Category Archives: ધૂની માંડલિયા

વૃક્ષકાવ્યો – ધૂની માંડલિયા

આજે આ મઝાનું વૃક્ષકાવ્યોનું ગુચ્છ … અને હા, સાથે ગુંજનભાઇનો એક શેર પણ યાદ આવી ગયો તો એ પણ મમળાવી લઇએ..!!

છાંયડામાં બેસવાનો Tax જ્યારે માંગશે,
વૃક્ષ મૂડીવાદ શું છે, વિશ્વને સમજાવશે.
– ગુંજન ગાંધી

માત્ર વૃક્ષો જ નહીંvruksh
સાથે
છાંયડો પણ કપાય છે.

*

પલંગ
ઉપર સૂઉં છું
ને
એક વૃક્ષ
સતત ઊડાઊડ કરે છે
મારી આસપાસ
ઉપર-નીચે.

*

ચોમાસું ક્યારે ?
એ જાણવા
વૃક્ષો પંચાંગ નથી જોતાં.

*

દોસ્ત,
ભીંતનું અને વૃક્ષનું
તૂટી પડવું
એકસરખું નથી.

*

વૃક્ષને
જ્યારે પ્રથમ ફળ
બેસે છે ત્યારે
સીમ આખી ઊજવે છે
ઉત્સવ.

– ધૂની માંડલિયા

ઋણાનુબંધ પાછો નીકળ્યો – ધૂની માંડલિયા

ગઝલ પઠન – ધૂની માંડલિયા

માછલી સાથે જ દરીયો નીકળ્યો,
લ્યો ઋણાનુબંધ પાછો નીકળ્યો.

ચાંદની સમજી અમે મુઠ્ઠી ભરી,
મૂઠ ખોલી ત્યાં જ તડકો નીકળ્યો.

સાંજ પડતાંયે ફર્યુ ના એટલે,
શોધવા પંખીને માળો નીકળ્યો.

હુંજ મારા ભાર થી થાકી ગયો,
હું હતો એ ‘હું’ જ ખોટો નીકળ્યો.

આશરો કેવળ નદીને જે હતો,
એક દરિયો એય ખારો નીકળ્યો.

થોભવાનો થાક વસમો હોય છે,
માર્ગ સમજ્યો એ ઉતારો નીકળ્યો

આગીયાઓ ઉજળા છેકે પછી-,
વેશ બદલી સૂર્જ ઊડતો નીકળ્યો.

– ધૂની માંડલિયા

છાની વાતને ફડક – ધૂની માંડલિયા

મારી જ અંદર, એક એકાકી સડક છે,
દ્વંદ્વોના દરિયા છે, વિચારોના ખડક છે.

જો જીભ આવે ભીંતને, તો તો શું થશે ?
પ્રત્યેક છાની વાતને એની ફડક છે.

ફૂલોને મળવા તોય દોડી ગઇ હવા,
એને ખબર છે, કાંટાનો પહેરો કડક છે.

હું તો કરું છું પ્રેમ, ને વાતો તમે,
મારા-તમારા વચ્ચે બસ, આ ફરક છે.

આંખો અમારી છે એવો હક્ક દૃશ્યનો
આંસુ કહે, એવો અમારો મલક છે.

હમણાં જ એ આવી ગયા, એથી જ તો,
‘ધૂની’ શ્વાસના ચહેરા ઉપર કેવી ચમક છે.

( આંખો અમારી છે એવો હક્ક દૃશ્યનો – આંસુ કહે, એવો અમારો મલક છે. મને આ શેરમાં ખબરના પડી.. )