ગ્લૉબલ કવિતા : ૯૯ : લાલચ – નીના કેસિઅન

Temptation

Call yourself alive? Look, I promise you
that for the first time you’ll feel your pores opening
like fish mouths, and you’ll actually be able to hear
your blood surging through all those lanes,
and you’ll feel light gliding across the cornea
like the train of a dress. For the first time
you’ll be aware of gravity
like a thorn in your heel,
and your shoulder blades will ache for want of wings.
Call yourself alive? I promise you
you’ll be deafened by dust falling on the furniture,
you’ll feel your eyebrows turning to two gashes,
and every memory you have – will begin
at Genesis.

– Nina Cassian
(Translated from the Romanian by Brenda Walker and Andrea Deletant)
from: “Staying Alive: Real Poems for Unreal Times”

લાલચ

તમારી જાતને જીવંત કહો છો? જુઓ, હું વચન આપું છું
કે પહેલવહેલીવાર તમે તમારા છિદ્રો ઊઘડતાં અનુભવશો
માછલીઓના મોંની જેમ, અને તમે હકીકતમાં સક્ષમ થશો
તમારા લોહીને એ તમામ ગલીઓમાં થઈ ધસમસતું સાંભળવા માટે,
અને તમે પ્રકાશને નેત્રપટલને અડીને પસાર થતો અનુભવશો
પોશાકની ઘસડાતી ચાળની જેમ. પહેલવહેલીવાર
તમે ગુરુત્વાકર્ષણથી અવગત થશો
એડીમાંના કાંટાની જેમ,
અને તમારા ખભાના હાડકાં પાંખો પામવાને પીડાશે.
તમારી જાતને જીવંત કહો છો? હું વચન આપું છું
તમે ફર્નિચર પર પડતી ધૂળથી બહેરાં થઈ જશો,
તમે તમારા ભ્રૂકુટીઓને બે ઊંડી ફાડમાં પરિણમતી અનુભવશો,
અને દરેક સ્મૃતિ જે તમારી કને હશે – આરંભાશે
ઠેઠ ઉદ્ભવથી.

– નીના કેસિઅન
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)

તમે તમારી જાતને છેલ્લે ક્યારે મળ્યા હતા એ યાદ છે? શું તમે તમને ખુદને જોયા છે? શું તમે સ્વયંને ઓળખી શક્યા છો? પામી શક્યા છો? વાંચી શકો છો? – ક્ષણાર્ધ માટે તો આ બધા જ સવાલોના જવાબ હકારાત્મક આપી દેવા માટે તમે લલચાઈ જવાના. પણ થોડી વાર ખમી જાવ. આવા વિચિત્ર સવાલ કોઈએ તમને કેમ કર્યા હશે એ વિશે વિચારશો તો મગજ ચકરાવે ચડતું અનુભવાશે. જે શરીર લઈને આપણે સહુ જન્મ્યાં છીએ, જે શરીરમાં આપણે સૌ જીવી રહ્યાં છીએ એ શરીરને ખરેખર આપણે સહુ ઓળખી શક્યાં છીએ ખરાં? એ શરીરની અંદર જે વ્યક્તિ રહે છે એને આપણે ખરા અર્થમાં મળ્યાં છીએ ખરાં? આપણી ચોવીસ કલાકની વ્યસ્ત રોજનીશીમાં આપણે એને કોઈ એપૉઇન્ટમેન્ટ ફાળવીએ છીએ ખરાં? હવે આ સવાલોના જવાબ આપવા જરા અઘરા થઈ પડશે, ખરું ને? હકીકત એ છે કે આપણે આપણી જાત માટે નથી કોઈ સમય ફાળવતા, નથી એને ઓળખવાની-મળવાની કોઈ કોશિશ કરતાં. દુનિયામાં કોઈ વસ્તુને આપણે સહુથી વધારે ટેકન-ફૉર-ગ્રાન્ટેડ ગણી હોય તો એ પોતાની જાત જ છે. અને જો કોઈ માણસ પોતાની જાતને ઓળખવાની-મળવાની કોશિશ કરે તો કેવા કેવા ચમત્કાર સંભવી શકે એની વાત લઈને રોમાનિઅન કવયિત્રી નીના અહીં પ્રસ્તુત છે.

નીના કેસિઅન. કવિ. સંગીતકાર. પત્રકાર. ફિલ્મ વિવેચક. અનુવાદક. ૨૭-૧૧-૧૯૨૪ના રોજ રોમાનિયા ખાતે સંસ્કારી પણ કંગાળ યહૂદી મા-બાપને ત્યાં જન્મ. એમનું જન્મનું નામ રેની એની કેટ્ઝ હતું. નીના કેસિઅન એમનું ઉપનામ હતું. એમનો ચહેરો એમના કહેવા મુજબ નાનાં હતાં ત્યારે નાની હડપચી અને ગોળ નાક સાથે સુંદર દેખાતો હતો પણ ૧૧ના થયાં ત્યારે ધરતીકંપ થયો હોય એમ એમના ચહેરાની ભૂગોળ બદલાઈ ગઈ. નાક અને દાઢી ખીણો અને પર્વતોની જેમ વધ્યાં અને એમના કહેવા મુજબ જમીન પર પડતો એમનો પડછાયો જોનારના નેત્રપટલને ઈજા પહોંચાડતો. હકીકતમાં જેને એ કદરૂપો ચહેરો કે વિચિત્ર ત્રિકોણાકાર ચહેરો કહેતાં, એ એમના આવેશ અને ઉત્સાહ સાથે હાથમાં હાથ મિલાવી એમને નોંધપાત્ર કરિશ્માઈ ગુણવત્તા બક્ષતો હતો. એક કવિતામાં એ બહુ સરસ વાત કરે છે :

એક કરમાયેલું ગુલાબ એક કરમાયેલું ગુલાબ છે
એક કરમાયેલું ગુલાબ છે.
એનું માથું નમે છે શોકમાં,
એ ખેરવે છે ગુલાબી પાંદડીઓ
વિશાળ આંસુઓની જેમ.
મારું માથું પણ ફર્શનું ધ્યાન ધરે છે
જ્યાં કશું ઊગતું નથી.

એમને કુંવારા રહી જવાનો અને ગમે ત્યારે મરી જવાનો ડર હતો. ૧૯૪૩માં વ્લાડિમિર કૉલિન નામના લેખક સાથે લગ્ન અને ૧૯૪૮માં છૂટાછેડા. એ પછી પણ બેએક જણ સાથે ઘનિષ્ઠ સંબંધમાં રહ્યાં. જો કે એલેક્ઝાન્ડ્રુ સાથેના લગ્ન એલેક્ઝાન્ડ્રુના મૃત્યુપર્યંત (૧૯૮૪) સુધી ટક્યા. ૧૯૯૮માં ત્રીજા લગ્ન, મૌરિસ એડવર્ડ્સ સાથે, જે ખુશનુમા રહ્યા. ૧૯૪૭માં ૨૩ વર્ષની વયે કવિતાનું પ્રથમ પુસ્તક પ્રગટ થયું. કુલ સાંઠ જેટલાં પુસ્તકો લખ્યાં. કવિતા ઉપરાંત વાર્તા, બાળસાહિત્ય અને અનુવાદો પણ આપ્યાં. પ્રથમ પુસ્તકની જ કમ્યૂનિસ્ટ રોમાનિયા તરફથી સાંપડેલ પ્રતિકૂળ વિવેચનાએ એમને સાવધાન કર્યાં પણ રોમાનિયાના આખરી કમ્યૂનિસ્ટ નેતા નિકોલાઈ ચાઉશેસ્કુ (Nicolae Ceausescu)એ આપેલ નૂતન પ્રભાતની જૂઠી આશાથી છેતરાઈને એમણે સ્વભાવગત લખવું ફરી શરૂ કર્યું, જે સત્તાધીશોને મંજૂર નહોતું. સદનસીબે ૧૯૮૫માં ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાં તેઓ શિક્ષક તરીકે ગયાં એ ગાળામાં જ એમના એક મિત્ર ઘીઓર્ઘે ઉસરુને પોલીસે પકડી લીધો જેની ડાયરીમાંથી નીનાએ લખેલી કવિતાઓ -સત્તાધીશોની નજરે અત્યંત આપત્તિજનક- મળી આવી. મિત્રને તો કારાવાસ થયો જ્યાં પોલીસ કે સાથી કેદીઓના મારથી એમનું મૃત્યુ થયું પણ ન્યૂયૉર્કમાં હોવાના કારણે નીનાની જાન બચી ગઈ. એમણે અમેરિકા પાસે રાજકીય આશરો માંગ્યો, જે મળ્યો અને બાકી જિંદગી અમેરિકામાં જ વિતાવી. દેશ અને ભાષા બદલાયાં એટલે રોમાનિયનના બદલે અંગ્રેજીમાં કવિતા કરવી શરૂ કરી. સિગારેટ અને વ્હીસ્કીના કાયમી શોખીન રહ્યાં. ખાસ્સું ૮૯ વર્ષ લાંબું જીવન જીવ્યાં અને ૧૪-૦૪-૨૦૧૪ના રોજ ઘરે જ હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યાં.
નીનાની કવિતાઓ એક અલગ જ ભાત રચે છે. એડવર્ડ હર્શ્ચ લખે છે: ‘નીના કેસિઅન એક ઉગ્ર અને અત્યધિક કૃતનિશ્ચયી કવિ હતાં.તેઓ એક ઉત્કૃષ્ટ કળાકાર હતા, સેફોની જેમ, ભાવુક ઊંડાણો અને મહાન ઊંચાઈઓના કવિ.’ તેઓ બેલાશક રોમાનિયાના અગ્રણી અવાજોમાંના એક છે. દેશવટા પૂર્વે અને પશ્ચાત્ પણ એમની કવિતાઓ લાગણીઓની તીવ્રતા, ભાવાવેશ અને સ્પષ્ટ બયાનીના કારણે અલગ તરી આવે છે, જેમાં મુખ્યત્વે કામુક ઉત્તેજના, પ્રેમ, મૃત્યુ, જરાવસ્થા અને દેશવટાની વાતો ઉપસતી દેખાય છે. એમની રચનાઓમાં નજરે ચડતી અંગતતા ભયજનક છે. એ આંત્યંતિક નિજતા વાચકને પરેશાન કરી દે એટલી ઉગ્ર છે. કેસિઅન પોતે કહે છે એમ, ‘કવિતા જિંદગીનું અતિક્રમણ કરવા કે પરિવર્તન કરવા માટે નથી, એ સ્વયં કવિતા જ છે… કળા એક પ્રાણી જેટલી જ જીવંત છે.’ એક કવિતામાં એ લખે છે: ‘હું એક અનંત ધૂન છું/વરસાદની છમછમની જેમ./અને હું સાફ છું/હું લખી રહી છું એ કવિતાની જેમ.’

પ્રસ્તુત રચના ‘ટેમ્પ્ટેશન’ એ રોમાનિઅન ભાષામાં લખાયેલ ‘ઇસ્પિતા’ કવિતાનો એન્ડ્રિયા ડેલિટન્ટ તથા બ્રેન્ડા વૉકરે કરેલ અંગ્રેજી અનુવાદ છે. મૂળ કવિતામાં છંદ અને પ્રાસ છે કે નહીં એ સમજવું કઠિન છે પણ નીના પોતે એક ઇન્ટર્વ્યૂમાં ‘તમે હંમેશા પદ્યમાં જ લખો છો?’નો જવાબ આપતાં કહે છે: જો હું ખૂબ અભિમાની હોત- અને હું નથી- તો હું ઓવિડને ટાંકતે જેણે કહ્યું હતું: ‘‘Quidquid tentabam dicere versus erat,’’ અર્થાત્, ‘‘હું જે કંઈ પણ કહેવાની કોશિશ કરું છું એ પદ્ય બની જાય છે.’’ જો કે આ રચનાને ગૂગલદેવતાની મદદથી મૂળ ભાષામાં વાંચતા કે સાંભળતી વખતે એમાં પ્રાસ અને છંદ ગેરહાજર હશે એમ અનુભવાય છે. અંગ્રેજી અનુવાદમાં પણ છંદ-પ્રાસ ગેરહાજર છે. ચૌદ પંક્તિઓનું આ મુક્તકાવ્ય ગદ્ય સૉનેટનો પણ ભાસ ઊભો કરે છે. રચનાનું શીર્ષક ‘લાલચ’ વાંચતા જ બાઇબલના પ્રારંભે પ્રતિબંધિત વૃક્ષનું ફળ ખાવા માટે ઈવને લલચાવતા સાપની સુપ્રસિદ્ધ વાર્તા યાદ આવ્યા વિના રહેતી નથી. કવિતાની આખરી પંક્તિમાં ઉદ્ભવ-જેનેસિસનો ઉલ્લેખ પ્રસ્તુત કવિતા અને બાઇબલ વચ્ચેના અવિનાભાવી જોડાણ પર આખરી મહોર મારે છે. શીર્ષક પોતે એક કસોટી છે. એ લાલચ કેવી પ્રબળતમ હશે, જેના પરિણામે સ્વર્ગવટો વેઠવા પણ આદમ અને ઈવ તૈયાર થઈ ગયા હતા?! સ્વર્ગની એકવિધ જિંદગી પડતી મૂકીને પૃથ્વી પર માનવજીવનની અનિશ્ચિતતતાઓને ગળે લગાડવા માટેની દુનિયાના સર્વપ્રથમ દંપતીની હિંમત કોને સલામ ભરવા જેવી ન લાગે? કેમકે બધાએ જોયેલી અને જાણેલી કઠિન વસ્તુ કરવી અને બિલકુલ વણદીઠી-વણજાણી-વણઅનુભવેલ વસ્તુ સર્વપ્રથમવાર કરવાનું બીડું ઝડપવું એ બેમાં જમીન-આસમાનનો તફાવત છે. માટે જ રચનાનું શીર્ષક ‘ડેર-ટુ-લીવ’ જેવું હૃદયસ્પર્શી અને સન્માનનીય લાગે છે.

કવિતાની શરૂઆત પણ આવા ડેર-ટુ-લીવ પ્રશ્નથી જ થાય છે. નીના સટિક સવાલ કરે છે – તમારી જાતને જીવંત કહો છો? એક ક્ષણ માટે પૃથ્વી એની ધરી પર ફરતી અટકી જાય છે. એક ક્ષણ માટે આપણો અંદર ઊતરેલો શ્વાસ બહાર નીકળવાનું ભૂલી જાય છે. એક ક્ષણ માટે હૃદય ધબકવાનું વિસરીને વિમાસણે ચડે છે. શું આપણે ખરેખર જીવંત છીએ? આપણી આ જિંદગી શું સાચા અર્થમાં જિંદગી ગણી શકાય? કે પછી આપણે ઘાણીના બળદની જેમ ‘सुब्ह होती है शाम होती है, उम्र यूँ ही तमाम होती है’ (અમીરુલ્લાહ તસ્લીમ)ના સિદ્ધાંત પર માત્ર શ્વાસો લેવા-મૂકવાની અનવરત કસરત જ કર્યે રાખીએ છીએ? બહુ પાયાનો પ્રશ્ન છે અને એનો પ્રામાણિક જવાબ મોટાભાગના લોકો માટે ત્સુનામી સાબિત થઈ શકે એવો જ હોવાનો. હકીકતમાં આ સવાલ સવાલ નથી, લાલચ છે. આ સવાલ ઇડનના બગીચામાં ઊગેલું સફરજન છે. આ સવાલનો જવાબ સ્વર્ગનિકાલ અને પૃથ્વીવાસ જેવા પરિવર્તનનો દ્યોતક છે. આ સવાલ આપણને લલચાવે છે.. પણ આપણે કવિતા તરફ આગળ વધીએ…

નાયિકા આહ્વાન આપવાની સાથોસાથ અદભુત આશ્વાસન પણ લઈને આવે છે. એ જાણે છે કે જે કોઈ આ પ્રશ્નને ગંભીરતાપૂર્વક સાંભળશે અને જવાબ અપવાની પ્રામાણિક કોશિશ કરશે એની જિંદગીમાં અભૂતપૂર્વ પરિણામ આવ્યા વિના નહીં જ રહે. એ કહે છે, આપણી ત્વચા પર જે લાખો-કરોડો છિદ્રો રહેલાં છે, જે પરસેવો બહાર કાઢવા સિવાય ક્યારેય પોતાનું મોઢું ખોલતાં જ નથી, એ તમામ છિદ્રો આ સવાલ પર માછલીઓ જેમ પોતાનાં મોં ઊઘાડે એમ ઊઘડી જતાં અનુભવાશે. કેવી અદભુત વાત! પણ વધારે અદભુત વાત તો એ છે કે નાયિકા એ વાતથી સુપેરે જાણતલ છે કે આ છિદ્રોના ખૂલવાની આ અનુભૂતિ આપણાં જીવનમાં પહેલવહેલીવાર જ આવનાર છે. એને ખાતરી છે કે આપણે આ સવાલ જાતને અગાઉ કદી નહીં જ કર્યો હોય ને એટલે આવી અનુભૂતિ પણ આ પહેલાં નહીં જ થઈ હોઈ. આ ખાતરી એક કવિની ખાતરી છે. આ ખાતરી સીધાસાદા લાગતા શબ્દોને કવિતાના ઉચ્ચાસને બિરાજમાન કરે છે. એક સામાન્ય માણસના તથા એક કવિના આહ્વાન અને આશ્વાસન વચ્ચે શો ફરક હોવાનો એ વાત આ એક શબ્દ-એક ખાતરી જ સિદ્ધ કરી બતાવે છે.

માછલીઓના મોઢાં ખૂલવાના કલ્પનનો એક બીજો અર્થ પણ છે. બીજું કંઈ નહીં ને કવિએ આ જ કલ્પન કેમ પ્રયોજ્યું હશે એ વાત પણ વિચારવા જેવી. માછલીને સતત મોઢું ખોલ-બંધ કરતી આપણે જોઈએ છીએ. માછલી એનું મોઢું થોડી ક્ષણો માટે પણ એકધારું બંધ રાખી શકતી નથી કેમકે મોઢું ખોલીને એ સતત પાણીનો ઘૂંટડો ભરતી રહે છે. આ પાણીને એ ચૂઈમાંથી પસાર કરીને ફરી બહાર કાઢે છે અને આ પ્રક્રિયા દરમિયાન એની ચૂઈ પાણીમાંના પ્રાણવાયુને એની રક્તવાહિનીઓમાં મોકલે છે. મતલબ, મોઢું ખોલ-બંધ કરવું એ માછલીની શ્વસનપ્રક્રિયા છે. શ્વસનપ્રક્રિયાની કોઈપણ સજીવ માટેની અનિવાર્યતાને મનમાં રાખીને માછલીના મોઢાંની જેમ ખુલી જતાં આપણાં છિદ્રો વિશે વિચારીએ… નીનાનો સવાલ કેટલો અહમ છે અને એના જવાબની પરિણતી કેવી અદભુત અને breathe-essential છે એ તરત સમજાશે.

વાત અહીં અટકતી નથી, શરૂ થાય છે. કોઈ અકલ્પનીય જાળતંત્રની જેમ આપણા સમગ્ર શરીરમાં ફેલાયેલ રુધિરાભિસરણતંત્રની સેંકડો નાની-મોટી ધમનીઓ-શિરાઓ-કેશવાહિનીઓ આપણી જાણ બહાર સાડા પાંચ લિટર લોહીને મુઠ્ઠી જેવડા હૃદયના સંકોચન-વિસ્તરણના ધક્કા વડે એકધારું ફરતું રાખે છે. ઘા થાય, અને ચામડી ચીરાય એ ઘડીએ જ લોહી આપણા જીવનના મસ્ટર રૉલમાં એની હાજરી પૂરાવે છે. અન્યથા પૃથ્વીની ફરતે અઢીવાર વીંટાળી શકાય એટલી યાને કે લગભગ એક લાખ કિલોમીટર લાંબી આ રક્તવાહિનીઓમાં ચુપચાપ વહ્યા કરતાં રુધિરની ગતિવિધિથી આપણે ક્યારેય અવગત થતાં જ નથી. પણ જો આ સવાલનો જવાબ આપી શકશો તો લોહીને એ તમામ ગલીઓમાં થઈને ધસમતું સાંભળી શકવા આપણે હકીકતમાં સક્ષમ થઈશું. અહીં પણ કવિ જે ‘હકીકતમાં સક્ષમ’ થવાની ખાતરી આપે છે એ અભૂતપૂર્વ છે, લાજવાબ છે.

હવે પછીના કલ્પન માટે નીના ‘ટ્રેઇન ઑફ અ ડ્રેસ’નું રૂપક પ્રયોજે છે. સન્માનનીય સ્ત્રી કે પુરુષના પોશાકની પાછળ જમીન પર દૂર સુધી ઘસડાતી ચાળ, જેને ઉપાડીને પાછળ-પાછળ ચાલવામાં સેવકો અથવા ભક્તો પોતાની જાતને ધન્ય સમજે એ પ્રકારના કપડાંનુ કે રિવાજનું આપણે ત્યાં ચલણ નથી. પણ વિદેશોમાં ખાસ કરીને ચર્ચમાં, રાજદરબારોમાં અને લગ્નમાં નવવધૂઓમાં આ પ્રકારના વસ્ત્રોનું ચલણ હજીય યથાવત્ છે. ગુજરાતીમાં પાછળ ઘસડાતા પોશાકના આ ભાગ માટે નજીકમાં નજીકનો શબ્દ ‘ચાળ’ છે, જો કે એય અપર્યાપ્ત છે કેમ કે ‘ઝભ્ભાની ચાળ’ પ્રયોગ આપણે ત્યાં સામાન્ય છે પણ એનો અર્થ ‘ટ્રેઇન ઑફ અ ડ્રેસ’ની નિકટનો ખરો પણ એ જ થતો નથી. ‘ઘેર’ શબ્દ પણ યથાર્થ સિદ્ધ થતો નથી. અલગ સંસ્કૃતિઓના અલગ પરિવેશ અને અનુવાદની મર્યાદા સ્વીકારીને આગળ વધીએ.

નાયિકા કહે છે કે જે ઘડીએ તમે તમારી જાતના જીવંત હોવા અંગે સાચા અર્થમાં સાશંક થશો એ ઘડીએ પ્રકાશ તમારા નેત્રપટલ સાથે એ રીતે ઘસડાતો પસાર થશે જે રીતે ચાલતી વખતે પોશાક પાછળ જમીન સાથે ઘસડાતી લાંબી ચાળ કે ઘેર. જીવનમાં આ પૂર્વે કદી પણ રોશનીનો આટલો નજદીકી અનુભવ નહીં જ થયો હોય એ વિશે નાયિકાના મનમાં લગરીકે શંકા નથી. જે દિવસે આપણે રોજિંદી ઘરેડ તોડીને આપણી જાત સાથે મુખામુખ થવા તૈયાર થઈશું, આપણી પોતાની શરતે જીવન જીવવા તૈયાર થઈશું એ દિવસે આપણે આપણા દરેકેદરેક શ્વાસ, દરેકેદરેક રક્તકણના રજેરજના પ્રવાસને પહેલવહેલીવાર અનુભવી શકીશું, દિવ્ય રોશનીનો આપણને નિકટતમ સાક્ષાત્કાર થશે. પ્રકાશનો આ ઘસરકો નીનાની એક બીજી કવિતાની યાદ અપાવે છે: ‘સૂર્ય અને મારી વચ્ચે/એક બુરખો છે ચુપકીદીનો/જે મારી આંખોને સંરક્ષે છે/પ્રકાશના ઘસરકાથી/જે મારા હોવાને સંરક્ષે છે/જ્ઞાનના ગુમડાથી/જે મારી જાતને અનુમતિ આપે છે/ખલેલરહિત શ્વાસ લેવા માટે.’

ન્યૂટને કહ્યું નહોતું એ પહેલાં પણ જેનું અસ્તિત્વ હતું પણ અહેસાસ નહોતો એ ગુરુત્વાકર્ષણનો ભાર આપણે ન્યૂટને એનો નિયમ શોધી કાઢ્યા પછી પણ અનુભવી શકતા નથી પણ જીવતા હોવાનો અહેસાસ કાંટો જે રીતે એડીમાં ઘૂસી જાય અને ચાલવું દુભર બની જાય, એ પીડાની તીવ્રતાથી ગુરુત્વાકર્ષણનો, જીવતરના બોજનો આપણને અહેસાસ કરાવે છે. જે રીતે એડીને કાંટાનો અનુભવ થાય છે એ રીતે આપણને જીવનના ભારનો, ગુરુત્વાકર્ષણનો અનુભવ થશે અને આ પણ જીવનમાં આપણે ‘પહેલવહેલીવાર’ જ અનુભવીશું એની નાયિકાને પુનઃપુનઃ ખાતરી છે.

ખભાના પાછળના ભાગમાં કરોડરજ્જુની આજુબાજુ બંને તરફ નાની પાંખ જેવું ત્રિકોણાકાર હાડકું હોય છે જે અંગ્રેજીમાં સ્કેપ્યુલા તરીકે ઓળખાય છે. આ હાડકાં માટે આપણા શબ્દકોશમાં તો સ્કંધાસ્થિ, અંસફલક, હંસુળી, સ્કંધફલક જેવા શબ્દો જડી આવે છે પણ લોકકોશમાં એકેય માન્ય શબ્દ જડતો નથી. નાયિકા કહે છે કે જાત સાથે રૂબરૂ થવાની ઘડી એ આ પાંખાકાર હાડકાં પાંખમાં પરિણમે એ માટેની ઝંખના ઊગવાની ઘડી છે. મુક્તાકાશમાં ઉડ્ડયનની ઇચ્છા જાગવાની આ પળ છે. વાસ્તવમાં આ પંખાકાર હાડકાં પાંખ બનવાના નથી એટલે આ ઘડી જો કે પીડાદાયક પણ રહેવાની જ. આમેય જીવનની વાસ્તવિક્તા તો આ જ છે – no pain, no gain!

કવિતા અહીં એક ચક્ર સમાપ્ત કરે છે. માળાં ફેરવતાં ફેરવતાં તસ્બીનો મણકો ફરી હાથમાં આવે છે. કવિતા જ્યાંથી શરૂ થઈ હતી, ફરી ત્યાં જ આપણને લઈ આવે છે. એક પછી એક દિવ્ય અનુભૂતિના સરવાળે જે ક્ષણે આપણને દર્દ જન્મે છે, એ ક્ષણે નાયિકા લાગ જોઈને એનો પ્રારંભનો પ્રશ્ન દોહરાવે છે. પગમાં કાંટા ખૂંપવાની ને ખભે પાંખ ન ફૂતી શકવાની વેદના હજી તાજી જ છે. કવિ જાણે છે કે પીડાની ક્ષણ જ માનવચેતના સર્વોચ્ચ શિખરે હોય છે. પીડાની પરાકાષ્ઠાએ મનુષ્ય જેટલો સજાગ થઈ જાય છે એટલો બીજી કોઈ ક્ષણે થઈ શકતો નથી. કવિતાના આરંભમાં નાયિકા જ્યારે આપણને પ્રશ્ન પૂછે છે ત્યારે શીર્ષકમાં ‘લાલચ’ વાંચીને કંઈક મેળવવાની લાલચે આગળ વધતા ભાવકને એ અનૂઠા કલ્પનો અને અલૌકિક અનુભૂતિઓથી ચોંકાવે છે પણ હવે જ્યારે ભાવક આ અનુભૂતિઓમાં આગળ વધીને પીડાની તીવ્રતાએ, ચેતનાની ચરમક્ષણે આવી ઊભો છે ત્યારે એ ફરીથી એ જ પ્રશ્ન સામે મૂકે છે- ‘તમારી જાતને જીવંત કહો છો?’ મનમાં ‘લાલચ’ જાગી હોય એ ક્ષણે અને મન સર્વાંગ જાગૃત હોય એ બંને ક્ષણે આ એક જ સવાલનો જવાબ બિલકુલ અલગ હોઈ શકે છે. એટલે જ પુનરોક્તિ કરતી વખતે નાયિકા ‘જુઓ’ કહીને આપણું ધ્યાન દોરતી નથી અને સીધી જ વચન આપે છે કે હવે આ ક્ષણે તમે એટલી સચેત થઈ ચૂક્યા છો કે ફર્નિચરની ઉપર પડતી ધૂળનો અવાજ પણ એટલો પ્રચંડ સંભળાશે કે તમે બહેરાં થઈ જશો.

યે બાત! જે અવાજ વિજ્ઞાન પણ સાંભળી શકવા અસમર્થ છે, એ અવાજ કાનના પડદા ફાડી નાંખે એ તીવ્રતાથી સાંભળી શકાય એ હદે ચેતના જાગી ઊઠી છે. કવિતામાં એક વર્તુળ પૂરું થવાની સાથોસાથ તમારું તમારી સન્મુખ આવવાનું વર્તુળ પણ સંપૂર્ણ બને છે. તમે સંપૂર્ણ બનો છો. ભ્રૂકુટિઓને બે ઊંડા ઘા-ચીરામાં પરિણમતી આપણે અનુભવીશું. પીડાનો અંત આવતો નથી. કવયિત્રી પીડાનો અંત આણવા દેવા માંગતાં જ નથી. એ હવે આપણને સતત જાગૃતિના ઉત્કૃષ્ટ શિખરે ઊભા રાખવા ઇચ્છે છે. એડીનો કાંટો, પાંખ ન ફૂટવાની અ-પ્રસવ પીડા, ધૂળના અવાજના પડઘમ અને ઊંડા ઘાની જેમ ચીરાઈ જતી ભ્રમરો… પીડા અને પ્રાપ્તિ અનંતતાને પામે છે. અને સૃષ્ટિનો પ્રારંભ થયો હશે એ ઘડી સાથે તમારી ચેતના અનુસંધાન સાધે છે. પીડા પરમ પ્રાપ્તિની પરિતૃપ્તિ સુધી આપણને લઈ આવે છે.

શીર્ષક ‘ટેમ્પ્ટેશન’ અને કાવ્યાંતે ‘જેનેસિસ’ બાઇબલ તરફ ઈશારો કરે છે પણ રચનામાંથી પસાર થતાં સમજાય છે કે અહીં બાઇબલનો કેવળ અછડતો સંદર્ભ જ છે. મૂળ વાત તો જીવનભર કુંભકર્ણની નિદ્રા વેઠતા રહેતાં, સતત બંધ જ રહેતા આપણા આંતર્ચક્ષુઓને ઊઘાડવાની વાત છે. તમારી યાદદાસ્ત સૃષ્ટિના ઉદગમ –જેનેસિસથી એક નવી શરૂઆત કરશે એનો મતલબ એ નથી કે સૃષ્ટિના ઉદ્ભવની ક્ષણો પણ યાદ આવી જશે. આ જેનેસિસ આપણું જેનેસિસ છે. આ આપણો ઉદ્ભવ છે. જે માણસ જાગવાની ‘લાલચ’માં પોતાના હોવાપણાંના ‘સફરજન’ને બટકું ભરીને કોરશે એ સ્થાપિત વિશ્વમાંથી નિષ્કાસિત થઈ નવી દુનિયાનો ‘પ્રથમ’ સ્વામી બનશે. એની યાદદાસ્ત એના અસ્તિત્વ પર પ્રકાશ પાડતાં કહેશે કે તું પોતે જ આદમ છે અને તું પોતે જ ઈવ છે. તારી દુનિયાનો પ્રારંભ હવે આ બિંદુએથી તારે જ કરવાનો છે… ટૂંકમાં, આ કવિતા આપણને કહે છે કે જે ઘડીએ તમે તમારી સંવેદનાને ઝંકોરો છો, જે ઘડીએ તમે સાચા અર્થમાં જીવવાની કોશિશ કરો છે એ ઘડીએ જિંદગી સામે આવીને તમને ગળે લગાવશે, તમારી સંવેદનાનો સરવાળો નહીં, ગુણાકાર થશે, અને તમે તમારી જાતને એક નવી જ જિંદગી સાથે હસ્તધૂનન કરતી ભાળશો. બસ, આ જગ્યાએ આ કવિતા પૂરી થાય છે અને અહીંથી જ એની સાચી શરૂઆત પણ થાય છે…

4 replies on “ગ્લૉબલ કવિતા : ૯૯ : લાલચ – નીના કેસિઅન”

  1. અદ્ભુત!
    એથી વધુ કાંઈ નહિ.

    આસ્વાદ કરાવવા બદલ આભાર.

    – સુરેશ શાહ, સિંગાપોર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *