ગુજરાતના જાણિતા કવયિત્રી પન્ના નાયકના અત્યાર સુધી પ્રકાશિત કાવ્યસંગ્રહોનું સંકલન – એટલે વિદેશિની અને દ્વિદેશિની. પન્ના નાયકના કાવ્યવિશ્વમાં પ્રવેશ આપતા આ બંને પુસ્તકો, એમાંથી કેટલીક રચનાઓનું આજે કવયિત્રી પન્ના નાયકના સ્વરમાં પઠન સાંભળીએ.
તને ખબર છે?
તને ખબર છે?
હવે હું તારું નામ બોલી શકતી નથી
એટલે આજે તાજા જ પડેલા સ્નોમાં
હું તારુ નામ લખી આવી
મારી આંગળીઓ એવી તો ઠરી ગઈ
પણ સાચે જ મઝા આવી ગઈ…
ને પછી થોડી વાર રહીને વરસાદ પડયો…
હું તારુ નામ વહી જતું જૉઈ રહી.
વાસંતી વરસાદની સાથે
અચાનક ઊગી નીકળેલા ડેફોડિલની જેમ
મેં તારુ નામ વાતવાતમાં રોપી દીધું
પણ કોઈએ કશું સાંભળ્યું નહીં કેમ જાણે
તારા નામના રણકારનો પડઘો ફકત હું જ ઝીલ શકતી હોઉં!
અને બપોર પછી નીકળી આવેલામેઘધનુને જૉઈ
દિલમાં એક ધડકન ઊઢી ને શમી ગઈ…
ફકત મારા સ્તનો જ એના સાક્ષી હતાં.
સંઘ્યાકાળે નમતો સૂરજ મારા ગાલે ઢળ્યો
અને તારા હોઠની છાપ સજીવન થઈ.
પણ તું માનીશ?
અહીં તો બધાંને મારા ન બોલાયેલા શબ્દોમાં જ વિશ્વાસ છે.
તું શું માને છે…?
હું બોલું કે ચૂપચાપ ચાહ્યા કરું…?
– પન્ના નાયક
**************
બા
નાની હતી ત્યારે
મારા બા
મારા વાળ ઓળતા
હાથમાં અરીસો આપીને
એમની આગળ પલાઠી વાળીને બેસાડતા
છુટ્ટા વાળમાં
એ ઘસી ઘસીને
ઘેર બનાવેલું બ્રાહ્મીનું તેલ નાખતા.
કાંસકાથી ગુંચ કાઢી
વિરાટ વનની પગથી જેવી
સેંથી પાડતા
ને
પછી
લાંબા કાળા ભમ્મરિયા વાળને
બે લટોમાં ગૂંથી લઇ
રંગીન રીબન
કે
ચાંદીના ઘૂઘરિયાળા ફુમતાથી શોભાવતા
વાળ ઓળાઇ જાય
એટલે
મને એમની સામે બેસાડતા
ને
તપાસતાં
કે
વાળ બરાબર ઓળાયાં છે કે નહીં !
મને પૂછતા :
ગમ્યા ને ? .
હું મરક મરક હસતી.
કેટલીય વાર
વ્હાલના આવેશમાં
આવી જઇ
સરસ ઓળેલા વાળમાં
એમનો હાથ ફેરવી ફેરવી
એને અસ્તવ્યસ્ત કરી દેતા
હું
થોડો ખોટો
થોડો સાચો
ગુસ્સો કરતી.
આજે
મારા વાલ સાવ ટૂંકા છે
તેલ વિનાના સૂકા, બરછટ છે.
ઓળ્યા વિનાના અસ્તવ્યસ્ત ઊડે છે.
નપુંસક ગુસ્સાથી પીડાતી હું
શોધું છું
બા…
બાનો હાથ…
– પન્ના નાયક
***************
હોમસિકનેસ
મેં ટ્રોપિકલ છોડને જડમૂળથી ઉખેડી
અહીં પરાઈ શીતલ ભૂમિમાં
રોપી તો દીધો
અને
એ છોડે જીવવાનો નિર્ધાર પણ કરી લીધો.
છતાં
અહીં જ્યારે વસંત ચેરી બ્લોસમ્સથી રંગાઈ જાય છે
ત્યારે
મારું મન કેસૂડે મોહે છે.
ગ્રીષ્મનાં ગુલાબ ધરા પર પોતાના બિસ્તર બિછાવી દે છે
ત્યારે
હું ગુલમોરની યાદથી આંખ લાલ કરીને રોઉં છું.
અહીં બારે માસ વરસાદ પડે છે તોય
ત્યાંના જેવી વર્ષાઋતુની મઘમઘતી સોડમ
ક્યારેય શરીરે ચોંટતી નથી.
અષાઢનો શબ્દ જ અહીં નથી ને!
અહીં બધું જ છે
છતાં કંઈ જ નથી.
હું હોમસિક થઈ ગઈ છું.
થાય છે
બધું ઊઠાવીને ઘેર જાઉં
પણ
હવે મારું ઘર ક્યાં?
મારું
ઘર ક્યાં?
— પન્ના નાયક