Category Archives: ગીત

એક પ્રણયગીત

આંખ સામે એક ચહેરો તારો: તરે અને તરવરે,
કોઇ પનિહારી ઘડુલો એનો ખાલી કરે ને ભરે.

સ્મરણની આ કેવી બલિહારી
જળ છલકછલક છલકે,
અલકમલકની અઢળક માયા
મંદ સુગંઘ મલકે.

સમંદરનાં જળ વાદળ થઇને ઝરમર ઝરમર ઝરે
આંખ સામે એક ચહેરો તારો: તરે અને તરવરે.

ચહેરો તારો સૂરજ જેવો
મહેક મોગરા જેવી,
રાતરાણીની સુગંધ હવામાં
રહે ઘૂંટાઇ એવી.

રાધા-શ્યામ તો એકમેકને આંસુ નિજનાં ધરે
કોઇ પનિહારી ઘડુલો એનો ખાલી કરે ને ભરે.

ઊગે છે – કૃષ્ણ દવે

કોઇ બાળકના ચહેરે મુસ્કાન ઊગે છે,
મને લાગે કે જાણે ભગવાન ઊગે છે!

કોઇ માળામાં નાનકડું ગાન ઊગે છે,
મને લાગે કે જંગલને કાન ઊગે છે!

મેં તો માન્યું જે મારું ખોવાઇ ગયું રે,
એ તો માટીના ખોળે સચવાઇ ગયું રે,
કોઇ હમણાં આવીને જરા ગાઇ ગયું રે,
મારું હોવું ના હોવું ભીંજાઇ ગયું રે,

કોઇ ધરતીનું લીલુંછમ ધ્યાન ઊગે છે,
મને લાગે મોંધેરા મહેમાન ઊગે છે!

મેં તો ટોચે જઇ દરવાજા ખોલી જોયા,
બે’ક આંસુ મળ્યાં તો એને તોલી જોયાં,
મારા હોઠે હરખાઇ એને ગીતો ગણ્યાં,
મેં તો તરણાંના કાનમાં એ બોલી જોયાં,

પછી પથ્થરમાં ખળખળ તોફાન ઊગે છે,
મને લાગે પર્વતનું સન્માન ઊગે છે!

નૈને નૈન મળે જ્યાં છાના…. – બરકત વિરાણી ‘બેફામ’

આજે શ્રી કૃષ્ણ દવે નો જન્મદિવસ.. એમના મારા તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!
————

સ્વરઃ મુકેશ અને લતા મંગેશકર
સંગીતઃ કલ્યાણજી આણંદજી

.

નૈને નૈન મળે જ્યાં છાના, થાયે બંને દિલ દીવાના
તમને પારકા માનું કે માનું પોતાના

નૈને નૈન મળે જ્યાં છાના, વાતો હૈયાની કહેવાના
તમને પારકા માનું કે માનું પોતાના

વાગ્યા નજરોનાં તીર, થયું મનડું અધીર
શાને નૈન છૂપાવો ઘૂંઘટમાં

શરમાઈ ગઈ, ભરમાઈ ગઈ
મેં તો પ્રીત છૂપાવી અંતરપટમાં

મનમાં જાગ્યા ભાવ મજાના, જાણે થઈએ એકબીજાનાં
તમને પારકા માનું કે માનું પોતાના

મળે હાથમાં જો હાથ, મળે હૈયાનો જો સાથ
મને રાહ મળે મંઝીલની

રહે સાથ કદમ, હોય દર્દ કે ગમ
દુનિયાથી જુદી છે સફર દિલની

સાથે કોના થઈ રહેવાના, કહી દો દિલનાં કે દુનિયાનાં
તમને પારકા માનું કે માનું પોતાના

———–

ખોબો ભરીને અમે -જગદીશ જોષી

સ્વર : નિરુપમા શેઠ.

.

ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.

ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં
કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં.
કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.

ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ?

કૂવો ભરીને અમે એટલું રડ્યાં
કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.

H खामोशी में पुकार है.. (મૌન નો નાદ….)

એક વાર ‘ડી’ને ભીંજવતા ગીતોમાં મને મારા એક ઘણાં ગમતા ગીતના શબ્દો મળી ગયા. કોઇ ગીત એ.આર.રહેમાનનું હોય, તો એ ગીત ગમી જવા મોટેભાગે તો એ એક જ કારણ પુરતું હોય.

આ ગીત હિંદીમાં અને English માં પણ સાંભળવાની એક અલગ મઝા છે.

‘ડી’ના શબ્દોમાં જ કહું તો ‘પરાભૌતિક અનુભવ કરાવતું આ ગીત જરુર સૌને ગમશે…!’

સ્વર ઃ સાધના સરગમ

warriors

Composer: A. R. Rahman
English Lyrics: BlaaZe
Vocalist: Sunitha Sarathy

———————————–

खामोशी में पुकार है..
आहों का बाझार है..
तनहा दिल बेझार है..
आजा हम इस पार है..

सेहरामें आई है शाम,डूबा दिन करके सलाम.
सर्द हवा का झोंका तेरे नाम,
तलवारों को अपनी दे आराम…..

धरती के ईस आंगन को,खून से ना रंग दामन को,
होना था जो वो हो चूका..
होता है खुद वक्त गवाह,तीखी यादें भुल भी जा,
अश्कों में डूबी है क्युं ये जां..?
सूरज कल फीर आयेगा, जीवन चलता जायेगा,
पलने दे अरमां का जहां…

क्युंकी तु तन्हा ही नहिं है संग तेरे हम,
दिल की आंखों से देखे है तुज़को हमदम..
हर लम्हा…….

मुज़को दे आवाझें तु,जब भी चाहे साथी तु,
जैसे पर्बत छलके सागर में,बांटे तन्हाई हम साथे में…

मुश्किल में आसानी है,तकलीफों मे राहत है,
ईनसे भी आगे नीकल जा तु…
अपने भी खोये तुने,आंसू भी पाये तुने,
हिम्मत को मंझिल देगा तु….

क्युंकी तु तन्हा ही नहिं है संग तेरे हम,
दिल की आंखों से देखे है तुज़को हमदम..
हर लम्हा…….

खामोशीमें पुकार है..
आहोंका बाझार है..
तनहा दिल बेझार है..
आजा हम इस पार है..

———————————–

Composer: A. R. Rahman
English Lyrics: BlaaZe
Vocalist: Sunitha Sarathy

Warriors on Pace- forever more
Warriors in peace – no time for war
Warriors in deed – we know the score
Warriors of heaven & Earth below …

Continue reading →

થાંભલીનો ટેકો ને ઓસરીની કોર – વિનોદ જોષી

સ્વર : વિરાજ / બીજલ ઉપાધ્યાય
સંગીત : દક્ષેશ ધ્રુવ

.

સ્વર : અંતરા નંદી, અંકિતા નંદી
સ્વરાંકન : દક્ષેશ ધ્રુવ

થાંભલીનો ટેકો ને ઓસરીની કોર,
કણબીની છોકરીએ પાળ્યો રે મોર,
મોર ટહુકા કરે, મોર ટહુકા કરે…

એણે પાંચીકા અમથા ઉલાળ્યા,
પછી છાતીમાં ટહુકાઓ પાળ્યા,
કાળજળું કાચું ને રેશમનો ભાર,
એનઘેન પાંપણમાં નવસેરો હાર,
હાર ઝુલ્યા કરે… મોર ટહુકા કરે…

મોરપીંછાની વાત પછી ઊડી,
ઠેઠ સાતમે પતાળ જઇ બૂડી,
ઉગમણી કેડી ને આથમણાં ગીત,
નીચી તે નજરું ને ઊંચી તે ભીંત,
ભીંત ઝૂર્યા કરે… મોર ટહુકા કરે…

પછી ડૂમો ઓઢીને રાત સૂતી,
બેઉ આંખો અંધારામાં ખૂંતી,
સૂનમૂન ફાનસમાં અજવાળાં કેદ,
નીંદરની વારતામાં ઢાંક્યાં રે ભેદ,
ભેદ ખૂલ્યા કરે… મોર ટહુકા કરે…

ધ્રુસકે ચડશે – કૃષ્ણ દવે

આંખ્યુંમાં ઝળઝળિયાં રે, કોઇ રોકો નહિતર ધ્રુસકે ચડશે,
અંદરથી ખળભળિયાં રે, કોઇ રોકો નહિતર ધ્રુસકે ચડશે !

રાજપાટને હડસેલીને જેને માટે નીકળેલી એ મીરાંને
સામે મળિયા શામળિયા રે, કોઇ રોકો નહિતર ધ્રુસકે ચડશે…

છાતીમાં વિખરાયેલા એ કાટમાળને રહી રહીને જોયા કરતી આ પગલીની
કૈંક યાદના
તૂટ્યાં તૂટ્યાં તળિયાં રે, કોઇ રોકો નહિતર ધ્રુસકે ચડશે…

સોનપરીનાં સપનાં આવે એવી નાજુક કીકીઓમાં
ઠાંસી અંધારા ભરતાં શરમ ન આવી ?
અરે ચાંદનીના ક્યારામાં
રોપ્યાં કાં બાવળિયા રે, કોઇ રોકો નહિતર ધ્રુસકે ચડશે…

રોકો એને રોકો રે આ ગમગીની ઘેઘૂર બને એ પ્હેલાં
એને રોકો રે, એ પીડા નામે ગામને પાદર
હમણાં મળિયાં રે, કોઇ રોકો નહિતર ધ્રુસકે ચડશે…

ચાલ્યા જ કરું છું – અવિનાશ વ્યાસ

સ્વર : મુકેશ
સંગીત : કલ્યાણજીભાઇ

.

ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું,
આ જગત જન્મ્યું જ્યારથી, ચાલ્યા જ કરું છું
ચાલ્યા જ કરું છું

સંસારની પગથારને કોઇ ઘર નથી,
મારાજ ઘરમાં ક્યાં જવું એ મુજને ખબર નથી,
શ્રધ્ધાનો દીવો દિલમાં પ્રગટાંવ્યાં કરું છું
ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું

હસ્તી નથી એની જ હસ્તી ધારી લઇને,
બુધ્ધિ કરે જો પ્રશ્ન એને મારી લઇને,
મંદિરમાં જઇ ઘંટને બજાવ્યા કરું છું,
ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું

નાટક કરું છું જે હું નથી તે હું થઇને,
મરું છું કોઇ વાર મીઠું ઝહર લઇને,
જેણે બનાવ્યો એને હું બનાવ્યા કરું છું,
ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું

એક છોકરીના હોય ત્યારે કેટલા અરીસાઓ – રમેશ પારેખ

આજે ફરી એક વાર હસ્તાક્ષર…

આમ તો હસ્તાક્ષરના દરેક આલ્બમની જેમ આ ‘રમેશ પારેખ’ ના હસ્તાક્ષરમાંથી પણ કોઇ એક ગમતુ ગીત પસંદ કરવું હોય તો મુશ્કેલ કામ. એમ થાય કે ‘સાંવરિયો’ને પસંદ કરું, તો ‘મનપાંચમના દરિયા’ને ખોટું ના લાગે? ‘આંખોના દ્રશ્યો’ને યાદ કરું કે ‘છોકરીના હાથથી પડતા રૂમાલ’ને ?

છેવટે મેં પસંદ કર્યું આ ગીત : ‘એક છોકરીના હોય ત્યારે કેટલા અરીસાઓ સામટા ગરીબ બની જાય છે’.
શ્યામલ-સૌમિલની જોડીએ ઘણો સરસ કંઠ આપ્યો છે. આ આખા ગીતમાં મને સૌથી પહેલા યાદ રહી ગયેલી, અને સૌથી વધુ ગમતી પંક્તિઓ :

સૌ સૌ નો સૂરજ સૌ સાંચવે પણ છોકરીના હિસ્સાના સૂરજનું શું?
આમ તો સવાલ આખા ગામનો છે પણ, કેવળ છોકરાને આવે આંસુ.

indian_princess_PI51_l

સ્વર અને સંગીત : શ્યામલ – સૌમિલ મુન્શી

એક છોકરી ન હોય ત્યારે
કેટલાં અરીસાઓ
સામટા ગરીબ બની જાય છે

બીજું શું થાય
કંઈ પથ્થર થઈ જાય
કંઈ ચોખંડી ચીજ બની જાય છે

શેરીના છેવાડે ઊભેલા છોકરાને
શું શું નહિ થાતું હોય બોલો
હાથમાંને હાથમાં જ મોગરાનું
ચીમળાતું ફૂલ બની જાય ફરફોલો

અંધારું સાંજ પહેલા
આંખોમાં ઘેરી વળે
એવો બનાવ બની જાય છે

સૌ સૌનો સૂરજ સૌ સાચવે પણ
છોકરીના હિસ્સાના સૂરજનું શું
આમ તો સવાલ આખા ગામનો છે
પણ કેવળ છોકરાને આવે આંસુ

ગામ વચ્ચે ઓગળતો
ઓગળતો છોકરો
કંઈ પણ નથી જ બની જાય છે

( કવિ પરિચય )

માણિગર મોરલીવાળો શ્યામ…

krishna_poster_PZ27_l

.

માણિગર મોરલીવાળો શ્યામ, છબીલો છેલછોગાળો શ્યામ,
હળવેથી આવીને રંગભર ખેલેને, સન્મુખ આવીને કરે નૈણનો ચાળો
માણિગર મોરલીવાળો શ્યામ…

કામણગારો પેલો, કાનુડો કાળો પેલો, જમુનાને તીરે મારી વાટ્યું જુએ શ્યામ
ઝટથી આવી મારી ગાગરિયું ફોડીને, મારુ તનમન ભીંજવી દોડી જાતો, પેલો નંદનો લાલો
માણિગર મોરલીવાળો શ્યામ…

જશોદાનો જાયો, રાધાજીનો વ્હાલો, નંદજીનો લાલો પેલો ગાયોનો ગોવાળ
ગામને જગાડવાને નટખટ રંગીલાએ, વાંસળીનો સૂર રેલાવ્યો, આનંદ છવાયો
માણિગર મોરલીવાળો શ્યામ…