Category Archives: અછાંદસ

જત જણાવાનું તમને – કમલ શાહ


એક ધમાકો,
એક નહી, પણ સત્તર-સત્તર
ધોળા ધબ્બ ગુબ્બાર..
અને સેંકડો ચીત્કાર..

પછી મોડી રાતે અફવાઓનું
ગરમાગરમ બજાર..
પછી
લોહીથી ખર્ડાયેલુ
સવારનું અખબાર..

કોની વાત પર
કોને રહ્યો
કેવડો એતબાર..?
મનીયો-મોહમ્મદ-મૅક-ને મનજીત
સૌના હૈયે ઘાવ..
કોણ હવે કોને કહેઃ
“તું ના આસું વહાવ…!”

ઝાકળ જેમ ઝગમગતી
કેટ-કેટલી યાદ…
કોણ હવે કોને કરે
કેવડીક  ફરીયાદ..??

જત જણાવાનું તમને

કે બસ

જીવતું છે અમદાવાદ….!!! 

– કમલ શાહ (અમદાવાદ)

મૃત્યુદંડ – મિલિન્દ ગઢવી ‘ગ.મિ.’

 

પછી એણે લખ્યું
“જિંદગી!” –
ને આ આશ્ચર્ય ચિહ્ન (!)
જાણે કે જિંદગી નો
પર્યાય બની ગયું

પછી એણે લખ્યું
“પ્રેમ” –
ને એની વ્યાખ્યા કરતાં કરતાં
એક આખી જિંદગી નિકળી ગઇ

પછી એણે લખ્યું
“હું અને તું” –
ને આ ‘અને’ જેટલું અંતર
અમારી વચ્ચે
કાયમ રહ્યા કર્યું

પછી એણે લખ્યું
“વિરહ” –
ને
કલમની ટાંકણીને
ટેબલ પર જોરથી દાબીને
તોડી નાખી

કોઇ જજ જેમ
મૃત્યુદંડ લખ્યા પછી કરે ને
એમજ…!!!

– મિલિન્દ ગઢવી ‘ગ.મિ.’

SCHIZOPHRENIA -અશરફ ડબાવાલા

Happy Doctor’s Day… to all dear doctor-firends ! 🙂  (from me & Jayshree)

 17239
ડાક્ટર !
તમારી વાત હાવ હાચી છે,
મને schizophrenia થ્યો છે.
પણ ઇ ક્યો ને કોને નથી થ્યો?
તમે ક્યો છો કે
મારો ને reality વચ્ચેનો પુલ તૂટી ગ્યો છે.
પણ બાપુ ! એના તો પૈસા છે !
બે ઘડી reality ને પછવાડે
ચૂસકી મારીને જોઈ લ્યો કેવો ટેસ પડે છે!

તમે હાચું કીધું કેમને paranoia થાય છે
ને એટલે જ મને લાગે છે કે
કોઈ મારો પીછો કરે છે.
પણ ડાક્ટર !
આ દશેદશ ને ગામેગામના
એક્કેએક ટોળાને લાગે છે કે
એની પાછળ બીજું ટોળું પડ્યું છે.    

તમારી ઇ વાત હો ટકાની કે
હું ‘thought insertion’થી પીડાઉં છું.
એટલે મારા મનમાં વિચારો આવતા નથી,
પણ કોઈ મૂકી જાય છે એવું લાગે છે.
પણ એમ તો આ હંધાય ક્યે છે કે
ઈ જેમ કરાવે છે એમ આપણે કરીએ છીએ.

એય કબૂલ કે
હું ‘feeling of passivity’થી ઘેરાણો છું.
ને એટલે
મને કોઈ control કરતું હોય એવું લાગે છે
પણ આ હંધાય સદીયુંથી કીધે રાખે છે
‘એની ઇચ્છા વગર એક પાંદડુંય હલતું નથી’
ઈ ડાહ્યાને કાંક ક્યોને !

ને એક ખાનગી વાત કરી દઉં?
મેં તો ક્યારનોય suicide કરી નાંખ્યો હોત,
પણ મારે હજી ઓલાં ફૂલ ચીતરવાનાં બાકી છે.
ઈ પહેલાં મરવું નથી.
મને નજરે તરે છે ઈ ફૂલોનો રંગ.
રોજ દુકાને દુકાને જઈને શોધું છું ઈ રંગ,
પણ ક્યાંય મળતો નથી.
જે દી ઈ રંગ મળી જાશેને
તે દી મારી પર ફેંકાયેલા પથ્થરે પથ્થર પર
ઈ ફૂલો ચીતરીને પછી
મારા પેટ પર
ડહાપણની ઘંટીનું પડ બાંધી
હું ભૂસકો મારીશ
realityના દરિયામાં.

-અશરફ ડબાવાલા

—————-

SCHIZOPHRENIA  વિષે વધુ જાણવું છે? :

http://en.wikipedia.org/wiki/Schizophrenia

તારા ગયા પછી – અશ્વિની બાપટ

375361628_e6d7d01307_m

તારા ગયા પછી
તારી સાથે કરેલી વાતો
મેં કદી સમયને સોપી નથી
એટલે જ તો
મને મળી આવે છે
ઠેકઠેકાણે
પુરાણા વારસા સાથે
નવી ઈમારતોથી
ભરાતા રહેલા આ શહેરમાં
મન ટેકવવાની જગ્યાઓ

સમુદ્ધ ઊઠળી ઊછળીને
સાક્ષી પુરાવે છે
અને જ્યાં આપણે બેસતા
એ કાળમીંઢ પથ્થર પર
સમયનું કશું ચાલતુ નથી.
તારી સાથે વીતેલી સાંજ
મેં કદી ઢળતા સૂરજને આપી નથી
એટલે જ તો
મને મળી આવે છે
ઠંડી હવા વચ્ચેથી
તારા ઉષ્ણ ઉચ્છવાસ

તારી સાથે ચાલતી
એ રસ્તાને મેં કદી
મુકામને હવાલે કર્યો નથી
એટલે જ તો…

– એમાં મારો શું વાંક? – સુરેશ દલાલ

pearls-and-shells.jpg

મેં તો આપ્યું’તું તને મોતી
ને તને શંખલા ને છીપલાં વ્હાલા લાગે
– એમાં મારો શું વાંક?

મેં તો માણસની પ્રગટાવી જ્યોતિ
ને તને ઢીંગલી ને ઢીંગલા વ્હાલા લાગે
– એમાં મારો શું વાંક?

મેં તો આંબો આપ્યો ને તને બાવળ ગમે
મેં તો શાંતિ આપી, તને ઉતાવળ ગમે
મેં તો આકાશ આપ્યું ને તને વાદળ ગમે
મેં તો સત્ય આપ્યું,
ને તને સપનાંઓ વાંઝિયા ને ઠાલાં ગમે
– એમાં મારો શું વાંક?

મેં તો રસ્તો આપ્યો તને ચરણો આપ્યાં
પણ ચરણોને બેડી તેં બાંધી દીધી,
મેં તો હોંશે હોંશે એક ઉછેર્યો’તો બાગ
પણ બાગમાં તેં રણ ને આંધી કીધી
મેં તો એક એક દરવાજા ખોલ્યા
પણ દરવાજે દરવાજે તને તાળાં ગમે
– એમાં મારો શું વાંક?

હું ક્યાં છું ? – જયન્ત પાઠક

ગામની પાસેના વગડામાં
સીતાફળીની ડાળીડાળીએ
આંખ ઉઘાડી ઝૂલે સીતાફળ હજીય –
પણ તે અમને
બાળટોળીને સાથે લઈને
ઝાકળભીના સવારના તડકામાં થઈને
વનની વાટે વળનારા એ દાદા ક્યાં છે ?

રિસાઈને ઘરમાંથી ભાગી
જઈ જહીં સંતાતા તે સૌ
ટેકરીઓ તો ગામ પાદરે હજી આ બેઠી –
પણ ચિંતાથી અરધી અરધી
હાંફતી હાંફતી ટેકરીઓને માથે ચઢતી
પડતી ને આખડતી
મમતાની મૂરત બા ક્યાં છે ?

પૂરમાં ઘેલી થઈ વ્હેતી ને
ધોળી ફૂલ જેવી રેતીને રમાડતી તે
નદી
હજી ગામને ઘસાઈ વ્હે છે –
પણ રમનારા ડૂબકીદાવો
રેતીમાં ઘર ચણનારાઓ
કલકલ કરતા છોકરડાઓ –
બાલગોઠિયા મારા ક્યાં છે ?

હજીય
પાપા પગલી કરતું
ભમરડે શેરીમાં રમતું, લખોટા જેવું દડતું
ટહુકા તરુડાળોમાં કરતું, જલમાં તરતું,
સીમશેઢામાં હરતું ફરતું,
ટેકરીઓને માથે ચઢતું
કોક પ્હણે દેખાય –

અરે, પણ તે હું ક્યાં છું ?

આજની રાત હું ઉદાસ છું – હરીન્દ્ર દવે

145560236_4d353b3eb6_m.jpg

રાત્રિને કહો કે આજે
એની ચમકતી ટીપકીઓવાળી ઓઢણી ઓઢે,
રસ્તાને કહો કે ધીમે ધીમે ઊઘડતા
ફૂલની પાંખડી માફક એ સામો આવે,
વૃક્ષોને કહો કે એના પર્ણોમાં
એ કોઇ અજબની રાગિણી વગાડે.
હવાને કહો કે આજની રાત એ ધીમેથી લહેરાય –

આજની રાત હું ઉદાસ છું
અને મારે સૌને પુલકિત કરે એવું ગીત રચવું છે

બ્રહમાંડમાં બજી રહેલું અલૌકિક સંગીત
મારા કાને ન અથડાય એવું કરો,
મારે તરણાંએ પહેરેલાં ઝાકળનાં
નેપૂર સાંભળવા છે;
મધદરિયે મોજાંને પહેરાવેલા વલય
મારે ઉતારી લેવા છે;
વાદળથી ધરતી સુધી લંબાતા વરસાદના તારને
બે હાથ લંબાવી માપી લેવા છે;

આજની રાત હું ઉદાસ છું
અને મારી ખોવાયેલી પ્રસન્નતા
મારે સર્વત્ર વહેંચાયેલી જોવી છે

મિલના ઊંચા ભૂંગળાને કોઇ ચંદનની
અગરબત્તીમાં પલટાવી દો,
સિમેંટ-કોંક્રિટનાં મકાનોને કોઇ સરુવનમાં
ફેરવી દો;
આંખની કીકીઓને કોઇ ચંદ્ર પર ચિટકાડી દો;
માણસોનાં ટોળાંને કોઇ સાગરની લહેરોમાં
લહેરાવી દો;

આજની રાત હું ઉદાસ છું અને
મારે ખડખડાટ હસી લેવું છે.

ચાલ મન ! – વિપિન પરીખ

sun-rays.jpg

વૃક્ષ કદાચ એમ પણ કહે –
‘મને પહેલાં ચા-પાણી પાઓ
પછી જ છાંયો આપું.’

કોયલ કદાચ આગ્રહ રાખે –
‘કોઇ સરસ જગ્યા જોઇ મને ફ્લેટ બંધાવી આપો
પછી જ ટહુકો મૂકું’

થોડાક પૈસા વધુ મળે તો
નદી પોતાનું બધું જ પાણી
સામે કાંઠે ઠાલવી નાખે તો નવાઇ નહીં.

ચાલ મન ! એવા દેશમાં જઇએ
જ્યાં સૂરજને તડકા માટે લાંચ ન આપવી પડે !

ખાલીપાથી ભરેલું ઘર – અરવિંદ ભટ્ટ

khaalipathi.jpg

વરસાદ જેમ આવીને
તેઓ સાવ અચાનક જતાં રહ્યાં ને
નેવાં-શી પાંપણ પરથી યાદોનાં ટીંપા
હજુય ટપડે.

જતાં જતાં ઘરમાં ઊભી થાંભલીએ એનો
જરાક અમથો સ્પર્શ થવાથી
અણુ-અણુમાં અતીતની
ભીનાશ ફરીથી પ્રસરેલી
ને એકસામટી પાંચ-સાત કૂંપળ
થાંભલીએ ફૂટેલી તે હજીય આંખને ખટકે.

ફળિયાની જાજમમાં તેઓ
પગલાંના પંખીઓની
ભાવ્યો પાડીને જતાં રહ્યાં
ને પંખીઓ તો
ફિક્કું ફિક્કું હજુય ટહુકે.

ખાલીપાથી ઘર મારું ચિક્કાર ભરી
એ જતાં રહ્યાં
ભીંસાતી ભીંતો પંખી થઇને
ક્યાંય ઊડી જવાને તલપે…

હુ અનેકને ચાહી શકું છું – સુરેશ દલાલ

bunch-of-pink.jpg

હુ અનેકને ચાહી શકું છું
અને એકની સાથે રહી શકું છું
હું એકની સાથ રહું
છતાંય અનેકને ચાહી શકું છું

હું કોઇકને સૂરજની હૂંફ આપી શકું છું
તો કોઇકને ચાંદનીનો ખોબો
હું કોઇકને વસંતની છાંયો આપી શકું છું
તો કોઇકને મસ્તમુલાયમ પવનનો ઝોકો,
હું કોઇકને ઝરણાનો કલરવ આપી શકું છું
તો કોઇકને પથ્થરનું મૌન

એવું નથી કે હું આપું જ છું
કોઇકને હુંફ આપું છું ત્યારે મને
સૂરજ મળતો હોય છે
ચાંદનીનો ખોબો આપું છું ત્યારે
મને ચંદ્ર મળતો હોય છે.
છાંયો આપું છું તો વૃક્ષ.

પણ હા, ક્યારેક એવું બને છે
કે હું સૂરજની હૂંફ આપું
અને કોઇક આખું આકાશ માગી બેસે તો
હું ચૂપ થઇ જાઉં છું

હું કલરવ આપું અને કોઇક ઝરણું માગી બેસે તો
હું થીજી જાઉં છું
હું પથ્થરનું મૌન આપું અને
કોઇક પહાડ માગી બેસે તો
હું મને જ સંભળાય એવી ચીસ પાડું છું

આમ છતાંયે
હું અનેકને ચાહી શકું છું
અને એકની સાથે રહી શકું છું