Category Archives: અછાંદસ

કથા-વ્યથા વૃધ્ધાવસ્થાની – વિપિન પરીખ

હમણાં હમણાં

આમ તો કેટકેટલા ફોન કરું છું તને રોજરોજ !
આજે ફોન કર્યો ને સામેથી કોઇએ પૂછ્યું,
Hello, Whom, do you want ?
ત્યારે માનશે તારું નામ કેમેય યાદ જ ન આવે !
અસ્તિત્વ સાથે જોડાયેલું એક નામ
હોઠ ઉપર આવતા યુગો લાગે ?
મારી આંખ સહેજ ભીની થઇ.
હમણાં હમણાં ક્યારેક આવું બને છે !
કશુંક લેવા માટે
એક ઓરડામાંથી બીજા ઓરડામાં જાઉં છું.
ત્યાં પહોંચું ને
‘હું અહીં શા માટે ને શું લેવા આવ્યો ?’
વિમાસણમાં પડી જાઉં છું.
ખાલી હાથે પાછો ફરું છું.
હમણાં હમણાં ક્યારેક આવું બને છે !

અંધેરીની ટિકિટ લઇને હું ટ્રેનમાં બેસું છું.
લોકોની ચડઉતર વચ્ચે
કેટકેટલાં સ્ટેશન પસાર થઇ જાય છે
સ્ટેશને ઊતરું ત્યારે ખબર પડે
હું અંધેરી નહીં બોરીવલી ઊતર્યો છું
સ્મૃતિ ફંફોસું છું
ઝોકું તો નહોતું આવ્યું,
ક્યાં જવું હતું મારે ને ક્યાં આવી પહોંચ્યો !
ગભરાયેલો, પરસેવાથી રેબઝેબ થઇ જાઉં છું.
હમણાં હમણાં ક્યારેક આવું થઇ જાય છે !

હું જ છું મારી શિલ્પી

આજથી લગભગ 6 વર્ષ પહેલા ગાંધીનગર – અક્ષરધામની મુલાકાત વખતે આ અધુરું શિલ્પ જોયું હતું. પપ્પા સાથે હતા, અને એમણે ત્યારે જરા સમજાવેલું પણ ખરું. પણ હું તો એને તરત ભૂલી ગઇ’તી. 2 વર્ષ પછી પહેલી વાર જ્યારે ઓફિસના કામથી 1 અઠવાડિયા માટે બહાર જવાનું હતું, ત્યારે મનમાં થોડો ખચકાટ અને ડર હતો. ત્યારે પપ્પા સાથે વાત કરતા એમણે મને આ શિલ્પ અને એની સાથે લખેલ વાક્ય યાદ કરાવ્યું. ” તમે જ તમારા શિલ્પી છો. ” અને પછી તો ઘણી વાર એ વાત યાદ કરીને self motivation અનુભવું છું.

——

હું જ છું મારી શિલ્પી, બેનમૂન શિલ્પ બનાવીશ,
અડગ વિશ્વાસ છે મુજમાં મને, જાત ને કંડારીશ.

લાગણીના ઉપવને ખીલતાં અને ખરતાં પુષ્પો,
અસ્તિત્વની સુવાસ મારી આપબળે મહેકાવીશ.

અતીતના પડછાયા તો જાણે ક્યાંય ઓગળી ગયા,
સ્મૃતિઓને અસ્તિત્વના અંગ રૂપે સ્વીકારીશ.

સુરજ મહીં આગ જેમ, ઇશ્વર મુજમાં વસે તેમ,
આવે છોને તોફાનો, શ્રધ્ધાનો દિવો પ્રગટાવીશ.

જીવનમાર્ગની એકલતા મને વિચલીત તો ક્યાંથી કરે ?
સાથ મળે જે મિત્રોનો, હું પ્રેમપૂર્વક વધાવીશ.

– જયશ્રી

——–

મને ખબર છે, ઉપર જે લખ્યું છે, એમાં છંદનું તો નામો-નિશાન નથી.. અને જાતે જ લખ્યું છે, એટલે જોડણીની ભૂલ પણ હોવાની. જ. વડીલો અને મિત્રોને ખાસ વિનંતી કરું છું કે ભૂલ હોય ત્યાં માર્ગદર્શન આપશો.

અવાજથી ધ્વનિ સુધીની યાત્રા – લાભશંકર ઠાકર

સામે કાંઠે
જંડી છે
આવતાંય અને જાતાંય
કોઇ અમૂલખ વસ્તુ
ભાષામાં

વાગી છે
પ્રેમની પ્રેમની પ્રેમની
કટારી
ભાષામાં

કેવું ઝીણું રે કાત્યું છે
નથી રાખ્યું કંઇ બાકી
ભાષામાં

લયના હિલોળે
આહા, પેટી ઘડી છે પુરુષોત્તમ
કેરી
ભાષામાં

ભાણાતીત ભાષાના તાળામાં, રે
આ તન્મય તન્મય
ભાષાકૂંચી
ફરતી રે
ખટ ખૂલવાની આશામાં
ભાષામાં.

આવ તું ..

થીજેલા ચહેરા પર
હુંફની ભીનાશ બનું
સ્મિત બની આવ તું

કોરા આ વાંસમાંથી
વાંસળીનો સાદ બનું
ગીત બની આવ તું

વસંતમાં ને પાનખરે
મહેકવું બારેમાસ મારે
ઝમઝમતું ઝરણું લઇ
પ્રીત બની આવ તું

– જયશ્રી

લાવ જરાક હસી લઉં !

ઘનઘોર ગરજતો વાદળ હું
સમ્રુધ્ધી નાં વાવડ હું
ખુલા નભે જકડાયો છું
બની માવઠું વરસી જઉં,
લાવ જરાક હસી લઉં !

અડગ અફર મેરુ સમ હું
હિમાલય ના ભેરુ સમ હું
અડગ રહી અકડાયો છું,
ભેખડ-ભેખડ ધસી જઉં,
લાવ જરાક હસી લઉં!

કોણ માનશે ?

જો હું કહું કે –
હારેલા જુગારીની પેઠે
મારે બમણા જોરે
જીંદગીની રમતમાં રમવું છે
કોણ માનશે ?

ઓ જીંદગી –
તું મને જેટલી ગમે છે
મારે પણ તને એટલા જ ગમવું છે
કોણ માનશે ?

– જયશ્રી

સાનિધ્ય – ચતુર પટેલ

એકવાર સાનિધ્ય
સ્વીકાર્યા પછી
તું હોય કે ઇશ્વર
શું ફરક પડે છે મને !

કિનારાના અસ્તિત્વનો
સ્વીકાર કરવો કે નહીં
એ તો નદીનો પ્રશ્ન છે
મારે તો –
તૂટતા જ રહેવાનું
તારા ધસમસતા પ્રવાહથી !

એકવાર ઝંઝાવાતમાં
સપડાયા પછી –
તૂટવું, ફૂટવું, ઢસડાવું
એ તો મારી નિયતિ છે !
મેં કયાં
કશીય રાવ કરી છે
તને કે ઇશ્વરને !
મેં સ્વીકારેલા યુધ્ધમાં
મારે જ મારી રીતે જ
લડવાનું છે
મને તો બસ –
એટલી જ ખબર છે કે
મારો વિષાદ, મારું દર્દ
ગમો-અણગમો,
ગતિ-પ્રગતિ કે અધોગતિ
બધું જ મારું હશે….

શરત એટલી જ હોય
કે –
આની જાણ ઉભયને હોય !
એકવાર
શરણાગતિ સ્વીકાર્યા પછી
જય કે પરાજય
મારો શણગાર બની રહેશે.

રાહ – રિતા ભટ્ટ


હું ફોરસ્કવેર સિગરેટ નહોતી
કે
તમારો ખાલીપો ભરવા બળી શકું,
હું
આકાશમાંની નાનકડી વાદળી યે નહોતી
કે
તમને ભીંજવીને સાવ કોરી થઇ શકું.
હું તો બે કાંઠે ભરપૂર-છલોછલ
વહેતી નદી હતી
કે
જેમાં તમને સમાવી હું ખુદને પામી લઉં.
હું
જે ગઇકાલે નહોતી તે આજે ય હું બની શકી નથી
પણ
બે કાંઠે ભરપૂર વહેતી નદી
લાગણીની-પ્રેમની પ્યાસમાં ઝૂરી ઝૂરી
સૂકાઇ ગઇ છે ક્યારની
પણ હા,
હું ફરી વહી શકુ —
ભરપૂર બે કાંઠે તેની રાહ
સૂકાઇ ગયેલી નદીના રેતીના તટથી
થોડે દૂર ઊભેલાં એક વૃક્ષની ડાળીએ
માળો બાંધીને રહેતાં પંખીઓ
આજે ય જુએ છે અનિમેશ નયને.