Category Archives: ભાગ્યેશ જહા

એક સંદેશ શ્યામ ને – ભાગ્યેશ જહા

krishna_PZ16_l

SMS કરવાનું બંધ કરો શ્યામ !
હવે રૂબરૂમાં આવવાનું રાખો.
વૃંદાવન મથુરા તો રોમરોમ જાગ્યાં છે,
મોરલી મોબાઇલ જેવી રાખો.

સાઇબરકાફેમાં હવે સર્ફિંગ કરે છે
પેલી ગોપીઓની યુગજૂની આંખો,
ઇચ્છાના ગોધણને વાળો, હો શ્યામ !
હવે ગોવર્ધન માંગે છે પાંખો,
ટચલી આંગળીએ હવે સાચવજો માઉસ,
અને માખણને ફેટ ફ્રી રાખો

SMS કરવાનું ….

વેબકેમ આંખોમાં આંજીને ગોપીઓએ
સંતાડી દીધા ઉજાગરા,
કપડાં તો સૂકવ્યાં છે સદીઓથી ડાળ ઉપર
વહેવડાવો વાયરા કહ્યાગરા,
રાધાના આંસુના અટકાવો શ્યામ !
હવે મેકઅપને મોભામાં રાખો

SMS કરવાનું ….

ઇ-મેઇલ વાંચીને હવે અર્જુનને સમજાવો
કે મનમાંથી કાટમાળ કાઢે
ગાંડીવ ને શંખધ્વનિ સાચવે ભલે
પણ પર્સમાંથી પામટોપ કાઢે,
કૌરવના કમ્પ્યુટર વાયરસ લખે છે,
તેની ભોળી કોઇ ભાળ હવે રાખો

SMS કરવાનું બંધ કરો શ્યામ !
હવે રૂબરૂમાં આવવાનું રાખો.

Ek sandesh shyam ne – bhagyesh jaha

તમે અહીંયા રહો તો … – ભાગ્યેશ જહા

થોડા દિવસો પહેલા બે સરખા જેવા ગીતો એક સાથે મોરપિચ્છ અને ટહુકો પર મૂકેલા; ( અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં – ભાગ્યેશ જહા અને પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં – હરીન્દ્ર દવે )

આજે પણ કંઇક એવું જ…. “તમે અહીંયા રહો તો … ” અને “તમે વાતો કરો તો..” સુરેશ દલાલના હસ્તાક્ષરમાં “તમે વાતો કરો તો.. ” સ્વરબધ્ધ થયેલું છે, એટલે ઘણાં એ કદાચ સાંભળ્યું હશે. અને ‘તમે અહીંયા રહો તો, ‘ભાગ્યેશ જહા’ની બીજી રચનાઓ સાથે ‘આપણા સંબંધ’ આલ્બમમાં સોલીભાઇએ ખૂબ સરસ ગાયું છે.

સ્વર : સોલી કાપડિયા

.

તમે અહીંયા રહો તો મને સારું રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે

તમે આંખોથી આંસુ નીચોવી લીધું
આ વાદળને રડવાનું કાનમાં કીધું
તમે આવજો કહીને પછી આવશો નહીં
તમે ભૂલવાની ભ્રમણામાં ફાવશો નહીં

આ શબ્દોને ઉંડું એક વળગણ રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે

હવે સૂરજ આથમશે તો ગમશે નહીં
આ સપનાનો પગરવ વર્તાશે નહીં
રાતે તારાને દર્પણમાં ઝીલશું નહીં
અને આભ સાથે કોઇ’દિ બોલશું નહીં

મારા દર્દોનું એક મને મારણ રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે

એક પંખી સૂરજ સામે સળગી જશે
એના સપનાઓ વીજળીમાં ઓગળી જશે
તમે ચીરી આકાશ ક્યાંય ઊડતા નહીં
આ ખારા સાગરને ખૂંદતા નહીં

અહીં વરસાદે વરસાદે ભીનું રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે

અહીં ઉપવનમાં આંસુના ઉગશે બે ફૂલ
આંખ રડશે કે તડકામાં સળગી ‘તી ભૂલ
તમે આશાની આશામાં રડશો નહીં
તમે હસવામાં હસવાનું ભરવાનું નહીં

અહીં વૃક્ષોનું ડોલવાનું કાયમ રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે

ઝરણાં બનીને પહાડ ઓગળતા રહ્યા… – ભાગ્યેશ જહા

સ્વર : સોલી કાપડિયા, નિશા ઉપાધ્યાય.

zarna bani ne

.

ઝરણાં બનીને પહાડ ઓગળતા રહ્યા
આપણે માધ્યમ વિના મળતા રહ્યા

પાંદડુ થથર્યું હશે કોઇ ડાળ પર
એટલે પાછા પવન વળતા રહ્યા

આમ તો મળવાનું પણ ક્યાંથી બને
સારું છે કે સ્વપ્નમાં મળતા રહ્યા

સાવ આ તો શ્વાસ જેવું લાગે છે
એટલે આ જીવમાં ભળતા રહ્યા

ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ – ભાગ્યેશ જહા

સ્વર : સોલી કાપડિયા.

.

ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ
એની વેદનાની વાતોનું શું?
કાંટાંથી છોલાતી લાગણી ને સપનાંઓ
ઉંઘ છતાં જાગવાનું શું?

સુવાસે પડઘાતું આખું આકાશ
છતાં ખાલીપો ખખડે ચોપાસ.
ઉપવનના વાયરાની લે છે કોઇ નોંધ?
કોણ વિણે છે એકલી સુવાસ?
વાયરો કહે તેમ ઉડવાનું આમ તેમ
વાયરાનું ઠેકાણું શું? – ઉંચકી સુગંધ……

ધારોકે ફૂલ કોઇ ચૂંટે ને સાચવે,
ને આપે ને સુંઘે તો સારું.
ધારો કે એક’દીની જિંદગીમાં મળવાનું,
થોડું રખાય તો ય સારું.
પણ ઉપવનમાં ઝુરવાની હોય જો સજા,
તો મળવાના ખ્વાબોનું શું ? – ઉંચકી સુગંધ……

(આભાર : લયસ્તરો, રાધિકા)