ગ્લૉબલ કવિતા : ૨૨૮ : ઋતુસ્રાવની પ્રસંશામાં કવિતા

poem in praise of menstruation

if there is a river
more beautiful than this
bright as the blood
red edge of the moon if

there is a river
more faithful than this
returning each month
to the same delta if there

is a river
braver than this
coming and coming in a surge
of passion, of pain if there is

a river
more ancient than this
daughter of eve
mother of cain and of abel if there is in

the universe such a river if
there is some where water
more powerful than this wild
water
pray that it flows also
through animals
beautiful and faithful and ancient
and female and brave

– Lucille Clifton


ઋતુસ્રાવની પ્રસંશામાં કવિતા

જો કોઈ નદી હોય
આના કરતાં વધારે સુંદર
તેજસ્વી જાણે કે રક્તિમ
રાતી ચંદ્રની કિનાર જો

કોઈ નદી હોય
આનાથીય વધુ વફાદાર
જે દર મહિને એ જ મુખત્રિકોણ પર
પરત ફરતી હોય જો કોઈ

નદી હોય
આનાથીય વધુ બહાદુર
જેમાં આવ્યા જ કરે, આવ્યા જ કરે
દર્દના ઉછાળા, આવેશ સાથે જો કોઈ નદી

હોય
વધુ પુરાતન
આ ઈવની પુત્રી
કેઇન અને એબલની માતા કરતાં જો કોઈ નદી હોય

આવી બ્રહ્માંડમાં જો
ક્યાંય પણ આ ઉદ્દામ જળ કરતાં
વધુ શક્તિશાળી
જળ હોય, તો
પ્રાર્થના કરો કે તે
સુંદર અને વફાદાર અને પુરાતન
અને માદા અને બહાદુર
પ્રાણીઓમાં થઈને પણ વહે

– લૂસીલ ક્લિફ્ટન
(અનુ. વિવેક મનહર ટેલર)
માસિક-ઋતુસ્રાવ ની ‘નો નોનસેન્સ’ કવિતા…

માસિક. માહવારી. મેન્સિસ. પિરિયડ્સ. કેલેન્ડર સાથે લગ્ન ન કરી લીધાં હોય એમ પુખ્તવયની સ્ત્રી રજોદર્શનથી રજોનિવૃત્તિ સુધી જીવનના લગભગ ત્રણ-સાડાત્રણ દાયકાઓ સુધી દર મહિને એકવાર પાંચેક દિવસ સુધી યોનિમાર્ગેથી કુદરતી પણ અનિયત અને અનિવાર્ય રક્તસ્રાવ નો શિકાર બને છે. દુનિયાની વસ્તીનો અડધોઅડધ ભાગ સક્રિય જીવનના લગભગ અડધોઅડધ વરસ આ દેહધાર્મિક ક્રિયામાંથી ફરજિયાત પસાર થતો હોવા છતાં આ દિવસો દરમિયાન કોઈકને કોઈક રીતે અછૂતા હોવાનો અહેસાસ આજે પણ કરે છે. અમેરિકા જેવા વિકસિત દેશમાં પણ બિલકુલ પ્રાકૃતિક એવી આ પ્રક્રિયા તરફની પ્રતિક્રિયા પૂર્ણતયા સામાન્ય નથી જ. લૂસીલ આ કવિતામાં સાહિત્યમાં ઓછા ખેડાયેલા આ વિષય તરફ આપણું ધ્યાન દોરે છે.

લૂસીલ ક્લિફ્ટન. અમેરિકન અશ્વેત કવયિત્રી. બાળપણનું નામ થેલ્મા લૂસીલ સેઇલ્સ. ન્યૂયૉર્ક ખાતે ૨૭-૦૬-૧૯૩૬ના રોજ જન્મ. પિતા લોખંડની મિલમાં મજૂર. મા ધોબણ હતી પણ કવિતા લખતી. ઓછું ભણેલ મા-બાપે પણ બાળકોને ઢગલાબંધ પુસ્તકો મળતાં રહે એનું ધ્યાન રાખ્યું હતું. એમનાં એક પૂર્વજ અમેરિકામાં ગુલામીના સમયે માનવહત્યાના આરોપસર ફાંસી પામનાર પ્રથમ હબસી મહિલા હતાં. લૂસીલને બંને હાથમાં છ-છ આંગળી હતી પણ અંધશ્રદ્ધાના કારણે બાળપણમાં જ એ કપાવી નંખાઈ હતી. આ બે આંગળીઓ એમના સર્જનમાં અવારનવાર ડોકાતી રહી. સ્કોલરશીપ મેળવીને ડ્રામા ભણવા ગયાં પણ ઓછા માર્ક્સ આવવાના કારણે હાવર્ડ યુનિવર્સિટી છોડવી પડી. બીજી કોલેજમાં ભણ્યાં. શરૂમાં ક્લર્ક તરીકે, બાદમાં સાહિત્ય-સહાયક તરીકે અને અંતે સાહિત્યના પ્રોફેસર તરીકે નોકરી કરી. લગભગ છ વરસ સુધી મેરીલેન્ડના રાજકવિ રહ્યાં. ૧૯૫૮માં ફ્રેડ જેમ્સ ક્લિફ્ટન સાથે લગ્ન. છ બાળકો. ૧૯૮૪માં ફ્રેડનું નિધન. ૧૩-૦૨-૨૦૧૦ના રોજ ૭૩ વર્ષની વયે દુનિયાને અલવિદા. એમના અવસાન પર ન્યૂયૉર્કરે લખ્યું હતું: ‘એ વાત અલગ છે કે ક્લિફ્ટન સાચે જ બિલાડીની નવ જિંદગી જીવી ગયાં-કિડની ટ્રાન્સપ્લાન્ટ, કેન્સરના અલગ-અલગ અંગો પરના વારંવારના હુમલાઓ-તોય એમના અવસાને આપણને આઘાત પહોંચાડ્યો છે કેમકે એમના જેટલા ચહીતા અને બહોળા પ્રભાવવાળા બીજા અમેરિકન કવિ આજે કોઈ નથી.’ (બિલાડીની નવ જિંદગી એ વિદેશોમાં સદીઓથી પ્રવર્તતી વાયકા છે. શેક્સપિઅરના રોમિયો-જુલિયેટમાં પણ એનો ઉલ્લેખ છે.)

આફ્રિકન-અમેરિકન સાંસ્કૃતિક વારસો અને નારીવાદ એમના બહોળા સર્જનનો પ્રધાન સૂર રહ્યો. એવરેટ એન્ડરસન નામના હબસી છોકરાના કાલ્પનિક પાત્રને કેન્દ્રમાં રાખીને વિપુલ બાળસાહિત્ય સર્જ્યું. એમની કવિતાઓ રોજબરોજના સમાજનો, સામાન્ય માનવજીવનનો સીધો આયનો છે. એમના સર્જનમાં બાળપણ, બાળકોના મનોભાવો અવારનવાર નજરે ચડે છે. દુઃસાધ્યતા બાજુએ રાખીને તેઓ સરળ ભાષામાં લાઘવ સાથે ભાવોર્મિ એ રીતે રજૂ કરે છે કે ભાવકને તરત જ સ્પર્શી જાય. કપરા સંજોગોમાં પણ ટકી રહેવાની તાકાત અને ધૈર્ય એમની રચનાઓનો લઘુત્તમ સામાન્ય અવયવ છે. અમેરિકન હબસી હોવાના નાતે એક માનવતાવાદી અભિગમ એમના સર્જન સાથે સદા સંકળાયેલો રહ્યો. એ કહેતાં, ‘લેખન એક રસ્તો છે આશા ટકાવી રાખવા માટેનો… કદાચ એ મારા માટે એ યાદ રાખવાનો રસ્તો છે કે હું એકલી નથી.’

કવિતાનું શીર્ષક ‘ઋતુસ્રાવ ની પ્રસંશામાં કવિતા’ જરૂર કરતાં વધારે બોલે છે. સામાન્યતઃ કવિતા દેખાડે ઓછું અને છુપાવે વધુ, પણ અહીં શીર્ષકની બાબતમાં કિસ્સો ઊલટો છે. એક તો કવિ જાતે જ કહી દે છે કે આ કવિતા છે, બીજું એ ઋતુસ્રાવવિશે છે અને ત્રીજું એ ઋતુસ્રાવ નું પ્રશસ્તિકાવ્ય છે. પ્રશ્ન થાય કે કવિએ શું આટલા મુખર થવાની જરૂર હતી? પણ સાફ વાત છે કે કવયિત્રીએ હાથમાં લીધેલ વિષય હજારો વર્ષોથી સાફ દેખાતો હોવા છતાં દુનિયા સતત આંખ આડા કાન જ કરતી આવી છે. કદાચ એટલે જ લૂસીલ આ ‘અસ્પૃશ્ય’ ડાયરામાં પગ મૂકતાં પહેલાં જ ભાવકને ચેતવી દે છે: Enter at your own risk! ‘મેન્સ્ટ્રુએશન’ (Menstruation)શબ્દ લેટિન menstruus અર્થાત્ માસિક (mensis=મહિનો) પરથી ઊતરી આવ્યો છે. જૂની અંગ્રેજીમાં આ માટે monaðblot અર્થાત્ month-blood શબ્દ હતો. માસિકના પાંચ દિવસની પ્રતિમા કંડારી ન હોય એમ કવિતા પાંચ અંતરામાં વહેંચાયેલી છે. મુક્ત માસિકસ્રાવ ની જેમ જ કવિતા છંદ મુક્ત વહે છે. વિભાવના મુક્ત કાવ્યની હોવાથી અહીં પ્રાસની કેદ પણ નથી. લગભગ દરેક અંતરો ‘જો કોઈ નદી હોય’થી શરૂ થાય છે અને પહેલા અંતરાના અંતમાં બીજા અંતરાની શરૂમાં આવતી આ ધ્રુવકડીનો પહેલો શબ્દ અંતર રાખીને જોડાઈ જાય છે, અને ત્યારબાદ દરેક અંતરામાં આ જોડાણમાં ધ્રુવકડીનો એક-એક શબ્દ જગ્યા રાખીને ઊમેરાતો જાય છે. લૂસીલ આ રીતે પાંચેય અંતરાઓને સળંગસૂત્રે બાંધે છે અને દરેક તબક્કે આ બંધન બળવત્તર બનાવતાં જાય છે. પાંચમા અંતરામાં આ ધ્રુવકડીમાં વચ્ચે બ્રહ્માંડ પ્રવેશે છે અને કવિતાને સર્વલક્ષી બનાવે છે.

સંસારમાં પહેલી સ્ત્રી પુખ્ત થઈ હશે એ દિવસથી માસિકસ્રાવ(Menstruation)ની શરૂઆત થઈ હશે. ઋતુસ્રાવસ્ત્રીના ગર્ભધારણ માટેની અગત્યની દેહધાર્મિક ક્રિયા છે. હૉર્મોન્સના કારણે ગર્ભાશયની દીવાલો જાડી થાય છે અને બીજું માસિક આવવાનું હોય એના લગભગ ચૌદ દિવસ પહેલાં અંડાશયમાં તૈયાર થયેલ અંડકોષ અંડવાહિનીમાં થઈને ગર્ભાશયમાં આવે છે. ગર્ભાશયની જાડી થયેલી દીવાલો અંડકોષને રહેઠાણ અને પોષણ બંને પૂરાં પાડે છે. આ સમયે યોનિમાર્ગેથી પુરુષના શુક્રાણુઓ ગર્ભાશયમાં પ્રવેશે અને લાખો શુક્રકોષમાંથી કોઈ એક શુક્રકોષ અંડકોષની દીવાલ ચીરીને ભીતર પ્રવેશવામાં સફળ થાય તો ફલીકરણ થઈ ગર્ભની સ્થાપના થાય છે. ગર્ભાશયની જાડી દીવાલમાંથી ગર્ભને શરૂનું પોષણ મળી રહે છે. શુક્રકોષ વડે અંડકોષનું ફલિનીકરણ ન થાય એ સંજોગોમાં ચૌદમા દિવસે દીવાલની જાડાઈમાં થયેલી આ વૃદ્ધિ છૂટી પડી જઈને માસિકસ્રાવ સ્વરૂપે શરીરની બહાર નીકળી જાય છે, જેથી અંતઃસ્ત્રાવો ગર્ભાશયની દીવાલોને ફરી એકવાર ગર્ભધારણ માટે અનુકૂળ બનાવવાની પ્રક્રિયાનો પુનર્રારંભ કરી શકે. ટૂંકમાં, માસિક એ ગર્ભધારણ ન થયું હોય એ સંજોગોમાં ગર્ભાશયને સાફ કરવાની દેહધાર્મિક ક્રિયા છે. આ ચક્ર સામાન્યતઃ ચાર અઠવાડિયાનું અથવા થોડું લાબું-ટૂકું હોય છે.

આજે એકવીસમી સદીમાં પણ આપણા દેશમાં ‘પૅડમેન’ જેવી માસિકધર્મને લગતી ફિલ્મ બનાવવી પડે છે એ હકીકત એ વાતની સાબિતી છે કે હજી આપણા લોકોને માસિકધર્મ વિશે પૂરતી જાણકારી નથી. એકવીસમી સદીમાં આ વસમી હાલત હોય તો પ્રાચીન કાળની તો કલ્પના જ કેમ કરવી? હજારો વર્ષો સુધી માસિકમાં આવતી સ્ત્રીઓને જાત-જાતના લેબલ લગાવાયા. ઇતિહાસકારો બહુધા પુરુષો જ હોવાથી માસિક વિશેની પુરાતન માન્યતાઓની માહિતી પણ જૂજ જ મળે છે. ૩૫૦૦ વર્ષ પહેલાં ઇજિપ્તમાં ઋતુસ્રાવ નું લોહી કેટલીક દવાઓમાં વાપરવામાં આવતું. માસિકમાં જાદુઈ શક્તિ હોવાનું મનાતું અને તેઓ આ શક્તિ મેળવવા માટે લોહી પીતાં પણ ખરાં. ગ્રીકલોકો આ લોહી દારૂમાં ભેળવીને જમીન પર છાંટતા જેથી જમીન વધુ ફળદ્રુપ બને. આફ્રિકન સ્ત્રીઓ માનતી કે આ લોહી કોફીમાં ભેળવવાથી પુરુષને વશ કરી શકાય છે. હિપોક્રેટ્સે ઓછું કે વધુ માસિક આવવાને બિમારી ગણી છે. એરિસ્ટોટલના લખાણ પરથી સમજી શકાય છે કે પહેલાંના સમયમાં રજોનિવૃત્તિ નાની ઉમરે -૪૦ની આસપાસ- થતી હોવી જોઈએ. પહેલી સદીમાં રોમન લેખક પ્લાઇની ધ એલ્ડરે લખ્યું છે કે માસિકમાં હોય એવી નગ્ન સ્ત્રી કરાવૃષ્ટિ અને વીજળીને અટકાવી શકે છે અને પાકને નાશ કરતાં જંતુઓને ડરાવી ભગાડી શકે છે. ઈસ્લામમાં પણ નિયમોની ભરમાર છે અને આ સમય દરમિયાન સ્ત્રીઓને પ્રાર્થના કરવાની મનાઈ છે અને કરે તો એ ગણતરીમાં નથી લેવાતી. સિગ્મંડ ફ્રોઇડે તો રક્તસ્રાવ‘શિશ્ન-ઈર્ષ્યા’માંથી જન્મે છે એવું વિધાન કર્યું હતું. બાઇબલકાળમાં યહૂદીઓ અને વિશ્વમાં બીજા ઘણા સમાજમાં આ સાત દિવસ સુધી સ્ત્રીઓને સમાજથી દૂર એકલી રહેવાની ફરજ પાડતા. આપણે ત્યાં તો સમાજ હજીય એટલો પછાત અને ધર્મ એટલો બિમાર-બિસ્માર છે કે મોટાભાગની સ્ત્રીઓને આ દિવસોમાં હજુ અસ્પૃશ્ય ગણવામાં આવે છે, એમને રસોઈ કરવાનો કે ઘરમાં કશાંને અડવાનો અધિકાર નથી, દેવસ્થાનોમાં જવાનો તો વિચાર જ અસ્થાને છે.

એ માહિતી પણ ભાગ્યે જ મળે છે કે સ્ત્રીઓ આ સમયગાળા દરમિયાન સેનિટરી પૅડ તરીકે શું વાપરતી હતી? ઇજિપ્શ્યન સ્ત્રીઓ જેમાંથી કાગળ બનાવાતો એ પેપાયરસ નામની જળવનસ્પતિનો, તો ગ્રીક સ્ત્રીઓ ઊનનો પ્રયોગ કરતી હતી. હિપોક્રેટ્સ લાકડાના ટુકડા સાથે શણ લગાવીને વાપરવાની સલાહ આપતા. મધ્યયુગીન યુરોપમાં પણ સ્ત્રીઓ ક્યાં તો કપડાંના લબાચા વાપરતી અથવા રક્તસ્રાવપહેરેલાં કપડાંમાં જ થવા દેતી હતી. માસિકસ્રાવકપડાંમાં થવા દેવાની પ્રથા તો હજારેક વર્ષ ચાલી. માસિક માટેના દુઃખદાયક તંગ પટ્ટાઓ પણ ચલણમાં આવ્યા હતા. છેક ૧૮૮૮માં જોન્સન એન્ડ જોન્સન કંપનીએ ડિસ્પોઝેબલ સેનિટરી પૅડ –લિસ્ટર’સ ટૉવેલ્સ- અને ૧૯૩૩માં ડૉ હાસે ટૅમ્પૂન બજારમાં મૂક્યાં. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ફ્રેન્ચ નર્સોએ ઘા પર લગાડવામાં આવતા સેલ્યુલૉઝ બેન્ડેજીસ વાપરવા શરૂ કર્યા ત્યારે ખરી ક્રાંતિ થઈ. આપણા દેશમાં તો આજે પણ ઘણીખરી સ્ત્રીઓ સેનિટરી નેપકીન વાપરતી જ નથી અને ટૅમ્પૂન વિશે તો ઘણી શિક્ષિત સ્ત્રીઓને પણ જાણકારી નથી.

કવિતા તરફ વળીએ. કવિતાની શરૂઆત ‘જો’થી થાય છે. ‘જો’ ભાવકને શરત સાથે જોડે છે. કવયિત્રીએ માસિકને નદી, માફ કરજો, સુંદર નદી કહી છે. સંસારમાં આ નદી અનન્ય છે; એની કોઈ જોડ નથી. કવયિત્રીએ પોતાની ખાતરીની વિશ્વસનીય પ્રતીતિ કરાવવા શરતી ‘જો’ વાપર્યો છે. નદી જે રીતે વહેણની સાથોસાથ ફળદ્રુપતા પણ ઈંગિત કરે છે, એ જ રીતે માસિકની નદી સાથે પણ ગર્ભધારણની ફળદ્રુપતા જોડાયેલી છે. લોહીની નદીનો ઉલ્લેખ જૉર્ડન નદીની યાદ અપાવે છે. હિબ્રૂ બાઇબલમાં એને ફળદ્રુપતા સાથે સાંકળવામાં આવી છે. આ નદી બાપ્ટિઝમ અને પુનર્જન્મ સાથે પણ સંકળાયેલી છે. એ લોહીની બની છે અને સુંદર છે, બહાદુર છે, વફાદાર છે; બિલકુલ એ રીતે જે રીતે ઈસુનું લોહી ખ્રિસ્તીઓ માટે. માસિકની નદીની પ્રસંશા કરતાં લૂસીલ પડકાર ફેંકે છે કે દુનિયામાં આના કરતાં વધુ સુંદર અને ચંદ્રની રક્તિમ રાતી કિનાર કરતાં વધુ તેજસ્વી હોય તો બતાવો. ચંદ્રનો ઉલ્લેખ યાદ અપાવે કે માસિક પરાપૂર્વથી ચંદ્રના માસિકચક્ર સાથે સંકળાયું છે. લેટિનમાં mene એટલે ચંદ્ર (moon). મેન્સ્ટ્રુએશન શબ્દના ઉદભવમાં આ રીતે ચંદ્રનો પણ હાથ હોવાનું મનાય છે. સોળમી સદીમાં મિઝોઅમેરિકન માયા સંસ્કૃતિમાં માસિક એ ચંદ્રદેવીએ સૂર્યદેવ સાથેના શયન બાદ કરેલા નિયમભંગના કારણે સ્ત્રીઓને કરવામાં આવેલી સજા છે. અંતના આરંભની નિશાની ગણાતો ‘બ્લડ મૂન’ એક નવો જ વિષય છે પણ કવિએ કેવળ ચંદ્રની રાતી કિનારની જ વાત કરી હોવાથી આપણે એને જતો કરીએ.

બીજી કોઈપણ નદી એકવાર છોડી દીધેલા સ્થળે પાછી આવતી નથી, પણ માસિકની નદી દર મહિને નિયત સ્થાને પરત ફરે છે. કેવી વફાદારી! કહો, છે કોઈ બીજી નદી આવી વફાદાર, જે માહોમાહ એના મુખત્રિકોણ પર પરત ફરતી હોય? માસિક આવવનું હોય ત્યારે અને/અથવા ચાલુ હોય ત્યારે મોટાભાગની સ્ત્રીઓ ઓછાથી લઈને અસહ્ય સુધીના દુઃખાવામાંથી પસાર થાય છે, પણ સ્ત્રીઓ એને ચુપચાપ સહેતી રહે છે.
માસિક દરમિયાન જે રીતે લોહીના ગઠ્ઠા અને/અથવા સ્રાવઆવતા રહે છે, એ જ રીતે અસહ્ય દુઃખાવો પણ ઊછાળા સાથે આવતો જ રહે છે. બહાદુર વિશેષણ નદી માટે વપરાયું હોવા છતાં સમજાય છે કે એ સ્ત્રીઓ માટે જ વપરાયું છે. વળી, માસિકને કવયિત્રી ઈવની સૌથી પુરાતન પુત્રી તરીકે સંબોધે છે. કેઇન અને એબલ આદમ-ઈવના પ્રથમ બે સંતાન હતા. ઈવ સંસારની પ્રથમ માતા છે. માસિકનો દુઃખાવો અને ઈવનો સંદર્ભ ઇતિહાસનું એ પાનું તાજું કરે છે જ્યારે ચર્ચ માસિકનો દુઃખાવો ઓછો કરવા માટેની કોઈપણ જાતની સારવાર કરવા દેવાની મનાઈ ફરમાવતાં કેમકે તેઓ માનતાં કે ઈશ્વર દેખીતી રીતે ઇચ્છે છે કે દુઃખની દરેક આંચકી ઈવના મૂળ પાપની યાદ કરાવે. આમ, જે તકલીફોમાંથી પોતે કદી પસાર થવાનું જ નથી એ તકલીફો સમજવાના બદલે, સહાનુભૂતિ બતાવવાના બદલે પુરુષપ્રધાન સમાજે વરસોવરસ ન માત્ર સ્ત્રીઓનો જ વાંક કાઢ્યો, એમને દર્દ સહન કરવાની ફરજ પણ પાડી.

અંતે કવિતા સર્વલક્ષી બને છે. લૂસીલ કહે છે કે આખા બ્રહ્માંડમાં ક્યાંય આવી નદી હોય તો દેખાડો. માસિકના લાલ પાણીથી વધુ તાકતવર અને ઉદ્દામ પાણી અન્યત્ર ક્યાંય નથી કેમકે આ પાણી સૃષ્ટિના મૂળમાં છે. કવયિત્રી પ્રાર્થે છે કે આ પાણી સંસારના દરેક પ્રાણીઓમાં થઈને વહે. આ પાણી સુંદર છે અને વફાદાર છે અને પુરાતન છે અને સ્ત્રી છે અને બહાદુર છે. શીર્ષકથી લઈને આખી કવિતામાં ક્યાંય કવયિત્રીએ નથી કેપિટલ લેટર્સ વાપર્યા કે નથી એક પણ પ્રકારના વિરામચિહ્નો વાપર્યાં, જેના લીધે કવિતાની ગતિ નદીની જેમ બિલકુલ અટક્યા વિના સતત વહેતી અનુભવાય છે. આ નદી એક સ્ત્રીને બીજી સ્ત્રી સાથે, એક માદા સજીવને બીજા માદા સજીવો સાથે અને એ રીતે સમુચી સૃષ્ટિને સાંકળી લે છે. કવિતા માસિક વિશેના આપણી સૂગ અને માન્યતાઓને ફગાવી દઈને ખુલ્લા હાથે એના ગર્વ અને મહત્ત્વને વધાવી લેવાનું ઈજન આપે છે. આ કવિતા આપણને સ્ત્રીઓની ફળદ્રુપતા અને સંસારચક્રને આગળ વધારવાની અનન્ય ક્ષમતાનો સ્વીકાર કરવાનું શીખવે છે. પ્રથમ પંક્તિનું દરેક અંતરાના પ્રારંભે કરાતું પુનરાવર્તન માસિકની કવિતાને માસિકસ્વીકારની પ્રાર્થનાની કક્ષાએ લઈ જાય છે, જે અંતે શબ્દશઃ પ્રાર્થનામાં પરિણમે પણ છે.

લૂસીલની આ કવિતા ‘નો નોનસેન્સ’ કવિતા છે. જે વસ્તુ તરફ હજારો વર્ષોથી પુરુષ ઇતિહાસકારોએ, પુરુષ સાહિત્યકારોએ, પુરુષ ધર્મનેતાઓએ અને દુનિયાના તમામ પુરુષોએ આંખ આડા કાન જ કર્યે રાખ્યા છે, અસ્તિત્વ જ ન હોય એમ જેના પ્રતિ સતત દુર્લક્ષ જ સેવ્યે રાખ્યું છે; એ પવિત્રતાથીય પવિત્ર, ખુદ કુદરતની દેન અને સૃષ્ટિચક્રની સૌથી અગત્યની ધરી એવા ઋતુસ્રાવ નો મહિમાગાન લૂસીલ અહીં કરે છે કેમકે એ જાણે છે કે, ‘એ કવિ છે, એની પાસે કોઈ અર્થહીનતા નથી.’

8 replies on “ગ્લૉબલ કવિતા : ૨૨૮ : ઋતુસ્રાવની પ્રસંશામાં કવિતા”

  1. ♏️♏️વિવેકભાઈ ધન્યવાદ. એક અછૂત વિચારધારાને, વૈજ્ઞાનિક ધોરણે સમજાવીને, અસ્પૃશ્ય વિષયને, ભાવનાને, ઉંડાણથી પ્રથ્થકરણ કરીને સૌને આસ્વાદ કરાવવા બદલ ખુબ ખુબ અનુમોદના.

  2. એક અત્યંત ઉપેક્ષિત અને કંઈક અંશે લજ્જાસ્પદ ગણાતા વિષય પર આ કવિતા અને તે કહેવાની રીત બંને વિલક્ષણ છે. કાવ્ય પરિચય અને આસ્વાદલેખ આપનાર વિવેકભાઇ વ્યવસાયે ડૉક્ટર હોવાથી અનેક ઝીણી ઝીણી વિગતો,ઐતિહાસિક સંદર્ભો વગેરે મૂકી શકયા છે. ૠતુસ્ત્રાવ વિશે ડૉક્ટર વાત કરે અને કવિ વાત કરે ત્યારે આખી વાત જ કેવા નવા પરિમાણોથી પ્રગટે છે!વિશ્વ કવિતાઓ ના આવા સરસ સંકલન અને આસ્વાદલેખો માટે ભાઇ વિવેકને અભિનંદન.

  3. Enjoyed your detail analysis of the poem. Thinking about the situation, I feel that man has been very egocentric and selfish. The delicacy female nature is yet beyond his understanding. The creative force of universe has always struggled and fought against the brute opposition. I think probably the Indian(Hindu) civilization is the only culture that may have given some glory to this feminine (Devi) force.

    • @ જય ઠાકર:

      આપની વાત સાચી છે… પુરુષપ્રધાન સંસ્કૃતિએ ખાસો દાટ વાળ્યો છે..
      ખૂબ ખૂબ આભાર…

  4. નમસ્કાર વિવેક ભાઈ
    બહુ જ સરસ માહિતી સભર
    ખરેખર આ વિષય પર આટલી સરસ નાજુક કવિતા!
    અને તમારો અનુવાદ પણ સરસ
    અને બીજી પૂરક માહિતી પણ ઘણી જ સરસ આપી..

    આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *