Category Archives: મળીએ તો કેવું સારું

ફરીથી પાછા નવેસરથી – જયશ્રી મર્ચન્ટ | અસીમ મહેતા | મ્યુઝિક આલબમ ‘મળીએ તો કેવું સારું’

આલબમ: “ મળીએ તો કેવું સારું”
કૃતિ-૬: ગીત
ફરીથી પાછા નવેસરથી

~ કવયિત્રી: જયશ્રી વિનુ મરચંટ
~ સ્વરકાર–સ્વર–સંકલનઃ અસીમ મહેતા
~ સંગીત નિયોજનઃ આલાપ દેસાઈ

ફરીથી પાછા નવેસરથી
જો મળીએ તો કેવું સારું
ફરીથી પાછા હું ને તું
હસી લઈએ તો કેવું સારું

ઊઘડું ઊઘડું કરતું આકાશે
અજવાળું ઘેરું ઘેરું
તોય આંખ તો કહ્યા કરે
કે હું અંધારું પ્હેરું પ્હેરું
લઈને હોડી સપનાની
તરીએ તો કેવું સારું
-ફરીથી પાછા હું ને તું …

ઝાકળભીની હવા પીગળે,
હુંફાળી સવારે,
ફૂટે ટેરવાં તડકાને,
પહોંચે શ્વાસોને દ્વારે
સ્પર્શોની પાંદડીએ સાજન,
ઊગીએ તો કેવું સારું!
-ફરીથી પાછા હું ને તું …

(આ સાથે છ ગીતોનું મ્યુઝિક આલબમ “મળીએ તો કેવું સારું” સંપન્ન થાય છે.)

દીકરીનું ગીત: પરીઓની એ રાજકુમારી – જયશ્રી મર્ચન્ટ : મ્યુઝિક આલબમ “મળીએ તો કેવું સારું”

આલબમ: “ મળીએ તો કેવું સારું”

~ સંગીત નિયોજનઃ આલાપ દેસાઈ
~ કવયિત્રી: જયશ્રી વિનુ મરચંટ
~ સ્વરકાર–સંકલનઃ અસીમ મહેતા
~ સ્વર: માધ્વી મહેતા, હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ. પ્રિયા શાહ

Lyrics:

પરીઓની એ રાજકુમારી
તે દિ’ આવી મારે દ્વાર
મધમીઠી રેશમી ચાંદની
તે દિ’ આવી મારે દ્વાર!

રાતરાણી ખીલી’તી તે દિ’
કે ખીલ્યાં’તા પારિજાત?
મોગરાનાં પગલાંની તે દિ’
પડી’તી હવામાંયે ભાત
ચમેલી ચંપાના અમૃતમાં
જૂઈનો ઘૂંટાયો પમરાટ
મધમીઠી…

રાજકુમારીની તો મીઠી
એવી કાલીઘેલી બોલી
હ્રદયની સોનલ વાટકડીને
એણે કેસર રંગે ઘોળી!
કસુંબલ કેફી આંખો એની
મહેંદીના રંગે ઝબોળી!
મધમીઠી…

મંગળ આનંદનું જગ આખું
દીકરી તેં અમને છે આપ્યું
અનંત આભનો શક્તિપુંજ તું
સુખનું તું બ્રહ્માંડ આખું
દીકરી મારી, કહું જ એટલું,
શિવાસ્તે પન્થાનઃ સન્તુ!
મધમીઠી…

– જયશ્રી વિનુ મરચંટ

હાથોમાં હાથ લઈ લે – જયશ્રી વિનુ મર્ચન્ટ | અચલ અંજારિયા ~ મ્યુઝિક આલ્બમ ‘મળીએ તો કેવું સારું’

આલબમ: “ મળીએ તો કેવું સારું”
કૃતિ-૪: ગઝલ
હાથોમાં હાથ લઈ લે
~ કવયિત્રી: જયશ્રી વિનુ મરચંટ
~ સ્વરકાર–સંકલનઃ અસીમ મહેતા
~ સ્વર: અચલ અંજારિયા
~ સંગીત નિયોજનઃ રાઘવ દવે

Lyrics:
હાથોમાં હાથ લઈ લે, રસ્તો કપાઈ જાશે
સાથે હશે જો તું તો, ગીતો ગવાઈ જાશે

છે આ હવાનાં પગલાં, જોઈ શકાય ક્યાંથી?
ખોલે તું દિલની આંખો, તો સંભળાઈ જાશે

પૂછે મને વસંત આ, “રાખીશ શું મને તું?
મારી સુગંધ તુજમાં, આવી સમાઈ જાશે”

કેવટ તું પાર કરજે, છે રામની આ નૈયા
રાજા ને રંકના ભેદો, સૌ ભૂલાઈ જાશે

ફૂલો બની ખીલું છું, પીંછું બની ખરું છું
કોમળ આ મન છે મારું પળમાં ઘવાઈ જાશે!

સંબંધો બધાયે ભલે કાચ જેવા – જયશ્રી મરચન્ટ | હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ ~ મ્યુઝિક આલ્બમ ‘મળીએ તો કેવું સારુ’

આલબમ: ‘મળીએ તો કેવું સારું’
કૃતિ-૩: ગઝલ
સંબંધો બધાયે ભલે કાચ જેવા

~ કવયિત્રી: જયશ્રી વિનુ મરચંટ
~ સ્વરકાર-સંકલનઃ અસીમ મહેતા
~ સ્વર: હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ
~ સંગીત નિયોજનઃ રાઘવ દવે

Lyrics:

સંબંધો બધાયે ભલે કાચ જેવા
અમેયે સતીના છીએ શ્વાસ જેવા

વસંતો વિચારો બનીને છો આવે
અમે બારમાસી સુક્કા વાંસ જેવા

મથ્યાં ખૂબ તોયે જુએ ના એ સામે
અમે અંધ સામે થતા નાચ જેવા

છે “ભગ્ન” છતાંયે શું રૂઆબ એનો
હો રાજાના તૂટ્યા કોઈ તાજ જેવા

એવું પણ એક ઘર હો – જયશ્રી વિનુ મરચંટ | માધ્વી મહેતા | આલ્બમ – મળીએ તો કેવું સારું

આલ્બમ : મળીએ તો કેવું સારું
Produced in USA by www.aapnuaangnu.com
ગીત-૨: એવું પણ એક ઘર હો
~ સંગીત નિયોજનઃ આલાપ દેસાઈ
~ કવયિત્રી: જયશ્રી વિનુ મરચંટ
~ સ્વરકાર-સ્વર: માધ્વી મહેતા
~ સંગીત સંકલનઃ અસીમ મહેતા

Lyrics:

એવું પણ એક ઘર હો,
જેની ફૂલો મઢેલી છત હો
સેજ સજાવી તારાની હું,
વાંચતી તારો જ ખત હો
… એવું પણ એક ઘર હો….!

આભ ઝળુંબે શમણાંનું
ને માથે સૂરજનું સત હો
પણ રહે અમાસી રાત સદા
બસ, એ જ એક શરત હો
… એવું પણ એક ઘર હો..!

સમયના પરપોટામાં ડૂબી
આપણ એવા તે મસ્ત હો
સંગે જીવવું ને સંગે મરવું,
આખો ભવ એક રમત હો
… એવું પણ એક ઘર હો..