Category Archives: ગીત

મારે તે ગામડે એકવાર આવજો… – ‘મનસ્વી’ પ્રાંતિજવાળા

વર્ષોથી સાંભળેલું આ ગીત.. હજુ પણ એટલું જ વ્હાલું લાગે..! મને લાગે છે કે પપ્પાની કેસેટમાં જે રેકોર્ડિંગ સાંભળ્યું હતું એ થોડું અલગ હતું – પણ હમણા તો જે મળ્યું એ જ તમારી સાથે વહેંચી લઉં. જન્માષ્ટમી હજુ હમણા જ તો ગઇ, એટલે કાનુડાને યાદ કરવાનો વધુ એક મોકો લઇ લઇએ..!!

સ્વર : ??

સંગીત : ??

(સૂનાં સૂનાં છે ગામ રાધાના શ્યામ વિના…)

મારે તે ગામડે એકવાર આવજો,
હે આવો ત્યારે મને સંદેશો કહાવજો
મારે તે ગામડે એકવાર આવજો

મારા માખણીયા મીઠાં મીઠાં ચાખજો,
મારે તે ગામડે એકવાર આવજો

મીઠાં માખણથી ભરી મટકી મારી આજ
મનમોહન આવો તમે માખણ ખાવા કાજ
સૂનાં સૂનાં છે ગામ રાધાના શ્યામ વિના
સૂનું સૂનું છે ગામ આજે ઘનશ્યામ વિના

અંતરનાં દ્વાર કહો ક્યારે ઉઘાડશો
મીઠી મીઠી મોરલી કહો ક્યારે વગાડશો
હે જમનાને તીર રાસ ક્યારે રચાવશો
મારે તે ગામડે એકવાર આવજો

વાગ્યા મૃદંગ હો રે.. જાગ્યા ઉમંગ કંઇ
આવ્યા પ્રસંગ રંગભીના હો…
મારાં માખણીયા મીઠાં મીઠાં ચાખજો
મારે તે ગામડે એકવાર આવજો

(આભાર – માવજીભાઇ.કોમ)

શ્યામ ! ઓ સાંવરીયા ! – સુરેશ દલાલ

સૌ મિત્રોને જન્માષ્ટમિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!! સાથે સાંભળીયે કવિ શ્રી સુરેશ દલાલનું આ મઝાનું ગીત.. આમ તો આ ગીત શ્યામલ-સૌમિલના હસ્તાક્ષરમાં પણ સ્વરબધ્ધ છે – જેનું સ્વરાંકન થોડું અલગ છે. એ ગીત ફરી કોઇ દિવસ. આજે માણીએ એ ગીત જગદીપભાઇના સંગીત આયોજન અને નાદ ગ્રુપના સ્વર સાથે..!

સ્વર : નાદ ગ્રુપ (દિપક અંજારિયા, પરાગ અંજારિયા, પ્રાર્થના રાવલ, કૃતિકા ત્રિવેદી, અસ્મિતા ઓઝા, અક્ષય શાય)
સ્વરાંકન : Shri Rasbihari Desai the wellknown flutist from Mumbai.
સંગીત આયોજન : જગદીપ અંજારિયા

અમે તમારી વાંસળીઓ ને તમે અમારા સૂર :
શ્યામ ! ઓ સાંવરીયા !
અમે તમારી પાસે ને નહી તમે શ્વાસથી દૂર :
શ્યામ ! ઓ સાંવરીયા !

અમે તમારા મોરપિચ્છમાં રેશમ જેવો રંગ :
તમે અમારે માથે છલકો : યમુનાનો આનંદ.
જનમજનમને ઘાટ તમારી શરદપૂનમનું પૂર;
શ્યામ ! ઓ સાંવરીયા !

અમે તમારો પંથ : પંથ પર પગલીઓ છે પાવન:
મોહનનું આ રૂપ નિરાળું રમતું રહે સનાતન,
નહીં અવરની આવનજાવન : હૈયું માધવપુર !
શ્યામ ! ઓ સાંવરીયા !

– સુરેશ દલાલ

પગલું – ગીતા પરીખ

પગલું મેં માંડ માંડ દીધું’તું માંડવા
ને તેં તો લંબાવી દીધી કેડી !
આંખોમાં અમથું મેં સ્મિત દીધું ત્યાં તો તેં
નજરુંની બાંધી દીધી બેડી!

હૈયાનાં દ્વાર હજી ખુલ્યાં-અધખુલ્યાં ત્યાં
અણબોલ વાણી તે જાણી,
અંધારા આભે આ બીજ સ્હેજ દેખી ત્યાં
પૂનમની ચાંદની માણી.

પળની એકાદ કૂંણી લાગણીની પ્યાલીમાં
આયુષની અમીધાર રેડી,
પગલું મેં માંડ માંડ દીધું’તું માંડવા
ને તેં તો લંબાવી દીધી કેડી !

– ગીતા પરીખ

મુંબઈની કમાણી – અવિનાશ વ્યાસ

બાળપણથી આજ સુધી અગણિત વાર આ ગીત સાંભળ્યું છે – અને તો યે એના તરફનું આકર્ષણ જરા ઓછું નથી થયું..! નાના હતા ત્યારે હું અને ભાઇ – બન્નેને આ ગીત સાથે સાંભળવાની ખૂબ મઝા આવતી. લોકો આ ગીત સાંભળીને ભલે મુંબઇ ફરતા હોય, હું આ ગીત સાંભળું એટલે અતુલની સુવિધા કોલોનીના ઘરે પહોંચી જઉં..!

અને આટલા વર્ષોંમાં આમ ભલે મુંબઇની શકલ-સૂરત ઘણી બદલાઇ હોય – પણ તો યે આ ગીત તો એટલું જ લાગુ પડે છે..!! બસ પેલા બસ્સો-પાંચસો ને બદલે હવે કદાચ ‘બે-પાંચ હજાર’ લખવું પડે..! 🙂

અને આ વર્ષ તો ઉમાશંકર જોષી અને અવિનાશ વ્યાસનું જન્મશતાબ્દીવર્ષ છે..! તો આ ગીત સાથે ફરી એકવાર અવિનાશ વ્યાસને યાદ કરી લઇએ..! એમણે આપેલા ગીતો આવનારી અનેક પેઢીઓને ગુજરાતી સંગીત તરફ આકર્ષતા રહેશે.!

સ્વર – કિશોર કુમાર
ગીત અને સંગીત – અવિનાશ વ્યાસ
ચિત્રપટ – સંતુ રંગીલી (૧૯૭૬)

લોકો સૌ કહે છે કે મુંબઈમાં છે બહુ કમાણી
પણ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી
જેવું ના સૂકાયે મુંબઈના દરિયાનું પાણી
એવી ના સૂકાયે કોઈ દી મુંબઈની જવાની
અરે મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી

આ ચોપાટી…. દેખાણી? હા
આ તાજમહેલ હોટલ…. દેખાણી? હા હા
અને મુંબઈની શેઠાણી…દેખાણી? દેખાણી…

પાન પીળું પણ પાવડર ચોળી રાખે ઉંમર છાની
એ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી

એક નંબરના ઓછા ને બે નંબરના ઝાઝાં
ખિસ્સાં ખાલી ભપકા ભારી જાણે આલમભરના રાજા
અહીં કોમ-કોમનું થાય કચુંબર જુદી જુદી વાણી
એ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી

અહીં બાર ફુટની ઓરડીવાળા મોટા મોટા માળા
અહીં શેઠ કરતાં થઈ સવાયા ફરે શેઠના સાળા
આ ટોળાંમાં કંઈ સમજ પડે નહિ કોણ પુરુષ કોણ બાળા
અહીં જુવાનના વાળ ધોળા ને ઘરડાંના વાળ કાળા

સાંજ પડે સૌ ભેળપૂરીની કરતાં રોજ ઉજાણી
એ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી

લોકો સૌ કહે છે કે મુંબઈમાં છે બહુ કમાણી
પણ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી

અહીં મહાલક્ષ્મીની રેસ….
-ભગાવ બડેમિયાં
ને મહાલક્ષ્મી છે માતા
-હે મા તારી જય હો !!!

અહીં મહાલક્ષ્મીની રેસ ને મહાલક્ષ્મી છે માતા
અહીં લાખો લોકો હારે ને લાખો લોક કમાતા
એક મિનિટમાં બસ્સો-પાંચસો થઈ જાતા ધૂળધાણી
એ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી

અહીં રવિવાર છે રંગીલો એને સૌ કહેતા સન્ડે
અહીં રસ્તા વચ્ચે ચાલે એને પોલીસ મારે ડંડે
કોઈ સજ્જન છે કરમરકર ને કોઈ સજ્જન લોખંડે
નાના-મોટા સૌએ દોડે પોત પોતાને ધંધે

અહીં રહેવું હોય તો ઈકડમ-તિકડમ ભાષા લેવી જાણી
એ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી

લોકો સૌ કહે છે કે મુંબઈમાં છે બહુ કમાણી
પણ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી
પણ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી

(આભાર : માવજીભાઈ.કોમ)

એકલ દોકલ વરસાદે કેવી ભીંજાતી હું – મુકેશ માવલણકર

૪ ઓગસ્ટ ૨૦૦૮ માં મૂકેલું વિભા દેસાઇનાં સ્વરમાં આ ખૂબ સુંદર વર્ષાગીત આજે ફરી એક વાર નવા સ્વરમાં……

varsaa.jpg

સ્વર : ઉન્નતી ઝીન્ઝુવાડીયા
સંગીત નિયોજન : નીરવ જ્વલંત

.

સ્વર : વિભા દેસાઇ
સંગીત : પરેશ ભટ્ટ

.

સ્વર:ડો.દર્શના ઝાલા
સ્વરાંકન:
આલબમ:તારાં નામમાં

.

એકલ દોકલ વરસાદે કેવી ભીંજાતી હું,
વાત વાતમાં વ્હાલમ વાદળ ઓઢાડીને છૂ.

સાંજ પડે ને વ્હાલમ આવી પૂછે, ‘કેમ છો રાણી’,
છે મજા એવું બોલીને છલકે આંખે પાણી,
તો આંસુના દિવાને એ પછી એણે ફૂંક મારી – ‘ફૂ’

વ્હાલમ ક્યારે દરિયો દિલનો ઢોળે,
ક્યારે વ્હાલમ મૂકી માથું સૂવે મારે ખોળે.
ને મેં કહ્યું કે રોકાઈ જા, તો એ કહે – ‘ઉંહુ

એકલ દોકલ વરસાદે કેવી ભીંજાતી હું,
વાત વાતમાં વ્હાલમ વાદળ ઓઢાડીને છૂ.

– મુકેશ માવલણકર

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી.. – અવિનાશ વ્યાસ

આમ તો ચાર વર્ષથી ટહુકો પર ટહુકતું આ ગીત – આજે રક્ષાબંધનના દિવસે ફરી એકવાર…નવા સ્વરમાં….
ગીત છે જ એવું મઝાનું – વારંવાર સાંભળવાનું ચોક્કસ ગમે.. અને રક્ષાબંધનનો દિવસ હોય પછી તો આ ગીત યાદ ન આવે એવું બને? બધાને બળેવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!

અલ્પેશભાઇ,
તને પણ રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..! ખૂબ ખૂબ વ્હાલ સાથે.. Happy રક્ષાબંધન..! 🙂

.

_________________

Posted on August 27, 2007

આ ગીત ગયે વર્ષે પણ રક્ષાબંધનને દિવસે મુક્યું હતું, તો હું આ વર્ષે ટહુકો પર મુકવા માટે બીજું કોઇ ગીત વિચારતી હતી, પણ આ ગીત જેવું બીજું કંઇ મળ્યું જ નહીં.

અને આ વર્ષની રક્ષાબંધન તો મારા માટે ઘણી જ ખાસ છે, ૪ વર્ષ પછી હું રક્ષાબંધનને દિવસે ભાઇ ને મારા હાથે રાખડી બાંધીશ.

બીજું તો શું કહું, આ ગીત સાંભળો, અને રક્ષાબંધનના દિવસની ખુશી મનાવો… 🙂

———————————-

Posted on August 8, 2006

આજે રક્ષાબંધન.

મારી સંગીતની દુનિયા પર સૌથી મોટો પ્રભાવ મારા મોટાભાઇનો. એમને ગમતા ગીતો અને સંગીત મને ગમે જ. કોઇવાર તરત જ… કોઇવાર મહિનાઓ કે વર્ષો પછી..

મોટેભાગે એવું થાય છે કે આ ગીત સાંભળું, અને ભાઇને બહુ યાદ કરું. આજે ભાઇ બહુ યાદ આવે છે, એટલે વારંવાર આ ગીત સાંભળું છું.

raksha

સંગીત – અવિનાશ વ્યાસ
સ્વર – આશિત દેસાઇ, ફોરમ દેસાઇ
ગુજરાતી ફીલમ – સોનબાઇની ચૂંદડી (૧૯૭૬)

.

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી…

લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય,
હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય,
લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે……….કોણ…

એ પંખીડા, પંખીડા, ઓરા આવો એ પંખીડા,
બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ,
પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો……કોણ…

આજ હીંચોડુ બેનડી, તારા હેત કહ્યા ના જાય,
મીઠડો વાયુ આજ બેની તારા હીંચકે બેસી જાય
કોયલ ને મોરલા બોલે, બેની નો હીંચકો ડોલે…..

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે … બેનડી જુલે …ભઇલો ઝુલાવે ડાળખી.

———

ઘણું બધુ લખવાની ઇચ્છા થાય છે, પણ તોયે કંઇ સુઝતુ નથી. પ્રભુને પ્રાથના કરું છું કે સુરતને જેમ બને એમ જલ્દી પૂરની આ મુશ્કેલીમાંથી ઉગારે. રક્ષાબંધન જેવો સારો દિવસ સુખરૂપ પસાર થાય…

મેઘલી શ્યામલ એક રાતે – અંકિત ત્રિવેદી

સ્વર – પાર્થિવ ગોહિલ

(મેઘલી શ્યામલ એક રાતે………)

.

મેઘલી શ્યામલ એક રાતે, આપણી પ્રથમ મુલાકાતે,
એક રસ્તાની બંને તરફ ભીંજતા એકબીજાને આપણે જડ્યા,
મને યાદ છે.. તને યાદ છે?

પછી પગલાંએ પંથ જરા ટૂંકો કર્યો,
પછી મોસમને ચાહવાનો ગુનો કર્યો.
પછી હૈયાની હોવાનાં અણસારે તું,
પછી શ્વાસોનાં અજવાળે ઓગળતો હું,
અવસરને અજવાળી જાતે, એકબીજાની લાગણીઓ ખાતે,
ભાન ભૂલીને ઓગળતા એકમેકમાં, એકબીજામાં ભૂલા પડ્યા.
મને યાદ છે.. તને યાદ છે?

પછી સપનાની કુંપળને સમજણ ફૂટી,
પછી જીવવાની જંખનાઓ સાથે લૂટી,
પછી સુખ દુખનાં સરવાળા સાથે જીત્યા,
પછી તારીખનાં પાનામાં વર્ષો વિત્યા,
જીવનની જૂદી શરૂઆતે, મસ્તીનાં મતવાલા નાતે,
સાવ અંગત બની ઝૂમતા-ચૂમતાં, સાવ અંગત બની ઝળહળ્યા.
મને યાદ છે.. તને યાદ છે?

હવે વાતાવરણ છોને વરસાદી છે,
હવે આંખો પણ એવી ક્યાં ઉન્માદી છે?
હવે ડૂમાનો તરજુમો, ડુસ્કાનું ઘર,
હવે તારા વગર મારું સૂનું નગર,
નાહક નજીવી કોઈ વાતે, અજાણ્યા કોઈ આઘાતે,
અધવચાળે મૂકી સાથ-સંગાથને એકબીજાથી છૂટા પડ્યા.
મને યાદ છે.. તને યાદ છે?

– અંકિત ત્રિવેદી

તને સમજાવું બોલ હવે કેમ! – જિગર જોષી ‘પ્રેમ’

તને સમજાવું બોલ હવે કેમ ?
હૈયાની નમણી શી ભીંત ઉપર આજ અઢી અક્ષરની ટાંગી છે ફ્રેમ
તને સમજાવું બોલ હવે કેમ

હોંઠોના ઓરડાને તાળાઓ દૈ અમે કૂંચીઓ ફેંકી તળાવમાં
મનગમતા મૌનની ભાષાઓ શિખવાને આવ્યા છઇ આંખોની વાવમાં

હાથોમાં લજ્જાની મહેંદી મૂકી ‘તી એના રંગોથી છલક્યો છે ડેમ
તને સમજાવું બોલ હવે કેમ

તાજા કોઇ સ્પર્શોના ફૂલોની વેણી એમ ગૂંથી છે શરમાઈ કેશમાં
વેણીના ફૂલો પર બાઝેલી ઝાકળ જેમ પ્રસરી જાય જિવતરના દેશમાં
ટમટમતું રહેવું છે કાળી આ રાતોમાં શ્રધ્ધાના ફાનસની જેમ
તને સમજાવું બોલ હવે કેમ

ઝરમર વરસે સાવન – વિહાર મજમુદાર

શબ્દ અને સંગીત : વિહાર મજમુદાર
સ્વર : ગાર્ગી વોરા

.

એકલદોકલ આવન જાવન, ઝરમર વરસે સાવન
ઉપવન ન્હાતું, ઝરણું ગાતું, તોય કોરું આ મન

પાંપણ ને નેવેથી ટપકે સ્મરણો કેવાં કેવાં !
ઉજાગરા સૌ ટોળે મળીયા, વિરહ હજી શું સહેવા
મુરઝાઈ ઈચ્છાની વચ્ચે, ઝૂરતી આ ઉર માલણ……. એકલદોકલ…

ગગન ઝરૂખે ઘન ગાજે આ કાજળ શા અંધારે
મધુમાલતી મ્હેકી રહી, પણ તમે આવશો ક્યારે?
ભણકારા, ભણકારાનું બસ, આ તે કેવું ભારણ….. એકલદોકલ…..

પ્રીત્યું તો શ્રાવણની સાંજ – વજુભાઈ ટાંક

આજે કવિશ્રી વજુભાઈ ટાંકનાં જન્મદિવસે એમને ઝરમરતી શ્રાવણની મેઘાંજલિ…!

સંગીત : ક્ષેમુ દિવેટીયા
સ્વર : હંસા દવે

.

પ્રીત્યું તો શ્રાવણની સાંજ, મોરી સૈયર, પ્રીત્યું નંઈ વૈશાખી રાત.
પ્રીત્યું તો રામકલી રાગ, મોરી સૈયર, પ્રીત્યું નંઈ વે’વારી વાત.

નયણાં તો ઘૂઘવતું ગીત, મોરી સૈયર, નયણાં નંઈ મરજાદી વેણ.
નયણાં તો સાગરનો છાક, મોરી સૈયર, નયણાં નંઈ વીરડીનું વહેણ.

સમણાં તો સોનેરી આભ, મોરી સૈયર, સમણાં નંઈ રુદિયાની રાખ.
સમણાં તો જીવતરનો ફાગ, મોરી સૈયર, સમણાં નંઈ નીતરતી આંખ.

જોબન તો સુખડનાં શીત, મોરી સૈયર, જોબન નંઈ બાવળની શૂળ.
જોબન તો ડોલરની ગંધ, મોરી સૈયર, જોબન નંઈ આવળનું ફૂલ.

પરણ્યો તો પાંથીનો રંગ, મોરી સૈયર, પરણ્યો નંઈ આછકલી યાદ.
પરણ્યો તો કંકણનો સૂર, મોરી સૈયર, પરણ્યો નંઈ સોરાતો સાદ.

– વજુભાઈ ટાંક (૧૮/૦૮/૧૯૧૫ : ૩૦/૧૨/૧૯૮૦)