આજે હિમાંશુભાઇની એક સાદ્યંત સુંદર રચના… ( બધા જ શેર સરસ મજાના છે. અને એમાં પણ મક્તા તો મને ખૂબ જ ગમી ગયો..!
મારામાં પણ હવે કદી, હું કયાં મળું છું દોસ્ત?
મળશે ફરી જો ‘હું’ કદી, મળશું ફરી કદી
આ ગઝલ પાછળ પણ એક વાર્તા છે – જે આપ હિમાંશુભાઇના ‘એક વાર્તાલાપ‘ પર વાંચી શકશો.
‘આપણે મળશું ફરી કદી..’ આ શબ્દો આમ જુઓ તો છેતરામણા છે. એક જ શહેરમાં રહેતા મિત્રને આ શબ્દો કહ્યા હોય તો કેટલા routine લાગે ! પરંતુ દૂર-દેશમાં રહેતા મિત્રો મળે, અને છૂટા પડતી વખતે આ જ શબ્દો કહે ત્યારે કેટલી લાગણીઓ છલકાય છે એમાં… ખબર છે કે જલ્દી નથી મળવાના.. મહિનાઓ કે વર્ષો નીકળી જશે….
અને ઘણીવાર છૂટા પડતી વખતે ક્યાંય એવું પણ હોય છે કે – ફરી મળશું ખરા?… તો પણ ક્યાં કોઇ કહી શક્યું છે કે ફરી નહી મળીએ કદાચ..! ત્યારે પણ શબ્દો અને કદાચ લાગણીઓ એ જ કહેતી હોય છે.. મળશું ફરી કદી…
અને મનોજભાઇ એ जाने बहार हुस्न तेरा बेमिसाल है… ના સંગીત પર આ ગઝલ એવી સરસ રીતે રજૂ કરી છે કે જાણે આ સંગીત આ શબ્દો માટે જ બન્યું હોય..!
સ્વર : મનોજભાઇ મહેતા
ચાલો પછી તો આપણે મળશું ફરી કદી
બાકી રહી જે વાત તે કરશું ફરી કદી
ભીનાશ કોઇ પણ હવે તો સ્પર્શતી નથી
ઝાકળ થઇને ફુલથી ઝરશું ફરી કદી
ઘરથી પરે આ ઘર કર્યું, ચાલો ભલું થયું
શું મેળવ્યું ને શું ગયું? કળશું ફરી કદી
ગુંજ્યા કરે છે ચોતરફ, પડઘા અતિતના
વાળીને આજ, કાલમાં વળશું ફરી કદી
મારામાં પણ હવે કદી, હું કયાં મળું છું દોસ્ત?
મળશે ફરી જો ‘હું’ કદી, મળશું ફરી કદી
– હિમાંશુ ભટ્ટ (૨૦૦૪)