Category Archives: અછાંદસ

રખડવા નીકળ્યો છું – પ્રહલાદ પારેખ

રખડવા નીકળ્યો છું
તરસને ભૂખ મારી તૃપ્ત કરવા કાજ
આજે આ ભટકવા નીકળ્યો છું.

વર્ષા નથી, છે વાદળાં;
શીતળ અને ધીમી ગતિની છે હવા;
મેદાન હરિયાળાં હસે,
ને દૂર એમાં ગાય કોઈ ભાંભરે;
કોઈ રંગીલું ગળું,
આ સીમને માધુર્યથી વળગી પડ્યું.

ક્યાંક છે તડકા તણું કો ચોસલું,
તાજું અને થોડું ગરમ:
એકાદ બે બટકાં લઉં એને ભરી,
ને પછી તેની ઉપર
માટી તણી સોડમ ભરેલી આ હવા
ગટગટાવી જાઉં જરી.

શી છે કમી ? જહાંગીર છું,
– ને જહાનું નૂર આ સામે ખડું !

હું – સાઇકલ – પપ્પા – ધડામ……….. – વત્સલ શાહ

(આધાર)
26 જુલાઇ, 2008 ના અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ વખતે
સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં એક પિતા એના પુત્રને
સાઇકલ શીખવી રહ્યા હતા.

દ્રશ્ય – ૧

પપ્પા, જુઓ જુઓ
આ સાઇકલ હું ચલાવું છું જાતે
કેવા મારું છું પેડલ ગોળગોળ
તમારો હાથ ખસેડી લો હવે તમે
ના, નથી જરૂર તમારા ટેકાની હવે મને

અમે તો જુઓ જુઓ, આ ઉડ્યા
હા, પપ્પા
હવે હું ને મારી સાયકલ
ફરતાં ફરતાં પહોંચીશું
કોઇ અજ્ઞાત દૂરિત દેશમાં
તમે પોકાર્યા કરો ભલે હવે પાછળ
તમે દોડ્યા કરો ભલે હવે પાછળ
તમે ભલે શીખવી સાયકલ
પણ હવે અમે છીએ એકલાં,
હું ને સાઇકલ.

પપ્પા, આવજો,
બાય – બાય
ધડામ

દ્રશ્ય – ૨

ક્યાં છે મારી સાયકલ?
સાયકલના ગોળ ફરતામ પેડલ?
પેડલ પર ગોળ ફરતા મારા પગ?
ક્યાં છે મારા પગ?

કેડ નીચેના ભાગે કેમ વર્તાય ખાલીપો?
મારા હાથ સ્પર્શ છે આ જેને
તે પગ છે કે ખાલીપો?

પપ્પા, ક્યાં છો તમે?
‘શાબ્બાશ બેટા’ કહેતો તમારો
અવાજ
મારા મસ્તિષ્કના આનંદ-તારને
રણઝણાવતો તમારો અવાજ
ક્યાં છે?

હા, સંભળાય છે, મને તમારો અવાજ
પણ, આ તો અવાજ છે કે પડઘો?
મારા પગ ભેગો એ અવાજ
પણ ઓગળી ગયો શું શૂન્યમાં?

પપ્પા, ક્યાં છો તમે?
તમારા અવાજની પાછળ
આ ભયાનક અવાજ શેનો?
તમારા શબ્દો હજુ મારા કાન સુધી
પહોંચ્યા, ન પહોંચ્યા ને
હવામાં જ ભયાનક ધડાકાથી ચૂર ચૂર થયા શું?

પપ્પા,
મને અહીં મૂકીને એકલો
તમે સાઇકલ લઇ
પહોંચી ગયા
શું કોઇ અજ્ઞાત – દૂરિત દેશમાં?

– વત્સલ શાહ

આત્મહત્યા કરવા જઇ રહેલ વ્યક્તિને !!! – કૃષ્ણ દવે

ક્યાં જઇ રહ્યા છો? આત્મહત્યા કરવા?
ના રે ના, તમે તો જઇ રહ્યા છો તમારા પર મુકેલા ભરોસાની હત્યા કરવા.

તમે જેને અંત માનો છો ને? એ તો આરંભ છે તમારા પરિવાર માટે રીબાઇ રીબાઇને મરવાનો.

પથ્થરોના ટુકડાઓમાંથી ચમક ઓછી થઇ ગઇ તો શું થયું?
તમારા બાળકની આંખમામ તો એવી ને એવી જ ચમક છે
– તમે ઘસી ઘસીને હીરા ચમકાવતા હતા ને? એવી જ.

રૂપિયાની ખનક સંભળાતી બંધ થઇ તો શું થયું?
તમારી દીકરીનો ટહૂકો હજી એવો ને એવો જ મીઠ્ઠો છે
– તમે જન્મદિવસ પર અપાવેલી ઝાંઝરીના રણકાર જેવો જ.

કાગળોમાં રોકેલો વિષ્વાસ પીળો પડી ગયો તો શું થયું?
તમારી પત્નીની આંખોમાં છલકાતો વિષ્વાસ હજુયે અકબંધ છે.
– વીંટીંમાં જડેલા સાચ્ચા મોતીની સફેદી જેવો જ.

કાલથી કામ પર નહીં આવતા, એવું ખેતરે કોઇને ય કહ્યાનું
તમને યાદ છે?
સાંજે થાકીને પાછા ફરેલા પંખીને ઝાડવાએ બેસવાની ના પાડી હોય,
એવું તમને યાદ છે?
તમારી દસ પેઢીમાંય કોઇએ આત્મહત્યા કરી હોય,
એવુ તમને યાદ છે?

ગાઢ અંધારૂ છે એ ય સાચું –
ઝાંખો પ્રકાશ છે એ ય સાચું.
પણ એથી કાંઇ આમ દાઝ કરીને ટમટમતા દીવાને થોડો ઓલવી નાખવાનો હોય?

આવે ટાણે જ તો સંકોરવાની હોય સમજણની શગને,
અને પુરવાનું હોય થોડીક ધીરજનું તેલ.
બાકી સવાર તો આવી જ સમજો…

પ્રિયજનની પગલીઓ – જયંત પાઠક

( પ્રિયજનની પગલીઓ… Photo by: Dr. Vivek Tailor)

* * * * *

પ્રિયજનની પગલીઓ
જાણે વનફૂલની ઢગલીઓ !

એનાં દરશનથી દિલ અવનવ
ઘરે રૂપ ને રંગ;
એના સ્મરણ પરાગે લોટે
મનનો મુગ્ધ મધુપ

મ્હેકે અંતર ગલીઓ
– પ્રિયજનની પગલીઓ ..

પલપલ કાલ પ્રતિ વહી જાતી
જીવન જમના ઘાટે
વિરહાકુલ અંતરની સૂની
વૃંદાવનની વાટે

જાણે મોહન મળીઓ !
– પ્રિયજનની પગલીઓ …

શું થયું મુંબઇ ? – કૃષ્ણ દવે

શું થયું મુંબઇ ?
બધ્ધું જ શમી ગયું ને !
એ તો સ્મશાન વૈરાગ્ય !
જ્યાં સુધી ચિતા બળતી હોય ને, ત્યાં સુધી સૌ ઉભા હોય.
બાકી એમને પણ એમના કામ હોય કે નહીં ?
રોઇ રોઇને આંખ સૂજી ગઇ ને ?
ચાલ હવે શાંતિથી ઉંઘી જા.
બીજી કોઇ ઘટના ના બને ને ત્યાં સુધી.

– કૃષ્ણ દવે

શું ફેર પડે છે ! – કૃષ્ણ દવે

શું ફેર પડે છે !

પાંચ !
પચીસ !
પચાસ !
કે
પાંચસો !

આપણે તો એમનાં પેટનું પાણીયે નથી હલાવી શકતાં.
જુઓને કેટલાં સહનશીલ !
એમ કાંઈ અકળાઈ ના ઊઠે નાની નાની વાતોમાં, પેલાઓની જેમ –
તે
ઢાળી દે બે ટાવરોનાં બદલામાં બે-ચાર દેશોને !!!

– કૃષ્ણ દવે

H इस बार नहीं… – प्रसून जोशी

NDTV પર પ્રકાશિત બરખા દત્તના ‘Enough is Enough’ program માં એમણે વાંચેલી પ્રસૂન જોષીની આ કવિતા..
મુંબઇની સાથે સાથે આપણા બધા પર થયેલા એ હુમલાઓ સામેનો આક્રોશને આપણે કોઇક રીતે શબ્દોમાં ઢાળી દઇએ, પણ પ્રશ્નો તો તોયે ત્યાં નો ત્યાં જ રહેશે.. શા માટે? ક્યાં સુધી? …

इस बार नहीं
इस बार नहीं जब वो छोटी सी बच्ची मेरे पास अपनी खरोंच लेकर आयेगी
मैं उसे फूं-फूं कर नहीं बहलाऊँगा
पनपने दूंगा उसकी टीस को
इस बार नहीं

इस बार जब मैं चेहरो पर दर्द लिखा देखूंगा
नहीं गाऊँगा गीत पीड़ा भुला देने वाले
दर्द को रिसने दूगा , ऊतरने दूँगा अन्दर गहरे
इस बार नहीं

इस बार मैं ना मरहम लगाऊँगा
ना ही ऊठाऊँगा रूई के फोहे
और ना ही कहूँगा कि तुम आँखे बन्द कर लो
गर्दन ऊधर करलो मैं दवा लगा देता हूँ
देखने दूँगा सबको हम सबको खुले नंगे घाव
इस बार नहीं

इस बार जब ऊलझनें देखूँगा छटपटाते देखूँगा नहीं दौड़ूँगा ऊलझी डोर लपेटने
ऊलझनें दूँगा जब तक ऊलझ सके
इस बार नहीं

इस बार कर्म का हवाला देकर नहीं ऊठाऊँगा औजार
नहीं करूँगा फिर से एक नई शुरूआत
नहीं बनूँगा एक मिसाल एक कर्मयोगी की
नहीं आने दूँगा जिन्दगी को आसानी से पटरी पर
ऊतरने दूँगा उसे किचड़ में, टेढे मेढे रास्तों पे
नहीं सूखने दूँगा दिवारों पर लगा खून
हल्का नहीं पड़ने दूँगा उसका रंग
इस बार नहीं बनने दूँगा उसे इतना लाचार
कि पान की पीक और खून का फर्क ही खत्म हो जाए
इस बार नहीं

इस बार घावों को देखना है
गौर से
थोड़ा लम्बे वक्त तक
कुछ फैसले
और उसके बाद हौंसले
कहीं तो शुरूआत करनी ही होगी
इस बार यही तय किया है

– प्रसून जोशी

(આભાર : http://hindi.prasoonjoshi.com/)

કવિતા – સુરેશ દલાલ

તને જ આપવા માટે મેં કેટલાયે સમયથી
મારી કવિતાની ડાયરીમાં એક ફૂલ મૂકી રાખ્યું હતું.
આજે અચાનક ઘણા વર્ષો પછી ડાયરી ખોલી ઃ
સુકાઇ ગયેલા ફૂલમાંથી હજીયે આવે છે તારી સ્મૃતિની સુગંધ.

– સુરેશ દલાલ

ઘડિયાળ : કેટલાંક મોનો-ઇમેજ – મિલિન્દ ગઢવી ‘ગ.મિ.’

 

૧. ઘડિયાળ સમય દેખાડે છે.
આ વાક્ય પછી
ખરાંનું નિશાન મૂકશો
કે ખોટાનું?
 
૨. નક્કી જ સમય
ઘાવ કરતો હશે.
નહીંતર આપણે
ઘડિયાળને કેમ પૂછ્યા કરીએ છીએ:
‘કેટલા વાગ્યા?’
 
૩. ઘડિયાળને
તમે દિવાલ પર ટાંગી શકો,
કાંડામાં પહેરી શકો,
ગજવામાં ય ઘાલી શકો,
અને સમયને?
 
૪. આપણો સમય
ચૂપકીદીથી ન ચાલ્યો જાય
એટલે જ કદાચ આ
ટન્…ટન્…ટન્…
 
૫. ઘડિયાળની ટીક-ટીક
monotonous લાગવા માંડે
ત્યારે સમજવું
કે તમારી પાસે
સમય જ સમય છે!
 
૬. ઘડિયાળના સેલ બદલાવ્યા
ત્યાં સુધીમાં
સમયના અશ્વો
ધૂળની ડમરીમાં
અદૃશ્ય થઇ ગયા.
 
૭. કૃષ્ણ
સમયને બાંધી શક્યા
કારણ કે
તેમણે ઘડીયાળ ન્હોતી બાંધી.
 
૮. ઘડિયાળનું નામ
જો જાદુઇ ચિરાગ હોત
તો સમય
પેલા જીનની જેમ
અટ્ટહાસ્ય કરીને કહેત :
“હુકુમ, મેરે આકા!”
 
૯. કાચબાની જેમ ચાલતી
આપણી ઘડિયાળ
‘તેની’ પાસે હોઇએ
ત્યારે અચાનક
સસલી બની જાય છે.
Einsteinએ સાચું જ કહ્યું છે :
TIME IS RELATIVE.   

– મિલિન્દ ગઢવી ‘ગ.મિ.’
http://kavigami.blogspot.com/