Category Archives: અછાંદસ

વૃક્ષકાવ્યો – ધૂની માંડલિયા

આજે આ મઝાનું વૃક્ષકાવ્યોનું ગુચ્છ … અને હા, સાથે ગુંજનભાઇનો એક શેર પણ યાદ આવી ગયો તો એ પણ મમળાવી લઇએ..!!

છાંયડામાં બેસવાનો Tax જ્યારે માંગશે,
વૃક્ષ મૂડીવાદ શું છે, વિશ્વને સમજાવશે.
– ગુંજન ગાંધી

માત્ર વૃક્ષો જ નહીંvruksh
સાથે
છાંયડો પણ કપાય છે.

*

પલંગ
ઉપર સૂઉં છું
ને
એક વૃક્ષ
સતત ઊડાઊડ કરે છે
મારી આસપાસ
ઉપર-નીચે.

*

ચોમાસું ક્યારે ?
એ જાણવા
વૃક્ષો પંચાંગ નથી જોતાં.

*

દોસ્ત,
ભીંતનું અને વૃક્ષનું
તૂટી પડવું
એકસરખું નથી.

*

વૃક્ષને
જ્યારે પ્રથમ ફળ
બેસે છે ત્યારે
સીમ આખી ઊજવે છે
ઉત્સવ.

– ધૂની માંડલિયા

અ-બોધકથા – ચંદ્રકાન્ત ટોપીવાળા

ઘેટું નદીએ પાણી પીતું હતું.
ક્યાંકથી વરુ
એની બાજુમાં આવીને ઊભું.
અને પાણી પીવા લાગ્યું.
ઘેટું દમામથી કહે :
‘જરા છેટું રહે છેટું
તારું એઠું પાણી પીને મારું મોઢું ગંધાવા માંડશે.’
વરુ હેબકાઈ ગયું.
એણે જોયું કે
ધ્રૂજવાની વાત તો બાજુએ રહી
ઘેટું ટટાર ડોક, ટટાર ટાંગ, ટટાર પુચ્છ,
લાલ આંખે એની તરફ તાકતું હતું.
વરુએ આંખ ઉઘાડબંધ કરી
પણ કોઈ ફેર પડ્યો બહીં
ઘેટાને જુએ ને વાઘ દેખાય.
ટટાર ઘેટાની બાજુમાં
વરુએ ગરીબ ઘેટું બની પાણી પીધે રાખ્યું.

– ચંદ્રકાન્ત ટોપીવાળા

(આભાર – લયસ્તરો)

ઈસુ તથા શ્રી મોહનદાસ ગાંધીને – વિપિન પરીખ

માણસ નામે નબળું પ્રાણી,
એની ઊંઘ એને ઘણી વહાલી !
તમે અચાનક એને ઢંઢોળો તો
ક્રોધથી ગાંડોતૂર થઈ
ક્રોસ ઉપર તમને લટકાવે નહીં તો શું કરે ?
અથવા
હાથમાં જો બંદૂક આવે તો શું તમને જતા કરે ?
તમે તો સર્વજ્ઞાની –
આટલું પણ ન જાણ્યું કે
કાચી ઊંઘમાંથી કોઈને જગાડાય નહીં ?

– વિપિન પરીખ

પાગલપન – પન્ના નાયક

તાજેતરમાં સાવરકુંડલામાં પૂજ્ય મોરારી બાપુના હસ્તે શ્રી નટવર ગાંધી અને વ્હાલા પન્ના આંટીનું સન્માન કરવામાં આવ્યું. એમને આ સન્માન માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીએ – પન્ના આંટીના તાજેતરમાં પ્રગટ થયેલા સંગ્રહ – ‘ગુલમહોરથી ડૅફોડિલ્સ’ માંથી આ કવિતા..!!!

Panna_naik

કોયલના ટહુકા જેવો ઊગ્યો છે વસંતનો ચંદ્ર.
હું આવી રૂપાળી રાતમાં નીકળી પડી છું પાગલ થઇને.

જીવવાની મારી પાસે મબલક સગવડો છે
અને
અઢળક સપનાંઓ છે.

પવનને હું ઝંઝાવાત કરી શકું છું
અને
સમુદ્રને ઉછાળી શકું છું
સિતારાઓની સુગંધ સુધી.

હું મારા મનની મોસમને
પૂરેપૂરી માણું છું
અને
કોઇને પણ ન પિછાણવાની
મારી લાપરવાહી મારા ખભે નાખીને ચાલતી હોઉં છું.

એકાંત જ મને મારા તરફ લઇ જતું હોય છે
અને મને મારાથી દૂર કરતું હોય છે.

વિશ્વ આટલું સુંદર હશે
એવું મેં શાણપણમાં તો કદીયે અનુભવ્યું નથી
એટલે જ
મને મારું પાગલપન ગમે છે.

– પન્ના નાયક

તમે – મનસુખ લશ્કરી

તમે
મરચી ઉગાડો કે શેરડી
ઘર બનાવો
કતલખાનું ચણાવો
કે કબર બાંધો
તો ય

આ જમીન
કાંઈ કે’તા કાંઈ
એક અક્ષરેય બોલશે નહીં

બસ
જોયા કરે છે બધું
ચુપચાપ

હું એટલો સ્થિતપ્રજ્ઞ
હજીય બની શક્યો નથી
ને તો ય
કેટલી લીલપભરી આંખે
જોઈ રહી છે મને
અ-તૂલ મમત્વથી !

– મનસુખ લશ્કરી

પરાજિત રાજ્ય – હર્ષદેવ માધવ

બહાર
સૈન્ય મને આકુળવ્યાકુળ કરતું ઊભું છે.
ભીંતો
જીર્ણશીર્ણ થઇ ગઇ છે.
રાત્રીની બારીઓ ખુલી ગઇ છે.
પ્રત્યેક વૃક્ષ પર આગિયાની જ્વાળાઓ દેખાય છે.
વ્રણથી પીડિત આંખો માર્ગ સુધી જઇને પાછી ફરે છે.
અંદર
કોઠારો ખાલી થઇ ગયાં છે.
જળનું તળિયું દેખાઇ ગયું છે.
પ્રત્યેક દિવસે
તારી પ્રાપ્તીનાં સ્વપ્નો
છિન્નભિન્ન થઇને તૂટે છે
હે અલકનન્દા!
કિલ્લામાં બંધ રાજાની જેમ
હું તારી રાહ જૌં છું.
મારા સામ્રાજ્યમાં
તું પણ સંપૂર્ણ ધ્વંસ પછી જ
તારો વિજયપ્રવેશ ઇચ્છે છે?

– હર્ષદેવ માધવ

હેપ્પી બર્થ ડે, જયશ્રી….

OLYMPUS DIGITAL CAMERA
(તારા સ્મિતનું અણનમ તેજ રહો, યાવત્ચંદ્રૌદિવાકરૌ……)

*

આજે ટહુકો.કોમની પ્રાણદાત્રી જયશ્રીની વર્ષગાંઠ. જયશ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ… જયશ્રીનું પ્રથમ કાવ્ય લયસ્તરો.કોમ પર મૂક્યું હતું ત્યારે ટહુકો.કોમ પર એની માત્ર લિન્ક આપી હતી. આજે એવું નહીં કરું. આજે જયશ્રીની આ કવિતા એકીસાથે બંને સાઇટ્સ પર માણી શકશે:

*

 

કિંમત – જયશ્રી ભક્ત

 

તારા પ્રેમની કિંમતમાં
તું તને જ માંગી લે,
તો
ક્યાંથી આપું?

જિંદગી આખી લઈ લે,
પણ તું
મારી એ પળ માંગી લે,
તો
ક્યાંથી આપું?

– જયશ્રી ભક્ત

આમ જોઈએ તો બે જ પંક્તિની કવિતા. પણ વિચારીએ તો બે છીપની વચ્ચે એક અણમોલ મોતી. સાચો પ્રેમ એટલે એ અવસ્થા જ્યાં બે જણ એકમેકમાં ઓગળી જાય… ઓગળી ગયા પછી પરત શી રીતે કરી શકાય? હા, મારી જિંદગી માંગે તો આપી દઉં… પણ પ્રેમની એક ‘પળ’ જે આખા ‘જીવતર’થી પણ વિશેષ છે એ શી રીતે આપી શકાય?

~ – કાજલ ઓઝા-વૈદ્ય

મેં સૂરજમુખી માગવા માટે
ડરતાં ડરતાં લંબાવેલા હાથમાં
તેં
આખેઆખો સૂરજ મૂકી દીધો છે !

વેંત જેટલી જગ્યા માગી હતે – મેં,
તારી અંદર – ક્યાંક – કોઈક ખૂણે
અને તેં –
મને ઘસડીને, તારી રગરગમાં વહેતી કરી નાખી છે.

પાંખ ફફડાવવા જેટલા અવકાશની માગણીના બદલામાં
ગણતરીના શ્વાસ ઉછીના માગ્યા હતા મેં તો
ને તું ?
બ્ર્હ્માંડ લઇ આવ્યો, તારા બાહુપાશમાં !

બે સ્મિત – ચાર ખુશીની પળો ચાહી હતી મેં તો –
માત્ર
ને તેં ?
‘સુખ’નો ઢગલો કરી દીધો – મારા ખોળામાં,
તું ક્યાં હતો ?
તું કેમ મને વહેલો ન મળ્યો ?

– કાજલ ઓઝા-વૈદ્ય

સુખ – કીર્તિ ચૌધરી (અનુ. નિરંજન સટ્ટાવાલા)

બધુંયે એમ ને એમ રહે છે
આ પડદા – આ બારી – આ કૂંડાં
જરાય બદલાતાં જ નથી.
પણ કોણ જાણે શું થાય છે,
ક્યારેક ક્યારેક
ફૂલોમાં રંગ ભરાઈ આવે છે,
ટેબલક્લૉથ પર – તકિયા ઉપર
ચિત્રો બધાં અકારણ હસે છે,
દીવાલો જાણે હમણાં બોલશે,
આજુબાજુ વીખરાયેલી બધી ચોપડીઓ
શબ્દે – શબ્દે
બધા ભેદ ખોલશે,
અજાણતાં જ હોઠ ઉપર ગીત આવી જાય છે.
સુખ શું આ જ છે?
બદલાતું તો કંઈ જ નથી…
આ પડદા – આ બારી – આ કૂંડાં …

– કીર્તિ ચૌધરી (અનુ. નિરંજન સટ્ટાવાલા)

દર શનિવારનું ritual – પન્ના નાયક

દર શનિવારનું ritual
સુપરમાર્કેટમાં ગ્રોસરીની ખરીદી –
કેવું સારું!
કશુંય પૂછવાગાછવાનું નહીં!
આંખો અને હાથ રમ્યા કરે
shelves પરની વસ્તુઓ પર
સ્ટૅમ્પ થઇ ગયેલા આંકડાઓ સાથે
મૂંગી મૂંગી રમત…!

ઍરકન્ડિશન્ડ અને પ્લાસ્ટિકઃ બેવડા કવરમાં
સચવાઈ પડેલા ફળો ને શાકભાજી
વીનવે છે સૌને બહાર લઈ જવા!

માનવસંપર્કમાંથી સાવ વિખૂડી ગાયો કણસે છે,
માથા વિનાનાં લટકે છે બકરાંઘેટાં,
અને
સંભળાય છે ત્રાસની ચીસ
“disjointed chicken in family size” માં… !
હૃષ્ટપુષ્ટ ગાયોનું દૂધ ખડકાયું છે
પણ
“fortified, homogenized, pastuerized
અને vitamins added!”
બિચારી ગાયો શું વિચારતી હશે!

અસંખ્ય લોકોની અવરજવર વચ્ચે
શબ્દો ગૂગળાતા, અકળાતા;
સંભળાય છે માત્ર
ઊંચી એડીઓની ટપટપ ટપાટપ…
ઘસડાઈ ઘસડાઈને
શૉપિંગ કાર્ટનાં ખખડી ગયેલાં પૈડાંનો ઘરઘરાડ
અને
કેશ-રજિસ્ટરનાં નાણાં ગળી જવાનો ખડખડાટ…

બહાર આવું છું –
જાણે હું
બહેરાંમૂંગાની નિશાળની
આંખ-હાથના હાવભાવથી
communication કરતી વ્યક્તિ…!

– પન્ના નાયક


Chitralekha’s 61st annual issue had 61 prominent Gujarati’s including Panna Naik