Category Archives: ગીત

ભીનો ભીનો કાગળ લઇ – ભગવતીકુમાર શર્મા

સ્મરણ લીલું -શ્રી રાસબિહારી દેસાઈ(સ્વરકાર શ્રી રાસબિહારી દેસાઇના સ્મરણ સાથે શ્રી અમર ભટ્ટની પ્રસ્તુતિ)

એક અને માત્ર એક રાસભાઈ
અમુક વ્યક્તિઓ લગભગ રોજ યાદ આવે. એમાંની એક તે રાસભાઈ. 23 જૂન એમની જન્મતારીખ. કાવ્યસંગીત ગુરુ તરીકે ને ગુજરાતી કાવ્યસંગીતના પાયામાં રહેલ ગાયક તરીકે તો એ યાદ આવે જ પણ આજે એમને સ્વરકાર તરીકે યાદ કરું છું. મારી પાસે એમણે કવિ ભગવતીકુમાર શર્માનું આ ગીત ગવડાવ્યું.-

‘ભીનો ભીનો કાગળ લઇ વરસાદ ચીતરવા બેઠા
પીંછી બદલે પાંપણ લઇ વરસાદ ચીતરવા બેઠા

આકુળ વ્યાકુળ ધરતીના આ લૂ ઝરતા નિઃશ્વાસ
ચાતકની કરપીણ તરસનો તગતગતો ઇતિહાસ
ભૂરું ભૂરું અંધારું કોકરવરણો અંજવાસ
રામગિરિના યક્ષનો ચીતર્યો વસમો વિયોગવાસ

લીલીસૂકી અટકળ લઇ વરસાદ ચીતરવા બેઠા
આંસુઓના પુદ્દગળ લઇ વરસાદ ચીતરવા બેઠા

ટહુકાની વચ્ચે ચીતરી મઘમઘ માટીની મ્હેંક
મંદાક્રાન્તા વડે આળખી શબ્દ-છંદની ઠેક
સમીર ચીતર્યા, પર્ણ પર્ણની ચીતરી મર્મર ગહેંક
વણખીલેલા મેઘધનુષની ચીતરી કલ્પિત રેખ

પળ બે પળની ઝળહળ લઇ વરસાદ ચીતરવા બેઠા
જીવવું મરવું કોમળ લઇ વરસાદ ચીતરવા બેઠા’

કવિ: ભગવતીકુમાર શર્મા
સ્વરકાર: રાસબિહારી દેસાઈ
ગાન: અમર ભટ્ટ

વરસાદની વાત છે એટલે મલ્હારનો આધાર તો હોય પણ ગીતમાં રહેલો વિષાદનો ભાવ- પૅથોસ- એમણે મલ્હારના સ્વરો,ખાસ કરીને બંને નિષાદ – કોમળ અને શુદ્ધ -,અદ્દભુત રીતે પ્રયોજીને વ્યક્ત કર્યો છે. એ એમની સ્વરકાર તરીકેની આગવી સૂઝ પણ દર્શાવે છે. 12 સપ્ટેમ્બર 2012ના દિવસે આ ગીત સ્ટુડિયોમાં મેં ગાયું. એ પહેલા જ ટૅકમાં ઑકે થયું એનો રાસભાઈને થયેલો આનંદ અને એમનો એ ‘વૉર્મ હગ’-હજી ભુલાતા નથી.
અદમ ટંકારવીનો શેર છે:
‘સ્મરણ લીલું કપૂરી પાન જેવું
હવામાં ચોતરફ લોબાન જેવું ‘
રાસભાઈનું સ્મરણ લોબાનની જેમ મઘમઘે છે.
રાસભાઈને સૂરવંદન.
-અમર ભટ્ટ

ગ્લૉબલ કવિતા : ૧૨૭ : ચુંબન – સારા ટિસડેલ

The Kiss

I hoped that he would love me,
And he has kissed my mouth,
But I am like a stricken bird
That cannot reach the south.

For though I know he loves me,
To-night my heart is sad;
His kiss was not so wonderful
As all the dreams I had.

– Sara Teasdale

ચુંબન

આશ હતી એ મને ચાહશે,
ને એણે ચૂમ્યું મુજ મુખ,
પણ હું જાણે ઘાયલ પંખી
દખ્ખન ન પહોંચું એ દુઃખ

જાણું છું એ મને ચાહે છે,
આજ રાત દિલ તો પણ ખિન્ન;
ચુંબન એવું નહોતું અદભુત,
જોયેલ સૌ સ્વપ્નોથી ભિન્ન.

– સારા ટિસડેલ
(અનુ.: વિવેક મનહર ટેલર)

पहला नशा… पहला खुमार…

પ્રથમની ઉત્તજનાથી વધુ બીજું કંઈ હોતું નથી. પ્રથમ શાળા, પ્રથમ સાઇકલ, પ્રથમ કાર, પ્રથમ પ્રેમ, પ્રથમ ચુંબન, પ્રથમ ઘર, પ્રથમ બાળક – પ્રથમની તો વાત જ અલગ. પહેલું એ કાયમ પહેલું જ રહેવાનું. અજોડ અને અનન્ય. સર્વોત્તમ. ને વળી ‘પહેલું’ કદી ફરીને આવતું નથી, માટે જ એની સરખામણી શક્ય જ નથી. કેટલાક લોકો પોતાના જીવનના આવા ‘પહેલા’ઓની યાદી બનાવતા હોય છે, તો કેટલાક એને યાદમાં સંગોપીને વિન્ટેજ વાઇનની જેમ આજીવન ચુસકી ભરતા રહે છે. કોલેજનો પહેલો દિવસ હોય કે લગ્નની પહેલી રાત- લોકો તડામાર તૈયારી કરવાનું ચૂકતા નથી. પહેલી પળનો રોમાંચ તસુભર માણવાનું ચૂકી ન જવાય એ માટે માણસ પોતાની જાતને દિવસો સુધી તૈયાર કરે છે. પણ ધમધોકાર તૈયારી બાદ મળેલું ‘પહેલું’ તમારી અપેક્ષા પર ખરું ન ઊતરે તો? તો શું થાય? સારા ટિસડેલની આ કવિતા આવી ‘પહેલા’ની નિષ્ફળતાની જ વાત કરે છે.

સારા ટ્રેવર ટીસડેલ. ૦૮-૦૮-૧૮૮૪ના રોજ સેંટ લૂઈ, મિસોરી, અમેરિકા ખાતે મેરી વિલાર્ડ અને જોન ટિસડેલના પૈસાપાત્ર ઘરે ચોથા અને છેલ્લા સંતાન તરીકે જન્મ. નબળા સ્વાસ્થ્યના કારણે ૯ વર્ષની વય સુધી ઘરે જ ભણ્યાં. સ્વાસ્થ્ય તો જોકે આજીવન નબળું જ રહ્યું અને એક નર્સ મોટાભાગનો સમય એમની સાથે જ રહેતી. સૌથી નાનાં અને તબિયતે કમજોર હોવાના કારણે રાજકુમારીની જેમ લાડમાં ઉછર્યાં. બોલતાં શીખ્યાં ત્યારે પહેલો શબ્દ એ ‘pretty’ (સુંદર) બોલ્યાં હતાં. ૧૯૦૩માં સ્નાતક થયાં. ૧૫ વર્ષની વયે પહેલી કવિતા લખી. ૧૯૦૭માં ૨૩ વર્ષની વયે એમની પ્રથમ કવિતા અને પ્રથમ કાવ્યસંગ્રહ –બંને પ્રગટ થયાં. પોતાની કવિતાઓ વધુને વધુ લોકો સુધી પહોંચે એ માટે તેઓ ખૂબ સતર્ક હતાં. એ જમાનામાં સોશ્યલ મિડીયાઝ તો નહોતા, એટલે સ્ત્રી તરીકેની ગરિમાને ઠેસ ન પહોંચે એ રીતે, પણ ખંતપૂર્વક તેઓ પોતાનો સંગ્રહ ટપાલ વડે યોગ્ય જગ્યાઓએ પહોંચે એની કાળજી લેતાં. જો કે પુલિત્ઝર વિજેતા ‘લવ સૉન્ગ્સ’ પુસ્તક એટલું લોકપ્રિય થયું કે એની એકાધિક આવૃત્તિઓ ટૂંકા ગાળામાં છાપવી પડી હતી. ત્રણેક વર્ષ ઘણા બધા પુરુષો સાથે પ્રેમસંબંધ રાખ્યા બાદ ૧૯૧૪માં અર્ન્સ્ટ ફિલસિંગરને પરણીને ન્યૂયૉર્ક સ્થાયી થયાં. બહુખ્યાત પુલિત્ઝર પ્રાઇઝની શરૂઆત ૧૯૨૨માં થઈ પણ એ પહેલાં ૧૯૧૮માં આ ઈનામ પહેલવહેલીવાર ‘સ્પેશ્યલ પ્રાઇઝ’ તરીકે સારાને આપવામાં આવ્યું હતું. વ્યવસાયાર્થે સતત પરિભ્રમણ કરતા પતિને ૧૯૨૯માં છૂટાછેડા લઈ એમણે ચકિત કરી દીધો. જૂના પ્રેમીઓમાંથી એક, હવે પરિણીત કવિ વચેલ લિન્ડસે સાથે ફરી સ્નેહસંબંધે જોડાયાં. એમનો છેલ્લો સંગ્રહ પ્રગટ થયો એ જ વર્ષની શરૂઆતમાં ન્યુમૉનિયાથી લાંબો સમય રિબાયા બાદ વધુ પડતી ઊંઘની ગોળીઓ લઈને માત્ર ૪૮ વર્ષની વયે ૨૯-૦૧-૧૯૩૩ના રોજ ન્યૂયોર્ક ખાતે એમણે આત્મહત્યા કરી. આત્મહત્યાના અઢાર વર્ષ પૂર્વે પ્રગટ થયેલા એમના કાવ્યસંગ્રહમાંની ‘આઇ શેલ નોટ કેર’ કવિતાને ઘણા લોકો એમની ‘સુસાઇડ નોટ’ ગણવાની ભૂલ કરે છે.

સારાની કવિતાઓ પ્રમુખ અંગ્રેજી કાવ્યધારાઓમાંની ‘ક્લાસિકલ’ ધારાને વરેલી છે. મુખ્યત્વે તેઓ તેમના ગીતો માટે વધુ જાણીતાં છે. ન્યૂયૉર્ક ટાઇમ્સે તો લખ્યું હતું: ‘મિસ ટિસડેલ પહેલાં, અંતે, અને હંમેશા એક ગાયિકા છે.’ પરવીન શાકિરની જેમ સારાના ગીતો એક સ્ત્રીના અંતરના ભીતરતમ પડળમાંથી ઊઠતો નિજી અવાજ છે, જે જેટલો સરળ લાગે છે એટલું જ ઊંડાણ ધરાવતો હોવાથી જનસમાજને વ્યાપક રીતે સ્પર્શી શક્યો છે. એમના જીવનકાળમાં તેઓ વાચક અને વિવેચક -બંનેના પ્રિય હતાં. માનવસંબંધના ઝીણેરાં સંવેદનો એમણે કુમાશથી કાંત્યાં છે. એમની કવિતાઓમાં લંબાઈ કરતાં ઊંડાઈ વધુ મહત્ત્વનો ભાગ ભજવે છે, જાણે ગાગરમાં સાગર ન હોય!

પ્રસ્તુત રચના ‘ચુંબન’ પણ આ વાતની પ્રતીતિ છે. માત્ર આઠ જ પંક્તિનું આ સાવ ટબુકડું પણ કેવું બળુકડું ગીત છે! અહીં માત્ર ચાર-ચાર પંક્તિઓના બે જ બંધ છે અને પંક્તિઓ પણ સાવ નાનકડી. અંગ્રેજીમાં પ્રચલિત આયમ્બિક પેન્ટામીટર (દસ શબ્દાંશ) વાપરવાના બદલે સારા એકી પંક્તિઓમાં ટેટ્રામીટર (આઠ શબ્દાંશ) અને બેકી પંક્તિઓમાં તો સાત જ શબ્દાંશ (સિલેબલ્સ) પ્રયોજે છે. કવયિત્રી ચુસ્ત પ્રાસ મેળવે છે, પણ માત્ર બેકી પંક્તિઓમાં જ. ગુજરાતી અનુવાદ પણ મૂળ અંગ્રેજી રચનાને અનુસરીને બેકી પંક્તિઓમાં ચુસ્ત પ્રાસ મેળવવાની સાથે એકી પંક્તિઓમાં આઠ ગુરુ અને બેકી પંક્તિઓમાં સાત ગુરુ માત્રાવિન્યાસ કરીને તાલમાં તાલ મિલાવવાની કોશિશ કરે છે. ટૂંકી પંક્તિઓ, ઓછી પંક્તિસંખ્યા, સરળ અને સહજ શબ્દો, ચુસ્ત પ્રાસ અને પ્રવાહી લયના કારણે રચના નખશિખ આસ્વાદ્ય બની છે.

પ્રથમ ચુંબનની અનુભૂતિનું આ ગીત છે. ચુંબન આમેય કવિઓનો પ્રિય વિષય રહ્યો છે. આ જ શીર્ષકધારી અન્ય એક ગીતમાં સારા કહે છે, ‘તેં મને ચૂમી એ પહેલાં માત્ર સ્વર્ગમાંથી વાતા પવનો અને વરસાદની ઋજુતાએ જ મને ચૂમી હતી, પણ હવે તું આવી ગયો છે તો એમના જેવા ચુંબનોની દરકાર હું કઈ રીતે રાખી શકું? દરિયો દક્ષિણના ગીતો ગાતા પવનો મને ચૂમવા મોકલે છે, પણ હું મારું મોઢું દૂર ફેરવી લઉં છું જેથી મારા હોઠ પરના તારા ચુંબનોની પવિત્રતા યથાવત જાળવી શકું અને એપ્રિલની પ્રકાશિત ઋતુના મીઠા વરસાદો પણ મારા હોઠ શોધી નથી શકતા, જેના પર ચુંબનો હજી જીવંત છે; હું મારું માથું નમાવી લઉં છું, જેથી જે રીતે વરસાદ તારાઓ બુઝાવી દે છે, મારી શોભા ઓલવી ન દે. હવે હું મારા પ્રેમીની છું અને એ મારો છે હરહંમેશ માટે, મહોર મારીને કાયમ માટે સીલ કરી દઈને. તમને શું લાગે છે, જ્યાં પહેલાં રાજા ઊભો હતો, ત્યાં હું ભિખારીને પ્રવેશવા દઈશ?’ ચુંબનનું આ ગીત ખાસ એટલા માટે આખું અહીં ઉતાર્યું છે કે અહીં પ્રથમ ચુંબનની મહત્તા સારાએ સ્થાપી છે અને જે રીતે અમિતાભ બચ્ચન સાથે હાથ મેળવ્યા બાદ એ સ્પર્શ ઊડી ન જાય એ માટે ઘણા લોકો ત્રણ-ચાર દિવસ સુધી હાથ ધોતા નથી હોતા એ જ રીતે સારા પ્રિયતમના ચુંબનને સાચવે છે. પણ જે કવિતાની આપણે અહીં વાત કરવા ધારી છે એમાં પ્રથમ ચુંબનની વાત આનાથી બિલકુલ વેગળી છે. અલગ-અલગ મનોસ્થિતિમાં એક જ કવિ એક જ અનુભૂતિને કેવી અલગ-અલગ રીતે તાગે છે એ પણ કેવું રસપ્રદ છે, નહીં?!

આ નાયિકાની એકોક્તિ-સ્વગતોક્તિ છે. નાયિકાને આશા હતી કે નાયક એને પ્રેમ કરશે. અને એણે એને મુખ પર ચૂમી લીધી. આ પાશ્ચાત્ય સંસ્કૃતિનો પ્રેમ છે. પ્રેમના એકરાર અને ચુંબન વચ્ચે શૂન્ય સમયગાળો હોય એ સહેજે સમજી શકાય છે. નાયિકાને આશા હતી કે બંને વચ્ચેનો સંબંધ જે રીતે આકાર લઈ રહ્યો છે એ મુજબ ગમે ત્યારે નાયક પ્રેમનો એકરાર અને ચુંબન કરશે જ. બે પંક્તિની વચ્ચે ‘પણ’ના સ્થાને ‘(અ)ને’ પ્રયોજાયું છે એ સૂચક છે એ વાતનું કે ચુંબન પ્રેમના એકરારની સાથે જ વણાયેલી અભિવ્યક્તિ છે. બલ્કે, ચુંબન જ કદાચ પ્રેમના આવિર્ભાવને સંપૂર્ણ કરે છે. ચુંબન વિશેનું સારાનું અન્ય ગીત ‘નજર’ અહીં માણવું ગમે એવું છે:

ધવલ મને ચૂમ્યો વસંતમાં,
પાનખરમાં કલ્પન,
પણ નીરવે માત્ર જોયે જ રાખ્યું
ચૂમ્યો નહીં કદી પણ.

ખોવાઈ મસ્તીમાં ચૂમી ધવલની,
કલ્પનની રમતમાં,
પણ મને રાત-દિ પીડે ચૂમી જે
હતી નીરવની નજરમાં.

પ્રત્યક્ષ ચુંબન કરતાં પરોક્ષ ચુંબન ક્યારેક વધુ બળવત્તર અને વધુ દીર્ઘજીવી હોય છે એ વાત આ કવિતા કેવી સ-રસ રીતે કરે છે! આપણે જે રચનાની વાત માંડી છે એમાં પણ પ્રેમના આવિર્ભાવ સાથે જ પ્રત્યક્ષ ચુંબન પણ નાયિકાને ભેટ મળ્યું છે. પણ અહીં પણ પ્રત્યક્ષ મળેલા ચુંબનમાં હોવી જોઈએ એવી મજા નાયિકા અનુભવતી નથી. આ ચુંબન નાયિકાની અપેક્ષાની કસોટી પર કદાચ પૂરું અને ખરું ઊતર્યું નથી એટલે જ એને પોતે ઘાયલ પંખી હોવાનો અહેસાસ થાય છે. પ્રેમથી મોટું બીજું કોઈ ઘા-બાજરિયું શોધાયું નથી અને ચુંબનથી વધુ અસરદાર કોઈ મલમ નથી. ચુંબનથી વધુ નજીકનો કોઈ દિલાસો હોઈ જ ન શકે પણ અહીં તો ઊલટું, નાયિકા ચુંબન મળ્યા બાદ ઘાયલ થયાનું દુઃખ અનુભવે છે. ઘાયલ થવાના કારણે દક્ષિણમાં પહોંચવા અસમર્થ બનેલા પક્ષીની વેદના એને થાય છે. જે રીતે પહેલી બે પંક્તિઓને કવયિત્રી ‘(અ)ને’થી સાંધે છે, એ જે રીતે પછીની બે પંક્તિઓ વચ્ચે એ ‘પણ’ લઈ આવે છે. કવિતામાં આ ‘પણ’નો પ્રવેશ વિરોધ અને વળાંકનો સૂચક છે. એક જ સાચા શબ્દનો પ્રયોગ કવિતાને કઈ રીતે ધારી દિશામાં લઈ જઈ શકે એ આના પરથી સમજી શકાય છે.

દક્ષિણનો સંદર્ભ આપણે ત્યાં મૃત્યુ સાથે સંકળાયેલો છે. દક્ષિણને યમરાજની દિશા માનવામાં આવે છે. મરણાસન્ન વ્યક્તિનું માથું ઉત્તર તરફ રાખવામાં આવે છે, જેથી એના પ્રાણ દશમ દ્વારમાં થઈને નીકળે. ચુંબકીય વિદ્યુત પ્રવાહની દિશા દક્ષિણથી ઉત્તર તરફની હોવાથી ધ્રુવાકર્ષણના લીધે આત્મા આસાનીથી શરીરની જેલમાંથી મુક્ત થઈ શકે એમ મનાય છે. પણ મૃત્યુ બાદ શબનું માથું દક્ષિણ તરફ કરવામાં આવે છે જે મૃતકને યમરાજને સમર્પિત કરી દેવાયાનું સૂચક છે. ગ્રીક પુરાણકથાઓમાં નોટસ નામે દક્ષિણાનિલના દેવતાનો ઉલ્લેખ છે. ઇજિપ્તની પુરાણકથાઓમાં પણ સિંહના માથું અને માનવીનું શરીર ધરાવતા દક્ષિણી પવનોના દેવતા શેહબુઇની વાતો જોવા મળે છે. પાશ્ચાત્ય દેશોમાં દક્ષિણથી આવતો પવન ખુશનુમા હોવાનું મનાય છે, જે ફૂલોને ખીલવામાં અને પક્ષીઓને ચહેકવા પ્રેરે છે. બાઇબલમાં પણ ઠેકઠેકાણે કહેવાયું છે કે દક્ષિણાનિલ મનુષ્યજીવનમાં શાંતિ આણે છે, જીવનને તરોતાજા બનાવે છે અને આ જ સમય છે જ્યારે ઈશ્વર આધ્યાત્મિક સત્યો છતા કરે છે. માટે જ બાઇબલ ચહેરો દક્ષિણ તરફ કરવા (સેમ્યુઅલ ૩૩:૨૪) અને દક્ષિણ તરફ જોઈ બોલવા (જોશુઆ ૧૫:૦૪) પણ કહે છે. જિનેસીસમાં અબ્રાહમને દક્ષિણ તરફ મુસાફરી કરતો બતાવાયા છે.

દક્ષિણના આ મહત્ત્વથી સારા વંચિત છે. એમની કવિતાઓમાં ‘દક્ષિણ’ અવારનવાર ડોકિયું કરે છે. વિશ્વમાં દક્ષિણના પ્રદેશો બહુધા હૂંફાળા છે. શિયાળો જોર પકડે ત્યારે યાયાવર પક્ષીઓ ઉત્તરીય શીતપ્રદેશો છોડીને દક્ષિણાયન કરે છે. આમ, પક્ષીઓનું દક્ષિણ દિશા તરફનું પ્રયાણ હૂંફ-ઉષ્મા પ્રાપ્તિ માટેનું પ્રયાણ છે. પણ નાયિકાને પ્રિયતમે કરેલા ચુંબનમાં એ હૂંફ અનુભવાતી નથી, જે દક્ષિણ તરફ જતું પક્ષી અનુભવતું હશે અથવા જે હૂંફ મેળવવા પક્ષી દક્ષિણ તરફ ઊડતું હશે. એટલે જ્યારે નાયિકા કહે છે, કે આ ચુંબન બાદ પોતાને દક્ષિણ તરફ ઊડવાને અશક્ત ઘાયલ પક્ષી હોવાનું અનુભવાય છે ત્યારે ચુંબન વડે મળવી જોઈતી હૂંફની ગેરહાજરી આપણને સમજાય છે. ગંતવ્યસ્થાને ન પહોંચી શકવાનું દુઃખ કોને ન થાય? પક્ષીનો ઉલ્લેખ અમૂર્ત ચુંબનના આનંદનું મૂર્ત સ્વરૂપ પણ છે. ચુંબન કરતી વખતે આપણા પગ ધરતીથી અધ્ધર થઈ જાય છે. રોમાંચના માર્યા આપણને સાતમા આસમાને ઊડતા હોઈએ એવી લાગણી થાય છે. પણ પ્રથમ ચુંબનમાં આ ઊડ્ડયનનો અભાવ અનુભવાતા કવયિત્રીને પોતે પાંખ કપાયેલું ને ધાર્યું ન ઊડી શકનાર પંખી હોવાની દુઃખદ ખાતરી થાય છે.

જાણ છે કે પ્રિયજન પોતાને સાચે જ ચાહે છે, પણ આ હકીકત નાયિકાના હૃદયને ખુશીનું માર્યું તર કરી દેવાના બદલે આજે રાત્રે ખિન્ન કરી દે છે. અહો વૈચિત્ર્યમ્! કેવી વિડંબના! પ્રિયપાત્ર પાસેથી ‘લૉન્ગ અવેઇટેડ’ ચુંબન મળે ત્યારે પ્રેયસીને પોતે ‘ટૉપ ઑફ ધ વર્લ્ડ’ હોવાનું અનુભવાવું જોઈએ. પ્રેમમાં આ એવી ક્ષણ છે, જેની આગળ મનુષ્યને સ્વર્ગસુખ પણ મિથ્યા લાગતું હોય છે. આ ક્ષણની પ્રાપ્તિ માટે લોકો આખું જીવન દાવ પર લગાવી દેતા હોય છે. પણ એથી વિપરિત, અહીં તો નાયિકા વ્યથિત થઈ ગઈ છે. સુખના સ્થાને એ દુઃખ અનુભવે છે. જીવનભરના ઘા રુઝાઈ જવાના બદલે એને પોતાની પાંખો કપાઈ ગઈ હોવાનું અનુભવાય છે. આખી મુગ્ધાવસ્થા પ્રથમ ચુંબનની પ્રતીક્ષામાં વીતી જતી હોય છે. પહેલી ચૂમીની ફરતે તો રોમાંચના મહેલોના મહેલ ચણાતા હોય છે. પહેલું ચુંબન કરીશું ત્યારે ચારેતરફ શહનાઈ-વાયોલિન વાગશે, આકાશમાંથી ફૂલવર્ષા થશે અને ‘હોવું’ એક ઉત્સવ બની રહેશે એવાં સ્વપ્નો કોણ નથી સેવતું? દરેકને આ ‘પહેલાં’ની બેસબ્ર ઇંતેજારી હોય છે. ચારેય હોઠ મંદ-મંદ કંપ અનુભવે છે. પૂર્વાનુમાનની ઉત્તેજનામાં આંખો બિડાઈ જાય છે, ને શરીર કમાન વળી જાય છે… હોઠ પર હોઠ પહેલવારકા સ્પર્શે એ સંવેદનાની પરાકાષ્ઠાનું ગુરુશિખર છે.

પણ ‘પહેલું’ શું સાચે જ આવું ને આટલું રોમાંચપ્રદ હોય છે? શું પ્રથમ ચુંબન તમારી વર્ષોની પ્રત્યાશાને સાચે જ સંતોષે છે? પૂર્ણપણે? આંશિક? કે ધૂળભેગી કરી દે છે? કવિઓએ, નવલકથાકારોએ અને પ્રેમીઓએ સેંકડો સદીઓથી ઊભા કરેલા પ્રથમ ચુંબનના ઉન્માદના મહાગ્રંથોને સારા ટૂંકાટચરક ગીતની છેલ્લી બે જ કડીમાં જમીનદોસ્ત કરી દે છે. એ કહે છે, કે આ ચુંબન આજ સુધી જોયેલાં સૌ સ્વપ્નોથી બિલકુલ ભિન્ન હતું. વર્ષોથી હજારો સપનાંઓમાં જે લાખો મન્સૂબા ઘડ્યે રાખ્યા હતા, આ ચુંબન એવું અદભુત હતું જ નહીં. કલ્પનાની દુનિયા જેટલી રળિયામણી ભાસતી હતી, વાસ્તવની ધરતી એનાથી સાવ ઊલટી જ અનુભવાઈ. સપનાંઓમાં સાતમા આસમાને ઊડવાનું સુખ આંખ ખુલતાવેંત ધરતી પર પછડાવાના દુઃખમાં પલટાઈ ગયું. ‘પ્રથમ’ની ઉત્તેજના બહુધા આપણે જ ઊભા કરેલા ભ્રમનો ભાગ હોય છે. એને ચકનાચૂર થતાં વાર લાગતી નથી. ‘પ્રથમ’માં એવું કંઈ મહાન જાદુ ભર્યું હોતું નથી.

ખેર, માત્ર ચુંબનની જ નહીં, જીવનની પણ આ જ હકીકત છે. કલ્પના અને વાસ્તવનું મિલન ભાગ્યે જ સુખદાયી હોય છે. આશાનો પ્રકાશ સદૈવ નિરાશાનો પડછાયો લઈને જ આવે છે. વસ્તુ જ્યાં સુધી મળતી નથી, ત્યાં સુધી જ મીઠી લાગે છે. પાણી ન મળે ત્યાં સુધી જ તરસની સાચી કિંમતની જાણ રહે છે. મન્સૂબાના સૂબા વાસ્તવની ધરતી પર ભાગ્યે જ રાજ કરી શકે છે. ટૂંકમાં કહીએ તો સારાનું આ ગીત અધૂરપની મધુરપનું પ્રશસ્તિગાન છે. પૂર્વાનુભૂતિનો હાથ અનુભૂતિથી હંમેશા ઉપર જ રહેવાનો…

પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે,
કિંમત છે એટલે કે તું ઇચ્છા અધૂરી છે…

ગ્લૉબલ કવિતા : ૧૨૪ : અમે અંધારું શણગાર્યું – પ્રહલાદ પારેખ

આજ અમે અંધારું શણગાર્યું,
હે જી અમે શ્યામલને સોહાવ્યું.

ગગને રૂપાળું કર્યું તારા મઢીને એને, ધરતીએ મેલીને દીવા;
ફૂલોએ ફોરમને આલી આલીને એનું અંગે અંગ મહેકાવ્યું !
હો આજ અમે અંધારું શણગાર્યું o

પાણીએ, પાય એને, બાંધેલા ઘૂઘરા ખળખળ ખળખળ બોલે :
ધરણીના હૈયાના હરખે જાણે આજ અંધારાનેયે નચાવ્યું !
હો આજ અમે અંધારું શણગાર્યું o

વીતી છે વર્ષા ને ધરતી છે તૃપ્ત આજ, આસમાન ખીલી ઊઠ્યું;
ઊડે છે આનંદરંગ ચોમેર અમારો, એમાં અંધારું આજે રંગાયું !
હો આજ અમે અંધારું શણગાર્યું o

થાય છે રોજ રોજ પૂજા સૂરજની ને ચાંદાનાંયે વ્રત થાતાં:
આનંદઘેલાં હૈયે અમારાં આજ અંધારાનેયે અપનાવ્યું !
હો આજ અમે અંધારું શણગાર્યું o

– પ્રહલાદ પારેખ

ચાલો, આજે અંધારું અજવાળીએ…

અંધારું. કાળુંડિબાંગ અંધારું. આદિકાળથી એ માનવજાતને પજવતું આવ્યું છે. દિવસના અજવાળામાં જે તમામ વસ્તુઓને આપણી આંખ અલગ-અલગ તારવી શકે છે, એ તમામને અંધારાની પીંછી એક જ રંગે રંગી દઈને સૃષ્ટિના તમામ ઊંચનીચ-ભેદભાવને એકરસ કરી દે છે. પંચેન્દ્રિયમાંથી આપણે દૃશ્યેન્દ્રિયનો મહત્તમ ઉપયોગ કરતાં હોઈએ છીએ પણ અંધારું એને જ સ્વીચ-ઑફ કરી દે છે. પરિણામે અંધારામાં અન્ય ઇન્દ્રિયો આપોઆપ સતેજ બની જાય છે. દિવસભરના અજવાળામાં પોતાની જાતને જોઈ ન શકતા મનુષ્યોને અંધારામાં પોતાની જાતને જોઈ શકે છે કેમકે ખુદને જોઈ શકવામાં બાધારૂપ દુનિયાના તમામ વ્યવધાનો અંધારાની કાળાશમાં લુપ્ત થઈ જાય છે. કવિઓએ કદાચ એટલે જ અજવાળાં કરતાં અંધારાંને વધુ લાડ લડાવ્યાં છે. કવિશ્રી પ્રહલાદ પારેખની અંધારાંને અજવાળતી એક અદભુત રચના આજે આપણે માણવાની છે.

પ્રહ્.લાદ પારેખ. ૨૨-૧૦-૧૯૧૧ના રોજ ભાવનગરના જેઠાલાલ દુર્લભજી પારેખ અને મેનાલક્ષ્મીના ઘરે જન્મ. ગુજરાતી સાહિત્ય પરિષદના ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ ૫’માં દક્ષા વ્યાસના લેખ મુજબ ત્રણ અલગ-અલગ સ્રોતમાં એમની ત્રણ અલગ-અલગ જન્મતારીખ મળે છે, અને લેખિકા જાણીતા સંશોધક ભૃગુરાય અંજારિયાએ લખેલ ૨૨-૧૦-૧૯૧૧ તારીખને વધુ પ્રમાણભૂત ગણાવે છે. પણ પરિષદની પોતાની વેબસાઇટ ઉપર અને અન્ય ઘણા સ્રોતમાં ૧૨-૧૦-૧૯૧૨ તારીખ જોવા મળે છે, જે ખોટી હોવાની સંભાવના વધારે છે. કેમકે ૨૨-૧૦-૧૯૬૧ના રોજ કવિના વનપ્રવેશને આવકારવા માટે એમના મિત્રોએ મુંબઈના ફૉર્ટ વિસ્તારમાં સર પી.એમ. રોડ ખાતે આવેલી ‘બ્રિસ્ટોલ ગ્રીન રેસ્ટોરાં’ ખાતે મૈત્રીભોજન ગોઠવ્યું હતું, જેમાં સમસ્ત કવિ પરિવાર હાજર હતો અને ભૃગુરાય અંજારિયા નિમંત્રકોમાંના એક હતા. કવિએ ‘વનપ્રવેશે મિત્રોને’ નામથી કાવ્ય પણ લખ્યું હતું. પોરવાડ વણિક. માધ્યમિક શિક્ષણ નાનાભાઈ ભટ્ટ અને હરભાઈ ત્રિવેદી જેવી વિભૂતિઓના હાથ તળે ભાવનગરની સુપ્રસિદ્ધ શિક્ષણસંસ્થા દક્ષિણામૂર્તિમાં. સ્વભાવે ટિખળી તે નાનાભાઈએ આખો દિવસ અલગ રૂમમાં રહેવાની સજા ફટકારી પણ કવિ તો ‘આવતી-જતી જાનને જોઈએ છીએ, અને આનંદની મોજને માણીએ રે’ એમ ગીતો ગાવા માંડ્યા હતા. ૧૯૩૦ની સ્વાતંત્ર્ય ચળવળમાં વીરમગામ સત્યાગ્રહ છાવણીમાં સક્રિય ભાગ લીધો અને વીસાપુરમાં જેલવાસો ભોગવવો પડ્યો. વિનીત થયા બાદ ગૂજરાત વિદ્યાપીઠ અને પછી કવિવર રવીન્દ્રનાથના સાંનિધ્યમાં શાંતિનિકેતન (૧૯૩૩થી ૩૭)માં આગળ અભ્યાસ કરવાનો લહાવો સાંપડ્યો. મુંબઈ અને ભાવનગરમાં શિક્ષક તરીકે સેવા બજાવી. ઋજુ, સરળ વ્યક્તિત્વ. આજીવન ખાદીધારી. કફની-લેંઘો-બંડી એમના ટ્રેડમાર્ક. ૧૯૪૨માં રંજનબેન સાથે લગ્ન. ચાર પુત્રીઓ (રક્ષા, ઉમા, હેમાંગિની, ભક્તિ) અને એક પુત્ર (અજય). ૦૨-૦૧-૧૯૬૨ના રોજ કવિનું નિધન થયું, એ જ દિવસે એમના ઘરે ગયેલ ઉપેન મહેતા અને અરવિંદ શાહને કવિએ ‘ઑલ ઇન્ડિયા રેડિયો’ પર એ જ સાંજે પ્રસારિત થનાર નવીનકોર કવિતા સાંભળવા અનુરોધ કર્યો જેમાં એમણે મુંબઈની લોકલ, ઝૂંપડપટ્ટી અને ભીડની વચ્ચે ગંદકી-કચરાંમાં અટવાતાં-રોળાતાં નિર્દોષ ભૂલકાંઓના જીવનની વિષમતા રજૂ કરી હતી. ‘જમ્યા પછી મસાલેદાર મીઠા પાનની લિજ્જત કંઈ ઓર જ છે’ કહીને એમણે પાન ખાધું અને પત્નીને જય શ્રી કૃષ્ણ કહીને કાંદિવલી સ્ટેશન જવા આ બે અતિથિઓ સાથે નીકળ્યા. રસ્તે ગભરામણ થતા ડચૂરો દૂર કરવા પાનની પિચકારી મારી પણ હૃદયરોગનો આ બીજીવારનો હુમલો પ્રાણઘાતક નીવડ્યો અને નાની વયે એક પ્રતિભાશાળી કવિ ફાની દુનિયાને રામ-રામ કરી ગયા.

કવિતા ઉપરાંત બાળકાવ્યો અને મહત્ત્વના અનુવાદ પણ એમણે આપ્યા છે. ‘હેતની હેલીના કવિ’, ‘નીતર્યાં હૈયાનો સુહૃદ’, ‘નેહના વેલાનો કવિ’ જેવા અંતરોદ્ગારોથી કવિઓ-વિવેચકોએ એમને વધાવ્યા છે. ગાંધીયુગમાં કાર્યશીલ હોવા છતાં તેમણે અનુગાંધીયુગીન કાવ્યધારાના પ્રમુખ અગ્રણી કવિ તરીકે પોતાની વિશિષ્ટ ઓળખ ઊભી કરી. સ્વાતંત્ર્ય સેનાની બન્યા હોવા છતાં એમની કવિતાઓમાં તત્કાલીન પ્રવર્તમાન શૌર્યગીતોની ઝળાંહળાંના સ્થાને પ્રકૃતિ અને માનવપ્રકૃતિ જ કેન્દ્રસ્થાને રહ્યાં હતાં. એમના સહાધ્યાયી અને એમની જેમ જ દક્ષિણામૂર્તિ, વિદ્યાપીઠ અને શાંતિનિકેતનમાં ભણેલાં કૃષ્ણલાલ શ્રીધરાણી પણ ગાંધીકાવ્યો કરતાં પ્રકૃતિકાવ્યો માટે વિશેષ જાણીતા છે. સાહિત્ય પરિષદ ‘ભાવની ઈન્દ્રિયગ્રાહ્ય રજૂઆત, લયસમૃદ્ધિ અને સૌન્દર્યાભિમુખતા’ને પ્રહલાદ પારેખની કવિતાના મુખ્ય લક્ષણ ગણાવે છે. એમના પ્રથમ સંગ્રહ ‘બારી બહાર’માં કવિતાના જેટલાં પાનાં હતાં, લગભગ એટલાં જ પાનાં લાંબી પ્રસ્તાવના ઉમાશંકર જોશીએ લખી હતી, જેને સુરેશ દલાલે ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ પ્રસ્તાવના તરીકે ઓળખાવી છે. ઉ.જો.એ કવિની કવિતાને ‘આંખ, કાન અને નાકની કવિતા’ કહીને એમની કવિતાઓની ઇન્દ્રિયગ્રાહ્યતાને યથાર્થ બિરદાવી હતી. ઉ.જો. આ કવિતાઓને ‘નીતરાં પાણીની કવિતા’ કહીને એની પારદર્શિતાને વખાણે છે. આ સફળ ગીતકવિને છંદ અને લય બંને શ્વાસ જેમ જ સહજ થયા છે. અંધકાર અને વર્ષા એમને અતિપ્રિય છે. વિનોદ જોશીના શબ્દોમાં: ‘પ્રહલાદ પારેખની કવિતા ગુજરાતી સાહિત્યનો એક મહત્વનો સ્થિત્યંતર છે.કવિ ન્હાનાલાલ પછી ગુજરાતી કવિતામા સૌંદર્યનો ઉછાળ મને પ્રહલાદ પારેખની કવિતામા દેખાયો છે.’

‘અમે અંધારું શણગાર્યું’ શીર્ષક જ ભાવકને વિચારતા કરી દેવા માટે પૂરતું છે. અંધારાને વળી કોઈ શણગારે? કે એનાથી દૂર ભાગે? અંધારું અનંત છે, અમર્યાદિત છે, અમાપ છે, ને અતાગ છે. પોતાનો સગો હાથ પણ ભાળી ન શકાય એવા અંધારામાં લાંબો સમય રહેવા માટે વજ્જરની છાતી જોઈએ. અંધારું મૃત્યુના સાક્ષાત્કાર સમું છે. માટે જ, અંધારું સદી-સદીઓથી આપણને ડારતું-ડરાવતું આવ્યું છે. આપણે સહુ પ્રકાશના પૂજારી છીએ. આપણો તો ઈશ્વર પણ અજવાસ સાથે સંકળાયેલો છે. પણ હકીકતમાં તો કાળો રંગ એકત્વનો રંગ છે. ઉપસ્થિત તમામ રંગ એકમેકમાં ભળી જાય ત્યારે કાળો રંગ બને છે. કાળો રંગ કાયમી છે. પ્રકાશ માટે સૂર્યનું ઊગવું કે દીવાનું પ્રગટવું અનિવાર્ય છે પણ અંધારું તો જન્મજાત જ છે. અજવાળું નશ્વર છે પણ અંધારું તો શાશ્વત છે. કદાચ એટલે જ ઈસુની આગળ-પાછળના ત્રણસોએક વર્ષ દરમિયાન અસ્તિત્વમાં રહેલ એસેન (Essene) સંપ્રદાય સંપૂર્ણતઃ અંધકારને જ ઈશ્વર ગણતો હતો. આપણા આંતર્ચક્ષુ અંધકારમાં જ ઊઘડે છે ને અંધકાર જ આપણને આપણી ભીતર જોવા-ઝાંકવાની સવલત કરી આપે છે. માટે જ કવિ અંધારાને શણગારવાની નવીન વાત લઈને આવ્યા છે.

બે ટૂંકી પંક્તિમાં ધ્રુવપદ બાંધ્યા બાદ કવિએ ચાર અંતરામાં ગીતને વિભાજીત કર્યું છે. અંતરામાં આંતર્પ્રાસ મેળવવાની સામાન્ય ગીતપ્રયુક્તિને નેવે મૂકીને કવિએ સીધી ધ્રુવપદ સાથે જ ટૂક બાંધી છે. લય માટે ષટકલ પસંદ કર્યો હોવાથી પંક્તિ નાના-નાના ખંડમાં વિભાજિત થઈને ગીતને દ્રુતગતિ બક્ષે છે. પ્રકૃતિના સૌંદર્યથી છલોછલ કવિતા જો કવિનો મુખ્ય કાકુ હતો તો લયમાધુર્ય એમનું બીજું ઘરેણું હતું, એ વાત પ્રસ્તુત રચનામાંથી પસાર થતાં સમજી શકાય છે.

પ્રહલાદ પારેખ વિશે વિચારીએ તો ક્ષણાર્ધમાં ‘આજ’, ‘ઘેરૈયા’, ‘આપણે ભરોસે’, ‘બનાવટી ફૂલોને’ જેવી ઘણી રચનાઓ યાદ આવે. ‘બનાવટી ફૂલોને’ તો ગુજરાતી ભાષાની પ્રથમ આધુનિક કવિતા પણ કહેવામાં આવી છે. પણ અંધારાને અજવાળતું આ ગીત સાવ અલગ જ છે. અજવાળાંને તો ગામ આખું પૂજે પણ અંધારાને તો પ્રહલાદ પારેખ જેવો કોઈ પ્રકૃતિઘેલો કવિ જ પૂજી શકે… અંધારાને શણગારવાનું કલ્પન પોતે જ કેટલું ઉજાસભીનું છે! અંધકાર નિચોવીને અજવાસ કાઢે એનું જ નામ કવિ. મેઘજી દોઢેચા ‘મેઘબિંદુ’નું મજાનું ગીત તરત જ યાદ આવે:

અમે તમારાં અરમાનોને ઉમંગથી શણગાર્યા
અમે તમારાં સપનાંઓને અંધારે અજવાળ્યાં

તો રાજેન્દ્ર શુક્લ અંધારું વેચવા નીકળે છે:

ઊંટ ભરીને આવ્યું રે, અંધારું લ્યો.
આ પોઠ ભરીને આવ્યું રે, અંધારું લ્યો.
અમે તો મુઠ્ઠી ભરી મમળાવ્યું રે, અંધારું લ્યો.
અમને ભોર થતાં લગ ભાવ્યું રે, અંધારું લ્યો.

આપણા કવિ કહે છે, આજ અમે અંધારું શણગાર્યું. ગીતનો ઉપાડ ‘આજ’થી થાય છે. મતલબ, એક યા બીજા કારણોસર આજ પૂર્વે આ કામ કરાયું નથી. જિંદગીમાં તો ભાઈ, જાગ્યા ત્યાંથી સવાર. પ્રથમ પંક્તિમાં જ ‘અ’ની વર્ણસગાઈ ધ્યાન ખેંચ્યા વિના રહેતી નથી. આ વર્ણસગાઈ કવિતામાં આગળ જતાં ‘શ્યામલ-સોહાવ્યું’, ફૂલ-ફોરમ’, ‘આલી આલીને એનું અંગે અંગ’, ‘પાણીએ પાય’, ‘હૈયાના હરખે’ –એમ પંક્તિએ પંક્તિએ આવતી જ રહે છે, પરિણામે ગીતના પ્રવાહી લયસૌંદર્યમાં નક્કર નાદસૌંદર્ય પણ સંમિલિત થાય છે. ગીતની આસ્વાદ્યતા વધે છે. ગીતનો બીજો શબ્દ ‘અમે’ છે. કવિને આ અનનુભૂત અભૂતપૂર્વ કામ કર્યાનો લહાવો પોતાના એકલાના નામે નથી લૂંટી લેવો. કવિના આ ‘અમે’માં કવિની સાથોસાથ જે પણ કોઈ લોકો હશે એ તો હશે જ પણ ગીતના ભાવકો પોતે પણ જોતરાઈ ગયા હોવાનું અનુભવ્યા વિના નથી રહેતા, એ આ ‘અમે’ની ખરી ઉપલબ્ધિ છે. અંધારું આમેય વિરાટકાય દિવ્ય અનુભૂતિ છે. એને એકલા હાથે તો કેમ શણગારી શકાય? આ કામમાં તો ‘साथी हाथ बढाना’ કહેવું જ રહ્યું. અંધારાને શણગારવાના કારણે જે શ્યામલ હતું એ સોહી ઊઠ્યું છે. ભલે, કૃષ્ણ આપણો લોકનાયક કેમ ન હોય, પણ કાળો રંગ આપણા સમાજ અને આપણી સમજમાં હંમેશા ઊતરતું સ્થાન જ પામ્યો છે. આપણી સભ્યતામાં ગોરાની બોલબાલા જ વધુ રહી છે. પણ કવિ જ્યારે સાથે મળીને અંધારાને શણગારીને શ્યામલને શોભાવ્યું હોવાની વાત કરે છે ત્યારે ‘શ્યામલ’ શબ્દમાં ‘શ્યામ’માં છૂપાયેલ ઘનશ્યામ અને ‘મલ’માં છૂપાયેલ ‘મેલ-મલિનતા’ તરત જ અછતા થાય છે. અંધારાને શોભાવવાની સાથોસાથ શ્રીકૃષ્ણને અને આપણા મનના મેલને પણ સાફ કરીને, શણગારીને, શોભાવવાની વાત આપણા ચિત્તતંત્રમાં પ્રભવે છે. અને જન્મજાત અનાયામ અંધારાને એક નવો જ આયામ પ્રાપ્ત થાય છે.

આકાશ આ અંધારાને તારાઓ વડે તો ધરતી દીવાઓ પ્રગટાવીને શણગારે છે. ફૂલો ખુશબૂ રેલાવીને અંધારાના અંગ-અંગને, કણ-કણને મહેકાવે છે. તારા અને દીવડા તો માન્યું કે રાત્રે જ હોય પણ ફૂલોની ફોરમ તો દિવસે પણ હોવાની જ ને? તો, કવિ શા માટે એને રાત સાથે સાંકળે છે? ગીતમાં ક્યાંય રાતરાણી કે પારિજાત જેવા રાત્રે ખીલતાં ફૂલોનાં નામ પણ તો લખ્યાં નથી. રાતની વાત છે અને રાત્રે આગળ લખ્યું એમ, આંખ કશા કામની રહેતી નથી અને આંખના દીવા ઓલવાય છે ત્યારે નાક-કાનના દીવા આપોઆપ પ્રજ્વળી ઊઠે છે. એટલે જ રાતના અંધારામાં એ જ ખુશબૂ વધુ તીવ્રતર અનુભવાય છે, જે દિવસે ચૂકી જવાતી હોય છે. જેમ ઘ્રાણેન્દ્રિય, એમ શ્રવણેન્દ્રિય પણ અંધારામાં વધુ સતર્ક બની જાય છે. વહી જતું પાણી જાણે અંધારાના પગે ઘૂઘરા ન બાંધતું હોય અને એ પહેરીને અંધારું નર્તન ન કરતું હોય એમ પાણીનો ખળખળ ખળખળ અવાજ રાત્રે વધુ શ્રાવ્ય બને છે. અંધારાનું આ નર્તન જોઈ કવિને એમ લાગે છે, કે જાણે આ ધરતીના હૈયાનો જ હરખ છે, જે અંધારાને પણ આજે નચાવે છે. અહીં ફરીથી કવિ ‘આજ’ શબ્દ પ્રયોજે છે. મતલબ આ અહેસાસ આ પહેલાં થયો નહોતો. રાત તો કાયમ પડતી આવી છે પણ આવો પુણ્ય અહેસાસ કદીક જ થતો હોય છે. કવિ કાન્તને પણ ભવનાથના દરિયા પરથી થતા ચંદ્રોદયને જોઈને આ જ રીતે ‘આજ મહારાજ, જલ પરથી ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે’ જેવો એ દિ’ સુધી અનનુભૂત રહેલો અહેસાસ થયો હતો ને?! ‘सुबह होती है, शाम होती है, उम्र यूँ ही तमाम होती है’ (મુંશી અમીરુલ્લાહ તસ્લીમ)ની એકવિધતા તોડીને ક્યારેક એકાદ ચમકારો આપણી ભીતર એવો થાય છે કે બધું એનું એ જ અને રોજનું જ હોવા છતાં અચાનક આપણને એમાં કંઈક નાવીન્ય લાગે છે. આ ગીત આ નવીન અનુભૂતિનું ગીત છે.

આજે આ જૂનું નવીન કેમ થયું છે એની વાત કવિ હવે માંડે છે. કવિઓને પ્રિય વર્ષા હમણાં જ વીતી છે અને ઉનાળાભરની પ્યાસી ધરતી હવે પરિતૃપ્ત થઈ છે. કાળાં વાદળોના બોજથી લચી પડેલું આકાશ પણ ખાલી થતાં ખીલી ઊઠ્યું છે. આ મદમસ્ત ઋતુની ભીનાશ અને પરિતોષની અસરના લીધે કે અન્ય કોઈક અંગત કારણે કવિના ઊરમાં આજે ચોમેર આનંદરંગના ફૂવારા ઊછળી રહ્યા છે, જેના પરિણામસ્વરૂપ કોઈ દિવસ નહીં ને આજે આ અંધારું પણ આનંદના રંગોથી રંગાયું છે. મન પ્રફુલ્લિત હોય તો દોઝખ પણ જન્નત લાગે. સૂરજ અને ચાંદાના પૂજાવ્રતો તો રોજે-રોજ લોકો કરતાં આવ્યાં છે. બંને પ્રકાશના પ્રતીક છે. પણ કવિનું હૈયું આજે આનંદઘેલું છે એટલે એ આજે કાળાડિબાંગ અંધારાને પણ અપનાવી લે છે. કાવ્યારંભે જે ‘અમે’ એકાધિક લોકોના સમૂહ માટે પ્રયોજાયો હોવાનું લાગ્યું હતું એ ‘અમે’ કવિએ પોતાની જ જાત માટે માનાર્થે પ્રયોજ્યો હોવાનું પણ સમજાય છે, પણ એનાથી ભાવકોની કવિના ‘અમે’ સાથે તાદાત્મ્ય સાધતા હોવાની અનુભૂતિમાં લવલેશ ફર્ક પડતો નથી. હોળીની મસ્તીમાં જે રીતે दुश्मन भी गले मिल जाते हैं, એ જ રીતે આનંદોર્મિના આવેશમાં આજ સુધી જેની નકરી અવગણના જ કરતાં આવ્યાં હોઈએ, એને પણ અપનાવી બેસાય છે. માત્ર અપનાવી જ નથી બેસાતું, એને પોતાના આનંદના રંગે રંગી, શણગારી અને શોભાવી પણ બેસાય છે. કવિતામાં ‘આજ’નો પ્રયોગ શા માટે વિશેષ છે એ પણ સમજાય છે.

ભીતરી ભાર-અંધાર લઈ જાય દૂર, એવા કંઈ વાયરા આજ ભૂલા પડ્યા;
યુગયુગાન્તર પછી શબ્દ કાવ્યે ઢળ્યા, આજ અંધાર ખુશબો ભર્યો લાગતો.

ભીતરનો ભાર અને અંધકાર દૂર લઈ જાય એવું કંઈ થાય છે ત્યારે અંધારું ખુશબૂદાર લાગે છે. ઉપરોક્ત શેરની રદીફ પ્રહલાદ પારેખના જ અતિપ્રસિદ્ધ ગીતમાંથી જ લેવામાં આવી છે અને એનું શીર્ષક પણ ‘આજ’ છે. આ કાવ્યમાં રાત્રિના સૌંદર્યને સ્પર્શક્ષમ પરિમાણ આપી કવિએ અદભુત ઈંદ્રિયવ્યત્યય સાધ્યો છે. રાત્રિના શાંત પ્રહરમાં કવિ ચારેકોરથી કોઈ દિવ્ય સુગંધની અનુભૂતિ કરી રહ્યા છે. કદીક એ સુગંધ શાલવૃક્ષથી ખરતી મંજરીઓની ભાસે છે તો વળી સિંધુના પેલે પારથી આવતી પવનની લહેરખી એ પારથી કોઈ સુગંધ આણતું હોય એમ પણ લાગે છે. ત્યાં સુધી કે આકાશના તારા પણ આજે સુગંધ રેલાવતા લાગે છે. આ દિવ્ય આનંદ કયો છે જે આજે આખી રાતને ખુશ્બૂદાર કરી ગયો છે એ પ્રશ્નનો જવાબ તો ગીત પાસે જ માંગીએ:

આજ અંધાર ખુશબો ભર્યો લાગતો,
આજ સૌરભ ભરી રાત સારી;
આજ આ શાલની મંજરી ઝરી ઝરી,
પમરતી પાથરી દે પથારી. આજ 0

આજ ઓ પારથી ગંધને લાવતી
દિવ્ય કો સિંધુની લહરી લહરી;
આજ આકાશથી તારલા માંહીંથી
મ્હેંકતી આવતી શી સુગંધી ! આજ 0

ક્યાં, કયું પુષ્પ એવું ખીલ્યું, જેહના
મઘમઘાટે નિશા આજ ભારી ?
ગાય ના કંઠ કો, તાર ના ઝણઝણે :
ક્યાં થકી સૂર કેરી ફૂવારી ? આજ 0

હૃદય આ વ્યગ્ર જે સૂર કાજે હતું
હરિણ શું, તે મળ્યો આજ સૂર ?
ચિત્ત જે નિત્ય આનંદને કલ્પતું,
આવિયો તે થઈ સુરભિ-પૂર ? આજ 0

ગ્લોબલ કવિતા : ૧૨૩ : મારી કબર પર થોભશો કે, રડશો નહિ – મેરી એલિઝાબેથ ફ્રે

Do Not Stand At My Grave And Weep

Do not stand at my grave and weep
I am not there. I do not sleep.
I am a thousand winds that blow.
I am the diamond glints on snow.
I am the sunlight on ripened grain.
I am the gentle autumn rain.
When you awaken in the morning’s hush
I am the swift uplifting rush
Of quiet birds in circled flight.
I am the soft stars that shine at night.
Do not stand at my grave and cry;
I am not there. I did not die.

– Mary Elizabeth Frye

મારી કબર પર થોભશો કે, રડશો નહિ

મારી કબર પર થોભશો કે, રડશો નહિ,
હું ત્યાં નથી. હા, હું હજી ઊંઘી નથી.
હું છું હજારો પવનો જે ફૂંકાય છે.
હીરાકણીઓ છું બરફ પર ચળકે જે.
હું પક્વ દાણા પર કિરણ છું સૂર્યનું.
વરસાદ હું તો પાનખરનો છું ઋજુ.
જ્યારે તમે નિદ્રા ત્યજી જાગો પ્રભાતી ચુપકીમાં
જે શાંત પક્ષી ઝુંડ ઊઠે આભમાં
એને ગતિ દેનાર અબાબીલ હું જ છું.
રાતે ચમકતા મૃદુ તારાઓ છું હું.
મારી કબર પર થોભશો, વિલપશો નહિ,
હું ત્યાં નથી. હા, હું મરણ પામી નથી.

– મેરી એલિઝાબેથ ફ્રે
(અનુ. વિવેક મનહર ટેલર)

એક જ કવિતાથી અમરત્વ – સૂંઠના ગાંગડે ગાંધી?

કોઈ કવિને કવિ તરીકેની ઓળખ મળે એ માટે એણે કેટલી કવિતાઓ લખવી પડે એની કોઈ રુલ-બુક ખરી? આપણે ત્યાં એક જમાનો એવો હતો કે ‘કુમાર’માં કવિતા છપાય તો જ કવિને કવિનો દરજ્જો મળતો. એક જમાનો એવો હતો કે સૉનેટ ન લખ્યું હોય એના કવિ હોવા વિશે શંકા કરાતી. પણ શું એક જ કવિતા લખી હોય અને કવિ તરીકે આખી દુનિયાએ એનો સ્વીકાર કર્યો હોય એવું શક્ય ખરું? અને કવિ તરીકેના સ્વીકારને બાજુએ રાખીએ… એક જ કવિતા લખીને કોઈ અમર થઈ શકે ખરું? શું સૂંઠના ગાંગડે ગાંધી થવાય? એક જ કવિતાથી અમરત્વ પ્રાપ્ત કરનાર વિરલ કવયિત્રી અને એ કવિતાના સંદર્ભમાં જવલ્લે જ જોવા મળતી દિવ્ય ચમત્કાર સમી ઘટનાનો આપણે આજે સાક્ષાત્કાર કરવો છે.

મેરી એલિઝાબેથ ફ્રે. ૧૩-૧૧-૧૯૦૫ના રોજ અમેરિકાના ઓહાયો રાજ્યના ડેટન શહેરમાં જન્મ. ત્રણ જ વર્ષની વયે અનાથ થયાં. બાર વર્ષની વયે બાલ્ટીમોર, મેરીલેન્ડ ખાતે સ્થાયી થયાં. કોઈ જાતનું ઔપચારિક શિક્ષણ મળ્યું નહોતું એ છતાંય તેઓ અકરાંતિયા વાચક હતાં અને યાદદાસ્ત પણ એવી જ તીક્ષ્ણ. ૧૯૨૭માં ક્લાઉડ ફ્રેને પરણ્યાં અને મેરી એલિઝાબેથ ક્લર્કમાંથી મેરી એલિઝાબેથ ફ્રે બન્યાં. પતિનો કપડાંનો વ્યવસાય હતો અને મેરીનો ફૂલો વેચવાનો. ૧૯૬૪માં એમના પતિનું નિધન થયું. ૧૫-૦૯-૨૦૦૪ના રોજ ૯૯ વર્ષનું દીર્ઘાયુષ્ય ભોગવીને, પોતાની પાછળ એક દીકરીને મૂકીને બાલ્ટીમોર, મેરીલેન્ડ ખાતે જ આ ફાની દુનિયાને રામ રામ કરી ગયાં.

મેરીના ઘરે એક જર્મન યહૂદી યુવતી માર્ગારેટ શ્વાર્ઝકૉફ (Schwarzkopf) મહેમાન તરીકે રહેતી હતી. જર્મનીમાં એ સમયે યહૂદીઓ વિરુદ્ધ લાવા ઉકળતો હતો, જે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ‘હૉલોકાસ્ટ’ નામે નરસંહારમાં પરિણમ્યો હતો. નાદુરસ્ત રાજકીય પરિસ્થિતિના કારણે એ પોતાની બિમાર માતાને મળવા જઈ શકે એમ નહોતી. છેવટે માતા મૃત્યુ પામી. અને માર્ગારેટે મેરી આગળ અફસોસ વ્યક્ત કર્યો કે પોતાની માની કબર પાસે ઊભા રહી આંસુ વહાવવાની એને કદી તક જ મળી નહીં. આ વખતે આકસ્મિક આત્મસ્ફુરણાને વશ થઈ ખરીદી માટેની ખાખી રંગની કાગળની થેલી પર મેરીએ ૧૯૩૨ની સાલમાં આ કાવ્ય લખી નાંખ્યું. મેરીના કહેવા મુજબ શબ્દો આપમેળે એની પાસે વહી આવ્યા હતા. આ પહેલાં મેરીએ કદી કવિતા લખી પણ નહોતી. બાર પંક્તિનું મેરીનું આ પહેલવહેલું કાવ્ય લોકોને ઘણું પસંદ આવ્યું હોવાથી મેરીએ એની અનેક નકલો કરીને અંગત ધોરણે એની વહેંચણી કરી પણ કદી પ્રકાશિત કર્યું નહીં. કવિતા લખાઈ અને વિશ્વવિખ્યાત થઈ ગઈ પણ એના સર્જકનું નામ દુનિયા માટે અજાણ્યું જ રહ્યું. લગભગ છ-છ દાયકાઓ વીતી ગયા બાદ, છેક નેવુના દાયકાના અંતભાગ સુધી આ કવિતાના સર્જક વિશે કોઈને કોઈ માહિતી નહોતી. કવયિત્રી જો લાંબુ જીવ્યાં ન હોત તો કદાચ આજેય આ કવિતા કોની છે એ ખબર જ પડી શકી ન હોત. સેંકડો લોકો આ કવિતા પોતાની હોવાનો દાવો કરી ચૂક્યા હતા, પણ નેવુના દાયકામાં કવયિત્રીએ આ પોતાનું સર્જન હોવાનો દાવો કર્યો. અસંખ્ય લોકોએ શંકા વ્યક્ત કરી. પણ ‘ડિઅર એબી’ નામની એકીસાથે ૧૪૦૦ અખબારોમાં પ્રકાશિત થતી અને અગિયાર કરોડ વાચકો સુધી પહોંચતી વિશ્વપ્રસિદ્ધ કટારના લેખિકા એબિગેલ વાન બુરેને ૧૯૯૮ની સાલમાં વિશ્વસનીય વિગતવાર સંશોધન થકી આ દાવો સાચો પુરવાર કર્યો અને કવિતાને કવિનું નામ મળ્યું.

૧૯૯૫માં રાષ્ટ્રીય કવિતાદિવસની ઉજવણી માટે બીબીસીએ ‘બુકવર્મ’ નામના ટેલિવિઝન કાર્યક્રમમાં લોકોને પોતાની પસંદગીની કવિતા માટે મત આપવા આહ્વાન કર્યું. અભૂતપૂર્વ બીના એ બની કે મેરીની આ કવિતા સ્પર્ધામાં ન હોવા છતાં ત્રીસ હજારથી પણ વધુ લોકોએ આ કવિતાને મત આપ્યો અને એ વખતે આ કવિતાના કર્તાનું નામ પણ કોઈ જાણતું નહોતું. બીબીસીએ બીજા વર્ષે આ કવિતાને ‘દેશની સૌથી વહાલી કવિતા’નું બિરુદ આપ્યું. ૧૦ વર્ષ કવયિત્રીના મરણ વખતે પછી ‘ધ ટાઇમ્સ’એ લખ્યું કે, “ આ કવિતા તમારી ખોટને હળવી કરવા માટે નોંધનીય તાકાત ધરાવે છે. આ કવિતા રંગ, ધર્મ, સામાજિક હોદ્દા અને દેશદેશાવરોની સરહદો પાર કરીને વિખ્યાત થઈ ચૂકી છે.” કર્તાને અમરત્વ બક્ષવા સિવાય આ કવિતાનો એક બીજો ચમત્કાર એ પણ છે કે વીતેલા દાયકાઓમાં આ કવિતા અંત્યેષ્ઠિ તથા જાહેર પ્રસંગોએ (બાઇબલને બાદ કરતાં) અસંખ્યવાર, કદાચ સહુથી વધુ વાર લખવા-વાંચવા-ગાવામાં આવેલી કવિતા છે. ધર્મ અને જાતિના ભેદભાવ વિના વિશ્વભરના કબ્રસ્તાનોમાં, અંત્યેષ્ઠિ સમયે, શોકપ્રસંગોએ, શાળા-કોલેજોમાં, જાહેર સમારંભોમાં, અને અસંખ્ય સ્થળોએ અને પ્રસંગોએ આ કાવ્યનું પઠન સતત થતું આવ્યું છે, થઈ રહ્યું છે, થતું રહેશે. આ અભૂતપૂર્વ વિશ્વવિક્રમ કદાચ બીજી કોઈ કવિતા કદી પણ તોડી શકનાર નથી. આ સિવાય, વાંચતા વાંચતાય આંખ ભીની થઈ જાય એવા હજારો પ્રતિભાવ અખબારોમાં, સામયિકોમાં, મુખપત્રોમાં અને ઇન્ટરનેટ ઉપર આ કવિતા માટે લખાયા છે. એક મા લખે છે, “હું ઇચ્છું છું કે હું મેરી એલિઝાબેથ ફ્રેને કહી શકી હોત જુલાઈ, ૨૦૦૪ના એ દિવસે ઓક્લાહોમા શહેરના એ ચર્ચમાં નવ જ વર્ષની એક નાનકડી છોકરીએ એની માતાનો ઘૂંટણ પસવાર્યો. પોતાનું માથું એક તરફ વાળી ફૂંક મારીને પવનમાં ઊડતા હોય એમ વાળ ઊડાડ્યા અને કહ્યું, ‘મમ્મી, જો અહીં જરાય પવન નથી.’ અને પછી કવિતાની એ લીટી પર આંગળી ફેરવી ઇશારો કર્યો, હું એ હજાર પવનો છું જે સુસવાય છે.”

મેરીએ આ કવિતાને કોઈ શીર્ષક આપ્યું નથી. જરૂર પણ નથી. કવિતા પોતે જ એટલી સબળ છે કે એને બીજા કોઈ ઉપાદાનની આવશ્યકતા જ નથી. મૃતકની એકોક્તિ સમી બાર પંક્તિની આ કવિતાને ત્રણ ભાગમાં વહેંચી શકાય. પહેલી બે પંક્તિઓ, જેમાં કથક પોતે મૃત્યુ પામી નથી એવું કહીને પોતાની પાછળ રહી જનારને ન રડવાની શિખામણ આપે છે. બીજા ભાગમાં પોતે કેમ મરી ન ગણાય એના નાનાવિધ કારણો આપે છે તો ત્રીજા અને અંતિમ ભાગની આખરી બે કડીઓમાં પહેલી બે કડીઓમાં જ નજીવો શબ્દફેર કરીને પોતાની વાતને યોગ્ય વજન આપવા માટે દોહરાવે છે. અંગ્રેજીમાં સામાન્યરીતે પ્રયોજાતા આયમ્બિક પેન્ટામીટરના સ્થાને મેરીએ ટેટ્રામીટર છંદ અહીં પ્રયોજ્યો છે. બે પંક્તિ ઉમેરીને સૉનેટ લખવાનો મોહ જેમ એમણે જતો કર્યો છે, એ જ રીતે સાતમી પંક્તિમાં અપવાદરૂપે આયમ્બિક પેન્ટામીટર વાપર્યો છે, જેના કારણે દ્યુતગતિએ આગળ વહી જતી કવિતાનો લય બરાબર અધવચે સહેજ બદલાય છે. ભાવકના ચિત્તતંત્રને ઝંઝોડવા માટેની આવી પ્રયુક્તિ બધી ભાષામાં સિદ્ધહસ્ત સર્જકો અપનાવતા આવ્યા છે. વળી, આખી કવિતામાં એ એક જ વાક્ય છે જે છંદપલટા સાથે ત્રણ પંક્તિઓ સુધી લંબાય છે. આ સિવાય, સમગ્ર કવિતામાં પંક્તિ અને વાક્ય સાથે જ પૂરાં થાય છે. બીજે ક્યાંય આ અપૂર્ણાન્વય (enjambment) નજરે ચડતું નથી. ઊલટું, બીજી અને છેલ્લી પંક્તિમાં તો એક-એક કરતાં બબ્બે વાક્ય કવયિત્રીએ વાપર્યા છે. અંગ્રેજીમાં હિરોઇક કપ્લેટ તરીકે જાણીતી A-A B-B C-C પ્રકારની દુપાઈ કહી શકાય એવી પ્રાસયોજના કવયિત્રીએ અહીં કરી છે, જેના કારણે ગીત બધુ ગેય બને છે. ઘણા લોકો આને બાર પંક્તિનું સૉનેટ પણ ગણાવે છે પણ આ એવા કોઈ સ્વરૂપને જબરદસ્તી આ કવિતા ઉપર ઠોકી બેસાડવાના બદલે આ કવિતા જેમ છે તેમ જ માણવાની કદાચ વધુ મજા છે. કદલાઘવ, ટૂંકી પંક્તિએ, દુપાઈ પ્રકારની પ્રાસવ્યવસ્થા, અને પંક્તિ સાથે તાલમેળ સાધતા વાક્યના કારણે કવિતાનું જે બાહ્ય કલેવર રચાયું છે એ પણ એની અપ્રતીમ લોકચાહનાનું કારણ ગણી શકાય. ઉત્તમ કવિતા માટે માત્ર કાવ્યપ્રાણ જ નહીં, કાવ્યસ્વરૂપ પણ ઉમદા હોવું જોઈએ એ કળા આ કવિતા આપણને સમજાવે છે.

પ્રેમ એક અદભુત અનુભૂતિ છે, એકતરફી નહીં, ઉભયતરફી! અહીં એક પ્રિયજનનું મૃત્યુ થયું છે. જે દેહ ગઈ કાલ સુધી તમારા અસ્તિત્વની આસપાસ વહાલનો પવન ફૂંકતો હતો એ દેહમાંથી પવન ચાલ્યો ગયો છે. એ દેહ હવે કબરની નીચે છે. કબરની બહાર છે એને એના માટે ખેંચાણ છે તો કબરની અંદર સૂતેલને પણ પાછળ રહી જનાર માટે એવું જ ખેંચાણ હશે ને! પ્રેમની લાગણી તો બહુધા બેઉતરફી જ હોવાની. પણ મરનારની જીવિત રહેનાર માટેની સંવેદના તો કવિ જ જોઈ-અનુભવી-કહી શકે. જે રીતે થોમસ હાર્ડીની ‘આહ, આર યુ ડિગિંગ ઓન માય ગ્રેવ’ કવિતાની નાયિકા પોતાની કબર ખોદનાર સાથે વાર્તાલાપ કરે છે, એ જ રીતે મેરીની આ કવિતામાં સજીવારોપણ અલંકાર પ્રયોજાયો છે. જે હજી જીવે છે એ મૌન છે, જે અવસાન પામ્યું છે એ વાતો કરે છે. હાર્ડીની કવિતામાં ‘હજી આંખો નથી મીંચાઈ, ઊગે છે હજીય પુષ્પ, કબર પાસેથી તું ગુજરે એ આશામાં જીવે છે લાશ’ જેવો આશાનો ભાવ મૃતક સેવે છે, જ્યારે મેરીની આ કવિતામાં મૃતક આશા-હૂંફ-દિલાસો લઈને જીવનાર પાસે આવે છે. પોતાના ગયા પછી પ્રિયજન પર શી વીતતી હશે એનું મૃતકને માત્ર ભાન જ નથી, ચિંતા પણ છે એટલે કબરમાં સૂતા-સૂતા એ કહે છે કે મારી કબર પાસે આવશો નહીં. અને રડશો પણ નહીં. કેમ? કેમકે કબરની અંદર મરનાર તો છે જ નહીં. અંદર તો ફક્ત પાર્થિવ શરીર જ છે. એ શરીરની કિંમત જ એટલા ખાતર હતી કે એ શરીર સ્નેહથી સભર હતું અને સ્નેહ તો કદી મરતો નથી. એ તો અલગ અલગ સ્વરૂપે આપણી આસપાસ જીવંત જ રહેવાનો. તો જો મૃતક કબરની અંદર હોય જ નહીં તો કબર પાસે આવવાનો અને શોક વ્યક્ત કરવાનો કોઈ અર્થ ખરો? પણ મૃતક તો આગળ વધીને જાહેર કરે છે કે હું હજી ઊંઘી નથી. અર્થાત્ પોતે મૃત્યુ પામી જ ન હોવાનો આંચકો મૃતક ભાવકને આપે છે. બીજું, મૃતકનો ભાવ અહીં વિનંતીનો નહીં પણ હુકમનો છે. એ પોતાની પાછળ શોક નથી જ કરવાનો એવું ફરમાન આપતાં હોય એવી અધિકૃતતતા સાથેનો આ અવાજ છે, જે આપણને છેક અંદર સુધી સ્પર્શી જાય છે. બીજી પંક્તિમાં ઝડપભેર આવતા બે ટૂંકાટચ વાક્યો આ અધિકૃતતતાને બળકટ બનાવે છે અને આપણી અનુભૂતિને સઘન.

કવિતાની પહેલી બે અને આખરી બે પંક્તિઓની વચ્ચેની આઠ પંક્તિઓમાં કવયિત્રી મૃતકના હજીય જીવંત જ હોવાની અને એથીય આગળ વધીને સર્વવ્યાપીપણાની ખાતરી શોકગ્રસ્ત પ્રિયજનને કરાવે છે. કહે છે, જે ફૂંકાઈ રહ્યા છે એ હજાર પવનો હું છું. કવયિત્રી સામાન્ય ચલણથી વિપરિત જઈને અહીં પવનનું બહુવચન ‘પવનો’ પ્રયોજી અતિશયોક્તિ અલંકાર વાપરે છે. પોતાની વાતને ધાર કાઢવા માટે ઘણા સર્જકો સર્વસ્વીકૃત વ્યાકરણના નિયમોથી આ રીતે ઉફરા ચાલતા હોય છે. જેમ કે,

તારા વગર આ આંખની રણ જેવી ભોંયમાં,
મૃગજળ ઊગે તો ઠીક, ક્યાં વરસાદો વાવવા? (જોયો આ “વરસાદો” શબ્દ?)

પવનનું બહુવચન કદાચ અલગ-અલગ તમામ પ્રકારના સમયમાં પવનના તમામ સ્વરૂપો –મંદમંદ સમીરથી લઈને ચક્રવાત સુધીના-ને સમાવી લેવા તરફ પણ ઇંગિત કરતું હોય. પણ મોટાભાગના પ્રતીક આથમતી સંધ્યાનો અહેસાસ કરાવતા હોય એમ પણ અનુભવાય છે. પવન જે ફૂંકાય છે, એ પડશેય ખરો. કથક પોતાને બરફ પર સૂર્યપ્રકાશમાં એકીસાથે હીરાની જેમ ચળકતી બુંદો ગણાવે છે. સૂર્યનું કિરણ પડતાં જ જે બરફનું સમૂચું સ્વરૂપ જ બદલી નાંખે છે અને સૃષ્ટિને અને જોનારને માલામાલ કરી દે છે. પણ બરફ પર ચળકતી આ સેંકડો હીરાકણીઓ એ વાત તરફ પણ ઈશારો કરે છે કે હવે ઓગળવું એ જ બરફનું ગંતવ્ય છે. સૂર્યપ્રકાશ પડતો નથી, ત્યાં સુધી જ બરફનું અસ્તિત્વ કાયમી જણાય છે. તડકો પડ્યો નથી કે બરફ પીગળવો શરૂ થયો નથી. બરફ એ મૃત્યુની ક્રૂર ઠંડક અને એના પર ચળકતાં કિરણો શાશ્વત પ્રકાશિત આત્મા તરફ પણ ઈશારો કરે છે. પાકી ગયેલા દાણાઓ અને પાનખર પણ મૃત્યુની અર્થચ્છાયાઓથી કાવ્યાર્થ વધુ ઘેરો બનાવે છે. મૃતક અકાળે આવજો કહીને ગયાં નથી. એટલે જ કવિ પોતાને પાકી ગયેલ દાણા પર પડતું સૂર્યકિરણ કહે છે. પક્વ દાણો પણ સૂર્યપ્રકાશમાં તાજો ને નવો ભાસે છે. પાછળ રહી ગયેલ સ્નેહીજનોને બરફ સાથે કે પાકતા જતા દાણા સાથે સરખાવીએ તો એના પર પડતો સૂર્યપ્રકાશ એ મર્યા બાદ પણ મૃતક તરફથી મળતી રહેનાર હૂંફ છે એમ કહી શકાય. જનાર ભલે ગયો છે પણ એની હાજરીની હૂંફ પાછળ રહી જનારના જીવનને હીરાની જેમ ચમકતું અને દાણાની જેમ તરોતાજા જ રાખશે. આપણે ત્યાં તો ચોમાસુ એક નિશ્ચિત ઋતુ તરીકે આવે છે પણ પાશ્ચાત્ય દેશોમાં એવું નથી. ત્યાં ચોમાસા જેવી કોઈ ઋતુ હોતી નથી. ગમે તે દિવસે વરસાદ પડી શકે, પણ પાનખરમાં બહુધા જે વરસાદ પડે છે એ મંદ-મંદ હોય છે. એ ભીની ઠંડક પહોંચાડે છે પણ સરાબોળ ભીંજવતો નથી. મૃતક પાનખરમાં હળુહળુ પડતો આવો ઋજુ વરસાદ છે. વળી, દાણો પક્વ થાય એટલે એને કાપવાનો સમય થયો ગણાય. દાણો પક્વ થયા બાદ કવિતામાં પાનખર અને વરસાદ આવે છે. દાણા કપાઈ ગયા છે એટલે કે પાનખર આવી ગઈ છે પણ વરસાદ પડવો શરૂ થયો છે, મતલબ ધરતી ફરી તૃપ્ત બની રહી છે અને નવા બીજ ફૂટવાની આશા આકાશમાંથી મંદ-મંદ વરસી રહી છે.

સવારે મોસૂઝણાના સમયે રાત્રિના અંધકાર દરમિયાન શાંત થઈ સૂઈ રહેલા પક્ષીઓનાં ઝુંડ વર્તુળાકારમાં ઊડ્ડયન આદરી આકાશમાં ઊંચે જાય છે ત્યારે એ લોકો પોતાના ખભા પર રાતનું અંધારું સાથે ઊંચકી જતાં હોય એમ અનુભવાય છે. પક્ષીઓના આવા ટોળાંને ઊઠાડીને ઉર્ધ્વગતિ માટે પ્રેરનાર અબાબીલ પોતે જ છે એમ જ્યારે મૃતક કહે છે ત્યારે સ્વજનોની જિંદગીમાંથી મૃતક અંધારું હટાવીને પ્રભાતનું અજવાળું પાથરનાર હોય એમ નૂતન આશાની અનુભૂતિ આપણને થાય છે. વર્તુળાકાર ઊડ્ડયન पुनरपि जननम् पुनरपि मरणम् ના જીવનચક્ર તરફ પણ આપણું ધ્યાન દોરે છે. ઊંઘમાંથી જાગવા તરફનો અને ઊંચે આકાશ તરફ ઊઠવાની વાત બાઇબલનું પણ સ્મરણ કરાવે છે. રાત્રે આકાશમાં ઝીણું ઝીણું ટમકતા મૃદુ તારાઓ પણ પોતે જ છે એમ એ કહે છે. રાત્રે ચંદ્ર પણ ન હોય તોય ગાઢા અંધકારમાં પણ તારાઓ ઓછા તો ઓછા, પણ પ્રકાશની સતત હાજરીની અનુભૂતિ કરાવે છે. જીવનના ગાઢતમ અંધારામાં પણ તેઓ આશાના કિરણ સમા છે. ફૂંકાતા પવનોનું જોશ, બરફ પર ચળકતી હીરાકણીઓનું ઐશ્વર્ય, સૂર્યકિરણની ઉષ્મા, પાનખરના વરસાદની ભીનપ, વહેલી સવારે સૂઈ ગયેલા આકાશને ઊઠાડતા પંખીઓથી ખુલતી સવારના જીવનચક્રથી લઈને રાતે મંદ મંદ ચમકતા તારાઓના પ્રકાશની આશા– એમ પ્રિયજનની સમષ્ટિમાં પોતે જ સમાવિષ્ટ હોવાનો સધિયારો મૃતક આપે છે.

કાવ્યાંતે નજીવા ફેરફાર સાથે કવયિત્રી શરૂઆતની બંને પંક્તિઓનું પુનરાવર્તન કરે છે. શરૂમાં હું ઊંઘી નથી કહીને મૃત્યુ તરફ સંકેત કર્યા બાદ કાવ્યાંતે હું મરણ પામી નથી એમ સાફ કહીને, ફરી એકવાર અધિકૃત અવાજમાં આદેશ આપતાં હોય એ રીતે કવયિત્રી આપણને શોક નથી જ કરવાનો એમ સાફ કહે છે. કથનની પુનરોક્તિ અને નજીવા શબ્દફેરના કારણે વાત વધુ દૃઢીભૂત થાય છે અને કવિતા જ્યાં પૂરી થાય છે ત્યાં ભાવકને કવિની વાત ફરજિયાત સ્વીકારવાની થાય છે. મૃત્યુ એ જીવનનો આખરી પડાવ નથી. આપણી સાથેની દરેક વ્યક્તિ આપણા જીવનમાં એની ઉપસ્થિતિનો અંશ મૂકતી જાય છે અને આપણે પણ એ જ રીતે એમનામાં હરહંમેશ જીવતા જ રહીએ છીએ. કવિતા પહેલી નજરે મૃત્યુની લાગે પણ વાસ્તવમાં એ જીવનના હકારથી ભરી ભરી છે. મૃત્યુના સ્વાંગમાં આ કવિતા જીવનની સુંદરતાઓની વાત કરે છે. એ કબર નીચે અટકવાની નહીં પણ પ્રકૃતિમાં ભટકવાની વાત કરે છે. અહીં, સપાટી પર તો આપણને મૃત્યુ દેખાય છે, પણ સાચો અંડર-કરન્ટ જીવનનો છે. અને આ જ કારણોસર વિશ્વભરમાં શોકસભાઓ માટેની એ પહેલી પસંદ બની રહી છે…

ગ્લૉબલ કવિતા : ૧૨૨ : રંગપિયાલો -હસિત બૂચ

રંગપિયાલો ચડ્યો, રગેરગ રંગપિયાલો ચડ્યો;
ક્ષણભર પણ વીંટળાઈ આપણે અમર માંડવો રચ્યો.

રૂં-રૂં ફૂલ થઈ મઘમઘિયાં,
સુરભિ શ્વાસ છવાઈ;
હોઠ મળ્યાં, ઉરપરણ લહરિયાં,
બજી મૌનશહનાઈ;
અહો, આપણા આશ્લેષે શો અમલ નિરાળો ધર્યો !

ગગન બારીએ ઝૂક્યું-હરખ્યું,
ક્ષિતિજ આંખ મલકાઈ;
અહો, ઓરડે કેસર વરસ્યું,
પીઠી અલખ લગાઈ;
અમી આપણે લૂંટ્યું-લુટાવ્યું, કાળે મુજરો ભર્યો !

– હસિત બૂચ

રગેરગ ચડતો સંગના રંગનો નશો…

નશા હજાર જાતના હોય છે પણ પ્યારના કેફ સામે બધા જ ફીકાફસ. ને એમાં પણ બે જણ વચ્ચેના પ્રેમનો જ્યારે સ્પર્શની ભાષામાં તરજૂમો થાય ત્યારે જે નશો ચડે એની તો વાત જ કંઈ અલગ. આજે જો કે સ્નેહસંબંધની પરિભાષા ખાસ્સી બદલાઈ ચૂકી છે. પ્રેમ અને પથારીની વચ્ચે હવે ઝાઝું અંતર રહ્યું નથી પણ એક સમય એવો હતો જ્યારે બે જણ પ્રેમમાં પડે અને વાત સ્પર્શ સુધી પહોંચે એની વચ્ચે થોડું અંતર રહેતું. સ્પર્શ આલિંગનમાં પરિણમે એની વચ્ચે તો કદાચ કિલોમીટર જેટલો લાં…બોલચ્ચ સમય પસાર થતો. અને કદાચ એટલે જ એ પહેલો સ્પર્શ, પહેલું આલિંગન, પહેલું ચુંબન પ્રેમીઓ જીવનભર ભૂલી શકતાં નહોતાં. પહેલાનો તો રોમાંચ જ અલગ. પ્રથમ પ્રેમની પ્રથમ શારીરિક અનુભૂતિઓના ગીત કવિઓ વર્ષોથી લખતા આવ્યા છે, લખતા રહેશે. પણ હસિત બૂચનું ‘રંગપિયાલો’ કાવ્ય કદાચ આ પ્રકારના ગુજરાતી ગીતકાવ્યોમાં શિરમોર કહી શકાય એટલું બળકટ અને ઋજુ થયું છે.

હસિતકાન્ત બૂચ. ૨૬-૦૪-૧૯૨૧ના રોજ જૂનાગઢ ખાતે જન્મ. માતા સવિતાલક્ષ્મી કવયિત્રી અને પિતા હરિરાય પત્રકાર-ગ્રંથકાર. બહુ નાની વયે સાહિત્ય ક્ષેત્રે ઝંપલાવ્યું. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરામાં. મુંબઈ યુનિવર્સિટીમાંથી ૧૯૪૨માં બી.એ. તથા ૧૯૪૫માં એમ.એ.ની પદવીઓ પ્રાપ્ત કરી. બંને વાર ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ!! અભ્યાસકાળ દરમિયાન વિદ્યાર્થી-સંગઠન, વ્યાયામ અને સાહિત્યમંડળની નાનાવિધ પ્રવૃત્તિઓ સાથે સક્રિય જોડાણ. શરૂઆતમાં એકાદ વર્ષ મુંબઈ રાજ્યના માહિતી ખાતામાં તંત્રી તરીકે કામ કર્યું. બાદમાં ૧૯૪૬થી ૭૧ સુધી લાગલગાટ પચ્ચીસ વર્ષો સુધી સરકારી કૉલેજોમાં ગુજરાતી ભાષા-સાહિત્યના મુખ્ય અધ્યાપક અને આચાર્ય તરીકે સેવા બજાવી. પરિણામે ગુજરાતી સાહિત્ય સર્જનમાં મજબૂત ફાવટ સાંપડી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિનયન વિભાગના ડીન બન્યા. ૧૯૭૧થી ૮૧ સુધી ગાંધીનગર ખાતે ભાષાનિયામક રહ્યા અને ભારત સરકારની ભાષા-સમિતિઓમાં ગુજરાત રાજ્યના પ્રતિનિધિ તરીકે એમણે સેવાઓ આપી. ૧૯૮૨થી વડોદરા ખાતે સ્થાયી થયા. વડોદરામાં ‘ગુજરાતી સાહિત્ય મંદિર’, વિસનગરમાં ‘કવિસભા’ તેમજ ગાંધીનગરમાં ‘મિજલસ’ની સ્થાપના કરીને એમણે પોતાના અને અન્યોના સાહિત્યરસને પોષવામાં ચાવીરૂપ કામગીરી બજાવી હતી. વડોદરા ખાતે એમણે સ્થાપેલી ‘ગ્રંથ ગોષ્ઠિ’ તો આજે ૩૭ વર્ષ થયા હોવા છતાં દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે સાંજે પાંચ વાગ્યે સરદાર ભવન ખાતે અચૂક યોજાય છે. ક. મા. મુનશી જેવી ધારદાર ચાંચવાળી ગાંધીટોપી, ખાદીનો સફાઈદાર પરિવેશ, કાનની ઉપર મોડ આપેલા વાળ, સૌમ્ય વદન, ઉજ્જ્વલ વર્ણ, નાગરી વ્યક્તિત્વ અને સુરીલા કંઠથી તેઓ અલગ તરી આવતા. સ્વરરચનાના જાણતલ. ગીત-ગઝલો સ્વરબદ્ધ કરવામાં એક્કો. કવિસંમેલનોમાં ‘ગાતા કવિ’ તરીકે ચાહના પામ્યા હતા. કાગળની ઘડીઓ વાળી કટિંગ કરી રંગોળી પૂરવા કામ લાગે એવા નક્શીદાર ફર્મા બનાવવામાં નિષ્ણાત. પુત્રી નિર્ઝરી મહેતા પણ સાહિત્યકાર છે. ૧૪-૦૫-૧૯૮૯ના રોજ વડોદરા ખાતે હૃદયરોગના હુમલાથી નિધન.

કવિતામાં ગઝલ કરતાં ગીત એમને સવિશેષ માફક આવ્યાં છે. એમના ગીતોમાંથી જે ગામઠી ભાષાની તળપદી મહેંક ઊઠે છે એ પ્રદ્યુમ્ન તન્ના અને વિનોદ જોશીની યાદ અપાવે છે. અછાંદસ કાવ્યોમાંય એમની કલમે સુપેરે ગતિ કરી છે. કવિતા ઉપરાંત વિવેચન, નવલકથા, વાર્તા, નાટકો, અનુવાદ, ચરિત્રલેખન, બાળકાવ્યો અને સંપાદનો વગેરેના ત્રણ ડઝનથી વધુ પુસ્તકો એમણે આપ્યાં છે. Window નામે અંગ્રેજી તથા ईषत् નામે હિંદી કાવ્યસંગ્રહની યશકલગીથી એમનો તાજ સુશોભિત છે. ધમ્મપદ તેમ જ સિદ્ધહેમ જેવા ગ્રંથોના સબળ અનુવાદ એમણે આપ્યા છે. સમર્થ સર્જક અને કવિના ધર્મપત્ની જ્યોત્સ્ના બૂચ સાથે મળીને એમણે સહિયારા પુસ્તકોથી પણ આપણી ભાષાને રળિયાત કરી છે. સાહિત્યજગતની ખેંચતાણ એમને બહુ માફક આવી નહીં એટલે લાયકાત મુજબ પોંખાયા નહીં. ગુજરાતી સાહિત્ય પરિષદની વેબસાઇટ ઉપર કે ગુજરાત સાહિત્ય અકાદમીના ‘ગુજરાતી સાહિત્યકાર પરિચયકોશ’માં પણ સર્જકનું નામ દીવો લઈને શોધવા બેસીએ તોય જડતું નથી.

રંગપિયાલો’ ગીત કદ-કાઠીની દૃષ્ટિએ સાવ નાનકડું અને પ્રમાણમાં તરત જ સમજાઈ જાય અને વાંચતા જ વહાલું લાગે એવું ગીત છે. હસિત બૂચને આમેય ગીતો વધુ રાસ આવ્યા હોવાનું અનુભવાય છે. પ્રસ્તુત ગીત આ વાતની સાહેદી પૂરાવે છે. પરંપરાગત શૈલીમાં અષ્ટકલ લયમાં ગીત ગતિ કરે છે. બે પંક્તિનું મુખડું, બે અંતરા અને અંતરા સાથેની તુક-પંક્તિ. રંગપિયાલો શબ્દ કાને પડતાં જ જયન્ત પાઠકનું ‘અજબ મિલાવટ કરી, ચિતારે રંગ પ્યાલીઓ ભરી!’ ગીત યાદ આવી જાય. બંને ગીતનો લય પણ એકસમાન જ છે. આ લય દિલોદિમાગને કાયમી કેદમાં જકડી લે એવો મજબૂત અને પ્રવાહી છે. ‘રંગપિયાલો’ વાંચતા જ કવિની જ એક ગઝલના બે શેર પણ યાદ આવી જાય:

તમે તો અજબ છો: અમારી પિયાલી
ભર્યાયે કરો છો! કરો છોય ખાલી!
પધારે અહીં પળ અને જાય ચાલી;
પિયાલી અમારી ભરી તોય ખાલી!

પ્યાલીના સ્થાને પિયાલી તરફનો કવિનો પક્ષપાત તરત છતો થઈ જાય છે. પ્રસ્તુત રચનાનું ‘રંગપિયાલો’ શીર્ષક કંઈ ખાસ બોલતું નથી. કવિતાનો વિષય શું છે એ વિશે એ કોઈ છણાવટ કરતું નથી. આપણને તો માત્ર રંગનો પ્યાલો જ સમજાય છે અને એટલે એવો વિચાર જરૂર આવવાનો કે કોઈ ચિત્રકાર કે ચિત્રની વાત લઈને કવિ ઉપસ્થિત થયા છે. પણ કવિતા શરૂ થતાં જ કવિ આપણને સાબદા કરે છે. આ રંગપિયાલો કોઈ ચિત્રકારને ચિત્ર દોરવા માટેનું સ્થૂળ સાધન નથી. ‘રંગપિયાલો ચડ્યો’ કહીને કવિ વાત પ્રારંભે છે અને ભાવકને સાવધ કરે છે. વાત ભલે રંગના પ્યાલાની છે, પણ કવિ ચિત્ર કંઈક અલગ જ દોરનાર છે એ તરત જ સમજાઈ જાય છે. શરાબના ચડવાની વાત હોય તો સહેજે સમજાઈ જાય પણ કવિ તો રંગનો પ્યાલો ચડ્યો છે એમ કહે છે. અને કહીને પાછા અટકતા નથી. આ નશો રગેરગમાં ચડ્યો છે એમ કહીને વાતને દોહરાવીને ભારપૂર્વક અંડરલાઇન પણ કરે છે. ગીત ટૂંકુ-ટચરક છે એટલે આ ‘સસ્પેન્સ’ પણ બહુ લાંબુ ચાલવાના બદલે બીજી જ પંક્તિમાં ખૂલી જાય છે. આ નશો સંગના રંગનો છે, સહેવાસનો છે, સ્પર્શનો છે, ચુંબનનો છે, આલિંગનનો છે. બે પ્રેમીઓ એકમેકને વીંટળાઈ વળ્યાં છે. કદાચ આ એકાંતવાસ બહુ મર્યાદિત હશે. કદાચ કોઈ મિત્ર કે સંબંધી ગમે એ ક્ષણે આવી ચડવાનો ડર હશે. એટલે કવિ ક્ષણભર જ વીંટળાવાની વાત કરે છે પણ ક્ષણને શાશ્વતી સાથે સાધી-સાંધી આપતા કહે છે કે આ એક ક્ષણના આલિંગન થકી પણ પ્રેમનો અમર માંડવો આપણે બેઉએ સર્જ્યો છે. હમમમમ… સંગનો રંગ ખરે જ રગેરગ ચડ્યો જણાય છે!

કવિ સજ્જ કવિ છે. પોતે જે પ્રતીક પ્રયોજે છે એ બાબત એ સતર્ક છે. મુખડામાં માંડવો રચી દીધા બાદ સામાન્ય રીતે જોવા મળે છે એમ કવિ ગીતમાં સહવાસ અને આલિંગન-ચુંબનની વાત અલગ પ્રતીકો વડે કરત તો કંઈ ખોટું નહોતું. પણ કવિને ખ્યાલ છે કે પોતે ક્ષણાર્ધના આલિંગન વડે અ-મર માંડવો રચ્યો છે એટલે માંડવાની વાત જ આગળ વધારીને કવિ ગીતની એકસૂત્રિતા અખંડિત રાખે છે. ઉત્તમ ગીતકારના લક્ષણ કેવા હોય એનો એક પદાર્થપાઠ પણ આપણને સાંપડે છે. આ માંડવો પણ પ્રાચીન સંસ્કૃત નાટકોમાં જોવા મળતો સાદો ફૂલમંડપ નથી. આ મંડપ બે જીવના સાયુજ્યનો, બે આત્માના લગ્નનો મંડપ છે. ચસોચસ સ્પર્શના સંવેદન થકી બેઉના રૂંવેરૂંવાં ફૂલ થઈને મહેકી ઊઠ્યાં છે અને આ ફૂલોની સુગંધ બંનેના શ્વાસોને તર કરી રહી છે. એક સ્પર્શમાં કંઈ કેટલીય શરૂઆતો ગોપિત હોય છે. એક સ્પર્શમાં જગત આખાને અભરે ભરી દે એટલો આનંદ જન્માવવાની તાકાત હોય છે. સ્પર્શની પરાકાષ્ઠાની આ વાત ઉપર પ્રદ્યુમ્ન તન્નાનું મૂળ ઇટાલિયનમાં લખ્યા બાદ જાતે જ ગુજરાતીમાં તરજૂમો કરેલ ‘ઉદભવ’ કાવ્ય યાદ આવે:

અગત્ય નથી
કોણ કોને અડ્યાનું
બસ છે કેવળ બીના
કે આપણે જગવ્યો
એક સહિયારો કંપ –
સ્તબ્ધ,
નિબિડ શૂન્ય થકી,
અચરજનાં
અનગળ,
જગ ઉઘાડતો
લખલખ આનંદ સ્ત્રોત !

રોમરોમ લખલખ આનંદ સ્ત્રોત ઉઘાડતો સ્પર્શ બંને જણે અનુભવ્યો છે. રોમ-રોમ બાગની ક્યારી બનીને ખીલી ઊઠ્યાં છે અને પરસ્પરની કાયાની ખુશબૂ બંનેની ઘ્રાણેન્દ્રિયોને તરબતર કરી રહી છે. સ્પર્શ અને આલિંગન પછીના તબક્કામાં વાત આગળ વધે છે અને સાહજિકપણે ચુંબન સુધી આવે છે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારના બિનજરૂરી શબ્દો કે શબ્દાડંબર વાપર્યા વિના કવિ દ્યુત ગતિએ પ્રણયના અહેસાસના તબક્કાઓ એક પછી એક વટાવે છે. હોઠ હોઠ સાથે મળીને ઓષ્ઠદ્વયમાંથી અદ્વય સર્જે છે. અને જ્યાં ચાર હોઠ અને બે કાયા એક થયા નથી કે તરત જ હૈયાના પાંદડાઓ મસ્તીના લયમાં લહેરવા માંડે છે. ક્ષણભરના આલિંગનના અ-મર માંડવા તળેના સાયુજ્યની આ ક્ષણોમાં જે શહનાઈ માંડવામાં ગૂંજી ઊઠે છે તે વળી મૌનની શહનાઈ છે… દ્વૈતમાંથી અદ્વૈત થવાની આ ક્ષણે શબ્દોની શી આવશ્યક્તા? ત્યાં તો મૌન જ લહેરાશે… મૌન જ બોલશે… મૌન જ ગાશે… ‘અહો’ ઉદગારીને કવિ વાતને વળ ચડાવે છે. ગીતમાં ક્યાંય ‘હું’ કે ‘તું’ નજરે ચડતા નથી, નજરે ચડે છે તો માત્ર ‘આપણે’ જ. આલિંગનનો તો કેફ જ નિરાળો. પ્રેમનો તો નશો જ અલગ. અમલનો બીજો અર્થ અસર કે પ્રભાવ પણ અહીં લાગુ પાડી શકાય. નશાથી વાત શરૂ થઈને નશા સુધી આવે છે ને અહેસાસનું એક વર્તુળ પૂરું થાય છે. કવિએ જે બાહોશીથી ગીતને તંતોતંત શબ્દોના તાણેવાણે વણ્યું છે એ અદભુત છે. એમના સજાગ કવિકર્મનો એક સાવ નાનકડો નમૂનો પણ જોવા જેવો છે, જ્યાં માત્ર થોડા શબ્દોની હેરફેરથી અષ્ટકલ લય પ્રયોજીને એમણે સામાન્ય વાતમાંથી પણ ઉમદા કવિતા ઉપસાવી છે:

લાકડું તરે, તરતું માણસ;
કેટલો બધો ફેર!…
પાંદડુ ખરે, ખરતું માણસ;
કેટલો બધો ફેર!…
કો’ક મળે, ને મળતું માણસ;
આટલો બધો ફેર!

વિખવાદ ઓગળી જાય તો વયષ્ટિને વધાવવા સાક્ષાત્ સમષ્ટિ ઊમટી આવે છે. ક્ષણભરના આલિંગનમાં બે જણ ઓગળ્યાં એ દૃશ્ય નિરખવાને આખું આકાશ કમરાની બારીએ ઝૂકીને આવી ચડ્યું છે અને માત્ર આવ્યું નથી, હરખાઈ પણ રહ્યું છે. પ્રેમની આ કમાલ છે. પ્રેમ કરનારને અને જોનારને બંનેને ન્યાલ કરે છે. સાચા પ્રેમીઓને જોઈને કોની આંખ ન ઠરે? દૂ……ર ક્ષિતિજની આંખ પણ મલકે છે. આ આલિંગન કયા સમયની વાત હોવી જોઈએ એનો અણસારો કવિ અહીં આપે છે. બે પ્રેમીઓને એક થવા માટે સંધ્યાથી વધુ ઉત્તમ સમય બીજો કયો હોઈ શકે? સૂર્ય આથમતો આથમતો ક્ષિતિજ સુધી પહોંચી ગયો છે અને કુદરતની આ આંખ પણ પ્રિયજનોના આશ્લેષને જોઈને કેવી તો મલકાઈ રહી છે! સમય સાંજનો છે એ વાતને ફરી એકવાર પુષ્ટિ મળે છે કેમ કે આથમતી સાંજના તડકાના સોનેરી-કેસરી રંગો ઓરડાને એ રીતે ભરી દે છે, જાણે ઐક્યના આ ઓચ્છવ પર ઓરડામાં કેસરવૃષ્ટિ ન થતી હોય! કવિ કેસર વરસતું અનુભવીને અટકતા નથી. માત્ર ઓરડો જ કેસરી રંગે રંગાયો નથી, પ્રિયપાત્રના અંગાંગ પણ જાણે નિર્ગુણ નિરાકારે જાતે પીઠી ન લગાવી હોય એમ આ રંગે રંગાઈ રહ્યાં છે. ‘અલખ’ એટલે ન દેખાય એવું. {અ (નહિ) અને લક્ષ્ય (દેખાય એવું)} ઈશ્વર આપણને દેખાતા નથી એટલે એની સાથે આપણે અલખ વિશેષણ જોડી દીધું છે. અહીં, ઈશ્વર પોતે પીઠી લગાવતા હોય એવો અર્થ પણ નીકળે છે અને દેખી ન શકાય એવી પીઠી તડકાના કારણે અંગેઅંગ લાગી રહી છે એવો અર્થ પણ કાઢી શકાય. બંને સંજોગોમાં લગ્નમંડપ સાથે સંકળાયેલી ઘટના જ તાદૃશ થઈ રહી છે. બંને પક્ષે સ્નેહામૃત લુંટાવ્યું છે અને લૂંટ્યુંય ખરું. કેવો પ્રેમનો અમલ! કેવું અમી! ખુદ કાળ પણ અટકી ગયો છે, વહેવાનું છોડી દઈ લટકામાં લળી લળીને સલામ ભરે છે…

ગીતમાં સુરભિ, આશ્લેષ, અલખ જેવા સંસ્કૃત શબ્દોની અડોઅડ શહનાઈ, અમલ અને મુજરો જેવા અરબી-ફારસી શબ્દો જે રીતે કાવ્યનાયક-નાયિકાની જેમ જ એકમેકને આલિંગીને ભાવકના ચિત્તતંત્રને લગરિક પણ ખટકે નહીં એવું અનૂઠું મિલન રચે છે એ સહજ સબળ કાવ્યકૌશલ્યનું દ્યોતક છે. આલિંગનનું આવું મજાનું ગીત આપણી ભાષામાં ઓછું જ જડે છે. ખૂબ નાની જગ્યામાં, નાના અમથા આલિંગનના અહેસાસને કવિએ જે રીતે બહેલાવ્યો છે એ ભાવકસંવિદને ઉજાગર કરી જાય છે. એકબીજામાં મગન થઈને પ્રેમરસ પાયે રાખવાની વાત કરતી આ જ કવિની આવી જ અદભુત ગીતરચના –‘નિરંતર’-, જે વાંચવાની-ગણગણવાની-જીવનમાં ઉતારવાની બાકી રહી જાય તો આખો જન્મારો એળે ગયો જાણવો પડે એ પણ સાથોસાથ માણીએ:

એક નિરંતર લગન :
અમે રસ પાયા કરિયેં !
એકબીજામાં મગન :
અમે બસ ગાયા કરિયેં !

કોઈ ચાંગળું લિયે, પવાલું-
કુંભ ભરે, જો રાજી !
કોઈ કરે છો ને મુખ આડું,
ને ઇતરાજી ઝાઝી,
છાંય હોય કે અગન :
અમે રસ પાયા કરિયેં :

સફર મહીં હો ઉજ્જડ વગડો,
કે નગરો ઝળહળતાં;
યાળ ઉછાળે ખારો દરિયો,
કે ઝરણાં ખળખળતાં,
હવે મુઠ્ઠીમાં ગગન !
અમે બસ ગાયા કરિયેં !

ગ્લૉબલ કવિતા : ૧૨૦ : વિજન કેડો – પ્રદ્યુમ્ન તન્ના

આવનજાવન જહીં રે ઝાઝી
ધોરી એવે મારગ જાવા મનડું મારૂં લેશ ન રાજી
હાલ્યને વાલમ !
લઇએ આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો !

ઘણીક વેળા ગઈ છું ન્યાંથી, એકલી ને સઈ સાથ
કળણવળણ ઓળખું એવાં જેવો નિજનો હાથ;
ને નથ ઉતાવળ નેસ જાવાની હજી તો અરધો દન પડેલો !
હાલ્યને વાલમ !
લઇએ આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો !

આવળ-બાવળ, ખડચંપાનાં ફૂલડાંનો નહીં પાર
ચ્હાય તે ભરજે ચૂલ મારે હુંય ગુંથીશ તુંને હાર
ને ગંધની મીઠી છોળ્ય મહીં કાંઈ રમશે ઓલ્યો વાયરો ઘેલો !
હાલ્યને વાલમ !
લઇએ આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો !

આંકડા ભીડી કરનાં કે સાવ સોડ્યમાં સરી હાલું
કાનની ઝાલી બૂટ ચૂમી લઉં મુખડું વા’લું વા’લું
કોઈ નહીં તહીં જળનારું રે નીરખી આપણ નેડો !
હાલ્યને વાલમ !
લઇએ આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો !

હેઠળ વ્હેતાં જળ ઊંડાં ને માથે ગૂંજતું રાન
વચલે કેડે હાલતાં મારા કંઠથી સરે ગાન
એકલાંયે ઘણું ગોઠતું તહીં, પણ જો પિયા ! હોય તું ભેળો-
હાલ્યને વાલમ !
લઇએ આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો !…

– પ્રદ્યુમ્ન તન્ના

ચાલ, ચાલીએ સાથે સાથે…

પ્રેમીજનોને સૌથી વહાલું શું? તો કે’ એકાંત. હવા પણ વચ્ચે પેસી ન શકે એવું ચસોચસ નૈકટ્ય એ જ પ્રેમીજનોની એકમેવ ઝંખના હોવાની. દુનિયાનો હસ્તક્ષેપ અને દુન્યવીજનોનો પાદપ્રક્ષેપ જ્યાં શક્ય જ ન હોય એવી ‘હું’ અને ‘તું’ની બે જ ઈંટોથી બનેલી ‘આપણે’ની ભીંતે અઢેલીને સમયની આખરી ગલીની પેલે પાર પરસ્પરના સાયુજ્યમાં રમમાણ રહેવા મળે એ જ પ્રેમીજનોની એકમાત્ર આરત હોય છે. ચાર આંખ મળી નથી કે દુનિયા અલોપ થઈ નથી. ‘બે અમારાં દૃગ સજનવા, બે તમારાં દૃગ સજનવા, વચ્ચેથી ગાયબ પછી બાકીનું આખું જગ સજનવા.’ (મુકુલ ચોક્સી) દુનિયા એ દખલગીરીનું બીજું નામ છે. દુનિયા આડશ છે. અને એકબીજામાં ડૂબકી મારવા માટે પ્રેમીજનોને કાયમ એકાંતના સ્વિમિંગપુલની જરૂર પડતી હોય છે. દુનિયાનો માર્ગ ભલે ને સોનાનો કેમ ન હોય, એકાંટ મળતું હોય તો પ્રેમીઓ પથરાળ કાંટાળા રસ્તાને વધુ વહાલો કરતાં હોય છે. પ્રદ્યુમ્ન તન્ના ‘વિજન કેડો’ ગીતમાં આવા અલગ, એકાંતભર્યા ચીલાની વાત લઈને આવ્યા છે.

પ્રદ્યુમ્ન તન્ના. ૦૭-૦૭-૧૯૨૯ના રોજ જન્મ. ઉભય પક્ષના વડવાઓ મૂળે ગોહિલવાડના. ભાવનગર નજીકના અધેવાડા તથા અક્વાડા ગામના વતની પણ પેટ દહાણુ તરફ ખેંચી લાવેલું. ગોત્રે ઘોઘારી લોહાણા. બાળપણના પહેલા પાંચ વર્ષ દહાણુમાં માતામહને ત્યાં વીત્યા. મૂળ વતનની રહેણી-કરણી, તળપદી બોલી અને પ્રાસંગિક ગીત-સંગીત ગુજરાત-મહારાષ્ટ્રની સંધિ પર આવેલા એ ગામમાં એમના લોહીમાં લોહી થઈ ભળ્યાં. મુંબઈની માધ્યમિક શાળામાં મેઘાણીના પ્રવચનોથી ભીંજાવાની તક સાંપડી. યુવાનીમાં અખાડામાં કાયા પણ કસતા. એમ.એ. સુધીનો અભ્યાસ અને ચિત્રકળા, છબીકળા અને કવિતા પર ભારે હથોટી. ગુજરાતના મોટાભાગના લબ્ધપ્રતિષ્ઠ સામયિકોને એમની પીંછી અને કેમેરાનો લાભ કલમ ઉપરાંત મળતો રહ્યો છે. ટ્રેનમાં ત્રીજા વર્ગની હકડેઠઠ ભીડમાં, ખખડધડ બસો અને બળદગાડાંમાં અને પગપાળાં દેશની તળભૂમિને શરીર નંખાઈ જાય એ હદ સુધી ખૂંદતા અને કાવ્યો, ચિત્રો અને છબીઓમાં મઢવાની હારોહાર ત્વચા પરના છૂંદણાંની જેમ અંતરસ્થ કરતા રહ્યા. ૧૯૫૯થી ’૬૧ દરમિયાન ઓલ ઇન્ડિયા હેન્ડલૂમ બોર્ડના ડિઝાઇન સેન્ટર, મુંબઈમાં કામ કર્યું. ’૬૧-’૬૨ની સાલમાં ઇટાલિયન શિષ્યવૃત્તિ મળી ત્યારે ત્યાંની કલાશાળામાં વરસેક ભણ્યા. કાયમી વસવાટ લગભગ ૧૯૭૫થી ઇટાલીમાં આલ્પ્સની પર્વતમાળા વચ્ચે આવેલ એજ નામના સરોવરના પશ્ચિમી કાંઠે આવેલ કોમો શહેરમાં કર્યો અને ઇટાલિઅન યુવતી રોઝાલ્બા સાથે લગ્ન કર્યા. ઇટાલી અને અન્ય દેશોના સામાયિકો તથા કલાસંસ્થાઓએ એમની ચિત્રકળા અને છબીકળાને આવકારી અને વધાવી. દેશવિદેશમાં અનેક જગ્યાઓએ તેમનાં કલાપ્રદર્શનો યોજાતાં. ૩૦-૦૮-૨૦૦૯ના રોજ એમનો ક્ષર-દેહ નાશ પામ્યો અને એમનો એકમાત્ર અ-ક્ષરદેહ ‘છોળ’ આપણી વચ્ચે રહી ગયો…

અડધાથી વધુ જીવન ઇટાલીમાં વિતાવ્યું હોવા છતાં એમનું ગુજરાતી કોઈપણ ગુજરાતી કરતાં વિશેષ ગુજરાતી હોવાની પ્રતીતિ થયા વિના રહેતી નથી. તળપદી ભાષા જે રસાળતાથી એમની કવિતામાં ઊતરી આવી છે એ વરદાન તો ગુજરાતમાં વસતા ઘણાં દિગ્ગજ કવિઓને પણ પ્રાપ્ત નથી થયું. ‘ફિનૉમિનલ’થીયે ઊંચુ ને મોટું કોઈ વિશેષણ હોય તો જેમના માટે અચૂક પ્રયોજી શકાય એવા આ કવિને ગુજરાતી ભાષાએ બહુ ઓછા પોંખ્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદના ‘ગુજરાતી સાહિત્ય કોશ’ તથા વેબસાઇટ પર કે ગુજરાતી સાહિત્ય અકાદમીના ‘ગુજરાતી સાહિત્યકાર પરિચયકોશ’ના ૧૬૨૪ અને સંવર્ધિત આવૃત્તિની ૨૧૧૦ સાહિત્યકારોની યાદીમાં પ્રદ્યુમ્ન તન્નાનું નામોનિશાન સુદ્ધાં જડતું નથી. પ્રદ્યુમ્ન તન્નાના ગીતો તળપદી ગુજરાતીની ખરી અસ્મિતા-અમીરાત સમાં છે. કલેજામાં ગુજરાતનો ટુકડો રાખીને પરદેશમાં જીવવાની કળા એ શીખવે છે. એમનાં શબ્દોની ગૂંથણી અને લોકબોલીની મીઠાશ એવી છે કે વાંચતાવેંત આપણા હૃદયમાં અનન્ય સ્થાન મેળવી લે છે. બાળપણમાં ગળથૂથીમાં મળેલા પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંસ્કાર અને કૃષ્ણ-કાનુડા સાથેનો અવિનાભાવી સંબંધ એમના કાવ્યોનો પ્રાણ છે. લોકાચાર, વ્રજમંડળ, વનવગડો અને પ્રકૃતિનાં નાનાવિધ સ્વરૂપ એમના પ્રધાન કાકુ છે. મકરન્દ દવેએ ‘આદિમ પ્રકૃતિના અણબોટ્યા અવાજ’વાળાં એમના કાવ્યોને ‘વણજારાનાં મોતી’ કહીને વધાવ્યાં હતાં.

કવિતાના શીર્ષક ‘વિજન કેડો’ પાસે બે’ક ઘડી થોભીએ? જ્યાં કોઈ માણસ સામાન્યતઃ જોવા ન મળે એવી જગ્યા માટે સામાન્યરીતે આપણે નિર્જન શબ્દ વાપરીએ છીએ. કવિએ ‘વિજન’ જેવો પ્રમાણમાં ઓછો ખેડાતો શબ્દ પ્રયોજ્યો છે. લયની દૃષ્ટિએ પણ નિર્જન વિજન કરતાં વધુ યોગ્ય શબ્દ-પસંદગી છે કેમકે લયની માંગ મુજબ વિજનના ‘વિ’ને હૃસ્વ હોવા છતાં દીર્ઘ ઊચ્ચારવાની ફરજ પડે છે. પણ, ‘વિ’ વિશિષ્ટ પ્રકારનો ઉપસર્ગ છે. વિગત, વિકંપ, વિક્ષુબ્ધ, વિક્ષોભ જેવા શબ્દોમાં એ ‘વિશેષ’ના અર્થમાં વપરાય છે તો વિયોગ, વિધવા, વિઘટન, વિજન વગેરેમાં એ ‘વિનાનું’ જેવા વિરોધી કે ગેરહાજરીસૂચક સંદર્ભે પ્રયોજાય છે. કવિ નિર્જનના સ્થાને ‘વિજન’ પ્રયોજે છે, એમાં કદાચ બંને ભાવ સમાવિષ્ટ છે. આ રસ્તે કોઈ જન સામાન્યરીતે આવજા કરતું નથી એ અર્થમાં વિજન એટલે જન વગરનું અને પ્રિયજન સાથે અહીંથી જવાનું નાયિકાનું પ્રયોજન છે એ અર્થમાં વિજન એટલે વિશેષ જન એમ પણ ગણી શકાય. ‘કેડો’ને પણ બે અર્થમાં લઈ શકાય: વિ-જન રસ્તો અને વિશેષ-જનનો પીછો કે પૂંઠ. કોઈપણ ભાષામાં સાહિત્યકારની સહુથી મોટી જવાબદારી ભાષાને જીવતી રાખવાનું છે. કવિએ એ કામ શીર્ષકમાં પણ સુપેરે પાર પાડ્યાનું જણાય છે. અષ્ટકલના પ્રચલિત લયમાં ગીત વહી જાય છે. પહેલી પંક્તિમાં અષ્ટકલના બે અને ત્રીજી પંક્તિમાં એક આવર્તનની અનિયમિતતતાના માથે ધ્રુવપંક્તિ અને તુકમાં અષ્ટકલના ચાર-ચાર આવર્તન અને ચારેય બંધમાં ત્રણ આવર્તનના માથે વધારાની એક ગુરુ-લઘુ માત્રા મૂકીને કવિ લયને સતત રમતો રાખે છે.

તો, જ્યાં કોઈ આવતું-જતું નથી એવા કોઈ નિર્જન, સૉરી, વિજન રસ્તા પર જવા માટેની ‘પ્રપોઝલ’નું આ ગીત છે. ૧૯૬૧માં લખાયેલું પણ આજેય તરોતાજા લાગે એવું એ સમયાતીત છે. આ નાયિકાની એકોક્તિ છે. નાયકનો જવાબ અહીં અભિપ્રેત નથી પણ સમજી શકાય છે કે નાયિકે નયિકાની દરખાસ્ત સ્વીકારી જ હશે. નાયિકા પોતાના મનની વાત કરવા માટે પહેલાં જ્યાં જવું છે એ નહીં પણ જ્યાં જવાની ઇચ્છા નથી એ ધોરી માર્ગની વાત કરે છે. કહે છે, જ્યાં લોકોની આવનજાવન વધારે છે એવા ધોરી મારગ પર જવાની મારી લેશ ઇચ્છા નથી. હાલ્યને વાલમ કહીને એ મીઠા લલકારે નાયકને એવું ઈજન આપે છે, જેને નકારવું કદાચ લોહી-માંસના બનેલા માણસ માટે તો શક્ય જ નથી. નજીકના ભીડભર્યા માર્ગે જવાના બદલે નાયિકા નાયકને દૂર આવેલ કોતરમાં બનેલો વિજન કેડો પસંદ કરવા સમજાવે છે.

કવિને વિજન કેડો આમેય વધુ પસંદ હોય એમ જણાય છે. નાયકને બદલે સહિયરોને પાછળના ભીડ વગરના રસ્તે જવા લલચાવતી નાયિકાના ‘પછવાડે’ નામના ગીતનો ઉઘાડ જોઈએ:

મારગડે સરિયામ આવજા
ઘટે જ્યહીં ના જરીયે,
ભર્યે બેડલે ઘૂંઘટભર શેં
ભીડ થકી સંચરિયે?!
પછવાડે થઈ હાલો, સૈયર! જળ ભરવાને જઈએ!

સ્વાભાવિક છે કે નાયકને ગળે દૂરનો રસ્તો પકડવાની વાત શીરાની જેમ નહીં જ ઊતરી હોય. પુરુષોનું તો આમેય ગણિત જ નોખું. એટલે નાયિકા હવે એ વેરાન રસ્તાની વકીલાત કરે છે. કહે છે, એ રસ્તો કંઈ અજાણ્યો નથી, વહાલમ. એ રસ્તે તો હું ઘણી વાર એકલી પણ પસાર થઈ છું ને સહેલીઓ સાથે પણ ઘણીવાર ત્યાં થઈને ગામ જવાનું થયું જ છે. કોતર છે એટલે બાજુમાં પહાડ કે ઊંચી જમીનને કોરીને કેડો બનાવનારી નદી પણ હોવાની અને નદી હોય એટલે સાગરની ભરતી-ઓટના કારણે નદીકાંઠે પાણીની વધઘટના લીધે ક્યાંક-ક્યાંક કાદવના કળણ પણ સર્જાયાં જ હશે. પણ જેમ માણસ પોતાના હાથને ઓળખવામાં ઘનઘોર અંધારામાંય ભૂલીનેય ભૂલ કરતો નથી, અદ્દલ એ જ રીતે નાયિકા કોતરના આ ઉજ્જડ રસ્તે આવેલ એક-એક કળણ-વળણને ઓળખે છે. વળણ શબ્દ એક તરફ કળણ સાથે લય મિલાવવામાં અને લોકબોલીમાં થતા શબ્દપ્રયોગનો દ્યોતક છે તો બીજી તરફ કળણ સિવાયના બીજા કોઈ પણ નડતર –એમ તમામનો એક સાથે સમાવેશ કરી લે છે. પોતાની વાતની પુષ્ટિ કરતી નાયિકા કહે છે કે નેસ જવાની આપણને કોઈ ઉતાવળ પણ ક્યાં છે જ, કેમક હજી તો અડધો દિવસ બાકી છે. બીજું, નેસની વાત છે એટલે નાયક-નાયિકાની જાતિ વિશે પણ જાણકારી મળે છે. સંસ્કૃત નિવેશ અને પ્રાકૃત ણિવેસ પરથી નેસ શબ્દ ઊતરી આવ્યો છે. નેસ કે નેસડો એટલે રબારીઓ કે ભરવાડોનું નિવાસસ્થાન. ગીરના જગલમાં આજેય માલધારીઓના નેસ જોવા મળે છે. રબારીની વાત પરથી કવિજીવનનો એક યાદગાર પ્રસંગ યાદ આવે છે.

રબારીઓના લગ્ન બાબતની દસ્તાવેજી સામગ્રી એકઠી કરવા આદરેલા કવિએ કચ્છ-ભ્રમણ કર્યું હતું એ સમયે ગુજરાતી ભાષાને ઊની આંચ આવનાર નથી એની પ્રતીતિ થઈ હતી. કવિના જ શબ્દોમાં: ‘એક લગ્નમાં બપોરવેળાએ એક ભાભુમા માળા ફેરવતાં’તાં ને ખાટની પડખે જ, નાની કાંટાળી વાડના ઘેરા બીચ, આછા ભીના પોતમાં વીંટયો એક રોપો જોઈ કવિએ પૂછા કરી. બાઈએ કહ્યું: ‘ઈ તો સાંયડી રોપી છે, ભલા!’ પળભર તો કીધું ઊકલ્યું નહીં, પણ પછી એક અવર્ણ્ય રોમાંચ અનુભવ્યો એ સહજ સર્યા ઉત્તરની ઓળખે. “છાંયડી” રોપી હતી. બસ. લીમડો, વડ-પીપળ કે પછી આંબો-આંબલી, ઝાડના નામનુંય અગત્ય નહોતું! ને એ વધતાં પહેલાં જ ઘેટાં-બકરાં ચરી ના જાય કે ધખતા ધોમ એને સૂકવી ના દે, માટે ફરતી મેલી હતી કાંટાળી વાડ અને માથે પાતળું ભીનું પોત! જેને વાંચતાં-લખતાંયે નહોતું આવડતું એવી એક અભણ ગ્રામનારીએ સહજ ઊભર્યા અલંકારની સાથોસાથ આપણી સંસ્કૃતિના એક મૂળભૂત મૂલ્યને પણ દોહરાવ્યું હતું! છાંયડી એટલે છત્રા-છાયા, આશ્રય અને રક્ષણ. જ્યાં લગી આપણાં જનગણમન મહીં ભાવ-કથનનું આવું સૌષ્ઠવ ભર્યું પડયું છે ત્યાં લગી ગુર્જરગિરાના સાતત્યને, કહો, શી આંચ આવશે?”

કવિતાના અન્ય એક સંસ્કરણમાં ‘ને ધાઈ એવી નથ નેસ જાવાની, હજી તો અરધો દન પડેલો!’ આ પ્રમાણે તુકની પંક્તિ જોવા મળે છે, જેમાં ધાઈ એટલે ઉતાવળ શબ્દ ઝપ્પ કરતોકને વહાલો થઈ પડે એવો છે. પણ કોઈક કારણોસર કવિએ એમના કાવ્યસંગ્રહમાં આ પંક્તિનું ‘ને નથ ઉતાવળ નેસ જાવાની હજી તો અરધો દન પડેલો!’ લખીને સરળીકરણ કરી નાંખ્યું છે.

કાવ્યસંગ્રહ સિવાયના સંસ્કરણમાં આવળ-બાવળવાળો બીજો આખો અંતરો જ ગેરહાજર છે. પણ સંગ્રહમાં એ છે એટલે એમ માની શકાય કે કવિએ પાછળથી એનો ઉમેરો કર્યો હશે. રસ્તામાં આવળ, બાવળ અને ખડચંપાના ફૂલો જ ફૂલો ખીલેલાં મળશે. બાવળનાં ફૂલ સામાન્યરીતે ચોમાસામાં અને શિયાળાની શરૂઆતના ભાગ સુધી ખીલતાં જોવાં મળે છે. મતલબ પ્રેમીઓની, ચોમાસાની આ ઋતુ હોવાનું અનુમાન કરી શકાય. આવળનાં ફૂલ તો સામાન્યતઃ શોભાનાં હોય છે પણ નાયિકાને કશાયનો બાધ નથી. એ નાયકને એને જે ફૂલ ગમે એ પોતાનાં કેશમાં નાંખવાને આહ્વાન આપે છે અને બદલામાં એ પણ નાયક માટે હાર ગૂંથી દેશે. એક તો કેડો દૂર છે અને વિજન છે ને વળી નાયિકાને માત્ર ત્યાંથી પસાર થઈ જવામાં રસ નથી પણ વચ્ચે-વચ્ચે થોભતા-થોભતાં ફૂલો વીણવામાં અને ગૂંથવામાં પણ રસ છે. મતલબ, એ નાયક સાથેના સોનેરી એકાંતની શક્યતાને વધુને વધુ લંબાવવાની આરત પણ ધરાવે છે. નદીકિનારે કોતરમાં ખીલેલાં આ ફૂલોની સુગંધની છોળ સાથે નાયક-નાયિકા જ નહીં, ઘેલો મદમત્ત પવન પણ ખેલનાર છે.

નાયિકાએ ગીતના પ્રારંભમાં પોતાનું મન શેમાં રાજી છે ને શેમાં નથી એની વાત કરી. પછી રસ્તાની પરિચિતતા અને સમયના વૈપુલ્યની દલીલ સામી મૂકી. એ પછી રસ્તામાં કેવાં-કેવાં સુગંધસભર રંગીન પ્રલોભનો ખીલેલાં હશે એની લાલચ બતાવી અને હવે એ પુરુષની દુઃખતી રગ દબાવે છે. એ એને શારીરિક પ્રેમની સંભાવના તરફ સંકેત કરે છે. કહે છે, મન થશે તો હાથમાં હાથના આંકડા ભીડીને ચાલશું, ને મન થશે તો હું તારી સોડમાં તને વળગીને ચાલીશ. ઇચ્છા થઈ આવશે તો તારા કાનની બૂટ ઝાલીને તારો ઊંચો ચહેરો મારી નજદીક આણીને તારા વહાલા વહાલા મુખડાને હું ચૂમી પણ લઈશ. સ્ત્રી-પુરુષના રતિયોગ-આસક્તિયોગની આ વાત છે. સાથે મળીને ઉલ્લાસનો હોંકારો આપીએ તો સહવાસના ગીત રણઝણી ઊઠે. ભીતરની ભોંયને પ્રેમથી અડીએ કે તરત અમીઝરણાં વહેતાં થઈ જાય. નાયિકાના પ્રગલ્ભ પ્રલોભનને શું નાયક ટાળી શકશે ખરો? વધુમાં નાયિકા ખાતરી આપે છે કે આપણો આ નેડો-સ્નેહ જોઈને આપણી ઈર્ષ્યાની આગમાં બળનારું પણ ત્યાં કોઈ નહીં હોય. એક બહુ-પ્રચલિત દોહો યાદ આવે છે:

એકલ નર અડધો અને એકલ અડધી નાર,
રતિઘેલાં ભેળાં રમે ને ગૂંજી રે’ સંસાર.

કોતરની હેઠે ઊંડા જળ વહેતાં હશે એનો ખળખળ અવાજ હશે ને આપણા માથે જંગલના ઝાડની છત્રછાયા હશે જે ભાતભાતનાં પંખીઓના કલરવથી ગૂંજતી હશે. અને આટલું સંગીત ઓછું હોય એમ વચ્ચે કેડા પર ચાલતાંચાલતાં મારા કંઠથી ગીત સર્યે રાખશે. આવી અમીરાત પેલા ધોરી માર્ગ પર વળી ક્યાં હોવાની? આ કેડે એકલાં જવાનું થાય તોય નાયિકાને એ સહેજસાજ નહીં, ઘણું-ઘણું પસંદ છે પણ પ્રિયજન સાથે હોય તો? નયિકાને ‘तबे एकला चलो रे’માં પણ કોઈ આપત્તિ નથી પણ एक से भले दो તો કોને ન ગમે? ને એમાંય આ તો મનનો માણીગર. ‘હોય તું ભેળો-’ કહીને કવિ સાયાસ પંક્તિ અધૂરી છોડી દે છે, કેમકે આ સહવાસનું સંગીત હવે આપણે ગણગણવાનું છે. આવા કોઈ વિજન કેડા પર સાથે જવા કોઈ નાયિકા આપણને વાસ્તવિક જીવનમાં કદાચ ઈજન ન પણ આપે પણ પ્રદ્યુમ્ન તન્નાના ગીતનો હાથ ઝાલીને આપણે સહુ આ વિજન કેડા પર આપણી મનમાનીતી પ્રિયાની સાથે એકાંતની મજા માણવા અવશ્ય ઊપડી જઈએ છીએ, ખરું ને?

થોભ્યાનો થાક – સુરેશ દલાલ

ભટકી ભટકીને મારા થાક્યા છે પાય
હવે પંથ મારો ચાલે તો ચાલું:
પોપચાં બિડાય ત્યારે ખૂંચે અંધાર
અને ઊઘડે ત્યાં સળગે અજવાળું;

વેદનાનું નામ ક્યાંય હોય નહીં એમ જાણે
વેરી દઉં હોંશભેર વાત;
જંપ નહીં જીવને આ એનો અજંપો
ને ચેનથી બેચેન થાય રાત.

અટકે જો આંસુ તો ખટકે;ને લ્હાય મને
થીજેલાં બિંદુઓ જો ખાળું !
સોસવાતો જાઉં છું સંગના વેરાનમાં
ને મારે એકાન્ત હું અવાક્ :

આઘે જવાના કોઈ ઓરતા નહીં ને અહીં
થોભ્યાનો લાગે છે થાક.
આંખડીના પાણીને રોકી રોકીને, કહો–
કેમ કરી સ્મિતને સંભાળું?

– સુરેશ દલાલ

દીપોત્સવીના દીવે દીવે – ચંદ્રકાન્ત શેઠ


દીપોત્સવીના દીવે દીવે દેવ, આંગણે આવો,
અંધકારનાં બંધન કાપી પ્રભાત મંગલ લાવો. –

ઘર-શેરી ને ગામ સર્વમાં રહો શુદ્ધિ-સમૃદ્ધિ;
રહો અમારા તન-મનમાંયે સુખ-શાંતિ-સંશુદ્ધિ;
નવા ચંદ્રથી, નવા સૂર્યથી અંતરલોક દીપાવો !-

જીર્ણશીર્ણ સૌ નષ્ટ થાય ને ઝમે તાજગી-તેજ;
હાથે-બાથે હળતાં-મળતાં હૈયે ઊછળે હેજ;
નવા રંગથી, નવા રાગથી માનસપર્વ મનાવો !-

આજ નજરમાં નવલી આશા, પગલે નૌતમ પંથ;
નવાં નવાં શૃંગો સર કરવા, આતમ ખોલો પંખ;
નવા દેશના, નવી દિશાના પવન સુગંધિત વાઓ.

– ચંદ્રકાન્ત શેઠ

કોઈ અમથું અમથું કાં યાદ આવે – હરીન્દ્ર દવે

કોઈ અમથું અમથું કાં યાદ આવે,
દૂર દૂર દૂર સુધી નીરવ એકાંત
છતાં ભીતરથી કોનો સાદ આવે !

આકાશે તારલાઓ ટમટમતા ચૂપ,
ચૂપ ખળખળતી નદીઓનાં પાણી,
લહેરાતા વાયરાનું કંપન ખામોશ,
કંઈયે કહેતી નથી ભીતરની વાણી,
વેણ એક હોઠથી ન નીસર્યું, ને તોય
સાવ અણચિંતવી દાદ કોક આવે.

નીડમાં સૂતેલ કોઈ પંખીની આંખ
જરા ટમકીને પાછી બિડાતી,
તેજની લકીર એક હળવેથી અડકી
ને ઝળાંહળાં થાય મારી છાતી,
બંધ મારી આંખોને કેમ આજ સૂરજનો
ઓચિંતો લાલ સ્વાદ આવે !
કોઈ અમથું અમથું કાં યાદ આવે……….

-હરીન્દ્ર દવે

ગ્લૉબલ કવિતા : ૯૭ : ઓચિંતી – લિઓનારા સ્પાયર

Suddenly

Suddenly flickered a flame,
Suddenly fluttered a wing:
What, can a dead bird sing?
Somebody spoke your name.

Suddenly fluttered a wing,
Sounded a voice, the same,
Somebody spoke your name:
Oh, the remembering!

Sounded a voice, the same,
Song of the heart’s green spring,
Oh, the remembering:
Which of us was to blame?

Song of the heart’s green spring,
Wings that still flutter, lame,
Which of us was to blame? —
God, the slow withering!

– Leonora Speyer

ઓચિંતી

ઓચિંતી સળગી એક ઝાળ
ઓચિંતી ફફડી એક પંખ:
શું, ગાઈ શકે એક મૃત વિહંગ?
કો’ક બોલ્યું આપનું નામ.

ઓચિંતી ફફડી એક પંખ,
અવાજ જાણે એ જ હો સાવ,
કો’ક બોલ્યું આપનું નામ:
ઓહ, યાદનો તે શો રંગ!

અવાજ જાણે એ જ હો સાવ,
ગીત – હૃદયની હરિત વસંત,
ઓહ, યાદનો તે શો રંગ!
આપણ બેઉમાં કોનો વાંક?

ગીત – હૃદયની હરિત વસંત,
પાંખ લૂલી હજી કરે ફફડાટ,
આપણ બેઉમાં કોનો વાંક?
પ્રભુ, મુરઝાવું આ મંદ!

– લિઓનારા સ્પાયર
(અનુ. વિવેક મનહર ટેલર)

સ્મરણ – મરણ પામેલા સંબંધની સંજીવની ?

જેમ દિવસ પછી રાતનું પડવું અને જન્મ પછી મૃત્યુનું ચક્ર ફરવું નિશ્ચિત જ છે, એમ શું પ્રેમમાં મિલન પછી જુદાઈ અફર જ હશે? મળ્યા તે મળ્યા, છૂટા પડવાનું જ નહીં એવું સદભાગ્ય કેટલા લોકોને નસીબ થતું હશે? પણ રહો… તડકો ન હોય તો છાંયડાની શી કિંમત? તરસ જ ન હોય તો જળનું શું મૂલ્ય? કદાચ અભાવ જ ભાવના ખરા દામ આંકવાની એકમાત્ર માપપટ્ટી છે. અને એટલે જ શૂન્ય જેવા કવિ ભલે એમ ગાય કે ‘કિસ્મતમાં કોઈના કદી એવી ન પ્રીત હો, જેમાં મિલનના હોઠે જુદાઈના ગીત હો’ પણ વાસ્તવિક્તા તો મકરંદ દવે આલેખી ગયા એ જ રહેવાની: ‘કોક દિન ઈદ અને કોક દિન રોજા, ઊછળે ને પડે નીચે જિંદગીના મોજાં.’ ખીણની ઊંડાઈ પર્વતની ઊંચાઈનું ખરું માપ કાઢી આપે છે. દર્દની પરાકાષ્ઠા જ સારવારની ખરી કદરદાન હોઈ શકે. દુઃખ જ ન હોય તો સુખની ઝંખના કોણ કરે? પ્રેમમાં પણ અનુપસ્થિતિ વિના ઉપસ્થિતિનો મહિમા જ શક્ય નથી. સાથે ને સાથે રહેવાથી આદત પડી જાય છે અને આદત માણસની કિંમત અડધી કરી નાંખે છે. પ્રિયજન નજરથી દૂર હોય ત્યારે જ એની ખરી કિંમતનો અંદાજ આવે છે. એક બહુ સુંદર ગીતમાં આનંદ બક્ષી લખી ગયા: लिखनेवाले ने लिख डाले मिलन के साथ बिछौडे| અમેરિકન કવયિત્રી લિઓનારા પ્રસ્તુત ગીતમાં સ્મરણનો હાથ ઝાલીને વિરહ પછીની ક્ષણોનો તાગ મેળવવાની કેવી કોશિશ કરે છે એ જોઈએ…

લિઓનોરા સ્પાયર. લેડી સ્પાયર. જન્મનું નામ લિઓનારા વૉન સ્ટોક. ૦૭-૧૧-૧૮૭૨ના રોજ અમેરિકામાં વૉશિંગ્ટન ડીસી ખાતે જન્મ. પિતા એક ઉમરાવ હતા અને માતા લેખિકા. બ્રુસેલ્સ, પેરિસ અને લાઇપ્સિગમાં સંગીત શીખ્યાં. એવું કહેવાય છે કે એમની હડપચી વાયૉલિન પકડવા જેટલી મજબૂત થઈ ત્યારથી તેઓ વાયૉલિન વગાડતાં હતાં. માત્ર ૧૭ વર્ષની વયે બૉસ્ટન સિમ્ફની ઓર્કેસ્ટ્રામાં કૉન્સર્ટ વાયોલિનવાદક તરીકે જોડાયાં. પાછળથી ન્યૂયૉર્ક ફિલહાર્મોનિકમાં ઉમદા ‘સૉલો’ વાદક તરીકે ખ્યાતનામ થયાં. ૧૮૯૪માં લુઈ મેરિડિથ હૉલેન્ડ સાથે લગ્ન અને ૧૯૦૨માં છૂટાછેડા. એ જ વર્ષે લંડનના બેન્કર સર એડ્ગર સ્પાયર સાથે લગ્ન જે ૧૯૩૨માં એડ્ગરના અવસાન સુધી ટક્યા. પહેલા પતિથી એક અને બીજા પતિથી ત્રણ દીકરીઓની માતા બન્યાં. જર્મન-વિરોધી લોકોના હુમલાઓ બાદ ૧૯૧૫માં બંને લંડન છોડીને ન્યૂયૉર્કમાં સ્થાયી થવા જતા રહ્યા. એ પછી જ એમણે કવિતા હાથમાં લીધી. ૧૯૨૭માં અત્યંત માનભર્યા પુલિત્ઝર પારિતોષિકથી તેઓ વિભૂષિત થયાં હતાં. ૧૦-૦૨-૧૯૫૬ના રોજ ન્યૂયૉર્ક ખાતે જ ૮૩ વર્ષની પાકટ વયે નિધન.

ન્યૂયૉર્કની કોલમ્બિયા યુનિવર્સિટીમાં કવિતા પણ શીખવતાં. એ કહેતાં, ‘કવિતા શીખવાડી શકાતી નથી, એ ભગવાનની લીલા છે. પણ કવિતાની સાચી પ્રક્રિયા – લેખન, શબ્દોના રંગ અને સંગીત, શીખી શકાય છે, શીખવા જ જોઈએ. અન્ય કોઈપણ વાદ્યની માફક આ વાદ્ય પર પ્રભુત્વ મેળવવું અનિવાર્ય છે.’ કવિતા માટે એમણે કહ્યું હતું: ‘એ એ જ કળાની પણ અલગ અભિવ્યક્તિ છે, કદાચ વધુ પ્રચ્છન્ન.’ કવિતાની ગલીઓમાં તેઓ સંગીતના સૂરતાલ ફંફોસતાં હતાં અને કદાચ એટલે જ એમની કવિતાનો લય અન્ય કવિઓ કરતાં વધુ પ્રવાહી, વધારે મૌલિક અને વધારે બળવત્તર સાબિત થયો છે. એમની કવિતાઓ ચાતુર્ય તથા સ્ત્રીવ્યક્તિત્વની અભિવ્યક્તિના કારણે ધ્યાનાર્હ બની. એક કવિ તરીકે એમનું નામ આકાશ આંબી શક્યું નથી એ અલગ વાત છે, બાકી એમની વીસમી સદીની શરૂઆતના કવિઓ, અને ખાસ કરીને કવયિત્રીઓમાં એમના કાવ્યો એક અલગ જ આભા ઊભી કરે છે એ હકીકત છે. એમની પ્રતિભા જેટલી પોંખાવી જોઈએ એટલી પોંખાઈ નથી એ એમનું નહીં, આપણું દુર્ભાગ્ય જ ગણી શકાય.

‘ઓચિંતી’ શીર્ષક તાત્ક્ષણિકતા અને આકસ્મિકતાનો અહેસાસ કરાવે છે. કવયિત્રી ભાવકને આ તાત્ક્ષણિક્તા અને આકસ્મિકતા –બંનેથી સુપેરે અવગત કરાવવા ઇચ્છે છે એટલે ગીત માટે એમણે એકદમ ટૂંકી બહેર પસંદ કરી છે. સામાન્યરીતે અંગ્રેજીમાં પેન્ટામીટર વધુ પ્રયોજાય છે પણ કવયિત્રીએ અહીં ટ્રાઇમીટર પ્રયોજીને પંક્તિઓ એકદમ ટૂંકી કરી દઈને જે વાત ‘ઓચિંતી’ કરવી છે, એને પ્રબળ વેગ સહિત રજૂ કરી છે. વળી ગીતનો લય એટલો પ્રવાહી થયો છે કે ગીત વાંચવું સંભવ જ નથી બનતું. ઇચ્છો કે ન ઇચ્છો, ગણગણાય જ જાય એવું મજાનું આ ગીત થયું છે. ચાર-ચાર પંક્તિના ચાર અંતરામાં દરેક અંતરાની બીજી અને ચોથી પંક્તિ એના પછીના અંતરામાં પહેલી અને ત્રીજી પંક્તિ સ્વરૂપે પુનરાવર્તન પામે છે. ફ્રેન્ચમાંથી ઊતરી આવેલ વિલાનેલ જેવા કાવ્યપ્રકારોમાં આવી રીતે આખીને આખી પંક્તિનું પુનરાવર્તન કરવાની પ્રયુક્તિ જોવા મળે છે. લિઓનારાનું આ ગીત આવા કોઈ સુનિશ્ચિત કાવ્યપ્રકારમાં બંધ બેસે છે કે કેમ એ સંશોધનનો વિષય છે પણ પુનરાવર્તન પામતી પંક્તિઓ કાવ્યાર્થને ગતિ આપવામાં નિર્ધાર્યા મુજબ સફળ થાય છે એ કવયિત્રીની સિદ્ધિ ગણી શકાય. પંક્તિઓની જેમ જ આખા ગીતમાં અ-બ-બ-અ / બ-અ-અ-બ મુજબ ઉલટસુલટ પ્રાસ જળવાયો છે, જ્યાં દરેક અંતરાની પહેલી અને ચોથી પંક્તિનો પ્રાસ આવનાર અંતરામાં બીજી-ત્રીજી પંક્તિનો પ્રાસ બને છે અને બીજી-ત્રીજી પંક્તિનો પ્રાસ આવનાર અંતરાની પહેલી-ચોથી પંક્તિનો પ્રાસ બની જાય છે. બે જ પ્રાસ વચ્ચેનો આ પકડદાવ પણ કવિતાની ગતિમાં ઉમેરો કરે છે અને ગેયતાને નવી જ ઊંચાઈ બક્ષે છે. મૂળ રચનામાં પહેલી બંને પંક્તિ suddenlyથી પ્રારંભાય છે અને કુલ સોળ પંક્તિઓમંથી નવની શરૂઆત ‘એસ’થી થાય છે. અનુવાદમાં એ જ પ્રકારે સોળમાંથી નવ પંક્તિમાં ‘અ’કાર સાચવવાની કોશિશ થઈ છે.

કવિતાનું શીર્ષક આપણને ‘આઉટ-ઑફ-નોવ્હેર’થી ધસમસી આવનારી કોઈક વાત માટે તૈયાર કરે છે. શીર્ષક કવિતાના ઘરમાં પ્રવેશવાનો ઉંબરો હોય છે એ વાત આ ગીતને શત પ્રતિશત લાગુ પડે છે. ભાવક તૈયાર થઈ જાય છે કે ચોક્કસ કંઈક ન ધારેલું બનનાર છે અને એ પણ કલ્પનાય ન હોય એવી ક્ષણે ક્ષણાર્ધમાં વીજળી ત્રાટકે એવી ઝડપથી. કવિતાનો ઉઠાવ પણ આ વચન નિભાવવા માટે પૂરેપૂરો કટિબદ્ધ હોય એમ કવિતા ‘ઓચિંતી’થી જ શરૂ થાય છે. કવયિત્રી કહે છે કે ઓચિંતી જ એક ઝાળ સળગી ઊઠી છે. તમે સાવ અન્યમનસ્ક કે શૂન્યમનસ્ક બેઠા હો અને તમારી ખાલીખમ નજર, જેને કશાયની કોઈ જ આશા ન હોય, એ નજર સામે જ અચાનક ‘કંઈ નહીં’માંથી ‘કંઈક’ ભડકો બનીને સળગી ઊઠે તો કેવા ચોંકી જવાય! બસ, બરાબર આ જ રીતે ઓચિંતી એક ઝાળ ભડકી ઊઠી છે. ઓચિંતી જ એક પાંખ પણ ફફડે છે. ઓચિંતી ઉપરાછાપરી બનેલી આ બે ઘટનાઓથી ભાવક તો આમેય અવાક જ થઈ ગયો હોવાનો. એટલે જે કંઈ કહેવાનું છે કે કવિએ જ કહેવાનું રહે છે. કવિતા આમ તો કારણોની મહોતાજ હોતી જ નથી પણ અહીં કવયિત્રી કારણ લઈને આવ્યાં છે, કારણ કે અહીં તો કારણ પોતે જ કવિતા છે!

ઝાળ અને પાંખના પ્રતીક આમ વચ્ચે સમાનાર્થી શું? જીવન જ ને! આગનો ભડકો અને પાંખનો ફફડાટ બંને સજીવતાના દ્યોતક છે. આગ બાળી શકે છે, તો રોશન પણ કરી શકે છે, રાંધી પણ શકે છે. પાંખ તો આમેય પોઝિટિવિટીથી ભરી પડી છે. પાંખ એટલે તો મંઝિલ તરફ લઈ જતાં ઊડતા પગ જ ને! આગ અને પાંખ બંને શક્તિ છે. અને અહીં આ બંને શક્તિ ઓચિંતી અકારણ જાગૃત થઈ છે. કોઈક પવન ફૂંકાયો લાગે છે, ને રાખ હટી લાગે છે અને આગ ભભૂકી ઊઠી છે. કો’ક સૂર્યોદય થયો લાગે છે, ને સવાર પડી લાગે છે ને પાંખ ફફડી છે. પણ, થોભો જરા! વાત આટલી સીધી પણ નથી. સીધી વાત કરી દે એ કવિતા શાની? તરત જ કવિ સવાલ પૂછે છે, શું મૃત પક્ષી ગીત ગાઈ શકે ખરું? અને આપણા મનમાં ઓચિંતો ચમકારો થાય છે કે વાત તો મરી ગયેલા પંખીની છે અને મરી ગયેલા પંખીમાં અચાનક જીવનની આગ અને સંગીતની પાંખના થયેલ સળવળાટની- પુનર્જીવનસંચારની છે… અને આ સંચાર કેમ થયો છે? કેમકે કોઈક તમારી સામે તમારા પ્રિયપાત્રનું નામ બોલ્યું છે.

અને આખી વાત તરત સ્પષ્ટ થઈ જાય છે. નાયિકા એકલી છે. જીવનહીન છે. જીવતી લાશ બની ગઈ છે. કારણ કે એ જેને ચાહે છે અથવા ચાહતી હતી એ પ્રિયજન આજે એની સાથે નથી. જનારો દેહમાંથી પ્રાણ પણ લઈ ગયો છે. પણ નાયિકાની આસપાસની કોઈક વ્યક્તિ કોઈક કારણસર એ પ્રિયજનનું નામ ઉચ્ચારે છે અને એ નામોચ્ચારણ માત્રથી લાશમાં શ્વાસ ફૂંકાય છે! ‘હજી આંખો નથી મીંચાઈ, ઊગે છે હજીયે પુષ્પ; કબર પાસેથી તું ગુજરે એ આશામાં જીવે છે લાશ.’ લાશ અચાનક જીવી ઊઠી છે. રાખ બની ગયેલા કોલસામાંથી અચાનક આગ ભભૂકી છે. મરી ગયેલા પંખીએ અચાનક પાંખ ફફડાવી છે. એક તરફ મૃત પક્ષીનું પ્રતીક મૂકીને બીજી તરફ સ્મૃતિઓને પાંખ ફફડાવતી બતાવીને લિઓનારા વિરોધાભાસમાંથી કેવો કમાલ સર્જે છે! જે લાગણીઓને મરી પરવારેલી સ્વીકારી લેવાઈ છે, એ ‘ઓચિંતી’ જ એક નામ-સ્મરણ માત્રથી ફિનિક્સ પંખીની જેમ પોતાની જ રાખમાંથી આળસ મરડીને બેઠી થઈ જાય છે. જો કે એની હારોહાર જ ભૂતકાળને વર્તમાનમાંથી ફરી ભૂતમાં ખદેડી કાઢવાની મથામણ પણ ચાલુ છે.

લિઓનારા કાવ્યસ્વરૂપને વશવર્તીને જે પંક્તિઓનું પુનરાવર્તન કરે છે એ જ પુનરાવર્તન પામતી પંક્તિઓ કવિતાના અર્થને ઘૂંટવામાં માત્ર સહાયભૂત જ નથી થતી, ઉમદા કવિકૌશલ્યની સાહેદી પૂરતી ન હોય એમ અનિવાર્ય પણ બની રહે છે. કો’ક પ્રિયજનનું નામ બોલે છે અને ઓચિંતી જાણે કે એક પાંખ ફફડે છે. પ્રિય નામની આસપાસ રચાયેલી દુનિયા પણ અદભુત હોવાની! પ્રેમ આપણી આંખો પર अखिलम् मधुरम्ના ચશ્માં પહેરાવી દેતો હોય છે એટલે આપણે જે કંઈ જોઈએ-સાંભળીએ છીએ એ બધું જ ગમે છે. પ્રેમના મોજાં જ્યાં સુધી ઓસરતાં નથી ત્યાં સુધી કાંઠો પથરાળ છે કે નહીં એ દેખી શકવું સંભવ જ નથી. વિશ્વાસમાં ઓટ આવે નહીં ત્યાં સુધી પ્રેમની ભરતી વાસ્તવિક્તાના કાંઠાને ફીણાળા ભ્રમના છિનાળાથી ઢાંકી જ રાખે છે. સમય સહવાસના શ્વાસમાંથી વિશ્વાસને ભૂંસી નાંખતું ઇરેઝર છે. એ ધીમે ધીમે ક્રૂર હાથોથી વિશ્વાસ ભૂંસતો રહે છે. માટે જ લગ્નજીવન જેમ જૂનું થાય છે એમ વધુ પક્વ થવાના બદલે મોટાભાગે વધુ સડતું જતું જોવા મળે છે.

નાયિકાની આંખ પર પ્રેમનાં ચશ્માં હજી યથાવત્ છે. સમય એના શ્વાસમાંથી વિશ્વાસ કદાચ હજી ભૂંસી શક્યો નથી. ને એટલે જ ઓચિંતી પાંખ ફફડતાં જે અવાજ ઊઠે છે એ એને એના પ્રિયજનનો જ અવાજ હોવાની આશંકા જન્મે છે. એને લાગે છે, અરે! આ તો એનો જ અવાજ. અદ્દલ એના જેવો જ. એનો જ. કોઈ માત્ર પ્રિયજનનું નામ જ બોલ્યું છે અને યાદો પાંખ ઊઘાડીને, ઝાળ પ્રગટાવીને એના નયનરમ્ય રંગોની રજૂઆત કરે છે… લિઓનારાની કવિતાઓમાં ઊર્મિઓની ઉડાન અને ઊંડાણ બંને અદમ્યમાત્રામાં પ્રગટ થતાં જોવા મળે છે. ‘મેઝર મી, સ્કાય’ નામની કવિતામાં અંતે એ કહે છે:

આકાશ, મારું ઊંડાણ બન;
પવન, મારી પહોળાઈ અને મારી ઊંચાઈ બન;
દુનિયા, મારા હૃદયનો વિસ્તાર:
એકલતા, પાંખો મારી ઉડાન માટેની!

એના જીવનમાં જે એકલતા આવી હશે, એને ગળે પથરાની જેમ બાંધીને હતાશાના દરિયાના તળિયે ડૂબી જવાના બદલે એમણે એ એકલતાને પાંખ બનાવીને અસીમ ઉડ્ડયન કરવાનું વધુ પસંદ કર્યું હતું. ન્યૂયૉર્ક આવ્યા બાદ એમને જ્ઞાનતંતુઓની બિમારી (ન્યુરાઇટિસ) થઈ, જેનો એ સમયે કોઈ ઈલાજ નહોતો. આ બિમારીએ એમને વાયોલિન પડતું મૂકવા મજબૂર કર્યાં ત્યારે એમની મિત્ર એમી લૉવેલે એમને ઇમેજિસ્ટ પોએટ્રી તરફ આકર્ષિત કર્યાં. એ પછીથી જ લિઓનોરાએ કવિતા લખવી આદરી. પણ વીસમી સદીના પ્રારંભની કવિતા જ્યારે મહદ અંશે ઓગણીસમી સદીની બીબાંઢાળ કવિતાઓથી ગ્રસિત હતી એવા સમયે એમણે જે કવિતાઓ લખી હતી એ આજે એકવીસમી સદીમાં પણ તરોતાજા લાગે એવા આધુનિકતમ કલ્પનોથી ભરી પડી હતી. ‘ઑફ માઉન્ટેઇન્સ’ કવિતામાં જે રૂપક એમણે પ્રયોજ્યા છે એ આ વાત સિદ્ધ કરવા પૂરતા છે:

…પછી હું ઊઠી
અને મારી આંખોમાંથી ગ્રહોની ધૂળ વાળી કાઢી,
અને ચિલ્લાતી ફરી વળી એ ચિલ્લાતા કલાકમાં,
અટકી તો એક પહાડને ફૂલની જેમ ચૂંટવા માટે
જે આકાશની સામે ઊંચો વધ્યો હતો.

આમ, પોતાના જમાનાથી આગળ ચાલતી કવયિત્રી પંક્તિની પુનરોક્તિ વડે પોતાની વાતને દૃઢીભૂત કરતાં-અંડરલાઇન કરતાં કહે છે કે અવાજ તો જાણે આબેહૂબ એનો જ હતો. અને મરી ગયેલ પંખી પુનર્જીવિત થાય એ જ રીતે સૂકાઈ ગયેલ હૃદયમાં પણ જાણે કે આ અવાજના જાદુથી લીલીછમ વસંત ફરી વળી છે. અને એનું દિલ આ લીલી વસંતના ગીત ગાવા માંડ્યું છે. રવીન્દ્રનાથનું ગીતાંજલિગાન અહીં સંભળાય છે: ‘Only let me make my life simple and straight, like a flute of reed for thee to fill with music.’ (મને માત્ર મારી જિંદગી સરળ અને સીધી બનાવવા દે, વાંસની એ વાંસળીની જેમ, જેને તારે સંગીતથી ભરી દેવાની છે.) ઓહ, આ તે યાદનો કેવો રંગ છે, જે તારા નામ સાંભળવા માત્રથી મારા હૃદયને લીલા વાસંતી ગીતોથી છલકાવી દે છે! હવે, આમાં તો બેમાંથી કોનો વાંક કાઢવો? તું, જેણે મને પ્રેમમાં પાગલ કરી છે એનો કે હું, જે પ્રેમમાં પાગલ થઈ ગઈ છું એનો? ગુનેગાર કોણ? કૃષ્ણ કે રાધા? શ્યામ કે મીરાં? પ્રેમ તમને સહેલાઈથી સામા પાત્રનો વાંક કાઢવા દેવાની ફૅસિલિટી પણ આપતો નથી. પ્રેમ હોય ત્યાં સુધી પરસ્પર પર દોષારોપણ કરવું દોહ્યલું બની રહે છે કેમકે જીવનમાં દોષારોપણનો પ્રવેશ થતાં જ પ્રેમ પાછલા બારણે જિંદગીનું ઘર છોડીને પલાયન થવા માંડે છે.

પણ લિઓનારાનું આ ગીત પ્રેમનું મહિમાગાન નથી, સ્મરણનું મહાકાવ્ય પણ નથી. છોડી ગયેલા પ્રેમીના પ્રેમમાં એ હજીય તરબોળ છે એની ના નહીં, એના નામની હવા માત્રથી હજીય એના પોલા અને છિદ્રાળુ બની ગયેલા જીવતરમાંથી સંગીતના સૂર રેલાવા શરૂ થઈ જાય છે એનીય ના નથી પણ એનું આ ગીત એ ફરિયાદનું ગીત છે, વેદનાના આકાશને ચીરી નાંખતો આર્તસ્વર છે. ફૂલ સહજ મસૃણતાથી એ વાસ્તવિક્તાનો કાંટો સીધો આપણા હૃદયમાં ઊતારી દે છે અને આપણને ચીસ પાડવાનો અવસર પણ નથી આપતાં. એની એ પંક્તિઓ ફરી પુનરાવર્તન પામે છે પણ હવે એનો અર્થ બદલાય છે અને કાવ્યાંતે કવિતાના શીર્ષકની જેમ જ ભાવકને બિલકુલ ‘ઓચિંતી’ જ પ્રતીતિ થાય છે કે આ કવિતા કવયિત્રીએ પ્રેમ કે સ્મરણના ગુણગાન ગાવા માટે નથી લખી પણ દિલમાં જન્મેલી વેદનાને યથોચિત વાચા આપવા માટે જ ગાવી પડી છે.

હૃદય લીલી વસંતના ગીત હજીય ગાઈ રહ્યું છે. સ્મરણની એકદા મરણ પામી ચૂકેલી જે પાંખ પુનર્જીવન પામીને ફફડી ઊઠી હતી, એનો ફફડાટ હજી ચાલુ છે પણ લૂલો પડ્યો છે. ‘ઓચિંતી’ આવી ચડેલી યાદે ક્ષણાર્ધ માટે તો બધું જ લીલુંછમ કરી નાંખ્યું પણ સાથોસાથ રુઝાવા આવેલા ઘાને પણ એણે લીલો કરી દીધો છે. જે વેદના સમય સાથે ભૂલાવા ને ભૂંસાવા આવી હતી એ વેદના પણ ‘ઓચિંતી’ તાજી થઈ છે. ભૂલી જવાયેલી બધી જ તકલીફો આળસ મરડીને જાગી છે. ક્યારેક દિલમાં પડેલા પણ વિસરી જવાયેલા દર્દના ચીરા આગની જ્વાળાની જેમ ભભૂકી ઊઠ્યા છે. એક ક્ષણ માટે તો એમ જ લાગે છે કે યાદની આંધી ઘરમાં જામી ગયેલી ધૂળ સાફ કરી નાંખશે પણ બીજી જ ક્ષણે ખ્યાલ આવે છે કે આ આંધી ધૂળ નહીં, કદાચ આખા ઘરને જ સાફ કરી નાંખશે. ‘આપણ બેઉમાં કોનો વાંક?’ પંક્તિ બીજીવાર આપણી સામે આવે છે ત્યારે તદ્દન નવાનક્કોર અર્થના કલેવર સજીને આવે છે. અહીં પંક્તિનું પુનરાવર્તન સાચા અર્થની ખરી ધાર કાઢી આપે છે. કવયિત્રી પ્રેમીજનનો એકલાનો વાંક પણ કાઢતાં નથી. એ પોતે દોષી હોવાનો એકરાર પણ કરતાં નથી. સમય-સંજોગોનો વાંક હતો કે નહીં એ વિશે પણ એક શબ્દ ઉચ્ચારતાં નથી. એ માત્ર ઈશ્વરના નામનો નિઃસાસો મૂકતાં મંદ મંદ મુરઝાવાની હકીકત આપણી સામે ‘ઓચિંતી’ મૂકી દઈને કવિતાને ‘ઓચિંતી’ જ સમાપ્ત કરી દે છે.

સ્વાભાવિક છે કે આ એક સ્ત્રીની કવિતા છે. આ કવિતા એક સ્ત્રીની જ કવિતા હોઈ શકે. એક સ્ત્રી જ આટલા બધા પ્રેમથી ભરીભાદરી ફરિયાદ કરી શકે. જીવનમાં વિયોગ આવી ગયો છે, કદાચ કાયમી વિયોગ આવી ગયો છે. અળગાં થઈ જવાની નિયતિને એ હદે સ્વીકારી લેવાઈ છે કે હવે તો સ્મરણ પણ બહુધા મરણ પામ્યાં છે. સંબંધ અહેસાસની સીમાની પેલી પાર જઈ પહોંચ્યો છે, કદાચ ક્ષિતિજનીય પેલી પાર; ને એટલે જ હવે જીવનમાં એવો ખાલીપો છે જેમાં એ સંબંધ કે એના અહેસાસનું ટીપુંય બચ્યું નથી. ક્યારેક જે ગહન હશે એ પ્રેમસંબંધ ગેરહાજરી સુદ્ધાં ન વર્તાય એ હદે ગેરહાજર થઈ ગયો છે. એવામાં એક નામ કાને પડે છે. સદીઓથી સ્થિર થઈ ગયેલાં પાણીમાં જાણે એક પથ્થર પડે છે અને અચાનક જ વમળો સર્જાય છે. નામની પાછળ-પાછળ યાદો દોડી આવે છે. યાદોની સાથોસાથ પસાર થયેલું આખું જીવન પુનર્જિવિત થઈ જાય છે. ભૂલી જવાયેલી સારી યાદોની સાથોસાથ છૂટાં પડતી વખતે સહન કરવા પડેલા તમામ ઘા પણ આગની જ્વાળાની જેમ ભભૂકી ઊઠે છે. કવયિત્રી સ્વીકારી લે છે કે જીવનનો છોડ સ્નેહ-સહવાસના ખાતર-પાણી વિના ધીમે ધીમે કરમાવા પડ્યો છે પણ એ બેમાંથી કોઈનો વાંક કાઢવા હજીય તૈયાર નથી. જે નામમાત્ર આજેય પોતાના આખાય અસ્તિત્વને હચમચાવી દેવા સક્ષમ છે એ વ્યક્તિનો પણ વાંક કાઢવા તૈયાર ન થાય એવું અભૂતપૂર્વ ઔદાર્ય ઈશ્વરે માત્રને માત્ર સ્ત્રીજાતિને જ સોંપ્યું છે… માટે જ કહેવાની ફરજ પડે છે કે આ એક સ્ત્રીની કવિતા છે. આ કવિતા એક સ્ત્રીની જ કવિતા હોઈ શકે….

અન્ય એક કવિતામાં લિઓનારા આવી જ વાત આવી જ નજાકત સાથે રજૂ કરે છે, એ પણ સાથે માણવા જેવી છે:

તારા પ્યારા મૃત હૃદય પરથી હું ઊઠીશ
સાનંદ એક ડાળી બનીને,
કહીશ, ‘‘અહીં સૂએ છે એક ક્રૂર ગીત,
ક્રૂરતાપૂર્ણ શાંતિથી હવે.’’

હું કહીશ, ‘‘અહીં સૂતી છે જૂઠી તલવાર,
હજીય મારી સચ્ચાઈ એના પરથી ટપકી રહી છે;
અહીં સૂતું છે મેં બનાવેલું સીવેલું મ્યાન,
મારા યૌવનથી ગૂંથેલું.’’