Category Archives: અછાંદસ

માણસ – વેણીભાઇ પુરોહિત

silhouette.jpg

કરવતથી વહેરેલાં
ઝેરણથી ઝેરેલાં,
કાનસથી છોલેલાં,
તોયે અમે લાગણીના માણસ.

બોમબોમ બીડેલાં પંખાળાં સાંબેલા,
તોપ તોપ ઝીંકેલા, આગ આગ આંબેલા,
ધણધણ ધુમાડાના
બહેરા ઘોંઘાટ તણી ઘાણીમાં પીલેલાં :
તોય અમે લાવણીના માણસ.

ખેતરના ડૂંડાંમાં
લાલ લાલ ગંજેરી,
શ્યામ શ્યામ સોનેરી,
ભડકે ભરખાયલ છે : દાણા દૂણાયલ છે :
ઊગવાના ઓરતામાં વણસેલા કણસેલાં –
તોય અમે વાવણીના માણસ.

ભૂખરાં ને જાંબુડિયાં… દૂધિયાં પિરોજાં,
દીઠાં ને અણદીઠાં દરિયાનાં મોજાં,
માતેલાં મસ્તાનાં ઘૂઘરિયાં સોજાં :
કાંઠેથી મઝધારે
સરગમને સથવારે,
તોય અમે આવણીને જાવણીનાં માણસ.
ચડતી ને ઊતરતી ભાંજણીનાં માણસ.
કરવતથી….

કાવ્ય – સુરેશ દલાલ

તું મારી ખૂબ નજીક નહીં આવ :
મને તારી બીક લાગે છે.
તું મારી ખૂબ નજીક નહીં આવ :
મને મારી બીક લાગે છે.

ફરી પાછું એનું એ મળવું
છૂટા પડવું, મળવું :
એનું એ અમૃતચક્ર, વિષચક્ર,
ચક્ર, ચક્રાકાર ગતિ….
ફરી પાછી અપેક્ષા
ફરી પાછી ભરતી ને ઓટ
ચંદ્રનો ઉદય ને ક્ષય
ફરી પાછો ભય –
ખબર નથી કે ગીતનો લય
ક્યાં અને ક્યારે તૂટી જશે –

તું મારી નજીક નહીં આવ
ભલે આ ગીત અધૂરું રહે
ભલે આ ગીત વણગાયું રહે –

પણ હવે
ઉઝરડા સહન કરવાની
મારી કોઇ તાકાત નથી.

લખવો છે એક પ્રેમપત્ર ….

roseletter

ઝાકળના ટીપાંની
કરું સ્યાહી,
ઝળકે જેમાંથી
પારદર્શકતા લાગણીની …

ગુલાબની પાંખડીઓ પર
લખું કંઇક એવું,
પરબિડીયું ખુલે,
ને અસ્તિત્વ મહેંકે…

વળી,પહેરાવું કવિતાના વાઘા
મારા એ શમણાંને,
કે જોઈ મને પ્રિતમ સંગ
સૂર્ય સવારનો રોજ મલકે…

પણ લખું તો યે શું લખું ?
ક્યાં છે લાગણીની એ ઉત્કટતા સમજનાર ?
ક્યાં છે શબ્દોની એ સુંદરતા મૂલવનાર ?

અને તો યે
લખવો છે મારે
લાગણીભીનો
એક પ્રેમપત્ર…!! 

———————–

સહિયારું સર્જન પર અઠવાડિયે ઊર્મિ નવા વિષય આપે, ત્યારે કાયમ એક જ પ્રશ્ન થાય, શું લખું ?  –  તો આ વખતે તો એ મોટાબેને વિષય જ એ આપી દીધો… 

માઇલોના માઇલો મારી અંદર – ઉમાશંકર જોશી

કવિ શ્રી ઉમાશંકર જોશી ( જન્મ : તા 21 જુલાઇ, 1911 )

માઇલોના માઇલો મારી અંદર પસાર થાય છે.
દોડતી ગાડીમાં હું સ્થિર, અચલ
પેલા દૂર ડુંગર સરી જાય અંદર, ડૂબી જાય
મજ્જારસમાં, સરિતાઓ નસોમાં, શોણિતના
વહેણમાં વહેવા માંડે, સરોવરો
પહોળી આંખોની પાછળ આખાં ને આખાં
ડબક ડબક્યાં કરે લહેરાતાં
ખેતરોનો કંપ અંગેઅંગે ફરકી રહે.

જાણે હથેલીમાં રમે પેલાં ઘરો,
ઝૂંપડીઓ, આંગણા ઓકળી-લીંપેલા
છાપરે ચઢતો વેલો… ત્યાં પાસે કન્યાના ઝભલા પર
વેલબુટ્ટો થઇ બેઢેલું પતંગિયું…
સ્મૃતિને તાંતણે એટલુંક ટીંગાઇ રહે.
માઇલોના માઇલો મારી આરપાર પસાર થયા કરે….

વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થયા કરે.
ઘૂમતી પૃથ્વી ઉપર હું માટીની શૃંખલાથી બધ્ધ.
એકમેકની આસપાસ ચકરાતા કવાસાર, નિહારિકાઓ,
આકાશગંગાઓ, નક્ષત્રોનાં ધણ, ચાલ્યાં આવે.
હરણ્ય મારી ભીતર કૂદી, પૂંઠે વ્યાધ, લાંબોક વીંછુડો…
અવકાશ બધો પીંધા કરું, તરસ્યો હું. ઝંઝાના તાંડવ,
ઘુર્રાતાં વાદળ, વીંઝાતી વિદ્યુત, ઉનાળુ લૂ,
વસંતલ પરિમલ – અંદર રહ્યું કોઇ એ બધુંય ગટગટાવે
અનંતની કરુણાનો અશ્રુકણ ? – કોઇ ખરતો તારો,
ધરતીની દ્યુતિ – અભીપ્સા ? – કોઇક ઝબૂકતો આગિયો,
સ્મૃતિના સંપુટમાં આટલીક આશા સચવાઇ રહે.
વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થયાં કરે.

તું ઇટ્ટાકિટ્ટા છોડ – રમેશ પારેખ


અરે,
આમ નજર ના ફેરવી લેવાથી
પાસેનું હોય તેને
થોડું જ પરાયું બનાવી શકાય છે ?

એવુ ખરું કે
હું ઘડીક હોઉં
ઘડીક ન યે હોઉં
પણ ઘડીકમાં ચોરપગલે તારી શય્યામાં સળ થઇ બેસી જાઉં
કે તારા કંઠમાં ધીમું ધીમું ગીત બની આવી ચડું
કે નીંદરની જેમ ઊડી યે જાઉં…

હું કોઇ નક્કી નહીં હોઉં.

તારા પુસ્તકનું સત્યાવીશમું પાનું હોઇશ
તું ચાલે તે રસ્તે હોઇશ.
તારા ખુલ્લા કેશમાં ફરતી હવા હોઇશ

ક્યારેક રીંસે ભરાઉં તો
તું મને સંભારે પણ હું તો તારી યાદમાં જ ન આવું
છબીમાં હોઉં પણ તારી સામે ન જ હસું.
ક્યારેક જૂની પેટીમાં છુપાવેલ મારો કોઇ પત્ર બની
હું અચાનક જડું ને તને રડાવી ય દઉં, હું…

પણ અંતે તો સોનલ,
તું છે કેલિડોસ્કોપ
અને હું છું તારું બદલાતું દ્રશ્ય.
આપણે અરસપરસ છીએ.
તારા સ્તનનો ગૌર વળાંક હું છું,
તારી હથેળીમાં ભાગ્યની રેખા હું છું,
તારા અરીસામાં દેખાતું પ્રતિબિંબ હું છું.
હઠીલો છું.
તારી સકળ સુંદરતા બની તને ભેટી જ પડ્યો છું –
તારું સકળ સોનલપણું જ હું છું, લે…
અને તારે મારો ઇનકાર કરવો છે ?
એ પ્રયત્ન કરી જો.
દરિયા વચ્ચે બેસીને કોઇ દરિયાનો ઇનકાર કરે
તો દરિયો દરિયો મટી જાય છે ?

તને હું બહું કનડું છું, કેમ ?
શું કરું ?
પ્રેમ સિવાય મારા માટે બધ્ધું જ દુષ્કર છે –
તું જ કહે,
તને ન ચાહું તો હું શું કરું ?

આપણે એક જાળમાં સપડાયેલાં બે માછલાં છીએ ?
એક શરીરની બે આંખ છીએ ?
મને તો ખબર જ પડતી નથી.
એક વાર તું જ કહેતી હતી કે
તું દરિયો છે ને હું તારું પાણી છું
તું આકાશ છે ને હું તારો વિસ્તાર છું.

આ તું અને હું ના ટંટા પણ શા માટે ?
અરે… રે
તું સાવ બુદ્ધુ જ રહી.
આંખો મીંચીને રમીએ એને સંતાકૂકડી કહેવાય
કંઇ ‘જુદાઇ’ ન કહેવાય.

ચાલ, ઇટ્ટાકિટ્ટા છોડ,
અને કહી દે કે, હું હારી…

મારા જાગરણના સાથી – હસમુખ પાઠક


મારી એકલતા હવે રહી નથી એકલતા.

નીલ આકાશનો ઉઘાડ,
મંદ મંદ હવા,
ઘાસની સુકુમારતા અને ધરતીની હુંફ,
તારી સાથેના ભાંગ્યાતૂટ્યા શબ્દ,
મારા જાગરણના સાથી.

પોઢી જઇશ ત્યારે ઓઢી લઇશ
તારલિયો અંધકાર,
તારી સ્મૃતિ

જાગેલું ઝરણું – ઝવેરચંદ મેઘાણી

spring

જુગોજુગોની નીંદ થકી મારા પ્રાણને કોણ જગાડે રે !…
ફીણવાળા મારા નીર-ઘોડીલા…
ઘૂમરી ખાતા રોષમાં તાતા
પાગલ પગ પછાડે રે ….
દૂરે દૂરે મહાગાન સિંધુનું
કાન વિશે ભણકારે રે !

( રવીન્દ્રનાથ ઠાકુરના બંગાળી પરથી )

( કવિ પરિચય )

આવું કેમ ?

292220568_4af1e845d3

લાગણી મારી,
જે અનુભવું છું એ દર્દ મારું.
આંખો મારી,
અને જેના તૂટવાનો કોઇ અફસોસ નથી
એ શમણું પણ મારું.
અને છતાંય
જો આજે મારે રડવું છે –
તો કેમ મને
ખોટ સાલે છે
તારા ખભાની ?

– જયશ્રી

એ શું ?

સહિયારું સર્જન પર ‘એ શું?’ શબ્દો સાથે કંઇક લખવાનું આમંત્રણ હતું, તો મારાથી આવું કંઇક લખાયું..

e shun
અચાનક
એક દિવસ
મારુ શમણું ખોવાયું,
મેં એને ઘણું શોધ્યું,
ઘણું ય શોધ્યું…
સોનેરી સવારે
અને ઢળતી સાંજે,
ખીલતા ઉપવને
અને ઘુઘવતા દરિયે,
બસ, શોધતી રહી…
ત્યાં સુઘી કે
હું ખુદ ભુલી ગઇ-
હું શું શોધું છું?…
અને વર્ષો પછી-
તમે અચાનક,
સામે આવ્યા,
ને એક હુંફાળા સ્મિત સાથે
હથેળીમાં કંઇ મુક્યું,
‘આ લે.. તારું શમણું!’
ને મારાથી
અનાયાસ
પુછાઇ ગયું
‘એ શું?’!!!!

એક છોકરી…

પોતાની ઊર્મિના સાગર મહીં,
એક છોકરી…
ચાતક નજરે
પ્રતિક્ષા કરે,
ને છીપ સમું તરસે-
સ્વાતિનું બુંદ એક,
ક્યારે વરસે ?
( કબીરજીના એક દુહાના થોડા શબ્દો પરથી લખ્યું છે )
———————–
પહાડોનાં મહિયરનું
સદાય ઉછળતું
ખળખળ વહેતું
એક મીઠું નટખટ ઝરણું…
નદી બનીને તલસે હવે એ,
ખારા સાગરમાં ઓગળવા ખુદને …
પણ-
મનની મુંઝવણ એની
પુછે હવે એ કોને જઇને?
હોય જો ભરતી સાગરમાં,
તો સાગર એને
પાછુ તો ન ઠેલે?!!
– જયશ્રી

Ek chhokari – Jayshree Bhakta