— who were massacred on the riverbanks of Nakagawa and Arakawa, after the Great Tokyo Earthquake, 1 September, 1923.
What am I meant to do?
You were buried ten years before I was born.
The riverbed’s full
of your formless faces.
Your compatriots who search for you
call this place Teki-kyo, enemy-capital.
I call out for you
without your names,
you, with your arms tied behind you,
you, butchered by hatchets,
you, shot
and kicked to the river,
you, pregnant
and young,
you, who came to study,
you were there too,
and you, yoked to a cart because
your cropshare was taken by a Japanese loanshark.
Tens of thousands of years ago
pictures were drawn of the great fallow deer.
They can still be seen with infra-red
but I can’t know you, who died sixty years ago,
how many you are – hundreds? more? – or your names.
What am I meant to do?
You’re buried in wretched longing
while we serenely cross the Nakagawa
and stroll through the town of Kameido.
What are we meant to do?
September’s here again, the canna lily blooms
while you of the neighbouring land, your names and wrath
bleed into the riverbed.
For more than half a century
we have trampled over you.
– Itsuko Ishikawa (Japanese)
(Eng. Trans. by Rina Kikuchi and Jen Crawford)
તમારા માટે
—જેઓનો ટોકિયો મહાભૂકંપ, ૧ સપ્ટેમ્બર, ૧૯૨૩, પછી નાકાગાવા અને અરાકાવા નદીકાંઠાઓ પર, નરસંહાર કરાયો હતો.
શું કરવું જોઈએ મારે?
હું જન્મ્યો એના દસ વરસ પહેલાં તો તમને દફનાવી દેવાયા હતા.
નદીનો પટ ભર્યો પડ્યો છે
તમારા નિરાકાર ચહેરાઓથી.
તમારા દેશબંધુઓ, જે તમને શોધે છે,
આ જગ્યાને ટેકી-ક્યો, શત્રુ-રાજધાની કહે છે.
તમારું નામ લીધા વિના
હું આહ્વાન કરું છું તમને,
તમને, પીઠ પાછળ હાથ બાંધી દેવાયેલાઓને,
તમને, કુહાડીઓથી સંહારાયેલાઓને,
તમને, ગોળી મારીને
અને લાતો મારીને નદીમાં ફેંકી દેવાયેલાઓને,
તમને, સગર્ભાઓ
અને યુવાનોને,
તમને, જેઓ ભણવા આવ્યા હતા,
તમે પણ ત્યાં હતા,
અને તમને, એક ગાડા સાથે જોતરી દેવાયેલાઓને કારણ કે
તમારા પાકનો એક ભાગ જાપાની સૂદખોરો વડે લઈ લેવાયો હતો.
હજારો વર્ષ પહેલાં
મહાન કુરંગોના ચિત્રો દોરવામાં આવ્યાં હતાં.
તે આજેય ઇન્ફ્રા-રેડ વડે જોઈ શકાય છે
પણ હું તમને, – જેઓ સાંઠ વર્ષ પહેલાં મરણ પામ્યાં છે, – કે તમારા નામને
જાણતો નથી. કેટલા હતા તમે લોકો -સેંકડો? વધારે?
શું કરવું જોઈએ મારે?
તમે જઘન્ય લાલસામાં દફનાવાયા છો
જ્યારે અમે શાંતિથી નાકાગાવા પાર કરીએ છીએ
અને કોમેડો શહેરમાં રખડપટ્ટી કરીએ છીએ.
શું કરવું જોઈએ અમારે?
સપ્ટેમ્બર પાછો આવી ગયો છે, ફૂલો ખીલી રહ્યાં છે,
જ્યારે પાડોશી મુલ્કના તમે,
તમારાં નામ અને ગુસ્સો નદીતળમાં વહી ગયાં છે.
અડધી સદીથીય વધુ સમયથી
અમે તમને પગતળે કચડતા આવ્યા છીએ.
– ઇત્સુકો ઇશિકાવા
(અંગ્રેજી અનુ.: રીના કિકુચી, જેન ક્રૉફર્ડ)
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)
કાન્ટો નરસંહાર: મનુષ્યના અંતર્નિહિત પશુપણાંનો અરીસો…
જલિયાંવાલા બાગ –આ બે જ શબ્દ કોઈ બોલે એટલામાં, આપણે એ સમયે જન્મ્યા પણ ન હોવા છતાં ૧૩ એપ્રિલ, ૧૯૧૯ના મનહૂસ દિવસે ત્યાં ભજવાયેલું દૃશ્ય તાદૃશ થઈ જાય. આ બે શબ્દો અને એની લોહિયાળ પીડા દરેક ભારતીયના હૃદયમાં અંકિત છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં અંગ્રેજોએ આપણી પાસે લાખોની સંખ્યામાં માનવદળ અને અઢળક નાણાં-ખોરાકની મદદ મેળવ્યાં. વળી, વિશ્વયુદ્ધ દરમિયાન ભારતમાં કોઈ ચળવળ ન થાય એ માટે ભારત પ્રતિરક્ષા વિધાન (ડિફેન્સ ઑફ ઇન્ડિયા એક્ટ, ૧૯૧૫) લાગુ પાડી ભારતીયોની પાંખ કાપી નાંખી. વિશ્વયુદ્ધ પછી ભારતના સાથ-સહકારની કદર કરવાના બદલે નપાવટ અંગ્રેજોએ ૧૯૧૯ના માર્ચની અઢારમીએ અંગ્રેજોને કુલમુખત્યાર થવાની સત્તા આપતો રૉલેટ એક્ટ લાગુ પાડ્યો. રાહતના બદલે દાઝ્યા પર ડામ મળતાં ભારતીયોમાં હાડોહાડ અસંતોષની જ્વાળાઓ ભડકી ઊઠી. ચોતરફ પ્રારંભાયેલ વિરોધપ્રદર્શનોમાંનું એક અમૃતસરના જલિયાંવાલા બાગમાં યોજાયું. દસ હજારથી વધુ માણસો એકત્ર થયા. જનરલ ડાયરે સશસ્ત્ર સૈનિકોની મદદથી આવાગમન માટેનો એકમાત્ર માર્ગ રોકી લઈ કોઈપણ જાતની પૂર્વચેતવણી વિના અંધાધૂંધ ગોળીબાર કરાવ્યો અને આ નૃશંસ નરસંહારમાં સેંકડોના જાન ગયા, હજારો ઘાયલ થયા. ભારતમાતાના હૃદય પર કદી ન રૂઝાય એવો ઘા થયો. દુનિયા સમસ્તની તવારીખ આવા લોહિયાળ હત્યાકાંડોથી રંગાયેલી પડી છે. આવા જ એક હત્યાકાંડની વાત આજે ઇશિકાવા આપણી સાથે કરવા માંગે છે.
ઇત્સુકો ઇશિકાવા. જાપાનીઝ કવયિત્રી. ૧૮-૦૨-૧૯૩૩ના રોજ ટોકિયો, જાપાન ખાતે જન્મ. તેમની કવિતા યુદ્ધ અને પરમાણુશસ્ત્રના વિરોધને સમર્પિત છે. બાળપણના અનુભવો યુદ્ધ, સામ્રાજ્યવાદ અને સરમુખત્યારશાહીની વિરુદ્ધનો અવાજ બની સાહિત્યમાંથી સંભળાય છે. એમની કવિતાઓની સ્ત્રીસહજ કોમળ સંવેદના આપણને મસૃણતાથી પંપાળીને જીતી લે છે. હાલ, ૨૦૨૨ની સાલમાં નેવ્યાસી વર્ષની વયે તેઓ નિવૃત્ત જીવન ગાળી રહ્યાં છે.
‘તમારા માટે’ શીર્ષક શિરોલેખ (epigraph)નો જ એક હિસ્સો પણ છે. શીર્ષક અને શિરોલેખને બાદ કરતાં તેંત્રીસ પંક્તિની કવિતાને કવિએ બબ્બે પંક્તિના સોળ યુગ્મકમાં વહેંચી દીધી છે, જેમાં એકમાત્ર દસમું યુગ્મક ત્રણ પંક્તિઓ સાથે અપવાદરૂપ અલગ તરી આવે છે. બબ્બે શબ્દોની પંક્તિઓથી લઈને નવ-દસ શબ્દો સમાવતી લાંબી પંક્તિઓના કારણે આકારની અરાજકતા સર્જાય છે, જે કવિતાના કેન્દ્રસ્થ ભાવ સાથે સુમેળ ખાય છે. મૂળ જાપાનીઝ કવિતાના અભાવમાં છંદોલય કે પ્રાસનિયોજન વિશે ટિપ્પણી શક્ય નથી.
આ કવિતા એ લોકોને સીધું સંબોધન છે, જેઓને ટોકિયોમાં આવેલ મહાભૂકંપ બાદ નાકાગાવા અને અરાકાવા નદીકાંઠાઓ પર ક્રૂરતાપૂર્વક મારી નંખાયા હતા. કવિતા વાંચતા પહેલાં આ નરસંહાર વિશે જાણી લઈએ. પહેલી સપ્ટેમ્બર, ૧૯૨૩ના રોજ સવારે બાર વાગ્યાની આસપાસ જાપાનમાં ૭.૯ રિક્ટર સ્કેલ જેટલો પ્રચંડ ભૂકંપ આવ્યો, જે સમય રસોઈનો સમય હોવાથી ઠેર-ઠેર આગ પણ લાગી. ભૂકંપની તારાજીમાં આગે ઉમેરો કર્યો. આટલું ઓછું હોય એમ તેત્રીસ ફૂટ ઊંચા મોજાંઓ સાથે ત્સુનામીએ કાંઠા વિસ્તારોમાં હાહાકાર મચાવ્યો. લાખો ઘર જમીનદોસ્ત થઈ ગયાં અને મૃત્યુઆંક દોઢેક લાખની આસપાસ પહોંચ્યો. પણ આ તો હતી કુદરતી આપત્તિ. ઉપરવાળા આગળ આપણું બે ફદિયાનુંય ઉપજે નહીં એ તો સર્વવિદિત છે જ, પણ ખરી સમસ્યા તો ભૂકંપ બાદ સામે આવી.
રાજધાની ટોકિયો પણ જેમાં સમાવિષ્ટ છે, એ જાપાનનો સૌથી મોટો ટાપુ કાન્ટો ભૂકંપમાં સહુથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર હતો. એકતરફ ભૂકંપના કારણે લોકો આશ્રયવિહોણા થઈ ગયા તો બીજી તરફ અનાજ-પાણીનો પુરવઠો અટકી ગયો. ત્રીજી તરફ મોટાભાગના અખબારો બંધ થઈ ગયા. સોએક વર્ષ પહેલાંના જાપાનમાં વિશ્વસનીય સમાચારો માટે અખબાર એકમાત્ર ઉપલબ્ધ સાધન હતું. રેડિયોની શરૂઆત પણ આ ઘટનાના ત્રણ વર્ષ બાદ, ૧૯૨૬માં થઈ. અખબારોની અનુપસ્થિતિમાં ભૂકંપ દરમિયાન ઠેકઠેકાણે લાગેલી આગ કરતાં વધુ ઝડપથી અફવાઓ ફેલાઈ વળી. પારાવાર વિનાશના કારણે ચહુઓર અંધાધૂંધી મચી હતી તે ઓછી હોય એમ જાપાનસ્થિત કોરિયન લોકો આગજની અને કૂવાઓમાં ઝેર નાંખીને ત્રાસવાદી હુમલાઓની તૈયારી કરી રહ્યા હોવાની વાત દાવાનળની જેમ ફાટી નીકળી. પછીના ત્રણ અઠવાડિયાઓમાં જ્યાં જુઓ ત્યાં પોલિસ, સેના અને સ્વયંશાસિત દળો બંદૂક, તમંચા, લાકડી, ભાલા, ગદા – જે હાથ આવ્યું એ લઈને જાપાનીઓ કોરિયનો પર કાયદાની ઐસી-તૈસી કરીને તૂટી પડ્યા. જીવતા માણસોના હાથ-પગ કરવતથી કાપી નાંખવા, આંખ ફોડી નાંખવી, નાક-કાન-સ્તન કાપી નાંખવા જેવા અગણિત અત્યાચારો કરાયા. આ અમાનુષી હત્યાકાંડમાં પોલિસ અને સૈનિકોએ મૂક પ્રેક્ષક બની રહેવાથી લઈને સક્રિય ભાગ લેવા સુધીની ભૂમિકા ભજવી. આજુબાજુના પ્રદેશોને ગણતરીમાં ન લઈએ તોય કેવળ કાન્ટોપ્રદેશમાં આ નિર્મમ અત્યાચારમાં ૬૦૦૦ લોકોએ જાન ગુમાવ્યો. જાપાની સરકારે આખી બીના પર ઢાંકપિછોડો કરવાનું વલણ અપનાવ્યું હોવાથી સાચો આંક તો ઈશ્વર જ જાણે.
આ કવિતા નાકાગાવા અને અરાકાવા નદીકાંઠાઓ પર જેઓને બળજબરીથી જીવતા રહેંસી નખાયા હતા એ લોકોને સીધું સંબોધન છે. પોતે શું કરવું જોઈએની અસમંજસથી કાવ્યારંભ થાય છે. કત્લેઆમ તો કવિના જન્મના દસ વર્ષ પહેલાં થઈ ચૂક્યો હતો. તમામ અભાગીયાઓને નદીતટે દફનાવી દેવાયા હતા. કાવ્યાંતે ખ્યાલ આવે છે કે આજે કવિ જીવનના પાંચ દાયકા વિતાવી ચૂક્યા છે. મતલબ, હત્યાકાંડ અને કવિતાની વચ્ચે સાંઠ-સાંઠ વર્ષોનાં વ્હાણાં વાઈ ચૂક્યાં છે. છ દાયકાઓ બાદ આજે આ નદીકાંઠાઓ કવિને નિરાકાર ચહેરાઓથી ભર્યાભર્યા દેખાય છે. મનુષ્ય સંવેદનાની આ પરાકાષ્ઠા છે. સામૂહિક નરસંહાર બાદ ગાયબ સગાંઓના મૃતદેહની આશામાં જે લોકોએ અહીં આંટાઓ માર્યા હશે, તેઓ આ જગ્યાને ટેકી-ક્યો, યાને શત્રુ-રાજધાની કહે છે.
અહીંથી કવિતાનો બીજો ભાગ પ્રારંભાય છે, જેમાં કથકના મૃતકો સાથેના એકતરફી સંવાદમાં મૃતકોનું વિવરણ ઉમેરાય છે. કથક કહે છે કે હું તમારું નામ લીધા વિના તમને આહ્વાન કરું છું. નામ તો લેવુંય કઈ રીતે? છ હજારથી વધુ લોકોની ઓળખ ઉપર છ દાયકા જેટલી ધૂળ ફરી વળી છે. સામૂહિક મોતનો એ સમયે થયેલ નગ્ન નાચ, કથકની નજર સમક્ષ તાદૃશ થઈ રહ્યો છે, અને કથક સંજયદૃષ્ટિના માધ્યમથી આપણને પણ એ તાંડવના સાક્ષી બનાવે છે. કવિ અલગ-અલગ રીતે કમોતને વરેલાઓને પોકારે છે. હાથ પીઠ પાછળ બાંધી દઈને અસહાય કરી દેવાયેલાઓ, કુહાડીઓથી વધેરાયેલાઓ, ગોળી મારીને મોતને ઘાત ઉતારાયેલાઓ અને લાતો મારી-મારીને નદીમાં ફેંકી દેવાયેલાઓને કવિ જુએ છે. મરનારાંઓમાં સગર્ભા સ્ત્રીઓ પણ હતી અને યુવાનો પણ હતા, અભ્યાસ માટે આવેલ વિદ્યાર્થીઓ પણ હતા અને ગાડાં સાથે જનાવરોની જેમ જોતરી દેવાયેલાઓ પણ હતા. ખેડૂતો કે ખેતમજૂરોનો પાક બળજબરીથી છીનવી લઈ જાપાની સૂદખોરોએ એમને ગાડાં સાથે જોતરી દઈ મોતને ઘાટ ઉતાર્યા હતા. નરસંહાર પાછળનો એક હેતુ છતો થાય છે. અફવાઓ હત્યાકાંડનું એકમેવ કારણ નહોતી. ધિરાણના બદલમાં લૂંટેલા પાકનો હિસાબ ન આપવાની બદદાનત પણ આ નૃશંસતા પાછળનું એક પરિબળ હતું. કવિનું કામ ઈશારો કરવાનું. એક વાત કહે અને દસ આપણા પર છોડી દે. કવિએ એક કારણ આપ્યું, બાકીના આપણે સમજવાના. જાપાની સમાજ લડવૈયા(સમુરાઈ), ખેડૂતો, કારીગરો અને વેપારીઓ –ચાર જાતમાં વહેંચાયેલો હતો. વિદેશીઓને તેઓ ચાર વર્ણથી ઉતરતા ‘ઇટા’ (eta) (પારાવાર ગંદકી) અને હિનીન (hinin) (અમાનવ) ગણતા. અફવાઓ અને આગ-લૂંટના ડર કરતાં વિશેષ તો જાપાનીઓના દિલમાં વર્ષોથી કોરિઅન લોકો માટે પ્રવર્તતી નફરતે આ અત્યાચારમાં પ્રમુખ ભાગ ભજવ્યો હતો.
કવિતાના ત્રીજા ભાગમાં સ્વાવલોકન છે. હજારો વર્ષ પહેલાં આદિમાનવોએ ગુફાઓમાં દોરેલાં હરણોનાં ચિત્રો ઝાંખા હોવા છતાં ઇન્ફ્રા-રેડ લાઇટની મદદથી આજેય જોઈ શકાય છે, એ યાદ કરીને કવિ વિમાસે છે કે છે…ક પ્રાગૈતિહાસિક કાળ સાથે સંપર્ક કરવાને સમર્થ હું, સાંઠ વર્ષ પહેલાંના મૃતકોને જાણતો સુદ્ધાં નથી. કેવી વિડંબના! કેવી સંવેદનશૂન્યતા! દૂરાતિદૂરનું જોવાની દૃષ્ટિ તો આપણે કેળવી લીધી, પણ નજીકનું જોઈ શકતા નથી. હજારો વર્ષ પહેલાંનો ઇતિહાસ આપણને વહાલો છે, પણ નજીકના ભૂતકાળમાં આપણા જ ભાઈભાંડુઓએ જેમના અસ્તિસ્ત્વને બર્બરતાથી ભૂંસી નાંખ્યાં હતાં એ તરફ નથી આપણું ધ્યાન, નથી દૃષ્ટિ! આ લાગણીહીનતા કથકની જ નહીં, સમસ્ત સમાજની વાસ્તવિક પિછાન છે. તમે લોકો કેટલા હતા? સેંકડો? વધારે? વગેરે સવાલો પૂછીને કથક પોતાની અજ્ઞાનતાને, અસંવેદનશીલતાને અધોરેખિત કરે છે.
પોતે શું કરવું જોઈએની જે અસમંજસથી કવિતા શરૂ થઈ હતી, કવિ આપણને પુનઃ ત્યાં જ, વિનાશના વર્તુળનો ચકરાવો ફેરવીને લઈ આવે છે. મૃતકો તો આતતાયીઓની જઘન્ય લાલસાનો ભોગ બનીને દફનાવાઈ ચૂક્યા છે, જ્યારે કથક જેવા જીવિત લોકો ક્યારેક જે નદીઓમાં નિર્દોષોનું લોહી વહેતું હશે એ જ નદીઓને શાંતિથી પાર કરે છે. જે ગલીઓમાં નિઃસહાય નરસંહારનો નગ્ન નાચ થયો હશે, એ જ ગલીઓમાં આજે લોકો એ ઘટનાઓથી નાવાકેફ થઈને કે એમ હોવાનો ડોળ કરીને રખડપટ્ટી આચરે છે. પોતે શું કરવું જોઈએની વિમાસણને કવિ ‘મારે’ના સ્થાને ‘અમારે’ મૂકીને વિસ્તારે છે. સ્વ સર્વ બને છે. નાનકડા શબ્દફેરની મદદથી કવિ નિજી વિક્ષુબ્ધતામાં સહુને અનાયાસ જોડી દે છે. કથકનો પોઇન્ટ ઑફ વ્યૂ આપણો બની રહે છે. કેવળ સાક્ષી ન રહેતાં, આપણે હવે એ દૃશ્યોનો એક ભાગ બની ગયાં છીએ. જુલ્મગારોના હાથમાં ક્યાંક આપણો પણ હાથ-સાથ હોવાની પ્રતીતિ આપણને કોરવા માંડે છે.
સપ્ટેમ્બર મહિનામાં બનેલી બીનાનું સ્મરણ કરીને કવિ મૃતકોને અને આપણી અંદર મરી પરવારેલ સંવેદનાને સવાલ કરે છે કે હવે શું કરીશું? સપ્ટેમ્બર ફરી આવી ગયો છે અને કૈનાસ ફરી ખીલી રહ્યાં છે. આ ફૂલોને શું આપણે ફરી મસળી નાંખીશું? ક્યાં સુધી ઇતિહાસનું પુનરાવર્તન થતું રહેશે? દુનિયામાં કોઈ કાળ કે કોઈ સ્થળ એવા નહીં હોય, જ્યાં એક યા બીજા કારણોસર કાન્ટો કે જલિયાંવાલા બાગ જેવા હત્યાકાંડ નહીં થયા હોય. માણસની મૂળભૂત તાસીર જ જંગલિયત છે. સમાજ નામની ધૂંસરી બાંધી ન હોય, સભ્યતા નામની લગામ પહેરાવી ન હોય કે સજા નામનો અંકુશ પીઠ કોચવા તૈયાર ન હોય તો માણસ કાન્ટોકાંડ જ કરે. કાન્ટોકાંડમાં જોતરાયેલા જાપાનીઓને ખબર હતી કે મુલ્કના રખેવાળો તરફથી એમણે કોઈ જાતનો ડર નથી, ઊલટું ખુલ્લું સમર્થન છે. એ વિના અંદર લપાઈ રહેલી પશુતા આમ બહાર આવે જ નહીં. વિલિયમ ગોલ્ડિંગની ‘લૉર્ડ ઑફ ફ્લાઇઝ’ નામની સાવ ટબૂકડી નવલકથાએ દુનિયા આખીને હચમચાવી નાંખી હતી એનું કારણ એ જ હતું કે એણે માણસના સાચા સ્વ-ભાવ, માણસના અંતર્નિહિત પશુપણા સામે અરીસો ધર્યો હતો.
એક તરફ પાડોશી મુલ્કોમાંથી જાપાન આવી વસેલ નાગરિકોના નામ અને ગુસ્સો એમના લોહીની જેમ જ આ નદીમાં વહી ગયા છે અને બીજી તરફ પુષ્પો ખીલી રહ્યાં છે. ઇત્સુકોએ ફૂલો જેવું સર્વનામ વાપરવાના બદલે કેન્ના લીલી યાને કે કૈનાસ ફૂલોનું નામ કવિતામાં પ્રયોજ્યું છે. મૃતકોની ગુમનામીની સામે ફૂલનું નામ મૂકીને કવિએ વિરોધાભાસ તીવ્રતર બનાવ્યો છે. આ અગાઉ પણ કવિતામાં નાકાગાવા નદી અને કોમેડો શહેરનો નામોલ્લેખ કવિએ કર્યો છે, એ પણ કદાચ આ જ અનુભૂતિને બળવત્તર બનાવવા માટે જ. કવિતામાં નાની નાની પ્રયુક્તિઓ પણ કેવી અર્થસભર હોય છે એ સમજાય છે.
સમયની નદીએ જેમના ઉપરથી વહી જઈને જેઓનાં નામનિશાન ભૂંસી નાંખ્યાં છે, એમને એમના પછીની પેઢીઓ અડધા દાયકાથીય વધુ સમયથી પગ તળે કચડતી આવી છે. સમય બદલાઈ ગયો પણ માણસ બદલાયો નહીં. એક સમયે માણસે જીવતા માણસોને કચડી નાંખ્યા, આજે માણસ એમની સ્મૃતિઓને કચડી રહ્યો છે. ઇતિહાસ સાક્ષી છે… કેવળ સમય બદલાતો રહે છે, માણસ અને એની અંદર સતત જીવતો રાક્ષસ નથી કદી બદલાતો, નથી કદી મરતો… સમયાંતરે આ દાનવ માનવ ઉપર હાવી થતો જ રહે છે અને નાકાગવા અને અરાકાવા નદીઓના કાંઠાઓ રક્તરંજિત અને શરમરંજિત થતા જ રહે છે….