ બે જણના સમાન બંધાવાની વાત છે. એક જણ કાચું પડે તો બીજું સાચવી લે, ને બીજું ક્યાંક અટકે, તો પહેલું મદદે આવે એ જ સંબંધની ખરી વિભાવના છે. આ સમજણ જ સગપણનો પ્રાણ છે. કવિ અહીં આ સમજણનો જ સહારો લે છે. હતોત્સાહી હતાશ નાયક આશા માટે નાયિકા તરફ નજર કરે છે. આ આશા જ પ્રેમ છે… આ પ્રેમ જ જિંદગી છે… સંબંધ તૂટી જવા પર છે કારણ કે એમાં પ્રયત્નનો અભાવ છે. પણ પ્રયત્ન કરો તો ફરી એ બેઠો અવશ્ય થઈ શકે. પ્રયત્ન મોટી વાત છે. કોશિશ અદભૂત બળ છે. સંબંધ નથી કારણ કે કોશિશ નથી. કોશિશ કરો તો મરેલો સંબંધ પણ ઊભો થઈ શકે. બાકી તો,

છે સંબંધ કાંઠાની માટી સમા સહુ,
ઊડે ભેજ થોડો, બની જાય રેતી….

ગ્લૉબલ કવિતા : ૧૩૪ : કવિતા કેવી રીતે ખાવી – ઇવ મેરિઅમ

How to eat a poem

Don’t be polite.
Bite in.
Pick it up with your fingers and lick the juice that
may run down your chin.
It is ready and ripe now, whenever you are.

You do not need a knife or fork or spoon
or plate or napkin or tablecloth.

For there is no core
or stem
or rind
or pit
or seed
or skin
to throw away.

– Eve Merriam

કવિતા કેવી રીતે ખાવી

વિનમ્ર ન બનશો.
કરડી ખાવ.
ઊંચકી લો એને તમારી આંગળીઓ વડે અને ચાટી લો રસ
જે કદાચ તમારી દાઢી પરથી દડી પડે.
એ હવે તૈયાર છે અને પાકટ છે, જ્યારે પણ તમે હોવ.

તમારે જરૂર નથી પડવાની છરી અથવા કાંટો અથવા ચમચી
અથવા પ્લેટ અથવા નેપકીન અથવા ટેબલક્લોથની.

કારણ કે ત્યાં કોઈ ગર્ભ નથી
અથવા દાંડી
અથવા છાલ
અથવા ઠળિયો
અથવા બિયાં
અથવા ત્વચા
ફેંકી દેવા માટે.

– ઇવ મેરિઅમ
(અનુ. વિવેક મનહર ટેલર)


કવિતા ‘ખાવા’ની કળા…

કવિતા. શું છે કવિતા? ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે? કવિતા કેવી રીતે લખાય? કવિતા વાંચવી કઈ રીતે? –આ બધા પ્રશ્નો કવિતાઓ લખાવી શરૂ થઈ ત્યારથી એકસમાન રીતે કવિઓ અને ભાવકો-બંનેને મૂંઝવતા આવ્યા છે. વિશ્વની તમામ કળાઓમાં કવિતાને શિરમોર ગણવામાં આવી છે. કવિતા કોઈપણ વિશ્વસંસ્કૃતિના સિરનો તાજ છે. કવિતા સમજવી બધાને સહેલ નથી. કવિતામાં રસ પડવો બધાને સુલભ નથી. ને કદાચ એટલે જ, કવિતા બધાનો ‘કપ ઑફ ટી’ નથી. પણ જે લોકો એનો સ્વાદ લઈ શકે છે, એ લોકો માટે કવિતાથી મોટું કોઈ સુખ નથી. કલાપી કહી ગયા હતા:

કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં.

ભોગવનાર ન હોય તો કળાનો કોઈ અર્થ સરતો નથી ને યોગ્ય ભોગવનાર મળે તો કળાથી મીઠું બીજું શું હોઈ શકે? કળાની આવી મીઠાશ મનભર કઈ રીતે માણવી એની વાત લઈને ઇવ મેરિઅમની આ કવિતા આપણી વચ્ચે ઉપસ્થિત છે.

ઇવ મેરિઅમ. ૧૯-૦૭-૧૯૧૬ના રોજ ફિલાડેલ્ફિયા, પેન્સિલ્વેનિયા ખાતે મેક્સ મોસ્કોવિટ્ઝ અને જેની સિગેલના ઘરે જન્મ. મા-બાપ બંને રશિયાથી અમેરિકા આવીને સ્થાયી થયા હતા. પિતા કપડાંની દુકાનોની શૃંખલા ધરાવતા હોવાથી ફેશનનો હાથ ઝાલીને તેઓ મોટાં થયાં. બાળપણથી કવિતાનું સંગીત એ રીતે આકર્ષતું કે એમને લાગતું કવિ બનવું એ બીજું કંઈ નહીં, પણ એમની પોતાની આંતરિક જરૂરિયાત હતી. કવિતાના પ્રાસ કે શબ્દોની રમત કાને પડતી એ એમને એડ્રિનાલિનનું ઇન્જેક્શન કે પ્રાણવાયુ મળવા બરાબર લાગતું. સાત વર્ષની વયે કવિતા લખવી શરૂ કરી હાઇ સ્કૂલમાં તો પ્રકાશિત કરવી શરૂ કરી દીધી. આર્ટ્સમાં સ્નાતક. શરૂમાં કોપીરાઇટર અને ફેશન સામયિકોના માનદ તંત્રી તરીકે કામ કર્યું. રેડિયૉ માટે પણ લખ્યું. પ્રાધ્યાપિકા તરીકે પણ સેવા બજાવી. મૂળ નામ ‘એવા મોસ્કોવિટ્ઝ’ પણ જ્યારે એમનું પુસ્તક કોઈ છાપતું નહોતું ત્યારે પોતાની યહૂદી અટક અંતરાય બનતી હોવાની એક પ્રોફેસરની સલાહ માનીને ટેબલ પર પડેલી મેરિઅમ-વેબ્સ્ટર ડિક્શનરીમાંથી મેરિઅમ લઈને ઇવ મેરિઅમ નામ અપનાવ્યું. ૩૦ વર્ષની વયે પ્રથમ કાવ્યસંગ્રહ. બાળકાવ્યોના તો જાદુગર જાણે. એમના બાળકાવ્યો અમેરિકામાં પેઢી-દર પેઢી ભણાવવામાં આવી રહ્યાં છે. ૬૦થી વધુ પુસ્તકો લખ્યાં. વારાફરતી ચાર લગ્ન કર્યાં: એર્વિન સ્પિટ્ઝર (૧૯૩૯), માર્ટિન માઇકલ (૧૯૪૭), લિઓનાર્ડ લેવિન (૧૯૬૩) અને છેલ્લે વાલ્ડો સૉલ્ટ (૧૯૮૩). પ્રવાસ અને સમુદ્રના આકંઠ ચાહક પણ જીવનના કેન્દ્રસ્થાને ન્યૂયૉર્ક જ રહ્યું. એ કહેતાં કે ‘હું મેનહટ્ટનની અંતિમ જીવંત નિવાસી હોવાની આશા રાખું છું જ્યારે અન્યો સૌ પરાં કે ઉપનગરો માટે છોડી ગયાં હોય.’ ૧૧-૦૪-૧૯૯૨ના રોજ ૭૫ વર્ષની વયે મેનહટ્ટન, ન્યૂયૉર્ક ખાતે યકૃતના કેન્સરના કારણે નિધન. મૃત્યુ નજીક હોવાની ખાતરી થયા બાદ લખાયેલ મૃત્યુ-વિષયક કાવ્યો ‘એમ્બ્રાસિંગ ધ ડાર્ક: ન્યૂ પૉએમ્સ’ નામે મરણોત્તર પ્રકાશિત થયાં.

વિપુલ માત્રામાં ઉત્તમ બાળસાહિત્યનું સર્જન કર્યું હોવા છતાં અને સફળ નાટ્યકાર હોવા છતાંય ઇવ પ્રમુખતઃ કવયિત્રી જ હતાં. એ કહેતાં: ‘તમે કવિતાઓ લખો છો કેમકે એ તમારી અનિવાર્યતા છે… કેમકે તમે એમને લખ્યા વિના તમારું જીવન નહીં જીવી શકો.’ તેઓ ઉમદા જીવનકથાકાર પણ હતાં. નારીવાદી ચળવળો શરૂ થઈ એના ઘણાં વર્ષો પહેલાંથી ઇવના લખાણો, કટાક્ષોમાંથી એ વિશેનો બુલંદ અવાજ ઊઠવો શરૂ થયો હતો. પુરુષ-સ્ત્રી વચ્ચેની સામાજિક અસમાનતા સામેનો એમનો અભિગમ બહુ મજબૂત અને સટીક હતો. એમનો ક્રમિક રાજકીય દૃષ્ટિકોણ એમની કવિતાઓ અને નાટકોમાં શહેરી જીવન અને સામાજિક ન્યાયના સંદર્ભમાં સતત છતો થતો દેખાય છે. મેરિઅમની કવિતાઓ એક તરફ તમામ ઇન્દ્રિયો માટે ઉદ્દીપક અને સંતર્પકનું કામ કરે છે, તો બીજી તરફ આપણી મેધાને પણ પોષે-તોષે છે. મેરિઅમે પાનાં પર શબ્દોની ગોઠવણ બાબતમાં પણ કામ કર્યું હતું, અને એ રીતે દૃશ્યેન્દ્રિયને પોતાની કવિતામાં પૂરેપૂરી કામમાં લીધી હતી. પારંપારિક તુકબંદી ઉપરાંત રવાનુકરણ (onomatopoeia), અંતર્પ્રાસ, વર્ણસગાઈ, અનુનાદ (assonance), રુપક વગેરે તમામ કાવ્ય પ્રયુક્તિઓનો બહોળો પ્રયોગ એમની ખાસિયત ગણાય છે. કવિતાની ભાષા અને ભાષામાંનો અવાજ એ એમનો પ્રથમ પ્રેમ હતો, તો સામાજિક ન્યાય બીજો પ્રેમ હતો. સમાજની આકરી ટીકા કરતું ‘ઇનર સિટી મધર ગૂઝ’ પુસ્તક અમેરિકામાં સૌથી વધુ પ્રતિબંધિત થયેલ પુસ્તક હતું. આ પુસ્તકમાંની સૌથી ટૂંકી કવિતા આ હતી: ‘એક કુટિલ માણસ હતો,/ અને એ ખૂબ સારી રીતે જીવ્યો.’ આ પુસ્તક પરથી બનાવાયેલ સંગીત-નાટિકાએ બ્રૉડવે પર તહલકો મચાવ્યો હતો. ‘ધ વે વી વર’ ફિલ્મનું ‘કેટી મોરોસ્કી’ નામનું પાત્ર એમના જીવન પર આધારિત હતું.

‘કવિતા કેવી રીતે ખાવી’ નાની અમથી રચના છે. ૧૯૬૪માં બાળકો માટે લખાયેલ એમના ‘ઇટ ડઝન્ટ ઑલ્વેઝ હેવ ટુ રાઇમ’ પુસ્તકમાં આ કવિતા પ્રગટ થઈ હતી. બાળકો માટે લખવામાં આવેલ હોવા છતાં મેરિઅમના મોટાભાગના પુસ્તકો મોટેરાંઓને પણ સમાનભાવે અપીલ કરે છે. મેરિઅમ પોતે પણ આ હકીકતથી માહિતગાર હતાં. કદાચ એ રીતે કે તેઓ જાણતાં હતાં કે માણસ ગમે તેટલો મોટો કેમ ન થાય, એની અંદરનું બાળક કદી અવસાન પામતું નથી. સામાન્યરીતે પ્રાસને કવિતાનું બહુ અગત્યનું અંગ માનતાં મેરિઅમે ૬૦ના દાયકામાં કવિતા વિષયક કવિતાઓની પુસ્તકત્રયી પ્રગટ કરી હતી, જેમાં ઉપરોક્ત પુસ્તક ઉપરાંત ‘ધેર ઇઝ નો રાઇમ ફોર સિલ્વર’ અને ‘કેચ અ લિટલ રાઇમ’નો સમાવેશ થાય છે. સ્વભાવિકપણે પ્રસ્તુત રચના છંદ અને પ્રાસથી પર અછાંદસ કાવ્ય છે, જેને મરિઅમે ૫-૨-૭ પંક્તિઓના ત્રણ ભાગમાં વહેંચી નાંખ્યું છે. પહેલો ભાગ કવિતા કેવી રીતે ‘ખાવી’ એ સમજાવે છે, બીજો ભાગ કયા-કયા ઉપકરણોની જરૂર નથી એ કહે છે અને ત્રીજો ભાગ એ માટેનાં કારણો આપે છે.

હવા, પાણી અને ખોરાક જીવમાત્રની પ્રાથમિક જરૂરિયાત છે. આજે ભલે મનુષ્ય સર્વભક્ષી બન્યો છે પણ લાખો વર્ષ સુધી મનુષ્ય મુખ્યત્વે માંસભક્ષી જ હતો. દસેક હજાર વર્ષ પૂર્વે નૂતન પાષાણયુગમાં માણસ જંગલી ફળો-શાકભાજી અને અનાજ-કઠોળ ખાતો થયો. એ જમાનામાં મનુષ્યની શારીરિક સક્રિયતા એટલી બધી હતી કે એનો ખોરાક પણ આજે આપણી આંખ ચાર થઈ જાય એટલો અધધધ હતો. ખેતીની શોધ સાથે માણસ ઠરીને ઠામ થયો અને સભ્યતાઓ આકાર લેવા માંડી. જ્યારે માણસ ઠરીઠામ નહોતો થયો ત્યારે સ્થળાંતર કરતા પશુઓ સાથે એનું પણ સ્થળાંતર થતું રહેતું અને પ્રકૃતિ અને મનુસઃય વચ્ચેનું સમતુલન તંતોતંત જળવાઈ રહેતું પણ જેવો મનુષ્ય સ્થાયી થયો કે એનો ખોરાક અને ખોરાક માટેના વિકલ્પો-બંને મર્યાદિત બન્યા જેના કારણે આયુષ્ય ઘટતું ગયું, અને કુદરતી પરિબળો પર અવલંબન વધતું ગયું. બાઇબલમાં પણ સાત વર્ષના દુકાળનો ઉલ્લેખ જોવા મળે છે. સમય-સમયે અને સ્થળે-સ્થળે મનુષ્યોની ખાણીપીણીની પદ્ધતિઓમાં ફરક અને ફેરફાર થયેલાં જોવા મળે છે. ધીમેધીમે મનુષ્ય સીધાં બચકાં ભરીને ખાવા બદલે હાથથી નાના ટુકડાઓ કરીને ખાતો થયો. પછી છરી-કાંટા અસ્તિત્વમાં આવ્યા. ખાવાની વાતની આટલી પારાયણ એટલા માટે કે આપણે કવિતા કેવી રીતે ખાવી જોઈએ એ વાત કરવી છે.

શીર્ષક આપણને ચોંકાવે છે. કવિતા વાંચવાની-સાંભળવાની-માણવાની વસ્તુ છે એવું સાંભળી-સાંભળીને આપણાં મનાંકનો દૃઢ થયાં છે. કવિતા હાથમાં લઈએ એ પહેલાં જ મેરિઅમ સવાલ કરે છે: કવિતા કેવી રીતે ખાવી. કવિતા ખાવાની વાત જ આપણી આંખો ચાર કરી દે છે. આપણે તૈયાર થઈ જઈએ છીએ કે નક્કી આજ સુધી કદી જોયું-જાણ્યું નહીં હોય એવી જ કોઈ વસ્તુ સાથે અહીં આપણો પનારો પડશે. આ શીર્ષક વાંચી લીધા પછી કવિતા વાંચવાનું ટાળી શકે એવો હિંમતવાન તો કોઈ વિરલો જ હોવાનો. શીર્ષક વડે કવયિત્રી ભાવકને જડબેસલાક જકડી રાખે એવો હૂક મારી આપવામાં સફળ રહ્યાં છે. આખી કવિતામાં કુલ છ પૂર્ણવિરામ અને એક અલ્પવિરામચિહ્ન વપરાયાં છે, પણ શીર્ષકમાં પ્રશ્ન હોવા છતાં મેરિઅમ પ્રશ્નાર્થચિહ્ન પ્રયોજતાં નથી, એ સૂચક છે. પ્રશ્ન પછી ચિહ્ન મૂકીને એ ભાવકને અટકવા દેવા માંગતાં નથી. પ્રશ્ન પૂરો થાય એ પહેલાં એ ચિહ્ન ગોપિત રાખીને સીધું જવાબ સાથે જ ભાવકનું અનુસંધાન સાધી આપે છે. નાનપણથી આપણને શીખવવામાં આવ્યું છે કે ખાવા બેસીએ ત્યારે ડાહ્યા થઈને બેસવું. નીચે બેસીએ તો પલાંઠી વાળીને અને ટેબલ પર બેસીએ તો ખોળામાં નેપકિન પાથરીને. ખાતાં પહેલાં પ્રાર્થના કરવાની અને કોઈ મહેમાન આવ્યું હોય તો એ ખાવાની શરૂઆત કરે ત્યાં સુધી બાકીનાઓએ રાહ જોવાની. ઉતાવળ તો જરાયે ન કરવાની. નાના કોળિયાં લેવાનાં અને ધીમે ધીમે ચાવી-ચાવીને ખાવાનું. હાથ ન વાપરવા. છરી-કાંટા વાપરવા. સબડકાં ન ભરવા. બચ-બચ કરવું નહીં. આંગળાં ચાટવાં નહીં. સીધું વાસણ મોઢે માંડવું નહીં. અને આ બધા શિષ્ટાચાર પરથી તમારું શિક્ષણ અને સભ્યતા નક્કી કરવામાં આવે છે. જે કામ સજીવમાત્ર કુદરતી સ્વયંસ્ફુરણાથી કરતો આવ્યો હતો, એ શીખવાડવા માટે આજે પૈસા લઈને ચાલતા વર્ગો પણ અમલમાં આવ્યા છે.

પણ મેરિઅમ બધા જ શિષ્ટાચાર નેવે મૂકીને સીધી વાત કરે છે. કવિતા ખાવા માટે એનો પહેલો અને ટૂંકોટચ આદેશ છે કે વિનમ્ર ન બનશો. કરડી ખાવ. આક્રમણ. તૂટી પડો. રાહ ન જોશો. ગળથૂથીથી જે આચારસંહિતા શીખીને આપણે મોટાં થયાં છીએ, કવિતા ‘ખાવા’ સૌથી પહેલાં એનો જ ત્યાગ કરવાનો છે. કવિતાની પાસે જવાની આ પહેલી શરત છે. કોઈપણ જાતના પૂર્વનિર્મિત માપદંડ લઈને જો તમે કવિતાની પાસે જવાની કોશિશ કરશો તો કાવ્યતત્ત્વ કદી હાથ નહીં આવે. કવિત્ એ છટકણો પદાર્થ છે. પ્રારબ્ધની જેમ જ એ ‘રહે છે દૂર માંગે તો, ન માંગ્યે દોડતું આવે’ છે. (બાલાશંકર કંથારીયા) કવિતાની પાસે જવું હોય તો સૌથી પહેલાં તમારે કોરો કાગળ બનવું અનિવાર્ય છે. લીટા પડેલા કાગળ પર લખી નહીં શકાય. આકાર વગરની માટીનો લોંદો લઈને ચાકડે મૂકશો તો જ એમાંથી વાસણ બની શકશે. કેટલી મોટી વાત છે! પણ કવયિત્રી કેવી બાળસુલભતાથી સમજાવી શક્યાં છે!

કોઈ પણ સાધનસામગ્રીની રાહ જોયા વિના કવિતાને સીધી આંગળીઓથી જ ઊંચકી લેવાની છે અને કરડી જ ખાવાની છે. સ્વાદ પામવો હોય તો એમાં સીધા દાંત જ બેસાડવા પડશે, ને આમ કરતાં જે રસ કદાચ તમારી હડપચી પરથી દડીને નીચે ઊતરે છે, એને પણ જતો નથી કરવાનો, તરત જ ચાટી લેવાનો છે. અહીં ‘કદાચ’ શબ્દ પણ ધ્યાન માંગી લે છે. પૂર્ણ જંગલિયત સાથે જ્યારે તમે કવિતાના ફળને કરડી ખાવ છો ત્યારે રસ ભાગ્યે જ છટકી શકશે. એ સંપૂર્ણતઃ તમારા મોંમાં આવશે. પણ ન કરે નારાયણ ને રસ છટકે અને દાઢીથી નીચે ઊતરે તો લગરિક શરમાયા-ખંચકાયા વિના એને પણ ચાટી જ લેવાનો છે. એક બુંદ પણ છટકવા દેવાનું નથી. કવિતા ‘ખાવી’ હોય તો આ સૂચનાનું પાલન કર્યા વિના છૂટકો નથી. માર્ક સ્ટ્રાન્ડ નામના કવિ ‘ઇટિંગ પોએટ્રી’માં લખે છે: ‘શાહી મારા મોઢાના ખૂણાઓથી દડે છે./મારા જેવી ખુશી બીજે ક્યાંય નથી./હું કવિતા ખાઈ રહ્યો છું.’

બીજા તમામ ફળ પાકે અને ખાવા માટે તૈયાર થાય એ માટે તમારે રાહ જોવાની હોય છે પણ કવિતાનું આ ફળ એવું છે, જે તમે જે ઘડીએ તૈયાર અને પરિપક્વ હો એ ઘડીએ જ એ પણ તૈયાર અને પાકી ગયેલું હશે. કવિતાનું આ ફળ તમારી તૈયારી મુજબ પાકે છે. છરી અથવા કાંટા અથવા ચમચી અથવા પ્લેટ અથવા નેપકીન અથવા ટેબલક્લોથ – તમારે કશાની જરૂર પડવાની નથી. તમારી અને કવિતાની વચ્ચે કોઈપણ સાધન આણવાની જરૂર નથી. કવિતા સાધ્ય છે ને તમે પોતે જ સાધન છો. કોઈપણ બાહ્ય ઉપકરણ કવિતાનો સ્વાદ માણવા માટે ઉપકારક નહીં નીવડે. એકમાત્ર સાધન જો કોઈ હોય તો તે તમે, અને માત્ર તમે જ છો. કવિતા ખાવા માટેના તમામ ઉપકરણો – શબ્દાર્થ, વિવેચન, આસ્વાદ બધું જ અર્થહીન છે. આર્કિબાલ્ડ મેકલેઇશે કહ્યું હતું કે ‘કવિતાનો અર્થ જરૂરી નથી, પણ (કવિતા) હોવી જોઈએ.’ ઇલિયટે પણ કહ્યું હતું કે ‘વિશુદ્ધ કવિતા સમજાય એ પહેલાં જ પ્રત્યાયન કરી શકે છે.’ આમ, કવિતા મૂળે અનુભૂતિનો પદાર્થ છે. અર્થ ન પણ સમજાય તો પણ કવિતા ભાવકના મનમાં સ્પંદન સર્જી શકે છે. આ સ્પંદનો જ કવિતાનો મૂળ અર્થ અને હેતુ હોઈ શકે.

ભલે શબ્દો હો જાણીતા, ભલે હો અર્થથી અવગત,
કવિતા તે છતાં પણ જ્ઞાનથી સમજાય તો સમજાય

ઘણા ચિત્રો આપણે કલાકો મથીએ પણ સમજી શકાતા નથી. આપણને એ વાહિયાત લાગે છે. પણ આ ચિત્રો જોતી વખતે આપણી ભીતર જે વિચારવમળ જન્મે છે, જે અરાજકતા અનુભવાય છે એ જ એનો સાચો અર્થ છે. કોઈ જ્ઞાની માણસ આવે અને ચિત્ર કે કવિતાના મહીન પહલૂઓ તરફ આપણું ધ્યાન દોરે ત્યારે આપણી અનુભૂતિનો ગુણાકાર થાય છે. એ વિશેષ મજા છે પણ નાસમજીમાં અનુભવેલ રોમાંચ પણ એટલો જ સાચો છે. મેરિઅમના એક સંગ્રહનું નામ જ ‘આઉટ લાઉડ’ છે. આ બે શબ્દોમાં જ મેરિઅમની કવિતાની આખી ફિલસૂફી છતી થાય છે. કવિતા મનમાં વાંચવાની વસ્તુ છે જ નહીં. મોટેથી વાંચો. ફરી-ફરીને વાંચો. મોટેથી વાંચ્યા વિના અને એ રીતે સાંભળ્યા વિના કવિતાના પ્રેમમાં પડવું શક્ય જ નથી એમ તેઓ માનતાં. કવિતાનું સંગીત આત્માને સ્પર્શવું શરૂ થાય એ પછી જ સાચી કવિતા સમજાવી શરૂ થાય છે. મેરિઅમ કહેતાં: ‘કંઈ પણ કરો, પણ કવિતા વાંચવાના કારણો શોધી કાઢો. એને ખાવ, એને પીઓ, એનો આસ્વાદ લો, અને એને વહેંચો.’

કવિતા ખાવા માટે કોઈ પણ ઉપકરણની જરૂર નથી કારણ કે આ એવું ફળ છે જેમાં કાપીને કાઢવો પડે એવો સફરજન જેવો કોઈ ગર્ભ નથી, લીચી કે બેરી જેવી કોઈ દાંડી નથી, કેળાં, સંતરાં કે અનેનાસ જેવી કોઈ છાલ નથી, ચીકુ, બોર કે જાંબુ જેવા કોઈ ઠળિયાં નથી, સફરજન કે તડબૂચ જેવાં કોઈ બિયાં નથી, અને સંતરા-મોસંબીની જેમ બહારની છાલ કાઢ્યા પછી ચીરીઓ ઉપરની કોઈ ત્વચા નથી, જેને તમારે કાઢી ફેંકવાનું હોય. આ એવું ફળ છે, જેનો કોઈ જ ભાગ તમારે જતો કરવાનો છે જ નહીં. આખેઆખા ફળનો આકંઠ આસ્વાદ લેવાનો છે. તમારી અને આ ફળની વચ્ચે બીજું કશુંય આવવું ન જોઈએ. તમારે બસ, તૂટી પડવાનું છે.

બાળકો માટે લખાયેલી આ કવિતા સહુને સમાન અંશે સ્પર્શે છે. જમવા માટેના તમામ શિષ્ટાચારને સંપૂર્ણતયા તિલાંજલી આપીને જ કવિતાની વાનગી હાથમાં લેવાની છે. કવિતાનો દેખીતો સૂર રમૂજનો છે, હળવાશનો છે પણ વાત મુદ્દાની છે, પાયાની છે. કવયિત્રીનો હેતુ પૂર્ણપણે ગંભીર છે. ચાવીરૂપ સંદેશો એ ભરપૂર આવેશ અને ઊર્જા સાથે આપણા સુધી પહોંચાડે છે: કવિતા કંઈ વિનમ્ર, વિશુદ્ધ અને પૂર્ણપણે સભ્ય વસ્તુ નથી. એ પૂરી અવ્યવસ્થિત છે, માનવીય છે અને દરેક માટે મોકળો અભિગમ ધરાવે છે. એ ડાઇનિંગ ટેબલ પર બેસીને છરી-કાંટા લઈને ખાવાની વસ્તુ નથી, એના પર તો જંગલીની જેમ તૂટી જ પડવાનું હોય અને ખબરદાર જો, એક અંશ પણ વેડફ્યો છે તો…

અને કવિતા ‘ખાતાં’ શીખી લીધા પછી ચાલો, એમની જ એક કવિતા ‘’ધ એસ્કેઇપ’ એમણે જે રીતે સલાહ આપી છે, એ રીતે જ ખાઈએ:

અચાનક સબવેમાં
ન્યુઝસ્ટેન્ડ પરથી છાપું ખરીદવાનો સમય રહ્યો નહોતો,
અને પસાર થતી ટ્રેનો પરની બધી જાહેરાતો
(ઇનોના જોડકણાં વાળી સુદ્ધાં) વાંચી લીધા બાદ,
હું મારા અમર આત્મા સાથે રૂબરૂ થઈ ગયો,
અને મારે ઉતરવાનું બીજા ત્રણ સ્ટેશનો પછી આવવાનું હોવાથી
હું ચિંતામાં પડ્યો,
જ્યાં સુધી મેં એક છોકરાને અલગ-અલગ ટ્રેનોમાં ફરીને
કબજિયાત અને ઈલાજ પરના ફરફરિયાં વહેંચતો નહીં જોયો:
એમના પર બંને બાજુઓ પર છાપકામ હતું, અને નીચે ઝીણી પ્રિન્ટ પણ,
મતલબ હવે હકીકતમાં ચિંતા કરવા જેવું કંઈ જ નહોતું, કંઈ જ નહીં.

ગ્લૉબલ કવિતા : ૧૦૯ : એક વંટોળિયાળ દિવસ – એન્ડ્રૂ યંગ

A Windy Day

This wind brings all dead things to life,
Branches that lash the air like whips
And dead leaves rolling in a hurry
Or peering in rabbit’s bury
Or trying to push down a tree;
Gates that fly open to the wind
And close again behind,
And fields that are a flowing sea,
And make the cattle look like ships;
Straws glistening and stiff
Lying on air as on a shelf
And pond that leaps to leave itself;
And feathers too that rise and float,
Each feather changed into a bird,
And line-hung sheets that crack and strain;
Even the sun-greened coat,
That through so many winds has served,
The scarecrow struggles to put on again.

– Andrew Young

એક વંટોળિયાળ દિવસ

આ પવન તમામ નિર્જીવ વસ્તુઓને સજીવ કરી દે છે,
ડાળીઓ જે હવાને ચાબુકની જેમ ફટકારે છે
અને સૂક્કાં પાન ઉતાવળે ગડથોલિયાં ખાય છે
અથવા સસલાંની બખોલમાં ઝાંકે છે
અથવા એક ઝાડને નીચે પાડવા મથે છે;
દરવાજાઓ જેઓ પવનથી ફટાક કરતાં ખૂલી જાય છે
અને ફરી પાછાં બિડાઈ થઈ જાય છે,
અને ખેતરો જેઓ છે વહેતો દરિયો,
અને ઢોર એમાં જહાજો જેવાં દેખાય છે;
ચળકતાં અને અક્કડ તણખલાં
હવા પર સૂતાં છે જાણે કે છાજલી પર ન હોય
અને તળાવ જે પોતાને ત્યાગવા માટે કૂદે છે;
અને પીંછાં પણ ઊંચે ઊઠે છે અને તરે છે,
પ્રત્યેક પીછું એક પક્ષીમાં પલટાઈ ગયું છે,
અને દોરી પર સૂકવેલ ચાદરો જે ફડફડે છે અને તણાય છે;
કંઈ કેટલાય પવનો સામે જેણે કામ આપ્યું છે,
એ તડકામાં તપીને લીલા થયેલ ડગલાને પણ,
ચાડિયો ફરીથી પહેરવા મથે છે.

– એન્ડ્રૂ યંગ
(અનુ.: વિવેક મનહર ટેલર)

કણ-કણમાં પ્રાણ પૂરતા પવનનું કવન

ઑફિસના એના એ બિલ્ડિંગમાં રોજ જ જવાનું… એક-બે દિવસ નહીં, વરસોવરસ… કેવું કંટાળાજનક! ઓફિસના દરવાજે સ-રસ મજાનું નક્શીકામ કેમ ન કર્યું હોય અને એમાં હીરા-મોતી-સોના-ચાંદી પણ કેમ ન જડ્યા હો, એકના એક સ્થળે વારંવાર જવામાં મજા તો નહીં જ આવે. આ મનુષ્યમાત્રનો સ્વ-ભાવ છે. પણ ઑફિસના મકાનની બહાર નાનો બગીચો હોય કે બે-પાંચ વૃક્ષો રોપ્યાં હોય કે દરવાજાની આજુબાજ ફૂલોના છોડવાળા કૂંડાં મૂક્યાં હોય તો આ કંટાળો જરા ઓછો થઈ જાય. એના એ ફૂલ-છોડ-વૃક્ષોની સામે રોજેરોજ જોવામાં આપણને ભાગ્યે જ કંટાળો આવે છે. એ જ રીતે, જીવનમાં સેંકડો સૂર્યાસ્ત કેમ ન જોયા હોય, પણ સૂર્ય ડૂબવાનો સમય હોય અને આપણે સનસેટ પૉઇન્ટથી દૂર હોઈએ તો આપણાં પગલાં આપોઆપ ઝડપી બની જતાં હોવાનું આપણે અનુભવ્યું જ છે. એનો એ સૂર્ય, એનું એ આકાશ પણ આકર્ષણ હંમેશા નવું. કારણ? કારણ એ જ કે પ્રકૃતિમાં જીવન છે અને જીવન હરહંમેશ પરિવર્તનશીલ જ હોય. પ્રકૃતિમાં કદી એકવિધતા હોઈ શકે જ નહીં. જ્યારે જુઓ, ત્યારે એ નવી ને નવી જ. કોઈ પણ વૃક્ષ કે છોડ કે આકાશ કે નદી-નાળાં-સમુદ્ર એવાને એવા બીજી વાર જોવા મળતા નથી. એના કદ-આકાર-રૂપ-રંગ: કંઈનું કંઈ સતત બદલાતું રહે છે. પ્રકૃતિમાં ફક્ત ‘ચેઇન્જ ઇઝ કોન્સ્ટન્ટ’ (હેરાક્લિટસ). આ જ કારણ છે કે પ્રકૃતિ કદી કંટાળો આપતી નથી. પ્રકૃતિ દરેક વસ્તુમાં જીવ રેડી દે છે, એ વાતને પવનના સાપેક્ષમાં કવિ એન્ડ્રૂ યંગ રજૂ કરે છે.

એન્ડ્રૂ જૉન યંગ. કવિ. લેખક. પાદરી. ૨૯-૦૪-૧૮૮૫ના રોજ એલ્જિન, સ્કૉટલેન્ડમાં સ્ટેશનમાસ્ટરના ઘરે જન્મ. આઠ વર્ષની નાની વયે કવિતા લખતા-વાંચતા થઈ ગયા. પ્રકૃતિ અને ફૂલોમાં ખોવાઈ જવાના શોખના કારણે શાળામાં અવારનવાર ગેરહાજર રહેતા એટલે એમની સ્કૉલરશીપ રદ કરવામાં આવી હતી. તોય ભણ્યા અને આર્ટ્સમાં કવિ બનવાની આશા સાથે અનુસ્નાતક થયા. ૧૯૦૭માં એમનો ભાઈ ડેવિડ રહસ્યમયરીતે ગાયબ થઈ ગયો. આ ઘટનાથી વ્યથિત થઈ વકાલત ભણવાનું છોડીને ન્યૂ કોલેજમાં ધર્મશાસ્ત્ર ભણ્યા. પણ કવિતાના સંસ્કાર એમ પીછો છોડે એવા નહોતા. દીકરાના દિમાગમાંથી કવિતાનો કીડો કાયમ માટે નીકળી જાય એ આશામાં ૧૯૧૦માં એમના પિતાએ પોતાના ખર્ચે એમનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો. પણ કવિતા તો એમની કાયમી જીવનસંગિની હતી. એ જ અરસામાં શિક્ષિકા જેનેટ ગ્રીનને જીવનસંગિની બનાવી, જેણે બે બાળકોની સંપૂર્ણ જવાબદારી પોતાના માથે લઈને મૃત્યુપર્યંત પતિ માટે સાહિત્યકાર બનવાનો માર્ગ પ્રશસ્ત કરી આપ્યો. અભ્યાસ બાદ યંગ ચર્ચમાં પાદરી તરીકે જોડાયા અને નિવૃત્તિ સુધી અલગ-અલગ ચર્ચોમાં અલગ-અલગ પદ પરથી સેવા આપી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન એક આરામ-છાવણીમાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે પણ સેવા આપી. એ પછી તેઓ પૂર્વી સસેક્સ, ઇંગ્લેન્ડમાં સ્થાયી થયા. અવારનવાર નર્વસ બ્રેકડાઉનના શિકાર થયા. સ્વભાવે તામસી પણ કવિતા એકદમ સાલસ. ૧૯૬૯માં પત્નીના અવસાનનો આઘાત જીરવી ન શકાતા, મૃત્યુની મનોકામના સેવતા-સેવતા અંતે બે જ વરસમાં ૮૬ વર્ષનું દીર્ઘાયુ ભોગવી ૨૫-૧૧-૧૯૭૧ના રોજ નિધન.

યંગની શરૂઆતની કવિતાઓ પર સ્વાઇનબર્ન અને ડેકડન્ટ્સ કવિઓની અને ત્યાર બાદ જ્યૉર્જિઅન કવિઓની છાયા વર્તાય છે. ત્રીસીના દાયકામાં કવિએ પોતાનો આગવો અવાજ શોધ્યો. એ. જે. યંગ નામથી લખેલા આગળના સંગ્રહોને રદ કરી એન્ડ્રૂ યંગના નામથી લખવાનું શરૂ કર્યું. હાથ આવ્યા એ તમામ સંગ્રહો એમણે નષ્ટ પણ કરી નાખ્યા. એ કવિતાઓ પોતાની નથી એવું સાબિત કરવા માટે ખાસ્સુ મથ્યાય ખરા. જૂની કવિતાઓ નવી શૈલીમાં એમણે ફરીથી પણ લખી. પણ જૂની કવિતાઓમાં પણ એમનો કસબ તો હતો જ અને કવિની ઇચ્છા વિરુદ્ધ સમયે એ રચનાઓ પણ સાચવી લીધી. લાઘવ અને સંગીત એમના પ્રધાન કાકુ. આધિભૌતિકતા (મેટફિઝિકાલિટી), સૂક્ષ્માવલોકન, પ્રકૃતિ, ઈશ્વર અને માનવજીવનમાં નૈતિક મૂલ્યો એમની કવિતાઓના જમા પાસાં ગણી શકાય. પ્રસિદ્ધ શૌકીયા વનસ્પતિશાસ્ત્રી પણ તેઓ હતા અને એમના પુસ્તકોમાં એની ઝાંખી પણ જોવા મળે છે. એમના કામને સ્વીકૃતિ અને પ્રસિદ્ધિ બંને ધીમી ગતિએ પ્રાપ્ત થયાં પણ આજે એમની કવિતાઓ વીસમી સદીની ‘અસ્વસ્થતાની વચ્ચે એક સ્વસ્થ અવાજ’ ગણાય છે.

‘એક વંટોળિયાળ દિવસ’ શીર્ષક આપણે પ્રકૃતિ કાવ્યમાં પ્રવેશી રહ્યા હોવાનો પહેલો ઈશારો આપે છે. સામાન્ય રીતે અંગ્રેજીમાં વધુ પ્રચલિત પેન્ટામીટરના સ્થાને આયમ્બિક ટેટ્રામીટરમાં લખાઈ હોવાના કારણે આ કવિતા વંટોળિયાની જેમ વધુ ગતિશીલ બની છે. અંગ્રેજી કવિતાની પ્રાસરચના પણ ખાસ્સી અનિયમિત છે: abcc deed fghh ijk ijk. આવી તૂટેલીફૂટેલી પ્રાસયોજના પણ પવન જે રીતે વસ્તુઓને ઊડાડીને સેળભેળ કરી નાંખે છે એના જેવો જ અહેસાસ કરાવે છે. બીજું, અઢાર પંક્તિની આ આખી કવિતા કવિએ સળંગ જ રાખી છે. વચ્ચે-વચ્ચે વિરામચિહ્નો છે પણ પૂર્ણવિરામ છે…ક કાવ્યાંતે જ આવે છે. આમ આખી રચના એક જ વાક્યની બનેલી છે એમ ગણી શકાય. વિરામચિહ્નો ઉપરાંત ‘અને’ તથા ‘અથવા’ જેવા સંયોજકોના મિજાગરાઓ પર પંક્તિઓના દરવાજાઓ એક વાક્યમાં બંધાયેલા રહે છે. પવનનું એક તોફાની ઝાપટું આવે અને પસાર થઈ જાય એ જ રીતે આ કવિતા આપણામાંથી પસાર થઈ જાય છે અને આપણી અંદર વેરવિખેર પડેલ અસ્તિત્વના ટુકડાઓને વાળીઝૂડીને નવો આકાર આપતી જાય છે.

‘આ પવન’થી વાત શરૂ થાય છે. ‘ધ વિન્ડ’ કહી દુનિયાના તમામ સ્થળો અને સમયોના પવનોનું સામાન્યીકરણ કરવાના બદલે કવિ ‘ધિસ વિન્ડ’ કહીને જે પવન એમની નજર સામે છે એની જ વાત પોતે કરી રહ્યા છે એમ ભારપૂર્વક જણાવે છે. આ પવન તમામ નિર્જીવ વસ્તુઓને સજીવ કરી દે છે. કેવું સનાતન સત્ય! ટેબલ પર પુસ્તક પડી રહ્યું હોય અને પવન આવ્યો નથી કે પ્રાણ પૂરાયો ન હોય એમ એનાં પાનાં ફરફર્યાં નથી. પવન એટલે ગતિદાર હવા. હવા તો આપણી ચારેતરફ કણેકણમાં વ્યાપ્ત છે જ પણ એની હાજરીનો અહેસાસ ગતિ કે ગંધ વિના અસંભવ છે. આદિલ તો ત્યાં સુધી કહે છે કે, ‘બીજી તો કોઈ રીતથી જોઈ નહીં શકો, દૃષ્ટિ વિકાસ પામે તો દેખાય છે પવન.’ નિર્જીવ અને ખાસ તો ગેરહાજર ભાસતી હવા ગતિદાર બને છે ત્યારે એ એની અડફેટમાં આવનાર તમામ ચીજવસ્તુઓમાં જીવ રેડી દે છે. ગતિશીલ હવાનો હાથ ફરતાં જ સૃષ્ટિ આખી સજીવન થઈ ઊઠે છે. કવિ માત્ર થોડો સમય માટે વહીને ચાલ્યા જતા પવનની નહીં, પણ દિવસ આખો ફૂંકાયે રાખતો હોય એવા પવનની, એક વંટોળિયાળ દિવસ આખાની વાત માંડે છે અને પવનના સ્પર્શે જેનામાં જીવ ફૂંકાતો હોય એવી વસ્તુઓને એક પછી એક રજૂ કરે છે.

મોટાભાગનું આયખું શહેરમાં વીત્યું હોવા છતાં યંગની કવિતાઓમાં સ્કૉટલેન્ડના ગામડાં અને વન-વગડા સતત ડોકાતાં રહે છે. ડાળીઓ હવામાં પવનના કારણે જે રીતે હાલી રહી છે એ જોઈને કવિને એમ લાગે છે જાણે એ ચાબુક બનીને હવાની પીઠ પર વીંઝાઈ રહી છે. અને ખરીને સૂક્કાં થઈ પડેલાં પાંદડાંઓ ઉતાવળમાં હોય એમ ગડથોલિયાં ખાતાં ઊડાઊડ કરે છે. સૂકાં પર્ણોની વાત પરથી ‘ધ લિફ’ નામની એક કવિતા પણ યાદ આવે. યંગ કહે છે: ‘ક્યારેક પાનખરનું એક પાંદડું/જે જમીન પર ખરી પડે છે,/હૃદયમાં એક જખ્મ દઈ જાય છે,/અને જગાડે છે પુરાણા દુઃખને./પણ હું એટલે નથી રડતો/કે પાનખરમાં તમામ પર્ણો મરી જાય છે,/હું ફક્ત એટલે જ રડું છું કે મારે/એમને ખરતા જોવા જીવવું પડવાનું છે.’ કેવી સંવેદના! આવી જ સંવેદના ‘ઑટમ’ કવિતામાં પણ જોવા મળે છે જ્યાં યંગ ફૂલોને નિસ્તેજ પૃથ્વીની મીઠી આશાઓ અને સ્મૃતિઓથી ભરેલી જાગૃત આંખો કહી ઓળખાવે છે. ‘સ્લિપ’ કવિતામાં દિવસે ખીલેલાં ફૂલ રાત્રે બિડાઈને ફરી કળી બની જાય છે એ સંવેદન યંગ જે રીતે રજૂ કરે છે એના પરથી કવિની દૃષ્ટિ સામાન્યજનથી કઈ રીતે અલગ પડે છે એ સમજી શકાય છે:

ફૂલો ભૂત જેવા સફેદ છે,
ધૂમિલ શેરીની કોરે,
તેઓ સૂઈ જાય છે અને પલટાઈ જાય છે
કૂમળી કળીઓમાં રાતે.

એથી જ, ગીતો અને પાપો જે પ્રજ્વાળે છે
એના તમામ દર્દથી ક્લાન્ત,
હું પણ, સૂઈ જઈશ અને પલટાઈ જઈશ
એક બાળકમાં ફરીથી.

પુનઃ કવિતા પર નજર કરીએ. પવન સસલાંની બખોલમાં પણ ડોકિયાં કરી આવે છે અને ઝાડને એવી રીતે નમાવી દે છે જાણે પાડી દેવા ન માંગતો હોય! અહીં આગળથી વાક્યરચના થોડી અસંદિગ્ધ જણાય છે. સસલાંની બખોલમાં જે ઝાંકે છે એ કર્તા સ્પષ્ટ થતો નથી. એ જ રીતે અહીંથી આગળ જતાં સંયોજકો કાવ્યને ભલે સળંગ વાક્યમાં બાંધી રાખતા કેમ ન હોય, વાક્યને અટપટું અને ક્લિષ્ટ પણ બનાવે છે. જો કે પવનની કવિતા છે અને મજાની છે એટલે થોડી ભાષાકીય અનિયમિતતાને નજરઅંદાજ કરવામાં કશું ખોટુંય નથી. અસ્પષ્ટતા ઘણીવાર કવિતાના સૌંદર્યને અવરોધવાના બદલે વધુ ઉજાગર કરતી હોય છે. અહીં પણ પવનના તોફાન સાથે આ અનિયમિતતાનો તાલમેળ બેસતો નજરે ચડે છે. પવનના જોરથી દરવાજાંઓ ફટાક્ કરતાંકને ઊઘડી જાય છે અને પવનનું ઝાપટું વહી જતાં જ આપોઆપ એજ જોરથી ફરી બિડાઈ પણ જાય છે. ખેતરોમાં ઊગેલો પાક કે મેદાનોમાં ઊગેલું ઘાસ એવી રીતે લહેરાઈ રહ્યાં છે જાણે ખેતરો સાક્ષાત્ લીલો દરિયો બની ગયાં ન હોય અને રખડતાં ઢોર આ હરિતસાગરમાં જહાજ બનીને તરવા માંડે છે. તડકામાં ચમકી રહેલાં સૂકાં-કડક તણખલાંઓ હવાના કારણે ઊંચે ઊઠ્યાં છે અને હવા જાણે મકાનમાંની છાજલી ન હોય એમ એના પર આડાં પડ્યાં હોવાનું મજાનું કલ્પન કવિને સૂઝે છે. આદિલ મન્સૂરી સ-રસ વાત કરી ગયા:

ડોલી ઊઠે છે મસ્તીમાં આવી તમામ બાગ,
સાકી બનીને જ્યારે સુરા પાય છે પવન.

તળાવના પાણીમાં પણ વંટોળિયાના પ્રભાવે મોજાં ઊઠી રહ્યાં છે, જે જોઈને એમ લાગે છે કે તળાવ પોતાની જાતનો ત્યાગ કરીને બહાર આવવા કૂદી રહ્યું છે. પોતાની જાતની કેદમાંથી મુક્ત થવું એ કદાચ સૌથી કપરી વસ્તુ છે પણ પ્રકૃતિ આ વરદાનથી સહુને નવાજે છે. પવનના સહારે તળાવ જેવા તળાવને સ્વમાંથી બહાર આવવાની તક મળે છે. કેનોપનિષદમાં વાયુદેવ યક્ષને કહે છે: ‘इदं सर्वम् अपि आददीय यत् इदं पृथिव्याम् इति॥’ (આ બધાને, આ પૃથ્વી પર જે કંઈ છે, એને હું મારામાં લઈ લેવા (ઉપાડી લેવા) સમર્થ છું). સાચી વાત છે, પવનની પાંખ મળે તો બીજી પાંખોની શી જરૂર? તણખલાંની જેમ પીંછાં પણ હવાના જોરથી ઊંચે ઊઠે છે અને ઊડે છે. એવું લાગે છે કે દરેક પીંછું એક પંખીમાં પલટાઈ ગયું છે. ‘ગો નાઉ, માય સૉન્ગ’ નામના નાનકડા ગીતમાં યંગ પોતાના ગીતને નાનકડા પંખીની ઉપમા આપીને એને પાંખ મજબૂત બનાવવા, ઊડવા, ઝપટવા, ડૂબકી મારવા આહ્વાન આપે છે. પાંખ ચીરી નાંખે એવા કાંટાની ફિકર ને લોકોની ઠંડીગાર નજરોથી ડર ન રાખી હિંમત ન હારવાનો સંદેશો આપે છે. પણ અહીં તો પીંછાં જ પંખી બની ગયાં છે.

દોરી પર સૂકવેલ ચાદરો પણ પવનમાં ફડફડે છે. પવન એના હજારો હાથથી આ ચાદરોને જાણે નિચોવી રહ્યો છે. ખેતરમાં ઊભેલા ચાડિયાના શરીર પર સૂર્યના તાપમાં તપી-તપીને લીલો પડી ગયેલો ડગલો છે, જેણે આવા કેટકેટલા પવનો સામે કામ આપ્યું હશે, એ પણ આ વાવંટોળમાં ઊતરુંઊતરું થઈ રહ્યો છે અને પવનમાં ડોલતો ચાડિયો જાણે કે એને ફરી પહેરવા મથી રહ્યો ન હોય એવું અદભૂત કલ્પન કરીને કવિ એકમાત્ર પૂર્ણવિરામ વાપરીને કવિતાને અંજામ આપે છે. આનાથી સાવ વિપરિત સૂર્યની સામે ટકી જ ન શકે એવો એક ડગલો યંગની ‘રેવનન્ટ’માં જોવા મળે છે, જેમાં નાયક જંગલમાં એકલો જ છે અને પચાસેક વર્ષમાં પરત ફરે છે -તેય એકલો જ, ભૂત બનીને જે જંગલ ખૂંદે છે અને જે સૂર્ય સામે ટકી નહીં શકે એવો હિમાચ્છાદિત ડગલો પહેરે છે.

કવિતા અઘરી જ હોય, એને સમજવામાં મહેનત કરવી જ પડે એવું બિલકુલ જરૂરી નથી. મૂલતઃ કવિતા અનુભૂતિનો પદાર્થ છે. યંગની આ કવિતા નિતાંત પ્રકૃતિચિત્ર છે. જયન્ત પાઠકની ‘અજબ કરામત કરી, ચિતારે રંગપ્યાલીઓ ભરી’ કવિતામાં જે કામ ઈશ્વર કરે છે, એ કામ અહીં પવન કરે છે. એ સૃષ્ટિની નિષ્પ્રાણ રગોમાં પ્રાણ પૂરે છે. કવિતાની દરેક પંક્તિમાં ગતિ છે. દરેક પંક્તિમાં નિર્જીવતા સજીવતામાં પલોટાતી નજરે ચડે છે. એક જ જગ્યાએ કવિ ઢોરનો ઉલ્લેખ સાથે સજીવ કલ્પન કરે છે પણ અહીં એ સજીવને નિર્જીવમાં, ઢોરને જહાજમાં પલટી નાંખે છે પણ ગતિ તો ક્યાંય અટકતી જોવા મળતી નથી. પંક્તિએ પંક્તિએ રજૂ થયે રાખતા નવીન કલ્પનો અને અવારનવાર આવ્યે રાખતા ‘અને’, ‘અથવા’ અને ‘તે-તેઓ’ જેવા સંયોજકો પવનની ગતિને લગરિક મંદ પડવા દેતા નથી. પવનના ઝડપી સુસવાટાની જેમ જ કવિતાના શબ્દો સુસવાટભેર ભાવકની ભીતર પ્રચંડ ગતિ અને શક્તિથી વાય છે અને આપણી અંદર જે કંઈ નિર્જીવ બચી ગયું છે એ તમામને સજીવન કરી દે છે. આ કવિતા કવિતા નથી, નજરે જોઈ ન શકાતા પવનનો અદૃશ્ય ગ્લાસ છે, જેમાં છલોછલ જીવનરસ-ગતિરસ ભર્યો પડ્યો છે, જેને એક જ ઘૂંટડે ગટગટાવતામાં તો આપણી અંદરની તમામ શલ્યાઓ અહલ્યાઓ બનીને શ્વાસ ભરવા માંડે છે…

ગ્લૉબલ કવિતા : ૧૦૫ : દરવાજામાં આંગળાં – ડેવિડ હૉલબ્રુક

Fingers in the Door

Careless for an instant I closed my child’s fingers in the jamb. She
Held her breath, contorted the whole of her being, foetus-wise against the
Burning fact of the pain. And for a moment
I wished myself dispersed in a hundred thousand pieces
Among the dead bright stars. The child’s cry broke,
She clung to me, and it crowded in to me how she and I were
Light-years from any mutual help or comfort. For her I cast seed
Into her mother’s womb; cells grew and launched itself as a being:
Nothing restores her to my being, or ours, even to the mother who within her
Carried and quickened, bore, and sobbed at her separation, despite all my envy,
Nothing can restore. She, I, mother, sister, dwell dispersed among dead bright stars:
We are there in our hundred thousand pieces!

– David Holbrook

દરવાજામાં આંગળાં

ક્ષણાર્ધ બેદરકાર અને મેં મારા બાળકના આંગળા બારસાખમાં કચડી નાંખ્યા. તેણીએ
શ્વાસ રોકી લીધો, આખેઆખી અમળાઈ ઊઠી, ભ્રૂણ-પેઠે
પીડાની બળબળતી હકીકત સામે. અને એક પળ માટે
મેં ઇચ્છ્યું કે હું વિખેરાઈ જાઉં સેંકડો હજાર ટુકડાઓ થઈ
મૃત ચળકતા તારાઓમાં. બચ્ચી આક્રંદી ઊઠી,
એ મને વળગી પડી, અને મને સમજાયું કે તે અને હું કઈ રીતે
પ્રકાશ-વર્ષો વેગળાં છીએ કોઈ પણ પારસ્પરિક સહાય કે આશ્વાસનથી. એના માટે મેં બી વેર્યાં’તા એની માના ગર્ભમાં; કોષ વિકસ્યા અને એક અસ્તિત્વ તરીકે આકારાયા:
કશું જ એને મારા હોવામાં પુનઃસ્થાપિત નહીં કરે, અથવા અમારામાં, કે એની માતામાં પણ જેણે
પોતાની અંદર
એને ધારી અને અવતારી, અને જે એના નાળવિચ્છેદ પર રડી હતી, મારી તમામ ઇર્ષ્યા ઉપરાંત,
કશું જ પુનઃસ્થાપિત નહીં કરી શકે. તેણી, હું, મા, બહેન, વસીએ છીએ વિખેરાઈને મૃત ચળકતાં તારાઓ વચ્ચે:
અમે છીએ ત્યાં અમારા સેંકડો હજાર ટુકડાઓમાં !

– ડેવિડ હૉલબ્રુક
અનુ. વિવેક મનહર ટેલર

માનવસંબંધની જાંઘ ઉઘાડી પાડતી તેજાબી કવિતા

પ્રેમ ગમે એટલો સાચો કેમ ન હોય, સંબંધ ભલે ને પાકા હોય પણ શું કોઈ કોઈની પીડામાં સહભાગી થઈ શકે ખરું? એક સ્નેહીજનની તકલીફ બીજો અનુભવી શકે? એક આપ્તજનના સંવેદનમાંથી સાચા અર્થમાં બીજો કદી પણ પસાર થઈ શકે? સાચો જવાબ મેળવવો હોય તો પહેલાં તો કલેજામાં હિંમત જોઈએ. કેમકે આ સવાલોના સાચા જવાબ શોધવા જઈએ તો કદાચ ફૂરચેફૂરચા થઈ હજારો ટુકડાઓમાં હજારો માઈલ દૂર આપણે ફંગોળાઈ જઈએ. સંબંધ, પ્રેમ, લાગણી, અનુભૂતિની બાબતોમાં આપણે સહુ હજારો વરસોથી બુરખામાં મોઢું સંતાડીને જ જીવતાં આવ્યાં છીએ. પણ કવિતા ઢાંકપિછોડો કરવામાં માનતી નથી. મખમલમાં વીંટાળીને જૂતું મારતાં કવિતાને આવડે નહીં. સાચો કવિ જ્યારે પણ કલમ ઉપાડે, વાસ્તવિક્તાના તેજાબમાં ડૂબીને જ ઉપડે. કદાચ સંબંધની વાસ્તવિક્તાની જાંઘ ઉઘાડી પાડતી ડેવિડ હૉલબ્રુકની આ તેજાબી કવિતા આપણામાંથી મોટાભાગના પચાવી નહીં શકે.

ડેવિડ કેનેથ હૉલબ્રુક. યુ.કે.ના નોરિચમાં ૦૯-૦૧-૧૯૨૩ના રોજ જન્મ. રેલ્વે ક્લર્કના પુત્ર. કેમ્બ્રિજના સ્નાતક. અત્યંત ફળદ્રુપ લેખક. ૬૦થી વધુ પુસ્તકો. ૬૦થી વધુ વર્ષનું લગ્નજીવન માર્ગોટ ડેવિસ-જોન્સ સાથે. ચાર સંતાન. ૧૯૪૨થી ૧૯૪૫ સુધી બ્રિટીશ આર્મીમાં સેવા આપી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મન નાઝીઓના કબ્જા હેઠળના યુરોપને મુક્ત કરાવવા માટે પાશ્ચાત્ય દેશોનું સંગઠન છઠ્ઠી જુન, ૧૯૪૪ના રોજ દરિયાઈ માર્ગેથી ફ્રાન્સના નોર્માન્ડીમાં ઘુસ્યું જે ઇતિહાસની સૌથી મોટી ઘૂસણખોરી ગણાય છે. આ દિવસ D-day કહેવાયો. ડેવિડ હૉલબ્રુક દોઢ લાખથી વધુ હમલાવર સૈનિકોમાંના એક હતા અને બે અઠવાડિયા પછી ઘવાઈને દૂર કરાયા ત્યાં સુધી એ લડ્યા. આ જ D-dayની આસપાસ “ફ્લેશ વુન્ડ્ઝ” (૧૯૬૬) નામની લગભગ આત્મકથનાત્મક નવલક્થા એમણે વણી છે. અઠ્ઠ્યાસીની ઉંમરે ૦૫-૦૯-૨૦૧૧ના રોજ દેહાવસાન.

સારા નવલકથાકાર ઉપરાંત એ કવિ, વિવેચક, સંપાદક, વિવાદાસ્પદ ચર્ચાપત્રી, ચિત્રકાર અને ખાસ તો શૂન્યવાદ સામેના અહર્નિશ યોદ્ધા હતા. માનવજીવનના મૂલ્યોના પ્રખર હિમાયતી. કળાના પ્રિઝમમાંથી એણે માનવતાના દર્શન કર્યા. શેહ-શરમ રાખ્યા વિનાના લખાણો, કવિતાઓ- બધામાં એમની આત્મકથાની ઝાંય સાફ તરવરતી. લગ્નજીવન, બાળકો અને પોતીકી રોજિંદી સમસ્યાઓ સતત એમાંથી ડોકાતા રહેતા. પૉર્નોગ્રાફીના મુખર વિરોધી. પણ સૌથી વધીને કંઈ હોય તો એ ઉત્તમ શિક્ષક અને શિક્ષણવિષયક ઉત્તમોત્તમ અને સાવ જ નોખી ઘરેડના પુસ્તકોના લેખક હતા. કવિતા શીખવવી એ જ ભાષા શીખવવાનું ખરું હાર્દ છે એમ એ માનતા કેમકે કવિતામાં જ ભાષાના ઊંડામાં ઊંડા અને સચોટ હેતુ સર થઈ શકે છે. પોતાના જ લોહીમાં આંગળી ડૂબાડીને લખાયેલા એમના પુસ્તકો એટલે જ અનેકાનેકના માર્ગદર્શક-સાથી બની શક્યાં છે.

‘દરવાજામાં આંગળાં’ શીર્ષક વાંચતા જ નજર સામે આપણામાંથી મોટા ભાગનાની જિંદગીમાં ક્યારેક ને ક્યારેક બની ગયેલ અકસ્માત તરવરી રહે. આપણામાંથી મોટા ભાગનાએ પોતાના કે પોતાની આસપાસના સ્વજનોના આંગળા દરવાજો બંધ થતી વખતે બેદરકારીના કારણે વધતી-ઓછી માત્રામાં કચડાઈ જતાં જોયાં જ હશે. હૉલબ્રુકનું આ કાવ્ય હજારો વર્ષ જૂનાં માનવસંબંધોનો આધુનિક દસ્તાવેજ છે. આધુનિક કાવ્યજગત સાથે એ તાલમેલ ધરાવે છે. બાર પંક્તિ હોવાના નાતે કવિતા સૉનેટની નજીક ગતિ કરતી હોય એમ પણ અનુભવાય. અહીં કોઈ પ્રચલિત છંદોલય કે પ્રાસરચના નથી. દર્દની લાગણીના આકાર જેવું જ આ મુક્તકાવ્ય છે. કવિએ અપૂર્ણાન્વય (Enjambment) રીતિ પ્રયોજીને કવિતાના વાક્યોને એકમાંથી બીજામાં ઢોળાવા દઈને એક જ અંતરામાં રચાયેલી આ કવિતાને એ રીતે સળંગસૂત્રિતા બક્ષી છે કે દરવાજામાં આંગળાં અચાનક દબાઈ ગયાં હોય અને જે વીજગતિએ આપણે આંગળાં બચાવવાની કોશિશ કરીએ એ જ રીતે એક જ શ્વાસમાં આખી રચના વાંચી જવી પડે.

પહેલી પંક્તિમાં જ નાયક કવિતાના પિંડને આખેઆખો રજૂ કરી દે છે. ક્ષણાર્ધની બેદરકારીના કારણે નાયકના હાથે એની જ બાળકીના આંગળાં દરવાજામાં ભચડાઈ જાય છે. બાળકનું લિંગ કવિ અહીં સુધી જાહેર કરતા નથી. પણ વાક્ય પતી ગયું હોવા છતાં પંક્તિ પૂરી કરવાના બદલે કવિ બાળકનું લિંગ કયું છે એની સાથે આપણો પરિચય કરાવી આપે છે. ઓહ! બાળકી છે આ તો. અને આપણી સંવેદના તરત જ વધુ તીવ્રતર બની રહે છે કેમકે સરવાળે બાળકી બાળક કરતાં તો વધુ જ કોમળ હોવાની ને! પહેલી પંક્તિમાં જ એક વાક્ય સાથે બીજું જોડી દઈને કવિ આપણને કવિતામાંથી ઝડપભેર પસાર થવા મજબૂર કરી દે છે. બાપ સાથે ઘડીભર પહેલાં મસ્તીમાં જોતરાયેલી ફૂલ જેવી બાળકી પોતાના કૂમળાં આંગળાંઓ પર વીજળીની જેમ અચાનક ત્રાટકેલી આ આફત કેમ સહી શકે? એનો શ્વાસ અટકી જાય છે. એ આખેઆખી અમળાઈ ઊઠે છે. માના ગર્ભમાં ભ્રુણ જે રીતે ટૂંટિયું વાળીને પડ્યું હોય છે એમ એ આખી બેવડ વળી જાય છે, જાણે કે અસહ્ય અકથ્ય પીડાની બળબળતી હકીકતથી દૂર ભાગી છૂટવા માંગતી ન હોય. પિતાએ તરત દરવાજો ખોલી નાંખ્યો જ હશે પણ કવિએ એ લખવું આવશ્યક નથી સમજ્યું. એ વાત સમજવાની વાત છે.

પોતાના હાથે પોતાના જ સંતાન અચાનક અસહ્ય અકથ્ય વેદનાનો શિકાર બને એ ઘડી મા-બાપને મરવા જેવી લાગે છે. પોતાની જરા અમથી લાપરવાહીના કારણે અજાણતાં જ થયેલ અકસ્માતના કારણે બાળકી જે રીતે શ્વાસ લેવાનું પણ ભૂલી જઈને, અમળાઈને, આક્રંદી ઊઠે છે એ જોઈને બાપને પોતાના ફુરચેફુરચા કરી દઈ મૃત તારાઓમાં વિખેરાઈ જવાની લાગણી જન્મે છે. મરેલો માણસ આકાશમાં તારો બની જાય છે એવી માન્યતા જેમ આપણે ત્યાં છે એવી જ વિદેશમાં પણ પ્રવર્તે છે. મૃત્યુ જેવા રાતના ગાઢા કાળા અંધારામાં ચળકતા તારાઓ આપણાં જ પૂર્વજો છે જે આકાશમાં રહીને પણ આપણા પર નજર રાખે છે, સધિયારો આપે છે. રડતી-વિલખતી બાળકી આશ્વાસન અને સહાયની આશામાં બાપને વળગી પડે છે એ ઘડીએ એને સત્યનું ભાન થાય છે કે એકમેકને કોઈપણ પ્રકારની સહાય કરવી શક્ય નથી. ચસોચસ આલિંગનમાં બંધાયેલ બંને જણ વચ્ચે સાચા અર્થમાં તો પ્રકાશ-વર્ષો જેવું અનંત અસીમ અંતર છે. કોઈ કોઈના દુઃખમાં શી રીતે સહભાગી બની જ શકે? दो जिस्म, एक जानની આપણી સદીઓ જૂની ફેન્ટસી પર હૉલબ્રુક સીધો જ કુઠારાઘાત કરે છે. બાપ-દીકરીના સંદર્ભમાં ગમે તેટલાં નજીક જણાતાં તમામ પ્રકારના સંબંધો વચ્ચે રહેલી પ્રકાશવર્ષો જેટલી અલગતા વિશે વાત થઈ છે. ગમે એટલા સ્નેહાસિક્ત કેમ ન હોઈએ, પીડા કે એ સંદર્ભમાં અન્ય કોઈપણ અનુભૂતિ આપણે પરસ્પર સહિયારી શકતાં નથી.

સંબંધના સમીકરણ મૂળમાં તો ચોકઠાં બેસાડી દઈને મેળવી લેવાયેલા તાળાથી વિશેષ કંઈ નથી. પાંચ હજાર વર્ષ પહેલાં એક લૂંટારાને એના મા-બાપ, પત્ની-સંતાનોએ ઘસીને ના કહી દીધી હતી કે તારા પાપમાં અમે ભાગીદાર નથી એ જ વખતે સંબંધોનું ખરાપણું તો જગત સામે આવી જ ગયું હતું. यावद्वित्तोपार्जन सक्तस्तावन्निजपरिवारो रक्तः। (શંકરાચાર્ય) (જ્યાં સુધી તું ધન કમાવા સમર્થ છે ત્યાં સુધી તારા પરિવારજનો તારા પ્રત્યે આસક્ત રહે છે.) માનવસંબંધના આ ખરાપણાંને સ્વીકાર્યું એ વાલ્મિકી બની ગયા, બાકીના વાલિયા બનીને હજી વનમાં જ ભટકી રહ્યા છે. રામ જેવા રામે લોકબોલીને વશ થઈ ચારિત્ર્યની બાબતે પોતાનાથીય ચાર આંગળ ચડે એવી સીતાનો ત્યાગ કર્યો હતો. પોતાનું માથું પાણીમાં ડૂબવા ન માંડે ત્યાં સુધી જ વાંદરી બચ્ચાને માથા પર બેસાડી બચાવવા મથશે. એટલે આપણા દુન્યવી સંબંધ તો दिल के खुश रखने को गालिब ये खयाल अच्छा है જેવા જ હોવાના. સંબંધોની વાસ્તવિક્તા જાણતા હોવા છતાં આપણી જિંદગી સંબંધોના મિજાગરા પર જ કિચૂડ કિચૂડ થતી આવી છે, થતી રહેશે કેમ કે आँखों में जो भर लोगे तो काँटों से चुभेंगे, ये ख्वाब तो पलकों पे सजाने के लिए है (જાં નિસાર અખ્તર). મોટા ભાગના સંબંધો પોલા જ હોય છે. પણ હા, આ પોલાણમાં મોકળાશના, અભિવ્યક્તિના છિદ્ર રાખ્યા હશે તો સમયની હવા પસાર થયે સૂર જરૂર રેલાવાના. ખલિલ જિબ્રાને કહ્યું છે, “તમારા સાયુજ્યમાં અવકાશ રહેવા દેજો. સાથે ગાવ અને નાચો અને ખુશ થાવ પણ તમારા બંનેમાંના દરેકને એકલો રહેવા દેજો, અને સાથે ઊભા રહો પણ બહુ નજીક નહીં; કેમ કે મંદિરના આધારસ્તંભ દૂર ઊભા રહે છે.” દૂર રહીને ટેકો આપવાથી જ સંબંધોની ઈમારત ઊભી રહી શકે છે એ વાસ્તવિક્તા સામે આંખ આડા કાન કરીને આપણે સહુ જીવી લેતાં હોઈએ છીએ. એટલે જ જીવનની આવી કોઈક ક્ષણે અચાનક મરી જવાનું મન થાય એવા અહેસાસના શિકાર બનવાનો વારો આવે છે.

આલિંગનમાં હિબકતી-તડપતી બાળકીને શાંત કરવા મથતા બાપનું મન અચાનક એ જગ્યાએથી હજારો પ્રકાશવર્ષ દૂર ચાલ્યું ગયું છે. એને સવાલ થાય છે કે શું આ બાળકી મારાં જ બીજની નિષ્પત્તિ છે? આ પ્રેમની ખરી પરાકાષ્ઠા છે. સગો બાપ હોવા છતાં અને દીકરીને જી-જાનથી ચાહતો હોવા છતાં દીકરીના દર્દને જરા જેટલુંય સહિયારી નથી શકાતું એ વાતનો તીવ્રતમ દુઃખદ પણ સત્ય અહેસાસ જ ખરો પ્રેમ છે. સંબંધમાં વાસ્તવિક્તાનો સ્વીકાર જ પ્રેમ છે પણ આપણે સહુ આજીવન આભાસના ઝાંઝવામાં ઘસરડાતા-ઉઝરડાતા જીવ્યે રાખ્યે છીએ. ભલે બાપના શુક્રકોષે જ માના અંડકોષ સાથે મળીને બાળકીનું સર્જન કર્યું હતું પણ હવે એ સ્વતંત્ર અસ્તિત્વ છે, મા અને બાપ બંનેથી સાવ વેગળું. અસ્તિત્વની ગાડીમાં કોઈ રિવર્સ ગિઅર આવતું નથી. બાપ તો ઠીક, જે માએ નવ મહિના ગર્ભમાં સ્થાન આપ્યું હતું એ પણ પોતાના સંતાનને પોતામાં પુનઃસ્થાપિત નહીં કરી શકે. જિબ્રાન યાદ આવે:

તમારા બાળકો તમારા બાળકો નથી.
તેઓ તમારા થકી આવ્યાં છે, તમારામાંથી નહીં,
અને ભલે તેઓ તમારી સાથે હોય પણ તમારા નથી.

સંભોગની પરાકાષ્ઠાએ પુરુષ અને પ્રકૃતિનું મિલન થાય છે. એક જીવ બીજામાં રેડાય છે અને ત્રીજો આકારાય છે. ગર્ભની હૂંફમાં કોષ વિકસતા-દ્વિગુણાતા જાય છે અને શિશુનો પિંડ બંધાય છે. નવ-નવ મહિના પોતાની કૂખમાં ધારણ કર્યા બાદ મા એને આપણી દુનિયામાં અવતારે છે. નવ મહિનાથી બંને વચ્ચે ગર્ભનાળનો સંબંધ છે, જે વિશે બાપને ક્યારેક ઈર્ષ્યા પણ આવી જાય છે. નાળ કપાવાની ઘડીએ માને પોતાના જ અસ્તિત્વનો એક ભાગ કપાઈ જતો અનુભવાય છે. મા માટે આ ઘડી હર્ષ અને શોકની બેવડી ઘડી છે. પણ ગમે એ કરો, પોતાનામાંથી જ જન્મ્યું હોવા છતાં આ નવું અસ્તિત્વ નાળ કપાય છે એ ઘડીએ જ પોતાનાથી પ્રકાશવર્ષો દૂર થઈ ગયું હોય છે. મા-બાપ ભલે બાળકને પોતાનું ગણીને ઉછેરે અને પોતે અને પોતાના સંતાન એક જ છે એમ ગણીને જીવે પણ જેમ તીરથી નીકળેલું બાણ પરત ફરી શકતું નથી એમ આ સંતાન પણ હવે ગર્ભમાં પરત નહીં જ ફરી શકે. શરીરની અલગતાની આ જે વાસ્તવિક્તા છે, એ જ લાગણીઓ-અનુભૂતિઓ માટેની વાસ્તવિક્તા પણ છે. પરંતુ એ તરફ જોવું આપણને ગમતું ન હોવાથી આપણે આંખ મીંચી દઈને દુનિયા ગાયબ થઈ ગઈ હોવાના ભ્રમમાં જીવી કાઢીએ છીએ.

આદિ શંકરાચાર્ય કહે છે:

का ते कांता कस्ते पुत्रः, संसारोऽयं अतीव विचित्रः।
कस्य त्वं कः कुत अयातः तत्त्वं चिन्तय यदिदं भ्रातः ॥
(કોણ તારી પત્ની? કોણ તારો પુત્ર? આ સંસાર વિચિત્ર છે. તું કોણ? કોનો? ક્યાંથી આવ્યો? હે ભાઈ! જે આ તત્ત્વ છે એનો વિચાર કર)

દરેક વ્યક્તિ અલગ અને સ્વતંત્ર અસ્તિત્વ જ છે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. વિલિયમ ગોલ્ડિંગની લોહી થીજાવી નાંખતી લઘુનવલકથા ‘લૉર્ડ ઑફ ફ્લાઇઝ’ પણ યાદ આવે જેમાં બાર-તેર વર્ષના થોડા છોકરાંઓ એક નિર્જન ટાપુ પર એકલાં પડી જાય છે. બાળકોને આમ તો આપણે ઈશ્વરનો અંશ ગણતાં હોઈએ છીએ પણ જ્યારે નિર્જન ટાપુ પર અસ્તિત્વની લડાઈ ઊભી થાય છે ત્યારે આ કૂમળાં બાળકો વચ્ચેના માનવસંબંધો- માનવમૂલ્યોનો કઈ રીતે અને કઈ હદ સુધી હાસ થાય છે એ લોહી થીજાવી દે છે. ગળે ઊતારવી ભલે ન ગમે પણ સંબંધોની ખરાઈ તો આ જ છે. બોધિવૃક્ષ શોધવા ગયા જવું જરૂરી છે જ નહીં. ખરું બોધિવૃક્ષ તો આપણું જીવન જ છે. જે ઘડીએ જીવનમાં બની રહેલી ઘટનાઓ પાસેથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ એ ઘડી બુદ્ધત્વની ઘડી છે. પ્રસ્તુત રચનામાં બાપને ઘરના દરવાજામાં બાળકીના અચાનક કચડાઈ ગયેલ આંગળાંઓના નિમિત્તે જન્મેલી પીડાના સંદર્ભે સંબંધોનું બોધિવૃક્ષ હાથ લાગ્યું છે અને એને વાસ્તવિક્તાનું જ્ઞાન સાંપડ્યું છે. પોતે, બાળકો, બાળકોની જનેતા- આખો પરિવાર મૃત ચળકતાં તારાઓની વચ્ચે વિખેરાઈને જીવી રહ્યો છે. એક નાના અમથ ઘરની ચાર દીવાલોની વચ્ચે એકમેકની સતત હૂંફમાં સાથે જીવતાં હોવાની જે અનુભૂતિ છે એ માત્ર આભાસ હોવાનું નાયકને સમજાયું છે. આપણે સહુ એક જીવનમાં અનેક જીવન જીવતાં હોઈએ છીએ. જીવનના અલગ-અલગ રંગમંચ પર આપણે અલગ-અલગ કિરદાર ભજવતાં રહીએ છીએ. વ્યક્તિએ-વ્યક્તિએ અને સંબંધે-સંબંધે આપણો ચહેરો બદલાતો રહે છે. એક જ વ્યક્તિ સામે પણ આપણે એકના એક સ્વરૂપે રજૂ થઈ શકતા નથી, સમય-સમયે બદલાતા રહીએ છીએ. આપણાં આ એકે-હજારા રૂપને કવિ આપણું સેંકડો-હજારોમાં ટુકડાઓમાં વહેંચાઈ જવું ગણાવી આપણી વચ્ચે જે માનસિક અંતર છે એની દૂરીથી આપણને પ્રબુદ્ધ કરે છે. આપણે જેને દિલોજાનથી ચાહતા હોઈએ એમના દુઃખદર્દને દૂર કરી શકવાની સંપૂર્ણ અશક્તિનો પૂર્ણતયા અહેસાસ, પ્રેમની નિઃસહાયતા અને વિચ્છેદની વાસ્તવિક્તાનું આ કાવ્ય આપણા સંબંધોમાં બે તારાઓની વચ્ચે રહેલી અમાપ દૂરતા અને વચ્ચે વસતી અસીમ અંધારી વાસ્તવિક્તાની તેજાબી અનુભૂતિ કરાવે છે…

ગ્લૉબલ કવિતા : ૧૦૪ : પરિશૂન્યતા – આહારોન આમીર (હિબ્રૂ)

Nothingness

I woke up at night and my language was gone
No sign of language no writing no alphabet
nor symbol nor word in any tongue
and raw was my fear-like the terror perhaps
of a man flung from a treetop far above the ground
a shipwrecked person on a tide-engulfed sandbank
a pilot whose parachute would not open
or the fear of a stone in a bottomless pit
and the fright was unvoiced unlettered unuttered
and inarticulate O how inarticulate
and I was alone in the dark
a non-I in the all-pervading gloom
with no grasp no leaning point
everything stripped of everything
and the sound was speechless and voiceless
and I was naught and nothing
without even a gibbet to hang onto
without a single peg to hang onto
and I no longer knew who or what I was
and I was no more

– Aharon Amir
(translated from the Hebrew by Abraham Birman)

પરિશૂન્યતા

હું રાત્રે જાગ્યો અને મારી ભાષા ચાલી ગઈ હતી
નહીં ભાષાનું કોઈ નિશાન ન લખાણ ન કક્કો
ન ચિહ્ન ન શબ્દ કોઈ જબાનમાં
અને પ્રાકૃત હતો મારો ભય – એ આતંક સમો જે કદાચ
જમીનથી ખૂબ ઊંચા ઝાડની ટોચેથી ફેંકાયેલ માણસ અનુભવે
ભરતીએ ગળી લીધેલા રેતકાંઠા પર ભગ્ન જહાજી વ્યક્તિ અનુભવે
જેનું પેરાશૂટ ખૂલે જ નહીં એ વિમાનચાલક અનુભવે
અથવા ડર જે તળહીન ખાડામાં એક પથરો અનુભવે
અને ભય અઘોષ અનક્ષરિત અનુચ્ચરિત હતો
અને અસ્ફુટ રે કેટલો અસ્ફુટ હતો
અને હું એકલો જ હતો અંધારામાં
એક બિન-હું સર્વવ્યાપી ઉદાસીમાં
ન કોઈ પકડ ન કશું અઢેલવાને
સર્વસ્વ ઉતરડી લેવાયેલું સર્વસ્વથી
અને ધ્વનિ હતો વાચાહીન અને અવાજહીન
અને હું શૂન્ય અને કંઈ જ નહોતો
લટકવા માટે વધસ્તંભ વિનાનો
લટકવા માટે એકેય ખૂંટી વિનાનો
અને હવે હું જાણતો જ નહોતો કે હું કોણ કે શું હતો
અને હું હતો જ નહીં

– આહારોન આમીર (હિબ્રૂ)
(અંગ્રેજી પરથી અનુવાદ વિવેક મનહર ટેલર)

ભાષા વગર, વિચાર વગર, અભિવ્યક્તિ વગર તમે શું કરો?

એક રાત્રે અચાનક ભયાનક સપનું જોઈને તમારી ઊંઘ ઊડી જાય છે અને તમે તમારા સાથીદારને ઊઠાડવા બૂમ પાડવા જાવ છો અને તમને અહેસાસ થાય છે કે તમારી પાસે નથી કોઈ વાચા કે નથી કોઈ વિચાર. અક્ષરો, શબ્દો, વાક્યો – બધું જ બાષ્પીભવન થઈ ગયું છે. વાણીના નામે તમારી પાસે નકરો શૂન્યાવકાશ જ રહી ગયો છે અને ભાષાના અભાવે તમે કંઈ વિચારવા માટે પણ સક્ષમ નથી. શૂન્યતાના આવા આકરા બ્લેકહૉલમાં જે ઘડી અંતહીન પડવાનું આવે એ ઘડીએ તમે આવી ઊભા છો. હવે તમે શું કરશો? કેવી રીતે તમારા સાથીદાર સાથે, પરિવારજનો સાથે, મિત્રો સાથે, સહકર્મીઓ સાથે હવે તમે વાર્તાલાપ કરી શકશો? તમારી જાતને કઈ રીતે અભિવ્યક્ત કરી શકશો? વિચારો… આવી કોઈ અસીમ શૂન્યતાની અનંત ભેખડ પર લટકવાનું થાય તો શું હાલત થાય? શૂન્યતાની ચરમસીમાની આવી જ ક્ષણો લઈને ઈઝરાઈલી હિબ્રૂ કવિ આહરોન આમીર આજે ગ્લૉબલ કવિતામાં ઉપસ્થિત થયા છે.

આહરોન આમીર. ૦૫-૦૧-૧૯૨૩ના રોજ લિથુઆનિયામાં જન્મ. મૂળે ઇઝરાઈલી. હિબ્રૂ ભાષાના સાહિત્યકાર. ૧૦ વર્ષની વયે એમનો પરિવાર પેલેસ્ટાઇન સ્થળાંતરિત થયો. તેલ અવીવમાં મોટા થયા. અભ્યાસ કરતા હતા એ સમયે આમીર ઇર્ગુન અને લેહી નામની ગુપ્તચર સંસ્થાઓના સભ્ય હતા, જેઓ પેલેસ્ટાઇનમાંથી બ્રિટિશરોને હાંકવા માંગતા હતા. કેનાનાઇટ ચળવળ જેણે પેલેસ્ટાઇનના યહૂદીઓના કળા, સાહિત્ય, આધ્યાત્મિક અને રાજકારણીય વિચારોને નવો દેહ બક્ષ્યો, એના સ્થાપક સભ્ય પણ તેઓ હતા. આ ચળવળે એ સમયની સંસ્કૃતિને ધર્મના સીમાડાઓથી ઊંચા ઊઠતાં શીખવ્યું. ૧૮ વર્ષ સુધી એમણે કેશેટ નામનું સાહિત્યિક સામયિક પણ ચલાવ્યું. જીવનના આખરી શ્વાસ સુધી સક્રિય રહ્યા. ૮૫ વર્ષની વયે કેન્સરના કારણે ૨૮-૦૨-૨૦૦૮ના રોજ નિધન. પોતાનું શરીર તેઓ વિજ્ઞાનને સમર્પિત કરતા ગયા.

કર્મઠ સર્જક આહરોનની ભાષા જેટલી સહજ છે એટલું વાતનું ઊંડાણ સહજ નથી. આહરોનની કવિતાઓ એક ઊંડા કૂવા જેવી છે, એમાં જેમ ઊંડે ઊતરતા જાવ, એમ નવા-નવા પરિમાણ હાથ આવતા જાય છે, નથી હાથ આવતું તો માત્ર તળ. ફ્રેન્ચ અને અંગ્રેજી ભાષામાંથી વિપુલ સાહિત્ય તેઓ પોતાના હિબ્રૂ લોકો માટે ઊતારી લાવ્યા. ૨૦-૩૦ નહીં, લગભગ ૩૦૦ જેટલા પુસ્તકોનો એમણે હિબ્રૂ ભાષામાં અનુવાદ કર્યો. અને બંધ કોચલા જેવી સંસ્કૃતિના અંધારામાં કેદ ભાષાવાસીઓ માટે તેઓ આ રીતે અજવાળાનું આખું આકાશ લઈ આવ્યા હતા. આ છતાં એમણે આજીવન અનુભવ્યું કે પોતે આ દેશમાં આગંતુક હોવાના નાતે સ્થાનિક લોકો અને સ્થાનિક સાહિત્યે એમનો પૂર્ણપણે સ્વીકાર કર્યો નહોતો.

કવિતાના શીર્ષક નથિંગનેસનો તરજૂમો વ્યાયામ માંગી લે છે. ફરી એકવાર એક ભાષાની લાક્ષણિકતા કઈ રીતે બીજી ભાષાની મર્યાદા બનતી હોય છે એ સમજી શકાય છે. અંગ્રેજીના જાણતલને નથિંગનેસનો અર્થ સમજાવવો પડતો નથી. નથિંગનેસ બોલતાં જ આંખ સામે શૂન્યતાની અસીમ ખીણ નજર સામે આવી ઊભે છે. શીર્ષકનો અનુવાદ શું કરવો? શૂન્યતા? પરિશૂન્યતા? અનસ્તિત્વતા? ખાલીપો? બધા જ વિકલ્પ સાચા પણ છે અને અધૂરા પણ છે. યથાર્થ ભાષાંતર કરવું હોય તો ‘કંઈ નહીં-તા’ જેવો શબ્દ કોઇન કરવો પડે પણ મૂળ રચના અને અંગ્રેજી અનુવાદમાં શીર્ષક માટે કોઈ અરુઢ શબ્દ પ્રયોજાયો ન હોવાથી ગુજરાતીમાં ‘પરિશૂન્યતા’ જેવો નિકટતમ વિકલ્પ નિર્વાહ્ય ગણી લેવો પડે. શીર્ષકના અનુવાદની ગડમથલ જાહેર કરવાનું મુખ્ય કારણ એ છે કે પ્રસ્તુત રચના ભાષાની આ ખાસિયત અને મર્યાદાઓ પર જ પ્રકાશ નાંખે છે. ‘પરિશૂન્યતા’ વીસ પંક્તિઓના એક જ બંધમાં લખાયેલ કાવ્ય છે. અહીં ભાષાલોપની વાત મુખ્ય હોવાથી છંદલોપ તથા પ્રાસલોપ પણ સહજ સ્વીકૃત બની રહે છે. મૂળ કવિતા ઉપલબ્ધ ન હોવાથી કવિએ એમાં વિરામચિહ્નોનું પ્રયોજન કઈ રીતે કર્યું છે કે કર્યું છે યા નહીં એ જાણવું શક્ય નથી પણ અબ્રાહમ બિરમને અંગ્રેજી અનુવાદમાં કવિતામાં ચાર જગ્યાએ ડૅશ (લઘુરેખા) વાપરવા ઉપરાંત કોઈપણ પ્રકારના વિરામચિહ્ન પ્રયોજ્યા નથી જે સૂચક છે. ભાષા-વાણી ખોવાઈ જવાની વાત તમામ પ્રકારના વિરામચિહ્નો ખોઈ નાંખવાના કારણે વધુ ધારદાર બની છે. જો કે એની સામે કવિએ વ્યાકરણમાં ક્યાંય કોઈ ચેડા કર્યા નથી એ પણ એટલું જ નોંધપાત્ર છે.

અડધી રાત્રે સંભાષકની ઊંઘ કોઈક કારણોસર અચાનક ઊડી જાય છે ત્યારે એને ખ્યાલ આવે છે કે એની ભાષા અચાનક ચાલી ગઈ છે. એની પાસે હવે એની ભાષાનું કોઈ નિશાન, લખાણ, કક્કો કે અન્ય કોઈ પણ ભાષાના શબ્દ કે ચિહ્ન-ઈશારા સુદ્ધાં રહ્યાં નથી. અડધી રાતે અચાનક કોઈકે એની પાસેની આ તમામ મતા સાગમટે ચોરી લીધી છે અને એ આદિમ ભયથી આતંકિત થઈ જાય છે. ફ્રાન્ઝ કાફકાની બહુપ્રસિદ્ધ જર્મન લઘુનવલ (Novella) ‘Die Verwandlung’ (અંગ્રેજીમાં ‘મેટામોર્ફોસિસ’)નો નાયક ગ્રેગોર સામ્સા યાદ આવી જાય. એક સવારે ઊઠીને ગ્રેગોર પોતાની જાતનું એક વિશાળ જંતુમાં રૂપાંતર થઈ ગયેલું જુએ છે. જંતુ બનવાની સાથે એની ભાષા પણ બદલાઈ જાય છે, જે પરિવારજનો માટે અસંબદ્ધ અવાજથી વિશેષ કશું નથી. સ્વરૂપ અને ભાષા બદલાઈ જવાથી ગ્રેગોર અને પરિવારજનો જે સમસ્યાઓનો શિકાર બને છે એ આખી વાત બહુ અદભુત છે અને દુનિયાભરના વિદ્વાનોએ આ લઘુનવલના પોતપોતાની રીતે અર્થઘટનો કર્યાં છે. આમીરની આ રચના કાફકાની લઘુનવલના પદ્યસ્વરૂપ સમી છે.

આખું જીવન અભરે ભરેલું હોવા છતાં મનુષ્યને જીવનમાં જે નથી એનો જ મોહ વધુ હોય છે. ‘છે’નો સિક્કો સમયના હાથે સતત ઘસાતો રહે છે પણ ‘નથી’નો સિક્કો વધુ ને વધુ ચમકદાર બનતો રહે છે. પગ પાસેની રેતીમાં શ્રદ્ધા હોત તો મરીચિકાનો જન્મ જ ન થાત! પણ આપણને હંમેશા પારકે ભાણે જ લાડુ મોટો લાગતો આવ્યો છે. હોવા કરતાં ન હોવાનું ગણિત જ પ્રાધાન્ય ધરાવતું હોવાથી જિંદગીના દાખલામાં સરવાળે હંમેશા ખોટ જ હાથ લાગે છે. ઈ.પૂ. ૫૬૫માં લાઓ ત્સેએ કહ્યું હતું: ‘અજ્ઞાનને જાણવું એ જ્ઞાનનો શ્રેષ્ઠ ભાગ છે.’ અહીં નાયકને અચાનક પોતાની પાસે જે બચ્યું નથી કે છિનવાઈ ગયું છે એનું જ્ઞાન થાય છે. જ્ઞાન હંમેશા કષ્ટદાયક હોય છે. ડી એચ લૉરેન્સે કહ્યું હતું કે ‘જ્ઞાને સૂર્યને મારી નાંખ્યો છે, ધબ્બાઓવાળો વાયુનો એક ગોળો બનાવી દીધો છે.’ કેવી સાચી વાત! ગુમાવી બેસવાના જ્ઞાને જ નાયકને ભયભીત કરી દીધો છે. કોઈ વસ્તુ આપણે કદી જોઈ-અનુભવી જ ન હોય તો એની અછત બહુ તકલીફદેહ બનતી નથી. મર્સિડિઝ-બીએમડબ્લ્યૂના કદી માલિક થયાં જ ન હોઈએ તો ઈર્ષ્યાથી વધીને કદાચ તકલીફ ન જ થાય પણ આખી જિંદગી એમાં ફર્યા હોઈએ અને અચાનક ગુમાવી બેસીએ એ વધુ પીડાકારક છે. ‘ન હોવું’ એ ‘હોવું’ કરતાં વધુ દર્દ પહોંચાડે છે પણ ‘હોવું’ જ્યારે ‘ન હોવું’ બની જાય ત્યારે તો અસહ્ય જ બની રહે છે.

નાયકની જિંદગીમાંથી રાતોરાત ભાષા એના તમામ આયામો લઈને ચાલી ગઈ છે. ભાષાથી મોટી કોઈ ક્રાંતિ મનુષ્યજાતે કરી-અનુભવી નથી. જ્યારે ભાષા હતી જ નહીં, ત્યારે પણ પ્રત્યાયન તો હતું જ. પણ એ બિલકુલ આદિમ પ્રકારનું હતું. માનવામાં આવે છે કે પાંચ લાખ વર્ષ પહેલાં વાણીનો ઉદગમ થયો હતો. સાંઠ-સિત્તેર હજાર વર્ષ પહેલાં આદિમાનવો અલગ અલગ ભૂખંડમાં ફેલાવા શરૂ થયા અને અલગ-અલગ પ્રકારની વાચાનો જન્મ થવાની શરૂઆત થઈ. ફ્રાન્સમાં શૉવેટ ગુફામાં પ્રત્યાયનમાં મદદરૂપ ગુફાચિત્રો મળી આવ્યા છે, જે ૩૦૦૦૦ વર્ષો પુરાણાં છે. ભાષાની ઉત્ક્રાંતિ અત્યંત ધીમી ગતિએ થઈ. ગુફાચિત્રોથી પેટ્રોગ્લિફ (પહાડમાં કરેલ કોતરકામ) સુધી જવામાં બીજાં વીસેક હજાર વર્ષ નીકળી ગયાં. લેખનની શરૂઆત ઈસુથી ત્રણથી છ હજાર વર્ષો પૂર્વે થઈ હોવાનું મનાય છે પણ વાણીની શરૂઆત વિશે કોઈ આધારભૂત સ્રોત ઉપલબ્ધ નથી કેમકે વાચા કોઈ નિશાન મૂકતી નથી જેને પુરાતત્ત્વવિદ્દ ખોદી કાઢી શકે. જેમ પશુ-પક્ષીઓમાં એમ મનુષ્યોમાં પણ અવાજના નાના-મોટા આરોહ-અવરોહથી વાતચીત કરવાની શરૂઆત થઈ હશે. મનુષ્યો પાસે હાથ-પગ-શરીર વડે સંકેત કરવાની વધારાની સુવિધા પણ હતી. સમય જતાં આ અવાજોના પિંડ બંધાયા અને એમ ભાષાની શરૂઆત થઈ. આજે આપણે જે કંઈ પણ વિચારીએ છીએ એ માત્ર ભાષાના પ્રતાપે જ છે. જો આપણા વિકાસના મૂળમાં ભાષાની સિમેન્ટ રેડવામાં આવી જ ન હોય તો અભિવ્યક્તિની ઈમારત બાંધવી જ સંભવ નથી. ફ્રાન્સિસ બેકને કહ્યું હતું એમ, ‘માણસો કલ્પના કરે છે કે તેઓનું મન ભાષા પર આધિપત્ય ધરાવે છે, પણ બહુધા એવું થતું હોય છે કે ભાષા મનોમસ્તિષ્ક પર રાજ્ય કરે છે.’ કોઈકે કહ્યું છે એમ ભાષા સુનિશ્ચિત રેલપટ્ટીઓ જેવી છે, જેના પર જ આપણા વિચારોએ દોડવું પડે છે.

અને આ ભાષાની એકદિવસ અચાનક આગોતરી જાણ વિના જ જીવનમાંથી બાદબાકી થઈ જાય તો કેવી હોનારત સર્જાય?! નખશિખ વસ્ત્રોથી સુશોભિત સભાગૃહની સમક્ષ મંચ પર અચાનક નિર્વસ્ત્ર આવી ઊભા રહેવાનું થાય ત્યારે જે હાલત થાય એ હાલત સંભાષક અનુભવી રહ્યો છે. આકાશને આંબતા વિરાટકાય વૃક્ષની ટોચ પરથી કોઈ માણસ નીચે ફંગોળાય ત્યારે કેવો ડર લાગે! જહાજ તૂટી ગયા પછી કોઈ નાના ટાપુ પર આશરો લેનાર માણસ જ્યારે જુએ કે દરિયાની ભરતી ટાપુને ગળવા માંડી છે તો જીવ કેવો પડીકે બંધાય! વિમાનચાલકે વિમાનમાંથી કૂદવું પડે અને જે પેરાશૂટના આશરે કૂદ્યો હોય એ પેરાશૂટ ખૂલે જ નહીં તો કેવી કફોડી હાલત થાય! પથરો ખાડામાં પડે ને ખાડાનો અંત આવે જ નહીં, આવે જ નહીં ત્યારે ભય અને અનિશ્ચિતતાની જે તીવ્રતમ લાગણી થાય એ લાગણી કથક અહીં અનુભવી રહ્યો છે. પણ આ ભય પણ અવાજ વગરનો, અક્ષર વગરનો, ઉચ્ચારી ન શકાય એવો હતો. કોઈપણ જાતના અવયવ વિનાના શરીર જેવી આ વાત છે. કોઈપણ પ્રકારે સ્ફુટ ન થઈ શકે એવી અસંબદ્ધતા નાયકને ઘેરી વળે છે. ભયની આ અસ્ફુટતાને કવિ ‘અસ્ફુટ’ શબ્દને બેવડાવીને વધુ ધારદાર બનાવે છે.

ભાષા વિનાના અંધારામાં સાવ માણસ એકલો પડી જાય છે. એક એવી કાળી ગાઢી ઉદાસી બધી તરફ વ્યાપી જાય છે, જેમાં ભલભલા ‘હું’ ઓગાળી જાય છે. જીવનમાં જે કોઈ સહારાઓ હતા, એ આ અંધારામાં ગાયબ થઈ જાય છે. આમેય અંધારું નાના-મોટા બધાને બધાને એકસમાન રંગીને એક કક્ષાએ લાવી દે છે. આ અંધારામાં જાતને ટકાવવા માટે હવે નથી કોઈ પકડ બચી કે નથી કોઈ ટેકો, જેને અઢેલી શકાય. જાણે સર્વસ્વને સર્વસ્વમાંથી ઉતરડી ન લેવાયું હોય એમ શૂન્યતામાં શૂન્યતાનો ગુણાકાર થતો રહે છે. પાસે જે ધ્વનિ બચી ગયો હોવાનું અનુભવાય છે એમાં કોઈ વાચા નથી ને કોઈ અવાજ પણ નથી. આ વાચાહીન અને અવાજહીન ધ્વનિનું રૂપક કવિતામાં સૌથી વધુ મજબૂત રૂપક છે, જેની સામે આવીને મજબૂતમાં મજબૂત ભાવક પણ ઘૂંટણિયે પડવા મજબૂર થઈ જાય છે.

ભાષા આપણી શક્તિ છે તો આપણી મર્યાદા પણ છે. કોઈકે અંગ્રેજીમાં કહ્યું છે કે, ‘કેમકે આપણે માત્ર આપણા અનુભવોને જ ઓળખીએ છીએ, આપણે કેવી રીતે ક્યારેય એમની બહાર આવીને ચકાસી શકીએ, કે ખરેખર વાસ્તવિક્તા શું છે?’ આપણા મનોભાવોને સુપેરે યથાતથ રજૂ કરી શકે એવી કોઈ ભાષા દુનિયામાં શોધી શકાઈ જ નથી. દરેક ભાષા પાસે અભિવ્યક્તિની વધતીઓછી ક્ષમતા હોવાના કારણે એક ભાષા જે લાગણી જે શબ્દમાં વ્યક્ત કરી શકે છે, એ લાગણી એના એ રૂપે વ્યક્ત કરવામાં બીજી ભાષા કદી સક્ષમ બને જ નહીં. રાવજી પટેલના ‘આભાસી મૃત્યુનું ગીત’નો દુનિયાની બીજી કોઈપણ ભાષામાં તરજૂમો શક્ય જ નથી. ને એ ન્યાયે દુનિયાની કોઈ કવિતા બીજી ભાષામાં મૂળ ભાષાના ભાવોને હૂબહૂ રજૂ કરી શકે જ નહીં. ફ્રોસ્ટે કહ્યું જ હતું કે અનુવાદમાં જે ગુમાવી બેસાય છે એ કવિતા છે. એઝરા પાઉન્ડે બહુ સાચું કહ્યું છે: ‘તમામ માનવ જ્ઞાનનો સરવાળો કોઈ એક ભાષામાં સમાવી શકાય નહીં, અને કોઈ એક ભાષા માનવીય સમજના તમામ સ્વરૂપો તથા પરિમાણો વ્યક્ત કરવાને સક્ષમ નથી.’

જ્યારે હોવામાંથી હોવું નીકળી જાય ત્યારે મનુષ્ય શૂન્ય બની જાય છે, શૂન્યથીય વધુ સીમિત –કંઈ જ નહીં- બની જાય છે. (શૂન્ય પણ આખરે કંઈક તો છે જ ને!) લટકી જવા માટે વધસ્તંભ તો નથી જ, એકાદી ખૂંટીય નથી રહેતી જ્યાં તમે લટકી-અટકી જઈ શકો અને શૂન્યની હદોય ઓગળી જાય એવી પરિશૂન્યતા-કંઈ નહીંતામાં સરી પડવાથી બચી શકો. મહર્ષિ અરવિંદ સમાધિના પ્રથમ પગથિયાં તરીકે પોતાના વિચારોથી અળગા થવાની સલાહ આપે છે. પોતાના વિચારોને કોઈ ત્રાહિત વ્યક્તિની જેમ આવતાં-જતાં જોતાં એ શીખવે છે. સાચા અર્થમાં આ આવડે એ પછી માણસ વિચારોને સંપૂર્ણતયા અવગણી શકીને વિચારહીનતાના શિખરે પહોંચી શકે છે. વિચારહીનતાનું સર્વોત્તમ શિખર એ સમાધિનું પ્રથમ પગથિયું છે. ઓશો પણ અરવિંદના સૂરમાં પોતાનો સૂર પૂરાવી તાટસ્થ્યપૂર્ણતાથી વિચાર સાથે વર્તી સમાધિ સુધી જવાનો રાહ કંડારે છે. કેમકે જ્યારે માણસ સમગ્રતઃ વિચારશૂન્ય થઈ જાય છે ત્યારે સાચા અર્થમાં એનો ‘હું’ સંપૂર્ણપણે ઓગળી જાય છે. ભાષા આપણને વિચારતા શીખવે છે. આપણા વિચારને ચાલવા માટે ભાષાની સડક અનિવાર્ય છે. સોળમી-સત્તરમી સદીમાં થઈ ગયેલા રેની ડેઇકાર્ટ (René Descartes)નું લેટિન વિધાન છે: હું વિચારું છું, માટે હું છું. (ego cogito, ergo sum) ફિલિપ આદમ્સ આ વાતથી એક પગલું અગળ વધે છે: ‘હું વિચારું છું તેથી મારી પાસે કોઈ સગડ નથી.’

ભાષા બે મનુષ્યો, બે સંસ્કૃતિઓને જોડતો સેતુ છે. ભાષા સમાજનો મૂળભૂત પાયો છે. ભાષા વિચારની જનેતા છે. ભાષા છિનવાઈ જવાનું કાવ્યનાયકનું દુઃસ્વપ્ન એના એકલા પડી જવાના ડરનું જ દ્યોતક છે. આજે આપણે એ બિંદુએ આવી ઊભા છીએ જ્યાં માણસ હજારો માણસોને મળવાની ક્ષમતા તો ધરાવે છે પણ પોતાની જાતને મળવાની હિંમત ગુમાવી બેઠો છે. આજના મનુષ્યની મથરાવટી મુકુલ ચોક્સીએ આબેહૂબ આલેખી છે:

હો ભીડમાં જ સારું બધામાં ભળી જવાય,
એકાંતમાં તો જાતને સામે મળી જવાય.

જાતથી રૂબરૂ થઈ જવાનો ડર આજે તમામ ડરનો બાપ બની બેઠો છે. ઇન્ટરનેટ અને સ્માર્ટફોને તો મોંકાણની પરાકાષ્ઠા માંડી છે. એણે માણસને પોતાની જાતથી તો વેગળો કરી જ નાંખ્યો છે, આસપાસમાંથીય બાદ કરી નાંખ્યો છે. આજનો મનુષ્ય આભાસી દુનિયામાં ગરકી ગયો છે એવામાં અડધી રાતે આવો અહેસાસ થાય કે ભાષા-વિચાર-અવાજ બધું જ છિનવાઈ ગયું છે ત્યારે જે એકલતાની-પરિશૂન્યતાની ચરમસીમા અનુભવાય એ અનુભવવું આજના માનવીના બરની વાત નથી. ભાષા-વાચા-વિચારહીન થઈ જવાની ઘડીએ હું હું રહેતો નથી કેમકે બધી ઉપાધિ વિચાર-વાના કારણે જ છે. વિચારને જ લકવો પડી જાય તો પછી ઉપાધિ જ શી રહે? કબીર યથાર્થ જ કહી ગયા છે કે, ‘जब मैं था तब हरी नहीं, अब हरी है मैं नाही|’ જ્યાં સુધી માણસ પાસે એનો ‘હું’ હોય છે ત્યાં સુધી ઈશ્વર પણ એની નજીક ફરકવાની હિંમત કરી શકતો નથી પણ જે ઘડીએ માણસનો ‘હું’ ખરી પડે છે ત્યારે ઈશ્વર સિવાય કંઈ બચતું નથી કેમકે ‘હું’વિહોણો મનુષ્ય સાક્ષાત્ ઈશ્વર જ છે! એકવાર કોઈપણ પ્રકારના વિચારોથી પરિશૂન્ય થઈ જવાય તો હું કોણ છું કે હું શું છુંનો કોઈ અર્થ બચતો નથી, કેમકે હુંનું અસ્તિત્વ જ મટી જાય છે. અનસ્તિત્વતાનો આ સાક્ષાત્કાર જ આ કવિતાની સાચી ઉપલબ્ધિ છે.

ગ્લૉબલ કવિતા : ૧૦૩ : ક્લિઓપેટ્રા – આન્ના આખ્માતોવા

Cleopatra

I am air and fire.
Shakespeare

Alexandria’s palace
Has been covered by a sweet shade.
Puškin

[She] has already kissed Antony’s dead lips,
And on [her] knees before Augustus has already poured out [her] tears…
And the servants have betrayed [her]. Victorious trumpets are blaring
Under the Roman eagle, and the mist of evening is drifting.

And enters the last captive of her beauty,
Tall and stately, and he whispers in confusion:
“[He] will send you – like a slave… before him in the triumph…”
But the inclination of [her] swan-like neck is still serene.
And tomorrow they will put [her] children in chains. Oh, how little remains
[For her] to do on earth – to joke with a man,
And, as if in a farewell gesture of compassion,
Place a black [small] snake on [her] swarthy breast with an indifferent hand.)

– Anna Akhmatova
(Eng. Translation: Judith Hemschemeyer)

ક્લિઓપેટ્રા
હું હવા અને અગ્નિ છું.
– શેક્સપિઅર

એલેક્ઝાન્ડ્રિયાનો મહેલ
એક મીઠા છાંયડાથી ઢંકાયેલો છે.
– પુશ્કિન

(તેણીએ) ક્યારના ચૂમી લીધા છે એન્ટનીના મૃત હોઠો,
અને ઑગસ્ટસ સામે ઘૂંટણિયે પડીને ક્યારના આંસુ વહાવી દીધાં છે…
અને સેવકોએ દગો દીધો છે. વિજયી રણશિંગાઓ ગાજી રહ્યાં છે
રોમન ગરુડના ઓથા તળે, અને સાંજના ઓળા ઊતરી રહ્યાં છે.

અને પ્રવેશે છે એના સૌંદર્યનો આખરી ગુલામ,
ઊંચો અને ઉદાત્ત, અને એ મૂંઝાતા-મૂંઝાતા કાનાફૂસી કરે છે:
“તમને –ગુલામ તરીકે- તેની આગળ વિજયની ખુમારીમાં લઈ જશે…”
પણ હંસની ડોકનો ઝુકાવ હજીય અકંપ છે.

અને કાલે બાળકોને મારી નંખાશે. ઓહ, કેટલું ઓછું બચ્યું છે
પૃથ્વી પર કરવા માટે – આ માણસ સાથે હંસીમજાક કરો,
અને, જાણે કે વિદાયનો કરુણાસભર ઈશારો ન હોય,
એમ એક કાળા સાપને મૂકી દો શામળા સ્તન પર બેપરવા હાથ વડે.

– આન્ના આખ્માતોવા
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)

ક્લિઓપેટ્રા – રાણીના લિબાસમાં છૂપાયેલું કવયિત્રીનું સ્વાન-સૉંગ

કવિતા કવિની આત્મકથા છે એમ કહીએ તો એ કેટલા અંશે સાચું ગણાય? કદાચ ઘણાખરા સર્જકો આ વાત સ્વીકારવા તૈયાર ન થાય. હું જે લખું છું એ મારી આત્મકથા છે એમ જો સર્જક કહી દે તો કદાચ ઘણાં ઘર ભાંગી જાય. પણ હકીકત એ છે કે સ્થૂળ સ્વરૂપે નહીં તો સૂક્ષ્મ સ્વરૂપે પણ સર્જક જે કંઈ લખે છે, એ એની ઇન્દ્રિયોના ચશ્માંમાંથી જોયેલી, જાણેલી, અનુભવેલી દુનિયા જ છે. તમામ પ્રકારનું સર્જન સર્જકના નિજના અનુભૂતિના પિંડમાંથી જ રચાતું હોવાથી એક રીતે એ સર્જકની જ કોઈને કોઈ સંવેદનાની આત્મકથા જ ગણી શકાય.

જીવંત લાગશે ગઝલ, મનફાવે ત્યારે અડ,
લખ્યો છે મેં મને જ કે શબ્દો છે મારા શ્વાસ.

સર્જક શબ્દોને શ્વસીને જીવે છે એટલે એના સર્જનમાં એના શ્વાસ જ સામેલ હોવાના એ હકીકત શી રીતે જૂઠલાવી શકાય? રશિયન રજતયુગના સામ્રાજ્ઞી કવયિત્રી આન્ના આખ્માતોવા પ્રસ્તુત રચનામાં મહાન ઐતિહાસિક પાત્રના વર્ણનના સ્વાંગમાં પોતાની આત્મકથા જ આલેખે છે.

આન્ના એન્ડ્રિયેવ્ના ગોરેન્કો. ૨૩-૦૬-૧૮૮૯ના રોજ રશિયામાં, પણ હાલ યુક્રેઇનના ઓડેસા ખાતે જન્મ. યુદ્ધ, ક્રાંતિ અને સરમુખત્યારશાહીના પ્રતાપે એમના વિશેની ઘણી માહિતી અને એમનું ઘણું સર્જન મિટાવી દેવામાં આવ્યું હતું. એમના દાદાના કાકી રશિયાના પ્રથમ કવયિત્રી હતાં એમ આન્નાએ લખ્યું છે. ૧૧ વર્ષની વયે આન્નાએ કવિતા લખવું આદર્યું અને ટૂંકાગાળામાં એમની રચનાઓ છપાવા પણ માંડી. કવિતાને ‘ઉતરતી’ ગણતા પિતાનું નામ બદનામ ન થાય એ માટે એમણે આન્ના આખ્માતોવા (ઉચ્ચાર મુજબ આક્માટોવ, પણ આપણે ત્યાં આખ્માતોવા પ્રચલિત થઈ ચૂક્યું હોવાથી એ જ રાખીએ) ઉપનામ રાખ્યું. નિકોલાઈ ગુમિલ્યોવ સાથેનું પ્રથમ લગ્નજીવન (૧૯૧૦-૧૯૧૮) અને વ્લાદિમિર સાથેનું બીજું લગ્નજીવન (૧૯૧૮-૧૯૨૬)–બંને આઠેક વર્ષ જ ટક્યાં. પહેલાં પતિ સાથે છૂટાછેડા થયા એ પછી પણ સૉવિયેટ ખાનગી પૉલિસે એમની જાન લીધી અને બે નિષ્ફળ લગ્નજીવન બાદ જે નિકોલાઈ પુનિન સાથે તેઓ આજે લિવ-ઇન કહીએ છીએ એ પ્રકારના સંબંધથી જોડાયાં, એ પુનિનને પણ લેબર કૅમ્પમાં મૃત્યુ પામ્યો ત્યાં સુધી રહેવાની ફરજ પડાઈ. આ ઉપરાંત ઓસિપ મેન્ડલસ્ટામ, બૉરિસ અન્રેપ, મિખાઇલ ઝિમરમેન, આર્થર લૉરી જેવા ઘણા લોકો સાથે એ અવારનવાર પ્રેમસંબંધે જોડાતાં રહ્યાં. પહેલા હનીમૂન વખતે પેરિસમાં એમેડિયો મોડિગ્લિઆની સાથે મૈત્રી થઈ, ફરી પેરિસ એને મળવાં એ ગયાં ત્યાં સુધીમાં એમેડિયોએ એમના (નગ્ન સહિતના) વીસેક ચિત્રો બનાવ્યાં હતાં.

રશિયાના ઉત્તમ કવિઓમાં મોખરાનું સ્થાન. પ્રમુખતઃ કવિતાઓ પણ નિબંધો, આત્મકથાનક અંશો, અને અનુવાદો પણ આપ્યા. પરવીન શાકિરની જેમ જ આન્નાની કવિતાઓમાંથી એક સ્ત્રીનો સ્પષ્ટ અને બુલંદ સ્વર ઊઠતો સંભળાય છે. મર્યાદિત શબ્દોમાં રજૂ થતી સંયમિત લાગણીસભર રચનાઓ એમની મૌલિકતાના કારણે સમકાલીનોથી અલગ તરી આવે છે. ‘નેવાની રાણી’ અને રશિયન ‘રજતયુગનો આત્મા’ જેવી પદવી એમને અપાઈ હતી. સતત બે વરસ સુધી નોબલ પારિતોષિક માટે એમનું નામ વિચારાયું હતું. હજારો સ્ત્રીઓએ ‘આખ્માતોવાના માનમાં’ કવિતાઓ રચવી શરૂ કરી, જે બાબતમાં આન્નાએ કહેવું પડ્યું હતું કે, ‘મેં આપણી સ્ત્રીઓને કેવી રીતે બોલવું એ તો શીખવી દીધું, મને ખબર નથી કે એમને ચુપ કઈ રીતે કરવી.’ પ્રથમ વિશ્વયુદ્ધના મંડાણે રશિયન રજતયુગનો અંત આણ્યો. ફ્રેબ્રુઆરી ૧૯૧૭માં પિટર્સબર્ગમાં ક્રાંતિના પાગરણ થયાં અને સિપાહીઓએ વિરોધ કરનારાઓ પર અંધાધૂંધ ગોળીબાર કરવો આદર્યો. વીજળી, ગટર, ખાધા-ખોરાકી અને પાણીના અભાવે સેંકડો લોકો માર્યા ગયા. આન્નાના ઘણા મિત્રો મરાયા, ઘણા યુરોપ વગેરે દેશોમાં ભાગી છૂટ્યા. આન્નાને પણ ભાગી છૂટવાની તક હતી પણ એમણે વતન ન ત્યજવાનો નિર્ણય લીધો અને આજીવન આ વાતનું એમને અભિમાન પણ રહ્યું. ૧૯૨૫થી ૧૯૪૦ દરમિયાન આન્નાની કવિતાઓ પર ‘બિનસત્તાવાર’ પ્રતિબંધ મૂકાયો. લોકોએ એવું પણ માની લીધું કે આન્ના હવે હયાત નથી. આન્નાની ધરપકડ થતાં-થતાં રહી ગઈ પણ એમના ઇતિહાસકાર પુત્ર લેવની વારંવાર ધરપકડ કરવામાં આવી. આત્યંતિક ગરીબીના શિકાર આન્નાને દીકરાને ખાવાનું આપવા અને એને છોડી દેવાની આજીજી કરવા માટે કલાકો સુધી કતારમાં ઊભા રહેવું પડતું. ૧૯૩૯માં સ્ટાલિને એમને એક કાવ્યસંગ્રહ પ્રગટ કરવાની છૂટ આપી, જે થોડા જ સમયમાં બજારમાંથી ફરી ખેંચી લઈ નાશ કરાયો. આન્ના લગભગ નજરકેદી જેવું જીવન જીવ્યાં. એમના ફોન ટેપ કરાતા, મુલાકાતીઓની જડતી લેવાતી, લખાણો જપ્ત કરાતાં. કવિતાઓ લખીને, મોઢામોઢ ફરતી કરીને જાતે જ બાળી દેવી પડતી, જેના પરિણામે મનાય છે કે વિપુલ સાહિત્ય કાયમ માટે લુપ્ત થઈ ગયું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સ્ટાલિનના હુકમથી એમને થોડો સમય તાશ્કંદ મોકલી દેવાયાં. ૧૯૪૬માં એ જ સ્ટાલિનના કહેવાથી એમની વિરુદ્ધ જાહેર ચળવળ ચલાવાઈ અને આન્નાને ‘અર્ધવેશ્યા, અર્ધસાધ્વી’ જાહેર કરાયાં. દીકરાને છોડાવવા માટે આન્નાએ સ્ટાલિન માટે કસીદા પણ કસવા પડ્યા. સ્ટાલિનના મૃત્યુ (૧૯૫૬) પછી આન્નાનો કવિ તરીકે પુનઃ સૂર્યોદય થયો પણ વજનદાર સેન્સરશીપ ચાલુ જ રહી. થોડા પ્રતિબંધ-થોડી આઝાદીની વચ્ચેની જગ્યામાં રહીને તેઓ આખરે મૃત્યુના દોઢ-બે દાયકા બાદ ખરા અર્થમાં પ્રસિદ્ધિની ચરમસીમાઓને આંબ્યાં. ૧૯૬૫માં ઓક્સફર્ડ યુનિવર્સિટીએ એમને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી હતી. ૦૫-૦૩-૧૯૬૬ના રોજ ૭૬ વર્ષની વયે હૃદયરોગના હુમલા બાદ હૃદયનો પંપ નિષ્ફળ જવાથી એમનું નિધન થયું.

ક્લિઓપેટ્રા’ શીર્ષક વાંચતાં જ એક અવનવું સંવેદન લખલખું બનીને આપણને આલિંગી લે છે. ટૉલેમિક રાજવંશની આખરી શાસક ક્લિઓપેટ્રા (સાતમી)નું નામ કોણે નહીં સાંભળ્યું હોય? ઈસુના જન્મથી લગભગ ૭૦ વર્ષ પૂર્વે એનો જન્મ. ૧૮ વર્ષની કુમળી વયે તો એના હાથમાં ૧૦ વર્ષના ભાઈ સાથે ભાગીદારીમાં રાજગાદી આવી ગઈ. પણ સલાહકારોથી દોરવાઈને ભાઈ ટૉલેમીએ એને ઇજિપ્ત છોડી સિરિઆ ભાગી જવા મજબૂર કરી. બીજા જ વર્ષે ક્લિઓપેટ્રા પોતાની સેના ઊભી કરીને પાછી ફરી. કહે છે કે સિઝરના દરબારમાં શેતરંજીમાં વીંટળાઈને એ પ્રવેશી હતી. શેતરંજી ખોલવામાં આવતાં અંદરથી નીકળેલી રૂપયૌવનાએ દરબારમાં આમ પ્રવેશીને સિઝરને આશ્ચર્યચકિત કરી લીધો અને મોહપાશમાં જકડી લીધો. જુલિયસ સિઝરની મદદથી ભાઈને ભગાડીને એણે ફરી ગાદી હાંસલ કરી. સિઝરની હત્યા બાદ રોમમાં માર્ક એન્ટની, ઑક્ટાવિયસ અને લેપિડસની ત્રિપુટી વિરુદ્ધ સિઝરના હત્યારા બ્રુટસ અને કેસિયસ સામસામા થયા. બંને ટોળીએ ઇજિપ્તની મદદ માંગી. ક્લિઓપેટ્રાએ ત્રિપુટીને મદદ કરી. એમાંથી એન્ટનીએ જીત્યા બાદ એને મળવા બોલાવી. ક્લિઓપેટ્રાના જાદુથી એન્ટની પણ બચી ન શક્યો. ક્લિઓપેટ્રા માટે એન્ટની પોતાની પત્ની અને વતનની સામે થાય છે. બદલામાં એન્ટનીની પત્ની ઓક્ટાવિયાનો ભાઈ ઑગસ્ટસ ઓક્ટાવિયન યુદ્ધ છેડે છે, જેમાં ક્લિઓપેટ્રા અને એન્ટનીની હાર થાય છે. બંને વારાફરતી ભાગી છૂટે છે. ક્લિઓપેટ્રાએ આત્મહત્યા કરી લીધી હોવાની અફવા સાંભળી એન્ટની તલવાર પેટમાં મારીને જીવ આપવાની કોશિશ કરે છે. ઘાયલ એન્ટનીને ક્લિઓપેટ્રા પાસે લવાય છે, જ્યાં ક્લિઓપેટ્રા પોતાના કપડાં ફાડીને, છાતી પીટીને, એના લોહીથી પોતાનો ચહેરો ખરડીને માતમ મનાવે છે. એન્ટની મૃત્યુ પામે છે. ક્લિઓપેટ્રા પોતાના રૂપની માયાજાળમાં ઓક્ટાવિયનને ફસાવવાની નિષ્ફળ કોશિશ કરે છે પણ ઓક્ટાવિયન યુદ્ધના વિજયચિહ્ન તરીકે પોતાને રોમમાં લઈ જઈ નગર વચ્ચે પરેડ કરાવશે એ વાતની ખાતરી થતાં ૩૯ વર્ષની વયે ૧૨ ઑગસ્ટ, ઈ.પૂ. ૩૦ના રોજ ક્લિઓપેટ્રા બે સેવિકાઓ સાથે જાતને ઓરડામાં બંધ કરી દે છે અને કહેવાય છે કે ઝેરી સાપના ડંશ વડે આત્મહત્યા કરે છે. ઑગસ્ટસ ઑક્ટાવિઅન એન્ટની અને ક્લિઓપેટ્રા ઉપરનો વિજય યાદગાર બનાવવા જેમ જુલિયસે જુલાઈ મહિનાનું નામકરણ કર્યું હતું, એમ એ મહિનાનું નામ ઑગસ્ટ નક્કી કરે છે.

ઇજિપ્તની આખરી ફૅરો તથા ઇજિપ્ત, સાયપ્રસ, લિબિયાની રાણી ક્લિઓપેટ્રાનું રૂપ આજે દંતકથા બની ગયું છે. સંગીત, સાહિત્ય અને અન્ય કળાઓએ એના સૌંદર્યને અભૂતપૂર્વતા બક્ષી છે. પણ કહેવાય છે કે એ એટલી સ્વરૂપવાન નહોતી, જેટલી કલ્પવામાં આવી છે. એવું પણ કહેવાય છે કે એ કાળી હતી. રૂપ-રંગની હકીકત જે હોય એ પણ એ સાચા અર્થમાં પ્રખર મેધાવિની હતી. તીવ્ર બુદ્ધિમતા, ડઝન જેટલી ભાષાઓ પર પ્રભુત્વ; ગણિત, ફિલસૂફી, વાક્છટા, ખગોળશાસ્ત્ર વિ.માં અપ્રતીમ પ્રાવીણ્ય, તથા અવાજના માર્દવ અને વ્યક્તિત્વના અનૂઠા આકર્ષણથી એ સૌને વશ કરી લેતી. પોતાની જાતને જીવંત દેવી માનતી અને એ જ આભાથી જીવતી અને એ જ આભામાં આવનારને ખેંચી લેતી. સેંકડો રાજા-રાણીઓ ઇજિપ્તની ગાદી પર આવ્યાં અને ગયાં પણ ક્લિઓપેટ્રા જેટલી પ્રસિદ્ધિ સમયે કોઈને અપાવી નથી. પ્લુટાર્કની ‘પેરેલલ લાઇવ્સ’ પરથી પ્રેરિત થઈ શેક્સપિઅરે ‘એન્ટની એન્ડ ક્લિઓપેટ્રા’ નાટક લખ્યું એ પહેલાં અને એ પછી પણ સેંકડો સર્જકોએ ક્લિઓપેટ્રા વિશે લખ્યું અને લખશે પણ શેક્સપિઅરે વિશ્વ સમક્ષ રજૂ કરેલી એની છબી જનમાનસમાં સદાકાળ માટે જડાઈ ચૂકી છે. એ જ રીતે ફિલ્મોમાં આજદિન પર્યંતની મોંઘામાં મોંઘી ફિલ્મ ‘ક્લિઓપેટ્રા’માં એલિઝાબેથ ટેલરને કોઈ અતિક્રમી શક્યું નથી.

આન્નાની આ કવિતાના સેંકડો અનુવાદ થયા છે, જેમાંથી એની ફ્લિન્ચ, જ્યૉર્જ ક્લાઇન, એ. જેડ. ફોરમેનના અનુવાદો વધુ ધ્યાનાર્હ છે પણ મૂળ રશિયન કવિતાને સામે રાખીએ તો જ્યુડિથ હેમ્શેમેયરે કરેલો અંગ્રેજી અનુવાદ સૌથી વધુ પ્રમાણિક અનુવાદ હોવાનું જણાય છે. ૦૭-૦૨-૧૯૪૦ના રોજ લખાયેલ આન્નાની આ કવિતાની શરૂઆત શેક્સપિઅર અને પુશ્કિનના વિધાનોથી થાય છે. શેક્સપિઅર ‘એન્ટની એન્ડ ક્લિઓપેટ્રા’ (અંક ૨, દૃશ્ય ૨)માં ક્લિઓપેટ્રાના વખાણ અને ટીકા બંને એક જ વાક્યમાં કરે છે: ‘એ(નું સૌંદર્ય) ભૂલને પણ પરિપૂર્ણ બનાવે છે, અને (પોતે) હાંફતી હોવા છતાં શ્વાસ પૂરો પાડે છે.’ ક્લિઓપેટ્રાના સૌંદર્યને એ અદભુત ન્યાય પણ કરે છે: ‘ન ઉમર એને મુરઝાવી શકે છે, ન રિવાજો એના અનંત વૈવિધ્યને વાસી કરી શકે છે. અન્ય સ્ત્રીઓ જે ભૂખ જગાડે છે, એનાથી (સમય જતાં) તમે ઓચાઈ જાવ છો. પણ એ તમને સંતોષતી હોવા છતાં તમે કદી ધરાતાં નથી.’ સામા પક્ષે રશિયામાં ક્લિઓપેટ્રોમેનિયા(ઘેલછા)ની પુશ્કિનના સાહિત્યથી શરૂઆત થઈ હતી. એક સમય રશિયામાં એવો પણ આવ્યો કે કવિ હોય એણે ક્લિઓપેટ્રા વિશે લખવું જ રહ્યું. પણ આન્નાએ આ જુવાળ ઓસરી ગયા બાદ અને કમ્યૂનિસ્ટ વિચારોએ ક્લિઓપેટ્રાને લગભગ પ્રતિબંધિત કરી દીધી એ પછી જ એના વિશે લખ્યું.

શેક્સપિઅરના ‘એન્ટની એન્ડ ક્લિઓપેટ્રા’ (અંક ૫, દૃશ્ય ૨)માં ક્લિઓપેટ્રા આત્મહત્યા કરતાં પહેલાં રાણીની જેમ તૈયાર થતી વખતે કહે છે, ‘હું આગ અને હવા છું; મારા અન્ય તત્ત્વો હું મૂળભૂત (નાશવંત) જીવનને આપું છું.’ આગ અને હવા અનુક્રમે પ્રાણ અને શ્વાસ સાથે સંકળાયેલા છે, અન્ય તત્ત્વો પૃથ્વી અને પાણી નાશવંત શરીર સાથે. જીવનના કોઈપણ ઉતારચડાવમાં ક્લિઓપેટ્રાએ મનથી કદી હાર માની નહોતી. એનો આત્મા કદી કોઈનો ગુલામ થયો નહોતો. આન્ના આમાંથી વાક્યાંશ કાવ્યારંભે પ્રયોજે છે. એ પછી આન્ના પુશ્કિનની ‘ઇજિપ્શ્યન નાઇટ્સ’માંથી અભિલેખ વાપરે છે: ‘એલેક્ઝાન્ડ્રિયાનો મહેલ એક મીઠા છાંયડાથી ઢંકાયેલો છે.’ એલેક્ઝાન્ડ્રિયા ખાતે ખેલાયેલી લડાઈમાં ઓક્ટાવિઅને એન્ટનીને હરાવ્યો હતો. એન્ટનીની ખરી પ્રતિભા ક્લિઓપેટ્રાની મોહજાળ હેઠળ ઢંકાઈ ચૂકી છે એ બાબતનો ઈશારો અહીં જોવા મળે છે. ક્લિઓપેટ્રાની આત્મહત્યા રજૂ કરતી આ કવિતા સાથે આ અભિલેખને આમ કશું લાગે વળગતું નથી પણ એકતરફ અભિલેખમાંનો આ છાંયડો કવિતામાં ઊતરી રહેલા સાંજના ઓળા સાથે સુસંગત છે અને બીજી તરફ એ ક્લિઓપેટ્રા અને એલેક્ઝાન્ડ્રીયા શહેરના અંત તરફ ઈંગિત પણ કરે છે. ત્રીજી રીતે જોઈએ તો આ અભિલેખ શેક્સપિઅરના અભિલેખ સાથે મળીને કવિતાનો ‘પ્લૉટ’ ઘડે છે અને ચોથી વસ્તુ એ છે કે સતત સેન્સરશીપની તલવાર નીચે જીવતી આન્ના ભાવકનું અને ખાસ તો સત્તાધીશોનું આ કવિતા આત્મકથનાત્મક હોવા સામેથી ધ્યાન વિચલિત કરે છે. એ કાળમાં સ્ટેલિનિઝમના દાબ તળે સર્જકોમાં સૉવિયેટ ઇશપિઅન ભાષા વ્યાપ્ત બની હતી, જેમાં ઈશપની વાર્તાઓની જેમ અભિધાની નીચે છૂપાયેલી વ્યંજના ઇપ્સિત રહેતી હતી. આન્ના આ જ ભાષા વાપરીને લખે છે કંઈક પણ કહે છે કંઈક.

આમ, ક્લિઓપેટ્રા બાબતમાં સૌથી વધુ સત્તાધિકાર પ્રાપ્ત કરનાર શેક્સપિઅર તથા પુશ્કિન અને રશિયન રજતયુગ સાથે પોતાના વર્તમાનના તાર જોડીને ઇતિહાસના છોગામાં વીંટાળીને આન્ના પોતાની આત્મકથા આપણી સમક્ષ મૂકે છે. એ કહે છે, ક્લિઓપેટ્રાએ એન્ટનીના મૃત હોઠોને ક્યારના ચૂમી લીધા છે અને શહેર જીતનાર ઑગસ્ટસ ઓક્ટાવિઅન સામે આંસુઓ પણ ક્યારના વહાવી દીધાં છે. મતલબ જે કરવાનું હતું એ બધું ક્યારનું થઈ ચૂક્યું છે. યુદ્ધમાં હંમેશા બને છે, એ રીતે સેવકોએ વિજેતાના તાપથી પોતાને બચાવવા રાણીને દગો દઈ દીધો છે. શેક્સપિઅરના નાટકમાં ક્લિઓપેટ્રાનો ખજાનચી સેક્યુલસ ઓક્ટાવિઅસની હાજરીમાં રાણીના શબ્દોને સાથ આપવાના બદલે ફરી જાય છે. રોમન ગરુડ આકાશમાં મંડરાઈ રહ્યું છે. આન્ના શિકારી પક્ષી ગરુડનું પ્રતીક પ્રયોજે છે અને કાવ્યાંતે રાણી આપઘાત કરવા માટે ગરુડના પ્રિય ખોરાક સાપની વાત કરે છે એ પણ સૂચક છે. વિજયના રણશિંગાઓના અવાજોથી આકાશ ભરાઈ ગયું છે. સાંજના ઓળા ઊતરી રહ્યા છે. શહેર, શહેરીજનો અને રાણી – બધાના જીવનનો સૂર્ય હવે આથમી ચૂક્યો છે. બધાએ વિજેતાના ખોફમાંથી પસાર થવાનું છે હવે.

શેક્સપિઅરના નાટકમાં ઑક્ટાવિયસનો સેવક ડોલાબેલા રાણીની શંકાને સમર્થન આપે છે એ જ વાત આન્ના કવિતામાં રજૂ કરે છે. કહે છે, દેખાવે ઊંચો અને ઉદાત્ત વ્યક્તિત્વવાળો, એના સૌંદર્યનો આખરી ગુલામ એની સામે આવે છે અને મૂંઝાતા-મૂંઝાતા કાનાફૂસી કરતો હોય એમ રાણીના શકની પુષ્ટિ કરતાં કહે છે કે ઑક્ટાવિયસ પોતાના વિજયની ટ્રોફીના સ્વરૂપમાં ક્લિઓપેટ્રાને રોમમાં જાહેર પરેડ કરાવશે. પોતાની જાતને નગરજનોની વચ્ચે કેવી રીતે મજબૂર કરીને ચલાવાશે તથા નગરજનો દ્વારા કેવી રીતે ઠઠ્ઠા-મશ્કરી અને અપમાનવર્ષા કરાશે એ દૃશ્ય ક્ષણાર્ધમાં એની આંખ આગળથી પસાર થઈ જાય છે પણ ક્લિઓપેટ્રા સાધારણ સ્ત્રી નથી, એ સાધારણ રાણી પણ નથી, ઇતિહાસે એને ‘રાજાઓની રાણી’નો સરપાવ અમસ્તો નથી આપ્યો. હંસની ડોક જેવી એની સુંદર ગ્રીવા એક તરફ ઢળે છે પણ એમાં ભયની કોઈ કંપન-ધ્રુજારી નથી. એ નમેલી છે પણ સ્થિર છે. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ‘સ્વાન-સૉંગ’ (હંસગીત) રૂપક પ્રચલિત છે. પાશ્ચાત્ય પુરાકથાઓમાં પ્રતીકાત્મકરૂપે હંસ-ગીતનો ઉલ્લેખ અવારનવાર થતો રહ્યો છે. મૃત્યુ અથવા નિવૃત્તિ પૂર્વે કોઈ કળાકાર પોતાની આખરી કૃતિ રજૂ કરે એને સ્વાન-સૉંગ કહે છે. ક્લિઓપેટ્રા માટે પણ આ સમાચાર મૃત્યુ પહેલાંના આખરી સમાચાર છે એટલે આન્ના રાણીની સહેજ ઢળેલી પણ શાંત-સ્થિર ડોકને હંસની ડોક સાથે સરખાવે છે.

એને ખાતરી છે કે આવતીકાલની સવાર કત્લેઆમની સવાર છે. રોમન ગરુડ શિકાર માટે મંડરાઈ રહ્યું છે. પોતાના બાળકોને પણ બક્ષવામાં નહીં આવે એ એને ખબર છે. આ પૃથ્વી પર કરવા માટે હવે ભાગ્યે જ કંઈ બચ્યું છે. વધુમાં વધુ એ આ સમાચાર લાવનાર વિદૂષક સાથે હંસી-મજાક કરી શકશે. અને વિદાય કરતીવેળાએ દુનિયા તરફ કરુણા-અનુકંપાભર્યો એક ઈશારો કરવો ન હોય એમ કાળા ઝેરી સાપને શામળા સ્તન પર બેપરવા હાથ વડે મૂકી દેવાનો છે. ક્લિઓપેટ્રા ગોરી નહીં પણ કાળી હતી એમ કેટલાક ઇતિહાસકારો માનતા હતા એ બાબત સાથે આન્ના કદમ મિલાવે છે. કદાચ ક્લિઓપેટ્રાને શામળી કહીને એ આ કવિતા પોતાની ઓળખ છે એ બાબતને અંધારામાં રાખવાની પણ આન્નની નેમ હોઈ શકે. કાળો રંગ અંધકારનો, મૃત્યુનો રંગ પણ છે એટલે જ કદાચ કવિ ડંસનાર અને ડંસનો ભોગ બનનાર બંનેને ગાઢા રંગે ચીતરે છે.

ક્લિઓપેટ્રાની સાથોસાથ જ કવિતાનો પણ અંત થાય છે. પણ આ કવિતા આન્નાની આત્મકથા છે. આન્નાની ક્લિઓપેટ્રા આન્ના પોતે જ છે. આન્ના પોતાને શ્રેષ્ઠ રશિયન કવયિત્રી, તાજ વિનાના સામ્રાજ્ઞી ગણતાં. એના ચાહકો એને ‘સેફો’ અથવા ‘મ્યુઝ’ કહેતાં. મારિના સ્વેતાએવા એને ‘તમામ રશિયનોની આન્ના’ કહેતી. એટલે આન્ના પોતાને ઇજિપ્તની રાણી સાથે સરખાવે એમાં કંઈ નવાઈ નથી. આન્નાના પતિઓ અને પ્રેમીઓ કાવ્યારંભે નજરે ચડે છે. આન્નાના કારણે એના બે પતિઓએ સ્ટાલિનના દમનનો ભોગ બની જીવથી હાથ ધોવા પડ્યા હતા. આન્નાએ છૂટાછેડા આપી દીધેલા પતિના મૃત્યુ પર પણ કવિતા લખીને શોક અને વિરોધ પ્રગટ કર્યા હતા, એને મૃત પતિના હોઠ પરનું ચુંબન ગણી શકાય. પોતાના પુત્રને દીર્ઘકાલીન કારાવાસમાંથી છોડાવવા નાછૂટકે આન્નાએ સ્ટાલિનની પ્રસંશામાં કાવ્યો લખ્યા હતા, અધિકારીઓના ઉંબરા ઘસ્યા હતા જેને ઑગસ્ટસ સામે ઘૂંટણિયે પડીને આંસુઓ વહાવતી ક્લિઓપેટ્રા સાથે સરખાવી શકાય. રોમન ગરુડનું આકાશમાં મંડરાવું એ રશિયા પર જર્મનીના હુમલા અને મિત્રો-સંબંધીઓનું તક ઝડપી રશિયા છોડી ભાગી જવું એ સેવકોના દગા સાથે મેળ ખાય છે. આન્નાને પણ ભાગવાની તક મળી હતી પણ વતનપરસ્તીની ચરમસીમાએ આન્નાએ વતનમાં પડતી તકલીફો છતાં વતન ત્યજવાનું વિચાર્યું નહોતું. સ્ટાલિનના અંત બાદ આન્નાની અપાર લોકચાહનાનું એક કારણ કટોકટીના સમયે પણ બરકરાર આન્નાનો દેશપ્રેમ પણ હતું. એક કવિતામાં આન્ના લખે છે, ‘હું એમાંની નથી જેઓ આપણી ભૂમિને આપણા શત્રુઓના હાથે ટુકડાઓમાં ચીરાઈ જવા દેવા છોડી ગયા’ સાંજના અંધારા ઓળા આન્નાની અંધારી એકલતાના દ્યોતક છે. ૧૯૩૮માં પુનિન સાથે રહેતાં હોવાં છતાં આન્ના વ્લાદિમિર ગાર્સિન સાથે પ્રેમસંબંધે જોડાયાં હતાં. ગાર્સિને ૧૯૩૯ની સાલમાં ક્લિઓપેટ્રાના મસ્તકાંકિત બ્રૉચ આપ્યો હતો, જે કદાચ આ કવિતા લખવાનું કારણ બન્યું હોઈ શકે. ગાર્સિન પણ ઊંચો અને ઉદાત્ત દેખાવવાળો હતો. ગાર્સિન કદાચ એના સૌંદર્યનો ‘આખરી ગુલામ’ પણ હતો. ‘પોએમ વિધાઉટ અ હીરો’માં આન્ના એના વિશે લખે છે: ‘તું મારો ઉત્કૃષ્ટ અને મારો આખરી (વ્યક્તિ) છે, મારી ઘેરી અસંબદ્ધતાનો એકમાત્ર આકંઠ શ્રોતા.’ સ્ટાલિન કે જર્મન વિજેતાઓની સામે પરાજિતભાવે ઊભા રહેવાનું નસીબે લખાઈ ચૂક્યું હોવા છતાં ક્લિઓપેટ્રાની હંસ જેવી ઝૂકેલી પણ સ્થિર ડોકની જેમ પોતાનો આત્મવિશ્વાસ અને આત્મશક્તિ અંત સુધી અખંડિત રહેનાર છે એમ આન્ના આ પ્રતીક વડે કહે છે. મોડિગ્લિઆનીના નગ્ન ચિત્રમાં પણ આન્નાનું ચિત્રાંકન એક તરફ ઢળેલી ડોકવાળું છે. કવિનો એક ઈશારો એ તરફ પણ હોઈ શકે. એના લખાણો પર પ્રતિબંધ મૂકાયો હોવા છતાં, એના લખાણો અખબારોએ છાપવા બંધ કરી દીધા હોવા છતાં એણે લખવાનું બંધ કર્યું નહોતું. કાવ્યાંતે ક્લિઓપેટ્રાનો આપઘાત એ રશિયાના સત્તાધીશોને આન્નાની ‘તૂટી જઈશ પણ ઝૂકીશ નહીં’ની ચીમકી જ છે.

કવિતાનો મુખ્ય મજમૂન મૃત્યુનો શાંતિપૂર્ણ અને ગૌરવાન્વિત સ્વીકાર છે, જે ભાગ્ય પરનો વિજય સૂચવે છે. આન્નાએ ક્લિઓપેટ્રાની જેમ જ પોતાનો અંત થશે એવું આ કવિતા વડે ૧૯૪૦માં ભાખ્યું હતું પણ અસંખ્ય તકલીફો છતાંય આન્નાની લોકપ્રિયતા એવી હતીકે સ્ટાલિનની સરકાર એની આસપાસના લોકોને તો ઝબ્બે કરી શકી પણ આન્નાને કદી હાથ પણ લગાવી ન શકી. ન માત્ર સ્ટાલિન, આન્ના બબ્બે વિશ્વયુદ્ધ અને બાદમાં રશિયામાં ફાટી નીકળેલ શીતયુદ્ધથી પણ બચી ગયા. આખ્માતોવા કહેતાં કે ‘મારી પાસે આ સાધન છે: હું મારા પોતના વિચારો એક માણસ આગળ મૂકી દઉં છું, પણ જરાય હસ્તક્ષેપ કર્યા વિના. અને થોડી જ વારમાં એ માણસ સાચે જ એવું માનવા માંડે છે કે વિચાર એનો પોતાનો જ છે.’ આખ્માતોવા શેક્સપિઅર અને પુશ્કિનની ક્લિઓપેટ્રાને સ્ટાલિનની પૃષ્ઠભૂમાં ગોઠવીને આપણી સમક્ષ એવી રીતે રજૂ કરે છે કે આપણે ક્લિઓપેટ્રાને આન્નામાં પરિવર્તન પામતી જોઈ શકીએ છીએ અને આન્નાના સગર્વ વિરોધ અને કુરબાનીમાં એના ભાગીદાર થવા તૈયાર થઈ જઈએ છીએ.

ગ્લૉબલ કવિતા : ૧૦૨ : જૂન સંનિષ્ઠ – જૉર્ડન જોય હ્યુસન

June Devotional

I’m walking into Central Park
wearing my cobalt blue headphones

in argument with every voice
that could compel me to its call. I do not indulge

in spontaneity without cause but turn
onto the lawn. It’s that time of day

when the sun lets up and feigns an arousal
on the sides of the hills

and I might let my head out, the transmission
of whatever is

behind this will unexplainably perform.
There is already the accident

of my being here you see
and the smell of a Thursday and the sound

of dead leaves being folded into laminate access passes.
Even a torn twig from a branch like a disembodied finger

pointing. Innocently
I was coming from the dentist but the children

are all in on it their ears pricked for data
of outside interference; they are Vikings in the kingdom

preparing a tiny siege.
I lie in the center spread out in offering.

– Jordan Joy Hewson

જૂન સંનિષ્ઠ

હું સેન્ટ્રલ પાર્કમાં જઈ રહી છું
મારા કૉબાલ્ટ બ્લૂ હેડફોન્સ પહેરીને

એ દરેક અવાજની સામે દલીલમાં,
જે મને ફરજ પાડી શકે એને સાંભળવાની. હું જોતરાતી નથી

કારણ વિનાની સ્વયંસ્ફૂર્તતામાં પણ
ઘાસ તરફ વળું છું. આ દિવસનો એ સમય છે

જ્યારે સૂર્ય આળસે છે અને ટેકરીઓની બાજુઓ પરથી
ઊગવાનો ડોળ કરે છે

અને હું મારું માથું બહાર કાઢીશ, જે કંઈ પણ
એની પાછળ છે એનું પ્રસારણ

સમજાવી ન શકાય એમ થશે.
પહેલેથી જ થઈ ચૂક્યો છે

અહીં મારા હોવાનો અકસ્માત તમે જુઓ
અને ગુરુવારની ગંધ અને અવાજ

મૃત પાંદડાઓને વાળીને પરતદાર પ્રવેશપત્રો બનાવવાનો.
શાખા પરથી ચિરાયેલી ડાળખી સુદ્ધાં શરીરથી છૂટી પડેલી આંગળીની જેમ

ચીંધી રહી છે. નિર્દોષતાથી
હું ડેન્ટિસ્ટ પાસેથી આવી રહી હતી પણ બાળકો

બધાં એમાં જોતરાયેલાં છે તેમના કાન છેદાયેલ છે
બાહરી હસ્તક્ષેપના ડેટા માટે; એ લોકો વાઇકિંગ છે

એક નાનકડી ઘેરાબંધીની તૈયારી કરતા રાજ્યમાં.
હું આડી પડી છું કેન્દ્રમાં આહુતિ થઈ ફેલાઈને.

– જૉર્ડન જોય હ્યુસન
(અનુ. વિવેક મનહર ટેલર)
પાણીમાં કમળ જેવી ટોળાં વચ્ચેની એકલતાની વાત…

શું તમારી સાથે ક્યારેય એવું થયું છે કે તમે કોઈ જાહેર જગ્યા પર અજાણ્યા લોકોની ભીડની વચ્ચે કોઈક કારણવશાત્ બેઠા હો તોય બધાથી અલિપ્ત હોવ? ઘણીવાર થયું હશે ને? આપણી આજુબાજુ આખી દુનિયા આમથી તમે દોડી રહી હોય પણ આપણી ખુલ્લી આંખોના કેમેરા એકેય દૃશ્ય ક્લિક્ જ ન કરતા હોય, આપણા કાનના રડાર એકેય અવાજની નોંધ જ ન લેતા હોય એવી સમાધિવત્ અવસ્થામાં આપણે સહુ જાણ્યે-અજાણ્યે અવારનવાર મૂકાઈ જતાં હોઈએ છીએ. ક્યારેક તો ભર્યાભાદર્યા એકાંતમાં આપણે આપણી જાત સાથે અનુસંધાન સાધી શકતાં નથી હોતાં ને ક્યારેક ટોળાંની સાવ વચ્ચોવચ રહીનેય આપણે કોઈનીય પહોંચથી દૂર સરી જતાં હોઈએ છીએ.

હું ટોળાંઓની વચ્ચોવચ રચી દઉં ટોળું જો મારું,
જડી જો જાઉં તોયે ના જડું હું તો હજારોમાં.

ભીડની વચ્ચેની આ એકલતા પાણી વચ્ચે ખીલેલા કમળ જેવી નિસ્પૃહ છે. ધ્યાન અને સમાધિ સુધી જવા માટેનું કદાચ આ પહેલું પગથિયું છે. યુવા અમેરિકન કવયિત્રી પ્રસ્તુત રચનામાં કંઈક આવો જ સૂર લઈને આવે છે.

જૉર્ડન જોય હ્યુસન. ૧૦-૦૫-૧૯૮૯ના રોજ પિતાના ૨૯મા જન્મદિવસે જ જન્મ. હાલ બ્રૂકલિન, ન્યૂયૉર્ક ખાતે રહેનાર જૉર્ડનની પહેલી ઓળખ સુપ્રસિદ્ધ રોકસ્ટાર બોનોની મોટી દીકરી તરીકેની છે. બાપ-દીકરી બંનેની પ્રસિદ્ધિ ક્યાં સુધી પહોંચી છે, એનું પ્રમાણ તો તત્કાલિન અમેરિકી પ્રમુખ બરાક ઓબામા અને મિશેલ સાથે એમને વાઇટહાઉસમાં લંચ કરવાનું સૌભાગ્ય સાંપડ્યું હતું એ પ્રસંગ પરથી જ સમજી શકાય છે. જૉર્ડન વિશે ગૂગલ કરો તો મોટાભાગની લિન્ક ‘બોનોની દીકરી’ બૂમો પાડતી જ મળશે પણ કોઈ રૂપસુંદરીને શરમાવે એવા સૌંદર્યની માલકિન જૉર્ડન પોતાના પિતાની પ્રસિદ્ધિની છત્રછાયાથી વેગળી રહીને પોતાની ઓળખ બનાવી ચૂકી છે. કોલંબિયા યુનિવર્સિટીમાંથી એ પોલિટિકલ સાયન્સમાં સ્નાતક અને આઇવી લિગ યુનિવર્સિટીમાંથી સર્જનાત્મક લેખનમાં અનુસ્નાતક થઈ છે. તાજેતરમાં જ જૉર્ડનનો સમાવેશ વગદાર યુવા મહિલાઓની યાદીમાં કરવામાં આવ્યો છે. મા-બાપના રસ્તે ચાલીને પણ મા-બાપની સહાયતા વિના ‘સ્પિકેબલ’ નામની સોશ્યલ એક્શન કંપનીની એણે શરૂઆત કરી છે. જે ટેકનોલોજીના ઉપયોગથી કોઈપણ પરિસ્થિતિ સામે આપણે કોઈ પગલું ભરવાની ઇચ્છા હોય પણ ક્યાં અને કઈ રીતે એની જાણકારી ન હોય ત્યારે યોગ્ય દિશા-દર્શન અને અમલ કરવામાં મદદ કરે છે. જૉર્ડને આ કંપનીના વિકાસ માટે વીસ લાખ ડૉલરનો ફાળો ઊભો કર્યો છે એ એની સફળતાનું વળી એક પ્રમાણ છે. સ્પિકેબલનું ‘એક્શન બટન’ કોઈપણ સામાજિક ચળવળને વેગ પૂરું પાડનાર ઈંધણ સમું છે. પરિણામે લોકો જૉર્ડનને સોશ્યલ આન્ટ્રપ્રિનર તરીકે પણ ઓળખે છે. તે ગરીબી દૂર કરવા મથતી ગ્લૉબલ સિટિઝનની ઓનલાઇન એડિટર પણ છે. ૨૮ વર્ષની આ કુમારિકા હાલ સ્પેનિશ એક્ટર ડિએગો ઑસોરિઓના પ્રેમમાં છે. જૉર્ડન જાહેરજીવનની ઝાકઝમાળથી દૂર રહેવામાં માને છે. એના ઇન્સ્ટાગ્રામ પર મથાળે એ વિલિયમ કાર્લોસ વિલિયમ્સનું વાક્ય લખીને નારીશક્તિની આહલેક પોકારે છે: ‘તમારા ગાઉનની કિનારીઓ પકડી રાખો, છોકરીઓ, અમે નર્કમાંથી પસાર થઈ રહ્યા છીએ.’

આ ઉપરાંત જૉર્ડનની એક નવી ઓળખાણ કવયિત્રી તરીકેની છે. એમની બહુ જૂજ કવિતાઓ ઓનલાઇન વાંચવા મળે છે પણ એ ગાગરમાંનો સાગર આપણને ભીંજવ્યા વિના રહેતો નથી. સરળ ભાષા અને રોજબરોજની જિંદગી સાથે અટપટા રૂપક એવા તાણાવાણા રચે છે કે એમના કાવ્યવિશ્વમાં પગ મૂકનાર ભાવક જો પૂરતો સજ્જ ન હોય તો ભીતર પ્રવેશી શકતો નથી.

કહે છે કે કવિતાનું શીર્ષક કવિતાનો ઉપોદ્ઘાત છે. શીર્ષક ભાવકને એ શું વાંચવા જઈ રહ્યો છે એનો અણસાર આપે છે. પણ જૉર્ડનની આ કવિતા ‘જૂન સંનિષ્ઠ’નું તો શીર્ષક જ જરા સંદિગ્ધ લાગે છે. એ શું કહેવા માંગે છે કે ભાવકનો સામનો કોની સાથે થનાર છે એ વિશે બહુ આછોપાતળો ખ્યાલ આ શીર્ષક આપે છે અને બહુધા અસ્પષ્ટ જ રહે છે. કવિતામાં પણ આવી જ અસ્પષ્ટતા છાતી કાઢીને આપણા ભાવવિશ્વ સામે ઊભી રહેનાર છે એટલું તો સમજી જ શકાય છે. જૉર્ડન એકવીસમી સદીની યુવા કવયિત્રી છે એટલે કાવ્યસ્વરૂપ મુક્ત જ હશે એ તો ખ્યાલ આવી જ જાય છે. બાવીસ અનિયત પંક્તિઓને એણે બબ્બે પંક્તિઓના જૂથમાં વહેંચી દીધી છે અને પંક્તિઓને અપૂર્ણાન્વયરીતિ (enjambment)થી એકમેકમાં તેમજ એક જૂથમાંથી બીજા જૂથમાં ઢોળાવા દીધી છે, જેના પરિણામે અછાંદસ કવિતામાં એક અજબ પ્રકારની સળંગસૂત્રિતાનો અહેસાસ થાય છે. છંદ નથી એટલે પ્રાસ પણ નથી. જૉર્ડને પૂર્ણવિરામો અને એકાદ જગ્યાએ અલ્પવિરામ પણ પ્રયોજ્યાં હોવા છતાં વિરામચિહ્નોના નિયમો ગળે વળગાડ્યા નથી એ ઘણી જગ્યાએ આશ્ચર્ય જન્માવે છે અને કદાચ વાચકને સમજણના પ્રદેશની બહાર દોરી જવાના એના હેતુને મદદગાર પણ બને છે.

શીર્ષકમાં જૂન મહિનાનો અને પ્રથમ પંક્તિમાં સેન્ટ્રલ પાર્કનો ઉલ્લેખ આપણને અમેરિકાના ન્યૂયૉર્ક શહેરની વચ્ચોવચ લઈ જાય છે. મેનહટ્ટનમાં લંબચોરસ આકારમાં ૮૪૩ એકર જેટલી જંગી જગ્યામાં સેન્ટ્રલ પાર્ક દોઢસોથીય વધુ વર્ષોથી પથરાયેલ છે. યુનેસ્કોએ ૨૦૧૭ની સાલમાં એને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કર્યો છે. રોકફેલર સેન્ટરની અગાશીમાંથી આ બાગનો હૃદયંગમ ચિતાર નજરે ચડે છે. વરસેદહાડે આ પાર્કની માવજત પાછળ સાડા છ કરોડ જેટલી તોતિંગ રકમ ખર્ચાય છે અને ચાર કરોડથી વધુ સહેલાણીઓ દેશદેશાવરથી દર વરસે અહીં મહાલવા પધારે છે. ન્યૂયૉર્ક જેવા ‘કદી નહીં ઊંઘતા’ શહેરની હકડેઠઠ ભીડની વચ્ચે આ પાર્ક ટોળાં વચ્ચેના એકાંતની એક અલભ્ય અનુભૂતિ કરાવે છે. દોડધામના દરિયાની વચ્ચે સ્થિતપ્રજ્ઞતાની વાત કરતી આપણી આ કવિતા પણ ન્યૂયૉર્ક શહેરની દોડધામની વચ્ચે ખલેલ પામ્યા વિના નિતાંત આરામથી સૂતેલા આ જ પાર્કની વચ્ચે આકાર લે છે. ન્યૂયૉર્ક શહેરના જૂન મહિનાની આ વાત છે. આપણે ત્યાં જૂન મહિનો એટલે ચોમાસાની શરૂઆત પણ શિયાળામાં અત્યંત ઠંડાગાર અને બરફની ચાદરમાં લપટાઈ જતા તથા ઉનાળામાં અત્યંત ગરમ બની જતા ન્યૂયૉર્કનો જૂન મહિનો આપણા કરતાં સાવ અલગ છે. જૂન મહિનો એટલે ન્યૂયૉર્કમાં ઉનાળાની શરૂઆતનો મહિનો. ન્યૂયૉર્કમાં ફરવા માટે કદાચ આ મહિનો શ્રેષ્ઠ ગણાય. ઠંડી ‘ગુડબાય’ કરીને જઈ રહી છે અને ગરમી ‘મે આઇ કમ ઇન?’નો વિવેક કરતી દરવાજે આવી ઊભી છે. મોટાભાગના દિવસો માફકસરના સૂર્યપ્રકાશવાળા અને હૂંફાળા. આછોપાતળો વરસાદ અડપલું કરી જાય તો નવાઈ નહીં. જૂનના છેલ્લા અઠવાડિયાથી શાળાઓમાં પણ વેકેશન પડી જાય છે એટલે શેરીઓ અને બગીચાઓ બાળકોથી ઊભરાતાં નજરે ચડે છે. આ બાળકો પણ કવિતાનો મહત્ત્વનો ભાગ છે.

કવિતા ‘આ’ ક્ષણમાં આકાર લઈ રહી છે. આ ઘટના બરાબર અત્યારે જ બની રહી છે, ન થોડા સમય પહેલાં, ન થોડા સમય બાદ. એટલે વર્તમાનની આંગળી ઝાલીને આપણે આ દૃશ્યને આપણી આંખોથી ‘લાઇવ’ જોવાનું છે. નાયિકા એના કૉબાલ્ટ બ્લૂ (?ઘેરા વાદળી) રંગના હેડફૉન્સ કાને લગાવીને સેન્ટ્રલ પાર્કમાં પ્રવેશે છે. રંગોમાં કૉબાલ્ટ બ્લૂની એક અલગ આભા છે. ઘેરો વાદળી કહી દેવાથી એ આભા એક ભાષામાંથી બીજીમાં ઊતારી શકાતી જ નથી. ૧૨૦૦ ડિગ્રી સેલ્શિયસ તાપમાને કોબાલ્ટ ઓક્સાઇડની એલ્યુમિના સાથેની રાસાયણિક પ્રક્રિયાના અંતે જે ગાઢું ચમકદાર ભૂરું રંગદ્રવ્ય બને છે એનું ગુજરાતી નામ આપણી પાસે નથી. ચીનમાં સદીઓથી ચિનાઈ માટીના વાસણોની બનાવટમાં આ રંગદ્રવ્ય વપરાતું આવ્યું છે. ટર્નર, મોનેટ, વાન ઘૉ જેવા ચિત્રકારોની પસંદગી પણ એના પર ઊતરતી આવી છે. આમ તો ભૂરો રંગ આકાશની વિશાળતા તરફ પણ ઈશારો કરે છે અને જાતિવાચક નજરે જોઈએ તો ભૂરો રંગ છોકરાઓનો પ્રિય રંગ ગણાય છે. નાયિકા અહીં ગુલાબી નહીં, કૉબાલ્ટ બ્લૂ રંગના હેડફૉન્સ કાનમાં લગાવીને આવી છે, એ બાબત એના વ્યક્તિત્વને દિલચશ્પ ઓપ આપે છે.

એની આજુબાજુ હવામાં હજારો અવાજો મંડરાઈ રહ્યા છે. આમાંનો કોઈ પણ અવાજ નાયિકાને પોતાને સાંભળવાની ફરજ પાડી શકે છે. પણ કાન પર ચડાવી દીધેલા હેડફોન્સમાંથી કાનમાં રેલાતું નાયિકાની પસંદગીનું સંગીત એ આજુબાજુના આ બધા જ અવાજો સામેની બળકટ દલીલ છે. જાઓ… મારે તમારું કોઈ કામ નથી. હું મારામાં ખુશ છું, ને મારામાં જ રહીશ. ચારેતરફ જે કંઈ બની રહ્યું છે એને કારણ વિનાની સ્વયંસ્ફૂર્તતા ગણી શકાય. નાયિકા એ કશા સાથે જોડાવા માંગતી નથી. એ પાર્કમાંના ઘાસ તરફ વળે છે. શિયાળો હમણાં હમણાં જ પૂરો થયો છે અને ઉનાળો પૂરો પ્રકાશ્યો નથી એટલે સૂર્ય હજી શિયાળાની મંથર ગતિ અને ઉનાળુ તીવ્રતાની વચ્ચે ક્યાંક અટવાયેલો છે. ટેકરીઓની બાજુઓ પરથી બહાર આવવાનો ડોળ કર્યા બાદ પણ આળસના કારણે સૂરજ હજી બહાર આવતો ન હોય એવો આ સમય છે. નાયિકા પણ ઘાસ પરથી એનું માથું કદાચ સૂર્ય જેવી જ આળસ સાથે ઊંચકશે અને એના મસ્તક અને મસ્તિષ્કની પાછળની બાજુએ જે ઘટનાઓ બની રહી છે એનું પ્રસારણ સમજૂતિની બહારના પ્રદેશમાં થતું રહેશે. આ વાત મસ્તકની પાછળ અનવરત ચાલી રહેલી ઘટનાઓ અને મસ્તિષ્કમાં ચેતનાની પાછળ એકધારી ચાલી રહેલી અસંદિગ્ધ વિચારોની ટ્રેન, બેમાંથી કોઈની પણ અથવા બંનેની હોઈ શકે છે. પણ અગત્યની વાત આ તમામ પૃષ્ઠભૂ સાથે જોડાયેલ હોવા છતાં સાવ અળગું રહી શકનાર એક અસ્તિત્વની છે, જે નાયિકાનું છે.

નાયિકા કહે છે કે પહેલાં જ અહીં મારા હોવાનો અકસ્માત થઈ ચૂક્યો છે. આ વાત બે રીતે જોઈ શકાય. પાર્કમાં આ સમયે એનું હાજર હોવું એ એક પૂર્વનિર્ધારિત અકસ્માત જ છે. બાઇબલ (Psalm 139: 15-16)માં આવું જ કહેવાયું છે: ‘મારું માળખું તારાથી છૂપું નહોતું, જ્યારે છૂપી જગ્યાએ મારું સર્જન થયું હતું, જ્યારે પૃથ્વીના ગર્ભમાં મારું ગૂંથણ થયું હતું. તારી આંખોએ મારી અરચિત કાયા જોઈ હતી; મારા માટે નિયુક્ત કરાયેલા દરેક દિવસો એમાંનો એકેય અમલમાં આવે એ પહેલાં તારા પુસ્તકમાં લખાયેલા હતા.’ ખ્રિસ્તી સિવાયના મોટાભાગના સંપ્રદાયો પણ આ બાબતમાં કંઈક આવો જ મત ધરાવે છે. બીજી રીતે એમ પણ જોઈ શકાય કે આ સમયે પાર્કમાં નાયિકાનું હોવું એ મહજ ઇત્તેફાક જ છે. વિજ્ઞાનની આંખ પણ આવું જ જુએ છે. થોમસ હાર્ડીની મોટાભાગની નવલકથાઓમાં અકસ્માત અને દૈવયોગ મુખ્ય નાયકનો ભાગ ભજવતા જોવા મળે છે. ‘ધ વિન્ટર્સ ટેલ’ (અંક ૪, દૃશ્ય ૪)માં શેક્સપિઅર પણ વાસ્તવવાદી વિધાન કરે છે: ‘અનપેક્ષિત અકસ્માત આપણે જે કરીએ છીએ એના માટે ગુનેગાર છે, માટે આપણે આપણી જાતને પ્રારબ્ધની ગુલામ જાહેર કરીએ અને હવા જ્યાં લઈ જાય ત્યાં જઈએ.’

અહીં અલ્પવિરામ મૂક્યા વિના જૉર્ડન આખા પ્રસંગને ઇન્દ્રિયાનુભૂતિ તરફ લઈ જાય છે. આંખ, નાક અને કાન સરવા કરી લેવાનો આ સમય છે. આખી ઘટનાને કવયિત્રીની આંખે આપણે જોઈ રહ્યાં છીએ. ગુરુવારની ગંધ કેવી હોય એ આપણે જાણતાં નથી પણ એ ગંધ આપણે આ ક્ષણે અનુભવી રહ્યાં છીએ. સમજી શકાય છે કે જે પહેરવેશમાં જે દિવસે અને સમયે જૉર્ડન આ પાર્કમાં આવી હશે એ ક્ષણનું આ કાવ્ય છે. એટલે કૉબાલ્ટ બ્લૂ કે ગુરુવારનું મહત્ત્વ નહિવત્ પણ એની અનુભૂતિ પ્રધાન બની રહે છે. કોઈક કાર્યક્રમ માટેના પરતદાર પ્રવેશપત્રો બનાવવા માટે વપરાતાં-કચડાતાં પાંદડાંઓનો અવાજ પણ આપણા કાનને સ્પર્શે છે. રૂપકો અને ભાષાની અસ્પષ્ટતા અને સંદિગ્ધતાની વચ્ચે પણ કંઈક સ્પષ્ટ અને અસંદિગ્ધ છે જે આપણને સતત દેખાતું, પીમળાતું અને સંભળાતું રહે છે. શાખા પરથી ચિરાયેલી ડાળખી સુદ્ધાં શરીરમાંથી છૂટી પડી ગયેલી આંગળીની જેમ ચીંધી રહી છે. શું ચીંધે છે એ બાબત અધ્યાહાર રાખીને કવયિત્રી ફરીથી પાર્કની વચ્ચે ઘાસમાં નિજાનંદમાં રત નાયિકા તરફ આપણું ધ્યાન દોરે છે.

ફરી પાછી કવિતા અંગત હકીકત તરફ વળે છે. નાયિકા એના ડેન્ટિસ્ટ પાસેથી અહીં આવી છે, પણ નિર્દોષતાથી. અહીં ‘નિર્દોષતા’ શબ્દપ્રયોગ ગૂંચવાડો ઊભો કરે એવો છે. પણ તરત જ કવિતામાં દૃષ્ટિગોચર થતા બાળકો અને દરિયાઈ ચાંચિયાઓની જેમ એમની ઘેરો ઘાલવાની વાતમાં દેખાતી ‘સદોષતા’ની અડોઅડ નાયિકાની ‘નિર્દોષ’ ઉપસ્થિતિ જે વિરોધાભાસ સર્જે છે એ જ કવયિત્રીનો મુખ્ય હેતુ હોવાનું સમજી શકાય છે. બાળકો રમી રહ્યા છે એ પરથી આ સમય જૂન મહિનાના આખરી અઠવાડિયાનો હોવાનું અનુમાન પણ કરી શકાય છે, કેમકે સામાન્યતઃ પાર્કમાં રમતા બાળકો પ્રવાસી હોવા કરતાં સ્થાનિક હોવાની સંભાવના વધુ હોય છે અને અમેરિકામાં આ સમયે શાળાઓમાં રજા પડે છે.

એકતરફ નાયિકાના કાન પરના હેડફોન્સ એને બહારની દુનિયાથી અળગી કરે છે તો બીજી તરફ આ બાળકોના કાન બાહરી હસ્તક્ષેપના તમામ ડેટાથી વિંધાયેલા છે. એક જણને બધાથી અલગ પડવું છે, તો બાકીનાઓને બધામાં ઓગળીને જીવવું છે. દુનિયા આ વિરોધાભાસ પર જ ટકી રહી છે. બાળકો એમના આ રાજ્યમાં વાઇકિંગ છે. યુરોપ, ખાસ કરીને ઉત્તર યુરોપ અને સ્કેન્ડિનેવિઆમાં ઈ.સ. ૭૯૩થી ૧૦૬૬ વચ્ચેની ત્રણેક સદીઓનો ગાળો વાઇકિંગ યુગ તરીકે જાણીતો છે. વેપાર અને વસવાટ ઉપરાંત ખાસ કરીને ચડાઈ અને લૂંટફાટ કરનાર ચાંચિયાઓ –નૉર્સમેનને આપણે વાઇકિંગ તરીકે ઓળખીએ છીએ. બાળકો એમની રમતો અને ધમાલ-કોલાહલ વડે કદાચ અજાણપણે નાયિકાના એકાંતના સામ્રાજ્ય પર હલ્લો બોલાવનાર છે. હજાર-બારસો વર્ષ પહેલાં યુરોપ ખંડમાં થઈ ગયેલા સમુદ્રી લૂંટારાઓનું નામ આજના ન્યૂયૉર્કની ધરતી પર રમતાં બાળકોને આપવા પાછળ જૉર્ડનનો હેતુ કદાચ કવિતાની ફ્લેવરમાં ઇતિહાસનો લગરિક વઘાર ઉમેરવાથી વિશેષ કદાચ જ હોય પણ ચાંચિયા જેવા સીધા સાદા વિશેષણને બદલે વાઇકિંગ જેવું ખાસ નામ કાવ્યાંતને વધુ રસપ્રદ બનાવે છે એ હકીકત પણ નકારી શકાય એમ નથી.

ચારે બાજુ બાળકો એમની રમતોમાં મશગૂલ છે. મોટાભાગે તો એમની ચારેતરફ હુડદમ મચાવતી દોડતી-ભાગતી ટોળકીની વચ્ચોવચ કોઈક યુવતી કાનમાં હેડફૉન્સ ભરાવીને આડી પડી છે એનીય એમને તમા નહીં જ હોય પણ વરસની વચ્ચેના મહિનામાં, અઠવાડિયાના વચ્ચેના વાર પર, દિવસના વચ્ચેના સમયે, શહેરની વચ્ચે આવેલા સેન્ટ્રલ પાર્કમાં, ટોળાંની વચ્ચે એકલી સૂતેલી એકાંતપ્રિય નાયિકા પોતાની જાતને આહુતિ થઈને ફેલાઈ પડેલી કલ્પે છે ત્યારે કવિતાના ‘જૂન સંનિષ્ઠ’ શીર્ષક બાબતમાં કંઈક ગડ પડે છે. એને પોતાનું એકાંત વહાલું છે પણ કદાચ બાળકો માટે એ એનો ભોગ આપી શકે એટલી એ એમના પરત્વે સંનિષ્ઠ પણ છે.

જાતને સોંપી દેવાની વાત છે. સોંપવાની તૈયારી અગત્યની છે. કોઈ ચીજ જ્યારે સોંપી દેવાઈ જવા તૈયાર થઈ જાય છે ત્યારે જ એ આહુતિ બને છે. વાસણમાં તૈયાર થયેલો શીરો જ્યારે દેવચરણે મૂકાય છે ત્યારે જ એ પ્રસાદ બને છે, અન્યથા વાનગી જ છે. પથ્થર પોતાના ગુણધર્મ ત્યજી દેવા તૈયાર થાય છે ત્યારે જ એનું મૂર્તિકરણ થાય છે અને ઠોકરના સ્થાને પૂજા પ્રાપ્ત કરે છે. દુનિયા આખી સામે લડી લેવાની તૈયારી સાથે, દરેકેદરેક અવાજ સામે દલીલ કરતી નાયિકા પોતાના એકાંતના સામ્રાજ્યમાં કોઈની ચડાઈ સાંખી લે એવી નથી પણ ક્રીડા કરતાં બાળકોના ટોળાંની રમતના ચરણે એ પોતાનું આ સામ્રાજ્ય ધરી દેવા તૈયાર થઈ જાય છે. અહીં સ્વમાં સમાધિ પણ છે અને સર્વમાં સમર્પણ પણ છે. સ્વથી સર્વ તરફની આ ગતિ સાધારણ લાગતા રોજિંદી જિંદગીના એક પ્રસંગને કવિતાની ઊંચાઈએ લઈ જાય છે.

ગ્લૉબલ કવિતા : ૧૦૧ : ફેસબુક સૉનેટ – શર્મન એલેક્સી

The Facebook Sonnet

Welcome to the endless high-school
Reunion. Welcome to past friends
And lovers, however kind or cruel.
Let’s undervalue and unmend

The present. Why can’t we pretend
Every stage of life is the same?
Let’s exhume, resume, and extend
Childhood. Let’s play all the games

That occupy the young. Let fame
And shame intertwine. Let one’s search
For God become public domain.
Let church.com become our church

Let’s sign up, sign in, and confess
Here at the altar of loneliness.

– Sherman Alexie

ફેસબુક સૉનેટ

આવો, છે સ્વાગત હર કોઈનું હાઇ-સ્કૂલના અંતહીન
પુનર્મિલનમાં. ને સદા સ્વાગત છે જૂના મિત્રો ને
પ્રેમીજનોનું, હો ગમે તેવા ભલા કે ક્રૂર પણ.
ચાલો, તો અવમૂલ્યન કરો ને નાદુરસ્તી પણ કરો

આ આજની. શા માટે એ ધારી ના શકીએ આપણે
કે એકસરખા જિંદગીના સૌ તબક્કા હોય છે?
ખોદીએ, ચાલો તો, પુનઃ આરંભીએ, વિસ્તારીએ
એ બાળપણ. ચાલો રમીએ સાથે એ સઘળી રમત

જે વ્યસ્ત રાખે છે યુવાનોને. શરમ ને ખ્યાતિને
એકમેકમાં લપટાવા દો. ને થઈ જવા દો કો’કની
ઈશ્વરતલાશીને સરાજાહેર ડોમેન નેટ પર.
બનવા દો દેવળ.કોમને દેવળ ચલો, હરકોઈનું.

તો, કરીએ સાઇન અપ, ને સાઇન ઇન તથા એકરાર પણ
કરીએ ચલો, અહીંયા આ એકલતા તણી વેદી ઉપર.

– શર્મન એલેક્સી
(અનુ. વિવેક મનહર ટેલર)

ફેસબુકનો કદરૂપો ફેસ દેખાડતી કવિતા…

રાત પડે ને બૂમ પડતી: “વિ…વે…….ક….. નવ વાગી ગયા. જમવા ચા….લ તો….” પણ વિવેક જેનું નામ કે આખી શેરી સાંભળી શકે એવી મોટા સાદની બૂમ પણ એના કાને પડે. સંતાકૂકડી, ખોખો, લંગડી, કબડ્ડી, સાંકળી, પકડદાવ, સાતતાળી, લખોટી- સમીસાંજથી શરૂ થયેલો શેરી રમતોનો લખલૂટ વૈભવ રાતના પડછાયા ગાઢા થવા માંડે તોય કદી ખૂટવાનું નામ લેતો જ નહીં. બૂમો પાડી-પાડીને મા-બાપના ગળાં બેસી જાય પણ શેરી છોડીને ઘરે જવાનું મન થાય તો ને! બૂમો પડે એ ક્ષણે મા-બાપ દુનિયામાં સૌથી મોટા દુશ્મન લાગતા હતા. જમવા માટે બૂમો પાડવાની પરિસ્થિતિ તો કદાચ આજેય હજી એ જ રહી છે પણ મા-બાપે શેરી આખી સાંભળી શકે એવા ઘાંટા હવે પાડવા પડતા નથી. વચ્ચે થોડો સમય ટીવીએ જે ભાગ ભજવ્યો એ ભાગ આજે સ્માર્ટફોન ભજવી રહ્યા છે. આજના છોકરાંઓ શેરીમાં નહીં, સ્માર્ટફોનમાં ખોવાઈ ગયા છે અને એમને ડાઇનિંગ ટેબલ પર હાજર કરવા માટે મા-બાપ પણ હવે બૂમનો સહારો નથી લેતા, રિંગ કરે છે અથવા વૉટ્સએપ-મેસેન્જર પર પિંગ કરે છે – લાલ! જમવાનું ઠંડું પડી રહ્યું છે, પધારો હવે તો… સોશિઅલ મીડિયાનું આ આક્રમણ મનુષ્યજીવનમાં કેવી ક્રાંતિ લઈ આવ્યું છે એ વાત પ્રસ્તુત રચનામાં શર્મન એલેક્સી કરી રહ્યા છે.

શર્મન જોસેફ એલેક્સી જુનિયર. ૦૭-૧૦-૧૯૬૬ના રોજ વેલપિનિટ, વૉશિંગ્ટન ખાતે જન્મ. મૂળ અમેરિકી. કવિ, વાર્તાકાર, નવલકથાકાર અને ફિલ્મકાર. માત્ર છ મહિનાની વયે ખોપડીમાં પાણી ભરાવા (હાઇડ્રોસેફેલસ)ની બિમારીના કારણે શસ્ત્રક્રિયામાંથી પસાર થવું પડ્યું, જેના પરિણામે બાળપણમાં ખેંચની બિમારીનો શિકાર રહ્યા. માથું મોટું રહી જવાના કારણે સહપાથીઓ એમને ‘ગોળો’ (ગ્લૉબ) કહીને ચીડવતા. શારીરિક નબળાઈ ફરજિયાત વાચનશોખમાં પરિણમી અને વરદાન સાબિત થઈ. કોલેજકાળમાં પહેલાં તબીબ અને પછીથી વકીલ બનવાની મથામણમાં સપડાઈને શરાબની બૂરી લતના ભોગ બન્યા. આખરે સાહિત્યના શરણે ગયા. ૨૬ વર્ષની વયે પ્રથમ પુસ્તક કવિતાનું પ્રકાશિત થયું અને શરાબને તિલાંજલી પણ આપી દીધી. તેઓ પોતાની જાતને ‘ઇન્ડિઅન’ કહેવડાવવું પસંદ કરે છે, કેમ કે એમના મત મુજબ ‘નેટિવ (મૂળ) અમેરિકન’ શબ્દપ્રયોગ ધોળિયાંઓના ‘શ્વેત’ અપરાધભાવની પેદાશ છે. આજ સુધીમાં બે ડઝનથી વધુ પુસ્તકો લખી ચૂક્યા છે અને નાના-મોટા સેંકડો ઈનામ-અકરામોથી નવાજાયા છે. ડાયેન ટોમહેવ સાથે લગ્ન કરીને બે પુત્રો સાથે સિએટલ ખાતે હાલ રહે છે.

૨૮ ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ ‘અમેરિકાનો આગવો અવાજ’ ગણાતા આ અતિલોકપ્રિય લેખકે એક જાહેર ખુલાસો બહાર પાડ્યો જેમાં તેમણે વીતેલા વર્ષોમાં પોતાના વર્તનથી ઘણાં લોકોને નુકશાન પહોંચ્યું હોવાનું સ્વીકારીને માફી માંગી. એક જમાનાની એમની શૈયાસાથી લિત્સા ડ્રેમૌસીસે શર્મને કરેલ જાતીય સતામણી સામે ટ્વિટ કર્યું અને જેની વૉકર, એલિસા વૉશુટા તથા એરિકા રુથ નામની અન્ય ત્રણ લેખિકાઓ ‘મી ટુ’ કહીને આગળ આવી. નેટિવ અમેરિકન સાહિત્યકારોમાં સૌથી મોટું નામ ગણાતા શર્મનના માથે પસ્તાળ પડી. એમણે જાહેર માફીનામું બહાર પાડ્યું. એમને આપવામાં આવેલ ઘણા પુરસ્કાર ‘એલેક્સીએ જે કર્યું છે એ અસ્વીકાર્ય છે’ એવો સાફ સંદેશો સમાજને પહોંચાડવાના હેતુસર પરત લઈ લેવાયા અને એમના નામ સાથે સંકળાયેલા સ્કોલરશીપનું નામ પણ બદલી નંખાયું.

એમના પુસ્તક ‘યુ ડોંટ હેવ ટુ સે મી યુ લવ મી’માં એ લખે છે: ‘મારું નામ શર્મન એલેક્સી છે અને હું જન્મ્યો હતો ખોટમાંથી અને ખોટમાંથી અને ખોટમાંથી અને ખોટમાંથી અને ખોટમાંથી અને ખોટમાંથી અને ખોટમાંથી અને ખોટમાંથી અને ખોટમાંથી અને ખોટમાંથી અને ખોટમાંથી અને ખોટમાંથી અને ખોટમાંથી.’ એક-બે-ત્રણવાર પુનરોક્તિ કરવાના બદલે એ તેર-તેરવાર ‘ખોટમાંથી (Loss)’ વાપરે છે, જે નુકશાનીની અમીટ છાપ છોડી જવામાં સફળ રહે છે. એમના આ સંસ્મરણો પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ પારાવાર નુકશાનીનું પરિણામ છે: ‘પોતાની જનજાતિનો નાશ અને વિસ્થાપન, બંધના પ્રતાપે એમના સમાજમાં પવિત્ર ગણાતી સૅમન માછલીઓનું સ્થળાંતરણ, દાદા-દાદીઓના અકાળ નિધનો, દારૂડિયો બાપ, શસ્ત્રક્રિયા, ખેંચની બિમારી, અને બાળપણમાં શોષણનો ભોગ થવું વગેરે વગેરે…’ એમની કવિતાઓમાં શરાબખોરી, રંગભેદ, ગરીબી તથા પ્રવર્તમાન સમાજની અન્ય બદીઓ અવાજ બુલંદ કરે છે. કાળો કટાક્ષ અને મૂળ અમેરિકનોની હાડમારી એમની કવિતાઓમાં સતત ડોકાતાં જોવા મળે છે.

રચનાનું શીર્ષક ‘ફેસબુક સૉનેટ’ સ્વયંસ્પષ્ટ છે. ફેસબુક શું છે એ સમજાવવું પડે એવો માણસ મળવો આજે કદાચ મુશ્કેલ છે. રચનાની દૃષ્ટિએ જોઈએ તો પહેલી નજરે શર્મનનું આ સૉનેટ શેક્સપિરિઅન શૈલીમાં લખાયું હોવાનું અનુભવાય પણ હકીકત જરા જુદી છે. ચતુષ્કમાં અ-બ-અ-બ અને યુગ્મકમાં ક-ક પ્રકારનો પ્રાસ અનુભવાય છે ખરો પણ છે નહીં. સ્કૂલ-ક્રુઅલ, ફ્રેન્ડ્સ-અનમેન્ડ, સેઇમ-ગેઇમ્સ તથા ફેમ-ડોમેનના પ્રાસ ચુસ્ત પ્રાસ ઓછા અને દૃષ્ટિભ્રમ (eye-rhyme) વધારે છે. આ પ્રાસ રચના કંઈક અંશે તિર્યક પ્રાસ (Slant/oblique/imperfect rhyme)ને મળતી આવે છે. કવિ ફેસબુક જેવી સોશિઅલ મીડિયા સાઇટ ઉપર સૉનેટ જેવી ગૌરવાન્વિત કાવ્યરચના કરી રહ્યા છે એ વાત પોતે કટાક્ષસભર છે. કદાચ એટલે જ કવિએ ચુસ્ત પ્રાસ વાપરીને સૉનેટનું ગૌરવ જાળવવાના બદલે તિર્યક પ્રાસ પ્રયોજીને ફેસબુકની હાંસી કરવાનો ઉપક્રમ સેવ્યો હોય એમ બની શકે. બીજું, શેક્સપિરિઅન સૉનેટમાં પ્રધાન છંદ આયમ્બિક પેન્ટામીટર જોવા મળે છે, જ્યારે અહીં ટેટ્રામીટર છે, જે અંગ્રેજીમાં બહુધા ગીત (Ode) તથા કથાકાવ્યમાં જોવા મળે છે. ૨૦૦૪થી ૨૦૧૮ સુધીની ફેસબુકની જિંદગીમાં બરાબર વચ્ચેની સાલમાં ૨૦૧૧માં લખાયેલી આ કવિતા છે. પહેલાં સાત વર્ષમાં ફેસબુકે સમાજ પર જે છાપ છોડી એના કરતાં અનેકગણી છાપ બીજા સાત વર્ષોમાં છોડી હોવાથી આ કવિતા પહેલી નજરે જૂની થઈ ગઈ હશે એમ માનવાનું મન થાય પણ કવિતામાંથી પસાર થતી વખતે અહેસાસ થાય છે કે આ કવિતા તો વરસોવરસ તાજી રહેવા જ જન્મી છે.

આ સૉનેટના એક જ વર્ષ પહેલાં ૨૦૧૦ની સાલમાં ફેસબુકના વપરાશકર્તાઓનો આંકડો પચાસ કરોડને વટાવી ગયો હતો પણ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ આ આંક સવા બે અબજને સ્પર્શી ગયો. વિશ્વની સાડા સાત અબજની વસ્તીમાંથી ૨૫ ટકા જેટલા બાળકો અને અપંગ-વૃદ્ધોને બાદ કરીએ; ચીન, ઈરાન, સિરિયા જેવા ફેસબુક પર સંપૂર્ણ પ્રતિબંધ રાખનાર દેશોની વસ્તીને બાદ કરીએ; અને દુનિયાભરમાં જે ગરીબો સ્માર્ટફોન અને ઇન્ટરનેટ ખરીદી-વાપરી શકવા સમર્થ જ નથી એમને પણ બાદ કરીએ તો એમ કહી શકાય કે દુનિયાની મોબાઇલ ફોન વાપરી શકે એવી કુલ વસ્તીના કદાચ પોણા ભાગને ફેસબુક વિના ચાલતું નથી.

દુનિયામાં છેલ્લા પાંચ હજાર વર્ષોમાં જેટલું પરિવર્તન આવ્યું નથી, એટલું છેલ્લા વીસ-પચ્ચીસ વર્ષમાં આવ્યું છે. કમ્પ્યૂટર, મોબાઇલ અને ઇન્ટરનેટનો આમાં સૌથી મોટો ફાળો છે. સોશિઅલ મીડિયાએ તો સામાજિક સંબંધોની પરિભાષા જ આમૂલ બદલી નાંખી છે. છેલ્લા બે દાયકાઓમાં બે વ્યક્તિ વચ્ચેના સંબંધોમાં જે પરિવર્તન આવ્યું છે એ છેલ્લા પાંચ હજાર વર્ષોમાં આવેલા કુલ પરિવર્તનોના ગુણાકારથીય વધારે ગણી શકાય. ૧૯૪૦ના દાયકામાં સુપર કમ્પ્યૂટર અસ્તિત્વમાં આવ્યા એ દિવસથી વૈજ્ઞાનિકો બે કમ્પ્યૂટર વચ્ચે કઈ રીતે સંબંધ સ્થાપી શકાય એની મથામણમાં લાગ્યા હતા. ૬૦ના દાયકામાં કમ્પ્યૂસર્વ જેવું પ્રાથમિક ઇન્ટરનેટ અને ૭૦ના દાયકામાં અર્પાનેટ અને પછી યુઝનેટ અસ્તિત્વમાં આવ્યાં જેને સોશિઅલ મીડિયાના પ્રથમ પગરણ ગણી શકાય. ૧૯૮૮માં ઇન્ટરનેટ રિલે ચેટની શરૂઆત થઈ જે લોકપ્રિય પણ થયું. પણ ૧૯૯૭માં આવનાર ‘સિક્સ ડિગ્રીઝ’ની શરૂઆત થઈ જેને સાચા અર્થમાં સોશિઅલ મીડિયા કહી શકાય. ૧૯૯૯માં ખાનગી બ્લૉગ સર્વિસીઝનો પ્રારંભ થયો અને સોશિઅલ મીડિયાનો સાચા અર્થમાં સૂર્યોદય થયો. પછી તો માયસ્પેસ, લિન્ક્ડઇન, ફ્રેન્ડસ્ટર, ઓર્કૂટ, ફોટોબકેટ, ફ્લિકર, વગેરેનો મારો થયો. ફેસબુક, યૂટ્યુબ, ટ્વિટર, ટમ્બ્લર, યાહૂ મેસેન્જર, ગૂગલ પ્લસ, સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામ, લાઇન, ટેલિગ્રામ જેવા મીડિયા આજે પણ ધૂમ મચાવી રહ્યા છે. આજે પરિસ્થિતિ કદાચ એવી સર્જાઈ છે કે માણસને પોતાની બાજુમાં કોઈ બેઠું છે કે નહીં એના કરતાં પોતાના સોશિઅલ મીડિયા પર કોઈ પોતાની સાથે ઓનલાઇન છે કે નહીં એમાં વધુ રસ છે. શેરીના નાકે ઓટલા પર ટોળું વળીને ગામગપાટા મારતાં યુવાનિયાઓનું અને શેરીમાં જાતજાતની રમતો રમતા બાળકોનું ચિત્ર ઝડપભેર ગામના પાદરની જેમ ભૂંસાતું જઈ રહ્યું છે. મિત્રો ટોળું થઈ ભેળાં બેઠેલાં તો હજીય નજરે ચડે છે પણ એ લોકો ઝડપભેર પરસ્પર વાકવિનિમયની કળા ભૂલતાં જઈ રહ્યાં છે. બાજુમાં બેઠેલ જીગરજાન શું કહી રહ્યો છે એના કરતાં વધુ રસ સોશિઅલ મીડિયાના નોટિફિકેશનમાં શું આવ્યું છે એ જોવામાં પડે છે. સંબંધોમાં વર્ચ્યુઅલ વાસ્તવિકનું સ્થાન ઝડપભેર લઈ રહ્યો છે.

૪ ફેબ્રુઆરી, ૨૦૦૪ના રોજ ઇન્ટરનેટ પર સોશ્યલ મિડિયાના નામે કદાચ સૌથી મોટી ક્રાંતિની શરૂઆત થઈ. માત્ર ઓગણીસ જ વર્ષના એક ટીનએજર અમેરિકન માર્ક ઝકરબર્ગે એના હાર્વર્ડ કોલેજના સહપાઠીઓ સાથે મળીને હાર્વર્ડના ડોર્મિટરી રૂમમાં બેઠાં બેઠાં ફેસબુકની શરૂઆત કરી, જે થોડો સમય કોલેજના પટાંગણ પૂરતું જ સીમિત હતું. કોલેજના વિદ્યાર્થીઓની માહિતી ફોટૉગ્રાફ્સ સાથે ઓનલાઇન કે છાપેલી પુસ્તિકામાં રાખવામાં આવતી જે ‘ફેસ બુક’ કહેવાતી. આ જ નામ માર્કે વાપર્યું પણ માર્કને પોતે જે કરી રહ્યો છે એનો વ્યાપ શો હોઈ શકે એનો આછોપાતળો અંદાજ હતો. ટૂંક સમયમાં જ સિલિકોન વેલીમાં નાની ઑફિસ ભાડે લેવામાં આવી. વેનિટી ફેર મેગેઝિને ૨૦૧૦માં વિશ્વની માહિતી યુગની સો સૌથી વધુ વગદાર વ્યક્તિઓમાં એને પહેલો ક્રમાંક આપ્યો. ઝકરબર્ગ પોતે લાલ તથા લીલી રંગઅંધતાનો શિકાર હોવાથી ફેસબુકમાં પ્રાથમિક રંગ ભૂરો છે. ૨૦૧૨માં કંપનીએ આઇપીઓ બહાર પાડ્યો ત્યારે કંપનીની બજારકિંમત એક્સો ચાર અબજ ડોલર હતી. ફેસબુકના સીઈઓ તરીકે એનો પગાર માત્ર એક ડોલર છે, પણ કમાણી અબજો ડોલર છે. ૨૦૧૬માં એણે એની કમાણીના ૯૯% -બાવન અબજ ડૉલર- દાન કર્યાં હતા. સમયની સાથોસાથ એકતરફ ફેસબુકની સુવિધાઓમાં સતત પરિવર્તન થતાં રહ્યાં છે તો બીજી તરફ કાનૂની આંટીઘૂંટીઓનો સામનો કરવાનું પણ એકધારું ચાલુ જ રહ્યું. માર્ચ ૨૦૧૮માં કંપની પર કેમ્બ્રિજ એનાલિટિકા હસ્તક પાંચ કરોડ અમેરિકનોની માહિતી હસ્તગત કરવાનો આરોપ મૂકાયો અને વિશ્વભરમાં લાખો લોકોએ ફેસબુકને તિલાંજલિ પણ આપી દીધી. પણ હકીકત એ છે કે આજની તારીખે પણ ફેસબુક વિશ્વની મોટાભાગની વસ્તી પર ધારી અસર પહોંચાડવામાં સફળ છે. અમેરિકા જેવા દિગ્ગજ દેશની ચૂંટણીના પરિણામ પર પણ જે મીડિયા ધાર્યો પ્રભાવ પાડી શકતું હોય એની તાકાત શી રીતે ઓછી આંકી શકાય!

ફેસબુક યાને કે ‘ચહેરાપોથી’ વિશેના સૉનેટની શરૂઆત કવિ સહુના સ્વાગતથી કરે છે. સ્વાગતના ભાવમાં છૂપાયેલો ઉપહાસનો કાકુ અનુભવાયા વિના નથી રહેતો. ફેસબુકના આગમનથી દુનિયાભરના લોકો ખૂબ ઉત્તેજિત હતા કેમકે મોટાભાગના લોકો શાળા કે કોલજ પત્યા પછી બધા નહીં તોય ઘણાખરા જૂના મિત્રોના સંપર્ક-સરનામાં લેવાનું ચૂકી જતાં હોય છે, અથવા જે-તે સંપર્ક-સરનામાંનો પ્રયોગ કરવાનો સમય વરસો બાદ ક્યારેક આવી ઊભો થાય ત્યારે જાણ થતી હોય છે કે એ સરનામાં કે ફોનનંબર તો ક્યારના બદલાઈ ચૂક્યાં છે. પરિણામે શાળા-કોલેજના જૂના મિત્રો દુનિયાની ભીડમાં ક્યાં અને ક્યારે ઓગળી ગયા એની ગમ પડવી શક્ય રહેતી નથી. પણ ફેસબુક જેવા સોશિઅલ મીડિયાઓએ નવી જ ક્ષિતિજો ઊઘાડી આપી. વરસોના વરસથી જેમના કોઈ ખબર-અંતર જ ન હોય એ મિત્રો અચાનક સોશિઅલ મીડિયા પર જડી આવે છે. ફેસબુક એ રીતે જોવા જઈએ તો આ પુનર્મિલનોનો અનવરત ચાલ્યે રાખતો સમારોહ છે. સારા હોય કે નઠારા, જૂના મિત્રો હોય કે ભૂતપૂર્વ પ્રેમીઓ- આ સહુનું સ્વાગત છે. સમયના અભાવે છટકી ગયેલા કે કોઈક કારણોસર વણસી ગયેલા તમામ પ્રકારના સંબંધો અહીં ફરી આભાસી હસ્તધૂનન અને આલિંગનોમાં જોતરાઈ શકે છે. ‘ભલા’ તો ઠીક પણ શર્મન ‘ક્રૂર’ શબ્દ પ્રયોજે છે એમાં ફેસબુકની પીઠ પર કટાક્ષનો પહેલો ચાબખો વીંઝાતો સંભળાય છે. સમય હતો ત્યારે જે પ્રેમીઓ કે મિત્રો અંગત સ્વાર્થ કે કોઈપણ કારણોસર તમને એકલા મૂકીને આગળ નીકળી ગયા હતા એ પણ ફેસબુકના ચોતરે પાછલી શરમને નેવે મૂકી દઈને અચાનક તમારા ફ્રેન્ડ લિસ્ટમાં સામેલ થઈ જાય છે. જે લોકોએ તમને સાક્ષાત પસંદ નહોતા કર્યા, એ લોકો હવે તમારી પોસ્ટ્સ પર લાઇક્સ આપતા થઈ જાય છે… કેવી ‘ક્રૂર’ નીચતા!

શર્મન ત્રણેય ચતુષ્કને અપૂર્ણાન્વય (enjambment)ની રીતિથી એકસૂત્રે બાંધે છે. દરેક ચતુષ્કની આખરી પંક્તિ આવનારા ચતુષ્કમાં ઢોળાય છે. જો કે આખી કવિતામાં કાવ્યાંતને બાદ કરતાં ચાર જ પંક્તિ વાક્યાંતે પૂર્ણ થાય છે, બાકી બધી જ પંક્તિઓ અપૂર્ણાન્વયની નીતિને અનુસરે છે અને કવિતાની સળંગસૂત્રિતા જાળવવામાં મદદ કરે છે. ફેસબુક એ વીતી ગયેલી કાલની કબર ખોદીને જાત-જાતનાં મડદાં બહાર કાઢે છે. વાસ્તવિક દુનિયાને વિસારે પાડીને એ મનુષ્યને કાલ્પનિક દુનિયામાં જીવતાં શીખવે છે. એટલે જ કવિ આહ્વાન કરતાં કહે છે કે ચાલો, આજનું અવમૂલ્યન કરીએ અને તોડી-ફોડીને એને નાદુરસ્ત પણ કરીએ. ભલે, પાંચ હજાર વર્ષ પહેલાં મેસોપોટેમિઅન સંસ્કૃતિમાં સિદુરી રાજા ગિલ્ગામેશને શોક ત્યજીને આજમાં જીવવાનો ઉપદેશ આપી ગયો હોય, બે હજાર વર્ષ પહેલાં રોમન કવિ હોરિસ (Horace) ‘Carpe Diem’ (આજમાં જીવો) કહી ગયો હોય, પણ ફેસબુક આપણને આજને ભૂલીને ગઈકાલમાં જીવતાં શીખવે છે. ફેસબુક હજારો વર્ષોના ડહાપણને જૂઠલાવે છે.

જિંદગી દરેક તબક્કે અલગ સ્વરૂપે આપણી પાસે આવે છે અને ભિન્નસ્વરૂપા હોવાના કારણે જ એ આપણને આટલી વહાલી પણ લાગે છે. પણ ફેસબુકના આંગણામાં બધું એકસમાન છે. ફેસબુક જીવનના દરેક તબક્કે એકસરખી લાઇક્સ અને કોમેન્ટ્સ લઈને આવે છે, એ જિંદગીના દરેક પ્રસંગોને એકસમાન રીતે જ ઉજવતા શીખવે છે. જીવનમાં કંઈ પણ નવું બન્યું નથી કે તરત એને ટાઇમલાઇન ઉપર અપલોડ કર્યું નથી. ‘વિવિધતામાં એકતા’ સૂત્રને ફેસબુક જરા અલગ રીતે જ આત્મસાત કરે છે. જે બાળપણ વીતી ગયું છે એને ખોદી કાઢવાનું છે, ફરી જીવવાનું છે અને વધુ ને વધુ જીવતાં જ રહેવાનું છે એમ કવિતા જ્યારે કહે છે ત્યારે પ્રથમદર્શી ભાવ તો એવો જ લાગે કે બાળપણની સોનેરી યાદોમાં ખોવાઈ જવાનો સોનેરી મોકો ફેસબુક પૂરો પાડે છે માટે ફેસબુક કોઈ દેવદૂતથી કમ નહીં હોય; પણ તરત જ સમજાય છે કે જે ખોદવાનું, ફરી જીવવાનું અને જીવતા રહેવાનું કામ ફેસબુક આપણી પસે કરાવે છે એ બાળપણ નથી, પણ બાળકો જેવી હરકતો છે. ફેસબુક આપણી પાસે પરિપક્વતાનો ત્યાગ કરાવી બાલિશતા આચરતા શીખવે છે. મરી ગયેલા સ્વજનો સાથે સેલ્ફી લઈને જાહેરમાં પોસ્ટ કરવાની સંવેદનહીનતા ફેસબુક વિના શક્ય જ નથી અને કોઈના આત્મજન અવસાન પામ્યા હોવાની પોસ્ટ પર ‘લાઇક’ કરનારાઓની પણ આજની તારીખે કમી નથી. ફેસબુક હકીકતમાં આપણા બચપણ સાથે પુનઃસંધાન નથી કરાવતું, બચપણા સાથે કરાવી આપે છે. ફેસબુક આપણા ચિત્તતંત્રને, સંવેદનતંત્રને લકવો મારવાનું કામ કરે છે. જીવનની દરેક પરિસ્થિતિમાં આપણે એની એ જ કી વાપરીને કામ કરતાં શીખી જઈએ છીએ. ફેસબુકના દરિયામાં લાગણીઓની ભરતી-ઓટ છે જ નહીં, કેમકે ફેસબુકનો દરિયો તો પથ્થરનો દરિયો છે.

એક જમાનો હતો જ્યારે યુવાનો શેરીઓમાં, મેદાનોમાં આઉટડોર ગેમ્સમાં મશગૂલ રહેતા. આજે મોટાભાગના યુવાનો ચાર-છ ઇંચના કાચની સ્ક્રીનમાં માત્ર ઘુસી જવાનું જ બાકી રાખીને જીવતા હોય છે. જો અનિવાર્ય ન હોય તો મોબાઇલની રમતો, મીડિયાની આંટીઘૂંટીઓમાં વ્યસ્ત આ યુવાનો કદાચ શ્વાસ લેવાનુંય ભૂલી જાય. શરમ આવે એવી ઘટનાઓ હોય કે ખ્યાતિ મળે એવી ઘટના હોય- ફેસબુકના આંગણે સહુને સમાન આવકાર મળે છે. નીરક્ષીરવિવેકનો છાંટોય હોય તો ચાંગળા પાણીમાં ડૂબી મરવાનું મન થાય એવી એવી બાબતો ‘વાઇરલ’ થઈ જવાની લ્હાયમાં લોકો ફેસબુક પર જાહેરમાં રમતી મૂકે છે. ફેસબુક પર ફેમ અને શેમ એક જ ગેમનો ભાગ બની રહે છે. બે વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ જાય એ હદે બંને એક થઈ ગયાં છે.

ઈશ્વરની શોધથી વિશેષ અંગત બીજું કંઈ હોઈ જ ન શકે. ઈશ્વરની શોધ એ પોતાની જાતની શોધ છે. માણસ પોતાની અંદર ઠીઠ ઊતરી શકે ત્યારે જ એને ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ શકે છે. જે કોઈ બહાર ફાંફાં મારે છે, એ માત્ર ફાંફા જ મારતો રહી જાય છે કેમકે ખરો ઈશ્વર આપણી ભીતર છે. પણ ફેસબુક જેવા મીડિયા ધર્મની પણ મજાક ઊડાવે છે. અંગત ભક્તિ અને અંગત તલાશ પણ લોકો જ્યાં સુધી ‘શેર’ નથી કરતાં ત્યાં સુધી એ ભક્તિ-તપસ્યા એમને અધૂરી લાગે છે એ હદે ફેસબુકની બિમારી આપણી રગોમાં વ્યાપી ચૂકી છે. દેવળ ડૉટ કૉમ ખરું દેવળ બની ગયું છે. સ્થળ વાસ્તવિક્તાની ગરિમા ગુમાવીને વર્ચ્યુઆલિટીની કડવાશના રંગે રંગાતા જાય છે. નવા વરસે એકબીજાના ઘરે જઈને મળવાનો રિવાજ ઝડપભેર ભૂંસાતો જાય છે, કેમકે હવે આ કામ ફેસબુક અને વૉટ્સએપ પર જ નિપટાવી લેવાય છે.

ફેસબુકની ભાષામાં સાઇન અપ અને સાઇન ઇન કરવાનું કહીને કવિ ફેસબુકના ચર્ચમાં જ ગુનાઓનો એકરાર કરી દો એવો તીખો કટાક્ષ કરે છે. ફેસબુકને એકલતાની વેદી તરીકે વ્યાખ્યાયિત કરીને કવિ આપણને ચેતવે છે કે ભલે આનું નામ સોશિઅલ મીડિયા કેમ ન હોય, અહીં કશું જ સોશિઅલ નથી. આ કોઈ સમાજ છે જ નહીં, આ તો માત્ર સમાજનો આભાસ છે. લાઇક્સ, કોમેન્ટ્સ અને શેરની સંખ્યા આપણી ખુશીનો ભાવાંક નક્કી કરે છે. આપણી પૉસ્ટ પર નવા નોટિફિકેશન આવ્યાં કે નહીં એની તાલાવેલી આપણી ખુશીની ઉપર હાવી થઈ જાય છે. સાચી જિંદગી કરતાં આભાસી જિંદગીમાં બે જણ વચ્ચે પ્રેમ પણ બહુ જલ્દી થઈ જાય છે પણ આભાસને વાસ્તવ માની બેઠેલ બે જણ જ્યારે હકીકતમાં એક થાય છે ત્યારે ભ્રમનો આ પરપોટો ફૂટતાં વાર નથી લાગતી. ફેસબુકના કારણે છૂટાછેડા અને આત્મહત્યાની માત્રામાં વધારો થયો હોવાનુંય પુરવાર થયું છે. આ એકલતાની વેદી પર આપણું સ્વાગત કરીને કવિએ જે લાલ બત્તી દેખાડી છે એ ન જોઈ શકનારનું ભાવિ અકસ્માતસભર જ હોવાનું. આ એક એવી દુનિયા છે જ્યાં તમે હજારોની વચ્ચે હોવા છતાંય બિલકુલ એકલા છો. અને આ એવો નશો છે જે છોડ્યો છૂટતો નથી. વધુમાં વધુ લોકો સુધી પહોંચવાની હોડમાં ને દોડમાં આપણે વધુ લોકો તો ઠીક, જાત સુધી પહોંચવાનું પણ વિસરી ગયાં છીએ.