Category Archives: ધ્રુવ ભટ્ટ

ચાર લીટીનો કાગળ થઈને – ધ્રુવ ભટ્ટ

સ્વર : જન્મેજય વૈદ્ય

.

લો…..
ચાર લીટીનો કાગળ થઈને અમે આપને મળવા આવ્યા
હરૂભરૂનો ખયાલ લઈને અક્ષરમાં ઓગળતા આવ્યા.

આમ જુઓ તો લખવા જેવું કામ નથી કંઈ અને છતાં છે
જુદાં ગણો તો આપણ બેનાં નામ નથી કંઈ અને છતાં છે
નામ-કામ-કારણનો સઘળો ભાર તજીને હળવા આવ્યા
ચાર લીટીનો કાગળ થઈને અમે આપને મળવા આવ્યા

લખવામાં તો કાં, કેમ છો બેઠા છો ને ? પૂછવા જેવું
નથી લખ્યું તે તમે સમજજો આંખ ભરીને લૂછવા જેવું
ભર બપ્પોરે ટપાલ રસ્તે ઝરણું થઈ ખળખળવા આવ્યા
ચાર લીટીનો કાગળ થઈને અમે આપને મળવા આવ્યા.

સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત

ઝીલો – ધ્રુવ ભટ્ટ

આજે માણીએ કવિ ધ્રુવ ભટ્ટની આ વરસાદી ગઝલ..!!

આ ઝરમર ઝરમર ઝરી રહ્યાં તે જળને ઝીલો
આ ધરતીથી આકાશ બની સાંકળને ઝીલો.

આ એક જ ટીપું આખે આખાં સરવર દેશે
ધરો હથેળી અચરજના અવસરને ઝીલો

આ કણ કણ લીલી લીલા છે નાચી ચોગરદમ
જીવતર જેણે પ્રગટાવ્યાં તે બળને ઝીલો

આ નથી ફક્ત આકાશી ઘટના ઝીલી શકો તો
ઘટ-ઘટ ઊમટી ઘેરાયાં વાદળને ઝીલો

આ ઉમ્મર પદવી નામ ઘૂંટ્યા તે ભૂંસી દઈને
અંદર અનરાધાર વસ્યા બાળકને ઝીલો

આ મહેર કરી છે મહારાજે મોટું મન રાખી
ખોલી દો ઘૂંઘટપટ વરસ્યા વરને ઝીલો

–  ધ્રુવ ભટ્ટ

ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને – ધ્રુવ ભટ્ટ્

કવિ – ધ્રુવ ભટ્ટ્
સ્વરકાર-ગાયક – અનંત વ્યાસ
આલ્બમ – દિલાવરી

.

ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને
કદી ધીરેથી પૂછે કે કેમ છે ?
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં
ને ઉપથી કુદરતની રહેમ છે.

ફાટેલા ખીસ્સાની આડમાં મૂકી છે અમે
છલકાતી મલકાતી મોજ;
એકલો ઊભું ને તોયે મેળામાં હોઉં એવું
લાગ્યા કરે છે મને રોજ,
તળું વસાય નહીં એવડી પટારીમાં
આપણો ખજાનો હેમખેમ છે….

આંખોમાં પાણી તો આવે ને જાય
નથી ભીતર ભીનાશ થતી ઓછી;
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ
નથી પરવા સમંદરને હોતી,
સૂરજ તો ઊગે ને આથમી યે જાય
મારી ઊપર આકાશ એમનેમ છે….

જાદુ – ધ્રુવ ભટ્ટ

ચાલ સખી, પાંદડીમાં… અને એ ગીત મારા કહેવાય કઇ રીતે? કવિ ધ્રુવ ભટ્ટ ના બંને ગીતો મારા ખૂબ જ ગમતાં ગીત..! જેટલીવાર સાંભળો એટલીવાર કવિની કલમને દાદ આપવાનું મન થાય.. અને આ ગીતમાં કવિએ કુદરતના જાદુને પણ આબાદ રીતે કલમથકી ઉજાગર કર્યો છે..! ખરેખર, કુદરતના સૌંદર્યના દરેક રૂપને જોઇને એ નકરો જાદુ જ લાગે ને?

(નકરો જાદુ…. Top of Nevada Falls, Yosemite N.Park, Apr 09)

* * * * *

લોક કહે ડુંગર પર ઊગ્યાં છે ઝાડ,
મારાં ઝાડવાંમાં ડુંગર રમમાણ છે,
આખો યે દેશ સાવ વાદળ થઇ જાય
એવા નકરા જાદુનું આ કામ છે.

કાળા-જૂના પથ્થરમાં ઊભી તિરાડ સમી
આકરી વ્યથામાં સ્હેજ જોવું,
અંદર છે ઝરણાને રણઝણતું રાખવાને
આખાયે જંગલનું હોવું.
ક્યાંક કંઇક કોળે તો એક વાત જાણીએ કે
ધરતી તો ઊગવાનું જ્ઞાન છે.

આખો યે દેશ સાવ વાદળ થઇ જાય
એવા નકરા જાદુનું આ કામ છે.
લોક કહે ડુંગર પર ઊગ્યાં છે ઝાડ,
મારા ઝાડવામાં જંગલ રમમાણ છે.

મહુડા કે સાગડામાં આથમતા સૂરજથી
જંગલની વારતાઓ થાય નહીં;
રંગ-રૂપ, ગંધ-સ્વાદ, શબ્દ-ઢોલથાપ વિના
જંગલના ગીતો ગવાય નહીં.
જંગલ તો હાથ મૂકો છાતીએ ને
સાંભળી લો એવા થડકારનું નામ છે.

લોક કહે ડુંગર પર ઊગ્યાં છે ઝાડ,
મારાં ઝાડવાંમાં ડુંગર રમમાણ છે,
આખો યે દેશ સાવ વાદળ થઇ જાય
એવા નકરા જાદુનું આ કામ છે.

– ધ્રુવ ભટ્ટ

હાથમાં કરતાલ હૈયે વ્રણ મળે – ધ્રુવ ભટ્ટ

હાથમાં કરતાલ હૈયે વ્રણ મળે
માનસરના હંસ જેવું પણ મળે.

એક સાદું વસ્ત્ર અડવાણે ચરણ
મુઠ્ઠીભર માગી લીધેલાં કણ મળે.

રોજ મુજને હું મળું નવલા રૂપે
ને અજાણેવેશ નારાયણ મળે.

લો બધા ધર્મો પરિત્યાગ્યા હવે
આવ મળવાનું તને કારણ મળે.

કંઠમાં ગીતો હલકમાં વેદના
ને અલખનો ઓટલો રણઝણ મળે

એક વણજારે ગાળેલી વાવ – ધ્રુવ ભટ્ટ

ભોયે ચીતરેલ બધા મારગને ચાતર્યા મેં દરિયામાં ઝંખી નહીં નાવ,
તળિયેથી મારામાં જાગતી થઇ છે એક વણજારે ગાળેલી વાવ

આંખમાં ઉજાગરા તો અવનીને હોય નથી સૂરજની રાત ક્યાંય થાતી
ચરણો તો કોક વાર થાકે રોકાય કોઇ રોકી શકાય નહીં છાતી
અણજાણી વાર ક્યાંક રણના મુકામ અને વગડાઓ બોલાવે આવ
રોમ રોમજાગતી થઇ છે એક …

મેં જ મને કોઇ દિવસ ભાળ્યો ન હોય એવી વાયકા સમાન મારું હોવું
મારામાં ક્યાંક એક આદમી વસે ને ક્યાંક રેતભરી આંધીનું ટોળું
વાદળ વસે તો કહું વરસી પડો ને કોક માળો કરે તો કહું ગાવ
મારામાં રોમરોમ જાગતી થઇ છે કે એક વણજારે ગાળેલી વાવ

ચાલ સખી, પાંદડીમાં… – ધ્રુવ ભટ્ટ

જેટલીવાર સાંભળો એટલીવાર એમ થાય, કે ફરીથી એકવાર સાંભળીયે. શબ્દો સમજવા મને થોડા અઘરા લાગ્યા, પણ તો યે ખૂબ પોતીકું લાગે છે આ ગીત…
મૂળથી ટોચ સુધી લહેરાતી લાગણીનું ગીત :

સ્વર : અમર ભટ્ટ
સંગીત : ક્ષેમુ દિવેટીઆ

.

ધ્રુવ ગીત ચેનલ ઉપર મુકાયેલું ગીત સાંભળો,

સ્વર : હેમંત જોષી ,જલ્પા જોષી
સંગીત સ્વરાંકન : હેમંત જોષી

ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાની
જેમ ફરી જિંદગીને મૂકીએ,
ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય
કે લાગણી ગણાય એમ પૂછીએ.

વેદના તો અડીખમ ઉભો કંઠાર
જતાં આવતાં જુવાળ ભલે કોતરે,
સુખ સાથે આપણો તો જળનો સંબંધ
ક્યાંક રેતી ઢાંકે ને ક્યાંક ઓસરે.

છીપલાની હોડીને શઢથી શણગાર ચાલ
કાંઠો છોડીને હવે ઝૂકીએ,
પાંદડીમાં ઝાકળનાં ટીપાંની જેમ
ફરી ચાલ સખી જિંદગીને મૂકીએ.

ચાંદનીને ચાંદનીનું નામ ન’તા દે’તા
એ વાતો અકબંધ મને યાદ છે,
વૃક્ષ પછી ડાળ પછી પંખીનો માળો
ને ઉપર આકાશ જેવો સાદ છે.

મૂળમાંથી ફૂટે ને ટોચ લગી જાય
એવી લાગણીને કેમ રે ઉવેખીએ,
ઝાકળશી જિંદગીને પાનની લીલાશ પરે
ચાલ સખી એક વાર મૂકીએ.

————————

માણસમાત્રની એક ઝંખના હોય છે કે તેની ગતિ તમસો મા જ્યોતિર્ગમય બને, જડતામાંથી લાગણીશીલતા તરફ બને. કાર અને mobile phoneના model બદલાય એમ માણસ સંબંધો પણ ફટાફટ બદલે છે, પણ એનું મન ક્યારેક તો ઝંખે છે ભીનાભીના અતૂટ ભાવભર્યા સંબંધને! ચામડીને ચીપકીને માણસ સુખ તો ભોગવે છે, પણ એનું મન ક્યારેક ઝંખે છે સાચા પ્રેમને! Continue reading →