Category Archives: સંગીતકાર

સર્વોરંભે પરથમ નમીએ – નીનુ મઝુમદાર

આજે નવરાત્રીનો પહેલો દિવસ – જગતજનનીના ચરણોમાં વંદન, અને આપ સૌને પણ નવરાત્રીની શુભકામનાઓ. આજે માણીએ સ્વરાંગી વૃંદના કલાકારો દ્રારા પ્રસ્તુત આ ગરબો.

સ્વરાંગી વૃંદના કલાકારો : વિજલ પટેલ, ખેવના દેસાઈ, રીની ભગત, એકતા દેસાઈ, સુષ્મા ભગત, કીર્તિદા રાંભિયા, મેધા ઝવેરી સ્વાતિ વોરા, દક્ષા દેસાઈ, પારૈલ પુરોહિત, અમી શાહ, બાગેશ્રી પ્રણામી કામિની શાહ, વિરાલી દેસાઈ, ઉર્વી મહેતા
નિવેદન- ખેવના દેસાઈ
હાર્મોનિયમ- વિજલ પટેલ
તબલા- અંકિત સંઘવી
વિડીયો એડિટિંગ- સ્વરાંગી પટેલ, સમીર પટેલ

કવિ અને સ્વરકાર- નીનુ મઝુમદાર

સર્વોરંભે પરથમ નમીએ રિદ્ધિ સિદ્ધિ સ્વામી ગણપતિ
સાથે મળીને ચોપાટ ખેલે ઈશ્વરને સતી પારવતી

પાસાં પાડે મંગલ રીતે
પહેલો દાવ ગજાનન જીતે
સાવ સોનાની સોગઠી પીળી,
બાજીએ નીસરતી રમતી સાથે મળીને ચોપાટ ખેલે ઈશ્વરને સતી પારવતી

બીજો દાવ તો રિદ્ધિસિદ્ધિનો
પૂર્ણ રચાવે ખેલ વિધિનો
ભક્તિનું મ્હોરું લીલું સદાનું, ઉતારે અંતર આરતી
સાથે મળીને ચોપાટ ખેલે ઈશ્વરને સતી પારવતી

ત્રીજે ભુવન માતાજી બિરાજે
જય જય નાદે ત્રિભુવન ગાજે
ચુંદડી રંગી સોગઠી રાતી, ગોળ ઘૂમે ગરબે ફરતી
સાથે મળીને ચોપાટ ખેલે ઈશ્વરને સતી પારવતી

ચોથા પદનું તત્વ વિચારી
રમતને નીલકંઠે ધારી
અનંત ભાતે અગમ રંગે, વિશ્વ રમાડે વિશ્વપતિ
સાથે મળીને ચોપાટ ખેલે ઈશ્વરને સતી પારવતી

– નીનુ મઝુમદાર

સતગુરુએ મુને ચોરી – દાસી જીવણ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી વિશ્વકોશના શિલ્પી અને પદ્મભૂષણ ડો. ધીરુભાઈ ઠાકરની પુણ્યતિથિએ 24 જાન્યુઆરી 2021 ,રવિવારે એક સુંદર કાર્યક્રમ “પરમ પ્રેમ પરબ્રહ્મ : નરસિંહથી ન્હાનાલાલ સુધી” નું આયોજન થયું જેમાં અમર ભટ્ટે સુંદર પદો રજુ કર્યા.તો માણો હવે એને tahuko.com ઉપર દરેક રચના.

કાર્યક્રમની લિંક –

સ્વર અને સ્વરાંકન : અમર ભટ્ટ

.

સદગુરુએ મુંને ચોરી શીખવાડી‚
જ્ઞાન ગણેશિયો ઘડાયો રે…

પવનરૂપી ઘોડો પલાણ્યો‚ ઊલટી ચાલ ચલાયો રે ;
ગંગા-જમનાના ઘાટ ઉલંઘી‚ જઈ અલખ ઘીરે ધાયો રે…
સદગુરુએ મુંને ચોરી શીખવાડી…

ધમણ ધમુંકે તિયાં વીજું ચમુંકે‚ અનહદ નોબત વાગે રે ;
ઠારોઠાર નિયાં જ્યોતું જલત હે‚ ચેતન ચોકી માં ય જાગે રે…
સદગુરુએ મુંને ચોરી શીખવાડી…

સાંકડી શેરી નિયાં વાટું છે વસમી‚ માલમીએ મુંને મૂક્યો રે ;
નામની નિસરણી કીધી‚ જઈ ધણીને મોલે ઢૂંક્યો રે…
સદગુરુએ મુંને ચોરી શીખવાડી…

શીલ-સંતોષનાં ખાતર દીધાં‚ પ્રેમે પેસારો કીધો રે ;
પેસતાં ને પારસમણિ લાધી‚ માલ મુગતિ લીધો રે…
સદગુરુએ મુંને ચોરી શીખવાડી…

આ રે વેળા યે હું ઘણું જ ખાટયો‚ માલ પૂરણ પાયો રે ;
દાસી જીવણ સત ભીમનાં ચરણે‚ આજ મારો ફેરો ફાવ્યો રે…
સદગુરુએ મુંને ચોરી શીખવાડી..
– દાસી જીવણ

બેડાં મૂકીને તમે બેસજો ઘડીક – માધવ રામાનુજ

સ્વર : અમર ભટ્ટ

.

બેડાં મૂકીને તમે બેસજો ઘડીક,
હું તો સુક્કાં સરોવરનો ઘાટ,
વીરડા ગાળીને પછી ભરજો નિરાંતમાં,
મારો ખાલીખમ ઉચાટ.

તમને જોયાં કે પાંચ પગલાની
એકવાર હૈયે જડેલ ભાત સાંભરે,
એકવાર છલછલતા હિલ્લોળે
પોંખ્યાના કંકુ ચોખાની વાત સાંભરે.
મને પત્થરના શમણાના સમ
ફરી જાગે એ તે;દિનો ભીનો તલસાટ.
બેડાં મૂકીને..

ઝાંઝરના મૂંગા રણકાર સમું ગામ
આમ ટળવળતું ટળવળતું જાય,
ઝાંઝવાની પરબો રેલાય તોય
વાયરાની તરસી વણઝાર ના ધરાય.
વાત વાદળ કે કાજળની કરતા જાજો,
વાત સુરજ કે છુંદાણાની કરતા જાજો,
નકર નહીં ખૂટે નોંધારી વાટ.
બેડાં મૂકીને..
-માધવ રામાનુજ

આ શબ્દ હવે છૂટે તો સારું -માધવ રામાનુજ

સ્વર : શેખર સેન
સ્વરાંકન : સુરેશ જોશી

.

સ્વર : અમર ભટ્ટ

.

આ શબ્દ હવે છૂટે તો સારું.
મૌન સુધીના મારગ માંડ મળ્યા છે,
વાટ ખૂટે તો સારું.

સંબોધનમાં, સંબંધોમાં,
માયાની માયામાં,
પગલે પગલે શબ્દ અહીં રોકી રાખે છે,
એના પડછાયામાં;

આ મનમાં પળ પળ ઊગતા રહેતા મોહ
હવે છૂટે તો સારું.

ક્યાં અધવચ્ચે, ક્યાં મઝધારે
ક્યાં અંતરને આરે,
ખુદને મૂકી પાછળ ચાલ્યા,
પાછા ફરશું ક્યારે!

આ જીવતર જેવું જીવતર અટવાયું છે,
જાળ તૂટે તો સારું.

આ શબ્દ હવે છૂટે તો સારું.
મૌન સુધીના મારગ માંડ મળ્યા છે,
વાટ ખૂટે તો સારું.
આ શબ્દ હવે છૂટે તો સારું.

-માધવ રામાનુજ

સૌજન્ય : ગુજરાતી ગઝલ

સૈયર તારા કિયા છૂંદણે – માધવ રામાનુજ

સંગીત :શ્યામલ સૌમિલ મુન્શી
સ્વરઃ દિપાલી સોમૈયા ,સાધના સરગમ

.

સૈયર તારા કિયા છૂંદણે મોહ્યો તારો છેલ કહેને,
સૈયર તારા કિયા ફૂલની લૂમી ઝૂમી વેલ કહેને.

કિયા વરતમાં પાંચ આંગળે કિયો પીપળો પૂજ્યો સૈયર,
મંન ભરીને મોહે એવો કિયો ટૂચકો સૂઝયો સૈયર.

સૈયર તારા કિયા છૂંદણે મોહ્યો તારો છેલ કહેને,
સૈયર તારા કિયા ફૂલની લૂમી ઝૂમી વેલ કહેને.

કૂવાને કાંઠે કઈ ઘડીએ રહી ગઈ વાત અધૂરી,
સૈયર તારા ઉજાગરાની કિયા તારલે સાખ્યું પૂરી.
-માધવ રામાનુજ

અકલ કલા ખેલત – અખા ભગત

સ્વર અને સ્વરાંકન : અમર ભટ્ટ

.

અકલ કલા ખેલત નર જ્ઞાની
જેસે નાવ હિરે ફિરે દશો દિશે
ધ્રુવ તારે પર રહત નિશાની

ચલન વલન રહત અવની પર વાંકી
મન કી સૂરત આકાશ ઠહરાની
તત્વ સમાસ ભયો હે સ્વત્રંત
જેસી હિમ હોત હે પાની

અજબ ખેલ અદભુત અનુપમ હે
જાકુ હે પહિચાન પુરાની
ગગન હી ગેબી ભયો નર બોલે
એહિ અખા જાનત કોઈ જ્ઞાની…
– અખા ભગત

अकल कला खेलत नर ज्ञानी।
जैसे नाव हिरे फिरे दसों दिश।
ध्रुव तारे पर रहत निशानी।।

चलन वलन रहत अवनि पर वाँकी।
मन की सूरत आकाश ठहरानी।।
तत्त्व समास भयो है स्वतंत्र।
जैसी हिम होत है पानी।। अकल ….

अजब खेल अदभुत अनुपम है।
जाकूँ है पहिचान पुरानी।।
गगन ही गेब भयो नर बोले।
एहि अखा जानत कोई ज्ञानी।। अकल….

આજની રાત ની વાર્તા શી કહું? – નરસિંહ મહેતા

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી વિશ્વકોશના શિલ્પી અને પદ્મભૂષણ ડો. ધીરુભાઈ ઠાકરની પુણ્યતિથિએ 24 જાન્યુઆરી 2021 ,રવિવારે એક સુંદર કાર્યક્રમ “પરમ પ્રેમ પરબ્રહ્મ : નરસિંહથી ન્હાનાલાલ સુધી” નું આયોજન થયું જેમાં અમર ભટ્ટે સુંદર પદો રજુ કર્યા.તો માણો હવે એને tahuko.com ઉપર દરેક રચના.

કાર્યક્રમની લિંક –

સ્વર અને સ્વરાંકન : અમર ભટ્ટ

.

આજની રાત ની વાર્તા શી કહું?
સ્વપ્નમાં શામળા સંગ પરણી
ચોરીમાં પરવરી પાસ બેઠા હરિ
બાઈ મારા કર્મની કોણ કરની ?

ચાર વેદે કરી ચાર ફેરા ફરી
શ્રી હરિએ મારો હાથ ઝાલ્યો
કૃત તણાં દિપક મંડપ ચોરી રચી
આંગણે નંદ આનંદ મ્હાલ્યો !

થાળ કુમકુમ ભરી મોડ મસ્તક ધરી
જશુમતી સાસુને પાય લાગી
નરસૈંના સ્વામીને સંગ રમતી હતી
એટલે ઝબકીને હું રે જાગી
-નરસિંહ મહેતા

સાગરતીરે અલસ તિમિરે – રઘુવીર ચૌધરી

22 beach night 2

સ્વર અને સ્વરાંકન : અમર ભટ્ટ

.

સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.
મોજું આવે કોક રહીને અડકે ચરણ જતાં.

ઊડી ગયાં સહુ વિહંગ નભથી
નીરવતા ફરકે છે સઢથી,

દીર્ઘ થયા પડછાયા ધીરે જળમાં ઓગળતા.
સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.

કરે સ્પર્શ અંધાર શ્વાસને,
એક કરે મુજને – વિશાળને,

કોક છીપમાં બેઠી બેઠી ઝૂરે સુંદરતા.
સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.

(કવિ પરિચય) 

દરિયો મારો દોસ્ત -ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ગીત ચેનલ ઉપર નવું ગીત માણો!

સ્વર : અનુષ્કા,હેત્વી,મિસ્કા,નેહા,પ્રિયાંશુ,રોશીતા,સ્પૃહા,સ્વરા,ત્રિશા,યુગ આનંદકુમાર,યુગ શ્રેયસકુમાર
સંગીત : દેવાનંદ ચાવડા
સ્વરાંકન : ધ્રુવ ભટ્ટ

.

દરિયો મારો દરિયો મારો દરિયો મારો દોસ્ત છે હો
દરિયો મારો દરિયો મારો દરિયો મારો દોસ્ત છે હો

દરિયો મારા ગામમાં આવે દરિયો દરેક નામમાં આવે
રુદિયે ભરી હામમાં આવે કોક દી ભીની આંખમાં આવે

દરિયો મારા મનમાં જાગ્યાં સપનાંઓની છોળ છે હો
દરિયો મારો દરિયો મારો દરિયો મારો દોસ્ત છે હો.

દરિયો જાતો દરિયો ના’વા રેતમાં બેસે તડકો ખાવા
ઓટમાં આઘે બેટમાં જાવા ભરતી ઘેરાં ગીતને ગાવા

દરિયાજીને વાદળું બની વરસી જાવા હોંશ છે હો
દરિયો મારો દરિયો મારો દરિયો મારો દોસ્ત છે હો

-ધ્રુવ ભટ્ટ

સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત

રે હંસા -ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ગીત ચેનલ ઉપર નવું ગીત માણો!

સ્વર : બ્રિયા ભટ્ટ,ઈરમ શેખ,ક્રિશા પટેલ,વૈદેહી પટેલ,યશ્વી ઠક્કર,યુગ મેકવાન
સંગીત : દેવાનંદ ચાવડા
સ્વરાંકન : કચ્છનો લોકઢાળ

.

રે હંસા શબદ પિયાલા ભરીને પી વળ્યાં જી
એને કેવાં કીરતન કેવાં નામ રે
હંસા એવાં રે જડે તે જણને રોકવા જી

હંસા શબદ તમુંને નભમાં લઈ વળે જી
રહેશે પ્રથમી પટે પરછાઈ રે
હંસા છાયાને જીવ્યાં તે અજરા હુઈ ગયાં જી

હંસા છાયા તો જીવે છે એનાં તેજમાં જી
એમાં કોઈ દીન પડે નહીં ઝાંખ રે
હંસા નથી એ સૂરજ ના તો ચાંદની જી

રે હંસા અખશર ઉકેલો થારા નામરા જી
જેને ઉકલ્યા પોતાના નિવાસ રે
એ તો ક્યાંયે ના જવાના પાછા આવવા જી

-ધ્રુવ ભટ્ટ

સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત