પછી તો
નાંગરેલું વહાણ છોડીને ધક્કેલ્યું.
ચાલ્યું.
અર્ધેક પહોંચતાં
સમુદ્રે પૂછ્યું : ‘થાક્યો ને ?’
‘તેથી શું ? જવું જ છે આગળ.’ મેં કહ્યું.
‘આટલા વજન સાથે ?’ સમુદ્ર હસ્યો.
જવાબમાં, હલેસાં વામી દીધાં.
એક તસુ આગળ.
સમુદ્ર ખડખડ હસ્યો.
પગ તોડીને વામી દીધા.
સમુદ્ર હસ્યો ખડખડ
કોણી સુધીના હાથ વામ્યા.
એક તસુ આગળ
ખડખડ હસ્યો સમુદ્ર.
કબંધ વામ્યું તે ક્ષણે
હવાઓ ચિરાઈ ગઈ.
રંગો ભર ભર ખરી પડ્યા આકાશના.
દિશાઓનાં થયાં ઊભાં ફાડિયાં.
સમુદ્ર ચુપ.
થરથરતો જુએ.
વહાણમાં આરૂઢ શેષ મસ્તકને,
જેમાં વળુંભે છે કાળી વીજળીઓ.
-રમેશ પારેખ
कुछ पाने के लिए कुछ खोना पडता है…
કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો,
અડગ મનનાં મુસાફરને હિમાલય નથી નડતો
બે જ પંક્તિમાં શૂન્ય પાલનપુરી સફળતા માટે મક્કમ નિર્ધાર કેટલો આવશ્યક છે એ સમજાવી ગયા. કામ કોઈ પણ હોય, જ્યાં સુધી એને અંજામ આપવાનું નક્કી ન કરી લઈએ ત્યાં સુધી એ પરિપૂર્ણતાના દર્શન કરવા પામતું નથી. નિશ્ચયની અનુપસ્થિતિમાં ઘણીવાર તો કાર્યનો આરંભ જ થતો નથી હોતો. આપણે ‘પંગુ લંઘયતે ગિરિમ્’ અથવા ‘A will will find a way’ કહીએ છીએ ત્યારે પણ મનોબળનો જ મહિમા કરતાં હોઈએ છીએ. આ કામ કરવું જ છે એવું નક્કી કરીને ઘરેથી નીકળો તો જ ‘રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ’ (ગની દહીંવાળા) જેવા ચમત્કાર થાય. રમેશ પારેખની આ કવિતા મક્કમ મનોબળનું મહિમાગાન કરે છે.
રમેશ મોહનલાલ પારેખ. ૨૭-૧૧-૧૯૪૦ના રોજ અમરેલી ખાતે જન્મ. શાળામાં હતા ત્યારે જ એમની વાર્તા ચાંદનીમાં છપાઈ હતી. મેટ્રિક સુધી અભ્યાસ. સંગીત, ચિત્રકળા, જ્યોતિષ અને કવિતામાં ઊંડો રસ. સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં ચિત્રકળા માટે જવું હતું પણ આર્થિક ભીડ આડી આવી. અમરેલી જિલ્લા પંચાયત કચેરીમાં જોડાયા. ૧૯૬૨ સુધી વાર્તાઓ લખી અને ૧૯૬૭માં કવિતા હાથ ધરી તે એવી ધરી કે આંબી ન શકાય એવું સીમાચિહ્ન બની ગયા. ૪૮ વર્ષની વયે સરકારી નોકરીમાંથી નિવૃત્તિ લઈ ફૂલ-ટાઇમ સરસ્વતીદેવીની નોકરી સ્વીકારી. રસીલાબેન પત્ની. નેહા અને નીરજ બે સંતાન. ૧૭-૦૫-૨૦૦૬ના રોજ ૬૫ વર્ષની વયે કર્મભૂમિ રાજકોટ ખાતે હૃદયરોગના હુમલાના કારણે નિધન. રમેશ પારેખ એટલે દોમદોમ કવિતાની સાહ્યબીથી રોમરોમ છલકાતો માણસ. રમેશ પારેખ એટલે નખશિખ ગીતોના મોતીઓથી ફાટફાટ થતો સમંદર. રમેશ પારેખ એટલે ગુજરાતી ભાષાનું અણબોટ્યું સૌન્દર્ય. રમેશ પારેખ એટલે લોહીમાં વહેતી કવિતા. રમેશ પારેખ એટલે ‘છ અક્ષરનું નામ’. પાટણમાં સિદ્ધરાજ જયસિંહે આચાર્ય હેમચન્દ્રના ‘સિદ્ધહેમ’ ગ્રંથની શોભાયાત્રા કાઢી હતી એની સદીઓ બાદ રમેશ પારેખની વર્ષગાંઠના દિવસે ૧૯૯૧માં અમરેલી શહેરના લોકોએ એમની સમગ્ર કવિતાના ગ્રંથ -‘છ અક્ષરનું નામ’-ની રથયાત્રા કાઢી હતી જેમાં રમેશ પારેખ પણ પગપાળા સામેલ હતા. શબ્દો સાથે એવો તો ઘરોબો કે કેટલાંક શબ્દો ને કાવ્યો તો વાંચતાં જ જણાય કે આ તો ‘રમેશ-બ્રાંડ’ છે. બીજો કોઈ કવિ આ સૂર્યના તાપને અડવાનું વિચારી ય ન શકે.
ર.પા. એમના ભાષાવૈવિધ્ય અને લયની મૌલિક્તા માટે જાણીતા “સ-જાગ” કવિ છે. મોરારીબાપુએ કહ્યું હતું, ” આ કવિ કંઈક ભાળી ગયો છે. આ કવિ સતત સર્જન કરતો કવિ છે. તેને કદી કસુવાવડ થઈ નથી”. ર.પા.નું શબ્દ-વિશ્વ અ-સીમ છે. બહુ જૂજ કવિઓ એવા હશે જેમના હાથે ખુદ શબ્દો મોક્ષ પામે છે ! સીટી વગાડવા જેવી કદાચ ઉતરતી કક્ષાની વાત પણ ર.પા. પાસે આવીને સાહિત્ય બની જાય છે. કવિતામાં એના જેવું વિષય-વૈવિધ્ય અને શબ્દ-સૂઝ પણ ભાગ્યે જ કોઈના નસીબે હશે. ગુજરાતી સાહિત્યના પાનાં પર રમેશ પારેખ એક વર્તુળ છે. નથી એનો કોઈ આદિ કે નથી અંત. એમાં હૃદયને બટકે એવાં કોઈ ખૂણા નથી કે નથી આંખમાં ખટકે એવી કોઈ વક્ર રેખા. ર.પા.એ વર્તુળની પૂર્ણતાનો વ્યાસ છે. એ વધે છે તો કોઈ એક દિશામાં નહીં, ચોમેર. કવિતાનો એવો કોઈ પ્રકાર નથી જ્યાં ર.પા.એ પગ મૂક્યો હોય અને શબ્દોએ એનો ચરણાભિષેક ન કર્યો હોય. ગીત, ગઝલ, છંદોબદ્ધ કાવ્યો, સૉનેટ, અછાંદસ, બાળગીત, કટાક્ષ કાવ્ય, હાઈકુ- જેને એનો ‘મિડાસ ટચ’ મળે એ ભાષાની ખાણનું સોનું બની જાય. એની કવિતાના શ્રીગણેશ કરવાં હોય તો સોનલ નામનું શ્રીફળ પહેલું વધેરાય. મીરાંને નીચે પોતાની સહી કરવાનું મન થઈ જાય એ સહજતાથી લખાયેલાં મીરાંકાવ્યો ર.પા.ના જીવનનું શિરમોર છોગું છે.
કવિએ છંદ વિશે કહ્યું હતું: ‘મંને છંદો પર ઊંડે ઊંડે શ્રદ્ધા છે. એક વિશિષ્ટ અર્થમાં છંદની કાવ્યને મંત્ર બનાવી નાખતી શક્તિમાં શ્રદ્ધા છે. છંદની નાભિમાં એક એવી ઊર્જા છે જેના સ્પર્શ માત્રથી શબ્દને નિર્વીર્ય ભાષાની ભ્રમણકક્ષાની બહાર જ્યાં તર્કાતીત આનંદના અનુભવો આપણી રાહ જોઈ રહ્યા છે ત્યાં પહોંચાડી શકાય છે.’ છંદનાભિનું ભેદન થાય તો જ નવું વિશ્વ ખુલી શકે એવી શ્રદ્ધા ધરાવનાર ‘લયના કામાતુર રાજવી’ તરીકે ખ્યાત રમેશ પારેખ ‘વહાણવટું’ નામે અછાંદસ કવિતા લઈને આવ્યા છે. ઉત્તરાયણના દિવસે ૨૦૦૫માં લખાયેલું આ કાવ્ય અછાંદસ કવિતાઓમાં એક અલગ જ ભાત પાડે છે. વહાણવટુંમાંનો ‘વટું’ શબ્દ સંસ્કૃત ‘વૃત્તિ’ પરથી ઉતરી આવ્યો છે. વહાણ ચલાવવું જ જેની વૃત્તિ છે એવો કોઈ માછીમાર કે વેપારી વહાણ લઈને દરિયાની છાતી ધમરોળવા નીકળી પડ્યો છે એટલી વાર્તા તો શીર્ષક જ કહી દે છે. ત્રેવીસ પંક્તિઓ અને ૮-૭-૪-૪ પંક્તિઓના અંતરાઓમાં વહેંચાયેલા આ અછાંદસમાં કવિએ ક્યાંય કોઈ પણ લાંબું વાક્ય પ્રયોજ્યું નથી. હાથમાં લેતાં જ પૂરું થઈ જાય એવા ટબુકડા વાક્યો, સમુદ્ર અને નાવિક વચ્ચેની ત્રણેક ટૂંકી પ્રશ્નોત્તરીનો હાથ ઝાલીને કવિતા ઝડપભેર તોફાની જિદ્દી દરિયામાં અનુભૂતિની નાનકી નાવમાં બેસાડીને આપણને વહાણવટે લઈ જાય છે.
અછાંદસ કવિતા કેવી હોવી જોઈએ એ સવાલનો જવાબ આ કવિતા તંતોતંત આપી શકે એમ છે. એ સિવાય ર.પા.નું આ અછાંદસ ખરી કવિતાની વિભાવના સમજવામાં પણ મદદ કરે એવું છે. કવિતાનો ઉપાડ ‘પછી તો’ થી થાય છે એ કવિતા શરૂ થતા પહેલાના કાવ્યનાયક અને સમુદ્ર વચ્ચે થયેલા વણકહ્યા સંવાદ સાથે ભાવકનો સેતુ બાંધી આપે છે. બની શકે કે દરિયાએ પ્રવાસ શરૂ કરતાં પૂર્વે જ એને ચેતવ્યો હોય કે રહેવા દે, આ સફર હું તને ખેડવા નથી દેવાનો. નાયકે વાક્યુદ્ધમાં ઉતરવાના બદલે કાંઠે નાંગરેલી નાવને ધકેલવાનું જ વધુ ઉચિત ગણ્યું હશે. હશે, આગળની વાતો અપ્રસ્તુત છે અને કવિને નાયકની જેમ દરિયો લાંઘવાની ઉતાવળ હશે કે કેમ, પણ કવિતા અડધેથી શરૂ થાય છે. આ જ ખરી કાવ્યકળા છે ને! લંગર પરથી લાંગરેલું શબ્દ આપણે ત્યાં વધુ પ્રચલિત છે એટલે ‘નાંગરેલું’નો પ્રયોગ ભાવકને અટકાવે છે. લાંગરેલું શબ્દ જે રીતે સાચો છે એ જ રીતે નાંગરેલું શબ્દ પણ સાચો છે. દેશ્ય ભાષાના ણંગર કે ણંગલ અથવા ફારસી લંગર ઉપરથી આંગર શબ્દ ઉતરી આવ્યો છે. સંસ્કૃતમાં એને મળતો શબ્દ છે લાંગલ. નાંગરનો એક અર્થ થાય છે લંગર અથવા નાંગળ યાને વહાણ અટકાવી રાખવા માટે પાણીમાં નાંખવામાં આવતો અંકોડો. એ પરથી નાંગરવું એટલે નાંગર નાંખીને વહાણને ઊભું રાખવું, લંગરવું. એક રૂઢિપ્રયોગ પણ છે: “નાંગળ નાખવાં” યાને કે લાંબા વખત માટે ઉતારો કરવો. મેઘાણીની એક પંક્તિ પણ યાદ આવે: ‘ઊંડા જળ એલાણ નાંગળ તૂટ્યાં નાગડા.’
નાયક નાંગરેલ વહાણને દરિયામાં ધક્કેલે છે. ધક્કેલ્યુંમાં જે બેવડો ‘ક’કાર આવે છે એ નાવને સમુદ્રમાં ધકેલવાની ક્રિયામાં વધારાનો વેગ પૂરો પાડી કાવ્યને વધુ ગતિશીલ બનાવે છે અને નાયકના જોશ અને નિર્ધારને દ્વિગુણિત પણ કરે છે. ધકેલવું અને ધક્કેલવું વચ્ચેનો આ અડધા અક્ષરનો તફાવત સક્ષમ કવિકર્મની સાહેદી છે. વહાણ એનો ધર્મ નિભાવે છે. ‘ચાલ્યું’ કહીને એક જ શબ્દનું વાક્ય પ્રયોજીને ફરી કવિ અમૂર્ત ગતિને મૂર્ત કરવામાં સફળ થાય છે. પણ કાવ્યનાયકના વહાણવટાની ઈચ્છા સામે અફાટ અસીમ સમુદ્ર એક પડકાર સમો ઊભો છે. નાયક અર્ધેક પહોંચે છે ત્યારે સમુદ્ર એને થાક લાગ્યો હોવા બાબત ખાતરીપૂર્વક પૃચ્છા કરે છે. સમુદ્રને ખાતરી છે કે નાની અમથી નાવ સાથે સાગરપાર કરવા નીકળેલ આ કાળા માથાનો માનવી હવે થાક્યો જ હશે. નાયક પણ વાસ્તવવાદી છે. એને થાકનો ઇન્કાર નથી. સવાલનો જવાબ એ સવાલથી આપે છે- ‘તેથી શું?’ અને તરત જ ‘જવું જ છે આગળ’ કહીને પોતાનો ઇરાદો પણ સાફ બતાવે છે. હોડીમાંના વધારે પડતા વજન સામે સમુદ્ર ઉપાલંભભર્યું હાસ્ય વેરે છે. જવાબમાં નાયક સમુદ્રમાં હોડી આગળ ચલાવવાના એકમાત્ર ઓજાર હલેસાંઓને સમુદ્રમાં ફેંકી દે છે. તરત જ પ્રશ્ન થાય કે શું નાવમાં વજન સાચે જ ‘આટલું’ હશે? ભાર ઘટાડવાની નેમથી જો નાયક હલેસાં જ હોમી દેતો હોય તો એનો અર્થ જ એ કે નાવ, હલેસાં અને જાત –આ ત્રણ સિવાય નાવમાં બીજું કશું છે જ નહીં અને તોય સાગર ‘આટલા વજન સાથે?’ જેવો સવાલ કરે છે અને નાયક હલેસાં ત્યજી દઈને વળી સવાલની પુષ્ટિ પણ કરે છે. ‘જવાબમાં હલેસાં વામી દીધાં’ એમ સળંગ વાક્ય લખવાના બદલે કવિ જવાબમાં પછી અલ્પવિરામ પ્રયોજે છે, જે ભાવકને ક્ષણેક રોકે છે જેથી નાયકની ચેષ્ટા તરફ ધ્યાન આપ્યા વિના કવિતામાં આગળ વધવાની ગુસ્તાખી કે ઉતાવળ ભાવક ભૂલથીય ન કરી બેસે. વાહ કવિ! બીજું, અહીં કવિ એક અંતરો પૂરો કરીને બે પંક્તિ વચ્ચે એક પંક્તિ જેટલી ખાલી જગ્યા મૂકે છે. અને હલેસાંને વજન ગણવાની સમુદ્ર અને નાવિક- બંનેની ચેષ્ટા બાદ આવતો આ અવકાશ આપણને એ સમજવાનો સમય આપે છે કે દેખીતી વાત ભલે સાગર, નાવિક અને વહાણવટાંની હોય, પણ કવિ કોઈક બીજું જ નિશાન તાકી રહ્યા છે.
વેગપૂર્વક કવિતા આગળ વધતી રહે છે. માત્ર ૩-૩-૪-૩-૪-૩-૩ શબ્દોની બનેલી ટૂંકીટચરક પંક્તિઓમાં તસુભર જ આગળ વધી શકતી હોડી, સાગરનું અટ્ટહાસ અને નાયકનો નિર્ધાર રજૂ થાય છે. એક પછી એક વસ્તુ સમુદ્રમાં પધરાવતા જઈને પણ પોતાના આગળ વધવાના મક્કમ સંકલ્પને -ભલેને તસુભર જ કેમ ન વધાય- નાયક સતત જીવતો રાખે છે અને સમુદ્રને સામો પડકારતો રહે છે. પહેલાં હલેસાં, પછી પગ, પછી કોણી સુધીના હાથ અને છેલ્લે તો એ પોતાનું આખેઆખું ધડ હોમી દે છે. નાવમાંનો બોજ હળવો કરવા માટે ગમે એ હદ સુધી પોતે જશે પણ યેનકેન પ્રકારેય આગળ તો વધીશ જ એવા હુંકારથી હળવી થયેલી નાવ ભરાઈ જાય છે. આ આખી ક્રિયા દરમિયાન સમુદ્ર હસતો રહે છે. સાત પંક્તિઓમાં ઉપરાછાપરી ત્રણવાર પુનરાવર્તિત થતા વાક્યમાં માત્ર ‘ખડખડ’ શબ્દનું સ્થાન બદલીને કવિ એકતરફ સમુદ્ર દ્વારા નાયકની ઊડાડાતી ઠેકડીને ઉત્તરોત્તર તીવ્રતર બનાવે છે તો બીજી તરફ ખડખડનું બદલાતું જતું સ્થાન નાવની ગતિ પણ સૂચવે છે. આ જ કવિકર્મ છે. કવિતા ભલે અછાંદસ હોય, સાચો શબ્દ સાચા સમયે સાચી જગ્યાએ આવે તો અને તોજ એ ગૌરવાન્વિત થાય છે. ર.પા.ને શબ્દોનું ગૌરવ કરવાની કળા જન્મજાત હસ્તગત છે.
નાયક વડે આગળ વધના યજ્ઞમાં પોતાના કબંધ-ધડની આહુતિ આપવાની ક્ષણે કવિતામાંથી સમુદ્ર હટી જાય છે. ત્રીજા બંધમાં કવિએ એને હાજર રહેવા દીધો નથી. અચાનક આખી સૃષ્ટિ કવિતામાં આવી ઊભે છે. હવાઓ ચિરાઈ જાય છે, આકાશના રંગો ભર ભર યાને કે તત્કાળ ખરી પડે છે અને દિશાઓનાં ઊભાં ફાડિયાં થઈ જાય છે. બલિદાનની આ પરાકાષ્ઠા છે. હવા વહેતી બંધ થઈ જાય છે. આકાશમાંથી રંગો ગાયબ થઈ જાય છે. દિશાઓનું જાણે અસ્તિત્વ જ રહેતું નથી. ઓછામાં ઓછા શબ્દોમાં કવિ એક સક્ષમ ચિત્રકારની પીંછીના બળે આખેઆખું દૃશ્ય શ્રુતિસંવેદન અને ગતિવ્યંજનાથી આપણી સમક્ષ ચાક્ષુષ કરે છે. આ શબ્દની તાકાત છે. આ કવિનો જાદુ છે. કવિનો શબ્દ છંદના પહેરણનો મહોતાજ નથી એ વાત અહીં ખૂલે છે.
નાયકનો અભૂતપૂર્વ ત્યાગ અને न भूतो न भविष्यति તૈયારી જોઈને સાગરની બોલતી જ બંધ થઈ જાય છે. નાયકની સતત હાંસી ઊડાવતો સમુદ્ર થરથરી ઊઠે છે. કોઈપણ ભોગે આગળ વધવાની ઇચ્છાની પરિપૂર્તિ માટે નાયકનું આવું બલિદાન જોઈ પ્રકૃતિ અને સમુદ્ર બંને નમી જાય છે. ‘વજન’ ઓછું કરાયેલ વહાણમાં એકમાત્ર બચેલા મસ્તક માટે કવિ ‘આરૂઢ’ શબ્દ પ્રયોજે છે જે સિંહાસનારૂઢ શહેનશાહ જેવું ગૌરવ નાયકને બક્ષે છે. આરૂઢના બંને અર્થ ઊંચે ચડેલું અને દૃઢ, સ્થિર અહીં યથાર્થ ઠરે છે. વહાણમાંના એ એકલવાયા મસ્તકમાં ઊઠતા તરંગોને કાળી વીજળીઓનું સંબોધન કરીને કવિ વહાણવટા પાછળના આંધળુંકિયા સાહસ સુધી અર્થવલયો વિસ્તારે છે. ‘મસ્તક’ શબ્દનું પ્રયોજન પણ સાયાસ છે. પાણી અને વારિ વચ્ચે, ઘોડો અને અશ્વ વચ્ચે જે ફરક છે, એ જ માથું અને મસ્તક વચ્ચે છે. સાચો કવિ એકપણ શબ્દ કાચો પ્રયોજતો નથી. સંસ્કૃતમાં મોટાભાગે ભવભૂતિએ કહ્યું છે: ‘एकः शब्दः सुज्ञातः सुप्रयुक्तः स्वर्गेलोके कामधुग्भवति।’ (એક જ શબ્દને જો બરાબર સમજવામાં આવે અને બરાબર પ્રયોજવામાં આવે તો સ્વર્ગલોકની ઇચ્છા પણ પૂરી થાય છે.)
સુન્દરમની ‘ટિટોડી અને સાગર’ કવિતા તરત જ યાદ આવે, જ્યાં ડુંગર જેવાં જહાજોને ડૂબાડી ચૂકનાર સાગર ટિટોડીના ઈંડાં તાણી જાય છે અને ટિટોડીની વિષ્ટિ-વિનવણીને જ્યારે સાગર અવગણે છે ત્યારે ટિટોડી આખી દુનિયાના પંખીઓને એકઠાં કરે છે અને બધાં જ પંખીઓ ચાંચે જે સમાય એ તરણું કે કાંકરો લઈને દરિયાને પૂરવા માંડે છે. દરિયાનું અભિમાન ઊતરી જાય છે, અને ટિટોડીના ઈંડા લઈને કરગરતો આવે છે. ત્યાં પણ અડગ નિર્ધારનો મહિમા હતો, અહીં પણ એ જ છે. ગુજરાતી કવિતાઓની સર્વપ્રથમ અને સૌથી વિશાળ વેબસાઇટ લયસ્તરો (layastaro.com) પર કવયિત્રી નેહા પુરોહિત આ કાવ્યનું કંઈક આ રીતે અર્થઘટન કરે છે: ‘હલેસાં અને હાથ-પગનો ત્યાગ ભૌતિક સુખ-સગવડના ત્યાગનું પ્રતીક છે. છાતી સહિત ધડને હોમી દેવાની બાબત એટલે હૃદય યાને કે લાગણીઓથી વિચારવાનું બંધ કરીને નાયક હવે ફક્ત મસ્તક, યાને બુદ્ધિથી કામ પાર પાડશે. કાળી વીજળીઓનો મતલબ –હવે આગળ જે થશે એમાં ભાવનાઓનું તેજ નહીં હોય- એવો લઈ શકાય.’ સરવાળે પ્રસ્તુત રચનામાં મનુષ્યને ખતમ કરી શકાય છે પણ પરાસ્ત નહીં એવી વિભાવના ઉજાગર થાય છે. મનુષ્યે કંઈક કરવું જ હોય તો એને અંજામ આપવા માટે કઈ હદ સુધી ત્યાગ કરવા તૈયાર રહેવું પડે છે એ પણ સમજી શકાય છે. બોજનો ત્યાગ કર્યા વિના કોઈ સિદ્ધાર્થ બુદ્ધ બનતો નથી અને નિર્ધારમાંથી પાછીપાની કરીને કોઈ વર્ધમાન મહાવીર નથી બનતો.