Category Archives: કાવ્યાસ્વાદ

ગ્લૉબલ કવિતા: ૨૧૨ : વાખ્યાની – લલ્લા

वाक्यानी

नाथा पाना ना पर्जाना
साधित् बाधिम् एह् कुदेह ॥
चि भु चू मि मिलो ना जाना
चू कु भु कु क्यों सन्देह् ॥

देव् वट्टा देवरो वट्टा
पिट्ठ बुन् छोय् एक वाट् ॥
पूज् कस् करिक् होट्टा बट्टा
कर् मनस् त पवनस् संगाट् ॥

भान गलो सुप्रकाशा जोनि
चन्द्र् गलो ता मुतो चित्त् ॥
चित्त् गलो ता किंह् ना कोनि
गय् भवा विसर्जन कित् ॥

यो यो कम्म् करि सो पानस् ॥
मि जानो जि बियीस् कीवूस्॥
अन्ते अन्त हारीयि प्राणस्
यौळी गच्छ् ता तौळी छ्योस्॥

– लाल दीद

વાખ્યાની

નાથ ! હું કોણ છું? હું ના જાણું,
ચાહ્યો સદા મેં આ જ કુદેહ,
તું જ હું, હું જ તું, મેળ ન પ્રમાણું,
તું કોણ? હું કોણ? શો સંદેહ?

દેવ છે પથ્થર,મંદિર પથ્થર,
શિરથી પગ લગ એક જ વસ્તુ,
એક પવન મન બંનેને કર,
પૂજ્યા કરે છે, પંડિત! શું તું?

સૂર્ય ગયો, પથરાઈ જ્યોત્સ્ના,
ચંદ્ર ગયો, બસ, ચિત્ત બચ્યું ત્યાં;
ચિત્ત ગયું તો ક્યાંય કશું ના,
આભ, ધરા, અવકાશ ગયાં ક્યાં?

મારાં કર્મો મારા જ માથે,
પણ ફળ એનાં બીજાં જ ખાશે;
શ્રેષ્ઠ હશે, જ્યાં જઉં, સંગાથે,
દઉં સઘળું એને જો વિણ આશે.

– લલ્લા
(અનુ. વિવેક મનહર ટેલર)


ઉપર અલ્લા, નીચે લલ્લા !

કહે છે સમયથી મોટો બીજો કોઈ વિવેચક નથી થયો, નહીં થશે. સમય કોઈની શેહશરમ રાખતો નથી. એની ચાળણી ભલભલાંને ચાળી નાંખે છે. ઇતિહાસ સાક્ષી છે કે ભલભલા સર્જકો અને એમના બહુખ્યાત સર્જનોને પણ જો ગુણવત્તા ન હોય તો, સમય નામનો અજગર બેરહમીથી ગળી ગયો છે. અને પોતાના સમયમાં જરાપણ જાણીતા ન હોય એવા સર્જકોને સમયે ગુમનામીની ગર્તામાંથી પણ બહાર ખેંચી આણ્યા છે. જીવતી હતી ત્યારે એમિલી ડિકિન્સનને કોણ જાણતું હતું? એની કવિતાઓ ક્યાં તો સાભાર પરત કરાતી અથવા પુષ્કળ કાંટછાંટ પછી પ્રગટ કરાતી. એના નિધન બાદ એની બહેને એની કવિતાઓ પ્રગટ કરી અને આજે એનું નામ શ્રેષ્ઠતમ અંગ્રેજી કવિઓમાં માનપૂર્વક અગ્રસ્થાને શોભે છે. વિલિયમ બ્લેક,થરો, કિટ્સ, કાફ્કા જેવા સર્જકો મૃત્યુ પછી જ દુનિયાની સામે પ્રગટ થયા અને અમર થઈ ગયા. જે મરીઝને મુશાયરામાં હુરિયો બોલાવીને બેસાડી દેવાતા, એ જ પછી ગુજરાતના ગાલિબ તરીકે પોંખાયા. સૉશ્યલ મિડીયાના અતિક્રમણના કારણે આજે મણમણના ભાવે સર્જકો આપણા માથે થોપાઈ રહ્યા છે અને ઇયત્તા ગુણવત્તાનો ભોગ લેશે એવો ડર સર્વત્ર પ્રવર્તી રહ્યો છે, પણ સમયના માથે છોડી દો બધું. જે ખરું સોનુ હશે એને જ સમય સાચવનાર છે. બાકીનું આપોઆપ ભૂંસાઈ જશે. નરસિંહ કે મીરાંને ટકી રહેવા માટે કોઈ સૉશ્યલ મિડીયાની જરૂર પડતી નથી. સમય જેને ભૂંસી-ભૂલાવી શક્યો નથી એવું જ એક નામ છે કાશ્મીરની લલ્લા.

લલ્લા કહો, લલ્લેશ્વરી કહો કે લાલ દીદ… એ ચૌદમી સદીની શરૂઆતમાં (જન્મ આશરે ૧૩૦૧ અથવા ૧૩૧૭-૨૦?; મૃત્યુ: ૧૩૭૩?) પ્રાચીન કાશ્મીરના જંગલ અને ગામોમાં ફરતી શૈવ પંથની પ્રચારક, અર્ધનગ્ન વણજારણ, સૂફી સાધ્વી અને કવયિત્રી યોગિની હતી. એ એટલી આત્મીય લાગે છે કે એને વહાલથી તુંકારે જ બોલાવવી પડે. જન્મ બ્રાહ્મણ પરિવારમાં. ૧૨ વર્ષની વયે લગ્ન. લગ્ન પછીનું નામ પદ્માવતી. કહેવાય છે કે સાસુએ ત્રાસ આપી આપીને એને ઘર ત્યાગવા મજબૂર કરી હતી. કાશ્મીરીઓ કહે છે, ‘होन्ड मारान किना काथ, लाली नलवुच बालि न झाह’ (મેંઢ માર્યો હોય કે ઘેટું, બધું સરખું જ; લલ્લાના ભાણામાં હંમેશા પથરો જ આવતો.) પથરા પર ભાત પાથરી દેવાતો જેથી વધુ માત્રામાં ભાત આપેલો દેખાય. લલ્લા કહેતી, ‘એ લોકોએ મને અપમાનોના કોરડા માર્યા, ગાળોથી વધાવી, એમનું ભસવું મારે મન કંઈ નથી. એ લોકો આતમફૂલ અર્પવા પણ આવે તો મને પરવા નથી. નિઃસ્પૃહ, હું આગળ વધું છું.’ લલ્લા બેવફા છે એની સાબિતી મેળવવા એની પાછળ ગયેલા પતિને લલ્લા જંગલના એકાંતમાં ભક્તિમાં લીન નજરે ચડી. ૨૬ની વયે ગૃહત્યાગ કરીને એણે પરિવ્રાજિકા-વણજારણની જિંદગી અપનાવી. કહે છે, એ અર્ધનગ્ન કે સંપૂર્ણ નગ્નાવસ્થામાં રઝળપાટ કરતી, નૃત્ય કરતી અને ગીતો રચતી-ગાતી. લલ્લા કહે છે, ‘મારા સ્વામીએ મને એક જ નિયમ આપ્યો છે, બાહ્ય ભૂલી જા, ભીતર જા. મેં, લલ્લાએ, આ શિક્ષણ દિલમાં ઉતારી દીધું, એ દિવસથી હું નગ્ન નાચતી ફરું છું.’ રખડપટ્ટી દરમિયાન મળેલ ગુરુઓની મદદથી લલ્લાને જીવનપંથ જડ્યો. લલ્લાની આસપાસ સેંકડો કથાઓ વણાયેલી છે પણ એમાંની ભાગ્યે કોઈ સાચી લાગે છે.

કશ્મીરની વાદીઓમાં ગવાતી આપણા મુક્તક જેવી ચાર લીટીની રચનાઓને વાખ તરીકે ઓળખવામાં આવે છે. वाख़ (ઉચ્ચારણ) શબ્દમાં સંસ્કૃત वाक् (વાણી) અને वाक्य (વાક્ય) –બંનેના અર્થ સંમિલિત છે. ૨૫૦થી વધુ વાખ લલ્લાના નામે બોલાય છે. તમામનું કર્તૃત્વ નક્કી કરી શકાયું નથી. પણ જે છે એ સર્વોત્તમ છે. લલ્લાની વાખ્યાનીનું મહત્ત્વ એ રીતે પણ ખૂબ છે કે એ કાશ્મીરી ભાષામાં ઉપલબ્ધ સૌથી પ્રાચીન નમૂનો છે. લલ્લાની રચનાઓ પેઢી દર પેઢી કંઠોપકંઠ વહી આવી હોવાથી, અને કાળક્રમે કાશ્મીરી ભાષામાં પણ ઘણો બદલાવ આવ્યો હોવાથી વર્તમાન વાખ એના મૂળ વાખ કરતાં અલગ જ હશે એમાં શંકા નથી, પણ એ વાખોનો છંદોલય, એમાં રસીબસી અનનુભૂત કવિતા અને લલ્લા માટેનો લોકાદર લેશમાત્ર બદલાયા નથી. લલ્લાની વાખ નાના કદ-કાઠી, પ્રવાહી લય, ચુસ્ત પ્રાસનિયોજન, સતત રણક્યે રાખતી વર્ણસગાઈ અને આંતર્પ્રાસોના કારણે વાંચતાવેંત હૃદયમાં સ્થાન કરી લે છે. મૂળ કાશ્મીરીમાંથી ગુજરાતી તરજૂમો કરવા માટે George Grierson અને Lionel Barnettના ‘લલ્લા વાખ્યાની’ પુસ્તકમાં સમાવિષ્ટ અંગ્રેજી ભાષાંતર અને કાશ્મીરી-અંગ્રેજી શબ્દકોશ; રંજીત હોસકોટેના ‘આઇ, લલ્લા’પુસ્તકમાંના અંગ્રેજી અનુવાદ તથા મૂળ કાશ્મીરી રચનાના નાદ-વર્ણનો સહારો લીધો છે.

લલ્લાની કવિતાઓ એકતરફ સંશયપ્રચુર છે તો બીજી તરફ ખાતરીથી ભરપૂર છે. એકતરફ એ અસ્તિત્વ અને ઈશ્વર વિશે શંકા રજૂ કરે છે તો બીજી તરફ ઈશ્વરસાધના અને સુવાંગ સમર્પણ. સ્વ જ સર્વ છે -अहम ब्रह्मास्मि- ના અનાહત નાદમાં એને સંપૂર્ણ શ્રદ્ધા છે. ધ્યાનથી પરખીએ તો લલ્લાની કવિતાઓ સંશયથી શ્રદ્ધા તરફની અનવરત યાત્રા છે. મીરાંનું સમર્પણ, કબીરનું તત્ત્વચિંતન, અખાના ચાબખા અને ભર્તૃહરિનો શૃંગાર – આ બધું જ રસાઈને વાખની ટૂંકી બહેરની ચાર જ પંક્તિમાં એ રીતે સમાઈ જાય છે, જે રીતે ગંગાસતી વીજળીના ક્ષણાર્ધભરના ચમકારામાં મોતીડાં પરોવી લે છે. લલ્લાના વીજચમકારનો પ્રકાશ સનાતન છે, અચાનક અંધાર થાતો નથી. એમનેમ કંઈ ‘ઉપર અલ્લા, નીચે લલ્લા’ કહેવાયું નથી. જેમ આપણે ત્યાં કબીર એમ કાશ્મીરમાં લલ્લાનું સ્થાન છે. કાશ્મીરમાં એવા હિંદુ કે મુસલમાન જડવા મુશ્કેલ છે, જેમની જીભે લલ્લાની વાખ રમતી ન હોય.

થોડી વાખનો સ્વાદ ચાખીએ:

(૦૧)
યજુર્વેદમાં વ્યાસના આગ્રહથી શિવે શુકદેવને બ્રહ્મ રહસ્યના ચાર સૂત્ર આપ્યાં હતાં:

प्रज्ञानं ब्रह्म (પ્રકટ જ્ઞાન બ્રહ્મ છે)
अहम् ब्रह्माऽस्मि (હું જ બ્રહ્મ છું)
तत्त्वमसि (એ તત્ત્વ તું જ છે)
अयमात्मा ब्रह्म (આ આત્મા બ્રહ્મ છે)

લલ્લાની પ્રથમ વાખનો પ્રધાન સૂર આ બ્રહ્મરહસ્યની ફરતે જ ગૂંથાયેલ છે. સ્વની શોધ સનાતન રહી છે. જન્મથી મૃત્યુપર્યંત જે મકાનમાં આપણે રહીએ છીએ એ મકાનની ખરી ઓળખ કેટલા કરી શકે છે? ब्रह्म सत्यं, जगत मिथ्या નો સ્વીકાર અસ્તિત્વના તળ તાગવા આપણને મજબૂર કરે છે. જો કે ઉપનિષદ એમ પણ કહે છે કે, जगदपि ब्रह्म सत्यं न मिथ्या॥ (જગત પણ બ્રહ્મ છે, આ સત્ય છે, મિથ્યા નહીં) લલ્લા પણ ‘હું કોણ છું’નો શાશ્વત પ્રશ્ન ઊઠાવતાં કહે છે કે આખી જિંદગી હું આ જાતને જ ઓળખી ન શકી. દેહની આસક્તિ પાછળ જ જીવન પૂરું થઈ ગયું. કાયા તો માત્ર પિંજરું છે, પંખી તો એમાં કેદ આત્મા છે. ઓળખ આત્માની કરવાની હોય. પણ આપણી આખી જિંદગી હું કોણ, તું કોણ કરવામાં વ્યતીત થઈ જાય છે. આપણો ‘હું’ અને બ્રહ્મનો ‘તું’ – બંને અભિન્ન છે; દ્વૈત નહીં, અદ્વૈત છે (जीवब्रह्मैक्य) એ તથ્ય જ વિસરાઈ જાય છે. શ્રીકૃષ્ણ કહે છે, ‘सर्वस्य चाहं हृदि सन्निविष्टो’ (હું બધા પ્રાણીઓના દિલમાં વસું છું.) મનુષ્ય, પ્રકૃતિ અને પરમેશ્વર-બધા એક જ છે. પરમબ્રહ્મની સાથેનું આપણું સાયુજ્ય જાણી ન શકવું, શંકા સેવવી એ જ સૌથી મોટી ભૂલ છે. જીવમાત્ર શિવનો જ અંશ છે એ સત્ય ભીતર ઝળહળે નહીં ત્યાં લગી આપણે મોક્ષ માટે લાખ-હજાર વાનાં કેમ ન કરીએ, વ્યર્થ છે. લલ્લા કહે છે, ‘પ્રેમઘેલી હું ફરીફરીને પાછી આવું છું તો ગુરુજી મારા ઘર(શરીર)માં જ જડે છે.’ सर्वँ खल्विदं ब्रह्म| (આ બધું બ્રહ્મ જ છે.) (છાન્દોગ્ય ઉપનિષદ)

(૦૨)
બીજા વાખમાં લલ્લા આજ વાત અલગ રીતે કરે છે. એ કહે છે, મંદિરમાં પ્રસ્થાપિત દેવની મૂર્તિ પથ્થર છે, સ્વયં મંદિર પણ પથ્થર છે. આટલું જ નહીં, માથાથી પગ સુધી બધા માત્ર પથ્થર જ છે. એક જ પદાર્થ છે. આપણે શેની પૂજા કરીએ છીએ? શું પૂજીએ છીએ? પથ્થર? આપણે શેની પૂજા કરવાની છે? પથ્થરની કે ઈશ્વરની? ખરો ઈશ્વર તો આપણી અંદર જ છે કેમકે આપણે ઈશ્વરના જ અંશ છીએ. નવાઈ લાગે પણ કાશ્મીરના જંગલોમાં સાતસો વર્ષ પહેલાં નગ્ન રખડતી એક યોગિની અને ચારસો વર્ષ પહેલાં ‘પથ્થર એટલા પૂજે દેવ’ કહેનાર ગુજરાતના એક સોની અખા વચ્ચે કેટલી હદે વિચારસામ્ય જોવા મળે છે:

તિલક કરતાં ત્રેપન વહ્યાં, ને જપમાળાનાં નાકાં ગયાં;
તીરથ ફરી ફરી થાકયાં ચરણ, તોય ન પહોંચ્યો હરિને શરણ;
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

લલ્લા પણ આ જ કહે છે. બ્રહ્મજ્ઞાન બહારથી નથી આવવાનું. આપણું મન અને આપણા શ્વાસ – ચિત્ત અને પ્રાણ –એકાકાર ન થાય તો ઈશ્વર ક્યાંથી મળવાનો? યોગિની લલ્લાનો સાફ ઈશારો યોગિક પ્રાણાગ્નિહોત્ર, પવિત્ર શ્વાસોની આહૂતિ –પ્રાણાયમ તરફ છે. એ કહે છે, ‘પલાંઠી વાળીને શ્વાસ રોકવાથી સત્ય નહીં મળે. દીવાસ્વપ્ન મોક્ષના દરવાજા સુધી નહીં લઈ જાય. પાણીમાં ગમે એટલું મીઠું નાખો, એ સમુદ્ર નહીં બને.’ એ કહે છે, ‘એ જાણે છે કે એ જ ઈશ્વર છે, એ કોની પૂજા કરે?’ લલ્લા ભૂખ-તરસથી શરીરનું દમન કરવાની ના કહે છે. કહે છે, ‘એના બદલે શરીર ગબડે ત્યારે એને હાથ આપો. સોગંદો અને પ્રાર્થનાઓ જાય ભાડમાં, બસ, અન્યોને મદદ કરો. આથી વધુ સાચી કોઈ ભક્તિ જ નથી.’ આમ, લલ્લા સર્વેશ્વરને સ્વમાં અને સર્વમાં શોધવા કહે છે.

(૦૩)
સૂર્ય અદૃશ્ય થાય ત્યારે ચાંદો પ્રકાશે છે અને ચંદ્ર અસ્ત થાય ત્યારે સૂર્યનો ઉદય થાય છે. પણ આ તો સમયચક્ર થયું. લલ્લા એની વાત નથી કરતી. લલ્લા void in to voidની વાત કરે છે. ચાંદ-સૂરજનો યૌગિક સંદર્ભ એને અભિપ્રેત છે. આપણા શરીરમાં સાત મૂળ ચક્રો છે, જે ઊર્જાપ્રક્રિયા માટેના મૂળભૂત સ્રોત છે. આ સિવાય યોગમાં ચંદ્ર અને સૂર્ય ક્રમાનુસાર સૌથી ઉપરના અને નીચેના ચક્રો ગણાય છે. ધ્યાનની ચરમસીમાએ સૂર્ય-ચંદ્ર, અર્થાત્ સૃષ્ટિ એના સંદર્ભો ગુમાવી અદૃશ્ય થાય છે. ચિત્ત જ રહી જાય છે. અને ચિત્ત પણ ઓગળી જાય ત્યારે ચૈતન્યત્વ પ્રાપ્ત થાય છે. મનુષ્ય ચિત્ત યાને consciousness ને અતિક્રમી જાય છે, ત્યારે ક્યાંય કશું બચતું નથી. આભ, ધરા, અવકાશ બધું જ અદૃશ્ય થઈ જાય છે. ‘અદૃશ્ય થવા’નો ખરો અર્થ અહીં ‘ચેતનામાં ઉપસ્થિતિ ઓગળી જવી’ થાય છે. મતલબ યોગી એની ચેતનાને મર્ત્યલોકમાંથી ઊંચે લઈ જઈ અમર્ત્યલોક-બ્રહ્મલોક સુધી વિસ્તારે છે. વયષ્ટિ અને સમષ્ટિ વચ્ચેનો તફાવત સર્વસમાવિષ્ટ ચેતનામાં ડૂબીને સમરસ થઈ જાય છે. લલ્લા ઘણીવાર અવકાશ અવકાશમાં ભળી જવાની વાત કરે છે. એક વાખમાં એ કહે છે, જ્યારે શાસ્ત્રો ઓગળી જાય છે, ત્યારે જપ રહે છે, જ્યારે જપ ઓગળી જાય છે ત્યારે ચિત્ત રહે છે, જ્યારે ચિત્ત ઓગળી જાય છે ત્યારે શું બચે છે?

(૦૪)

ચોથા વાખમાં ભગવદગીતાનો कर्मण्येवाधिकारस्ते, मा फ़लेषु कदाचन्નો શંખધ્વનિ સંભળાય છે. કહે છે, જે હું કરું છું એની જવાબદારી મારા માથે છે. મારાં કર્મનો મારે જ અંજામ આપવાનો છે. એનાં ફળ બીજાને મળે એનો સંતાપ કેમ કરવો? ખૂન-લૂંટ-ચોરી વાલિયો લૂંટારો કરે પણ પેટ પરિવારનું જ ભરાય ને! આંબો રોપે એક પેઢી અને ફળ ખાય આવનારી પેઢીઓ. આપણાં કર્મ બીજી દુનિયામાં કે બીજા જન્મમાં આપણી સાથે આવતાં નથી, એ અહીં જ વારસદારોના હાથમાં મજાક બનીને રહી જાય છે. સાચો ધ્યાની અને જ્ઞાની તો માત્ર કર્મ જ કરે છે અને ફળની આશા ન રાખી, બધાં જ ફળ ‘એ’ને સુપ્રત કરી દે છે. આમ કરીએ તો દુનિયામાં જ્યાં જઈએ, બધે અછોવાનાં જ છે. ફળની આશા વિનાના કર્મમાં अखिलम् मधुरम् જ હોવાનું. ભક્તિયોગ તરફ ધ્યાન આપીને મનુષ્ય ફળની આશા વિના કર્મયોગમાં પ્રવૃત્ત થાય તો એના કર્મના તમામ ફળ મોક્ષસ્વરૂપે એ પોતે જ પામનાર છે. પણ છોડવું એ મેળવવાની એકમાત્ર પૂર્વશરત છે.

લલ્લા કહે છે, ‘મૂર્ખ, પુસ્તકમાંથી પ્રાર્થના કરીને રસ્તો નહીં જડે, તમારા હાડપિંજર પરની સુગંધ કોઈ ઈશારો નહીં આપે. સ્વ પર ધ્યાન આપો. આજ ઉત્તમ સલાહ છે.’ એ કહે છે કે, ‘શિવ હિંદુ કે મુસલમાનમાં ફરક કરતો નથી. સૂર્ય બધા પર સમાન રીતે જ પ્રકાશે છે. સાધુ હો કે ગૃહસ્થ, લલ્લા ફરક જોતી નથી.’ આ જ વાત એ આરીતે પણ કહે છે: ‘સૂર્ય શું બધા સ્થળને પ્રકાશિત નથી કરતો? શું એ માત્ર સારી ભૂમિને જ રોશન કરે છે? વરુણ શું દરેક ઘરમાં નથી પ્રવેશતો?’ અન્યત્ર એ કહે છે, ‘જો તમે તમારી ઇચ્છાઓને સમયની નદીમાં ઓગાળી દીધી હોય તો તમે જોઈ શકશો કે ઈશ્વર સર્વત્ર છે અને સંપૂર્ણ છે. જે તમે જાણો છો, એ જ તમે થશો.’

ટૂંકમાં, સાતસો વર્ષ પહેલાં કાશ્મીરના હિંદુ-મુસ્લિમ મિશ્ર સમાજ વચ્ચે કપડાં વગર નાચતી-ફરતી લલ્લા નામની સ્ત્રી એ વાતની પ્રતીતિ છે કે આત્મા પરથી આડંબરના વસ્ત્રો ફગાવી દઈ સાચા અર્થમાં જ્ઞાનપ્રાપ્તિ, પ્રકાશપ્રાપ્તિ તરફ પ્રયાણ કર્યું હોય તો પુરુષ જેવો પુરુષ પણ જન્મજાત મેલી મથરાવટી ફગાવીને ચામડીના નિર્વસ્ત્ર દેહને વાસનાસિક્ત નજરોથી જોવાના બદલે મંદિરસ્વરૂપે જોઈ ભીતરના ઈશ્વરને વંદન કરશે.

ગ્લૉબલ કવિતા: ૨૧૧ : ગીત – ટી. એસ. એલિયટ

Song

(01 A)
If Time and Space, as sages say,
Are things which cannot be,
The sun which does not feel decay
No greater is then we.
So why, Love, should we ever pray
to live a century?
The butterfly that lives a day
Has lived eternity.

(01 B)
If Space and Time, as sages say,
Are things which cannot be,
The fly that lives a single day
Has lived as long as we.
But let us live while yet we may,
While love and life are free,
For time is time, and runs away,
Though sages disagree.

(02)
The flowers I gave thee when the dew
Was trembling on the vine,
Were withered ere the wild bee flew
To suck the eglentine.
So let us haste to pluck anew
Nor mourn to see them pine,
And though our days of love be few
Yet let them be divine.

– T. S. Eliot

ગીત

(૦૧ અ)
સમય અને અવકાશ, ગયા જેમ સંત સૌ વદી,
એ જ અગર જો હોય, જે ક્યારેય હોઈ શકે ના,
તો આ સૂરજ કે જેનો ક્ષય થાય ના કદી
એને આપણાથી ચડિયાતો સહેજ ના ગણતા.
તો શા માટે, પ્રેમ આપણો એક-બે સદી
રહે જીવંત એ માટે આપણે કરવી પ્રાર્થના?
પતંગિયું જે આમ જીવે છે માત્ર એક દિ’
આમ જુઓ તો જીવી ગયું છે એ શાશ્વતતા.

(૦૧ બ)
સમય અને અવકાશ, ગયા જેમ સંત સૌ વદી,
એ જ અગર જો હોય, જે ક્યારેય હોઈ શકે ના,
માખી જેનું જીવન તો છે માત્ર એક દિ’
આપણા જેટલું જીવી લે છે કરો જો ગણના.
ત્યાં સુધી તો જીવી લઈએને સો ફીસદી
પ્રેમ ને જીવન જ્યાં સુધી છે પ્રાપ્ત મફતમાં,
સમય સમય છે, વહેતો રહેશે જેમ કો’ નદી
સંત ભલે ને નોંધાવે ના સંમતિ એમાં.

(૦૨)
આપ્યાં’તાં મેં ફૂલો તુજને જ્યારે ઝાકળ
હળવે હળવે કાંપી રહ્યું’તું વેલી પર,
એ પહેલાં તો ગયાં વિલાઈ, આવે આગળ
કરવાને એ ફૂલોનું રસપાન મધુકર.
નિતનવાં ફૂલ ચૂંટવાને ના કરો ઉતાવળ,
અને સૂકાતાં જોઈ શીદ થાવું શોકાતુર?
ભલે અપૂરતાં હોય આપણી પ્રીતનાં અંજળ,
બનાવી દઈએ જે છે એને જ દિવ્ય-સુંદર.

– ટી. એસ. એલિયટ
(અનુવાદ: વિવેક મનહર ટેલર)

એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે…

‘સમય જ નથી મળતો, યાર!’ અને ‘તમને આવું બધું કરવા માટેનો સમય ક્યાંથી મળી રહે છે?’ – આ બે બિંદુઓની વચ્ચે આપણામાંથી મોટાભાગનાની જિંદગી વીતી જાય છે, પણ સમય નામનો કોયડો કોઈને સમજાતો નથી. અસ્તિત્વના આરંભબિંદુથી એને ઉકેલવાની મથામણ ચાલી આવી છે. પ્રાગૈતિહાસિક કાળની ગુફાઓમાંના લીટા હોય કે આઇન્સ્ટાઇનનો સાપેક્ષવાદ – સમયના પગલાં ક્યાં જોવા નથી મળતાં! સમયથી પર અને પાર જવાની ભાંજગડ યોગીઓ-વૈજ્ઞાનિકો સદૈવ કરતા આવ્યા છે. એલિયટની પ્રસ્તુત રચના સમયના તકલાદીપણાને નજર સામે રાખી ‘જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’, એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે’નો ગુરુમંત્ર શીખવાડે છે.

થોમસ સ્ટર્ન્સ એલિયટ. વીસમી સદીના દિગ્ગજ કવિઓમાં મોખરાનું નામ. ૨૬-૦૯-૧૮૮૮ના રોજ મિસોરી, અમેરિકા ખાતે જન્મ. પચ્ચીસ વર્ષની વયથી ઇંગ્લેન્ડનિવાસ. ૩૯ની ઉંમરે અમેરિકન નાગરિકત્વ ફગાવીને બ્રિટિશ નાગરિકત્વનો સ્વીકાર. એ જ અરસામાં એકત્વવાદ ત્યજીને એન્ગ્લો-કેથલિક સંપ્રદાયનો અંગીકાર. જન્મજાત (બંને બાજુના) હર્નિયાના કારણે બાળપણથી શારીરિક રમતોથી દૂર રહેવાની આડઅસરરૂપે સાહિત્ય સાથે સ્નેહસૂત્રે જોડાયા. ઉમર ખૈયામની રૂબાઈઓની અસર નીચે આઠ-દસ વર્ષની વયે કવિતા લખવી શરૂ કરી. સાહિત્યમાં માસ્ટર્સ. ફિલસૂફીમાં પી.એચ.ડી. ૧૯૪૮માં સાહિત્ય માટેનું નોબલ પારિતોષિક. એ જ વર્ષે ઑર્ડર ઑફ મેરિટ. વિવિયન હેય-વુડ સાથે દુઃસ્વપ્ન સમા પ્રથમ લગ્ન (૧૯૧૫-૩૩). વેલેરી ફ્લેચર સાથે બીજા (૧૯૫૭-૬૫). ૦૪-૦૧-૧૯૬૫ના રોજ લંડન ખાતે એમ્ફિસિમાના કારણે મૃત્યુ. કબર પરની મૃત્યુનોંધ: ‘મારા આરંભમાં મારો અંત છે, અંતમાં આરંભ.’

બહુઆયામી વ્યક્તિત્વ- કવિ, નાટ્યકાર, વિવેચક, નિબંધકાર, સંપાદક. ઉત્તમ પદ્યનાટ્યકાર. કવિતા આધુનિક સભ્યતાની સંકુલતાનો અરીસો હોવો જોઈએ એમ એ દૃઢપણે માનતા અને એ જ રીતે કવિતા લખતા. એમના મતે કવિની લોકો તરફની ફરજ માત્ર આડકતરી છે; સીધી ફરજ ભાષા પરત્વે- પહેલી એની જાળવણીની અને બીજી એના પ્રસાર-સુધારની. બોલાતી ભાષાને કાવ્યસામગ્રી તરીકે વાપરવાના હિમાયતી. પણ એમની કવિતાનું ઊડીને આંખે વળગે એવું પાસું છે કઠિનતા. સુઘડ પ્રાસનિયોજન, વિરોધાભાસી કલ્પનોની ઘટ્ટતા, છંદપલટાનું કૌશલ્ય, અને સંયમિત શૈલીને લઈને એ ગિફ્ટેડ અને ઓરિજનલ ગણાયા પણ અઘરાય એટલા જ બન્યા. એમની કથની, ‘અધિકૃત કવિતા સમજાય એ પહેલાં પ્રત્યાયન કરતી હોવી જોઈએ,’થી વિપરીત એમની કવિતા ભાવકના પક્ષે જબરદસ્ત સજ્જતા માંગે છે. એલિયટને હાથમાં લેતાં પહેલાં એની વિચારધારા, કલ્પનક્ષેત્ર, ભાષાકીય લાક્ષણિકતા અને કથનની વિચક્ષણતાનો પૂર્વાભ્યાસ જરૂરી છે. આધુનિકતાના આગ્રહી એલિયટે કવિતામાં ક્રાંતિ સર્જી હતી. વીસમી સદીના સીમાચિહ્ન ગણાતા ‘વેસ્ટ લેન્ડ’ કાવ્યના સર્જક. જીવતેજીવ એમની પ્રસિદ્ધિ દંતકથા સમાન બની અને ૧૯૩૦થી ત્રણ-ત્રણ દાયકા સુધી એમણે અંગ્રેજી કવિતા અને સાહિત્યિક વિવેચનના ક્ષેત્રો પર એકહથ્થુ શાસન કર્યું. જોકે એલિયટ તો કહેતા કે, ‘દાન્તે અને શેક્સપિઅરે દુનિયા એમની વચ્ચે વહેંચી લીધી છે. કોઈ ત્રીજું છે જ નહીં.’

પ્રસ્તુત રચનામાં પ્રથમ અંતરાના બે સંસ્કરણ છે: (૧) ‘અ લિરિક’ (ઊર્મિગીત): ૧૯૦૫માં કિંગ્સ કોલેજ, કેમ્બ્રિજ માટે. (૦૧-બ). (૨) ‘સૉન્ગ’ (ગીત): ૧૯૦૭માં કોલેજના સામયિક માટે (૦૧-અ). કવિએ બીજો બંધ યથાવત્ રાખ્યો હતો. સમજાય છે કે બે વર્ષમાં એલિયટનો કાન વધુ પુખ્ત બન્યો હતો અને લય વધુ સમૃદ્ધ. આઠ પંક્તિના બે અંતરા અને અ-બ-અ-બ પ્રકારની પ્રાસરચના અહીં છે. સોળ વર્ષની ઉંમરે શાળામાં કવિતા લખવાની કવાયત ખાતર લખાયેલી આ કવિતામાં શિક્ષકને કોઈ વડીલનો ‘હાથ’ દેખાયો હતો, પરંતુ એલિયટના માતા, જે ખુદ કવયિત્રી હતાં, એમના મતે એમના કોઈ પણ પદ્ય કરતાં આ રચના વધુ સારી હતી. શેક્સપિઅરના સમસામયિક બેન જોન્સનના ‘સોંગ ટુ સિલિયા’ (Drink to me only with thine eyes)નો પ્રભાવ આ કવિતા પર દેખાય છે. એલિયટે જ કહ્યું હતું, ‘અપરિપક્વ કવિઓ નકલ કરે છે, પરિપક્વ ઊઠાંતરી.’

કાવ્યપ્રકાર ‘ગીત’નો છે પણ વિષય પ્રેમ, સમય અને જીવનનો છે એટલે ‘ગીત’ શીર્ષક થોડું અજુગતું લાગે. પણ ગીત મનુષ્યના પ્રેમભાવનું વહન કરવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ હોવાથી કદાચ કવિએ એ પસંદ કર્યું હોઈ શકે. હશે. કવિતાની શરૂઆત સમય અને અવકાશથી થાય છે. એલિયટ ભારતીય ફિલસૂફી અને સંસ્કૃત સાહિત્યના ઊંડા અભ્યાસુ હતા. જુઓ:

श्लोकार्धेन प्रवक्ष्यामि यदुक्तं ग्रंथ कोटिभः
ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्मैव नापरः

શંકરાચાર્ય કરોડો ગ્રંથોનો સાર અડધા શ્લોકમાં કહે છે: બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા. જીવ બ્રહ્મ જ છે, બીજું કંઈ નહીં. એલિયટની કવિતામાં આ જ વાતનો સૂર પડઘાતો સંભળાય છે ને? સમય-અવકાશ વિશેના સાધુઓના મતથી કવિતા પ્રારંભાય છે. એલિયટની કવિતાઓમાં શરૂથી સમય અંગેની ફિલસૂફી જોવા મળે છે. લૌકિક સમય, સમયહીનતા અને શાશ્વતી– આ કાળબિંદુઓ સાથેની રતિ એ એલિયટની ગતિ છે. પ્રસ્તુત કવિતા પણ સમય અને શાશ્વતીના કોયડામાં કવિનો રસ છતો કરે છે. સમયમાંથી પસાર થઈને જ સમયને જીતી શકાય એમ એલિયટ માનતા. એ કહેતા કે, ગત સમય અને અનાગત સમય ચૈતન્યાવસ્થા માટે બહુ ઓછો અવકાશ રાખે છે. સભાન હોવું એટલે સમયમાં ન હોવું. ભગવદગીતામાં કહ્યું છે:

न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपा:।
न चैव न भविष्यामः सर्वे वयमतः परम्॥ (૦૨:૧૨)

(એવું ક્યારેય નહોતું જ્યારે હું કે તું અથવા આ બધા રાજાઓ ન રહ્યા હોય અને એવુંય નથી કે ભવિષ્યમાં આપણે બધા નહીં હોઈએ). આ જ રીતે આપણું અસ્તિત્વ પણ સમયની બંને તરફ વિસ્તરેલું છે, સમયાતીત છે, શાશ્વત છે. એલિયટ કહેતા, ‘વર્તમાન સમય અને ગયેલો સમય બંને કદાચ ભવિષ્યકાળમાં હાજર હોય.’ જો કે અહીં કવિ સાધુસંતોના પ્રવર્તમાન વિચારધારાથી ઉફરી ગતિ કરે છે અને ‘ઝાલો ત્યાં તો છટકે એવી નાજુક ને ચંચલ, સરકી જાયે પલ’ (મણિલાલ દેસાઈ)ની વાસ્તવિકતાનું યશોગાન કરે છે. ઘડિયાળના કાંટા અટકી-બટકી જાય તોય સમય અટકતો-બટકતો નથી કેમકે સમયનો સ્વ-ભાવ રહેવાનો નહીં, વહેવાનો છે. ઘડિયાળ કાંડે બાંધીને આપણે માનવા માંડીએ છીએ કે આપણે સમયને બાંધી લીધો છે. હકીકત એ છે કે સમયનું સોનું સમય પર ન વાપરીએ તો કથીર બની જાય છે.

મળ્યું સમયનું સોનું પરથમ વાવર્યું ફાવ્યું તેમ!
હવે આ હાથ રહે ના હેમ! (પ્રિયકાન્ત મણિયાર)

ઉમાશંકર પણ કહી ગયા,

ગયાં વર્ષો તે તો ખબર ન રહી કેમ જ ગયાં !
બધે જાણે નિદ્રા મહીં ડગ ભરું એમ જ સર્યો !

ઊંઘમાં જ ચાલીને આપણે જીવન વિતાવીએ છીએ. આપણો અડધો સમય જાતને ને અડધો સમય વાતને શણગારવામાં વહી જાય છે. શંકરાચાર્યે કહ્યું તેમ, कालः क्रीडति गच्छत्यायु| (કાળ ક્રીડા કરે છે, આયુષ્ય ઓછું થાય છે). એલિયટ આ સમજે છે એટલે કહે છે કે સમય અને અવકાશ કેવળ ભ્રમ હોવાની સંતોની વાત માની લઈએ તો માખી, અથવા પતંગિયું, જેનું આયુષ્ય એક જ દિવસનું છે એ અને આપણે, જે વરસોવરસ જીવીએ છીએ એ ઉભયનું આયુષ્ય એકસમાન જ કહેવાય. સમય નામનું પરિબળ કાઢી લેવાય તો જીવનના બંને અંતિમ એક ગણાય. એ જ રીતે, સૂર્ય જે કદી ક્ષય પામતો નથી એ પણ આપણા જેટલું જ જીવ્યો ગણાય, આપણાથી મહાન ન ગણાય. સમયનું અસ્તિત્વ જ ન હોય તો આપણો પ્રેમ સદીઓ સુધી જીવે એવી પ્રાર્થનાય શા માટે? ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ નથી. ત્યાં નાનું-મોટું, ભારે-હલકું બધું એકસમાન છે. ત્યાં પક્ષીના પીછાં અને અવકાશયાત્રી –બેઉનું વજન સરખું છે. એ જ રીતે અવકાશમાં પણ નાના-મોટા તમામ પદાર્થની ગતિ સમાન છે. સમય વિનાના સ્થળે ભૂત, વર્તમાન કે ભવિષ્યની તમામ ઘટનાઓ એક જ બિંદુ પર ઘટતી ગણાય. સમય જિંદગીને માપવા માટેની માપપટ્ટી છે. સમયનો એકડો કાઢી નાંખીએ તો પછી સરખાવવાનું શું બચે? સંતો ભલે સહમત નહીં થાય, પણ કાળ તો બંધેય બાંધી ના શકાય એવી સતત વહેતી નદી છે. ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે! કબીરે પણ કહ્યું છે, ‘काल करे सो आज कर, आज करे सो अब। पल में प्रलय होएगी, बहुरि करेगो कब।।’ ગંગાસતી કહી ગયાં: ‘વીજળીના ચમકારે મોતીડાં પરોવો, પાનબાઈ! નહિતર અચાનક અંધાર થાશે.’ એલિયટ પણ સમયની વીજળીના લિસોટાનો પ્રકાશ ટકે એટલીવારમાં જીવન જીવી લેવાનું ઇજન આપે છે. આપણને પ્રેમ અને જીવન કોઈ કિંમત ચૂકવ્યા વિના પ્રાપ્ત થયાં છે. તો શા માટે જીવન ભરપૂર જીવી ન લઈએ અને જીવીએ એટલો સમય પ્રેમ ન કરીએ!? ફરી ઉમાશંકર જોશી યાદ આવે: ‘રહ્યાં વર્ષો તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું ભલા પી લે.’

બીજા બંધમાં કવિ કહે છે કે, આપણને જિંદગી મળી ત્યારે એ ઝાકળબુંદથી સદ્યસ્નાત, નવપલ્લવિત ફૂલ સમી હતી. પણ જીવનનો સાચો રસ આપણે ચૂસી-માણી-પ્રમાણી શકીએ એ પહેલાં તો ફૂલ કરમાવાં માંડ્યાં. આ વાસ્તવિક્તા છે, અને સમયની હાજરીનું પ્રમાણ પણ. પરંતુ આ માથે હાથ દઈ બેસવાની-રડવાની ઘડી નથી. સમયની શીશીમાંથી જે રેતી સરકી ગઈ, એનો અફસોસ કરવાના બદલે ‘નવ કરશો કોઈ શોક, રસિકડાં!’ (નર્મદ) કહીને આવનારી ક્ષણોને ભરપૂર જીવી લેવાની કોશિશ કેમ ન કરીએ? શેક્સપિઅરે પણ કહ્યું હતું, ‘I wasted time and now doth time waste me.’ (મેં સમયને વેડફ્યો, હવે સમય મને વેડફી રહ્યો છે.)

અફસોસને આસન કદી જો આપશું, જે રહ્યું થોડુંય તે લૂંટી જાશે;
જો ગુમાવ્યાની ગણત્રીમાં પડયા, ફૂલ ઊઘડતું ય એ ચૂંટી જશે (મકરંદ દવે)

જીવન ટૂંકું છે તો પૂરેપૂરું જીવી કેમ ન લઈએ? ગયું એનો અફસોસ ન કરીએ અને આવ્યું નથી એની પાછળ હડી ન કાઢીએ. નિતનવાં ફૂલોને ચૂંટવા ઉતાવળા થવુંય ખોટું અને જે ફૂલો કરમાઈ ગયાં કે રહ્યાં છે એને જોઈને શોકાતુર થવું પણ અયોગ્ય. નિતનવી તકો પાછળ દોડવાની જરૂર શી? અને ન મળે તો મરવા પણ કેમ પડવાનું? જે હાજરમાં છે એને જ પૂરી કેમ ન ભોગવીએ? ભૂત અને ભવિષ્યના આટાપાટામાં અટવાયા વિના વર્તમાનને જ સાચું જીવન કેમ ન બનાવીએ? જે થઈ ગયું છે એને નથી થયું કરવાની દવા દુનિયાના કોઈ હાકેમ પાસે નથી. જે થયું નથી એને હાજર કરવાનો કીમિયો પણ કોઈ જાદુગરને હસ્તગત નથી. ઈસુથી થોડા દાયકા પૂર્વે જ કવિ હોરિસ (Horace)એ કહ્યું હતું: ‘dum loquimur, fugerit invida aetas: carpe diem, quam minimum credula postero’ (આપણે જ્યારે આ બોલી રહ્યાં છીએ, ઈર્ષ્યાળુ સમય નાસી છૂટ્યો હશે. આજને જીવી લો, આવતીકાલ પર બને એટલો ઓછો ભરોસો કરો.) એલિયટનું આ ગીત Carpe Diem ના સંદેશનું જ બૃહદ્ગાન છે. એ કહે છે કે પૃથ્વી પરનાં આપણાં અંજળ ભલે અપૂરતાં કેમ ન હોય, જે છે એને જ ચાહી-ચાહીને દિવ્ય અને સુંદર કેમ ન બનાવીએ?

આપણામાંથી મોટાભાગનાનું મોટાભાગનું જીવન ગઈકાલના કમરામાં વીતી જાય છે અને બાકીનાઓનું આવતીકાલના હવામહેલમાં. આજની જમીન પર તો આપણો પગ જ નથી પડતો. કેટલાક લોકો ‘અમારા જમાનામાં તો આમ હતું’ના સાત બાય પાંચ ઈંચના ઓરડા(મગજ)માં જ આજીવન કેદ રહે છે. ભૂતકાળમાં થઈ ગયેલી ભૂલો કે નાદાનીઓને બહુમતી લોકો વિસારે પાડી શકતા નથી. ભૂતકાળની ભૂલ ગમે એવી હોય, એ વીતી ચૂકી છે. એના પડછાયા આજ પર પડતાં નહીં રોકાય તો અજવાળું ઓછું જ મળશે. ખરું ડહાપણ ગઈકાલની સમસ્યાઓને નજરઅંદાજ કરીને આજને ઉજવવામાં છે.

પ્રેમ જીવનનો ખરો અર્ક છે. પ્રેમનો મલમ જ ગઈકાલના જખ્મોને રૂઝવી શકે છે. ગઈગુજરી ભૂલીને જે ક્ષણો હાથમાં છે એને પ્રેમપૂર્વક પૂરેપૂરી જીવી લેવાય એ ખરી જિંદગી. આનો અમલ કરવાનું ચૂકી જાય છે, એ લોકો જીવવાનું જ ચૂકી જાય છે. પ્રેમને વ્યક્ત કરતાં શીખવાનું છે. પ્રેમ છે? તો કહી દો. પ્રેમ છે? તો કરી લો. અભિવ્યક્તિમાં જેમ મોડું કરીશું, તેમ પ્રેમ કરમાતો અને કાળ સાથે ઝંખવાતો-નંદવાતો જશે. પ્રેમને સદીઓ ટકાવવાની ફિકર કરવાના બદલે પ્રેમની પળોને સો ફીસદી જીવવામાં રત રહીશું તો દરેક ક્ષણ શાશ્વતીની ક્ષણ બની જશે. કવિ આપણને જિંદગીને મુક્તમને જીવવા અને ‘દિવ્ય’ પ્રેમના ચંદ દિવસોને સનાતનમાં પરિવર્તિત કરવા આમંત્રે છે. ‘ચાલ્યું ગયું એ પાછું ટીપુંય આપો તો બદલામાં ચાહે રગ-રગ લો’નો નોસ્ટાલ્જિક મોહ ત્યજીને આજમાં જીવતાં શીખી શકાય તો જીવનનું વન સાચે જ નંદનવન છે.

ગ્લૉબલ કવિતા: ૨૧૦ : હું – ચૈરિલ અનવર (ઇન્ડોનેશિયા)

I – Chairil Anwar

When my time comes
I want to hear no one’s cries
Nor yours either

Away with all who cry!

Here I am, a wild beast
Driven out of the herd

Bullets may pierce my skin
But I’ll keep on

Carrying forward my wounds and my pain attacking,
Attacking,
Until suffering disappears

And I won’t care any more

I wish to live another thousand years.

– Chairil Anwar
(Translation: Burton Raffel)

હું

જ્યારે મારો સમય આવશે
હું કોઈનું રુદન સાંભળવા માંગતો નથી
તમારું પણ નહીં

દૂર બધા રડમસોથી !

હું આ જ છું, એક જંગલી જાનવર
પોતાના ઝુંડમાંથી હાંકી કઢાયેલો

ગોળીઓ ભલે મારી ત્વચાને છેદી નાંખે
પણ હું આગળ વધતો જ રહીશ

મારા જખ્મોને લઈને હું ધસતો રહીશ અને મારાં દર્દ હુમલા કરતાં રહેશે,
કરતાં રહેશે,
જ્યાં સુધી યાતના ગાયબ ન થઈ જાય

અને હું તસુભાર પણ પરવા કરનાર નથી

હું બીજા હજાર વર્ષ જીવવા માંગું છું.

– ચૈરિલ અનવર
(અનુ. વિવેક મનહર ટેલર)


હું બીજા હજાર વર્ષ જીવવા માંગું છું….

અસ્તિત્વ માટેનો સંઘર્ષ અને આત્મબળ રેલ્વેના પાટાની જેમ સદૈવ અડખેપડખે ચાલતાં હોવા છતાં ભિન્ન છે. વળી જિંદગીની ટ્રેનને સારી રીતે પસાર થવા માટે બંને અનિવાર્ય પણ છે. ડાર્વિનના વિખ્યાત સિદ્ધાંતોમાંનો એક, અસ્તિત્વ માટેનો સંઘર્ષ તો પ્રાણીમાત્રને હાંસિલ છે, અને દરેક જણ વધતા-ઓછા અંશે એ કરે જ છે. પણ આ સંઘર્ષમાં જો આત્મબળ ઉમેરાય તો નવીન બુલંદીઓ હાથવગી થઈ શકે. અસ્તિત્વ માટેનો સંઘર્ષ અને આત્મબળના પાટા પર દોડતી જિંદગીની ટ્રેન જ કદાચ અમરત્વના સ્ટેશન સુધી લઈ જઈ શકે. પ્રસ્તુત રચનામાં ઇન્ડોનેશિયન કવિ ચૈરિલની સાથે ચાલો, આ મુસાફરી ખેડીએ.

ચૈરિલ અનવર. ભરવસંતે ખરી ગયેલું ફૂલ. (જ.: ૨૬-૦૭-૧૯૨૨, ઉત્તર સુમાત્રા, મૃ: ૨૮-૦૪-૧૯૪૯, જકાર્તા) હોઠ વચ્ચેની સિગારેટ ખાખ થાય એથીય વહેલું, છવ્વીસ વર્ષની અલ્પાયુમાં અને છ જ વર્ષના કવિજીવનમાં માત્ર ૭૧ જેટલી કવિતાઓ, ગણતરીબંધ લેખો, મુઠ્ઠીભર અનુવાદો કરીને આ માણસ ઇન્ડોનેશિયાનો સર્વકાલીન અગ્રકવિ બની ગયો. માત્ર ૫૫ ગઝલ લખીને અજરામર થઈ જનાર દુષ્યંતકુમારનું સ્મરણ થાય. ફાકામસ્તીમાં જીવતો, સૂકલકડી, ફિક્કો, લઘરવઘર, નફિકરો નવયુવાન દુકાનમાંથી પુસ્તકો પણ ચોરતો. ઢગલાબંધ પ્રેમિકાઓનો પ્રેમી. બાળપણમાં પણ જિદ્દી અને અઘરો. ૧૫ વર્ષની ઊંમરે એને ખબર હતી કે એ કળાકાર થવા જન્મ્યો છે. એ અંદાજ પણ આવી ગયો હતો કે દીવો જલ્દી ઓલવાવાનો છે. ૧૮ વર્ષે શાળા છોડી દીધી. એ જ અરસામાં થયેલા મા-બાપના છૂટાછેડાથી લાગેલા ઘા કદી રૂઝાયા નહીં. ૧૯૪૬માં હાપ્સા વીરારેજા સાથે લગ્ન. એક દીકરીનો બાપ બન્યા. બે વર્ષમાં છૂટાછેડા. હૉસ્પિટલમાં જ મૃત્યુ થયું પણ મૃત્યુનું કારણ અનિર્ણિત. ટાયફસ, સિફિલીસ, ટી.બી. કે સિરોસીસ ઑફ લિવર? અલ્લાહ જાણે! મૃત્યુપર્યંત અનવર પર ઊઠાંતરીનો આરોપ પણ લગાવાયો હતો. આરોપ સાચો હોય તોય એનો હાથ લાગતાં કવિતામાં જાદુઈ ફેરફાર અને પરિણામ આવતાં. જો કે એક જ કવિતામાં સીધી ઊઠાંતરી સિદ્ધ થઈ શકી એ અલગ વાત. એલિયટ યાદ આવે: ‘અપરિપક્વ કવિઓ નકલ કરે છે, પરિપક્વ ઊઠાંતરી.’

એની કવિતામાં વ્યક્તિવાદ, અસ્તિત્વવાદ અને મૃત્યુ રોજબરોજની ભાષામાં ઊતરી આવે છે. એના ભાષાકર્મ અને પ્રયોગોએ ઇન્ડોનેશિયાની પરંપરાગત ‘શૃંગારિક’ ભાષા અને બીબાંઢાળ કાવ્યપ્રણાલિકાના લીરેલીરાં ઊડાવી દીધાં. પારંપારિક ઇન્ડોનેશિયન સાહિત્યને નવા-નવા આઝાદ (૧૭-૦૮-૧૯૪૫) થયેલા દેશની નૂતન પરિભાષામાં ઢાળનાર ‘જનરેશન ૪૫’ના અગ્રણી યુવા કવિઓમાંનો એ એક હતો. લાગણીની તીવ્રતા, ઉદ્દામવાદી વિચારસરણી તથા બહુધા આત્મકથનાત્મક શૈલીથી રસાયેલી એની કવિતાઓમાં નિરાશા અને મૃત્યુના ગાઢા રંગ ઉપસી આવે છે. ઇન્ડોનેશિયન સાહિત્યના પ્રખર અભ્યાસુ ટિવેએ એને ‘પરફેક્ટ પોએટ’ કહ્યો છે. જીવતો’તો ત્યારે એની કવિતાઓ મોટાભાગે સાભાર પરત થતી પણ આજે એનો નિર્વાણદિન ઇન્ડોનેશિયામાં ‘સાહિત્ય દિન’ તરીકે ઉજવાય છે.

અનુવાદ કરતી વખતે મૂળ રચનાનું ભાષાસૌંદર્ય અવશ્ય ખતમ થવાનું. પ્રસ્તુત કવિતાનું શીર્ષક અને મધ્યવર્તી વિચાર બંને Aku (હું) છે. ‘Aku’ એક જ શબ્દ હું, મને, મારુંની બધી જ અર્થચ્છાયામાં અલગાલગરીતે વાપરી શકાતો હોવાથી કાવ્યસર્જનની પળનો કવિનો મનોભાવ પકડવો અશક્ય છે. મૂલ કવિતામાં પહેલી લીટીમાં Waktuku શબ્દ છે, જેમાં Waktu એટલે સમય. Akuમાંનો ku એની પાછળ પ્રત્યય તરીકે લાગે એટલે અર્થ થાય મારો સમય. બીજી પંક્તિના પ્રારંભે ‘Ku બોલચાલની ભાષાનો કૈંક અંશે અશિષ્ટ શબ્દ છે, અર્થ તો ‘હું’ જ થાય છે પણ એનું સ્લેંગ તરીકે ભાષાંતર શું કરવું? કવિતામાં એ જ પ્રમાણે Ku ફરીથી પ્રત્યય તરીકે kulit સાથે (મારી ત્વચા), અને ઉપસર્ગ તરીકે bawa સાથે (હું આગળ વધું છું) વપરાયું છે. એક જ શબ્દની અલગ અલગ ભાષામાં અર્થચ્છાયા પણ અલગ અલગ હોવાની. પણ તમામ મર્યાદાઓના સ્વીકાર સાથે મૂળ ભાષાથી અણજાણ ભાવકોને અવર ભાષાના સાહિત્ય સાથે સાક્ષાત્કાર કરાવી આપવાનો એકમાત્ર કીમિયો અનુવાદ જ છે એટલે મૂળ ભાષામાંનું કંઈક ગુમાવવાની તૈયારી સાથે અને નવી ભાષામાંથી કંઈક ઉમેરણ સાથેના અનુસર્જનને આવકારવો જ રહ્યો.

‘અકુ’ એટલે ‘હું’. જાકાર્તા કલ્ચરલ સેન્ટરમાં જુલાઈ, ૧૯૪૩માં ચૈરિલે પહેલવહેલીવાર આ કવિતા વાંચી હતી, ત્યારે ‘સેમાન્ગત’ (આત્મા) એનું શીર્ષક હતું. ઇન્ડોનેશિયન વિવેચક નેતિના મતે નવું શીર્ષક ‘અકુ’ (હું) અનવરનો વ્યક્તિગત સ્વ-ભાવ સૂચવે છે જ્યારે જૂનું શીર્ષક પ્રાણશક્તિ. આખી રચના ‘હું’ કેન્દ્રિત છે અને ટોળામાંથી ખદેડી મૂકાયેલ માણસની છે. આવામાં લય કે સુનિશ્ચિતતા શું શક્ય બને? કદાચ એટલે જ અહીં કાવ્યવિધા અછાંદસ છે, અને સાત અનિયત ભાગમાં વહેંચાયેલી તેર અનિયમિત લંબાઈવાળી પંક્તિઓ. મૂળ કવિતામાં જો કે કવિએ સરસ પ્રાસવ્યવસ્થા અને નાદસૌંદર્ય જાળવ્યાં છે.

સદીઓના ડચ સંસ્થાનવાદની જોહુકમી બાદ ૧૯૪૧થી ૧૯૪૫ દરમિયાન જાપાનીઓએ ઇન્ડોનેશિયામાં અડિંગો જમાવ્યો હતો. નિર્દયી જાપાનીઓએ દેશને બરબાદ કરવામાં કોઈ કસર છોડી નહોતી. માર્ચ ૧૯૪૩માં, જ્યારે ચૈરિલે આ કવિતા લખી એ સમય ઇન્ડોનેશિયાની આઝાદીની લડતનો સમય હતો. ઘણા આ કવિતા રાજનૈતિક હેતુથી પર હોવાનું માને છે, પણ કવિતાના વિષયવસ્તુ, રચનાસમય, ચૈરિલનો સ્વભાવ –આ બધું જોતાં સમજાય છે કે આ કવિતા દેશ આખાની આઝાદીની ચાહનાનું ગાન છે. કવિતા સ્વતંત્રતાસંગ્રામનું પ્રતીક બની રહી હતી. કદાચ એટલે જ એ કવિનું સર્વશ્રેષ્ઠ સર્જન પણ ગણાય છે.

આખી રચના ‘હું’ ફરતે વીંટળાયેલી છે. કાવ્યનાયક (persona) કવિ પોતે હોવાનું સતત અનુભવાય છે. ચૈરિલની બહુધા આત્મકથનાત્મક શૈલીની કવિતાઓની આ ખૂબી છે. એ કહે છે કે આ જ હું છું, આ હું જ છું; સ્વીકારો અથવા તરછોડો. માથે ચડાવો અથવા ફેંકી દો પણ હું આ જ છું, આ જ છું ને આ જ રહીશ. કાવ્યારંભે જ કવિનો આ મિજાજ સંભળાય છે. ‘જ્યારે મારો સમય આવશે’થી કવિતા પ્રારંભાય છે. આ સમય મૃત્યુનો છે કે વિજયશ્રીનો કે બંનેનો એ આગળ જતાં સમજાય છે. બુદ્ધ કહે છે કે ‘સમસ્યા એ જ છે કે તમે વિચારો છો કે તમારી પાસે સમય છે.’ મહાભારતમાં યક્ષપ્રશ્નોના જવાબ આપતાં યુધિષ્ઠિરે મૃત્યુ નિશ્ચિત હોવાનું જાણવા છતાં માણસ કદી મરવાનો ન હોય એમ જીવે છે એને સંસારનું સૌથી મોટું આશ્ચર્ય લેખાવ્યું હતું. પણ અહીં પોતાનો સમય નજીક હોવાનું કવિ સમજી ચૂક્યા છે. સ્વાતંત્ર્યસંગ્રામના સમયગાળાની રચના હોવાથી અને કવિ પોતે ગેરિલા સૈનિક રહી ચૂક્યા હોવાથી લડાઈ, ગોળીઓ અને આગેકૂચના સંદર્ભો સમજાય છે. સૈનિક તરીકે યુદ્ધમાં જવાનો કે મૃત્યુના ખોળામાં સૂવાનો કે કોઈપણ રીતનો ‘પોતાનો’ સમય આવશે ત્યારે કવિ કોઈનું પણ રુદન સાંભળવા માંગતા નથી. એ નથી ઇચ્છતા કે કોઈપણ રડે, કે શોક મનાવે. કથક જે(ઓ)ને સંબોધે છે તે(ઓ)નું રૂદન પણ ઝંખતો નથી. મેરી એલિઝાબેથ ફ્રે કહે છે, ‘મારી કબર પાસે ઊભાં રહીને રડશો નહીં. હું ત્યાં નથી. હું મરી નથી.’ કવિ પણ દુનિયાભરના રડમસોથી પરે રહેવા ધારે છે. આમ, પ્રથમ ત્રણ પંક્તિમાં જ મૃત્યુના સાન્નિધ્યમાં જીવનનું માહાત્મ્ય ઉજાગર થાય છે.

‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ કહેતો રાવજી પટેલ યાદ આવે. રાવજીને યુવાવયે મરણ ઢૂંકડુ દેખાયું ત્યારે એણે શોકગીતના બદલે લોકગીત-લગ્નગીતની ભાષામાં પોતાની વેલને શણગારવાનું અને શગને સંકોરવાનું કહ્યું હતું. મૃત્યુના વધામણાં લેતાં આવડી જાય તો શ્વાસ પણ અજવાળાં પહેરીને ઊભા રહે! નોર્મન કઝિન્સ કહે છે, ‘મૃત્યુ એ જિંદગીમાં સૌથી મોટી ખોટ નથી. મોટામાં મોટી ખોટ તો આપણે જીવતાં હોઈએ ત્યારે આપણી અંદર કશુંક મરી જાય એ છે.’ ખલિલ જિબ્રાન કહે છે, ‘જીવન અને મૃત્યુ એક જ છે, જે રીતે નદી અને દરિયો.’ ચૈરિલ પણ મૃત્યુને વધાવી લેવાની વાત કરે છે. રડવાથી અને રડનારાઓથી દૂર રહેવા માંગે છે.

કવિ પોતે દળમાંથી હાંકી કાઢવામાં આવેલ જંગલી જાનવર હોવાનું કબૂલે છે. પણ સૂર કબૂલાતનામાનો ઓછો અને જાહેરાતનો વધારે છે. ગાયોના ઝુંડમાં ગાય હોય અને સિંહોના ટોળામાં સિંહ. મતલબ, ઝુંડના અન્ય સભ્ય પ્રાણીઓ પણ હતા તો જંગલી જ! આપણો સમાજ પણ સુસંસ્કૃત જંગલીઓના જૂથ સિવાય બીજું શું છે? કથકની જંગલિયત જો કે એવી છે કે એને જંગલીઓએ પણ તડીપાર કર્યો છે. મૂળ ભાષામાં ‘જંગલી જાનવર’ માટે binatang jalang શબ્દપ્રયોગ છે, જેમાં jalang (જંગલી) શબ્દમાં કામુકતાની અર્થચ્છાયા છે, જે અનુવાદમાં લુપ્ત થઈ ગઈ. Jalang વિશેષણ સ્ત્રીઓ માટે વપરાય ત્યારે વેશ્યા હોવાનો અર્થ પ્રતિપાદિત થાય છે. અહીં પણ, Jalang શબ્દનો એક તાર ચૈરિલની બેબાક અતિકામુક જિંદગી સાથે જોડાયેલ અનુભવાય છે. પાણી અને જળ સમાનાર્થી હોવા છતાં બંનેની અર્થચ્છાયા ભિન્ન છે. સન્માનનીય વ્યક્તિના પગ ધોવા કે અભિષેક માટે જળ શબ્દ વપરાય, પાણી નહીં. એ જ રીતે મળપ્રક્ષાલન માટે પાણી શબ્દ જ છાજે, જળ નહીં.

ઇન્ડોનેશિયન સમાજના જનમાનસમાં એ સમયે એ વાત ઠસી ગઈ હતી કે ટોળાંમાંથી છૂટો પડે એ કચડાઈ જાય, આગળ ન વધી શકે, અને આ એકાકી અવસ્થામાં ભાગ્યે જ બચી શકે. ચૈરિલની ઘણી કવિતાઓ પર એ સમયના શાસકદેશ જાપાને પ્રતિબંધ મૂક્યો હતો પણ એ તો સ્વભાવે જ બંડખોર હતો. એ ટોળાંનો કે બહોળાનો માણસ નહોતો. એ અવળી જ આલબેલ પોકારે છે. ઝુંડમાંથી હાંકી કઢાયો હોવાની બાંગ એ કવિતાના મિનારે ચડીને પોકારે છે. અને એની આ વાતની જ પુષ્ટિ કરતી હોય એમ શીર્ષક અને તેરેતેર પંક્તિઓમાં Aku (હું)ના પડઘા સતત સંભળાય છે.

ચૈરિલનો બળવાખોર મિજાજ શબ્દે-શબ્દે છલકાય છે. ભલે ન્યાતબહાર મૂકાયો હોય, ભલે એકલો પડ્યો હોય, ભીતરનો સૈનિક મર્યો નથી ત્યાં સુધી એ આગેકૂચ છોડનાર નથી. આગળ કદાચ ગોળીબારનો સામનો કરવો પડે અને ગોળીવર્ષા ત્વચા ભેદીને તાર-તાર પણ કરી દે. વાંધો નહીં. આગેકદમ જારી જ રહેશે. એનો હુમલો મંદ કે બંધ નહીં પડે. બાણશય્યાવશ ભીષ્મે પણ ઇચ્છામૃત્યુનું વર હોવા છતાં મૃત્યુની ઇચ્છા કરી હતી, પરંતુ કાવ્યનાયક ગોળીથી છલની-છલની થઈનેય અટકનાર નથી. માત્ર ઘાવો જ નહીં, દર્દોને પણ ઊંચકીને આગળ ને આગળ વધતા-ધસતા રહેવાની એની નેમ છે. ઘા તનના હોય છે, દર્દ મનના. તન કરતાં મનને ઉપાડવું વધુ દોહ્યલું છે. અહીં તો તન-મન બંને જખ્મી છે. નાયકની જેમ આ જખ્મો અને દર્દો પણ અટકવાના બદલે વધતા જ જશે અને એ હદ સુધી વધશે, જ્યાં સંવેદનતંત્ર લકવાગ્રસ્ત થઈ જાય, દુઃખ-દર્દ અનુભવવાની ક્ષમતાનું નાકું આવી જાય. ગોળીઓની પેઠે તન-મનને વીંધી-વીંધીને તમામ યાતનાઓ બુઠ્ઠી થઈ હથિયાર ફેંકી દે, દુઃખ-દર્દની સરહદ ખતમ થઈ જાય એ મુકામે પહોંચી ન જવાય ત્યાં સુધી નાયક અવિરત ધપતા રહેવાની ઇચ્છા ધરાવે છે. ગાલિબના એક-એક કરતાં બબ્બે શેર યાદ આવે:

रंज से ख़ूगर हुआ इन्सां तो मिट जाता है रंज
मुश्किलें मुझ पर पड़ीं इतनी कि आसां हो गईं
(માણસ દુઃખથી અભ્યસ્ત થઈ જાય છે તો દુઃખ મટી જાય છે. મારા પર એટલી બધી મુશ્કેલી પડી કે આસાન થઈ ગઈ.)

इशरत-ए-क़तरा है दरिया में फ़ना हो जाना
दर्द का हद से गुज़रना है दवा हो जाना
(દરિયામાં ફના થઈ જવું એ જ બુંદની ખુશી છે. દર્દ હદથી વધી જાય તો ઔષધ બની જાય છે.)

જર્મન ફિલસૂફ ફ્રેડરિક નિત્શેનું માનતા કે, ‘તુચ્છ લોકોની પીડા તુચ્છ હોય છે, મહાન માણસોની મહાન. મહાન વેદનાનો અફસોસ ન કરવો જોઈએ કેમકે તે ઉમદા છે.’ એમણે કહ્યું હતું કે ‘જે આપણને મારી નથી નાંખતી એ પીડા આપણને વધુ મજબૂત બનાવે છે,’ આ વાત વૈજ્ઞાનિક ધોરણે પણ પુરવાર થઈ છે. ચૈરિલ પણ આ જ કહે છે. કહે છે, હું તસુભાર પણ પરવા કરનાર નથી. ગોળીવર્ષા, જખ્મો, દુઃખદર્દ કે દુનિયાની કોઈ પણ આડશ એના વેગને, આત્મબળને અટકાવી શકનાર નથી.

એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે,
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના. (ઘાયલ)

કવિનું આત્મબળ એના અસ્તિત્વના સંઘર્ષથી વધીને છે. એટલે એ મૃત્યુના ખોળામાં બેસીને ચિરંજીવી થવાની વાત કરી શકે છે. રડ્યા વિના, કોઈને રડવા દીધા વિના, મરણને પરણવાનું આહ્વાન આપતી આ રચના આઝાદી અને અમરજીવન માટેની બુલંદ ચીસ છે. સામી છાતીએ ફના થવા પૂરપાટ આગળ વધી શકે એ જ અમરત્વનાં સ્વપ્ન જોઈ શકે. અંતને ગળે લગાડતી કવિતાના અંતમાં કવિ તારસ્વરે એલાન કરે છે: ‘હું બીજા હજાર વર્ષ જીવવા માંગું છું.’ અને આ નાદભેરી એટલી વાસ્તવિક છે કે સહસ્ત્રાયુના આકાશકુસુમવત્ ગપગોળાને અવગણીને આપણે કવિના પક્ષે બેસી જઈને એને ‘તથાસ્તુ’ કહી બેસીએ છીએ!

એક રીતે, આ ઇન્ડોનેશિયાનું આઝાદીગાન પણ છે. ડચ હોય કે જાપાની– શાસકો ગમે એટલા અવરોધો કેમ ન ઊભા કરે, ગમે એટલી તકલીફો કેમ ન આપે, આ દેશ ઘાયલ થઈનેય કશાયની તમા રાખ્યા વિના આઝાદીની દિશામાં સતત ધસતો જ રહેશે, અને ત્યાં સુધી ધસતો રહેશે જ્યાં સુધી આતતાયીઓ અને ગુલામી ગાયબ ન થઈ જાય, દેશ સ્વતંત્ર ન થઈ જાય, કેમકે આ આઝાદી બીજા હજાર વર્ષ ટકી રહેનાર છે.

કવિનો અને કવિતાનો ‘હું’ આપણા સહુનો ‘હું’ છે. આ ‘હું’ હકીકતમાં મનુષ્યની સાહસિક ભાવના છે, જે મનુષ્યની પોતાના નિર્ધારિત ભાગ્ય -મૃત્યુમાંથી આઝાદ થઈ અમરત્વપ્રાપ્તિ માટેની તડપ અને કોશિશ નિરુપે છે. ચૈરિલ કહે છે, ‘કળામાં, પ્રાણશક્તિ પ્રારંભની અરાજક અવસ્થા હોય છે, સૌંદર્ય અંતિમ વૈશ્વિક અવસ્થા.’ આ વાત આ કવિતામાં પણ નજરે ચડે છે. કવિતાનો પ્રાણ એની શરૂઆતની અરાજકતા છે- મૃત્યુનું આહ્વાન, શોકની મનાઈ, ન્યાતબહાર ફેંકાવું, ઘાયલ થવું. પણ આખરી વાક્યમાં જે જિજિવિષા અંતરના તળિયાનાય તળિયેથી ઊભરી આવે છે એ વૈશ્વિક અવસ્થા, સ્વમાંથી સર્વ તરફની ગતિ, વયષ્ટિમાંથી સમષ્ટિ તરફનું પ્રયાણ આ કવિતાનું સાચું સૌંદર્ય છે.

ગ્લૉબલ કવિતા : ૨૦૯ : પિતાજીની ઘરવાપસી – દિલીપ ચિત્રે

Father Returning Home

My father travels on the late evening train
Standing among silent commuters in the yellow light
Suburbs slide past his unseeing eyes
His shirt and pants are soggy and his black raincoat
Stained with mud and his bag stuffed with books
Is falling apart. His eyes dimmed by age
fade homeward through the humid monsoon night.
Now I can see him getting off the train
Like a word dropped from a long sentence.
He hurries across the length of the grey platform,
Crosses the railway line, enters the lane,
His chappals are sticky with mud, but he hurries onward.

Home again, I see him drinking weak tea,
Eating a stale chapati, reading a book.
He goes into the toilet to contemplate
Man’s estrangement from a man-made world.
Coming out he trembles at the sink,
The cold water running over his brown hands,
A few droplets cling to the greying hairs on his wrists.
His sullen children have often refused to share
Jokes and secrets with him. He will now go to sleep
Listening to the static on the radio, dreaming
Of his ancestors and grandchildren, thinking
Of nomads entering a subcontinent through a narrow pass.

– Dilip Chitre


પિતાજીની ઘરવાપસી

મારા પિતાજી મોડી સાંજની ટ્રેનમાં પીળા પ્રકાશમાં ઊભા-ઊભા
મુસાફરી કરે છે સિઝન ટિકીટવાળા મૂંગા સહયાત્રીઓની વચ્ચે.
એમની વણ-જોતી આંખો સામેથી પરાંઓ પસાર થયે રાખે છે
એમનો શર્ટ અને પેન્ટ ભીનાં છે અને કાળો રેઇનકોટ
કાદવથી ખરડાયેલો છે અને ચોપડીઓ ઠાંસીને ભરેલો એમનો થેલો
પડુ પડુ થઈ રહ્યો છે. ઉંમરના કારણે નિસ્તેજ થયેલી એમની આંખો
ચોમાસાની આર્દ્ર રાતમાં ઘર તરફ ધૂંધળું તાકી રહી છે.
હવે હું એમને ટ્રેનમાંથી ઊતરતા જોઈ શકું છું
એક લાંબા વાક્યમાંથી ખડી પડેલા શબ્દની જેમ.
એ ઝડપ કરે છે ભૂખરા લાંબા પ્લેટફૉર્મને પસાર કરવા,
રેલ્વેલાઇન ઓળંગે છે, ગલીમાં પ્રવેશે છે,
એમની ચપ્પલ કાદવથી ચપચપ થાય છે પણ એ વધુ ઝડપ કરે છે.

ઘરે પાછા, હું એમને ફિક્કી ચા પીતા,
વાસી રોટલી ખાતા, પુસ્તક વાંચતા જોઉં છું.
એ શૌચાલયમાં જાય છે
માનવ-સર્જિત જગતથી માનવીના અલગાવ વિશે ચિંતન કરવા માટે.
બહાર આવતાં સિન્ક પાસે એ જરા લડખડાય છે,
ઠંડુ પાણી એમના કથ્થઈ હાથો પરથી દદડી રહ્યું છે,
કેટલાંક ટીપાં એમનાં કાંડાં પરના ધોળાં વાળ પર વળગી રહ્યાં છે.
એમના અતડાં બાળકોએ એમની સાથે હાસ્યો કે રહસ્યો
વહેંચવાનો ઘણુંખરું નકાર્યું જ છે. એ હવે સૂવા માટે જશે
રેડિયો પર ઘોંઘાટ સાંભળતા સાંભળતા, પોતાના પૂર્વજો
અને પૌત્રોના સપનાં જોતા જોતા, વિચાર કરતા કરતા
એ રખડુ આર્યો વિશે જેઓ સાંકડા ઘાટ મારફત ઉપખંડમાં આવ્યા હતા.

– દિલીપ ચિત્રે (અંગ્રેજી)
(અનુ. વિવેક મનહર ટેલર)

પિતા – જિંદગીના વાક્યમાંથી ખડી પડેલો શબ્દ?

પહેલાનાં જમાનામાં ઘરો માત્ર ઈંટો કે ભીંતોથી નહોતા બનતાં. ડેલો. વખાર. ઓસરી. ફળિયું. ગમાણ. પરસાળ. રાંધણિયું. કોઠાર. મેડી. કાતરિયું. પછીત. વાડો. –આ સૌ પહેલાંના ઘરોના સભ્યો હતા. ઘર જેટલા વિશાળ હતા, પરિવાર એટલા બહોળા અને દિલ એવા જ મોકળા હતા. જેમ-જેમ ઘર BHKથી ઓળખાવા માંડ્યા, તેમ-તેમ પરિવાર નાના થવા માંડ્યા અને પરિવારજનોના દિલ સાંકડાં. તંગદિલ અને સંગદિલ પરિવારોમાં મા-બાપની જગ્યા માઇનસ થતી ગઈ. પ્રસ્તુત રચનામાં આવા જ એક પરિવારમાં જીવતા બાપનું સ્થાન શબ્દોના બદલે આંસુઓથી ચિતરાયું છે.
દિલીપ પુરુષોત્તમ ચિત્રે. ૧૭-૦૯-૧૯૩૮ના રોજ વડોદરા ખાતે જન્મ. ૧૯૫૧માં સહપરિવાર મુંબઈ સ્થળાંતર. પિતાજી એક જમાનાના આપણા ‘કુમાર’ કક્ષાનું સામયિક ‘અભિરુચિ ચલાવતા, તો નાના કાશીનાથ ગુપ્તે સંત તુકારામના ‘સ્પેશ્યાલિસ્ટ’ હતા. એટલે સાહિત્ય રક્તસંસ્કારમાં હતું. ૧૬ વર્ષની ઉંમરે એમણે નક્કી કરી લીધું હતું કે કવિતા અને ચિત્રકળા જ એમનો વ્યવસાય હશે. ૨૨મા વર્ષે પહેલો કાવ્યસંગ્રહ. એ જ ઉંમરે વિજયા સાથે લગ્ન. એકમાત્ર પુત્ર ભોપાલ ગેસ કરુણાંતિકાનો શિકાર બન્યો. સ્વાતંત્ર્યોત્તર ભારતના નોંધપાત્ર દ્વિભાષી સર્જકોમાંના એક. મુખ્યત્વે મરાઠી અને અંગ્રેજીમાં, પરંતુ હિંદી-ગુજરાતીમાંય નોંધનીય પદાર્પણ. તેઓ કહેતા, ‘દ્વિભાષી લેખકના સાહિત્યિક અભિગમને દ્વિજાતીય વ્યક્તિના કામુક અભિગમ જેવો જ ગણી લેવામાં આવે છે- ભયાનક રીતે મહત્ત્વાકાંક્ષી અને તિર્યક્.’ તુકારામ અને ધ્યાનેશ્વરની કૃતિઓના અંગ્રેજી અનુવાદ ખાસ ધ્યાન ખેંચે છે. ગુજરાતીમાં એમણે મિલ્ટનના મહાકાવ્યોનો સહ-અનુવાદ કર્યો. એક ચલચિત્ર ‘ગોદામ’ અને ઢગલાબંધ દસ્તાવેજી ફિલ્મો, ટૂંકી ફિલ્મો એમણે બનાવી. મોટાભાગની ફિલ્મોમાં પટકથા, દિગ્દર્શન અને કેટલાકમાં સંગીત પણ એમણે આપ્યું. ચિત્રકળા અને ફિલ્મમેકિંગને તેઓ પોતાની કાવ્યાત્મક સંવેદનશીલતાના સાંધારહિત વિસ્તરણ સ્વરૂપે જોતા. ભારતના અમર સાહિત્યિક વારસાના પ્રખંડ ચાહક-પ્રચારક. કહેતા, ‘સાતસોથી વધુ વર્ષોથી અનવરત અસ્ત્તિત્વ ધરાવતું આ સાહિત્ય સાહિત્યિક જગત માટેનો મારો પાસપોર્ટ છે. મારે દુનિયાને બતાવવાનું છે કે મારો શેક્સપિઅર અને દોસ્તોએવસ્કી કોણ છે.’ પચાસ-સાંઠના દાયકામાં બંગાળી, મરાઠી, તમિલ, મલયાલમ, હિંદી અને ગુજરાતી જેવી ભાષાઓમાં ‘લિટલ મેગેઝિન મૂવમેન્ટ’ દાવાનળની જેમ ફેલાઈ વળી. સ્થાપિત કવિઓ અને કવિતાઓ સામેનો આ પ્રચંડ જુવાળ મરાઠીમાં માર્ધેકરે લાવ્યા અને દિલીપ ચિત્રે, અરુણ કોલાટકર જેવા કવિઓએ પ્રમુખ ભાગ ભજવ્યો. ‘શબ્દ’ નામનું સાઇક્લોસ્ટાઇલ સામયિક ચાલુ કર્યું. જૂનવાણી, ઉચ્ચ અને મધ્યમવર્ગીય ઈજારો બની ગયેલ મરાઠી સાહિત્યજગતને આધુનિકતા અને દલિત ચળવળના રંગે રંગવામાં અને સાહિત્યનો નવોન્મેષ સર્જવામાં ‘શબ્દ’નો ફાળો પ્રમુખ હતો. કેન્સર સામેનો જંગ લડતા-લડતા અંતે ૧૦-૧૨-૨૦૦૯ના રોજ પુણે ખાતે પોતાના નિવાસસ્થાને દેહવિલય.

‘પિતાજીની ઘરવાપસી’ ગુજરાતમાં જન્મેલા મરાઠી કવિની અંગ્રેજી કવિતા છે. સ્વાતંત્ર્યોત્તર કવિતાઓએ છંદોપ્રાસની કેદમાંથી છૂટવા આંદોલન આદર્યું હતું, એનો જ એક ભાગ હોવાથી અહીં કાવ્યવિધા અછાંદસ છે. શૈલી નાટકીય આત્મસંભાષણાત્મક (dramatic monologue) કે આત્મકથનાત્મક છે. ૧૨-૧૨ પંક્તિના બે ખંડ ઘરપ્રયાણ અને ઘરભીતર -પિતાજીની બે પરિસ્થિતિ વચ્ચે ભેદરેખા આંકે છે. વડોદરાથી મુંબઈ આવ્યા બાદની પોતાના પિતાજીની પરિસ્થિતિનું જ દારુણ વર્ણન કવિએ કર્યું હોવાનું કહેવાય છે. પણ આ પિતાજી કોઈનાય હોઈ શકે. તીણી તીખી છરીની જેમ હૃદયસોંસરી નીકળી જતી કારમી વાસ્તવિક્તાનું આ નગ્ન ચિત્રણ છે. કવિતાને Res ipsa loquitar યાને સ્વયંસ્પષ્ટ કે સ્વયંસિદ્ધા પણ ગણી શકાય. મહાભારતમાં સંજય ધૃતરાષ્ટ્રને યુદ્ધનો આંખેદેખ્યો હાલ સંભળાવે છે એ જ રીતે કવિ પોતાના પિતાનું ચિત્ર આપણને બતાવે છે.

મુંબઈની લોકલ ટ્રેનમાં મોડી સાંજે સિઝન ટિકીટવાળા મૂંગા સહયાત્રીઓની ભીડ વચ્ચે ડબ્બામાંના પીળા પ્રકાશમાં ઊભા-ઊભા મુસાફરી કરતા પિતાજીના રેખાંકનથી કાવ્યારંભ થાય છે. કવિતામાં દરેક પ્રતીક ધ્યાનાર્હ છે. નોકરી માટે રોજિંદી અપડાઉન કરતા કમ્યૂટર્સનો એકશબ્દી પર્યાય આપણી ભાષામાં મળતો નથી. પિતાજી આ અપડાઉનિયા ભીડનો જ ભાગ છે, મતલબ તેઓ પણ નોકરિયાત છે. મોડી સાંજની ટ્રેન સૂચવે છે કે નોકરીના કલાક પણ ઓછા નહીં હોય. પીળી બત્તી ટ્રાફિકમાં ધીમા પડવા માટેનું સિગ્નલ છે. પીળો પ્રકાશ ઉદાસીનતા પણ સૂચવે છે. આમ, મોડી સાંજ અને પીળો પ્રકાશ કવિતાના કેન્દ્રવર્તી ભાવને બખૂબી વ્યક્ત કરે છે. તમામ પ્રતીક કવિએ બેવડા સ્તરે પ્રયોજ્યા જણાય છે. દિવસ આથમી ચૂક્યો છે. સાંજ અને અજવાળું –બંને ઓસરવા આવ્યાં છે. પિતાજી પણ જીવનસંધ્યાએ આવી ઊભા છે. વૃદ્ધાવસ્થાએ પહોંચવા છતાં એમના માથેથી આજીવિકા રળવાની જવાબદારીનો બોજ ઉતર્યો નથી. ટ્રેનમાં વયને માન આપીને એમને બેસવાની જગ્યા આપવાની પણ કોઈને દરકાર નથી. સહયાત્રીઓ છે પણ મૂંગા. આ એવી દુનિયા છે, જ્યાં કોઈને કોઈની પડી નથી. આત્મરતિની અતિથી પીડાતી આ દુનિયામાં પરસ્પર તરફની ગતિ નથી.

ટ્રેનની આ રોજિંદી અને યંત્રવત્ મુસાફરી દરમિયાન પિતાની વણજોતી આંખો સામેથી એક પછી એક પરાં પસાર થઈ રહ્યાં છે. કોઠે પડી ગયેલાં એ દૃશ્યો આંખ જોતી નથી. ફરતેના વિશ્વની નોંધ લેવાનો ઇનકાર કરતી આંખો ખુલ્લી છે પણ બંધ બરાબર. પિતાજીના શર્ટ-પેન્ટ ભીનાં છે અને કાળો રેઇનકોટ કાદવથી ખરડાયેલ. મતલબ, વરસાદની ઋતુમાં પણ નોકરીથી મુક્તિ નથી. કાળો રંગ પિતાજીની અવદશાનો રંગ છે, અને જિંદગીના રંગોની અનુપસ્થિતિનો રંગ પણ છે. ઠાંસી-ઠાંસીને ચોપડીઓથી ભરેલો થેલો પડુ-પડુ થઈ રહ્યો છે. વરસોના અનુભવોથી ભર્યોભાદર્યો એમના અસ્તિત્વનો થેલો પણ પ્રવર્તમાન નિરુપિયોગિતાના અહેસાસ સાથે જિંદગીના ખભે ટકી રહેવા જાણે ઝઝૂમી રહ્યો છે.

એક તરફ ચોમાસાની ભેજલ રાતના કારણે હોય એનાથી વધુ ગાઢો દેખાતો અંધકાર છે, તો બીજી બાજુ વૃદ્ધાવસ્થાના કારણે પિતાજીની આંખોનું તેજ પણ ઓસરી રહ્યું છે. અંધારામાં વધુ લાચાર નિસ્તેજ આંખોની ધૂંધળી નજર તોય ઘર ભણી તાકે છે. આંખોનું તેજ કદાચ ઉંમર કે સમય કરતાંય એમની પ્રવર્તમાન હાલતની વાકેફિયતથી વધુ ઝાંખું પડ્યું છે:

મોતિયાની દેણ છે કે દીકરા મોટા થયા?
ધીમે ધીમે આંખ સામે આવતો અંધારપટ!

નિસ્તેજ થતા જતા સંબંધોની દુનિયાને પસાર થતાં પરાંની જેમ દેખી-અણદેખી કરવી મુશ્કેલ છે. લાંબા વાક્યમાંથી સંદર્ભ ગુમાવી બેસેલ શબ્દ કાઢી લેવાય એ રીતે કવિ પિતાજીને ટ્રેનમાંથી ઊતરતા જુએ છે. ટ્રેનની અંદર જેઓએ અસ્તિત્ત્વની કોઈ નોંધ લીધી નહોતી, એ સહયાત્રીઓને તો કોઈ ટ્રેનમાંથી ઉતરે, ન ઉતરે, શો ફરક પડે? મુસાફરો તો અન્યોન્યને પસાર થતું પણ ન દેખાતું કોઈક પરું જ ગણે ને! અને ટ્રેન પણ ઉતરનારની પરવા કર્યા વિના આગળ નીકળી જશે. ઉતરનાર વ્યક્તિ ટ્રેન અને સહયાત્રીઓ સાથેનો સંદર્ભ ગુમાવી બેસે છે. પસાર થતી જિંદગી સાથેનો પૂર્વાપરસંબંધ ગુમાવી બેસનાર પિતાજી લાંબા વાક્યમાંથી કાઢી નંખાયેલ શબ્દ જ ને?

પિતાજી ટ્રેનમાંથી ઉતરીને ભૂખરા લાંબા પ્લેટફૉર્મને પસાર કરવા ઝડપ કરે છે. પ્લેટફૉર્મની લંબાઈ અને ભૂખરો રંગ પણ ઉદાસ રંગહીન પ્રદીર્ઘ જિંદગી તરફ અંગૂલિનિર્દેશ કરે છે. કાદવમાં ચપચપ કરતી ચપ્પલ પહેરીને ચાલવું કપરું હોવા છતાં પિતાજી ધીમા પડતા નથી. પ્લેટફૉર્મ પસાર કરી, રેલવેલાઇન ઓળંગીને કાદવમાં ચાલતાં તેઓ પોતાની ગલીમાં પહોંચે છે. ત્રણ પંક્તિમાં બે વાર ‘ઝડપ’ શબ્દ વાપરીને કવિ પિતાની તત્પરતાને અધોરેખિત કરે છે. પણ આ તત્પરતા શેની છે? ઘરે તો એ જ બેરંગ બેઢંગ ગમગીનીનું સામ્રાજ્ય છે.

કવિતાના પ્રથમ ભાગમાં પિતાજીના ઘરપ્રયાણના આલેખન બાદ બીજા ભાગમાં ઘર ભીતરનું ચિત્રણ છે. આંખ દગો દેવાનું શરૂ કરી દે એ વયે પણ કોઈપણ સિઝન કે રિઝનને જોયા વિના ટ્રેનના રોજિંદા ધક્કા ખાતા ને કુટુંબ માટે પેટિયું રળી મોડેથી પરત આવતા બાપ માટે ઘરનું વાતાવરણ પણ ટ્રેનના ડબ્બાથી કંઈ અલગ નથી. અહીં પણ એ જ એકવિધતા, ઉદાસીનતા, એકલતા, અવગણના, અને અવમૂલ્યન છે. વધારામાં જનરેશન ગેપ પણ. એમના માટે કોઈ તાજી ચા ઉકાળતું નથી. સાંજની ચામાંથી બચેલી ફિક્કી ચા અને વાસી રોટલી જ એમને નસીબ થાય છે. ટ્રેનમાં જેવા રોજિંદા સહયાત્રીઓ, એવા જ ઘરના સહનિવાસીઓ. મૂંગા. અલિપ્ત. અનાદરસેવી. વાત કરવા માટે પોતાના કુટુંબમાં કોઈ ઉપસ્થિત ન હોવાથી પિતાએ પુસ્તકના કુટુબમાં ઘરવાસ કરી લીધો છે. ટ્રેન હોય કે ઘર –એમને કોઈ સામે ફરિયાદ નથી. અંગત વાતોનો વિનિમય લગભગ બંધ કરીને ઘરની અંદર જ ઘરવટો આપનારા સંતાનો સામે પણ વિરોધનો સૂર નથી. એમની દારુણ કરુણ સ્થિતિનો ચિતાર એનો પુત્ર જ આપણી સમક્ષ રજૂ કરે છે.

જમદાગ્નિની કામધેનુ પરત લાવવા એકલા હાથે સહસ્ત્રાર્જુનને સંહારતા, વળી પ્રાયશ્ચિત કરતા, અને સગી માનું માથુ કાપી નાખતા પરશુરામ, મા-બાપને કાવડમાં બેસાડીને તીર્થાટન કરાવતા શ્રવણ, કે બાપે દીધેલા વચન ખાતર રાજગાદી ત્યાગી વનવાસ ભોગવતા રામ જેવા દીકરા ક્યાંથી લાવવા આજે? આજે તો ઘરમાં મા-બાપનું સ્થાન લાંબા વાક્યમાંથી ખડી પડેલા, સંદર્ભ ગુમાવી બેસેલા શબ્દ જેવું થઈ ગયું છે. ઘરડાંઘર એમને એમ બિલાડીના ટોપ પેઠે ફૂલી-ફાલી નીકળ્યાં છે? બેજ પંક્તિમાં આખી સમસ્યાની સચોટ સારવાર સૂચવતા ગૌરાંગ ઠાકર યાદ આવે:

બસ, બને તો એક દીકરાને મનાવી જોઈએ,
એ રીતે ઘરડાંઘરો ખાલી કરાવી જોઈએ.

બાપ બાપ છે. જન્મદાતા છે. મુસાફરી અને મોસમની તકલીફો વચ્ચેય એમની ઘરે પહોંચવાની ઝડપ દુર્દમ્ય પારિવારીક સદભાવનાઓનું પ્રતીક છે. પણ આજના દીકરાઓ કંઈ એમ માને એવા નથી. એટલે મનુષ્યજાત વિશે ચિંતન કરવા માટે બાપે સંડાસના એકાંતનો સહારો લેવો પડે છે. કદાચ આ જ હવે એમની દુનિયા છે. શૌચાલયમાં એ માનવસર્જિત જગતથી માનવીના જ અલગાવ બાબતે વિમાસે છે. સંડાસ બહાર સિન્કની નજીક ક્ષણભર માટે તેઓ સહજ સમતુલન ગુમાવે છે. નોકરી અને મુસાફરીમાં તડકો વેઠીને કથ્થઈ થઈ ગયેલા એમના હાથ પર ઠંડુ પાણી દદડે છે. ‘ઠંડુ’ શબ્દ આપણને પરિવારજનોની લાગણીશૂન્યતાનો ડામ દેતો હોય એમ ચંપાય છે. કેટલાંક ટીપાં ધોળાં વાળ પર વળગી રહે છે. પાણી જીવનનું અને સફેદ વાળ વૃદ્ધત્વનું પ્રતીક પણ ખરાં. જિંદગી લટકી પડી છે, પણ છે તો ખરી! અતડાં બાળકો પોતાનાં હાસ્યો અને રહસ્યો એમની સાથે વહેંચવાનું બહુધા નકારે છે. કોઈપણ પ્રકારની આશાઓને પુનર્જીવિત કરવાની વૃથા કોશિશ કરવાના બદલે પિતાજી એકલા સૂવા જાય છે. સૂતા પહેલાં એકમાત્ર બચી ગયેલ સાથી- રેડિયો શરૂ કરે છે. જીવનના રેડિયો પર હવે સ્ટેશન તો સેટ નથી થતા તોય નકરો સ્ટેટિક ઘોંઘાટ તો ઘોંઘાટ, પણ રેડિયો હજી બંધ થયો નથી. કવિતાની શરૂઆતથી ટ્વાઇલાઇટ ઝોનની ઝાંખપને વધુ ગાઢી બનાવતાં પ્રતીકો એક પછી એક આવ્યે રાખતાં પરાંઓની જેમ આવે છે: મોડી સાંજ, પીળો પ્રકાશ, મૂંગા સહયાત્રીઓ, નિસ્તેજ આંખો, આર્દ્ર રાત, ભીનાં વસ્ત્રો, કાદવ, કાળો રેઇનકોટ, ભૂખરું લાંબું પ્લેટફૉર્મ, ચપ્પલોનું ચપચપ, ફિક્કી ચા, વાસી રોટલી, સંડાસ, લડખડાહટ, કથ્થઈ હાથ, ધોળાં વાળ, રેડિયોનું સ્ટેટિક- કવિતાના રેલ્વેટ્રેક પર આ દરેક માઇલસ્ટૉન બાપની જિંદગીના ટ્વાઇલાઇટ ઝોનને વધુ ઘાટો-ઘેરો બનાવે છે. કવિતાના શબ્દે-શબ્દે, પ્રતીકે-પ્રતીકે બાપની દુર્દશા નીંગળે છે.

જો કે ગમે એટલી સાંસારિક કે પારિવારિક અડચણો કેમ ન આવે, માનવીના મનને હરાવવું આસાન નથી. માણસના હાથમાંથી વર્તમાન સરકી જાય છે ત્યારે એ ભૂત અને ભવિષ્યનો હાથ ઝાલે છે. ગત અને અનાગતના સપનાં જોતાં જોતાં પિતાજી એ રખડુ આર્યો વિશે વિચારે છે, જેઓ પુષ્કળ રઝળપાટના અંતે સાંકડા ખૈબર ઘાટ મારફતે ભારતવર્ષમાં પ્રવેશ્યા હતા અને સ્થિર થયા હતા. સદીઓ લાંબા સમયપટ પર વિસ્તરેલ આ વંશશૃંખલામાં પોતે એક નાના અમસ્તા ટપકાંથી વિશેષ કશું નથી. પણ આ ટપકું જ પૂર્વજો અને વંશજોને જોડતી અનિવાર્ય કડી હોવાનો સંતોષ કદાચ તેઓ મેળવે છે. પોતાના પૂર્વજોએ પણ આજ રીતે આખરી બુંદ સુધી પોતાની જાત રેડી દઈને જ વંશવેલાની વૃદ્ધિ કરી હશે ને? પૂર્વજોની યાદોના એ યશસ્વી ભૂતકાળ અને હજી આવ્યા નથી એ પૌત્રોના આશાવંત ભવિષ્યકાળને જોડતા વર્તમાનકાળના પુલ પર પિતા હજી જીવનના સાંકડા ઘાટમાં હાર માન્યા વિના પોતાની લડાઈ લડી રહ્યા છે. કાવ્યાંતે સદીઓ પહેલા આર્યોના આગમનનો સંદર્ભ પરિવાર માટે ઢસરડા કરવા છતાંય સતત ઉપેક્ષિત પિતાના સીધાસાદા લાગતા શબ્દચિત્રમાં પ્રાણ ફૂંકીને એને ઉત્તમ કાવ્યકરાર બક્ષે છે.

ગ્લૉબલ કવિતા : ૨૦૮ : સાથી – ડોરથી લિવસે

Comrade

Once only did I sleep with you;
A sleep and love again more sweet than I
Have ever known; without an aftertaste.
It was the first time; and a flower could not
Have been more softly opened, folded out.
Your hands were firm upon me: without fear
I lay arrested in a still delight
Till suddenly the fountain in me woke.

My dear, it’s years between; we’ve grown up fast
Each differently, each striving by itself.
I see you now a grey man without dreams,
Without a living, or an overcoat:
But sealed in struggle now, we are more close
Than if our bodies still were sealed in love.

– Dorothy Livesay

સાથી

તારી સાથે સહશયન મેં એકદા માત્ર કીધું;
કેવું મીઠું! અનુભવ હતો ના કદી આજ પૂર્વે
મોઢું ભાંગ્યું લગરિક નહીં, પ્રેમ કેવો હતો એ!
હું અક્ષુણ્ણા; કુસુમકળી તેં જે છટાથી ઉઘાડી,
કોઈ આથી વધુ મૃદુ ઢબે પુષ્પ ખોલી શકે શું?
એ બાંહોની દૃઢપકડમાં સૂતી’તી હું નિરાંતે
ના કો’ ભીતિ, અરવ સુખના કલ્પદેશે સુહાતી,
ના જાગ્યો જ્યાં લગ મુજ મહીં લાગલો એ ફુવારો

વર્ષો વીત્યાં, પ્રિય! બહુ અને આપણે બેઉ મોટાં
જલ્દી થૈ ગ્યાં નિજ નિજ ઢબે, ઝૂઝતાં જાત સાથે
ને હું આજે નિરખી રહી છું વૃદ્ધ આ માનવીને-
ના સ્વપ્નો, કે તન ઉપર ના કોટ, આજીવિકા ના:
છીએ કિંતુ નિકટતમ, હા, આજ સંઘર્ષ વચ્ચે,
પ્રેમાષ્લેષે તન રત રહ્યાં હોત એથી વધારે.

– ડોરથી લિવસે
(અનુ.: વિવેક મનહર ટેલર)

સાચા પ્રેમની એક ક્ષણનું મહિમાગાન…

સહવાસમાં વધુ મહત્ત્વ શેનું? સમયગાળાનું કે ઘનિષ્ઠતાનું? પ્રેમની સાચી માપપટ્ટી કઈ? કેટલો સમય પ્રેમ કર્યો એ કે કેટલો કર્યો એ? શું વધુ અગત્યનું –જીવનમાંનાં વર્ષો કે વર્ષોમાંનું જીવન? સ્નેહની બાબતમાં તો કદાચ ગુણવત્તા જ આંકડાઓને ટપી જાય, ખરું ને? આખી જિંદગી એક જ છત નીચે અને એક જ બિસ્તર પર પસાર કરી દેનાર યુગલ વચ્ચે ટીપુંભર પ્રેમ જ ન હોય એ શક્ય છે તો બીજી તરફ એક મુલાકાત જીવનભરથીય વિશેષ બની રહેતી હોય છે. ડોરથીની આ પ્રસ્તુત કવિતા સંબંધમાં ક્ષણ અને સદી વચ્ચેની વિષમતાનું સત્ય બખૂબી નિર્દેશે છે. જોઈએ.

ડોરથી લિવસે. ૧૨-૧૦-૧૯૦૯ના રોજ કેનેડામાં વિનીપેગ, મનિટોબા ખાતે કેનેડિયન પ્રેસના જનરલ મેનેજરના ઘરે જન્મ. માતા કવિ અને પત્રકાર હતી. કવિતા વારસામાં મળી. એમની જાણ બહાર મમ્મીએ એક કવિતા અખબારમાં છપાવા મોકલી આપી. ૧૪-૧૫ વર્ષની વયે એ સમયે બે ડોલરનો ચેક મળ્યો અને શાળામાં ચકચાર ફેલાઈ ગઈ. ૧૧ વર્ષની વયે ટોરોન્ટો રહેવા ગયા. કેનેડાથી પેરિસ સુધી અલગ-અલગ જગ્યાએ ભણ્યાં અને અલગ-અલગ કામો પણ કર્યાં. ૧૯ વર્ષે પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો. ૨૦ વર્ષની વયે લઘુનવલ લખી. ૧૯૩૧માં પેરિસ હતાં ત્યારે તેઓ પાક્કા સામ્યવાદી બન્યાં અને કેનેડામાં પણ સામ્યવાદી પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યાં. ૧૯૩૭માં ડન્કન મેકનૈર સાથે લગ્ન. ૧૯૫૯માં પતિના મૃત્યુ બાદ યુનેસ્કોમાં જોડાયાં. વિવિધ શૈક્ષણિક અને અન્ય સંસ્થાઓ સાથે સંકળાયેલાં રહ્યાં. ૫૪-૫૫ વર્ષની વયે એમ.એડ. થયાં. અનેક માનદ પદવીઓ અને માન-અકરામો મળ્યાં. લિવસેની કહેતી, ‘જીવનના દરેક દસકામાં આપણે અલગ વ્યક્તિ હોઈએ છીએ’ એમના જીવનને ચપોચપ લાગુ પડે છે. ૮૭ વર્ષની વયે ૨૯-૧૨-૧૯૯૬ના રોજ વિક્ટોરિયા ખાતે નિધન.

ડોરથીની પ્રારંભિક કવિતાઓ ઇમેજિઝમથી પ્રેરિત હતી પણ એમની કવિતાઓમાં આજીવન એક ગતિ-એક ઉત્ક્રાંતિ જોવા મળે છે. લિવસે એક સશક્ત, સંવેદનશીલ કવયિત્રી હતાં. તેઓ જેટલી નિપુણતાથી જાહેર કે રાજકીય મુદ્દાઓ સાથે કામ પાર પાડતાં એટલી જ બાહોશીથી વ્યક્તિગત અને અંતરંગ ભાવનાઓને પણ કાગળ પર કંડારી શકતાં. એમનું મુક્ત પદ્ય અસ્તિત્વના રહસ્યોનો તાગ મેળવવા મથે છે. જીવન-મૃત્યુ, વાસ્તવ-સ્વપ્ન, પ્યાર-નફરત, સ્ત્રી-પુરુષ અને આપણાં હોવાના નાનાવિધ આયામોને તેઓ કવિતાના માધ્યમથી નાણી જુએ છે.

‘સાથી’ સ્વરૂપે તો સૉનેટ છે પણ ડોરથીના મુક્ત સ્વભાવની ચાડી ખાતું. અષ્ટક, ષટક, ભાવપલટો અને ચોટના અંતર્બાહ્ય સ્વરૂપને કવયિત્રીએ જાળવ્યું છે. પણ પ્રાસ મેળવવાની તમા રાખી નથી. એક ઇન્ટરવ્યૂમાં એમણે કહ્યું હતું: ‘સ્ટૅન્ઝા લખવા મારા માટે કઠીન છે. હું કદી પ્રાસાન્વિત સૉનેટ લખી શકી નથી.’ આ પ્રાસરહિત સૉનેટમાં પ્રથમ પંક્તિ ટેટ્રામીટરમાં છે, બાકીનું આખું સૉનેટ આયમ્બિક પેન્ટામીટરમાં. આમ, કવયિત્રીએ ભાવાભિવ્યક્તિને સ્વરૂપથી વધુ પ્રાધાન્ય આપ્યું છે. ગુજરાતી અનુવાદમાં પ્રાસરહિત વ્યવસ્થાનો સ્વીકાર છે પણ સૉનેટ આખું મંદાક્રાંતા છંદમાં છે. જીવનના પ્રારંભિક તબક્કામાં લિવસે ઘનિષ્ઠ ઊર્મિશીલ સંબંધોની સંવેદનાઓને ઓછી જ વ્યક્ત કરતાં. પાછળથી, નાની વયના યુવાન સાથેના પ્રેમસંબંધ અને આફ્રિકાની મુલાકાત બાદ લાધેલી મુખરતાના પ્રતાપે તેઓ આ બાબતો શબ્દોમાં આલેખી શક્યાં. આ કવિતાઓ વાસ્તવમાં પુરુષને લખાયેલ પત્રરૂપે છે. પ્રસ્તુત કવિતામાં પણ રચનારીતિ દ્વિતીય પુરુષ સંબોધન- એકતરફી સંવાદની જ છે. બીજા છેડા પરની વાત સાંભળી શકતા નથી.

કવયિત્રી કહે છે કે એમણે એમના ‘સાથી’ સાથે જીવનમાં પહેલીવાર અને માત્ર એકવાર સહશયન કર્યું હતું. ‘વન નાઇટ સ્ટેન્ડ’ અથવા ‘કેઝ્યુઅલ સેક્સ’ તરીકે જાણીતો એકવારનો સહેવાસ લોકો સામાન્યરીતે એટલા માટે પસંદ કરે છે કે એમાં અનનુભૂત આનંદ મળવા ઉપરાંત કોઈ પણ જવાબદારી કે પ્રતિબદ્ધતા ન હોવાથી એ સંપૂર્ણપણે તણાવમુક્ત પણ હોય છે. દુનિયાના તમામ ખંડમાં તમામ કાળનો ઇતિહાસ ભર્યો પડ્યો છે આવા કિસ્સાઓથી. પણ પ્રસ્તુત રચના આ ભાતીગળ ઇતિ-હાસથી એ રીતે અલગ પડે છે કે અહીં સહશયન જીવનમાં સર્વપ્રથમવાર થયું છે અને એક જ વારનું પણ છે પણ એ જીવનભરના સહવાસોના સરવાળા-ગુણાકારોથી વધીને છે. શીર્ષક સાથી છે પણ પ્રથમ જ પંક્તિમાં બે જણ વચ્ચે થયેલ સહશયન એકમેવ હોવાના એકરાર પરથી એમ લાગે છે કે આ પ્રસંગ બાદ બંને એકમેકથી અલગ જીવ્યાં હોવાં જોઈએ. કેમકે સાથે રહ્યાં હોય તો આવો અનુભવ ફરી-ફરીને કરવાનું ન બન્યું હોય એ શું સંભવ હોય?!

ખૂબ મીઠી વસ્તુ ખાઈ લેવામાં આવે ત્યારે મોઢું ભાંગી જવાનો અનુભવ સર્વસામાન્ય છે. વધુ પડતું ગળચટ્ટું ખાવાથી ઓચાઈ પણ જવાય. ઘણીવાર મોઢામાં કડવાશ પણ અનુભવાય છે. પણ નાયિકાને મધમીઠા સહશયન પછી કશું ઊણું કે ઉતરતું અનુભવાયું નથી. એ પ્રેમ કેવો અદભુત, જેની મીઠાશનું મસમોટું ચકતું ખાવા છતાં ન તો મોઢું ભાંગ્યું, ન કડવાશ અનુભવાઈ. મીઠપ યથાતથ જળવાઈ રહી. સમ્-ભોગ થયો ત્યારે નાયિકા હજુ અક્ષુણ્ણા હતી. એના જીવનમાં આ પ્રથમ પુરુષ હતો. સેક્સનું ફળ આ પૂર્વે એણે ચાખ્યું જ નહોતું. અક્ષતયોનિ સ્ત્રીઓ માટે ઘણીવાર પ્રથમ કામકેલિનો અનુભવ દર્દનાક હોય છે. યોનિપટલ તૂટે ત્યારે અકલ્પનીય પીડા અને રક્તસ્ત્રાવ સામાન્ય છે. પણ કાવ્યનાયક માત્ર પુરુષ નથી, સાચો પ્રેમી પણ છે. અને સાચો પ્રેમી જ અણછૂઈ ગલીઓમાંથી પુષ્પસહજ સુકોમળતાથી પસાર થઈ શકે છે. લિવસે પણ કળી અને પુષ્પનું જ કલ્પન રજૂ કરે છે. આપણે કળીઓ જોઈ છે. ખીલેલાં પુષ્પોય જોયાં છે. પણ કળીના પુષ્પાંતરણની નાજુકતમ ઘટના ભાગ્યે જ જોઈ હશે. કળીમાંથી કુસુમ બનવાની મસૃણ ઘટનાનો ચમત્કાર સર્જનહાર જ કરી શકે. એકાદા કળીને ઊઘાડીને ફૂલ બનાવવાની કોશિશ ન કરી જોઈએ ત્યાં સુધી આ મૃદુલતા સમજવી અસંભવ છે. કવયિત્રીને કદાચ આવી નજાકત અભિપ્રેત છે:

પડે જેમ ખુશબૂનાં પગલાં હવામાં,
કોઈ એમ મારામાં પડતું રહે છે.

અહીં નાયક પ્રેમભાવથી વધુ અને કામભાવથી ઓછો પ્રેરિત હોવાથી આ શક્ય બન્યું છે. પહેલવહેલીવારનું સેક્સ જરૂર થયું છે પણ એવી નાજુકીથી કે સ્ત્રી સ્વીકારે છે કે જે છટાથી પુરુષે કુસુમકળી ઊઘાડીને એને પુષ્પનો દરજ્જો આપ્યો છે, એ મુલાયમતાથી આ કામ બીજું કોઈ કરી નહીં શકે. મુગ્ધા મટી એ સ્ત્રી બની ગઈ. હવાને જાણકારી પણ ન રહી અને એક નાજુક કળી પૂર્ણવિકસિત પુષ્પ બની ગઈ.

કામક્રીડા સંપન્ન થઈ ચૂકી છે. પણ નાયક પુરુષસહજ સ્વભાવવશ ઊભો થઈને ચાલ્યો ગયો નથી. ફોરપ્લે અને પ્લેની સર્વોત્કૃષ્ટ અને સુકોમળ પૂર્ણાહૂતિ પછીનો આફ્ટરપ્લે પણ એટલો જ અગત્યનો છે. નાયકના મજબૂત હાથોએ નાયિકાને સુગ્રથિત આષ્લેષમાં જકડી રાખી છે અને આ બાહુપાશમાં સુબદ્ધ સ્ત્રી નિરાંતે સૂતી છે. એના આ પ્રશાંત પ્રગાઢ સુખપ્રદેશ-સ્વપ્નપ્રદેશમાં એને કશાની ભીતિ નથી. પ્રેમ હોય ત્યાં ડર હોય જ નહીં. પ્રેમની દૃઢપકડમાં માલિકીભાવ પણ નથી હોતો, એટલે જ ફરતી વીંટળાયેલી બાજુઓમાંની અસીમ શ્રદ્ધાના ફળસ્વરૂપે નાયિકા દુનિયાના તમામ ડર-દુઃખોથી ઉન્મુક્ત નિરાંતવા જીવે નચિંત સૂતી છે. કલ્પસમયનો આ ટુકડો ત્યાં જ થીજી ગયો છે. સમય જેમાં ગતિ કરવાનું વિસરી જાય એવી આ ક્ષણો છે. આ સુખસ્થિતિમાં ગિરફ્તાર નાયિકા ચરમસીમા અનુભવે છે ત્યાં સુધી શાંત સૂતી પડી રહે છે.

પુરુષોમાં કામોત્તેજના અને વીર્યસ્ખલન જેટલું સાહજિક અને નિયમિત છે એટલું સ્ત્રીઓમાં નથી. જો કે એની સામે સ્ત્રીઓ એકાધિક અને દીર્ઘકાલીન ઉત્તેજના અનુભવી શકે છે. સ્ત્રીઓના જી-સ્પોટ અને ફુવારા ફૂટવાની વાયકાઓ સદીઓથી પુરુષોને (અને સ્ત્રીઓને પણ!) પીડતી આવી છે. સ્ત્રીને ચરમસીમા સુધી લઈ જવામાં પુરુષને મર્દાનગીનું સાફલ્ય લાગે છે, અને સ્ત્રીને પોતાને કામોત્તાપ સુધી ન પહોંચાડી શકવામાં પુરુષનું વૈફલ્ય. બંને પક્ષ વૈજ્ઞાનિકરીતે ખોટા છે. સ્ત્રીઓમાં યૌનરસોનો ફુવારો છૂટવો (સ્ક્વર્ટિંગ) કાયમી ઘટના નથી અને એ પુરુષોના કામકૌશલ્યને આધીન નથી. સંભોગક્રિયામાં સ્ત્રી કેટલી હળવી, તણાવમુક્ત અને તલ્લીન હોય એના પર એનો વધુ મદાર છે. કામાવેગની ચોટીએ સ્ત્રીના શરીરમાં ઓક્સિટોસિન અને અન્ય એન્ડોર્ફિન્સની માત્રા વધી જાય છે, જેના કારણે સ્ત્રી ઉત્તેજના અને રસસ્ત્રાવ અનુભવે છે. બાદમાં ડોપામિનના સ્ત્રાવના કારણે સ્ત્રી પણ પુરુષની જેમ શિથિલતા અને હળવાશ અનુભવે છે. અહીં ઉભયની ક્રીડામાં કામાવેગ કરતાં પ્રેમાવેગ વધુ પ્રબળ હોવાથી અને સ્ત્રી હળવી, તણાવમુક્ત અને પુરુષના પાશમાં લીન હોવાથી એનામાં રસસ્ત્રાવનો ફુવારો જાગૃત થાય છે.

કવિતામાં આ પ્રસંગના બંને અર્થ સંભવ છે. આખું અષ્ટક માત્ર રતિક્રીડાનું વર્ણન હોય અને સ્ત્રી યોનિસ્ત્રાવ થતાં સ્ખલિત થઈ રતિ નિષ્પત્તિ અનુભવે ત્યાં સુધીની એક જ ક્રિયાનું વર્ણન હોવાનું પણ વિચારી શકાય. અને પ્લે અને સ્ત્રીને પરાકાષ્ઠા સુધી લઈ જતા આફ્ટરપ્લેને આ અષ્ટક સાંકળતું હોવાનો મતલબ પણ કરી શકાય. બીજું અર્થઘટન કદાચ વધુ ઉચિત છે કેમકે પ્રશાંત સુખની દૃઢપકડમાં નિરાંતે સૂતી સ્ત્રીનું ચિત્રણ એના પક્ષમાં છે. હશે, કવિતા તો ભાવકે-ભાવકે અલગ સ્વરૂપે આવી શકે અને એક જ ભાવકને અલગ-અલગ સમય અને મનોસ્થિતિમાં પણ વિધવિધરૂપે રસપાન કરાવી શકે. આપણા માટે અગત્યનું છે પ્રેમની આ રમતનું સુવાંગ સંતુષ્ટિકરણ સાથે નિષ્પન્ન થવું. કવિતાના અર્થગાન કરતાં ઉભયના સાયુજ્યનું ભાવપાન વધુ મહત્ત્વનું છે.

સૉનેટમાં અષ્ટક પત્યા બાદ નિર્ધારિત ભાવપલટો આવે છે. અષ્ટક ભૂતકાળનો સ્મૃતિલેખ છે. ષટક વર્તમાનકાળનો દસ્તાવેજ છે. અને આ બે બિંદુઓ વચ્ચે લાં…બો સમયખંડ વ્યાપ્ત છે. પ્રિય કે મારા વહાલા કહીને કવયિત્રી નાયકને સંબોધે છે. કથનરીતિ એ જ છે પણ શરૂમાં પુરુષ માટે કોઈ સંબોધન વપરાયું નહોતું. પ્રેમપ્રસંગના સ્મરણ પછી વર્તમાન સાથે જોડાતી નાયિકાને વહાલભર્યું સંબોધન સૂઝે છે ધ્યાનાર્હ છે. વર્ષો જૂની ઘટનાનો સંપૂર્ણ નિચોડ આપણને એક સંબોધનમાંથી મળી રહે એ જ ખરું કવિકર્મ છે ને?

નાયિકા નાયકને કહે છે કે વહાલા! એ ઘટના અને આજની વચ્ચે વર્ષોનાં વહાણાં વાઈ ચૂક્યાં છે. આપણે બંને બહુ જલ્દી મોટાં થઈ ગયાં. જુઓ તો કાળ અને વિરોધાભાસ! એ નાયકની આગોશમાં હતી ત્યારે થીજી ગયેલો સમય બંને જુદાં પડ્યાં કે દોડતો પસાર થઈ ગયો. બે જણ અલગ હોવાની જે આશંકા સૉનેટની પ્રથમ પંક્તિમાંથી જન્મી હતી એની પુષ્ટિ આ પછીની કડીમાંથી સાંપડે છે, જ્યારે એ કહે છે કે આપણે બંને ઝડપથી પણ પોતપોતાની રીતે અને પોતપોતાની જાત સાથે ઝૂઝતાં-ઝઝૂમતાં મોટાં થયાં છીએ. ઘણીવાર બે જણ એક જ છત તળે અલગ રહીને ઘરડાં થાય છે પણ આ અહીં જે પ્રકારનો સ્નેહસંબંધ આલેખાયો છે એ જોતાં આ શક્યતા નહિવત્ જણાય છે. હા, બંને એકમેકના સતત પરિચયમાં કે નિકટમાં રહ્યાં હોય એનો સંભવ ખરો.

વરસો બાદ કથક એના વૃદ્ધ થઈ ગયેલા પ્રિયજનને નિહાળે છે. મરીઝ અવશ્ય યાદ આવે:

ઘણા વર્ષો પછી આવ્યા છો એનો આ પુરાવો છે,
જે મહેંદી હાથ અને પગ પર હતી તે કેશ પર લાગી.

જો કે અહીં વાત મેંદી જેટલી સ્થૂળ કક્ષાએ નથી. આ વૃદ્ધ સાથી પાસે આજે સ્વપ્નો પણ બચ્યાં નથી. આજીવિકા રહી નથી અને શરીર પર ઓવરકોટ પણ નથી. કેનેડા જેવા શીતપ્રદેશમાં ઓવરકોટ તો જીવાદોરી ગણાય. પણ વીતેલાં વર્ષોમાં દારિદ્રયે એ હદે અજગરભરડો લીધો છે કે માણસ પાસે સ્વપ્નોય રહ્યાં નથી. પોતાની આર્થિક-માનસિક સંપત્તિ કે દરિદ્રતા વિશે નાયિકા ફોડ પાડતી નથી, પણ કાવ્યાંતે સાચી સંપત્તિના દર્શન કરાવે છે. આજીવન પોતપોતાની રીતે સંઘર્ષરત અને અલગ રહ્યાં હોવા છતાં બંને હરહંમેશ નિકટતમ રહ્યાં છે. આની સામે, બે જણ જીવનભર સાથે રહી અસંખ્ય વાર સંયુક્ત થાય તોય બની શકે કે એ જીવન વગરનું સહજીવન હોય:

છે હાથ હાથમાં છતાં કોસોની દૂરી છે,
મજબૂરી સાથે રહેવાની વચ્ચે ઢબૂરી છે.

દેહયુગ્મ તો બહુધા આદતન જ હોય. અશરીરી નૈકટ્ય શરીરી નિકટતાથી વધુ બળવત્તર અને દીર્ઘજીવી હોય છે. મનમેળ હંમેશા તનમેળથી વિશેષ જ હોય. વળી અહીં તો એકનો મહિમા છે. એકનું માધુર્ય છે. એકવારના સહ-શ્વાસ પછીનો જીવનભરનો ઉપવાસ એકધારા સહવાસથી વધી ગયો છે. મૃતલોકમાં અમૃતકુંભનો જેકપોટ લાગી ગયો. અને આ અ-મૃત એવું મીઠું છે કે અહેસાસની જીભે કદી કડવાશ પકડી નથી. એકવારની અનુભૂતિ એટલી સાચી હતી કે એ કાળાતીત બની રહી. આજે હવે યુવાની નથી, સંભોગ નથી, સ્વપ્નો નથી, રોજીરોટી નથી, ઓવરકોટ નથી પણ પ્રેમ? એ તો હતો, છે અને રહેશે જ. પ્રેમ નામની ધાતુને ‘નથી’નો કાટ નથી લાગતો. કાળનો કૂચડો માણસો પર ફરી શકે છે, પ્રેમ પર નહીં. આદતવશ સેક્સરત રહેતાં મિકેનિકલ કપલના બદલે સ્વકીય સંઘર્ષમાં રત રહીને, અલગ રહીને પણ આ બે જણ નિકટતમ રહી શક્યાં છે. કારણ કે પ્રેમનું ઊંજણ સગપણ અને સમજણમાં સતત પૂરાતું રહ્યું છે…

ટાઇટેનિક ફિલ્મમાં સલિન ડીઓનના કંઠે ગવાયેલ ‘માય હાર્ટ વિલ ગો ઓન’ ગીતમાં આવી જ વાત છે: પ્યાર ભલે એક જ વાર થાય પણ એ જીવનભર ટકે છે અને આપણે ચાલ્યા જઈએ ત્યાં સુધી નાશ પામતો નથી…. એક સાચો સમય જેને હું આજીવન સાચવી રાખીશ… આપણે હંમેશા આ રીતે જ રહીશું. તું મારા હૃદયમાં સુરક્ષિત છે અને મારું હૃદય ધડકતું રહેશે, ધડકતું રહેશે…

અને અંતે ઉશનસના ‘સોહાગ રાત અને પછી’ સૉનેટની ચાર પંક્તિ મમળાવીએ:

તમે તે રાત્રે જે રીતથી રતિથી ગૂઢ ગહને
પ્રવેશ્યા પાતાળો મહીં સકલ અસ્તિત્વ મુજના:
ગર્યું જાણે સ્વાતિસુખદ અમીનું બુંદ છીપમાં,
હજી આનંદે તે વીજપુલકની ના કળ વળે,

ગ્લૉબલ કવિતા : ૧૯૬ : વસંત વિલાસ- ૦૧ – અજ્ઞાત

વસંત વિલાસ – પ્રકૃતિ અને પ્રણયનો અનનુભૂત સમન્વય

એકવિધતાથી વધુ બોરિંગ બીજું કંઈ હોતું નથી. કદાચ એટલે જ કુદરતે ઋતુચક્રનું નિર્માણ કર્યું હશે. એક પછી એક ઋતુઓની પીંછી ફરતી જાય અને દૃશ્યો બદલાતાં જાય. શિયાળો, ઉનાળો અને ચોમાસુ આપણી મુખ્ય ઋતુ અને હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ આપણી પેટાઋતુઓ. આમાં વસંત અને વર્ષા –આ બે તો સૌની સૌથી વધુ લાડકી. અથર્વવેદના પૃથ્વીસૂક્તમાં ‘तस्य ते वसन्त: शिर’ કહીને વસંતને બધી ઋતુઓમાં માથે બેસાડવામાં આવી છે. શ્રીમદ ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ પણ ‘ઋતુઓમાં હું વસંત છું’ (‘ऋतूनां कुसुमाकरः’ ૯:૩૫) કહે છે. વેદોના સૂક્તોથી લઈને રામાયણ, મહાભારત જેવા આપણા મોટાભાગના આદિકાવ્યોમાં ઋતુવર્ણનો જોવા મળે છે. કાલિદાસે ‘ઋતુસંહાર’ના છઠ્ઠા સર્ગમાં અપૂર્વ વસંતમહિમાગાન કર્યું છે, જે બે જ શ્લોકાંશમાં પણ યથાર્થ જોઈ શકાય છે: ‘सर्व प्रिये चारुतरं वसंते’ (હે પ્રિયે! વસંત ઋતુમાં બધું જ વધુ સુંદર લાગે છે) (૦૬:૦૨); ‘सद्यो वसन्तसमयेन समाचितेयं रक्तांशुका नववधूरिव भाति भूमिः।‘ (વસન્તનો સમાગમ પમી ધરતી જાણે કે લાલ પાનેતર પહેરેલી નવવધૂની જેમ શોભી ઊઠી છે.) (૦૬:૧૯) ગુજરાતી ભાષામાં પણ વસંત ઋતુનો સંસ્પર્શ ન કર્યો હોય એવો કવિ જડવો મુશ્કેલ છે. અત્રે પ્રસ્તુત દોહરાઓ ‘વસંતવિલાસ’માંથી લીધા છે.

‘વસંતવિલાસ’ નામ જ કવિતાના વિષયવસ્તુ પર પ્રકાશ ફેંકવા સક્ષમ છે. વસંત ઋતુ અને કામવિલાસ –બંનેનો અહીં સુભગ સમન્વય થયો છે. આપણી ભાષામાં અને કદાચ બીજી ભાષાઓમાં પણ વસંત અને વિલાસનું આવું પ્રતિષ્ઠાગાન અન્યત્ર જડવું દોહ્યલું છે. કાવ્યપ્રકારની દૃષ્ટિએ ‘વસંતવિલાસ’ ફાગુકાવ્ય છે. મધ્યકાલીન ગુજરાતમાં આ કાવ્યપ્રકાર ખીલ્યો-ફાલ્યો હતો. સંસ્કૃત ‘ફલ્ગુ’ અર્થાત્ ફાગણ-વસંત પરથી પ્રાકૃત ભાષામાં ‘ફગ્ગુ’ શબ્દ આવ્યો, જેના પરથી ‘ફાગુ’ શબ્દ ઊતરી આવ્યાનું મનાય છે. (‘ફાગ,’ ‘ફાગણ,’ અને ‘ફાલ્ગુની’ નક્ષત્રની ગંગોત્રી પણ અહીં જડે છે.) આમ, ફાગુને વસંતવર્ણન માટેનો કાવ્યપ્રકાર કહી શકાય. વસંતના વર્ણન ઉપરાંત સંભોગ અને વિપ્રલંભશૃંગાર ફાગુકાવ્યોમાં અવિનાભાવી સંબંધે જોડાયેલ છે. આપણે ત્યાં ચૌદમીથી લઈને સત્તરમી સદી સુધી કવિઓએ ફાગુવિહાર કર્યાનું જોવા મળે છે. ‘રાસ’ કાવ્યોની જેમ જ એ સમયે ‘ફાગુ’ કાવ્ય પણ ગવાતું અને નૃત્યાદિ સાથે રમાતું. એ સમયના જૈનકવિઓએ ફાગુકાવ્યપ્રકારમાં સવિશેષ ખેડાણ કર્યું છે. ફાગુકાવ્યોના બહુધા જૈન (સોથી પણ વધુ) અને જૈનેતર (દસેક જેટલાં) એમ બે સ્વરૂપ ઉપલબ્ધ છે.

મધ્યકાળના કવિઓમાં કાવ્યાંતે પોતાનો નામોલ્લેખ સામાન્ય હતો, પણ આશરે પંદરમી સદીના પ્રારંભકાળમાં રચાયેલ અને મોટાભાગે જૈનેતર ગણાતા ‘વસંતવિલાસ’ના કર્તાનું નામ શોધવામાં ઇતિહાસકારો સફળ થયા નથી. ઈ.સ. ૧૬૩૮ની એક હસ્તપ્રતના અંતભાગે ‘इति मुंजकविना कृतं वसंतविलास फ़ाग समाप्तः’ લખેલું મળી આવ્યું છે અને વસંતવિલાસની આખરી કડીમાં પણ ‘મુંજ’ શબ્દ વપરાયો હોવાથી કેટલાક લોકો કવિનું નામ મુંજ હોવાનું અનુમાને છે, પણ સર્વસ્વીકૃત અભિપ્રાય વસંતવિલાસને અજ્ઞાત કર્તાની શિષ્ટસાહિત્યકૃતિ હોવાનું સ્વીકારે છે.

સ્વરૂપની દૃષ્ટિએ વસંતવિલાસ દુહા/દોહરા છંદમાં લખાયેલ કાવ્ય છે. દુહાની બંને પંક્તિઓમાં અનુક્રમે ૧૩ તથા ૧૧ માત્રાના બે ચરણ મળીને કુલ્લે ૨૪ માત્રા હોય છે. એકી (પ્રથમ અને ત્રીજા) ચરણનું માપ દાદા દાદા દાલદા અને બીજા-ચોથા (બેકી) ચરણનું માપ દાદા દાદા ગાલ મુજબ હોય છે, જેમાં લઘુ માત્રા યથાવત્ જાળવવાની હોય છે. વસંતવિલાસમાં જો કે દુહાબંધ ઘણી જગ્યાએ શિથિલ પડ્યો અનુભવાય છે. વસંતવિલાસમાં કુલ્લે ૮૪ કડીઓ (દુહાઓ) છે. સમ (બેકી) ચરણોના અંતે પ્રાસ મેળવવાનો રહે છે. પણ વસંતવિલાસની ખરી ખૂબી વાક્યાંતે આવતા ચુસ્ત અંત્યાનુપ્રાસ ઉપરાંત પંક્તિઓમાં વચ્ચે આવતા આંતર્પ્રાસમાં છે, જેને વિદ્વાનો યમકસાંકળી કહે છે. બે ચરણખંડોને જોડતી યમકસાંકળી ઉપરાંત કાવ્યસંગીતને અદકેરી ઊંચાઈએ લઈ જતી અભૂતપૂર્વ વર્ણસગાઈ વસંતવિલાસને તત્કાલીન ફાગુકાવ્યોનો બ્રાન્ડ એમ્બેસડર બનાવે છે, અને અપ્રતિમ કવિપ્રતિભાનું પ્રમાણ પૂરું પાડે છે. ગુજરાતી વ્યાકરણના પુસ્તકમાં જોવા મળે એ તમામ અલંકારો અને ઉપમાઓ કદાચ છસો વર્ષ પૂર્વે લખાયેલા આ કાવ્યમાંથી જડી આવે એવી ને એટલી આ રચનાની ભાષાસમૃદ્ધિ છે. પ્રવાહી ભાષા, વિપુલ શબ્દભંડોળ, અનન્ય નાદસૌંદર્ય, અદભુત અંતર્પ્રાસ અને અભૂતપૂર્વ આંતરપ્રાસની દૃષ્ટિએ આધુનિક યુગની ઉત્તમ ગીતરચનાઓને ટક્કર આપે એવી છે. કવિને એકેય જગ્યાએ વર્ણન કે ભાવ આલેખવા; લય કે પ્રાસ જાળવવા શબ્દોની તંગી પડી હોવાનું દેખાતું નથી. છસો વર્ષ પૂર્વેની આપણી ભાષા પણ કેટલી સબળ-સક્ષમ હતી એનું વસંતવિલાસથી મોટું પ્રમાણ જડવું મુશ્કેલ છે.

આખું કાવ્ય તબક્કાવાર ગતિ કરે છે. કાવ્યારંભે મંગળાચરણ બાદ શરૂમાં વસંત ઋતુનો વૈભવ અને કામદેવનો મહિમા આલેખાયો છે. વસંત-વન અને મદનવર્ણનમાં ક્રમશઃ પિયુની પ્રતીક્ષામાં સળગી રહેલી પ્રોષિતભર્તૃકાની પીડા ભળે છે. વિરહિણીની ઉદ્દીપ્ત અવસ્થામાં છેવટે પ્રિયતમના આગમનની ખુશી અને અંતે ઉભયના મિલન અને પ્રણયવિલાસનું વર્ણન સામેલ થાય છે. પણ સરવાળે આ સળંગસૂત્રી રચના છે. શરૂથી અંત સુધી સમગ્ર કાવ્યવસ્તુ એક જ તાંતણે બંધાયેલું રહે છે.

થોડા દુહા જોઈએ:
(૦૧)
પહુતીય શિવરતિ સમરતિ હવ રિતુ તણીય વસંત,
દહ દિસિ પસરઈં પરિમલ નિરમલ થ્યા દિશિ અંત. |૨|

સમરાત્રિ શિવરાત્રિ ને આવી ઋતુ વસંત,
દસ દિશ પરિમલ પ્રસરી ને નિરમલ થયા દિગંત |૨|

સમરાત્રિ શિવરાત્રિ આવી પહોંચી છે. હવે વસંત તણી ઋતુ છે. દસે દિશામાં પરિમલ પ્રસરી રહી છે અને દિગંત નિર્મલ થયા છે.

આમ તો વસંતપંચમીથી વસંત ઋતુ શરૂ થયેલી ગણાય પણ વસંતપંચમી મહા માસના પ્રારંભે (ફેબ્રુઆરીમાં) આવે છે અને શિવરાત્રિ મહા માસના અંતે. શિવરાત્રિ શિયાળો પૂરો થયાનું અને વસંતના આગમનનો ઈશારો કરે છે. અને ફાગણ મહિનાથી (મધ્યમાર્ચથી) વસંત ઋતુની શરૂઆત થાય છે. અંગ્રેજી કેલેન્ડર મુજબ ૨૧મી માર્ચે અને આપણા પંચાગ મુજબ શિવરાત્રિના રોજ દિવસ અને રાતની લંબાઈ એકસમાન હોય છે. કવિ કહે છે, જેમાં દિવસ અને રાત એકસમાન છે એવી શિવરાત્રિ આવી ચૂકી છે, અર્થાત્ હવે વસંત ઋતુ શરૂ થઈ છે. પરિણામે છોડ-વૃક્ષો પર પુષ્પો ખીલી ઊઠ્યાં છે અને એમની સુગંધ દસેય દિશાઓમાં ફેલાઈ રહી છે. વળી, આકાશમાં આ સમયે વાદળો પણ જોવા મળતાં નથી અને આકાશ પણ નિર્મળ સ્વચ્છ નજરે ચડે છે. કવિએ શિવરતિ-સમરતિની યમકસાંકળી સાથે રિતુની વર્ણસગાઈ બાંધી છે. ત-દ-પની વર્ણસગાઈ ઉપરાંત પરિમલ-નિરમલ, દિસિ-દિશિ પણ તરત ધ્યાન ખેંચે છે.

(૦૨)
વસંત તણા ગુણ ગહગહ્યા, મહમહ્યા સવિ સહકાર,
ત્રિભુવનિ જયજયકાર પિકા રવ કરઈં અપાર. |૪|

ફગફગ ગુણ વસંત તણા, મઘમઘ સૌ સહકાર,
અપાર ટહુકી કોકિલા, કરે ત્રિભુવન જયજયકાર. |૪|

વસંતના ગુણ વિસ્તરી રહ્યાં છે. બધા આંબા મઘમઘી રહ્યા છે. અને કોયલના અપાર ટહુકા ત્રિભુવનમાં જયજયકાર કરી રહ્યા છે.

કવિએ આંબા માટે સહકાર શબ્દ વાપર્યો છે. જંગલી અને સારા આંબાની ડાળ એકસાથે બાંધીને સહિયારી કલમ ચડાવવાથી જે કલમી આંબો બને તેને સહકાર કહેવાય છે.

પિકવલ્લભ કામાંગ સુરભ મદિરા સખ સહકાર,
અંબ રસાલની ડાળીઓ નમી રહી ફળભાર. (પિંગળલઘુકોષ)

વસંત ઋતુની લાક્ષણિકતાઓ ઊઘડી રહી છે. આંબાઓ મંજરીઓથી મઘમઘ થવા માંડ્યા છે અને વસંત ઋતુની છડીદાર એવી કોયલ એના પાર વિનાના ટહુકાઓથી ત્રણેય ભવનમાં વસંત ઋતુનો જયજયકાર કરવા માંડી છે. બે જ પંક્તિમાં કેવું અદભુત ચિત્ર કવિએ દોરી આપ્યું છે! કાલિદાસનું ઋતુસંહાર ફરી યાદ આવે:

आकम्पयन्कुसुमिताः सहकारशाखा विस्तारयन्परभृतस्य वचांसि दिक्षु।
वायुर्विवाति हृदयानि हरन्नराणां नीहारपातविगमात्सुभगो वसन्ते ॥६.२२॥

વસંતમાં શીતકાળ વીતી જવાથી મનભાવન વાયુ વાય છે. તે પુષ્પસભર આમ્રવૃક્ષની શાખાઓને ડોલાવી રહ્યો છે. કોયલના ટહુકાઓને સર્વ દિશાઓમાં ફેલાવી રહ્યો છે અને સહુ નરોના હૃદયોને હરી રહ્યો છે. ભર્તૃહરિ શૃંગારશતકમાં લખે છે: प्रसरति मधौ धात्र्यां जातो न कस्य गुणोदयः। (८१) (વસંત ધરતી ઉપર પ્રસરે છે ત્યારે કોના ગુણોનો ઉદય નથી થતો?) વસંતના પ્રભાવથી બધું જ ગુણવાન બને છે.

(૦૩)
માનિનીજનમનક્ષોભન શોભન વાઉલા વાઈ,
નિધુવનકેલિકલામીય કામીય અંગિ સુહાઈં. |૬|

ક્ષુબ્ધ કરે માનુની મન, મનહર વાયુ વાય,
કામક્લાન્ત કામી તણા અંગોને સુખ થાય. |૬|

માનિની સ્ત્રીઓના મનને ક્ષુબ્ધ કરે એવા મનોહર વાયુ વાય છે. રતિક્રીડાથી થાકેલા કામી જનોના અંગોને શાતા વળે છે.

વાસંતી વાયરા વાઈ રહ્યા છે. વસંતના પવનનો તો જાદુ જ નોખો. એ ભલભલી માનુનીઓના માનપાન મૂકાવે, મનને વિચલિત કરી દે એવો મનહર છે. કામકેલિ કરીને થાકી ગયેલા કામીજનોના અંગોને આ પવન વાતા શાતા અનુભવાય છે. કવિએ નિધુવનકેલિ શબ્દ પ્રયોજ્યો છે, જેનો અર્થ છે જેમાં શરીરની નાડી માત્ર આનંદિત થતી હોય એવી જાતનો સંભોગ. કવિને કેટલો સબળ શબ્દકોશ હૃદયસ્થ છે એ સમજી શકાય છે. આ દોહામાં અનુનાસિક વર્ણોનો મુશળધાર વરસાદ અકલ્પનીય નાદસંગીતથી આપણને સરાબોળ ભીંજવે છે. આપણી વર્ણમાલામાં ઙ્, ઞ, ણ, ન, મ, એમ પાંચ અનુનાસિક વ્યંજન છે. કવિએ ‘ન’ અને ‘મ’ની વર્ણસગાઈથી અનુદ્ભુત નાદસૌંદર્ય જન્માવ્યું છે. ક્ષોભન-શોભન, કલામીય-કામીય જેવી યમકસાંકળી તો વળી ખરી જ.

(૦૪)
મુનિજનનાં મન ભેદઈ, છેદઈ માનિની માન,
કામીય મનહ આણંદએ કંદએ પથિકપરાણ. |૭|

મન ભેદે મુનિ તણાં, છેદે માનુની માન,
કામીને આનંદ દે, પથિકના પીડે પ્રાણ. |૭|

(વાસંતી વાયરા) મુનિજનોના મનને ભેદે છે, માનુનીઓનાં માન છેદે છે, કામીના મનને આનંદિત કરે છે, અને પથિકજનોના પ્રાણને પીડે છે.

વસંતના વાયરાનું વર્ણન આગળ વધે છે. વસંત ઋતુનો પ્રભાવ કંઈ એવો છે કે ભલભલા મુનિવરો પણ બેચેન થઈ ઊઠે. અને જો સાધુવરોના મન પણ વ્યથિત થઈ ઊઠતાં હોય તો મદભરી મનુનીઓના માનની તો શી વિસાત? ‘चित्तं मुनेरपि हरन्ति निवृत्तरागं प्रागेव रागमलिनानि मनांसि यूनाम्॥’ (જેમનો કામવિકાર શમી ગયો છે એવા મુનિના ચિત્તને પણ હરે છે, તો જેના મન રાગસભર છે એવા યુવાનોનું તો પૂછવું જ શું?) (કાલિદાસ ઋતુસંહાર: ૦૬:૨૬) અર્થોપાર્જનાર્થે ઘર ત્યજી બહાર નીકળનાર પથિકની કામેચ્છામાં પણ વસંત ઋતુ ભડકો ચાંપે છે, પરિણામે તેઓના પ્રાણ પિયુવિરહની પીડા ભોગવે છે. વસંતના જાદુથી પ્રદીપ્ત થયેલ કામાગ્નિ શાંત કરવામાં નસીબદાર એવા કામીજનો જ માત્ર આ ઋતુમાં આનંદપ્રાપ્તિ અનુભવે છે. ભર્તૃહરિ પણ કહે છે કે, વસંત શીતળ વાયુઓથી વિરહીઓનાં શરીરને મારે છે, અરેરે! વિપત્તિમાં અમૃત પણ ઝેર બને છે. (विरहिणः प्रहिणस्ति शरीरिणो विपदि हन्त सुधापि विषायते।) (શૃંગારશતક: ૮૨ ) ઇસવીસનની પહેલી કે બીજી સદીમાં, આશરે ૨૦૦૦ વર્ષ પૂર્વે થઈ ગયેલા સાતવાહન-હાલ કવિના પ્રાકૃત મુક્તકોમાં પણ વસંતવાયુથી પથિકોને થતી પીડાનું વર્ણન જોવા મળે છે:

કુરુણાહો-વિઅ પહિઓ દુમ્મિજ્જઈ માહવસ્સ મિલિએણ
ભીમેણ જહિચ્છાએ દાહિણન્વાએણ છિપ્પંતો

જેમ માધવ (કૃષ્ણ)ના સંગે રહેલા ભીમના દક્ષિણ ચરણનો ભરપૂર સ્પર્શ પામીને દુર્યોધન પીડિત થયેલો, તેમ માધવ (વસંત)ના સંગે રહેલા ભીમ (ભીષણ) દક્ષિણ પવનનો ભરપૂર સ્પર્શ પામતો આ પથિક પીડાઈ રહ્યો છે.

ગ્લૉબલ કવિતા : ૧૯૫ : ઓઝીમેન્ડીઅસ – શેલી

Ozymandias

I met a traveller from an antique land,
Who said—“Two vast and trunkless legs of stone
Stand in the desert. . . . Near them, on the sand,
Half sunk a shattered visage lies, whose frown,
And wrinkled lip, and sneer of cold command,
Tell that its sculptor well those passions read
Which yet survive, stamped on these lifeless things,
The hand that mocked them, and the heart that fed;
And on the pedestal, these words appear:
My name is Ozymandias, King of Kings;
Look on my Works, ye Mighty, and despair!
Nothing beside remains. Round the decay
Of that colossal Wreck, boundless and bare
The lone and level sands stretch far away.”

– Percy Bysshe Shelley


ઓઝીમેન્ડીઅસ

મળ્યો હું પુરાણા મલક ભણીના એ પથિકને,
કહ્યું જેણે – “મોટા ધડહીન પગો બે, ખડકના
મરુમાં ઊભા છે… નિકટ રણમાં ત્યાં જ પડ્યું છે
તૂટ્યું માથું, અર્ધું ગરક રણમાં, તેવર તીખાં
અને વંકાયેલા અધર, ક્રૂર આદેશની હંસી,
કહે છે શિલ્પીએ અદલ જ ગ્રહ્યા ભાવ સહુ, જે
હજીયે બચ્યાં આ જડ ચીજ પરે અંકિત થઈ,
બધાની ટીકા જે કર થકી કરી, પોષણ કર્યું
દિલે જે; ને કુંભી પર નજર આ શબ્દ ચડતાં:
હું ઓઝીમેન્ડીઅસ -નૃપ નૃપ તણો- નામ મુજ છે;
જુઓ મારા કાર્યો, સબળ જન, થાઓ સહુ દુઃખી!
– હવે આજે મોટા ક્ષયગ્રસિત ભંગારથી વધુ
બચ્યું ના બીજું કૈં, નજર ફરકે ત્યાં લગ બધે
અટૂલી રેતી છે, સમથળ, ઉઘાડી, અસીમ ત્યાં.”

– પર્સી બિશ શેલી
(અનુ.: વિવેક મનહર ટેલર)


समय समय बलवान है|
સંસારમાં સૌથી મોટો વિનાશક કોણ એવો સવાલ કોઈ કરે તો તરત માથું ખંજવાળવાનું થાય. કોના પર આંગળી મૂકીએ? અઘરો સવાલ છે. જવાબ શો હોઈ શકે? વિશ્વયુદ્ધ? અણુબૉમ્બ? હિટલર જેવા નરસંહારકો? કે સંહારના દેવતા શંકર? યુદ્ધ કંઈ રોજેરોજ ન થાય. અણુબૉમ્બ અને હિટલર પણ સદીઓમાં એકાદવાર વિનાશ નોતરે. તો પછી મહાસંહારકનું બિરુદ આપણે કોને આપીશું? છે કોઈ એવું જે પળેપળ અને દરેકેદરેકનો અનવરત સંહાર કરતું હોય? હા, થોડું વિચારતાં સમજાય કે સમયથી મોટો વિનાશકર્તા અવર કોઈ જ સંભવ નથી. શિવનું તાંડવ પણ ત્રીજું નેત્ર ખૂલે ત્યારે જ જોવા મળે પણ સમય તો એના ક્ષણોના છીણી-હથોડા લઈ સતત સંહારતો રહે છે. દરેક આવનારી પળ પ્રવર્તમાન પળનો સંહાર કરતી જ જન્મે છે. સમયનું ટાંકણું ભલભલા ‘છે’ને ‘હતા’ બનાવી દે છે. સમય અવળો હોય તો મહાભારતનું આખું યુદ્ધ અંકે કરી લેનાર અર્જુનને મામૂલી ભીલ પણ લૂંટી લે:

समय समय बलवान है, नहीं मनुष बलवान,
काबे अर्जुन लूंटियो, वही धनुष, वही बाण॥

સમયનું બુલડોઝર જિંદગીના રસ્તા પર સતત ફરતું રહે છે અને બધા જ ખાડા-ટેકરાને સમથળ બનાવતું રહે છે. કાળનો ન્યાય રાજા-રંક બંનેને ત્રાજવાના એક જ પલ્લામાં ઊભા કરી દે છે અને કાળની આ અસીમ શક્તિ અને મનુષ્યના મિથ્યાભિમાનની ક્ષણભંગુરતા શેલીની પ્રસ્તુત રચનામાં બખૂબી ઉપસી આવે છે.

પર્સી બિશ શેલી. ૦૪-૦૮-૧૭૯૨ના રોજ ઇંગ્લેન્ડમાં જન્મ. વંશપરંપરાગત અમીર. પણ નાનપણથી જ ક્રાંતિકારી વિચારો, આઝાદ મગજ અને બૌદ્ધિક જિજ્ઞાસા દીવા જેવા સાફ. મુક્તપ્રેમના અને નાસ્તિકવાદના ચાહક. ‘નાસ્તિકતાની જરૂરિયાત’ શીર્ષકવાળું પોતાનું લખાણ પરત ખેંચી લેવાની માંગણીના અસ્વીકારના કારણે એમણે ન માત્ર ઓક્સફર્ડથી, ધનાઢ્ય પરિવારથી પણ અને એ રીતે આર્થિક મોકળાશથીય વેગળા થવું પડ્યું. ઓગણીસ વર્ષની ઉંમરે હેરિયટ વેસ્ટબ્રુકની સાથે ભાગી ગયા અને લગ્ન કર્યા. બે સંતાનના પિતા થયા પણ પછી મેરી ગોડવિનના પ્રેમમાં પડી એની સાથે ભાગી જઈ ઇટાલીમાં સ્થાયી થયા. બાયરન સાથે ગાઢી દોસ્તી. ૦૮-૦૭-૧૮૨૨ના રોજ શબ્દોના મહાસાગરને સફળતાપૂર્વક પાર કરી શકનાર શેલી ૨૯ વર્ષની નાની વયે ડોન જુઆન નામની યાટમાં સ્પેઝિયાના અખાતમાં નીકળ્યા હતા ત્યારે તોફાનના કારણે ડૂબી ગયા. શેલીની કારયત્રી પ્રતિભા જોતાં આ અકાળ અવસાનથી સાહિત્યજગતને પડેલી ખોટ પૂરી પૂરાય એમ નથી એમ સહેજે કહી શકાય.

શેલી રોમેન્ટિસિઝમના અગ્રગણ્ય કવિ હતા. જે રીતે નાટ્યકાર-સૉનેટિઅર તરીકે શેક્સપિઅર અતુલ્ય છે એ જ રીતે ગીતકાર તરીકે શેલી નિર્વિવાદપણે બેજોડ છે. સ્વપ્નદૃષ્ટા પ્રબોધક કાવ્યો અને ઉત્તમોત્તમ નાનાં ગીતકાવ્યો –એમ શેલીને બે સાફ વિભાગમાં વહેંચી શકાય. શેલીની શૈલી સરળ, સહજ, લવચિક અને આવેશપૂર્ણ હતી. ભાષાની શુધ્ધતા, કલ્પનની ઊંચાઈ અને બયાનની પ્રવાહિતાના કારણે શેલી અલગ તરી આવે છે. ટૂંકમાં શેલી સરળતા અને ગહનતાનો સુભગ સમન્વય હતા.

ઓઝીમેન્ડીઅસ નામ આપણા માટે આગંતુક છે. લગભગ ૩૩૦૦ વર્ષ પહેલાં (ઈ.પૂ. ૧૩૦૦) જન્મેલ રેમસિઝ બીજાનું ઇજિપ્શ્યન નામ User-maat-Re હતું જેનું ગ્રીક ઓઝીમેન્ડીઅસ થાય. શેલી એ રેમસિઝ કે ઉસર-માત-રે નામો પડતાં મૂકીને ઓઝીમેન્ડીઅસની પસંદગી કરી કેમકે પ્રાચીન ગ્રીક ભાષા પર એમનું ખાસ્સું પ્રભુત્વ હતું. ઓઝિયમનો અર્થ શ્વાસ કે હવા થાય છે અને મેન્ડેટ અર્થાત્ શાસન કરવું. એ અર્થમાં ઓઝીમેન્ડીઅસ યાને ‘શાસન કરવા માટે શ્વસવું (જીવવું).’ ઓઝીમેન્ડીઅસ ઇજિપ્તની ગાદી પર આરુઢ થયેલો ત્રીજો ફેરો હતો. તમામ ફેરોમાં એ સૌથી વધુ શક્તિશાળી હતો અને સૌથી લાંબા સમય સુધી શાસક રહ્યો. સવાત્રણ હજાર વર્ષ પહેલાં એણે લગભગ છ માળ ઊંચું ૫૭ ફૂટનું પૂતળું બનાવડાવ્યું હતું.

મોટા દેખાવું, પ્રસિદ્ધ થવું કોને નથી ગમતું પણ પોતે હોઈએ એનાથીય વધુ વિરાટ દેખાવાની ઝંખના જ્યારે બિમારીની કક્ષાએ પહોંચે ત્યારે એને મેગાલોમેનિયા કહે છે. મેગાલોમેનિઆક માણસ સ્વથી આગળ વધી શકતો નથી. આ બિમારી નાર્સિસિસ્ટીક પર્સનાલિટી ડિસઓર્ડર (NPD) તરીકે પણ ઓળખાય છે. મેગાલોમેનિઆકના હાથમાં ઓઝીમેન્ડીઅસ જેવી સત્તા આવી જાય એનું એક ઉદાહરણ આ ગંજાવર પૂતળું છે. પણ જે રીતે અંધારું નાના-મોટા વચ્ચેનો ભેદ ભૂંસી નાંખે છે એ જ રીતે સમય પણ ખોટી મોટાઈને ભૂંસીને નીરક્ષીરન્યાય કરી જ દે છે. કહ્યું છે ને:

અહમ્ સામે ઝૂકેલા સૃષ્ટિ ઝૂકાવી નથી શકતા,
સિકંદર હો કે હો ચંગીઝ, કો’ ફાવી નથી શકતા.

૧૯૧૭માં લંડનના બ્રિટિશ મ્યુઝિયમ દ્વારા ઇ.પૂ. ૧૩મી સદીનું રેમસિઝ બીજાનું જંગી પૂતળું (જે ૧૯૨૧માં લંડન પહોંચ્યું) પ્રાપ્ત કરાયું હોવાના સમાચારે આ રચના માટે પ્રેરણા આપી હોવાનું મનાય છે. મિત્ર હોરાસ સ્મિથ સાથેની સ્પર્ધામાં શેલીએ આ સૉનેટ લખ્યું હતું. સ્મિથે પણ આજ શીર્ષકથી સૉનેટ લખ્યું છે. સ્મિથના સૉનેટમાં શેલીએ જે વાત કરી છે એની સાથોસાથ લંડન શહેરની શિકારી દોડ અને શક્તિશાળી પ્રાચીન જાતિઓ વિશેનું આશ્ચર્ય વ્યક્ત થયું છે. શેલીના સૉનેટથી વિપરિત સ્મિથનું સૉનેટ પૌરાણિક સંસ્કૃતિઓનો અભ્યાસ કરવા માટે આપણી પાસે કલ્પનાથી વિશેષ કશું બચતું નથી એ સૂર પર આવીને ખતમ થાય છે. ‘પ્લેનેટ ઑફ એપ્સ’ ફિલ્મમાં અણુયુદ્ધ પછી દરિયાકિનારે રખડતાં ટેઇલર અને નોવાને સ્ટેચ્યૂ ઑફ લિબર્ટીના અવશેષ સાંપડે છે એ દૃશ્યની યાદ અપાવે છે.

ઓઝીમેન્ડીઅસ સૉનેટ અષ્ટક-ષટક સ્વરૂપે બહુધા આયમ્બિક પેન્ટામીટરમાં છે પણ શેલી વચ્ચે વચ્ચે અનિયમિતતાથી ટ્રોકી (trochee) પ્રયોજીને કોઈ એક છંદને વળગી રહેવાથી અળગા રહ્યા છે. સૉનેટ સ્વરૂપ પેટ્રાર્કન છે પણ પ્રથમ ચાર પંક્તિમાં શેક્સપિરિઅન પ્રકારની પ્રાસરચના છે, જે આગળ જતાં પ્રાસ ક્રમશઃ ગતિ કરતો હોય એવો આભાસ જન્માવતી પણ અનિયમિત (ABABACDC EDEFEF) પ્રયોજાઈ છે. શિખરિણીમાં અનુવાદ કરતી વખતે પ્રાસરચનાનો ત્યાગ કર્યો છે. શિખરિણી છંદમાં અઢારમો અક્ષર આવી ન શકે એ હકીકતને થોડી પળ ગજવે ઘાલીને ઓઝીમેન્ડીઅસ નામના છેલ્લા બે અક્ષર ‘અસ’ની બે લઘુ માત્રાને ઉચ્ચાર મુજબ એક ગુરુભાર આપવાની ધૃષ્ટતા પણ કરી છે. શેલીની આ રચના એની ખરી શૈલીની દ્યોતક નથી. પ્રમાણમાં આખી કવિતા એક જ લીટીમાં ચાલે છે અને કોઈપણ ગૂઢાર્થ ખિસ્સામાં છુપાવી રાખતી નથી. પણ સાવ સહજ-સરળ હોવાથી અને જનમનને તરત જ સ્પર્શી જાય એવું સાર્વત્રિક ભાવકેન્દ્ર ધરાવતી હોવાના કારણે એ શેલીની સૌથી વધુ લોકપ્રિય થયેલી અને ટંકાયેલી રચના બની. આખી રચના બે સ્તરે ચાલતા એકતરફી સંવાદ સ્વરૂપે છે. એક બાજુ, કવિ વાચક સાથે એકતરફી વાત કરે છે અને બીજી બાજુ, એક વટેમાર્ગુ કવિની સાથે વાત કરે છે અને પ્રથમ સવા લીટીને બાદ કરતાં આખો મોનોલોગ વટેમાર્ગુ તરફથી જ કરવામાં આવ્યો છે. સંવાદ ઉભયતરફી હોવાના બદલે બંનેય સ્તરે એકતરફી હોવાની આ રીતિ પોતે પણ ઓઝીમેન્ડીઅસની સરમુખત્યારીની દ્યોતક ગણી શકાય.

કાવ્યારંભે કવિ કહે છે કે એ કોઈક પ્રાચીન સ્થળ, અહીં ઇજિપ્ત તરફથી આવેલા મુસાફરને મળ્યા હતા. એ મુસાફરે પોતાને જે કહ્યું એ આખેઆખું બયાન એટલે બાકીનું સૉનેટ. ઇજિપ્તના રણમાં નજર પહોંચે ત્યાં સુધી ચારે તરફ ફેલાયેલી અફાટ-અસીમ રેતીના સમુદ્રની વચ્ચોવચ મુસાફરે એક પૂતળું જોયું હતું જેના વિશે એ કવિને વિગતે વાત કરે છે. સૉનેટ ‘I’ (હું)થી શરૂ થાય છે. આ કેપિટલ આઇ ઓઝીમેન્ડીઅસના સુપર ઇગોનું પણ સૂચન કરે છે.

વટેમાર્ગુ જણાવે છે કે સમયની થપાટો ખાઈ ખાઈને મહાકાય પૂતળું હતું-ન હતું થઈ ગયું છે. રણમધ્યે માત્ર એક કુંભી ઉપર બચી ગયેલા બે વિરાટકાય પગ પૂતળાના ખરા કદની સાક્ષી પૂરતા બચ્યા છે. માથું તૂટીને નજીકમાં રણમાં પડ્યું છે અને સમય સાથે રેતીમાં અડધું ગરકાવ થઈ ગયું છે. ધડનું તો નામોનિશાન રહ્યું નથી. મુસાફરે રેતીમાં આડા ખૂંપેલા ચહેરાના બહાર દેખાતા અડધિયા પર કોતરાયેલ ભાવોને ચિવટાઈથી નિહાળ્યાં છે. ચહેરા પર ભવાં તણાયેલા છે, હોઠ વંકાયેલા છે અને ઠંડા કલેજે આદેશ આપતા હોવાનો ભાવ બખૂબી એ રીતે કોતરવામાં આવ્યા છે કે જોનાર સમજી શકાય કે શિલ્પીએ આ સરખુમત્યાર રાજાનો ઉપહાસ કરવામાં પોતાની કળા રેડી દીધી હશે. રાજાનું જીવન તો પૂરું થયું પણ આ જીવનહીન વિરાટકાય પથ્થર પર કંડારાયેલા મનોભાવ હજી પણ એમનેમ ટકી રહ્યા છે. શિલ્પીએ આવનારી પેઢીઓને રાજાનો સાચો પરિચય આપવામાં કશું બાકી રાખ્યું નથી. આ કળાનો ચમત્કાર છે. જે વાત મોઢામોઢ કહેવી શક્ય ન બને એ વાત કળાકાર આસાનીથી કહી શકે છે. શિલ્પીએ પોતાની હાંસી ઊડાવી છે એ હકીકત કદાચ સત્તાના મદમાં આંધળા ફેરોને દેખાઈ-સમજાઈ પણ નહીં હોય.

શેલીએ mockedને પણ બે અર્થમાં પ્રયોજ્યો હોવાનું સમજાય છે. એક, શેક્સપિઅરની જેમ ‘વર્ણવવું’ના અર્થમાં તો બીજું, સર્વમાન્ય ‘હાંસી ઊડાવવું’ તરીકે. ગુજરાતી અનુવાદ માટે આવો શબ્દ જડવો અશક્ય હોવાથી ‘ટીકા’ શબ્દ વાપર્યો છે, જેનો એક અર્થ ‘સમાલોચના’ અને બીજો સર્વમાન્ય ‘હાંસી’ થાય છે જેથી મૂળ કૃતિની બને એટલા નજીક રહી શકાય. જુલમી આપખુદ ફેરોની મુખમુદ્રા પર હાવભાવ કોતરીને એની ટીકા કરનાર શિલ્પી પોતે અને આવા જુલ્મો સહન કરનાર, આવા જુલમીને પોષનાર હૃદય અર્થાત્ લાચાર પ્રજા – આમાનું કંઈ હવે બચ્યું નથી. મૂર્તિના બચેલા પગ જેના પર ઊભા છે એ કુંભી પરનું લખાણ શેલીએ થોડું બદલ્યું છે. મૂળ જે પૂતળું મળ્યું છે એની કુંભી ઉપરનું લખાણ આમ છે: ‘રાજાઓનો રાજા છું હું, ઓઝીમેન્ડીઅસ. જો કોઈને જાણવા માંગતું હોય કે હું કેટલો મહાન છું અને ક્યાં સૂતો છું, તો એ મારા કામમાં મને વટીને આગળ નીકળી જાય.’ કવિએ આ કાવ્યહેતુથી poetic-license વાપરીને આ લખાણમાં થોડો ફેરફાર કર્યો છે. કવિતામાં કુંભી પરનું લખાણ આ છે: ‘હું રાજાઓનો રાજા છું. મારું નામ ઓઝીમેન્ડીઅસ છે. હે શક્તિશાળી લોકો! મારા કાર્ય તરફ જુઓ અને નિઃસાસા નાંખો.’ ભગવદ્ગીતામાં કહ્યું છે: ‘अहङ्कारविमूढात्मा कर्ताहमिति मन्यते| (અધ્યાય:૩, શ્લોક ૨૭) (અહંકારથી ભ્રમિત જીવ પોતાની જાતને સમગ્ર કાર્યોનો કર્તા માની લે છે.) ઓઝીમેન્ડીસે પણ પોતાને સર્વશક્તિમાન માન્યો હશે. હકીકતમાં આજે ક્રૂર શાસક ઓઝીમેન્ડીઅસ, એના ક્રૂર ભાવો શિલ્પાંકિત કરનાર શિલ્પી અને એના જુલમો સહન કરી અન્યાયને પોષનાર પ્રજા -એ બધા જ સમયની રેતીમાં ક્યારે ગરકાવ થઈ ગયા એય કોઈ જાણતું નથી. મહાન જર્મન તત્ત્વચિંતક નિત્શેએ સાચું જ કહ્યું’તું: ‘જ્યારે પણ હું ઊંચે ચડું છું, અહમ નામનો કૂતરો મારો પીછો કરે છે.’

જૈનાચાર્ય શય્યમ્ભવ ‘દશવૈકાલિક સૂત્ર’માં કહે છે : ‘माणो विणयनासणो|’ (માન વિનયનો નાશ કરે છે.) આપણે વાતવાતમાં ‘નામ તેનો નાશ’ અને ‘અભિમાન તો રાજા રાવણનું પણ નથી રહ્યું’ બોલતા હોઈએ છીએ. પ્રસ્તુત સૉનેટ આજ વાતનો બોલતો અરીસો છે. કબીર યાદ આવે:

कबीर गर्व न किजीये, चाम लपेटी हाड़।
एक दिन तेरा छत्र सिर, देगा काल उखाड़॥

શેકસપિઅરનું મેક્બેથ આખું નાટક અહંકાર અને એનાથી સર્જાતી દુર્દશાનું કથાનક છે. ‘એઝ યુ લાઇક ઇટ’માં એ કહે છે, ‘મારું અભિમાન મારા સદભાગ્યની સાથે જ જમીનદોસ્ત થયું.’ ‘ટ્રોઇલસ અને ક્રેસિડા’માં શેક્સપિઅર જ કહે છે, ‘જે અભિમાન કરે છે એ પોતાની જાતને જ ખાઈ જાય છે’ ઓઝીમેન્ડીઅસનો પણ સમયે એ જ હાલ કર્યો. જે સ્થળે ક્યારેક વિશાળ સામ્રાજ્યની જાહોજલાલી હશે એ સ્થળે આજે આ વિશાળકાય પણ તૂટ્યા-ફૂટ્યા ભંગાર સિવાય કંઈ જ બચ્યું નથી. નજર પહોંચે ત્યાં સુધી ચોતરફ સ્થળ-કાળ તમામને સમથળ કરી દેતી અફાટ-અસીમ રેતી સિવાય બીજું કંઈ જ નથી. રેતી માટે કવિએ અટૂલી વિશેષણ વાપર્યું છે કેમકે રાજા, પ્રજા અને નગર –આમાંથી કશું સમય આગળ ટકી શક્યું નથી. એકલી રેતી જ રહી ગઈ છે. કુંભી પરના લખાણનો નવો જ અર્થ સામે આવે છે. પોતાનું વિશાળ સામ્રાજ્ય અને પ્રચંડકાય કાર્યો જોઈને જોનારાઓને દુઃખી થવાનો સંદેશ આપતું ફેરોનું લખાણ હવે અવશેષો અને રણમાં પલોટાઈ ગયેલ ઓઝિમેન્ડિઅસની બડાશની જ ઠેકડી ઊડાડતું હોવાનું અનુભવાય છે.

શેલી કહે છે, ‘કવિઓ દુનિયાના અસ્વીકૃત કાનૂનનિર્માતા છે.’ સાચી વાત છે. તહસનહસ થઈ ગયા બાદ પણ ૩૩૦૦ વર્ષોથી ટકી રહેલ ઓઝીમેન્ડીઅસની કુંભી પરના લખાણની નિરર્થક વાસ્તવિકતા સામે કવિ જ અરીસો ધરી શકે. કળાકારે ફેરોના હાવભાવ આબાદ કોતર્યા ન હોત અને ગંજાવર પૂતળું બનાવ્યું ન હોત તો સાડા ત્રણ હજાર વર્ષ બાદ આપણી પાસે એ વિશે કોઈ માહિતી હોવાની સંભાવના જ નહોતી… જે-તે સમયે જે-જે હતું એ તમામ રેતીમાં રેતી થઈ લોપાઈ ગયું પણ કળાકારની કળાનો નમૂનો ક્ષત-વિક્ષત થઈ ગયો હોવા છતાં સમયને અતિક્રમીને અમર થઈ ગયો. રાજાની કર્મ કે દુષ્કર્મ નહીં, પણ શિલ્પીના ટાંકણાએ સર્જેલી કૃતિ કાળાતીત બની રહી. શેલીના મતે ‘કવિતા એવો અરીસો છે જે વિરૂપનેય સુંદર બનાવે છે.’ સમયની છીણીથી ભગ્નાવશેષ બની ગયેલ ઓઝીમેન્ડીઅસનું તૂટેલું પૂતળું જે રીતે શિલ્પીના શિલ્પમાં એમ જ શેલીના સૉનેટમાં અ-ક્ષત, અ-મર બની ગયું છે. કળા સિવાય બાકી બધાને સમય ઇતિહાસ બનાવી દે છે. મનુષ્યના મિથ્યાભિમાન પર આખરી હાસ્ય એનું જ હોય છે, શું એટલે જ એને ઇતિ-હાસ કહે છે?

ગ્લૉબલ કવિતા : ૧૯૧ : સૉનેટ ૧૮- વિલિયમ શેક્સપિઅર

Sonnet 18

Shall I compare thee to a summer’s day?
Thou art more lovely and more temperate:
Rough winds do shake the darling buds of May,
And summer’s lease hath all too short a date:

Sometime too hot the eye of heaven shines,
And often is his gold complexion dimm’d;
And every fair from fair sometime declines,
By chance or nature’s changing course untrimm’d;

But thy eternal summer shall not fade
Nor lose possession of that fair thou owest;
Nor shall Death brag thou wander’st in his shade,
When in eternal lines to time thou growest:

So long as men can breathe or eyes can see,
So long lives this and this gives life to thee.

– William Shakespeare


સૉનેટ ૧૮

કહે, ઉનાળાનો દિવસ તુજને કેમ કહું હું?
વધુ છે તું એથી પ્રિય, અધિક ઉષ્માસભર છે:
વસંતી ફૂલોને પવન વસમો, કેમ બચવું?,
વળી ઉનાળોયે દિન ગણતરીના જ ટકશે:

કદી આકાશી નેણ વધુ પડતા તેજ બનતાં,
કદી આ કાંતિયે કનકવરણી ઝાંખી પડતી;
અને રૂપાળાના સમય વીતતા રૂપ વીતતા,
અકસ્માતે યા તો કુદરત તણા કાળક્રમથી;

ઉનાળો તારો આ કદી નહિ વીતે, શાશ્વત થશે
અને કોઈ કાળે વિલીન ન થશે રૂપ તવ આ,
બડાઈ ના હાંકે યમ, અવગતે તું જઈ ફરે,
તું જ્યારે જીવે છે અજર-અમરા આ કવનમાં:

શ્વસે છે જ્યાં સુધી મનુષ અથવા આંખ નીરખે,
જીવે ત્યાં સુધી આ, જીવન ધરશે એ જ તુજને.

-વિલિયમ શેક્સપિઅર
(અનુ.: વિવેક મનહર ટેલર)


જીવન નાશવંત છે, કળા અમર છે..

દુનિયામાં કશું સનાતન નથી. જે આવે છે તે જાય જ છે. શ્વાસની સાથે જ ઉચ્છવાસ અને જન્મની સાથે જ મૃત્યુ લખાઈ ગયા હોવા છતાં અમરત્વની, શાશ્વતીની કામના કોણ નથી કરતું? પણ જીવનમાં કેટલીક વસ્તુઓ સમયાતીત છે. કળા એમાંની એક છે. સૌંદર્ય ક્ષણિક છે, સૌંદર્યની અદાઓ ક્ષણભંગુર છે પણ અક્ષર? અ-ક્ષર અવિનાશી છે. કળા કાળાતીત છે. શબ્દોમાં કંડારાયેલ શિલ્પ શાશ્વત-સનાતન બની શકે છે. હિપોક્રેટ્સે કહ્યું હતું: Ars Longa Vita Brevis (જીવન ટૂંકું છે, કળા શાશ્વત છે). આ દૃષ્ટિકોણથી શેક્સપિઅરનું આ સૉનેટ જોઈએ.

What is there in name? આ ઉક્તિ ભલે વિલિયમ શેક્સપિઅરની કેમ ન હોય, પણ ભાગ્યે જ કોઈ શિક્ષિત મનુષ્ય એમના નામથી અજાણ્યો હશે. નિર્વિવાદિતપણે અંગ્રેજી સાહિત્યજગતના બિનહરીફ શહેનશાહ. સર્વકાલીન સર્વશ્રેષ્ઠ સાહિત્યકાર. જેમના નાટ્કો અને કવિતાઓ ચાર-ચાર સૈકાથી વિશ્વભરના માનવમન પર એકહથ્થુ રાજ કરી રહ્યાં છે એમનું મોટાભાગનું જીવન હજીય એક રહસ્ય જ બની રહ્યું છે. મોટાભાગે ૨૩-૦૪-૧૫૬૪ના રોજ સ્ટ્રેટફર્ડ-એટ—એવોન ખાતે ચામડાના વેપારી જોન અને મેરી આર્ડનને ત્યાં જન્મ. બાળપણ અને અભ્યાસ અંગે પણ ભાગ્યે જ કોઈ જાણકારી છે. ૧૮ની ઊંમરે સાત-આઠ વર્ષ મોટી એન હથવે સાથે લગ્ન. બે સંતાન. સમલૈંગિકતાનો આરોપ પણ બહુચર્ચિત. ૧૫૮૫થી લઈને ૧૫૯૨ સુધીનો ગાળો ‘લોસ્ટ પિરિયડ’ તરીકે ઓળખાય છે. આ વર્ષોમાં એ ક્યાં હતા, શું કરતા હતા એની ભાગ્યે જ કોઈ અધિકૃત માહિતી ઉપલબ્ધ છે. કહે છે, આ સમયગાળામાં એ કળાકાર થવા માટે લંડન પહોંચ્યા હશે. લંડનના નાટ્યગૃહો ૧૫૯૨થી ૧૫૯૪ દરમિયાન પ્લેગના કારણે બંધ રહ્યાં હતાં. ૧૫૯૪માં લોર્ડ ચેમ્બર્લિનની નાટ્યસંસ્થામાં જોડાયા. થોડા સમય બાદ ‘ધ ગ્લૉબ’ સાથે જોડાયા જે પ્રવર્તમાન સમયની સૌથી વધુ લોકપ્રિય નાટ્યસંસ્થા હતી. ત્યાં શેક્સપિઅર બે પાંદડે થયા, પોતાનું ઘર ખરીદ્યું. ૨૩-૦૪-૧૬૧૬ના રોજ નિધન.

દુનિયાની તમામ ભાષાઓમાં એમના સાહિત્યનો અનુવાદ થયો છે. એમના સમકાલીન બેન જોન્સને કહ્યું હતું કે આ માણસ કોઈ એક યુગનો નથી, પણ સર્વકાલીન છે. શેક્સપિઅરના ૧૫૪ સૉનેટ વિશ્વસાહિત્યનું મહામૂલું ઘરેણું છે. પહેલાં ૧૨૬ સૉનેટ ઉંમરમાં નાના પણ સામાજિક સ્તરે ચડિયાતા મિત્ર કે પ્રેમીપુરુષને સંબોધીને લખાયાં છે. એ પછીના સૉનેટ એકાધિક સંબંધ રાખનાર શ્યામસુંદરીને સંબોધીને લખાયાં છે. શેક્સપિઅરની જિંદગી બહુધા એક અણજાણ કોયડો હોવાથી અને કવિતાઓ નાટ્યાત્મક આત્મકથનાત્મક શૈલીમાં હોવાથી કવિતાને એમની જિંદગીની માનવાની લાલચ થાય પણ અંતિમ સત્ય તો અનભિજ્ઞ જ છે. આ સૉનેટોમાં સજાતીય અને વિજાતીય સંબંધો, પ્રેમ-બેવફાઈ બધું જ ઊઘડીને સામે આવે છે. વિવેચક જોન બેરીમેને કહ્યું હતું: ‘જ્યારે શેકસપિઅરે લખ્યું કે મારે બે પ્રેમી છે, વાચક, એ મજાક નહોતો કરતો.’ મહદાંશે આ સૉનેટો સમય અને અનિવાર્ય ક્ષયની સામે પ્રેમ, સૌંદર્ય અને ખાસ તો કળાની શાશ્વતતાને મૂકે છે. શેક્સપિઅરે લેટિન, ફ્રેંચ, ગ્રીક જેવી ભાષાના શબ્દો અને શબ્દોના મૂળને હાથ ઝાલીને સેંકડો નવા શબ્દો અને શબ્દપ્રયોગો ભેટ આપ્યા છે. કોઈપણ કવિનો કોઈ ભાષા પર આવો વિરાટ અને એકલહથ્થો પ્રભાવ न भूतो, न भविष्यति છે. લગભગ ૩૭ જેટલા નાટકો એમના નામે બોલાય છે જેમાંના એકાદ-બેને બાદ કરતાં એકપણ મૌલિક નથી. મોટાભાગના નાટકોમાં જાણીતી-અજાણી વાર્તાઓ-ઘટનાઓના સંમિશ્રણ હોવા છતાં કથાગૂંફનનું નાવીન્ય, અભૂતપૂર્વ શબ્દસામર્થ્ય, ભાષા પરની અન્ન્ય હથોટી, માનવમનના અંતરતમ સંવેદનોને તાદૃશ કરવાની કળા, નાનાવિધ લોકબોલીઓનો ઊંડો અભ્યાસ અને ઉત્તમ કાવ્યત્ત્વથી રસાયેલાં આ નાટકો વિશ્વસમગ્રમાં સર્વશ્રેષ્ઠ ગણાયાં છે. કદાચ સૌથી વધારે વાર મંચિત પણ થયાં હશે. એક સર્જક તરીકે એમનો પ્રભાવ અનન્ય, સર્વકાલીન અને સર્વવ્યાપી રહ્યો છે.

સૉનેટનો જન્મ ઇટાલીમાં થયો પણ એને ઇંગ્લેન્ડમાં સર થોમસ વાયટ અને હેન્રી હાવર્ડ અર્લ ઑફ સરે લાવ્યા. ઇટાલિયન સૉનેટ પેટ્રાર્કન સૉનેટ તરીકે પણ ઓળખાય છે જેમાં અષ્ટક-ષટકની પંક્તિવ્યવસ્થા અને ABBA ABBA / CDE CDE (અથવા CDCDCD) પ્રાસવ્યવસ્થા છે, જે અંગ્રેજી ભાષાને સાનુકૂળ નહોતી. વાયટ અંગ્રેજીમાં સૉનેટ લાવ્યા તો અર્લ ઑફ સરે ત્રણ ચતુષ્ક- યુગ્મકની પંક્તિવ્યવસ્થા તથા ABAB CDCD EFEF GG મુજબની પ્રાસવ્યવસ્થા લાવ્યા, જે પ્રાસ-નબળી અંગ્રેજી ભાષાના ગળે શીરાની જેમ ઊતરી ગઈ. શેક્સપિઅરે એમાં એવી હથોટીથી ખેડાણ કર્યું કે અંગ્રેજી સૉનેટ પર એમનો સિક્કો લાગી ગયો. એ શેક્સપિરિઅન સૉનેટ કહેવાયું.

શેક્સપિઅરના મોટાભાગના સૉનેટમાં કોઈએક શબ્દ પુનરાવર્તિત થતો નજરે ચડે છે. બહુધા ત્રણેય ચતુષ્ક અને યુગ્મમાં એક-એકવાર અર્થાત્ કુલ્લે ચારવાર તો ખરો જ. આ સૉનેટમાં summer, sometime અને fair શબ્દ ત્રણવાર તો eternal વગેરે બબ્બેવાર છે. હેલન વેન્ડલરના અવલોકન મુજબ એક નોંધપાત્ર પાસું couplet-tie છે, જેમાં આખરી યુગ્મકનો મહત્ત્વનો શબ્દ સૉનેટમાં ક્યાંક અનુસંધાયેલ હોય છે, પ્રસ્તુત સૉનેટમાં યુગ્મકનો eye પ્રથમ પંક્તિના ‘I’ તથા પાંચમી પંક્તિના eye સાથે તાલ મિલાવે છે. આ રીતે એ સૉનેટના મુખ્ય શરીર અને યુગ્મકને જોડે છે. ક્યારેક કવિ વિરોધાભાસી શબ્દોને અડખપડખે મૂકીને વાતને પરાકાષ્ઠાએ લઈ જાય છે. પ્રસ્તુત સૉનેટમાં eternal summer આવો જ એક પ્રયોગ છે. ઋતુ હોવાના નાતે ઉનાળાનું આયુષ્ય નિશ્ચિત છે. ‘તારો રમણીય ઉનાળો’ એમ પણ કહી શકાયું હોત પણ કવિ મર્ત્ય અને અમર્ત્યને એક તાંતણે બાંધી દે છે. જેન કોટ કહે છે, શેક્સપિઅરનું યુગ્મક અનિવાર્યપણે નાયક પોતાને જ સીધું ઉદ્દેશીને બોલતો હોય એ પ્રકારના આત્મકથાત્મક સંવાદથી બનેલું હોય છે. ૧૫૪માંથી ૧૪૫ (આયંબિક ટેટ્રામીટર)મા સોનેટને બાદ કરતાં બાકીના આયંબિક પેન્ટામીટરમાં લખાયા છે. પહેલા ૧૭ સૉનેટ પ્રજોત્પાદન સૉનેટ (Procreation Sonnets) ગણાયા છે. ૧૯મા સૉનેટથી સમય કેન્દ્રવર્તી સ્થાન લે છે. કહી શકાય કે અઢારમું સૉનેટ બે વચ્ચેનું સંક્રમણ-સૉનેટ છે કેમકે ૧૫થી ૧૭મા સૉનેટમાં જીવનને શાશ્વત બનાવવાની મથામણ અને કાવ્યામૃતની વાતો છે, ૧૮માં સૉનેટમાં આ વાત દૃઢીભૂત થાય છે અને ૧૯મા સૉનેટમાં સમય અને ઘડપણને કવિતાની મદદથી પડકાર અપાતો જોવા મળે છે. કવિતા દ્વારા અમરત્વનો શેક્સપિઅરનો વિચાર જે આગળના સૉનેટ્સમાં ઢીલોપોચો દેખાય છે, એ અહીં આત્મવિશ્વાસની ટોચે પહોંચેલો નજરે ચડે છે. કદાચ સૉનેટ લખતાં-લખતાં ૧૮મા સૉનેટ સુધી કવિ આવ્યા હશે ત્યાં સુધીમાં એમને પોતાને પોતાની સર્ગશક્તિ અને શાશ્વતીનો અંદાજ આવી ચૂક્યો હશે, જે આત્મવિશ્વાસ આ પછીના સૉનેટ્સમાં બળવત્તર થયેલો જોઈ શકાય છે.

અહીં અઢારમા સૉનેટમાં શેક્સપિઅરે ત્રણેય ચતુષ્ક અને અંતિમ યુગ્મકને પૂર્ણવિરામોથી અલગ કરવાના બદલે એકસૂત્રે બાંધીને પ્રવાહિતા આણી છે. આઠ પંક્તિ પછી ભાવપલટો અને અંતિમ બે પંક્તિઓમાં ચોટ –એમ સૉનેટના અનિવાર્ય અંગો અલગ તારવી શકાતા હોવા છતાં સળંગસૂત્રિતા મુખ્ય પાસુ છે. પ્રિયપાત્રને પ્રશ્ન પૂછવાથી કવિ કાવ્યારંભ કરે છે. પૂછે છે, કહે, ઉનાળાના દિવસ સાથે તને હું શી રીતે સરખાવું? શેક્સપિઅરનો ઉનાળો સમજવા માટે ઇંગ્લેન્ડમાં પણ જવું પડે. આપણે ત્યાંથી વિપરિત હાડ ગાળી નાંખે એવા શિયાળા પછી ઉનાળો ક્યારે આવે એની ત્યાં કાગડોળે રાહ જોવાતી હોય છે. ‘હૉમ થોટ્સ, ફ્રોમ અબ્રોડ’માં રૉબર્ટ બ્રાઉનિંગ પણ ઇંગ્લેન્ડના ઉનાળાને યાદ કરીને નૉસ્ટેલજિક થયા છે. ૧૭૫૨ સુધી ઇંગ્લેન્ડમાં આજે વપરાતા ગ્રેગોરિઅન કેલેન્ડરના સ્થાને જૂનું જુલિયન કેલેન્ડર વપરાતું, એટલે મે મહિનો પ્રારંભિક ઉનાળાનો સમય હતો. ‘મે ડે’ ઉત્સવનો, પ્રણયફાગનો દિવસ ગણાતો. ઉનાળાનો દિવસ સૌને મન અતિપ્રિય હોવા છતાં કવિ પ્રિયપાત્રને એની સાથે સરખાવતાં ખચકાટ અનુભવે છે. કેમ? તો કે, ઉનાળા જેવી જાજરમાન, માનવંતી, સૌંદર્યવતી ઋતુના દિવસ કરતાં પણ પ્રિયપાત્ર વધુ પ્રિય પણ છે અને વધુ ઉષ્માસભર પણ છે. દઝાડતી ગરમી કે થીજાવતી ઠંડી નહીં, પણ મનભાવન ઉષ્મા આપે એવી. નવપલ્લવિત ફૂલ-કૂંપળોને મે મહિનાના વસમા પવનનો ડર સતત રહે છે. ઇંગ્લેન્ડના મે મહિનાના ઉનાળાને આપણા માર્ચ મહિનાના ફાગણ –વસંત ઋતુ સાથે સરખાવી શકાય. આપણા કેલેન્ડર મુજબ પણ વસંત ઋતુ એટલે ફાગણ અને ચૈત્ર, યાને મધ્ય માર્ચથી મધ્ય મે સુધીનો સમય. એટલે અનુવાદમાં મે મહિનાના સ્થાને એને અનુરૂપ વસંતી ફૂલો ખીલ્યાં છે, જેમને માટે નઠોર પવનોથી કેમ બચવું એ સવાલ તો ઊભો જ રહે છે. વળી ઉનાળો પોતે પણ કેટલા દિવસ ટકવાનો? સમય નામના મકાનમાલિકને ત્યાં ઉનાળાનો ભાડાકરાર કંઈ કાયમી નથી હોતો. ગણતરીની દિવસોમાં ઉનાળાનો પણ અંત થનાર છે. તો પછી પ્રિયજનની સરખામણી એની સાથે શીદ કરી શકાય?

વળી, ઉનાળાના તેજ-છાંયા પણ કાયમી નથી. કવિ જેને આકાશી નેણ કહી સંબોધે છે, એ સૂર્ય ઉનાળામાં ક્યારેક અસહ્ય તપે છે તો ક્યારેક એની સ્વર્ણપ્રભા વાદળોનું ગ્રહણ લાગી જતાં ઓઝપાઈ પણ જાય છે. પ્રકૃતિમાં કશું જ ચિરસ્થાયી નથી. સૃષ્ટિનું ચક્ર કદી સ્થિર રહેતું નથી. જે રીતે ઋતુપલટા અનિવાર્ય છે એ જ રીતે, ક્યારેક અકસ્માતે તો ક્યારેક કુદરતના અફર કાળચક્રની અડફેટે ચડીને ભલભલા રૂપસ્વીઓના રૂપ પણ સમય જતાં વિલાઈ જાય છે. સૉનેટ ૧૧૬માં શેક્સપિઅર લખે છે: ‘ગુલાબી હોઠો અને ગાલ પણ એના (સમયના) દાંતરડાથી છટકી શકતા નથી.’ બારમા સૉનેટમાં પણ એ લખે છે કે, ‘એવું કશું નથી જે સમયના દાંતરડા સામે કંઈપણ બચાવ કરી શકતું નથી.’ કુદરત સર્વદા પરિવર્તનશીલ છે એ તરફ ઈશારો કરીને કવિ સમસ્ત પ્રકૃતિની ક્ષણભંગુરતા તરફનો પોતાનો અણગમો પણ પ્રદર્શિત કરે છે. કવિની ગતિ પણ સ્વથી સર્વ પ્રતિની છે- એક દિવસથી કદી-ક્યારેક તરફ અને એક સૂર્યથી અનેક સૂર્ય-તમામ રૂપાળાઓ તરફની છે. વ્યક્તિથી સમષ્ટિ સુધીની વાત પ્રથમ બે ચતુષ્કમાં સમાવી કવિ સૉનેટમાં અનિવાર્ય એવો વળાંક (વૉલ્ટા) લે છે.

સૃષ્ટિમાં બધું જ અસ્થાયી અને ચલાયમાન છે, નશ્વર અથવા કામચલાઉ છે, એટલે જ કવિ સૃષ્ટિના ઘટકત્ત્વો સાથે વહાલાની બરાબરી કરવા માંગતા નથી. જો કે કવિને ખાતરી છે કે ઉનાળાથીય વધુ ઉષ્માસભર અને અધિકતર પ્યારા પ્રિયપાત્રનો સુવર્ણકાળ –ઉનાળો કદી વીતનાર નથી, શાશ્વત રહેનાર છે. કવિને પ્રતીતિ છે કે એના વહાલાનું રૂપ-તેજ સમયના વાદળ કદી ઝાંખાં પાડી શકશે નહીં. પ્રિયજનનું રૂપ કાળની ગર્તામાં વિલીન નહીં જ થાય એ વિશ્વાસ-પ્રદર્શન સાથે કવિતા આગળ વધે છે. કવિ સર્જનહારની સમકક્ષ ગણાયો છે. (अपारे काव्यसंसारे कविः एव प्रजापतिः-આનંદવર્ધન) કદાચ એટલે જ કવિને વિશ્વાસ છે કે સાક્ષાત્ યમ પણ પ્રિયજનને પોતાના ખોળામાં સમાવી લઈને બડાઈ હાંકી શકનાર નથી કે જા, અવગતે જા અને ફરતો રહે. કેમકે પ્રિયપાત્ર તો કવિના કવનમાં અજરામર થઈ ચૂક્યું છે. ‘સામ્ઝ’ (Psalms) (૨૩.૩)માં Shadow of death (મૃત્યુના ઓળા)નો ઉલ્લેખ છે. બાઇબલમાં ‘મૃત્યુ! તારો ડંખ ક્યાં છે?’ કહીને મૃત્યુને જીવન પર વિજયની શેખી મારતું દર્શાવાયું છે. વર્જિલ (ઇ.પૂ. ૭૦-૧૯)ના ‘ઇનીઇડ’ (Aeneid)માં ઇનીઆસને મૃત્યુ પછી પાતાળમાં- પ્રેતલોકમાં જતો બતાવ્યો છે એ વાતથી પણ શેક્સપિઅર વાકેફ હોઈ શકે છે. બીજું, શેક્સપિઅરે Shade શબ્દ વાપર્યો છે, જેનો શાબ્દિક અર્થ અંધારું કે ઓછાયો છે. અંધારું મૃત્યુની કાલિમા નિર્દેશે છે, પણ જોડણીમાં સહેજ ફેરફાર કરી શરૂનો ‘એસ’ શબ્દાંતે મૂકીએ તો Shade નો Hades થાય. ગ્રીક પુરાકથામાં હેડ્સ મૃત્યુનો દેવતા અને પાતાળનો રાજા છે. આ બંને અર્થ આવા સમર્થ કવિને અભિપ્રેત ન હોય તો જ નવાઈ. અહીં ક્રમશઃ ઓઝપાતો પ્રકાશ પણ વર્તાય છે. વધુ પડતા તેજસ્વી આકાશી નેણ, ઝાંખી પડતી કાંતિ, સમય સાથે રૂપનો થતો ક્ષય, વીતતો ઉનાળો, અને મૃત્યુની કાલિમા – સૉનેટના વચલા બે ચતુષ્કમાં ज्योतिर्मा तमसो गमय જેવી ઉનાળાના દિવસની અવળી ગતિ દેખાય છે.

કાવ્યાંતે શેક્સપિઅર એમની સચોટ સૉનેટશૈલીને વળગી રહી, અંતિમ બે પંક્તિમાં આખી કવિતાનો સાર આપે છે. ઉનાળાના દિવસથી માંડીને પ્રકૃતિની તમામ ચીજ ભલેને નાશવંત હોય, ક્ષણિક હોય પણ હે પ્રિય! તું શાશ્વતીને પામનાર છે, કારણ કે તને મારી કવિતાઓ અમરત્વ બક્ષનાર છે. અમરત્વની વાત શેક્સપિઅરના પ્રથમ સૉનેટની પ્રથમ કડીઓથી જ નજરે ચડે છે: ‘સૌથી સુંદર લોકોએ બાળકો પેદા કરવાં જોઈએ, જેથી સૌંદર્યનું ગુલાબ કદી મૃત્યુ ન પામે.’ પણ પ્રથમ સત્તર સૉનેટ સુધી પ્રજોત્પાદનની હિમાકત કર્યા પછી અઢારમા સૉનેટમાં અમરત્વની ગુરુચાવી પ્રજોત્પત્તિમાં નહીં પણ પોતાની કવિતાઓમાં છે એવો ઘટસ્ફોટ શેક્સપિઅર કરે છે.

જો કે શેક્સપિઅર કવિ હોવા છતાંય કુશાગ્ર બુદ્ધિજીવી પણ હતા. એ વાસ્તવદર્શી હતા. એ ‘यावत्चंद्रौदिवाकरौ’ની વાત નથી કરતા, એ શાશ્વતીની ખાતરી અવશ્ય આપે છે, પણ આ ખાતરી મનુષ્યજાતના અસ્તિત્વ સુધીની જ છે. પૃથ્વી પર અનેક જીવો આવ્યા, જીવ્યા અને નામશેષ થઈ ચૂક્યા છે. મનુષ્યો પણ અમરપટો લખાવીને આવ્યા નથી. આખી માનવજાત ભવિષ્યમાં નેસ્તનાબૂદ થઈ જાય એમ પણ બને. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કળાનું અસ્તિત્ત્વ પણ મનુષ્યો ધરા પર વિચરણ કરે છે, ત્યાં સુધીની જ હોવાનું ને! મનુષ્યના નાશ સાથે જ કળા પણ નામશેષ-અર્થશેષ બની રહેશે. કવિ કહે છે, જ્યાં સુધી આ પૃથ્વી પર મનુષ્યો જીવતા હશે અથવા આંખ જોઈ શકતી હશે ત્યાં સુધી આ કવિતા જીવશે અને આ કવિતા તને સમયાતીત જીવન આપતી રહેશે. આખરે, કવિતાથી ચડિયાતી સંજીવની બીજી કઈ હોઈ શકે?

ગ્લૉબલ કવિતા : ૧૬૫ : પદયાત્રી – ટોમી બ્લૉન્ટ



The Pedestrian

When the pickup truck, with its side mirror,
almost took out my arm, the driver’s grin

reflected back; it was just a horror

show that was never going to happen,
don’t protest, don’t bother with the police

for my benefit, he gave me a smile—

he too was startled, redness in his face—
when I thought I was going, a short while,

to get myself killed: it wasn’t anger

when he bared his teeth, as if to caution
calm down, all good, no one died, ni[ght, neighbor]—

no sense getting all pissed, the commotion

of the past is the past; I was so dim,
he never saw me—of course, I saw him.

– Tommye Blount

પદયાત્રી

અને જ્યાં એના સાઇડ મિરરથી એ ભરી ટ્રકે
ઉખેડી નાંખ્યો હાથ લગભગ મારો, નજરમાં

ચડ્યો ત્યાં એનો ડ્રાઇવર ખિખિયાતો મિરરમાં,

ન ધારી’તી એવી ભયજનક બીના ઘટી, અરે!
ન વાંધો, ના તો રાવ કરું હું કશે, લાભપ્રદ એ

મને છે, હા, એવું સહજ સ્મિતથી એ કહી ગયો;

ડર્યો થોડો એયે, મુખ પણ થયું લાલ ઘડી તો,
ગયો નક્કી આજે હું, પળભર માટે થયું મને.

બતાવી બત્રીસી ઘડીપળ જ એણે, શું હતું એ?

નહોતો એ ગુસ્સો, અગર હતી તો તાકીદ હતી-
‘તું ઠંડો થા, ને જો બધું સરસ છે, ની [ચ/કળ], જા,

શું દાટ્યું ગુસ્સામાં? થતું, થયું, થશે આ જ સઘળે.

‘થયું એ ભૂલી જા’, ક્વચિત્ હું હતો એ મગતરૂં
ન જોયું એણે જે, પણ હું ન ચૂક્યો કૈં નીરખવું.

– ટોમી બ્લૉન્ટ
(અનુ.: વિવેક મનહર ટેલર)

રંગભેદ – વૈશ્વિક અન્યાયની ગંગોત્રી

‘હું શ્વાસ નથી લઈ શકતો… હું શ્વાસ નથી લઈ શકતો…’ –એ બોલતો રહ્યો પણ એને જમીન પર ઊંધો પાડી, એની ગરદન પર ઘૂંટણ દબાવીને બેઠેલ પોલિસકર્મીના બહેરા કાને ઓલવાતા અવાજના આ આર્તનાદો ન પડ્યા તે ન જ પડ્યા. જમા થયેલાં લોકો પણ ‘એની નાડી તપાસો..’ ‘જુઓ, એ શ્વાસ નથી લઈ શકતો..’ ‘શરીર હલતું બંધ થઈ ગયું છે’ બોલતાં રહ્યાં. એ પોલિસ(કુ)કર્મીના ત્રણ સાથીઓ ખડે પગે પેલા નરપિશાચની પડખે ઊભા રહ્યા. જ્યૉર્જ ફ્લૉઇડ એ ઇસમનું નામ. આજે દુનિયામાં ભાગ્યે જ કોઈ એનું નામ જાણતું નહીં હોય. કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે ૪૬ વર્ષની વયના જ્યૉર્જે નોકરી ગુમાવી અને માત્ર વીસ ડૉલરની બનાવટી નોટથી સિગારેટ ખરીદવાના ગુનાસર ૨૫મી મે, ૨૦૨૦ના રોજ અમેરિકાના મિનિઆપોલિસમાં એની ધરપકડ કરાઈ, એ દરમિયાન ડેરેક ચૉવિન પર રંગભેદનું ભૂત સવાર થઈ ગયું અને નિઃસહાય નિઃશસ્ત્ર જ્યૉર્જને જમીન પર ઊંધો પટકી હાથકડી પહેરાવવાના બદલે એની ગળચી પર પોણા નવ મિનિટ સુધી ઘૂંટણ દબાવી રાખીને એણે કાયદાની ઓથે સરેઆમ નિર્મમ હત્યા કરી. અમેરિકાથી શરૂ થઈ આખી દુનિયામાં રંગભેદ-જાતિભેદ વિરોધી દેખાવો અને તોફાનો ફાટી નીકળ્યા. પ્રસ્તુત રચના રંગભેદની કુનીતિ તરફ ધ્યાન દોરી સુપ્ત સંવેદનાઓને ઝંકોરવાની કવિની નિષ્ઠાવાન કોશિશ છે.

ટૉમી બ્લૉન્ટ. ડિટ્રોઇટ, મિશિગન ખાતે જન્મ. હાલ, મિશિગનના નોવી પરામાં રહે છે. વૉરેન વિલ્સન કૉલેજમાંથી ફાઇન આર્ટ્સમાં અનુસ્નાતક. ૨૦૧૬માં ‘વૉટ આર વી નોટ ફોર’ નામે એક ચેપબુક અને માર્ચ, ૨૦૨૦માં ‘ફેન્ટાસિયા ફોર ધ મેન ઇન બ્લુ’ પુસ્તક પ્રગટ થયાં. કવિ બનવાનું સપનેય વિચાર્યું નહોતું, પણ ટાઇપિસ્ટ મમ્મી ‘ડૉટ મેટ્રિક્સ’ (કમ્પ્યુટર સ્ટેશનરી) ઘરે લાવતી, જેના હાંસિયા-લીટી વિનાના ખુલ્લા આકાશ જેવા કોરા કાગળ ટૉમીને ખૂબ ઉત્તેજીત કરતા. એ આ કાગળો ચીતરડાંઓ અને લખાણોથી ભરી દેતા. આગળ જતાં કાગળ પરની ખાલી જગ્યા કેવી રીતે કમાવી એ સમજાયું અને લેખક બન્યા. મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાં બીએ કરતી વખતે તેઓ બ્લેક પોએટ્સ સૉસાયટીમાં જોડાયા. ત્યાં વિવી ફ્રાન્સિસે ટૉમીની જિંદગી અને કવિતાને દિશા બતાવી. સરળતા એમનો પ્રમુખ કાકુ છે. તેઓ પોતાની જાતને ન માત્ર શ્યામ, પણ સમલૈંગિક અને વૉયુરિસ્ટિક, તથા સ્વાર્થી અને અહંપ્રેમપ્રચુર પણ કહેવડાવે છે. બહારની દંભી દુનિયાની સામે એમને પૉર્નોગ્રાફીની નિર્દંભ નિર્વસ્ત્રતા વધુ પ્રામાણિક લાગે છે અને એમની રચનાઓમાં આ સૂર ઊઠતો સંભળાતો પણ રહે છે. અમેરિકન બ્લેક્સ પર સમાજ અને પોલિસ વડે થતા આવતા અત્યાચારો અને અન્યાયો સામેનો આક્રોશ ટૉમીની કલમ આલેખે છે.

‘રાહદારી’ શીર્ષક સ્વયંસ્પષ્ટ છે. અંગ્રેજીમાં કવિએ આ સૉનેટની પંક્તિવ્યવસ્થા 2-1-2-1-2-1-2-1-2 કરી છે, જે પ્રચલિત પદ્ધતિઓથી ઉફરી તરી આવે છે. રંગભેદની વાત કરતી આ કવિતાની આ એકી-બેકી પંક્તિવ્યવસ્થા કાળા-ગોરાઓ વચ્ચેના તફાવતને કદાચ દૃઢીભૂત કરે છે. કવિએ શેક્સપિરિઅન શૈલી મુજબ a-b-a-b/ c-d-c-d/ e-f-e-f/ g-g પ્રાસાવલિ અપનાવી છે પણ ચુસ્ત પ્રાસનો આગ્રહ સેવ્યો નથી. અનુવાદમાં પંક્તિવ્યવસ્થા મૂળ મુજબ પણ પ્રાસરચના સ્વરાંત અને a-b-b-a/ c-d-d-c/ e-f-f-e/ g-g મુજબ છે. કાવ્યને ઓછી હાનિ પહોંચે એ હેતુસર એક જગ્યાએ સ્વરાંત પ્રાસનો મોહ પણ જતો કર્યો છે. અંગ્રેજી કાવ્ય પ્રચલિત આયમ્બિક પેન્ટામીટરમાં છે, અને અનુવાદ શિખરિણીમાં.

આત્મકથનાત્મક શૈલીમાં કથક કહે છે કે, એ રસ્તે ચાલી રહ્યા હતા એવામાં એક વજનદાર ટ્રક એમને ઘસાઈને એમ પસાર થઈ, જાણે એનો સાઇડ મિરર આખો હાથ ઉખાડી નાંખવા ન માંગતો હોય! કથકને એ જ મિરરમાં ડ્રાઇવર ખંધું હસતો નજરે ચડે છે, જાણે એ એનો અધિકાર હતો પણ એ ઉખાડી ન નાંખ્યો એ જ એનો ઉપકાર! સ્વપ્નમાંય વિચારી ન હોય એ વાત, એવી ભયજનક (દુર્)ઘટના ઘટી ગઈ. અજાણતાંય જો આપણું વાહન કોઈ રાહદારીને અડી જાય તો ગુનાહિત લાગણી આપણા હૃદયને ઘેરી વળે છે. આ સામાન્ય વ્યવહાર છે, પણ અહીં તો બિલકુલ વિપરિત વાત છે. નિર્દોષ રાહદારી સાથે ખરાબ રીતે ભારીખમ્મ ટ્રક ઘસાવા છતાં ડ્રાઇવર ખિખિયાટા કરે છે, કેમકે રાહદારી આફ્રિકન મૂળનો છે અને ટ્રકડ્રાઇવર અમેરિકન ગોરો છે. રંગભેદની નીતિનો આ ઘસરકો માત્ર કથકના બાવડે જ નહીં, આપણી અંદર પણ થતો અનુભવાય છે.

પણ રંગભેદ, જાતિભેદ કે વંશભેદ કંઈ આજકાલના સમાજની પેદાશ નથી. એ તો પરાપૂર્વથી ચાલતાં આવ્યાં છે. એક જાતિ કે રંગના માણસો બીજા કરતાં ચડિયાતા કે ઉતરતા હોવાની, તથા માણસના સામાજિક અને નૈતિક લક્ષણો એની જન્મજાત જૈવિક વિશિષ્ટતાઓના આધારે પૂર્વનિર્ધારિત હોવાની માન્યતા એટલે રંગભેદ કે જાતિભેદ. ચામડીનો રંગ, ધર્મ, ભાષા, જાતિ, જન્મસ્થળના આધારે એક માણસ બીજાને પોતાનાથી ‘ઓછો’ માણસ ગણી દિલમાં જન્મજાત નફરત સેવે એ દુર્ઘટનાનો ઇતિહાસ સદાકાળથી જ સાક્ષી રહ્યો છે. આ ઊંચનીચના કારણે ન માત્ર મારામારી-લૂંટફાટ કે ગુલામી, પણ જઘન્ય હત્યાઓ અને હત્યાકાંડોથી લઈને યુદ્ધ અને રાષ્ટ્રવિભાજનો પણ થયાં છે. ત્રેવીસસોથીય વધુ વર્ષ પહેલાં એરિસ્ટોટલે ગ્રીક લોકોને અન્ય લોકો કરતાં ચડિયાતાં ગણાવી અન્યોને ગુલામ લેખાવ્યાં હતાં. એ સમયે શારીરિક લક્ષણો અને સભ્યતા (એથ્નોસેન્ટ્રિઝમ) ભેદભાવના પ્રમુખ સાધન હતાં. પાંચ હજાર વર્ષ પૂર્વે મહાભારતમાં પણ કર્ણને સૂતપુત્ર હોવાના કારણે એના અધિકારોથી વંચિત રખાયો હતો. કદાચ એ દુનિયાનો પ્રથમ જાતિવાદ હતો. દરેક સભ્યતામાં આ થતું આવ્યું છે. પંદરમી સદીમાં પૉર્ટુગીઝો આફ્રિકા આવ્યાં ત્યારે તેઓ આફ્રિકનોને દુશ્મન ગણતાં. યુરોપિયનોની પ્રગતિ સાથે તાલમેલ રાખવામાં નિષ્ફળ આફ્રિકન સભ્યતાને બળ, કળ અને છળથી તેઓએ ગુલામ બનાવવી શરૂ કરી અને ગુલામીપ્રથા તથા શ્વેત-શ્યામ વંશવાદના શ્રીગણેશ થયા. આફ્રિકન લોકોને બંદૂક અને પૈસાના જોરે ઊઠાવીને અમેરિકા-યુરોપના દેશોમાં ગુલામી માટે મોકલવાનો સિલસિલો શરૂ થયો. શાકભાજી કરતાંય ખરાબ રીતે આક્રિકન સ્ત્રી-પુરુષો અને બાળકો વેચાવા લાગ્યા. પ્રાણીઓ સાથે પણ ન થાય એટલો બદતર વ્યવહાર એમની સાથે થતો. ઓગણીસમી સદી સુધીમાં તો જાતિવાદના ગૂમડાંએ આખી દુનિયાને ગ્રસી લીધી. ગોરાં-કાળાં સિવાય યહૂદી-બિનયહૂદીઓ, હિંદુ-મુસ્લિમ –એમ અનેક પ્રકારની ઊંચનીચ અને એના દુષ્પરિણામો દુનિયાએ જોયાં. અબ્રાહિમ લિંકન જેવા અનેક લોકો રંગભેદ અને જાતિભેદ મિટાવવાની કોશિશ કરતાં આવ્યાં છે, સેંકડો કાયદાઓ પણ ઘડાયા છે, પણ મનુષ્યોની મથરાવટી બહુ અલ્પ માત્રામાં જ બદલાઈ. મુસ્લિમ વિસ્તારમાં વાહન હંકારતી વખતે બિનમુસ્લિમ નાગરિક વધુ સતર્ક થઈ જાય છે. જાણબહાર આવી જતી આ સતર્કતા ‘હિંદુ-મુસ્લિમ ભાઈ-ભાઈ’ના નારાઓની પોકળતાનો વણકહ્યો પુરાવો છે. જાતિભેદના વિચાર કે વલણ સાથે કોઈ પેદા થતું નથી, પણ ગળથૂથીમાંથી જ સમાજ એ પીવડાવ્યે રાખે છે અને સમજણ આવતાં સુધીમાં તો એ લોહીમાં વહેતાં થઈ ગયા હોય છે. બહુ ઓછા લોકો સાચા અર્થમાં આમાંથી મુક્ત થઈ સમાનમાનવ વિચારધારા લઈ જીવે છે અને અન્યોના હૃદયપલટા માટે જીવનભર મથતાં રહે છે.

રંગભેદનું મટી જવું અને બધા મનુષ્યોને એકસમાન હકથી જીવવા મળે એવું રામરાજ્ય તો કદાચ સ્વપ્નમાં જ મળે, કેમકે અસમાનતાનો ખયાલ તો આપણા રંગસૂત્રોમાં જ વણાઈ ગયો છે. સૌથી પહેલી અને સૌથી અગત્યની ઊંચનીચ તો સ્ત્રી-પુરુષ વચ્ચે જ છે. જાતિ-વંશ-રંગ-અમીરી વગેરે તો પછી આવે. સાથે રહેનાર અલગ લિંગની બે વ્યક્તિઓ વચ્ચે સમભાવ ન સ્થપાય ત્યાં સુધી અસંખ્ય અસમાનતાસભર અલગ વ્યક્તિઓ વચ્ચે સમભાવની વાત કરવી એ ‘વંધ્યાસુત બે વા’ણે ચઢ્યા, ખપુષ્પ વસાણાં ભર્યાં’ (અખો) જેવી કપોળકલ્પના છે. રામરાજ્ય તો રામના નસીબમાંય નહોતું. એમણેય લોકલાજે પત્નીને અગ્નિમાં હોમવી અને જંગલમાં ત્યાગવી પડી હતી. જો કે આનો અર્થ એય નથી કે રામરાજ્યપ્રાપ્તિની કોશિશ જ ન કરવી જોઈએ. જેમ્સ બાલ્ડવિને ઉચિત જ કહ્યું હતું: ‘સામનો થાય એ બધું બદલી નહીં શકાય પણ સામનો ન કરીએ તો કશું જ બદલી નહીં શકાય.’ સાહિર લુધિયાનવીને સાંભળો:

माना कि इस ज़मीं को न गुलज़ार कर सके
कुछ ख़ार कम तो कर गए गुज़रे जिधर से हम|

એલા વ્હીલર વિલ્કોક્સ ‘પ્રોટેસ્ટ’માં લખે છે: ‘એવા સમયે મૌન રહેવાનું પાપ કરવું, જ્યારે વિરોધ કરવાનો હોય,/ માણસોને કાયર બનાવે છે. માનવ જાત/ વિરોધના બળે જ આગળ આવી છે./…/ જે મુઠ્ઠીભર લોકો હિંમત કરે છે, તેઓએ ફરી ફરીને અવાજ ઊઠાવતાં રહેવું જોઈએ/
ઘણા લોકોના ખોટાને સુધારવા માટે.’

ટ્રક ટક્કર મારીને જઈ રહી છે. જે મિરરથી ટક્કર વાગી છે, એમાંથી ચાલકનું જે સ્મિત રાહદારીને દેખાય છે, એ સ્મિત જાણે કે કહી રહ્યું છે કે તારે કશો વાંધો ઊઠાવવાની જરૂર નથી કે ક્યાંય ફરિયાદ પણ નથી કરવાની. છટાંકભરની ઘટના. ચાલક ખિખિયાતો જઈ રહ્યો છે પણ સદીઓની ગુલામ માનસિકતા બોલી રહી છે અને અશ્વેત રાહદારીને એ સંભળાઈ રહી છે, કે આ બીનાની રાવ ન ખાવી કે વિરોધ ન કરવો એમાં એનો જ લાભ છે. (કેમકે સાંભળશે કોણ? રાજ તો ગોરિયાંઓનું છે!) આ ગંદી માનસિકતાનો પડઘો વિશ્વસાહિત્યમાં સતત પડતો આવ્યો છે. અનેક પુસ્તકો, ચિત્રો, શિલ્પો અને ફિલ્મો શ્વેત-અશ્વેત લોકોમાં ઘર કરી ગયેલી આ બદી પર પ્રકાશ નાખતાં આવ્યાં છે. શેક્સપિઅરનો ‘ઑથેલો’ પણ આ રુગ્ણ માનસિકતાથી ગ્રસ્ત છે. એ ઇઆગોને કહે છે: ‘કદાચ, હું કાળો છું અને મારી પાસે એ દરબારીઓ જેવી વાતચીત કરવાની આવડત નથી, એટલે એ મને છોડી ગઈ છે.’ (અંક 3: દૃશ્ય 3)

ટક્કર થઈ એ પળે રાહદારીને ધોળે દહાડે તારા દેખાઈ ગયા. પળભર તો એને લાગ્યું કે એ જાનથી જ ગયો. એને એ ખ્યાલ પણ આવે છે કે ડ્રાઇવર પણ આ અકસ્માતથી થોડો તો ડર્યો જ હતો અને એનું મોઢું પણ લાલ થઈ ગયું હતું. પણ એ તો ક્ષણાર્ધ પૂરતું જ હશે કેમકે બીજી જ પળે તો કથકને મિરરમાં એ બત્રીસી બતાવતો દેખાયો હતો. સૉનેટની સ્થાપિત બેકી-એકી પંક્તિવ્યવસ્થાને અવગણી, એની પ્રાસવ્યવસ્થા જોઈએ તો શેક્સપિરિઅન શૈલીના ચતુષ્ક-યુગ્મક દૃષ્ટિગોચર થાય છે. ત્રણેય ચતુષ્કમાં કવિએ ડ્રાઇવરના ક્ષણભર માટે અરીસામાંથી પ્રતિબિંબિત થયેલા હાસ્યનો ઉલ્લેખ કર્યો છે. ત્રણેય જગ્યાએ જો કે એમણે શબ્દ અલગ પ્રયોજ્યા છે. મિરરમાં એક પળ નજર મોડીવહેલી પડી હોય તો ચૂકી જવાય એવા અલ્પકાલીન હાસ્ય તરફ કવિ બાર જ પંક્તિમાં ત્રણ-ત્રણવાર ધ્યાન દોરીને શ્વેત લોકોના મનમાં અશ્વેતો માટે જે દ્વેષભાવ છે એને સહેજેય ચૂકી ન જવાય એમ બરાબર અધોરેખિત કરે છે. નેલ્સન મન્ડેલાએ કહ્યું હતું કે, ‘કોઈ વ્યક્તિ અન્યને એની ચામડીના રંગ, એની પૃષ્ઠભૂ, કે ધર્મના કારણે ધિક્કારતું પેદા થતું નથી.’ આ તફાવતજન્ય ધિક્કાર આપણને બાળપણથી શીખવવામાં આવ્યો છે, પછી એ શ્વેત-અશ્વેત હોય, યહૂદી-બિનયહૂદી હોય, હિંદુ-મુસ્લિમ હોય કે અન્ય કંઈ. ઑડ્રે લૉર્ડ સાચું કહી ગયા: ‘એ તફાવતો નથી જે આપણને વિભાજીત કરે છે. એ મતભેદોને ઓળખવાની, સ્વીકારવાની અને ઉજવવાની આપણી અસમર્થતા એ કરે છે.’

ડ્રાઇવરના મતે કદાચ રાહદારી એના રસ્તામાં નડતરરૂપ હતો એટલે ભલે ભૂલથી, પણ એને ટક્કર મારવાનો એને અબાધિત અધિકાર હતો. એની બત્રીસી જોઈ રાહદારીને સમજાય છે કે દાંતિયા કાઢવાની એ ચેષ્ટા ગુસ્સો નહોતો, પણ કદાચ ચેતવણી હતી કે ટાઢો થઈ જા, બધું બરાબર જ છે. તું કંઈ મરી-બરી નથી ગયો. આ ચેતવણીમાં રાહદારીને ‘Ni’ સંભળાય છે. આપણે ત્યાં જેમ હરિજનને ઢેડ કે ભંગી કહેવું ગાળ બરાબર છે, એમ જ પાશ્ચાત્ય દેશોમાં નીગ્રો લોકોને ‘ની’ કે ‘નીગર’ કહેવું અપશબ્દ બોલવા કે અપમાન કરવા બરાબર ગણાય છે. અંગ્રેજીમાં કવિએ ચાલાકેપૂર્વક ‘ni’ લખ્યા બાદ કૌંસમાં [ght, neighbor] ઉમેર્યાં છે. ‘ની’ પરથી ‘નીગ્રો’ કે ‘નીગર’ ઉપરાંત ‘નાઇટ’ (શુભ રાત્રિ) કે ‘નેબર’ (પાડોશી) એવું અર્થઘટન પણ થાય. અમેરિકન લોકોએ અંગ્રેજીનું સરળીકરણ કરી નાંખ્યું છે. રાત્રે છૂટાં પડતી વખતે આપણે ‘ગુડ નાઇટ’ કહીએ, પણ અમેરિકનો ‘નાઇટ’થી કામ ચલાવી લે. એમ જ આપણા ‘ભાઈ’ કે ‘બકા’ અમેરિકામાં ‘નેબર’ બની રહે છે. ‘નેબર’ શબ્દમાંથી જો કે બાઇબલનું ‘લવ ધાય નેબર’ પણ ધ્વનિત થતું સંભળાશે. કવિતા આમેય એક તીરથી અનેક નિશાન સાધતી હોય છે. પણ આ ni[ght, neighbor] નો અનુવાદ શો કરવો? એટલે નીગર કે નીગ્રોનો ‘ની’ યથાવત્ રાખીને ‘ની [ચ/કળ]’ વાપર્યું છે, જેમાંથી ‘ની’, ‘નીચ’ અને ‘નીકળ’ –એમ મૂળ કવિતામાં છે એ નહીં, પણ એની જેમ ત્રણ અલગ અર્થ તારવી શકાય છે. અનુવાદની આટલી મર્યાદા તો સ્વીકારવી જ રહી.

પેલા હાસ્યમાં રાહદારીને પોતાના માટે વપરાયેલી ગાળ ઉપરાંત ઘણું બધું સંભળાયું છે. ઠંડો થા. બધું બરાબર છે. અહીંથી નીકળ. જા. ગુસ્સો કરવાથી કોઈ ફાયદો નથી. એમાં કશું દાટ્યું નથી. બધી જગ્યાએ આ જ થતું આવ્યું છે, થાય છે અને થતું રહેશે. જે થયું છે એને ભૂલી જા. કેટલું બધું! શોષિત લોકોના દિલોદિમાગમાં વસી ગયેલી પોતાના માટેની ગોરાં લોકોનાં નફરત-દ્વેષ-તિરસ્કાર-અપમાન એક-એક શબ્દમાંથી છલકી રહ્યાં છે. ડ્રાઇવર તો દાંત કાઢવા સિવાય કશું બોલ્યો જ નથી પણ જન્મથી લઈને આજપર્યંત આ દુનિયાએ અશ્વેતોના લોહીમાં જે રસાયણ રસ્યું છે, એના પડઘાં એ હાસ્યમાંથી ઊઠી રહ્યા છે. પરિણામે આ ન દેવાયેલી ચીમકી વધુ જોરથી ચીમટી ભરે છે આપણને. એબ્રાહમ જોશુઆ હેશલ લખે છે: ‘જાતિવાદ મનુષ્ય માટે સહુથી મોટો ખતરો છે- ન્યૂનતમ કારણોસર અધિકતમ ઘૃણા.’ માર્ટિન લ્યુથર કિંગ જુનિયર કહી ગયા: ‘અંધારું અંધારું દૂર નહીં કરી શકે, માત્ર પ્રકાશ જ કરી શકે. નફરત નફરત દૂર નહીં કરી શકે, માત્ર પ્રેમ જ કરી શકે.’

કાવ્યાંતે કવિ આપણી સંવેદનાની પીઠ પર મીઠામાં બોળેલી ચાબુક સટ્ટાક કરતીક વીંઝે છે: ‘એણે મને જોયો જ નહીં, અલબત્ત મેં એને જોયો.’ શ્વેત ડ્રાઇવરની દૃષ્ટિમાં આ અશ્વેત રાહદારી તુચ્છ મગતરું હતું, જેના તરફ નજર કરવાની એને કોઈ તમા જ નથી, કદાચ જરૂર સુદ્ધાં અનુભવાઈ નહીં હોય, કેમકે જે સડક પરથી એ પસાર થાય છે એ સડક પર ચાલવાનો અશ્વેતોને વળી અધિકાર જ ક્યાંનો? પણ સીદી રાહદારી સદીઓથી લાખ અપમાનિત થતો આવ્યો હોવા છતાં માનવી મટી નથી ગયો, એવું દર્શાવવા કવિ કહે છે, કે મેં તો એને જોયો, હું કશુંય નીરખવું ચૂક્યો નથી. સામાને જોવા માટેની નજર જ્યારે બધા પાસે હશે ત્યારે જ રંગભેદ-જાતિભેદ વગેરે ધરમૂળમાંથી દૂર થશે. આપણે સૌ તો પૃથ્વી પર એમ વિચરણ કરીએ છીએ, જાણે એનું ધરીબિંદુ આપણે જ ન હોઈએ. ધૂમકેતુ ‘પૉસ્ટ ઑફિસ’માં આપણને આ સનાતન સત્ય આપી ગયા: ‘મનુષ્ય પોતાની દૃષ્ટિ છોડી. બીજાની દૃષ્ટિથી જુએ તો અડધું જગત શાંત થઈ જાય.’ સૉનેટની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે ટક્કર મારી સૉરી ક્હેવાના સ્થાને દાંતિયા કાઢનાર શ્વેત ડ્રાઇવરના મનમાં, અને એ રીતે આખા સમાજમાં ઘર કરી ગયેલી રંગભેદની અન્યાયી નીતિ પર કોઈપણ પ્રકારના કુઠારાઘાત કરવાના બદલે એ માત્ર હળવી ટકોર કરે છે. પ્રતિકાર છે પણ ડંખ નથી, વિરોધ છે પણ ઝેર વિનાનો. અને કદાચ એટલે જ આ સૉનેટ આપણા સમગ્ર સંવેદનાતંત્રને હચમચાવી નાંખે છે. જર્મન પાદરી માર્ટિન નીમોલાની એક રચનાથી વાત પૂરી કરીએ:

પહેલા તેઓ સમાજવાદીઓ માટે આવ્યા, અને હું કશું બોલ્યો નહીં –
કારણ કે હું સમાજવાદી નહોતો.
પછી તેઓ ટ્રેડ યુનિયનવાદીઓ માટે આવ્યા, અને હું કશું બોલ્યો નહીં –
કારણ કે હું ટ્રેડ યુનિયનવાદી નહતો.
પછી તેઓ યહૂદીઓ માટે આવ્યા, અને હું કશું બોલ્યો નહીં-
કારણ કે હું યહૂદી નહોતો.
પછી તેઓ મારા માટે આવ્યા –
અને મારા માટે બોલનાર ત્યારે કોઈ જ બચ્યું નહોતું.

ગ્લૉબલ કવિતા : ૧૬૬ : ઠાગા ઠૈયા – રાવજી પટેલ

ઠાગા થૈયા ભલે કરે રામ !
આપણે તો અલબત-શરબત ઊંચું મેલ્યું.
ભલે મારું નિર્વાણ ઊડી જાય !
ભલે મને મળે નહીં બ્રહ્મનું બટેરું ભરી છાશ.
દોમદામ પેઢીઓની ગીચતાને
મારે નથી શણગાર પ્હેરાવવા,
એની પર ખીજડા છો ઊગ્યાં કરે;
સુગરીઓ ભલે બાંધે ઘર, ભલે સેલ્યૂટ ભર્યા કરે !
આપણે શા ઠાઠ
કવિતાને ઘર શું ને કરવા શા ઘાટ !
કવિતાને મોગરાની ખપે બસ વાસ.
દોમદામ સાહ્યબી મારે મન ફફડતા પડદા –
ફફડતી ભીંત.
મારે મન હંમેશનાં હવડ કમાડ
ઘટમાળ-બટમાળ કશું નહીં,
સાહ્યબીનો ચ્હેરો હવે સૂર્ય નહીં –
સૂર્ય હવે છાણનું અડાયું મારે મન.
મારે મન કવિતાની સાહ્યબીના સૂરજ હજાર.
ઓરડામાં પડેલો આ અંધકાર ઊંચકું હું કેમ?
તમારે કહ્યે મારા નિજત્વને ફેંકી દઉં કેમ?
મને તો ઘણુંય થાય :
નજીક બેસાડી તારા ઘરને હું કવિતાની જેમ
કશો અર્થ દઉ;
તારી શય્યાને કવિતાની ગંધ દઉં.
કિંતુ વ્યર્થ
તમારે તો સાણસીનો કરવો છે અર્થ.
હું તો માત્ર કવિતાઈ રણનો પ્રલંબ પટ
કેવળ વેરાઈ જાણું પ્રણયની જેમ.
પણ તમારે તો દરિયાનો કરવો છે અર્થ.
હું તો માત્ર,
કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર,
હું તો માત્ર
કવિ,
હું તો માત્ર
ઓરડામાં સબડતું આદિ મમી,
હું તો માત્ર
ભૂખથી રિબાતું મારું વલ્લવપુરા ગામ.
હું તો માત્ર
ખાલીબખ નિઃસહાય ૐ
પણ તમારે તો ગણિતનાં મનોયત્ન ગણવાં છે.
મારી પાસે નથી એ ગણિત
મારી પાસે નથી એનો અર્થ
મારી પાસે કવિતાનો નથી કશો નર્થ.

– રાવજી પટેલ

યુનિફૉર્મ પહેરેલી ઘેટીઓનો પપેટ શૉ

વાત કોઈ પણ હોય– વાઢકાપ કરી, એની અંદર ઉતરવાનો આનંદ લેવો એ આપણી સહજ પ્રકૃતિ છે. એમાંય બીજાઓને હાથવગું ન બન્યું હો એવું કંઈ હાથ લાગે તો તો આ આનંદ ચરમસીમાએ પહોંચે. વાત કળાની હોય તો આ ગુણધર્મ પ્રબળતમ સ્વરૂપ ધારણ કરે, અને કળામાંય કવિતા કેન્દ્રસ્થાને હોય તો અર્થગ્રહણ-આસ્વાદ-વિવેચનની વૃત્તિ વધુ વકરે. દુનિયાની ભાગ્યે જ કોઈ ભાષામાં કવિતા વિશે આસ્વાદ કે વિવેચનલેખો લખાયા નહીં હોય. પણ કવિતા સમજવી શું સાચે જ આવશ્યક છે? અને કવિતામાં પરંપરાનું મહત્તાગાન અગત્યનું ગણાય કે ‘રૉડ નોટ ટેકન’ લઈને ઉફરાં ચાલવાનું? આ બે બાબતો પર પ્રકાશ પાડતી રાવજી પટેલની એક રચના જોઈએ.

રાવજી પટેલ. આપણી ભાષાનો એ એવો લાડકો છે કે નર્મદની જેમ તુંકારા સિવાય બોલાવી જ ન શકાય. ખેડા જિલ્લાના વલ્લવપુરા ગામમાં ૧૫-૧૧-૧૯૩૯ના રોજ ગરીબ પણ સંસ્કારી પાટીદાર ખેડૂત કુટુંબમાં જન્મ. પિતા છોટાલાલ. માતા ચંચળબા. સાત ભાઈબહેનોના લાવલશ્કરમાં એક રાવજી. જમીન ઓછી ને પેટ ઝાઝા એટલે સતત આર્થિક અથડામણ. સીમખેતરો વચ્ચે ઉછેર. ડાકોર સંસ્થાન હાઇસ્કૂલમાં અભ્યાસ. કવિતા ત્યાંથી વળગી. મેટ્રિક ભણવા ને કમાવા અમદાવાદગમન. ટી.બી.ની બિમારી, દારુણ ગરીબી અને અસ્થાયી નોકરીના કારણે કૉલેજ અડધેથી છૂટી. નાની વયે લક્ષ્મી સાથે લગ્ન. એક દીકરી, નામે અપેક્ષા. મુકુન્દ પરીખ સાથે ‘શબ્દ’ સામયિકના થોડા અંક પ્રગટ કર્યા. શરૂમાં આણંદના દરબાર ગોપાળદાસ સેનેટોરિયમમાં ને પછીથી ભાવનગરના સોનગઢ-ઝિંથરીના અમરગઢ ક્ષય-ચિકિત્સાલયમાં સારવાર લીધી. પળેપળ મૃત્યુને ઢૂંકડું આવતું જોતા રાવજીને તબિયત કથળતાં ગામ લવાયો. ટીબીના ખપ્પરમાં એક ફેફસું સ્વાહા થયું એ ઓછું હોય એમ ડાયાબિટીસે દેહપ્રવેશ કર્યો. અવારનવાર ખોઈ બેસાતા સાનભાન વચ્ચે સાંપડતી સ્વસ્થતાની પાતળી જમીન પર શબ્દ સાથેનું સંવનન ચાલુ રહ્યું. છેલ્લા શ્વાસ સુધી જીવી લેવાની તાલાવેલીએ સર્જનની આગ ઓર પ્રજ્વલિત કરી. છેવટે અમદાવાદની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં ૧૦-૦૮-૧૯૬૮ના રોજ આયખું ત્રીસીના આંકડાને સ્પર્શે એ પહેલા જ આ સારસી ગુજરાતી સાહિત્યના ખેતરને શેઢેથી ઊડી ગઈ.

મુખ્યત્વે કવિ. નવલકથાકાર તથા વાર્તાકાર પણ ખરો. પત્રાચાર પણ બહુમૂલ્ય. ગ્રામ્યઉછેર અને અપૂરતો અભ્યાસ વરદાન સાબિત થયા. કલમ અન્ય સાહિત્યકારો અને પ્રવર્તમાન સાહિત્યપ્રવાહોના સંસ્પર્શથી અબોટ રહી. નૈસર્ગિકતા જળવાઈ રહી. સરવાળે, નિજત્વથી ભર્યો ભર્યો કવિ. ગામ, સીમખેતર, વગડો, ગામજંગલની ઋતુઓના ચહેરાઓ અને એમ, લોહીમાં ઊં…ડે સુધી ઊતરી ગયેલી પ્રકૃતિની હારોહાર અમદાવાદના નગરજીવનની સંકીર્ણતાનો વિરોધાભાસ એની કલમનો જાન. કૃષિજીવન, ગ્રામ્યપરિવેશ અને શહેરની વિસંગતતા ઉપરાંત પ્રેમ, વિરહ, રતિ, વિ-રતિ અને મૃત્યુના સાક્ષાત્કારના નાનાવિધ સ્વરૂપ એની કૃતિઓમાં નવોન્મેષ પામ્યાં. એની સર્જકતાને કશું ગતાનુગતિક, કશું રૂઢ ખપ્યું નહીં. એની અભિવ્યક્તિ ભાવાર્થ અને રચનારીતિની દૃષ્ટિએ ખાસ્સી સંકુલ છે. ડુંગળીના પડની જેમ એના શબ્દો બહુસ્તરીય છે. રઘુવીર ચૌધરી લખે છે: ‘રાવજીનો મુખ્ય અનુભવ વિખૂટા પડવાનો છે, ખેતર અને સ્વજનોથી વિખૂટા પડવાની વેદનાનો છે… એણે જે વેઠેલું એ માટે તો વરદાન જોઈએ. ઝેર પીને કોઈક મીરાંબાઈ જ ગાઈ શકે.’ લાભશંકર ઠાકરે કહ્યું હતું: ‘કવિ તરીકે રાવજીનો જે વિશેષ છે તે એની શબ્દ-પટુતા. પટુતા એટલે સેન્સિટિવિટી. રાવજીનો કાન તો કવિનો ખરો, પણ રાવજીની આંખ, ચામડી, નાક અને જીભ પણ કવિનાં… એની પાંચે ઇન્દ્રિયો શબ્દને પામી શકતી.’ ૧૯૬૦ની આસપાસ શરૂ કરી, ૬૮ સુધીમાં માંડ નવેક વર્ષ જ એણે સર્જન કર્યું, પણ એટલા ગાળામાં તો દુનિયાભરના ગુજરાતીઓના હૃદયમાં એ અજરામર સ્થાન પામી ગયો. અકાળ અવસાન ભલે એક ગરવા અવાજને સમયથી પહેલાં છિનવી ગયું, પણ કોલેજ સુદ્ધાં પૂરી ન કરી શકનાર આ સર્જકની કૃતિઓ વર્ષોથી વિશ્વવિદ્યાલયોમાં અભ્યાસ અને સંશોધનના વિષયો તરીકે સ્થાન પામી રહી છે.

‘ઠાગા ઠૈયા’ એટલે કામ કરવાનો ડોળ કરી ઠાલો વખત ગાળવો તે. ઠાગા શબ્દ ઠગ પરથી ઉતરી આવ્યો જણાય છે, અને ઠૈયાં એટલે ઠેકાણું. પણ ઠાગાઠૈયા શબ્દની સાચી ઉત્પત્તિ શી હશે એની ભાળ જડતી નથી. આમ તો ઠાગાઠૈયા એક જ શબ્દ છે, પણ ઠાગા અને ઠૈયાની વચ્ચે જગ્યા છોડીને પોતે આ કવિતામાં કવિતા વિશેના પ્રણાલીગત વિચારોને તોડીફોડી નાંખનાર છે એનો અણસારો રાવજી આપતો હોય એમ પણ બને. તેંતાળીસ પંક્તિઓની આ સળંગ રચના પહેલી નજરે અછાંદસ લાગે, પણ રહો. રાવજી છંદનો પક્કો ખેલાડી હતો. અલગ-અલગ છંદોના રસાયણ બનાવવામાં પણ એ એક્કો હતો. પ્રસ્તુત રચનામાં એણે કટાવ છંદની શૈલીમાં સંખ્યામેળ મનહર છંદ પ્રયોજ્યો છે. પૂર્ણ આવર્તનો વચ્ચેની ખાલી જગ્યાઓ પઠનની લવચિકતાથી ભરાઈ જાય એવી કુશળતાથી એણે પરંપરિત મનહર વાપર્યો છે. દલપતરામની ‘ઊંટ કહે આ સભામાં’ના ઢાળમાં રચના ગાવાની મજા જ કંઈ ઓર છે. કવિતામાં એક સ્થાને રાવજીએ ‘કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર’ કોપી-પેસ્ટ પણ કર્યું છે.

ગલ્લાંતલ્લાં કરી, કરવાનું કામ પડતું મૂકીને, ન કરવાની વસ્તુઓ પર ભાર આપતી આ દુનિયા ભલે કવિતાના નામે ઠાગાઠૈયા કર્યે રાખે, રાવજીને કેવળ શુદ્ધ કવિતા સાથે જ નિસ્બત છે. ગળચટ્ટાં અર્થોના શરબત એણે અલબત્ત ઊંચે મેલી દીધાં છે. આમ તો અલબત-શરબત આંતર્પ્રાસ માટે પ્રયોજાયેલાં જણાય છે, પણ અલબતનો અલબત્ત અર્થ પણ કરી શકાય; અને અર્થઘટન કરવામાં સમસ્યા અનુભવાતી હોય તો અર્થઘટન કરવું પણ નહીં. કેમ કે રાવજી એ જ તો ઇચ્છે છે. પેઢી દર પેઢી આપણાં પૂર્વજોએ કવિતાની જે ઇમારત અને ઇબારત ઊભી કરી દીધી છે, જે ઘાટ-આકાર આપ્યાં છે, એની સામે રાવજીનો વિરોધ છે. સર્જનક્ષણે કવિને બ્રહ્મા સાથે સરખાવાયો છે. अपारे काव्य संसारे, कविरेव प्रजापति| પણ રાવજીને તો કવિતાના રસ્તે ચાલીને નિર્વાણ મળતું હોય તો એય નથી જોઈતું અને બ્રહ્મનું બટેરુંભર છાશ પણ નથી ખપતી. પૂર્વજોની દોમદોમ સાહ્યબી ધરાવતી પેઢીઓની ગીચતાને એ શણગારવા તૈયાર નથી. સુવર્ણાક્ષરે લખાયેલા ઇતિહાસ કરતાં વધું વહાલું છે એને એની આજનું પાનું. પૂર્વસૂરિઓ જે કરી ગયા એ એમને મુબારક. રાવજીને તો પોતાની મૌલિકતા, પોતાનો અવાજ જ વહાલો છે. કવિએ આજમાં રહેવાનું છે, ભૂતકાળમાં નહીં. ‘કવિશ્રી ચિનુ મોદી’ કવિતામાં એ કહે છે: ‘કવિઓને ભૂતકાળ કદીય ના હણી શકે,/કવિઓને ભૂતકાળ કદીય ના સુખ આપે!’

ભલે કાવ્યસંસ્કૃતિની પૂર્વખેડિત ધરા પર ખીજડાઓ ઊગ્યા કરે, ભલે સુગરીઓ એના પર માળા બાંધ્યે રાખે, ભલે સલામો ભરતી રહે, રાવજીને તમા નથી. ખીજડા સામાન્યતઃ રણ કે ઓછા કસવાળી જમીન પર ઊગતાં ઝાડ છે. રાવજી એનો ઉલ્લેખ કરીને પેઢીઓની દોમદોમ સાહ્યબીવાળી જમીનના રસકસ પર થોડી ઉતાવળ કરીએ તો ચૂકી જવાય એવો હળવો કટાક્ષ કરે છે. ‘સંબંધ (ક્ષયમાં આત્મદર્શન)’માં એ કહે છે: ‘પ્રેમ એટલે એંઠા બોર/…/આપણાં કષ્ટોનું કારણ છે એંઠું બોર/વત્સો, શરણ કોઈનું સ્વીકારો નહીં.’ માળાય એને સુગરીના દેખાય છે, કેમકે એના જેટલું ઘાટીલું અને મહેનત માંગી લેતું ઘર ભાગ્યે જ બીજા કોઈ પક્ષીનું જોવા મળશે. કવિતાના પ્રસ્થાપિત આકારો અને એની જીહજૂરીપ્રથાની એ ખિલાફ છે. એના મતે કવિતાને વળી ઘર શાં ને ઘાટ શાં? કવિ અને કવિતાને કોઈ ઠાઠબાઠની શી જરૂર? ‘કૃષિકવિ’ રાવજીની તળપદી ભાષામાં અચાનક સેલ્યૂટ જેવો અંગ્રેજી શબ્દ આવી ગયો, એ નોંધ્યું? પરંપરા સામેનો વિરોધ કરવામાં એ કોઈ હથિયાર બાકી રાખવામાં માનતો નથી. જો કે પરંપરાગત કાવ્યપ્રણાલિ સામેના એના કટાક્ષ કે વિરોધમાં ક્યાંય આક્રોશ નથી. આગળ કોઈ ખોટું કરી ગયું કે આજે કોઈ એ ખોટા માપના પેંગડામાં પગ ઘાલ્યે રાખવા મથતું હોય એની સાથે ઝઘડો કરવામાં એને રસ નથી, એને તો પોતે કોઈના પદચિહ્નો પર ચાલવા તૈયાર નથી અને બદલામાં જે કંઈ જતું કરવું પડે એ જતું કરવાની તૈયારીનું એલાન કરવામાં જ રસ છે. પ્રસ્થાપિતોને ઉખેડી નાંખવા માટેની મથામણના સ્થાને સ્વયંની કેડી કંડારવા માટેની એની વૃત્તિ વધુ છતી થાય છે. રઘુવીર ચૌધરીએ યથાર્થ તારવ્યું છે: ‘પરંપરાના સંપૂર્ણ વિચ્છેદને બદલે રાવજી પરંપરાના નજીકના સગા તરીકે જ એની સામો થાય છે. એનો પરંપરા અને જગત સાથેનો ઝઘડો એક પ્રેમીનો છે, તર્કશાસ્ત્રીનો નથી.’

એના મતે કવિતાને રંગ-રૂપ-આકાર નહીં, માત્ર મોગરાની વાસ ખપે છે. જરા થોભો. કવિતા મોગરાનું ફૂલ નથી, સુગંધ માત્ર છે. એને આકાર નહીં, સાક્ષાત્કાર ખપે છે. મૂર્ત અર્થો અને આકારોમાં નિબદ્ધ રહે એ તો માત્ર શબ્દોની રમત. કવિતા એટલે તો અમૂર્ત અનુભૂતિ. આર્ચિબાલ્ડ મેકલિશની ‘આર્સ પોએટિકા’ના કાવ્યાંશ જોઈએ:

કવિતા શબ્દહીન હોવી ઘટે,
પક્ષીઓની ઉડાન પેઠે.
કવિતા સમયના પરિપ્રેક્ષમાં ગતિહીન હોવી ઘટે,
જેમ ચંદ્ર આકાશમાં.
કવિતાનો અર્થ જરૂરી નથી,
બસ, કવિતા હોવી જોઈએ.

કવિતામાંથી સાંપડતો યશ એને મન ફફડતા પડદા, ફફડતી ભીંત સમાન છે. પડદા કદી સ્થિર રહે નહીં. પ્રસિદ્ધિ કદી કાયમી રહે નહીં. પડદા તો ફફડે પણ ભીંત? સદા સ્થિર રહેવા સર્જાયેલી ભીંતને પણ રાવજી ફફડતી જુએ છે અને એ રીતે અવિચળ લાગતી નામનાનોય એકડો કાઢે છે. હવડ કમાડ સમી કવિતાની સાહ્યબી હંમેશ રહેતી નથી. કવિતામાં કોઈ ઘટમાળ-પરંપરા-પ્રણાલિકા હોતાં નથી. સૂર્ય પ્રકાશનું અને એ રીતે યશ-પ્રતિષ્ઠાનું પ્રતીક છે. એનો પ્રકાશ જગ આખામાં પથરાય છે, પણ રાવજીને મન પ્રસિદ્ધિનો સૂર્ય સાહ્યબી નહીં, છાણનું અડાયું માત્ર છે. અડાયું એટલે જે છાણ તરફ કોઈએ લક્ષ સેવ્યું ન હોય અને પડ્યું-પડ્યું સૂકાઈ ગયું હોય એ. રાવજીને મન કવિતાની કિંમત છે, કીર્તિની નહીં. કીર્તિને એ નધણિયાતું છાણ લેખાવે છે. એ લખે છે: ‘હવે શાં કાવ્ય લખું?/…/આખો દેશ અડાયા પર બેઠો છે!/ત્યારે બૉમ્બ પડેલા ગામ સરીખી/સપાટ નિર્જન જીભ (કવિની).’ (‘૧૯૬૪-૬૫માં’) રાવજીને મન ખરી સાહ્યબીનો સૂરજ કવિતાનો છે અને એ પાછા એક-એક કરતા હજાર છે.

રાવજીનો વિરોધ હજી શાંત થયો નથી. પરંપરાનો ઓરડો આખો અંધકારથી ભરેલો છે. રાવજી એ અંધકારને ઊંચકવા-ઉસેટવા તૈયાર નથી. કોઈના કહેવાથી એ પોતાના નિજત્વને ફેંકી દેવા તૈયાર નથી. એને મન તો ‘હાય આનાથી તો કવિતા ન લખી હોત તો સારું.’ (ચણોઠી-રક્ત અને ગોકળગાય) અત્યાર સુધી કવિતામાં બધું આપણું અને મારું જ આવ્યું છે. પહેલવહેલીવાર રાવજી બીજા પુરુષનો ઉલ્લેખ કરે છે, અને તે બહુવચનમાં – ‘તમારે કહ્યે.’ આગળ જતાં પણ એ આખી કવિતામાં બેવારના અપવાદ સિવાય બીજા પુરુષ બહુવચનમાં જ વાત કરે છે. આ તફાવત ધ્યાનમાં રાખવા જેવો છે. એને ઘણુંય મન થાય છે કે નજીક બેસાડીને ‘તારા’ ઘરને એ કવિતાની જેમ કશો અર્થ અને ‘તારી’ શૈયાને કવિતાની ગંધ આપે. આખી કવિતામાં સામા માટેના આ બે જ તુંકારા તીરની બદલાયેલી દિશા ઇંગિત કરે છે. જમાનાની સામે જાતને મૂકીને એ દુનિયાને સંબોધતો હતો, પણ હવે અચાનક એ કવિતાના ભાવકના સીમિત વર્તુળમાં, ભલે થોડી પળ પૂરતો જ, પણ આવી ચડ્યો છે. નિશાન સમષ્ટિથી હટી વયષ્ટિ તરફ વળ્યું છે. ભાવક માટેનો એનો પ્રેમ છતો થાય છે. ઘરને કવિતાની જેમ અર્થ આપવો અને શૈય્યાને કવિતાની સુગંધથી તરબતર કરવી એ અંગતતમ નૈકટ્યના દ્યોતક છે, જે રાવજી પોતાના વાચાક-ચાહક સાથે અનુભવે છે. શૈયાની ગંધથી વધુ સામીપ્ય તો શું હોઈ શકે! સુગરીના ઘરની જેમ ભાવકના ઘરને કવિતાનો અર્થ આપવાની વાત કર્યા બાદ તરત જ રાવજી મોગરાની વાસની જેમ કવિતાની ગંધની વાત આણીને અમૂર્ત અનુભૂતિની આવશ્યકતાને પુનઃ અધોરેખિત કરે છે.

બે’ક પળ ભાવક સાથે ઘરોબો દાખવી રાવજી ફરી સચેત થઈ બે ડગલાં પાછળ હટી જાય છે. ‘તું’ ‘તમે’માં પલોટાઈ જાય છે, અંત સુધી ‘તમે’ જ રહેવા માટે! એ જાણે છે કે પોતે જે ઇચ્છ્યું છે એ વ્યર્થ છે. અર્થ સાથે વ્યર્થનો આંતર્પાસ જોઈએ ત્યારે રચનામાં સતત સંભળાતું આછું સંગીત અલબત-શરબત, છાશ-વાસ, ઠાઠ-ઘાટ, કમાડ-હજાર, ઘટમાળ-બટમાળ જેવી અનિયત પણ ઉપસ્થિત પ્રાસાવલી અને બ્રહ્મનું બટેરું, હંમેશના હવડ કમાડ, મારે મન મારે મન, સાહ્યબીના સૂરજ, ઓરડામાં આ અંધકાર ઊંચકું જેવી વર્ણસગાઈઓના કારણે હતું એ સમજાય છે. કવિતામાંથી અર્થ શોધવો એ સાણસીનો અર્થ કરવા બરાબર મૂર્ખામી છે. સાણસીનો ઉપયોગ કરી લેવાનો હોય, એના અંગોપાંગનો અભ્યાસ કરવા રહીએ તો ચા ઊભરાઈ જાય. વ્યક્તિ રાવજીની અભિવ્યક્તિ કવિતાઈ રણનો પ્રલંબ પટ છે, જ્યાં એ માત્ર પ્રણયની જેમ વેરાઈ જાણે છે. કવિતાની અખિલાઈ બે જ પંક્તિમાં કેવી રજૂ કરાઈ છે! કવિતાના દરિયાની વિશાળતા અને વહાલને ભીતર ઊતરીને માણવાના હોય, એના અર્થ કાઢવા ન બેસાય. રાવજીની કવિતાઓ આટલા દાયકાઓ પછી પણ આપણને આકર્ષે છે કેમકે –

હું એ ડાળીની લાલકૂંણી કૂંપળમાંથી જ
સીધો આ ઘરમાં ઊતરી આવ્યો છું!
નહીં તો
આ રૂંવાડાંમાંથી કોયલ ક્યાંથી બોલે?
મારી આંગળીઓમાંથી
પાંદડાં જેવા શબ્દો ક્યાંથી ફૂટે? (બાર કવિતાઓ: ૩)

‘હું તો માત્ર’, ‘હું તો માત્ર’ –એમ છ-છ વાર કહીને રાવજી કવિતામાં અનુભૂતિ અને મૌલિકતાને સતત હાઇલાઇટ કરે છે. કવિતામાં છંદ-ભાષા-વ્યાકરણમાં ખોડ જોનારાઓ માત્ર કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર જુએ છે. (‘અન્યનું તો એક વાંકું, આપના અઢાર છે’નો ઉપાલંભ શું નથી સંભળાતો?) રાવજી માત્ર કવિ છે. કવિ અને કવિતાને સમગ્રતાના અનુલક્ષમાં મહેસૂસ કરવાનાં છે. એના ઘટક અંગોનું પૃથક્કરણ-વિચ્છેદન કરવા બેસીશું તો બંધ ઓરડામાં સબડતા મમીથી વિશેષ કશું હાથ નહીં આવે. પરાપૂર્વથી સાચવી રખાયેલું આપણું કાવ્યશાસ્ત્ર શું સડી ગયેલ મમી બની ગયું છે? પ્રાણ તો સદીઓ પહેલાં જ જતો રહ્યો છે. વેધક વાત છે. સોંસરી ઊતરી જાય એવી. એની કવિતામાં ભૂખથી રિબાતા એના વલ્લવપુરા ગામની ગરીબીની વાસ્તવિક્તા છે, સ્વપ્નોના મહાલયો નથી. વલ્લવપુરા એટલે ચરોતરનો પૂર્વોત્તર ઈલાકો. ત્યારે ત્યાં નહોતી વીજળી, નહોતી સડકો કે નહોતી પાણી માટે નહેર. રાવજીની કવિચેતના આ વરવા વાસ્તવનો પડઘો ઝીલે છે. ન ઝીલે તો શા કામની? છઠ્ઠી અને છેલ્લીવાર ‘હું તો માત્ર’ કહીને રાવજી કવિતાને ખાલીબખ નિઃસહાય ૐ સાથે સરખાવે છે. પ્રારંભમાં ‘બ્રહ્મ’ જેવા પરમ તત્ત્વને ‘બટેરું છાશ’ જેવી તુચ્છતમ ઉપમા આપીને વિદ્રોહની આલબેલ પોકાર્યા બાદ રાવજી કૂંડાળું પૂર્ણ કરે છે. પરમતત્ત્વની નિઃસહાયતાની વાત કરે છે. કવિતાના માથે આધ્યાત્મનો બોજો નાંખી દેવાયા સામેનો આ ચિત્કાર છે કે શું? ૐ સામેનો એનો વાંધો કંઈ પહેલી વારનો નથી. ‘સંબંધ’માં એને ‘વાંકુંચૂંકું ૐ બોબડું’ દેખાયું છે, જે-

સંતાતું સદીઓથી
બીકથી પ્રસવેલું વેરાન ફરે સદીઓથી
એણે પૃથ્વીને રગદોળી કષ્ટી ઈશ્વર થઈને,
એણે સરજેલી સરજતને અંત હોય છે,
હું આવ્યો છું હવે અંતહીન વાચા ઘડવા.

કેવી વાત! ઈશ્વરનું સર્જન પણ અંત પામે, પણ કવિની વાચા તો અનંત. એથી જ ગણિતના મનોયત્નોની જેમ કવિતાના સમીકરણ માંડવા મથતા વિવેચકો સામે એને વિરોધ છે. ’૧૫-૧૧-૧૯૬૩’માં રાવજી કહે છે કે ‘ઈસ્ત્રી કરેલા શબ્દોને હું ગોઠવું છું.’ પણ એના જીવનની હકીકત આ છે: ‘શબ્દોમાં મેં જીવ પરોવ્યો/શબ્દ સાચવે અવાજ/શબ્દ તો નવરાત્રિનો ગરબો.’ એના શબ્દોમાં એનો જીવ પરોવાયો હોવાથી એની કવિતાઓ પાસેથી સ્થાપિત અર્થોની ઉઘરાણી કરવાનો અર્થ નથી. એની કવિતા સહજ ઉલટથી ઊભરી આવેલી છે, એની પાછળ કોઈ ગણિત નથી. છેલ્લે એ કહે છે કે મારી પાસે નથી એનો અર્થ કે મારી પાસે કવિતાનો નથી કશો નર્થ. અર્થનો વિરોધી શબ્દ આમ તો અનર્થ થાય પણ રાવજી ‘ન+અર્થ=નર્થ’ શબ્દની સરજત કરે છે. સતીશ વ્યાસ લખે છે: ‘‘નર્થ’ શબ્દ અત્યાર સુધીની અર્થાવલંબિત વિવેચનાને ઉપહાસે છે. એ કેવળ ‘અર્થ’ના સાદૃશ્યે જન્મ્યો છે, નહીં કે પ્રાસાર્થે.’ કવિતા, કવિતાના અર્થને પરંપરાની જડસીમાઓથી મુક્ત કરવા માટેનો આ પુરુષાર્થ છે. એ કહે છે: ‘કવિતાને કાયદાથી વાળો: દ્રોહ પહેલાં ટાળો.’

ટૂંકમાં કવિતાને એની અખિલાઈમાં આસ્વાદવાની છે. એનું અંગ-ગણિત નહીં, એને સંગ અગણિત માણવાનું છે. એની આબોહવામાં બેરોમીટર નહીં, ખાલી ફેફસાં લઈને પ્રવેશવાનું છે, તો જ શ્વાસમાં એનો પ્રાણવાયુ ભરાશે. તત્ત્વજ્ઞાનના પરંપરાગત વિચારો, મૃતઃપ્રાય સંસ્કૃતિના બીબાંઢાળ સંસ્કારો, વ્યવહારુ ભૌતિકવાદના સુનિશ્ચિત માળખાંમાં જે કેદ છે એ બીજું કંઈ પણ હોય, કવિતા નથી. કવિતા જ સાચો વૈભવ, કવિતા જ સાચો પ્રકાશ, કવિતા જ સાચું ઘર. શૈય્યા અને ભૂખના અંગત નિત્ય અનુભવોની અર્થધાત્રી એ કવિતા. ભવ્ય ભૂતકાળ નહીં, પણ પ્રવર્તમાન ઠોસ વાસ્તવ સાથેનું નિજત્વની સુગંધસભર અનુસંધાન એ જ જીવનનો સાચો અર્થ, એ જ સાચી કવિતા. અને જરા જુઓ તો, આ કેવી વિડંબના કે અર્થને અવગણી અનુભૂતિને આત્મસાત કરવાનું કહેતી કવિતાને હાથમાં લઈને આપણે એના અર્થ કાઢવા બેઠાં છીએ! પણ હકીકતે તો કવિતાનું અર્થઘટન કરવાની આ કસરત કવિતાના મોગરાની વાસ સહેજે ચૂકી ન જવાય એ માટે જ છે ને! અંતે પરંપરાની ઠેકડી ઊડાડતી દીર્ઘ રચના ‘એન.સી.સી. પરેડ’ના કાવ્યાંશ:

તોપ જેવી ફૂટી જશે કવિતા
તૂટી જાવ બાયલાઓ
ઇતિહાસ એંઠો થતો બંધ કરો બાયલાઓ.

નથી થવું ભા. ઓ વર્ષો જૂની પાળેલી પયગંબરની
ઘેટીઓનું બંધ કરો યુનિફૉર્મ જણવાનું-

બહુ ચાલ્યો પપેટ શો!